બદલાતાં આયામ – ૨

નિબંધ

સ્થળાંતર કરવાની સાથે દુનિયાને તમે કઈ રીતે જુઓ છો તે પણ બદલાતું હોય છે. સ્પષ્ટતા કરી દઉં કે આપણે અહીં રોમમાં રસ-પૂરી અને પેરિસમાં પાતરા શોધતાં મહાનુભાવોની વાત નથી કરતાં. તેઓ એન્ટાર્કટિકા જશે તોયે દુનિયાને ગુજરાતનાં ચશ્મામાંથી જ જોવાનાં છે. એક ભારતીય અને ગુજરાતીનાં ચશ્માથી જોયેલાં અમેરિકા અને ગ્લોબલ સિટીઝનનાં ચશ્માથી જોયેલાં અમેરિકામાં ઘણો ફર્ક છે. સૌથી મોટો ફર્ક એ કે, ભારતીય પ્રતિબંધિતતાને કારણે અમેરિકા વિશેની સૌથી આકર્ષક બાબત ત્યાંની મુક્તતા લાગતી હોય છે. પણ, જ્યારે તેનાં કરતાં વધુ મુક્ત સમાજમાં જ્યારે તમે અનાયાસે જ પ્રવેશ કરો છો ત્યારે ખબર પડે છે કે, ‘મુક્તતા’ સબ્જેક્ટીવ ટર્મ છે. અમેરિકામાં મુક્તતા છે. પણ, એ ફક્ત ત્રીજા વિશ્વની અપેક્ષાએ! અહીં મારાં અમેરિકા અને અમેરિકન્સ વિશેનાં પર્થ આવ્યા ‘પહેલાંનાં’ અને ‘પછીનાં’ વિચારોની. પર્થ આવ્યા પહેલાં મેં જાણેલાં અમેરિકા વિશેનાં વિચારોનો ટૂંક સાર:

અમેરિકા. ‘ધ ગ્રેટ ગેટ્સબી’વાળું અમેરિકા. ગ્રેટ ડિપ્રેશન પહેલાનું અમેરિકા અને ‘અમેરિકન ડ્રીમ’. એ અમેરિકન ડ્રીમની ભૌતિકતાવાદી વૃત્તિ. ગ્રેટ ડિપ્રેશન પછીનું થોડું ઓછું ભૌતિકતાવાદી અમેરિકા. મારાં પપ્પાએ જણાવ્યા મુજબનું જેમને પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ બહુ સરસ રીતે કરતાં આવડે છે તે અમેરિકા. એ અમેરિકા જે ૯/૧૧નાં અટેક પછી પોતાનાં રાષ્ટ્રની અને પોતાનાં લોકોની સુરક્ષા માટે કોઈ કસર નથી છોડતું. એ અમેરિકા જેનાં નેતાઓ દેખીતી રીતે મારાં દેશનાં – ભારતનાં નેતાઓ કરતાં પોતાનાં દેશનાં લોકો માટે વધુ કામ કરે છે એ અમેરિકા જે પોતાનાં ભૌતિકતાવાદથી સમૃદ્ધ થયું અને તેનાંથી ચોખ્ખું દેખાઈ આવે એ રીતે કોઈને બહુ નુકસાન નથી થયું. અમેરિકન મિલિટરીએ ઈરાકમાં અને અફઘાનિસ્તાનમાં ઘણું બધું ખરાબ કર્યું. હિરોશીમા અને નાગાસાકીવાળું પગલું જેમણે લીધું તે બહુ ક્રૂર હતું. એ અમેરિકા જેણે પોતાનાં નાગરિકોને ક્રિએટિવ ફ્રીડમ આપી. જ્યાંથી માઈક્રોસોફ્ટ, ફેસબુક, ગૂગલ, ડોટ કોમ બબલ વગેરે વગેરે આવ્યાં. એ અમેરિકા જ્યાં સી.આઈ.એ, એફ.બી.આઈ વગેરે આવેલાં છે. એ અમેરિકા જ્યાં કદાચ ક્યારેક હું સ્થળાંતર કરવાનું અને રહેવાનું પસંદ કરું. ગ્રેટ ડિપ્રેશન એક વાર તો આવ્યું પણ એ ને એ વસ્તુ ફરીથી થઇ તેનું કારણ શું, કોને ખબર? જ્યાં મારાં અમુક સગા રહે છે એ અમેરિકા. મેરિલીન મનરો, લાસ વેગસ, જાઝ, મેમ્ફિસ શહેર જ્યાં છે એ અમેરિકા. જેણે અમુક ખરાબ પણ ઘણું બધું સારું કર્યું છે તેવું માનતી સત્તર વર્ષની છોકરીએ વિચારેલું અમેરિકા.

પછી એ સત્તર વર્ષની છોકરી થોડી મોટી થઇ. એ હિન્દુસ્તાનથી બહાર નીકળી. અત્યાર સુધી એ છોકરીએ અંગત રીતે ફક્ત ગુજરાતી એન.આર.આઈ અમેરિકન્સને જ જાણ્યા હતાં. એ અમેરિકન્સ પાસે ક્યારેય શોપિંગ, જોબ (પૈસા), ધર્મ, દીકરા/દીકરીનાં લગ્ન, કૌટુંબિક ઝઘડા, કે’તો ‘તો-કે’તી તીવાળી પંચાત, મિલકતની ખટપટ અને/અથવા મોંઘવારી સિવાયની કોઈ વાત ભાગ્યે જ સાંભળી છે. પણ, હવે તે ભારતીય સિવાયનાં અમેરિકન્સને મળી. હું ૨૦૦૯માં એક સેમેસ્ટર માટે મારી યુનિ.નાં ‘સ્ટૂડન્ટ વિલેજ’ એટલે કે યુનિ. કેમ્પસનાં અકોમોડેશનમાં રહેતી. અમારી યુનિ.માં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ચાલતો. આ પ્રોગ્રામ હેઠળ અમારી યુનિ.એ જે જે વિદેશી યુનિ. સાથે કરાર કરેલાં હોય ત્યાંથી અમુક સ્ટુડન્ટ્સ અમારી યુનિ.માં એક સેમેસ્ટર માટે ભણવા આવે અને તે જ રીતે અમારી યુનિ.નાં સ્ટુડન્ટ્સ એક સેમેસ્ટર માટે વિદેશની કોઈ યુનિ.માં જાય. યુનિ. વિલેજનાં ઘણાં ફ્લેટ આખાં અમેરિકન સ્ટુડન્ટ્સથી ભરેલાં હતાં અને વિલેજમાં રહેતાં બાકીનાં ઘણાં બધાં લોકો તેમને ધિક્કારતા. તેમની એક છાપ એવી હતી કે, આ છોકરા-છોકરીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં ઓસ્ટ્રેલિયા ફક્ત એટલા માટે આવે છે કે, તેઓ ૨૧ વર્ષથી નાના હોવા છતાંયે કાયદાકીય રીતે દારુ પી શકે – જે તેઓ અમેરિકામાં નથી કરી શકતાં. કારણ કે, ત્યાં લીગલ ડ્રિન્કિંગ એઈજ ૨૧ વર્ષની છે. તેમની પાર્ટીઝ વીક-ડેમાં પણ ચાલતી હોય અને તેઓ પહેલાં માળે પાર્ટી કરતાં હોય તો ચોથા માળે પણ તેમનાં દેકારા સંભળાતા હોય અને અન્યોને ઊંઘવા પણ ન દે તેટલો ઘોંઘાટ થતો. મારી ત્યારની હાઉઝમેટે એકંદરે દર બે અઠવાડિયે એક વખત વિલેજ સિક્યોરિટીને અવાજ બંધ કરાવવાની ફરિયાદ કરતાં ફોન કર્યાનું યાદ છે.

