કર્ણાટક – 16

કર્ણાટક, પ્રવાસ, ભારત

જેમ તેમ મેં બે ત્રણ દિવસ કાઢ્યાં બૅન્ગલોરમાં અને ફાઈનલી શનિવારે સવારે અમે નીકળ્યાં ચિક્કમગલૂર જવા માટે. બૅંગલોરથી નીકળીને અમારું પહેલું સ્ટૉપ હતું ‘હોટેલ ધ્રુવતારે’. અહીં અમે લેટ બ્રેકફસ્ટ / અર્લી લંચ માટે રોકાયાં. અમે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જ નહોતું. ફક્ત હોટેલ સ્ટાફ અને અમે ચાર કસ્ટમર્સ. તેમનું લોકેશન મને બહુ ગમ્યું – લાંબું ખેતર જ્યાં હાઇવેને અડે ત્યાં કાંઠે તેમણે આ રેસ્ટ્રોં બનાવ્યું હતું. તેમણે પાછળની તરફ ઑલમોસ્ટ ફ્લોર ટુ સીલિંગ પારદર્શક કાચની બારીઓ લગાવી હતી એટલે ત્યાંથી પાછળ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી દેખાતી હતી! તેમનું ફૂડ પણ ખૂબ સારું હતું. ફક્ત સર્વિસ થોડી ધીમી હતી પણ એ સેટિંગમાં સર્વિસ ધીમી હોવી એ કોઈ પ્રૉબ્લેમ નહોતો. અમે જે કોન્ક્રીટનાં જંગલમાંથી આવ્યાં હતાં એટલે તેની સામે તો આ બહુ મોટું અપગ્રેડ હતું! જમવાનું બને એટલી વારમાં મેં રેસ્ટ્રોં ફરતે એક ચક્કર લગાવ્યું – ખેતરમાં જઈ શકાય છે કે નહીં એ જોવા માટે. ખેતર સુધી જવાનો કોઈ રસ્તો તો નહોતો પણ એ સેટિંગને શાંતિથી જોવાની પણ એક મજા હતી!

આ રેસ્ટ્રોં અમારું હાફ-વે સ્ટૉપ હતું. અમારું પહેલું ડેસ્ટિનેશન ત્યાંથી બે કલાકનાં ડ્રાઇવિંગ ડિસ્ટન્સ પર હતું. એ આખી ડ્રાઈવ અદ્ભુત હતી! રસ્તામાં ઠેક ઠેકાણે લીલાં નાળિયેરની રેકડીઓ હતી અને રસ્તો લગભગ સાવ ખાલી હતો. અમારો રસ્તો કર્ણાટકનાં અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતો હતો પણ આખા રસ્તે રોડ-કન્ડિશન સુપર્બ હતી અને ગાડી જાણે પાણીની જેમ વહેતી હતી! અમે ચાર કલાક કારમાં શું વાત કરી હશે એ કંઈ જ મને યાદ નથી. ફક્ત એટલું યાદ છે કે, હું એ કન્વર્ઝેશનમાં ક્યાંયે ફિટ નહોતી થતી. ત્રણ લોકોની એક ચોક્કસ પ્રકારની વિચારસરણીવાળી એક ‘echo chamber’ હતી જેની સાથે દર દસ મિનિટે મારી અસહમતિ જાહેર કરવાનાં બદલે મેં ‘હમ્મ’ અને ‘હા’નાં ટૂંકા જવાબ અને મૌન પસંદ કર્યાં હતાં. એક કારણ એ પણ હતું કે, એ લૅન્ડસ્કેપની સુંદરતા અને વિશાળતાનાં મૌન સાંગીતમાં વાતોનો ઘોંઘાટ મને ખલેલ પાડતો જણાતો હતો. લગભગ અડધો રસ્તો તો મેં મિત્રોની કારનાં સન-રૂફ પર ઊભા રહીને પસાર કર્યો હતો.

અમારું પહેલું ડેસ્ટિનેશન હતું હસ્સન જિલ્લાનું હાલેબિડુ ગામ જ્યાં બારમી સદીમાં બનેલું હોયસાલેશ્વર મંદિર આવેલું છે. દસ દિવસ પહેલા મૈસુર પાસે સોમનાથપુરામાં અમે જે ઐતિહાસિક ચેન્નકેશવા મંદિર જોવા ગયાં હતાં એ જ હોયસાલા રાજવંશનાં સમયમાં આ મંદિર પણ બનેલું હતું. યુનેસ્કોનાં ‘હેરિટેજ’ લિસ્ટમાં આ વંશનાં જે ત્રણ મંદિરોનો સમાવેશ થાય છે તેમાંનું અમે જોયેલું આ બીજું મંદિર હતું. સોમનાથપુરાનાં મંદિરની જેમ આ મંદિર પણ ખંડિત હતું એટલે ત્યાં કોઈ મૂર્તિની પૂજા નહોતી થતી, પરિણામે એ બંને હવે ‘મંદિર’ નહોતાં! મારાં માટે તો આવાં અભૂતપૂર્વ સ્ટ્રક્ચર્સનું મૂલ્ય તેમાંની બે કે ત્રણ ‘મુખ્ય’ મૂર્તિઓ કરતા અનેકગણું ચડિયાતું છે. મૂર્તિ હોય કે ન હોય, આ સ્થાપત્યોની કળા અને કારીગરી પોતે પોતાનામાં જ એક ભગવાન સમાન છે!