પછી ધીરે ધીરે ઘણું બધું શીખવા સમજવા મળ્યું. શરૂઆત થઇ યુ.એન વિષે વાત કરવાથી. હું અને ઘણાં બુદ્ધિજીવી મિત્રો ઘણી વખત વર્લ્ડ પોલિટિક્સ વિષે ચર્ચા કરતાં. તે બધાંને કારણે યુ.એન. વિશેની એક બહુ સ્વાભાવિક વાત મને અચાનક રીયલાઈઝ થઇ કે, યુ.એન. ફક્ત નામનું છે. અંતે એ છે તો અમેરિકા જ! દરેક એવરેજ અમેરિકન્સ જેમણે  અમેરિકા બહારની દુનિયા નથી જોઈ (મેજોરીટી) તેઓ અમેરિકા વિષે જે ગુરુતાગ્રંથી ધરાવે છે તે વિશેની વાતો એક અમેરિકન મિત્ર પાસેથી અને અન્ય ઘણાં મિત્રોનાં અનુભવોથી સાંભળી. તે જ અરસામાં વિકીલીક્સ અને વ્હીસલબ્લોઇંગે મીડિયામાં ચર્ચાઓ જગાવી. ત્યારે જાણ્યું કે, અમેરિકન ગવર્ન્મેન્ટનાં પ્રાઈવસી લોનો એક મતલબ એ છે કે, આ ગવર્ન્મેન્ટ પોતાનાં જ નાગરિકોથી ઘણી બધી અગત્યની બાબતો છૂપી રાખી શકે છે અને રાખે છે. બ્લેક અમેરિકન્સનું નામોનિશાન મિટાવવાનાં ઘાતકી પ્રયત્નોની વાત તો આપણી ટેક્સ્ટ-બૂકે ક્યારેય કરી જ નહીં. જ્યારે જ્યારે કોર્પોરેટનાં બેન્ક્રપ્સીનાં હાઈ-પ્રોફાઈલ સ્કેમ થયાં ત્યારે, જ્યારે અમેરિકાનાં સામાન્ય નાગરીકોએ અમુક કોર્પોરેટ ‘વિઝાનરીઝ’નાં કારણે રીસેશન સહન કરવું પડ્યું ત્યારે એ કંપનીઓ અને જવાબદાર વ્યક્તિઓને દંડ ન ફટકારાયો. આ લોકો આજેય જેલમાં નથી. કારણ કે, સરકારનું કહેવું એવું હતું કે, આ સ્કેમ્સ બહુ વધુ પડતાં મોટાં હોવાને કારણે તે બાબત પર પ્રોસીક્યુશન કરવાનો કોઈ અર્થ નથી / પ્રોસીક્યુશન થઇ શકે તેમ નથી. (!!!!!)

આ સિવાય અમેરિકા જેવા કહેવાતાં આધુનિક દેશમાં અમુક રાજ્યો સિવાય ‘સેઈમ સેક્સ મેરેજ’ આજે પણ સ્વિકૃત નથી. ધીમે ધીમે એ પણ જાણ્યું કે, અમેરિકન પોલિટિક્સ હાલ ક્રિશ્ચન એક્સટ્રીમિઝમથી ખદબદે છે (દા.ત. સારાહ પેલિનનાં એબોર્શન વિરુદ્ધનાં જડ વિચારો, ગૂગલ સર્ચમાં ‘ક્રિશ્ચન એક્સટ્રીમિઝમ’ નાંખો એટલે સૌથી પહેલું સજેશન ‘ક્રિશ્ચન એક્સટ્રીમિઝમ ઇન અમેરિકા’ આવે છે વગેરે વગેરે). સ્ટેટીસ્ટિક્સ કહે છે કે, દુનિયામાં ગન-શોટથી થતાં મૃત્યુનાં દેશવાર આંકડામાં સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે. ‘સેલ્ફ ડિફેન્સ’ માટે કોઈ પણ આલિયા-માલિયાને આ દેશ બંદૂક રાખવાની છૂટ આપે છે. આપણે હજુ ૧૯૩૯માં જ છીએ? લે! મને તો ખબર જ નહોતી. મારાં એક સહ-કર્મચારીને હમણાં કામ માટે ટેક્સસ જવાનું થયું હતું. તે બાપડાને સૌથી મોટો ભય ગન-શોટનો હતો. તેને જ નહીં ઘણાં બધાંને છે. આ ઉપરાંત ૯/૧૧ પછી આ ગવર્ન્મેન્ટે બહાર પાડેલાં કાયદાનો સીધો મતલબ એ થાય છે કે, આ સરકાર જે કોઈ શંકાસ્પદ લાગે તેને ચાહે ત્યારે કોઈ ટ્રાયલનાં અધિકાર વિના મારી નાંખી શકે છે. નો ક્વેશ્ચંસ આસ્ક્ડ. જે કોઈએ આરન સ્વાર્ત્ઝનાં સૂસાઈડનાં કેસને ફોલો કર્યો હોય (જે કદાચ ‘સનસની’વાળા ભારતીય મીડિયાએ સાવ જ બાયપાસ કરી નાંખ્યો હશે) તેમને સરકારે કરેલાં ‘પ્રોસીક્યુશનલ અબ્યુઝ’ વિષે બહુ સારી રીતે ખબર હશે. ‘હૂ વોચિઝ ધ વોચર્ઝ?’/’ધણીનું ધણી કોણ?’વાળો પ્રશ્ન આ દેશમાં કદાચ સૌથી વધુ પ્રસ્તુત છે.

અને આ બધું જાણ્યા અને સમજ્યા પછી આજથી ત્રણ વર્ષ પહેલાંનો મારો ‘અમેરિકા જ્યાં હું સ્થળાંતર કરવાનું કે રહેવાનું પસંદ કરું’વાળો વિચાર તો જાણે મારી જ પરવાર્યો છે. અમેરિકા ફરવા જવાની અને એ જગ્યા જોવાની ઈચ્છા મને જરૂર છે પણ વાત ત્યાં અટકી જાય છે. અમેરિકા વિષે સારું આપણે ત્યાં ઘણું બધું સંભળાયું અને લખાયું છે પણ ખબર નહીં કેમ પણ આ  ‘બિગર પિક્ચર’ મોટાં ભાગનાં લોકોને દેખાડાતું જ નથી. આ લખવાનો હેતુ એ દેશ ખરાબ જ છે તેવું દેખાડવાનો નથી પણ, એ દેશ વિષે આપણે ત્યાં મોટાં ભાગનાં લોકોનાં (કે જેમાં હું પોતે ક્યારેક શામેલ થતી) જે એકતરફા વિચારો પ્રવર્તે છે તેનું ખંડન કરવાનો જરૂર છે. હા, ગ્રાન્ડ કેન્યનની પ્રાકૃતિક સુંદરતા, આજે પણ અમેરિકામાં ગમે તે કરી શકવાની, પહેરી શકવાની મુક્તતા વગેરે દુનિયાનાં ઘણાં દેશોની સરખામણીએ સારાં છે. પણ, એ બધાંનું મહત્ત્વ કેટલું? મારાં બાળકો ત્યાં સ્કૂલમાં જતાં હોય તો ત્યાં ગન ફાયરિંગ થવાની શક્યતા કેટલી? ઘણી સારી. જો હું કે મારાં બાળકો જુલીયન અસાંજ જેટલાં બહાદુર અને જીનીયસ બને તો શું ગેરેંટી કે ગવર્ન્મેન્ટ તેમને અને તેમની કરિયરને પતાવી નહીં નાંખે? ગમે તે પહેરી-ઓઢી શકવાની સ્વતંત્રતા અને ગમે તેને જાહેરમાં કિસ કરી શકવાની સ્વતંત્રતા શું હું કાલે ગોળીએ નહીં વિંધાઉં તેની ધરપત કરતાં વધુ મહત્ત્વની છે? (જીવનની આમેય ગેરેંટી નથીવાળી વાહિયાત વાત વિચારતા હો તો જણાવવાનું કે, તમે ઓલરેડી પોઈન્ટ મિસ કરી ચૂક્યા છો અને તેનું કારણ વિસ્તારપૂર્વક જણાવવું જરૂરી નથી સમજતી.)  જેમ જેમ આ બધી બાબતો વિષે વધુ જાણતી જઉં છું તેમ તેમ તેની પોલમપોલ અને ઘાતકીપણા વિશેનો ધિક્કાર વધતો જાય છે. આ જે લખ્યું તે ફક્ત અને ફક્ત અંગત માત નથી. આ ઓપીનિયન આધારભૂત સ્ત્રોતો દ્વારા મળેલી જાણકારી પરથી બંધાયાં છે. જેમને આ વિષે જાણવામાં અને તેની ખરાઈ કરવામાં વધુ રસ હોય તેમને માટે અમુક સ્ત્રોતોની લિંક આ લેખનાં અંતે મૂકું છું. ઘણું બધું ભૂતકાળમાં પણ વાંચ્યું/જોયું છે જેની લિંક્સ મારી વ્યવસ્થિત નોંધ ન કરવાની બેદરકારીને કારણે મળવી મુશ્કેલ છે તેનાં માટે ક્ષમા માગું છું. પણ, જેમ જેમ વધુ મટીરિયલ મને મળશે તેમ તેમ એ બધી લિંક અહીં નીચે મૂકતી રહીશ. અંતે, ચાઈનાવાળી પોસ્ટની જેમ આ પોસ્ટમાં પણ ટેગ મૂકવાથી ડરું છું. કારણ? યુ નેવર નો હૂ ઈઝ વોચિંગ!

રેફરન્સ:

http://www.guardian.co.uk/commentisfree/2013/jan/16/ortiz-heymann-swartz-accountability-abuse

http://www.guardian.co.uk/commentisfree/2013/jan/27/obama-war-on-whistleblowers-purpose

http://www.guardian.co.uk/commentisfree/2013/feb/13/italy-cia-rendition-abu-omar

http://www.wired.com/threatlevel/2013/01/court-rules/

http://www.pbs.org/wgbh/pages/frontline/untouchables/

http://www.guardian.co.uk/commentisfree/2013/jan/23/untouchables-wall-street-prosecutions-obama

http://tv.msnbc.com/2013/01/16/creationism-spreading-in-schools-thanks-to-vouchers/

જ્યારે ને ત્યારે પોતાનાં ઓપીનિયન ધરાવવાનો અધિકાર હોવાની સફ્ફાઈ ઠોકવાનાં શોખીનો માટે નીચેનો લેખ (જો આ વાંચવું અઘરું લાગતું હોય અને મને એ જણાવશો તો હું બહુ ખુશીથી આનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરીશ.):

https://theconversation.edu.au/no-youre-not-entitled-to-your-opinion-9978

જાત સાથે ઓળખાણ

નિબંધ

ગયા બાર દિવસની રજાઓમાં મેં આ એક કામ સૌથી વધુ કર્યું છે. પુસ્તકો પકડીને બેસી રહેવાનું આખો દિવસ. પૈસાનાં આભારે થોડાં મહિનાથી એકલતાનું રૂપાંતર એકાંતમાં થતાં વાર નથી લાગી. મારી આ ઉંમરને મારાં બાળપણનું એક્સ્ટેન્શન બનાવવાનાં પ્રયત્નો સફળ થઇ રહ્યા હોય તેવું લાગે છે. બાળપણનું એક્સ્ટેન્શન એ શું વળી? Let me explain. આપણે બધાં જ્યારે નાના હતાં ત્યારે આપણામાંથી મોટાં ભાગનાંને મોટાં થવું હતું. આ મોટાં થવાનું સૌથી અગત્યનું કારણ એ કે, આપણને એમ હતું કે નાના છીએ તો મોટાંનું સાંભળવું પડે છે. પણ, મોટાં થયા પછી આપણે કોઈનું સાંભળવું નહીં  પડે અને મન ફાવે તેમ કરી શકીએ. Damn that was a trap! મોટાંઓએ ક્યારેય એ તો કળાવા જ ન દીધું કે, મોટાં થયા પછી એ બચ્ચા પર ભલે હુકમ ચલાવતાં હોય પણ પોતે ‘સોસાયટી’ નામનાં બિગડેડીનું સાંભળે છે અને વળી ઈનવિઝીબલ સ્કાયડેડી (ઉર્ફે ભગવાન) લટકામાં! એની વે એમનું જે થયું તે. હવે રહ્યાં બાકીનાં મોટાં લોકો જે બિગડેડી કે સ્કાયડેડી બેમાંથી  કોઈનું નથી સાંભળતાં. આમાંથી મોટાં ભાગનાંએ પરિસ્થિતિનું સાંભળવું પડે છે. મારો પણ એવો એક સમય હતો દરેકની જેમ. એકલા પડ્યા પછી સર્વાઈવલનાં પ્રશ્નએ અને જવાબદારીનાં ભારે ઘણું બધું ભૂલાવી દીધું હતું અને જે નહોતી ભૂલી તે ન કરી શકવાનાં રંજ સિવાય કંઈ થઇ શકે એમ નહોતું.

આવું લગભગ ૩ વર્ષ ચાલ્યું. પબ્લિક ટ્રાન્સપોર્ટની પરવશતા અને પૈસાની હંમેશની કટોકટી ભેગી થઈને નહોતી ક્યાંય જવા દેતી કે ન તો યુનીવર્સીટી કે કામ સિવાય કશું કરવા દેતી. પણ સમય અને સંજોગો ક્યારેય કોઈનાં સ્થાયી નથી રહેતાં. મારાં પણ બદલાયાં. ગાડી આવી ૬ મહિના પહેલાં. મેં ફરવાનું શરુ કર્યું. ભણવાનું પત્યું અને ફુલ-ટાઈમ કામ અર્થાત્ પૈસા આવ્યાં એટલે તેને વાપરી શકવાનાં સ્કોપ વધ્યાં. બાળપણે જે કંઈ નાનું, મોટું, ડાહ્યું, ગાંડું કરવાનાં અભરખા રાખ્યા હતા એ બધું કરવાનું શરુ કર્યું. શરૂઆત થઇ ચિક્કાર ચિક્કાર સોશીયાલાઈઝીંગથી. That’s what all the young people are doing here! તમે યુવાન હો તો તમને બધાં એ જ કહેશે. ગો પાર્ટી! હેવ ફન. આ સિલસિલો થોડાં મહિના ચાલ્યો પછી કંટાળો આવ્યો. બહુ કંટાળો. લાગ્યું કે, ‘ફન’ની વ્યાખ્યા તો દરેક બાબતની જેમ અહીં પણ એક વાડામાં બંધાઈ ગઈ છે. એક તો માંડ ૨ દિવસ અઠવાડિયાનાં મળતાં હોય તેમાંય જો ૧ દિવસ મોડાં ઉઠવાનું રાખું અને જો બીજો દિવસ વાદળછાયો નીકળ્યો તો પત્યું. ક્યાંયે બહાર નીકળી ન શકાય. વળી, મારાં વિચિત્ર મગજને એવા વહેમ છે કે, ૯ વાગ્યા સુધીમાં જો દિવસ શરુ ન થાયો તો પછી આખો દિવસ વેડફાયો. પછી મને કંટાળો જ આવે રાખે આખો દિવસ. આ ન પોસાય. એટલે ધીમે ધીમે સોશીયાલાઈઝીંગ બંધ કર્યું કારણ કે, એ પોઇન્ટલેસ લાગવા માંડ્યું. ૨૦માં વર્ષે જે કરવાની મઝા માણી એ કરીને હવે ધરવ થયો. ૨૧મા વર્ષે હું બદલાઈ. સમય કેટલો ઓછો છે તેનું ભાન રોજ રોજ થતું. કોને ખબર આ શરીર ક્યારે જવાબ દેવા માંડે. આંખ, હાથ, પગ આ બધું નકામું થાય તો? મારે કેટલું બધું કરવું છે! આ બધું કરવાનો સમય નહીં રહે તો? એકાંતે વિચારતી કરી અને મારી જાતથી મારે પોતાને શું જોઈએ છે તેનાં સાક્ષાત્કારથી વધુ ને વધુ નજીક.