ત્યાં અમે કોઈ ઓફિશિયલ ગાઇડની સેવા ન લઇ શક્યા પણ વિકિપીડિયા પર આ મંદિર વિષે વાંચ્યું જરૂર…

હાલેબિડુ ગામ એ સમયે હોયસાલા વંશની રાજધાની હતું અને એ સમયે એ ‘દોરસમુદ્ર’ તરીકે ઓળખાતું હતું. હાલેબિડુ નામ પાછળથી પડ્યું, જેનો અર્થ થાય છે ‘જૂનું પાટનગર’ અથવા ‘ધ્વસ્ત શહેર’. શક્ય છે કે, ચૌદમી સદીમાં અલાઉદ્દીન ખિલજીની દિલ્હી સલ્તનતે આ શહેરનો વિનાશ કર્યા પછી ત્યાંનાં લોકો તેને આ નવાં નામે સંબોધવા લાગ્યાં હોય અને આગળ જતાં એ જ નામ લોકજીભે ચડી ગયું હોય. હાલેબિડુમાં હોયસાલા સમયનાં ઘણાં સ્મારકો અને ખંડેરો આજે પણ હયાત છે, જેમાંથી ફક્ત એક – આ હોયસાલેશ્વર મંદિર જ યુનેસ્કો-માન્ય ઐતિહાસિક સ્મારક છે. બદનસીબે ટ્રાવેલ પ્લાનિંગ કર્યું ત્યારે અમને બાકીનાં સ્મારકો વિષે ખબર નહોતી એટલે અમે ત્યાં પૂરતો સમય લઈને નહોતાં ગયાં અને ફક્ત આ એક જ મંદિર જોઈ શક્યાં.

આ તો થયો એ સ્થળ અને સમયનો ઇતિહાસ. હવે વાત કરીએ આ મંદિરની, તો બારમી સદીમાં બનેલાં આ શિવ-મંદિરનું બાંધકામ કેટલાં સમયમાં થયું અને એ કોણે બનાવડાવ્યું તેનાં વિષે ચોક્કસ માહિતિ ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે આ મંદિરોમાં મુખ્ય ફાઇનાન્સિયર અને આર્કિટેક્ટનાં નામની તકતી લાગેલી હોય છે પણ આ મંદિરની કોઈ ચોક્કસ તકતી હજુ સુધી મળી શકી નથી. ત્યાંથી થોડે દૂર કોઈક ખંડેરોમાં એકાદ તકતી મળી છે પણ એ આ મંદિરની જ છે કે કેમ તેની કોઈ પાક્કી ખબર નથી. આ મંદિર ટ્વિંન ટેમ્પલ્સ તરીકે પણ ઓળખાય છે કારણ કે, અહીં એકસરખાં દેખાતાં બે મુખ્ય મંડપ આવેલાં છે જેમાં બંનેમાં એક એક શિવલિંગની પૂજા થતી હતી. એ સમયનાં રાજા અને રાણી શાંતલાદેવીનાં નામ પરથી એ બંને શિવલિંગનાં નામ હોયસાલેશ્વર અને શાન્તાલેશ્વર રાખવામાં આવ્યાં હતાં. જો બંને એકદમ સમાન દેખાતાં હોય તો ખબર કઈ રીતે પડે કે રાજાનું મંદિર કયું અને રાણીનું કયું? બંનેની સામે અલગ અલગ કદની નંદિની મૂર્તિ ગોઠવવામાં આવી છે – મોટાં કદનો નંદિ રાજાનો અને નાનો રાણીનો!