મારી સાથે સમાન રસ કે પ્રવૃત્તિ શેર કરતાં મારાં મિત્રો નથી અહીં. હોય તો તેમનું પોતાનું ગ્રૂપ છે જેમાં તેઓ સક્રિય રહે છે. આનો એક મતલબ એ પણ થાય કે, હું જે મિત્રો સાથે સોશિયલાઇઝ કરતી હતી એ લોકો સાથે નકામી વાતો કરવી પડતી. અમુક અમુક વખત અમુક બકવાસ સાંભળીને મને એક-બે અડબોથ નાંખવાનું મન પણ થતું. Screw that. પણ, બેસ્ટ પાર્ટ એ છે કે, આ બધું અવોઈડેબલ છે. એ મેં કર્યું. પોતાને દિલથી ઈચ્છા થાય તે સિવાય ક્યાંયે જવાનું નહીં. પછી શરૂઆત થઇ મોજની. ખરી મોજની. હોઉં હું એકલી જ એટલે મારે જે કરવું હોય તે અન્યને ગમશે કે નહીં તેની તો જાણે ચિંતા જ નથી. એક દિવસ મન થયું તો સવારથી રાત ફ્રિમેન્ટલનાં લાઈટહાઉઝ પર ગઈ. ત્યાં કારમાં બેસી પગ લંબાવીને વાંચવાનું શરુ કર્યું. એક તરફ ઘૂઘવાતો સમંદર અને મોજાંનાં અવાજ અને બીજી બાજુ સૂસવાટા મારતાં પવનથી બચતી કારમાં બુક સાથે બેઠેલી હું. મોડી બપોરે થોડી ઊંઘ આવવાની શરુ થઇ. નો પ્રોબ્લેમ્સ! પાછલી સીટ પર પગ લાંબા કરીને શાંતિથી સુઈ શકું એટલી ઓછી હાઈટનું મને વરદાન છે. પબ્લિક પ્લેસ હતી. માણસો પણ ઘણાં હતાં. But, who cares? I certainly don’t. થોડી ઊંઘ કરી ઊઠીને ફરી બૂક. મન પડે ત્યાં સુધી બેસવાનું. કોઈ હેરાન ન કરે. અહીં ગમે ત્યારે ફોન કરીને હેરાન કરે તેવુંયે મારું કોઈ નથી. એવી જ રીતે ઘરથી લગભગ ૧૦ મિનિટનાં અંતરે થોડી ઝાડીઓ આવેલી છે. જંગલ જેવું. એ એક નેચરલ રિઝર્વ છે. સવાર બપોર સાંજ ગમે ત્યારે જાઓ માંડ ૩-૪ માણસો જોવા મળે આખા દિવસમાં. ત્યાં અંદર એક લેક છે. તેની પર નાની લાકડાની એક જેટી. આજુ બાજુ ફક્ત લીલોતરી, સામે પાણીનું તળાવ અને અવાજ ફક્ત પક્ષીઓ અને જંતુઓનાં. ક્યારેક એકાદું હેલીકોપ્ટર પસાર થતું હોય તો તે સંભળાય બસ. ત્યાં આખાં આખાં દિવસો કાઢ્યાં છે. પુસ્તકો વાંચું, ચાલતાં ચાલતાં ઠેકડા મારું, નાચું, ગીતો ગાઉં.

ફ્રીડમનો ખરો અહેહાસ થાય છે આજ કાલ. મન ફાવે ત્યારે હ્યુમાનિટીથી દૂર – in middle of nowhere. જ્યારે હ્યુમાનિટીમાં હોઉં ત્યારે ઈચ્છા પડે એ જ કરવાની સ્વતંત્રતા અભૂતપૂર્વ છે. નાની હતી ત્યારે મારે મન ફાવે ત્યારે મન ફાવે તે અને મન ફાવે ત્યાં વાંચવું હતું, નૃત્ય સારી રીતે શીખવું હતું, ગમે તે દોરવું અને પેઈન્ટ કરવું હતું અને આ બધું કોઈની ટક-ટક વિના. કોઈનાં જજમેન્ટ વિના. આ બધું પૈસા નહોતાં ત્યારે શક્ય નહોતું. પુસ્તકો ખરીદવા પૈસા જોઈએ, સુંદર જગ્યાઓએ ઈચ્છા પડે તેમ જવા માટે ટ્રાન્સપોર્ટની સ્વતંત્રતા જોઈએ, પેઈન્ટ કરવા અને દોરવા માટે સામાન ખરીદવો પડે. પૈસા આવ્યાં પછી શરૂઆતમાં અમુક મેં એવું થોડું કર્યું જે મેં અત્યાર સુધી યુનીવર્સીટીમાં સ્ટુડન્ટ લાઈફમાં મિસ કર્યું. પાર્ટીઝ  એન્ડ સોશીયાલાઈઝીંગ. તેનો એક નિશ્ચિત સમય હતો. એ સમય પૂરો થઇ ગયો. I am over it. પણ, હવે સેટલ બેટલ થવાનાં મને કોઈ અભરખાં નથી. મારે બસ કામ કરવું છે. ક્રિએટિવ કામ. એ ક્રિયેશન ભલે ગમે તેનું હોય. રંગોનું, મૂવમેન્ટ્સનું કે શબ્દોનું. બાળક તરીકે મારે હંમેશા આ બનવું હતું. પણ, થોડો સમય જીવન થોડું વેર વિખેર થઇ ગયું.  અંતે મારાં બાળપણનું કંઈ પણ કરવાનું, કંઈ પણ પહેરવાનું, ક્યાંય પણ જવાનું, ગમે ત્યારે જવાનું, ગમે તેની સાથે જવાનું, ગમતાં લોકોને જ મળવાનું અને ગમતું કામ જ કરવાનું, આ સ્વપ્ન સાકાર કરી શકવાની સમર્થતા આવી. જે એકલતા અહીં ત્રણ વર્ષ ખટકી તેની તબદિલી એકાંતમાં થઇ ગઈ. એકાંત ગમે છે મને. ભલે ક્યારેક એકલતા સાલે તો પણ આ સ્વતંત્રતા હું કોઈ પણ કિંમતે જતી ન કરું. અજાણ્યાં લોકો વચ્ચે રહેવાનો આ સૌથી મોટો ફાયદો છે. Nobody is watching you. Nobody cares. You have the ability to have a social secret life if you want. You can surprise yourself. Do things you never thought you would. You can change every day. Every hour. You can be a different person to every next person you meet.

Dance, draw scenaries, draw naked people, shout, scream, be quite, talk, don’t talk, show the middle finger, show sympathy, laugh, cry, decide never to cry, get angry, sing your songs, get drunk, get laid, stop talking to people, love, hate, be loved, be hated, watch strippers, read philosophy, read Ghalib, read Dostoevsky, watch porn, listen to Nusrat Fateh Ali, listen to cheezy bollywood, call friends, sleep at 10pm, sleep at 6am, jump in water, break a bone, switch off phone, go places, stay home, watch, read, listen, eat, drink, think, analyze … Endless possibilities. Find yourself!

મેઘધનુષ્ય અને હું

નિબંધ, પર્થ

મેઘધનુષ – રેઈનબો એ સમગ્ર દુનિયામાં ગે-પ્રાઈડનું એલ.જી.બી.ટી કમ્યુનિટીનું ચિહ્ન છે. આ મેઘધનુષનો મતલબ મારાં માટે રોજબરોજનાં જીવનમાં શું છે એ અહીં કહીશ. બીઈંગ ગે એન્ડ વોટ ઈટ મીન્સ ટુ મી. આ પહેલાં લખેલી વાત ગ્લોબલ હતી. પરિસ્થિતિનું બહુ સામાન્ય વૈશ્વિક અને સામાજિક સ્તરે વર્ણન અને એક નાગરિક તરીકે મારાં માટે તેનો મતલબ શું છે તેની વાત. જ્યારે આ પોસ્ટ એ મારાં અંગત અનુભવોની અને અન્ય મિત્રો પાસે સાંભળેલાં તેમનાં અનુભવોની વાત છે. આ વાત એક વ્યક્તિ તરીકે, એક પ્રવાસી તરીકે મેં મારી આસ-પાસનાં ગે,લેસ્બિયન અને બાઇસેક્શુઅલ્સમાં જોયેલાં વ્યક્તિગત આયામો અને અંગત લાગણીઓની છે.

શરૂઆત કરું મલિસ્સાથી. આગળની પોસ્ટમાં કહ્યું હતું તેમ આ વ્યક્તિ શું છે, શું નહીં એ મને હજુયે ખબર નથી પડી. એ હંમેશા ખુલતું શર્ટ અને જીન્સ પહેરતી. એકવડો બાંધો, વાળમાં ડ્રેડલોકસ, થોડો ઘાટો અવાજ અને મોં પર થોડાં એકદમ આછી મૂંછ જેવાં શેવ ન કરેલાં વાળ. તેની એક્સ ગર્લફ્રેન્ડસ વિષે મેં સાંભળ્યું હતું. વ્યક્તિ તરીકે મલિસ્સા બહુ મસ્ત હતી. સોશિયલ એક્ટીવિઝમમાં આગળ પડતી.  ગિલ્ડમાં વિમેન્સ કલેકટીવ અને એવું પણ ઘણું બધું હતું. તેને મળી ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. કંઈ કામ મળતું નહોતું. એ યુનીવર્સીટીમાં જૂદા-જૂદા ઘણાં લોકો સાથે મારી ઓળખાણ કરાવતી અને જો તેમનાં પાસે મારાં લાયક કંઈ કામ હોય તો મને જણાવવા ભલામણ પણ કરતી. અમે એક વખત લગ્નની વાત કરતાં હતાં ત્યારે તેણે કહ્યું હતું એ મને યાદ છે કે, મારાં માતા-પિતા છેલ્લાં ૨૦ વર્ષથી સાથે છે. તેમની સહમતિથી સાથે છે. કોઈ પ્રકારનાં લગ્ન વિના! મલિસ્સા પોતે લેસ્બિયન હતી કે ટ્રાન્સજેન્ડર એ મને આજ સુધી ખબર નથી પડી. આ બધું પૂછવામાં હું બહ છોછ અનુભવું છું અંગત રીતે. વળી, એ વ્યક્તિ તરીકે શું છે તે જાણવું મારાં માટે પૂરતું હતું. એટલે બાકીનું કંઈ જાણવાની મને જરૂર પણ નહોતી લાગી.

વેલેરી બાઇસેક્શુઅલ છે. તે એકદમ ફેમિનીન છે. મલિસ્સાને જોઉં તો આજે મને અંદાજ આવી જાય કે તે કદાચ બુચ લેસ્બિયન (‘બુચ’ એ છોકરીઓ માટે વપરાય છે જેની ઓવરઓલ સ્ટાઈલ છોકરાઓ જેવી હોય. ટીપીકલી ટૂંકા વાળ, શર્ટ અને પેન્ટ અને બોલ-ચાલની સ્ટાઈલ પણ છોકરાઓ જેવી) છે. પણ, વેલેરીને આમ ને આમ રસ્તામાં જોઉં તો ખબર ન પડે. મને સૌથી પહેલી વાર અને પછીની દરેક વાર જ્યાં સુધી હું બહુ લોકોને ઓળખતી નહીં ત્યારે ક્લબિંગ લઇ જવાવાળી તે. તે મને તેની નાની બહેનની જેમ રાખે. કલબ્સમાં મારાં પર કોઈ વિચિત્ર છોકરાઓ હિટ ન કરે, કોઈ તકલીફ ન પડે મને તેનું ધ્યાન હંમેશા તે રાખતી. છેલ્લે એકાદ મહિના પહેલાં ક્લબ ગયા ત્યારે મારી વિંગ-ગર્લ એ હતી. તેનો અવાજ એકદમ તીણો છે. જો એ ઍલેક્સ સાથે ન હોત તો કોઈ છોકરી સાથે હોત. એ છોકરીનો ફોટો તેણે મને દેખાડ્યો છે. જ્યારે, વેલેરીનો બોયફ્રેન્ડ અને મારો ફ્રેન્ડ ઍલેક્સ લેસ્બિયન્સ વિષે રસપ્રદ મત ધરાવે છે. તેણે એક વખત ‘સ્લટ લેસ્બિયન્સ’ તેવો શબ્દપ્રયોગ કર્યો હતો. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, તે એવું કેમ કહે છે. ત્યારે તેણે મને કહ્યું હતું કે, એ એવું એટલા માટે કહે છે કારણ કે, મોટાં ભાગે ‘સ્લટ’ ની ટ્રેડીશનલ વ્યાખ્યામાં એક સ્ત્રી જે એક કરતાં વધુ પુરુષો સામે બહુ ઓછાં સમયાંતરે પગ ફેલાવે તે સ્લટ કહેવાય છે. અને એટલે ઘણી લેસ્બિયન્સ તેવું એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે કરતાં કોઈ ગિલ્ટ નથી અનુભવતી હોતી. તેનાં મત મુજબ લેસ્બિયન્સ સામાન્ય રીતે વારંવાર અને બહુ જલ્દી સાથી બદલતી રહે છે એટલે તેણે સ્લટ લેસ્બિયન એવો પ્રયોગ કર્યો.

ઍલેક્સનો એક મિત્ર ફિલિપ ગે છે. તેને જોતાં ખબર ન પડે. તેની વાત થોડી વિચિત્ર છે. ફિલિપને ચર્ચમાં પ્રીસ્ટ બનવું હતું. પણ, તેણે ચર્ચને કહ્યું કે તે ગે છે ત્યારે તેમણે તેને પ્રીસ્ટ ન બનવા દીધો. પછી તેણે પોતાની સેક્શુઆલીટી પરાણે બદલવાની કોશિશ કરી. પછી ફરી તેને પ્રીસ્ટ નહોતું બનવું. તે નાસ્તિક બન્યો અને ફરીથી પોતે જે હતો તેનો તે થઇ ગયો. ક્વિન્ટન નામનો એક ફ્રેંચ છોકરો છે જેને હું યુનીવર્સીટી કેમ્પસમાં રહેતી ત્યારથી- પહેલાં સેમેસ્ટરથી ઓળખું છું. HOT! એ છોકરો ગાઈ શકે છે અને પિઆનો વગાડે છે. જ્યારે મને ખબર પડી કે એ ગે છે ત્યારે મારું મોં પડી ગયું! જો કે, એ અનપેક્ષિત નહોતું. ક્વિન્ટન ટિપિકલ ગે છે. અમેઝિંગ ડ્રેસિંગ સેન્સ, ટેસ્ટ ફોર મ્યુઝીક, ગાઈ શકે છે, ફેમિનીન મેનરીઝમ્સ! તેને મળો એટલે શરૂઆત ‘હે ડાર્લિંગ!’થી કરે. ડ્રામા-ક્વીન પણ ખરો ;) આ ઘરમાં ગયા વર્ષે આવી ત્યારે ખબર પડી કે, ક્વિન્ટન મારી હાઉઝમેટ અડેલનો પણ મિત્ર છે. અડેલ કહેતી હતી કે, ક્વિન્ટનનો અત્યારનો બોયફ્રેન્ડ is the hottest thing! પછી અમે લોકોએ તેનાં બોયફ્રેન્ડનાં ફોટોગ્રાફ્સ જોયાં. OMG! ટિપિકલ ઇટાલિયન હિરો જેવો બાંધો, દેખાવ અને ફ્રેંચ એક્સેન્ટ. તે બંને દેખાવથી બહુ સુંદર કપલ છે. સાંભળ્યું છે કે, તેમણે ગયાં વર્ષે સગાઇ કરી.

અડેલનો એક મિત્ર છે અર્શદ. એ મલય છે અને ગે છે. તે પણ ટિપિકલ ગે છે. ફેમિનીન મેનરીઝમ વગેરે વગેરે. એ બહુ ક્યુટ છે. તેની સાથે હંમેશા મજા આવે. મારો મુંબઈનો મિત્ર જે ગે છે એ મારાંથી નાનો છે. તેની સાથેનો મારો સંબંધ બહુ અલગ છે. અમે બહુ નજીક છીએ. ગયાં વર્ષે તે ઘણી વખત જ્યારે ને ત્યારે ‘.. કારણ કે, હું ગે છું’ આ ઉદ્ગારને ઘણી વખત દલીલ તરીકે વાપરતો. એક વખત મને બહુ ગુસ્સો આવ્યો હતો ત્યારે મને યાદ છે મેં તેને કહ્યું હતું કે, યાદ રાખ તારી સેક્શુઆલીટી એ તારી પર્સનાલીટીનો એક ભાગ છે. તુ શું છો એક વ્યક્તિ તરીકે તેનો એક ભાગ તારી સેક્શુઆલીટી ‘પણ’ છે. તારી સેક્શુઆલીટી ‘જ’ નથી. Don’t carry the weight of your sexuality everywhere you go. Doesn’t matter. You don’t have to tell the whole world about it and nobody will know until you tell them. It doesn’t matter outside of your bed. Nobody cares! What people care about is what you do. What you do is a bigger part of who you are.  એ છોકરો બહુ તેજ છે. મીડિયા અને માર્કેટિંગ ભણે છે અને મને ખાતરી છે કે, એ કૈંક સારું કરશે તેનાં જીવનમાં. મને છેલ્લાં એક વર્ષમાં મળેલી ‘આઈ લાવ યુ’ નોટ્સ અને નાના હાર્ટ કદાચ સૌથી વધુ તેની તરફથી આવેલાં હશે. :)

પર્થમાં એક એક ગે બાર છે. તેનું નામ ‘ધ કોર્ટ’. પણ, ગે બાર એટલે ફક્ત ગે-લેસ્બિયન-બાઇસેક્શુઅલ જ જઈ શકે તેવું નહીં. બધાં જઈ શકે પણ બહુમતિ ગે,લેસ્બિયન,બાઇસેક્શુઅલની હોય. બહુ મસ્ત જગ્યા છે. તેનાં હાઉઝ ડીજે અને મ્યુઝિક બહુ સરસ હોય છે. હું, અડેલ અને જીઝેલ અમે ત્રણેય હાલતાં ‘ને ચાલતાં ત્યાં જતાં હોઈએ છીએ. અમે મુક્ત રીતે નાચી શકીએ. કોઈ વિચિત્ર છોકરાઓ અમારાં પર હીટ ન કરે. જો કોઈ છોકરો ‘ના’માં ન સમજે તો અમે લેસ્બિયન હોવાનો ડોળ કરી શકીએ અને કોઈ છોકરી ન સમજે તો સ્ટ્રેટ હોવાનો! ;) આવી જગ્યાઓમાં પિંક શર્ટનો સીધો મતલબ તમે ગે છો તેવો થાય! સ્કીન-ટાઈટ જીન્સ પહેર્યું હોય તો પણ લોકો તેવું અનુમાન લગાવે કે, તમે ગે છો. ગે છોકરાઓની અન્ય ગે છોકરાઓને પિછાણી શકવાની સેન્સ બહુ જોરદાર હોય છે. જો તમે સ્ટ્રેટ હો તો સામાન્ય રીતે તે તમારાંમાં રસ લેવાનું તો દૂર પણ તમને બોલાવશે પણ નહીં. ભારતમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં ગે છોકરાઓએ સ્ટ્રેટ છોકરાઓ પર અટેક કર્યા હોવાની વાત સાંભળી છે. અડેલ કહે છે કે, ગે છોકરાઓ તમે સ્ટ્રેટ હો તો તમને હેરાન ન કરે સામાન્ય રીતે. પણ, લેસ્બિયન છોકરીઓ તો તેમને ખબર હોય કે તમે સ્ટ્રેટ છો તોયે એક વખત ટ્રાઈ તો કરી જ લે. મને અંગત રીતે તેવાં કોઈ અનુભવ નથી. ભારતમાં રહેતી એક હોસ્ટેલાઈટને ઓળખું છું જે બાઇસેક્શુઅલ છે. તે કહે છે કે, ગર્લ્સ હોસ્ટેલમાં ત્યાં ઘણી છોકરીઓ એક-બીજા સાથે શારીરિક સંબંધ ધરાવતી હોય છે. પણ, સાથી તરીકે તેઓ હંમેશા છોકરાઓ તરફ ઢળતી હોય છે. મારો કલીગ મેટ એટલો ઓપનલી ગે હતો કે, એ પોતે ગે લોકો પર જોક્સ કરતો. અને અંતે, આ બધું જોઇને મેં પોતે એક વખત મારી જાતને સવાલ કર્યો હતો કે, હું ખરેખર મારી પોતાની ચોઈસથી સ્ટ્રેટ જ છું ને? જવાબ મળ્યો ‘હા’. :)

IMG_0496

ધ કોર્ટ – પર્થનો એકમાત્ર ઓફિશિયલી ગે બાર/ક્લબ

પ્રેમ અને જાતિ

નિબંધ

મારી યુનિવર્સિટીમાં દર ગુરુવારે નાની માર્કેટ ભરાય છે. ઘણાં બધાં સ્ટૂડન્ટ ગિલ્ડનાં અને સ્ટૂડન્ટ ક્લબનાં સ્ટોલ લાઈબ્રેરીની બરાબર સામે લાગેલાં હોય છે. ૨૦૦૯માં પહેલી વખત આ સ્ટોલ જોયા હતાં. અમુક સમય પછી મારો પરિચય મલિસ્સા સાથે થયો હતો. વિમેન્સ કલેક્ટીવની એ પ્રેસીડન્ટ હતી. હિપ્પી જેવો દેખાવ, વાળમાં ડ્રેડલોક્સ પણ સ્વભાવે એ બહુ મળતાવડી હતી. એ એક વર્ષ પછી મેં મલિસ્સાને કેમ્પસ પર ક્યારેય નથી જોઈ. તેનો નંબર પણ હવે મારી પાસે નથી. તેને મળ્યાં પછી મને એવું લાગ્યું હતું કે, તેનાં વિશે કંઇક વાત અસામાન્ય હતી. પણ, એ શું એ મને ક્યારેય ખબર ન પડી. એક વખત ગુરુવારે અમે વિમેન્સ કલેકટીવનાં સ્ટોલ પર ઊભા હતાં અને અમારી બાજુમાં એક ‘રેઈનબો પ્રાઈડ’નો સ્ટોલ હતો. ત્યારે તેણે મને પૂછ્યું હતું કે, હું આ બાબતે શું વિચારું છું. મને ખબર નહોતી રેઈનબો પ્રાઈડ શું છે એટલે મેં તેને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું એ એલ.જી.બિ.ટી.નાં ઈશ્યુ પર જાગૃતિ લાવવાનું કામ કરે છે. એલ.જી.બિ.ટી.?! તેણે કહ્યું ‘લેસ્બિયન, ગે, બાઈ-સેક્શુઅલ, ટ્રાન્સજેન્ડર’.

ત્યારે મને એક જ વિચાર આવ્યો. “O wow. So, this thing is real”. અત્યાર સુધી મેં પોતે બહુ વિચાર્યું નહોતું કે, આ વિષય પર મારું સ્ટેન્ડ શું છે કારણ કે, મને કોઈએ પૂછ્યું નહોતું અને આપણાં જેવાં સમાજમાં રહીને મને ક્યારેય આ બાબતે વિચારવાની જરૂર નહોતી પડી. જો કે, ભારતમાં રહેતાં મેં ચિત્રલેખામાં માનવેન્દ્રસિંહ ગોહિલની વાત જ્યારે છાપે ચડી હતી ત્યારે આછું પાતળું ચિત્રલેખામાં આપણે ત્યાં રહેલી અન્ડરગ્રાઉન્ડ એલ.જી.બિ.ટી કમ્યુનિટી વિશે વાંચ્યું હતું અને ત્યારે તે વાંચીને ખબર પડી હતી કે, આ લોકોને તકલીફ થાય છે સમાજમાં. પણ, આ વિષયે મારું જ્ઞાન એ એકાદ-બે આર્ટિકલ પૂરતું સીમિત હતું. હા, એક બાબતે હું વર્ષોથી ક્લિઅર હતી કે, ગમે તે ગમે તેની સાથે ગમે તેટલી વાર અને ગમે ત્યાં સુવે, ઇટ્સ નન ઓફ માય બિઝનેસ. ક્યારેય છે નહીં, હતો નહીં અને હશે નહીં. કોઈએ પોતાની જિંદગી કઈ રીતે જીવવી એ તેઓનો પ્રશ્ન છે મારો નહીં. કદાચ એટલે જ એલ.જી.બિ.ટી વિશે મારો ઓપિનિયન નક્કી કરવામાં મને બહુ વાર ન લાગી. હું તેમને સપોર્ટ કરું છું એવું નક્કી થઇ ગયું. પણ, આ હજુ આ ફક્ત મુદ્દાનું ઉપરનું સ્તર છે. કાશ દોસ્તાનામાં જોયું એટલું ફની આ હોત!

થોડો સમય ગયો પછી મારાં સંપર્કમાં ઘણાં ગે, લેસ્બિયન અને બાઈ-સેક્શુઅલ લોકો આવ્યાં. (ટ્રાન્સજેન્ડરનો મુદ્દો થોડો અલગ છે) આ બધાં લોકોને ફક્ત અને ફક્ત તેમનાં પાર્ટનરનાં પ્રેફરન્સને કારણે કેટલાં સામાજિક અને રાજકીય ભેદ-ભાવ અને તકલીફો સહન કરવાં પડ્યાં છે તેનાં વિશે મેં જાણ્યું. આ બધી બાબતોમાં એક વસ્તુ બહુ અગત્યની છે. જ્યાં સુધી તમારાં પોતાનાં મિત્ર કે નજીકની કોઈ વ્યક્તિ સાથે બને નહીં ત્યાં સુધી આવા સામાજિક મુદ્દા આપણને બહુ દૂર લાગતાં હોય છે. અને જેવું કોઈ વિકટીમ આપણી આસપાસ આપણાં ગાઢ સંપર્કમાં આવે કે, પુસ્તકો અને મેગેઝીનમાં વાંચેલી આ વાર્તાઓ આપણાં માટે અચાનક હકીકત બની જાય છે. ત્યારે આ મુદ્દા આપણી પોતાની હકીકત બની જાય છે અને પછી આપણે વિચારતાં થઈએ છીએ. જે બધી બાબતો આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ એ બધું મેળવવું અમુક લોકો માટે કેટલું અઘરું હોય છે! અને તે પણ કોઈ નક્કર કારણ વિના.

મારી એક મિત્ર વેલેરી (અમે તેણે વી કહીએ છીએ) એશિયન બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તે તેનાં મમ્મી અને નાની બહેન સાથે રહે છે. તેનાં મમ્મી ચાઇનીઝ-ભારતીય મિક્સ છે અને સિંગાપોરમાં જન્મેલાં અને ઉછરેલાં છે. વી બાઇસેક્શુઅલ છે. પણ, તેનાં મમ્મીને આ વિશે નથી ખબર. અમારે કોઈએ ભૂલથી પણ આ વિશે તેનાં મમ્મીની હાજરીમાં કંઈ બોલવાનું નથી. જો કે, હવે તો તેને ખબર પડે તેમ પણ નથી.એ છેલ્લા ૪ વર્ષથી ઍલેક્સ સાથે છે અને તે બંને રિલેશનશિપમાં છે. તે બંને જૂદાં પડે તેવી કોઈ શક્યતા નથી. ઍલેક્સ સાથે અને અન્યો સાથે આ સમયગાળામાં વાત કરતાં મને ખબર પડી કે, ગે, લેસ્બિયન અને બાઇસેક્શુઅલ લોકોની સમાજમાં કમી નથી અને છતાંયે તેમની હાજરી સ્વીકારવામાં સમાજ અચકાય છે. ધાર્મિકો તેમાં સૌથી પહેલાં છે. મોટાં ભાગનાં ધર્મો હોમો-સેક્શુઆલિટીને પાપ ગણાવે છે (હિંદુ અને બૌદ્ધ આ વિશે કશું કહેતાં હોવાનું મારાં ધ્યાનમાં નથી). અને એટલે તેઓ ‘પાપી’ઓ ને સમાજમાં સ્વીકારવાની ના પાડે છે. આ લોકો એ નથી સમજતાં કે, તમે જે ધર્મની વાત કરો છો એ તમારો પોતાનો અંગત ધર્મ છે. જે લોકો તેમાં નથી માનતાં તે કદાચ નરકમાં સળગે તો પણ તમારે શું?

મારો એક કલીગ હતો મેથ્યુ (મેટ). મેટ અમેરિકામાં જન્મેલો અને ઉછરેલો છે. તેને જેફ નામનાં એક કોરિયન સાથે પ્રેમ થયો. એ સમયે અમેરિકામાં કાયદાનાં અભાવે એ જેફને પોતાનાં સાથી તરીકે અમેરિકા ન લાવી શક્યો. અંતે તે બંનેએ ઓસ્ટ્રેલિયા આવવાનું નક્કી કર્યું. અહીં કાયદાની નજરમાં લગ્ન કર્યાં અને તે બંને છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને પરણેલાં છે. મેટને અનિચ્છાએ પણ પોતાનું ઘર, પોતાનો દેશ છોડવો પડ્યો. ફક્ત એટલા માટે કે, તેને સ્ત્રીને બદલે એક પુરુષ સાથે પ્રેમ થયો. એ તેની મમ્મીની બહુ નજીક છે. પણ, તેને પરાણે અહીં આવવું પડ્યું અને એટલે તેની મમ્મીથી દૂર થવું પડ્યું. આ બધું જોયા પછી હવે હું ખુલ્લી રીતે ગે રાઈટ્સને સપોર્ટ કરું છું. તેમાંથી એક મિત્રની ઓળખાણ થઇ. એ મુંબઈ રહે છે અને એ ગે છે. અને ધીમે ધીમે આ મુદ્દા પર ચર્ચાઓ થવા લાગી વિવિધ લોકો સાથે તેમ તેમ લોકોની ઘણી વિચિત્ર માન્યતાઓ મને જાણવા મળી.

ઘણાં એવું કહે છે કે, ગે હોવું કુદરતી નથી. એક આખો વિચાર એવો પ્રવર્તમાન છે કે, લોકો પોતે પોતાની સેક્શુઆલીટી પસંદ કરે છે. ખરેખર એવું નથી. હોમોસેક્શુઅલ, હેટેરોસેક્શુઅલ કે બાઈસેક્શુઅલ હોવું એ બાયોલોજીકલ વસ્તુ છે અને સાઈકોલોજીકલ નહીં. વળી,વાત ફક્ત સેક્શુઆલીટીની નથી. આ ચર્ચા ખરેખર તો ઘણાં પ્રશ્નો ઊભા કરે છે. જેમાંનો સૌથી પહેલો જેન્ડર કન્વેન્શનલ બિહેવિયર પર છે. તમારી જાતિ પ્રમાણે તમારાં કપડા, રમકડાં, બોલ-ચાલ વગેરેનાં જે ચોકઠાં આપણે બનાવ્યા છે અને મેલ અને ફિમેલ જેવા બે જેન્ડર આપણે મુખ્ય માનીએ છીએ આ બધાં સામે સવાલ ઊભા થાય છે. આ ઉપરાંત બીજી એક વસ્તુ જે જોવા મળે છે તે એવી છે કે, આપણામાં ઘણાં પુરુષોને લેસ્બિયન છોકરીઓ સામે પ્રોબ્લેમ નથી. Lesbians – Hot, Gays – yuck! એક પુરુષનું સ્ત્રૈણ હોવું ખરાબ છે પણ, એક સ્ત્રી જો પુરુષ જેવું બિહેવ કરે તો તે ચાલે. (?!) એ માનસિકતા માટે પણ એક શબ્દ છે ‘પેટ્રિયાર્કી’ તેનાં વિષે ફરી ક્યારેક વાત. આ ઉપરાંત એક સ્ટડી એવું પણ બતાવે છે કે, મોટાં ભાગનાં હોમોફોબિક (હોમોસેક્શુઅલ લોકોથી ડર લાગવો એટલે હોમોફોબિયા) લોકો અંદરખાને ખરેખર હોમોસેક્શુઅલ હોય છે. એમાં જોવા જેવી વાત તો એ છે કે, તેમનાં પોતાનાં પર આ પ્રયોગ થયો હોવા છતાં, તેનું પરિણામ તેમની નજર સામે હોવા છતાં મોટાં ભાગનાં આ પુરુષો પ્રયોગનાં પરિણામને ખોટું ઠરાવે છે. આનો મતલબ તો એ જ થયો ને કે, મોટાં ભાગનાં પુરુષો માટે ‘સ્ત્રી જેવું હોવું’  કે કન્વેન્શનલી સ્ત્રીઓને ગમતું કંઈ પણ ગમવું એ શરમની વાત છે. પુરુષ હોવું એ સ્ત્રી હોવા કરતાં ચડીયાતા હોવાની આ મેન્ટાલીટી અને ‘એક દીકરો તો હોવો જ જોઈએ’વાળી માન્યતા અંતે તો એક જ વસ્તુ થઇ ને!

અને આપણા જેવા સમાજમાં જ્યાં ‘ગે’ મોટાં ભાગનાં લોકો માટે એક જોક છે, ત્યાં જે ખરેખર ગે છે તેમનું શું? માનવેન્દ્રસિંહની જેમ પરિવાર બહિષ્કાર કરે તે બધું તો ઠીક છે. પણ, અંગત રીતે પણ આ લોકોને પોતાનાં પાર્ટનર શોધવામાં જે તકલીફ પડે એ નફામાં. કારણ મોટાં ભાગની આ કમ્યુનીટી આપણે ત્યાં છૂપી છે. કોઈને ખબર ન પડે તેવી રીતે! આ તો ઉપકાર માનો કાયદાનો કે, એટ લીસ્ટ હોમોસેક્શુઆલીટીને હવે ૨૦૦૯થી આપણે ક્રિમિનલ નથી ગણતાં.* લોકો (ખાલી હિન્દુસ્તાનમાં નહીં દુનિયામાં પણ) જાણતા નથી એટલે આ બધી તકલીફો છે. પણ, એનાંથીયે મોટી તકલીફ એ છે કે, જાણવા માંગતા નથી! અન્ય સામે ચર્ચામાં ઉતરવું સહેલું છે. પણ, જ્યારે સવાલ જાત સામે હોય અને આપણી પોતાની માન્યતાઓનું જાતે ખંડન કરવાની વાત હોય ત્યારે આપણે કેટલાં ભાગતાં હોઈએ છીએ ને.

જેઓ વધુ જાણવા ઇચ્છતાં હોય તેમનાં માટે આ અમુક ડોક્યુમેન્ટરી:

 


આ પોસ્ટ લખાઈ તેનાં થોડાં જ મહિનાઓ પછી સુપ્રીમ કોર્ટે હોમોસેક્શુઆલિટીને ક્રિમિનલ જાહેર કરી. :(

Traveller’s curse

નિબંધ, પ્રવાસ

‘Traveller’s curse” – a friend of mine shared something with this title a while ago. It caught my attention immediately. Turns out it’s actually a reply to somebody’s thread up on Reddit! Funny how you find awesome stuff at most random places. The section below is translation of that one what I read a while ago.


તમે ક્યારેય પ્રવાસીનાં અભિશાપ વિશે સાંભળ્યું છે?

સાંઠેક વર્ષનાં એક ઘરડાં રખડુ પ્રવાસીએ મને મધ્ય-અમેરિકામાં બીયર પીતાં વાત કરી હતી જે કંઇક આવી છે …

“તમે જેટલી વધુ જગ્યાઓ જુઓ, તેમ વધુ અને વધુ વસ્તુઓ તમને ગમવાની છે. અપીલ કરવાની છે. પણ, કોઈ એક જગ્યાએ એ બધું જ હોય તેવું નહીં બને. ખરેખર તો દરેક નવી જગ્યાએ જશો તેમ તમને ગમતી બાબતો ઓછી ને ઓછી જોવા મળતી હોય તેવું લાગશે. અને છતાંયે જેમ વધુ જગ્યાઓ જોશો તેમ એ મુલાકાતો તમને પ્રબુદ્ધ રીતે (સબ-કોન્શિયસલી) પણ વધુ ને વધુ શોધવા માટે પ્રેરશે, એક ખાસ જગ્યા. ખાસ જગ્યા એટલે પરફેક્ટ જગ્યા એવું નહીં (આપણને બધાંને ખબર છે કે, શાન્ગરી-લા અસ્તિત્ત્વ નથી ધરાવતું) પણ, એવી જગ્યા જે તમારાં પોતાનાં માટે પરફેક્ટ હોય. Just a place that’s ‘just right’ for you. પણ, અભિશાપ એ છે કે, જેમ વધુ ને વધુ જગ્યાઓ જોતાં જશો અને વધુ અનુભવ કરતાં જશો તેમ આ પરફેક્ટ જગ્યાનું અસ્તિત્ત્વ હોવાની શક્યતાઓ પણ તમારાં માટે એક પછી એક ઘટતી જશે. વધશે નહીં. અને એટલે તમારી એ જગ્યા શોધવાની તલબ અને પ્રયત્નો પણ વધતાં જશે. આ એ શાપનો પ્રથમ ભાગ છે.

બીજો ભાગ છે, સંબંધો. જેમ વધુ પ્રવાસ કરશો તેમ ઘણાં બધાં લોકો સાથે, વિવિધ પ્રકારની ગહનતા ધરાવતાં સંબંધો બંધાતા જશે. પણ, જેટલાં વધુ માણસો સાથે સંબંધો બંધાશે તેમ તે દરેક વ્યક્તિ સાથેનો તમારો સમય છૂટો-છવાયો અને વહેંચાઇ ગયેલો લાગશે. વળી, એ બધાં લોકો તમારી સાથે પ્રવાસ નહીં કરી શકે એટલે જેમ વધુ પ્રવાસ કરો તેમ તેમ આ બધાં સંબંધો લાંબા સમય સુધી કેળવવા અઘરાં પડી જશે. પણ, છતાંયે તમે ફરતાં રહેશો અને નવાં નવાં અદ્ભુત માણસોને મળતાં રહેશો અને એટલે તમને સારું લાગ્યાં કરશે. પણ, સમય જતાં તમે તે બધાંને મિસ કરશો અને ઘણાં તેમનાં જીવનમાં તમારાં અસ્તિત્ત્વને ભૂલી પણ જશે. પછી તમે એ બધાંનું સાટું વાળશો અને ક્યાંક વધુ લાંબો સમય રહેવાનું નક્કી કરશો અને લાંબો સમય સુધી જાળવી શકો તેવાં મજબૂત સંબંધો કેળવશો. પણ, એ માણસોને ક્યારેય ખબર નહીં પડે જે તમે જાણો છો અને તમે જોયું છે તે તેમણે ક્યારેય નહીં જોયું હોય અને તમે હંમેશા જરાસરખી એકલતા અનુભવશો. પોતાની કહાનીઓ કહેવાની તમારી ઈચ્છા, તેમની સાંભળવાની ઈચ્છા કરતાં જરાસરખી વધુ રહેશે. આ વાત એ શાપનો ભાગ એટલા માટે છે કે, જેમ વધુ ટ્રાવેલ કરતાં જાઓ તેમ આ વધુ ને વધુ બગડતું જશે અને છતાંયે અમુક સમય સુધી તમને વધુ ટ્રાવેલ કરવું એ જ આનો એકમાત્ર ઈલાજ લાગશે.

આમાંનું કશું જ કહેવાનો મતલબ એ નથી કે, તમારે ટ્રાવેલ કરવાનું ઘટાડવું જોઈએ. આ યુવાન ટ્રાવેલર્સ માટે ફક્ત એક ચેતવણી છે કે, તેઓ ટ્રાવેલિંગની બહુ રસપ્રદ જિંદગીની કિંમતરૂપે જરાસરખી દુઃખ અને એકલતાવાળી જિંદગીની અપેક્ષા રાખે. વળી, એ નોંધવું રહ્યું કે આ લાગણી એવી જ છે જેવી કોઈ સામાન્ય વ્યક્તિને તેનાં જીવનનાં કોઈ બહુ સ્પેશિયલ ભાગની યાદગીરી હોય. ફક્ત એક હજારગણી વધુ.”


કોઈ કહેશે કે, હવે તો આવું નથી રહ્યું અને ટેકનોલોજી આગળ વધી ગઈ છે વગેરે વગેરે. ફ્લાઈટ્સની ફ્રિકવન્સી વધવાને કારણે ઈચ્છો ત્યારે ઈચ્છો ત્યાં પાછાં જઈ શકો છો અને ઘરે જઈ શકો છો. ખરેખર? મારો પ્રશ્ન એ છે કે, જો તમે ખરેખર પ્રવાસ કરવાં ઈચ્છો જ છો તો તમે આવું કરવા માગશો ખરાં?  જો આવું કરશો તો તમે ન તો તમારાં ટ્રાવેલને જસ્ટીફાઈ કરી શકશો અને ન તો ઘરે પાછાં જવાને. વળી, જેમની સાથે બહુ ગહેરા સંબંધો બંધાયાં છે તેમની સાથે ફોન પર વાત કરી શકશો કે વધી વધીને વિડીયો ચાટ. પણ, આ પ્રવૃત્તિઓ ખરેખર શું એ વ્યક્તિની ગેરહાજરી પૂરી શકે? તમે તેને ભેટી ન શકો. બસ્કિન-રોબીન્સ્માં જઈને આઈસ-ક્રીમનું એક ટબ શેર ન કરી શકો કે તેને લઈને બારમાં ન જઈ શકો.

અને એટલે આ ટેકનોલોજીએ ઉપરોક્ત પરિસ્થિતિ બદલ્યાની શક્ય દલીલ મને વ્યાજબી નથી લાગતી. જેમ જેમ જગ્યાઓ ફેરવો તેમ સંબંધો દૂર થતાં જાય છે. ઘર ફેરવો તો પડોશી સાથેય પહેલાં જેવું નથી રહેતું. તો, શહેર/દેશ ફેરવો તો મિત્રો/વહાલાંઓ/પ્રેમી સાથે કેમ રહે?