સોમનાથપુરાનાં મંદિરની જેમ આ મંદિર પણ ‘સોપસ્ટોન'(soapstone)નું જ બનેલું છે અને બંને બાંધકામની સ્ટાયલ એકદમ મળતી આવે છે. જેણે એક મંદિર જોયું હોય તે બીજું જોઈને તરત કહી શકે કે, આ બંને ઇમારતો કોઈ ને કોઈ રીતે રિલેટેડ હોવી જોઈએ! મંદિરનાં આર્કિટેક્ચર અને કોતરણીનું ડીટેઇલિંગ અદ્ભુત છે! મંદિર ફરતે પ્રદક્ષિણા કરીને અમે તેની બધી કોતરણી જોઈ રહ્યાં હતાં ત્યારે અમારું ધ્યાન બે પાઇપલાઇન જેવાં દેખાતાં સ્ટ્રક્ચર પર ગયું. ત્યારે ખબર પડી કે, અભિષેકનું પાણી બહાર વહી જાય એ માટે આર્કિટેક્ટે બરાબર વ્યવસ્થા કરી હતી! બંને ગર્ભગૃહ સાથે એક-એક પાઈપલાઈન એ રીતે જોડેલી છે કે, ગર્ભગૃહની અંદર જોતાં નરી આંખે દેખાય જ નહીં! તેની કોતરણીની ડીટેલ્સની વાત કરવી શરુ કરીયે તો પાનાંનાં પાનાં ભરાય! મહાભારત અને પુરાણોનાં આખાં ઍપિસોડ્સ ઝીણાંમાં ઝીણી ડીટેઈલ્સ સાથે એ દીવાલો પર કોતરેલાં છે. એ મંદિરોની દરેક ડીટેલ જોતાં જ ફક્ત મહિનાઓ લાગે અને તેનાં દરેક આર્કિટેચરલ ફીચરને સમજતાં કદાચ વર્ષો થાય. આ મંદિરો મલ્ટી-જનરેશનલ પ્રોજેક્ટ્સ હતાં – દાદાનાં સમયમાં શરુ થયાં હોય, અને પૌત્રએ પ્રાણપ્રતિષ્ઠા કરી હોય. “એક આયુષ્ય ઓછું પડે” વાળી કહેવત કદાચ આવાં પ્રોજેક્ટસ પરથી જ પડી હશે!

મંદિરનું આખું પરિસર એક વિશાળ વિસ્તારમાં પથરાયેલું હતું. અમને એ પરિસરની હદ જોવાની જિજ્ઞાસા થઇ એટલે અમે જ્યાં સુધી ચાલી શકાય ત્યાં સુધી ચાલતાં રહ્યાં. મુખ્ય ઇમારતોથી ચાલીને લગભગ દસેક મિનિટનાં અંતરે પુરાતત્ત્વ વિભાગે ખોદકામ કરીને કાઢેલાં ઇમારાતોનાં નાનાં-મોટાં વિભાગ અને મૂર્તિઓ હરોળબંધ રાખવામાં આવ્યાં હતાં. ત્યાં કદાચ એવું લખેલું જોયું હતું (અથવા અમારું અનુમાન હતું. હવે પાક્કું યાદ નથી) કે, એ વિભાગો કઈ ઇમારતનાં છે એ ચોક્કસપણે હજુ જાણી નથી શકાયું એટલે ત્યાં છૂટાં છવાયાં પડેલાં હતાં. ત્યાં પાછળથી એક નદી પણ વહેતી હતી.

ત્યાંથી આગળ વધી શકાય તેમ નહોતું એટલે અમે પાછાં ફયાઁ અને એ દિવસનાં અમારાં ફાઇનલ ડેસ્ટિનેશન – ચિક્કમગલુર તરફ ગાડી દોડાવી.

પ્રવાસ અને લેખન …

નિબંધ

કર્ણાટક ટ્રિપ થઇ તેને ઑલમોસ્ટ ત્રણ વર્ષ થઇ ગયાં છે છતાં એ સિરીઝ હજુ પણ પુરી નથી થઇ શકી. ત્યાર પછીનાં અઢી વર્ષમાં ઘણી સફરો થઇ છે પણ તેમનાં વિષે લખી નથી શકાયું. અમુક વિષે તો લખવાનું મન જ નથી થયું. ખરેખર તો છેલ્લાં પાંચેક વર્ષથી બહુ લખી નથી શકાયું અને તેટલાંમાં દુનિયા પણ ઘણી બદલાઈ ગઈ.

પૅન્ડેમિક દરમિયાન ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબનાં વિસ્ફોટ પછી પ્રવાસવર્ણન અનુભવનાં માધ્યમનાં બદલે ફક્ત ઍસ્થેટિક, ઇન્ફર્મેશન અને સેલ્ફ-પ્રમોશનનાં સાધન બનીને રહી ગયાં. થોડો સમય આ પ્રવાહમાં હું પણ તાણાઈ અને મારું ‘કૉન્ટેન્ટ’ રિલેટેબલ રહે અને તેને ‘રીચ’ મળે તેનાં પ્રયત્ન કર્યાં. પણ, થોડાં સમય પછી આ બંને માધ્યમોનો ‘સેન્સરી ઓવરલોડ’ (ઈન્દ્રિયો પર અતિરેક) મારાંથી સહન ન થઇ શક્યો અને એ પ્રયત્નોની નિરર્થકતાએ મને પ્રવાસ અને પ્રવાસવર્ણનની આખીપ્રક્રિયા પ્રત્યે સૂગ ચડાવી કારણ કે, પ્રવાસમાં મારાં માટે બેમાંથી એક જ વસ્તુ થઈ શકતી હતી – ક્ષણો હું કાં તો જીવી શકું અથવા તેને પરફેક્ટ એસ્થેટિક સાથે કૅપ્ચર કરીને તેને એક ‘સ્ટ્રેટેજિક’ રીતે સોશિયલ મીડિયા પર મુકી શકું. એટલે ઇન્સ્ટાગ્રામ મોટાં ભાગે ‘લૉગ-આઉટ’ મોડમાં રહેવા લાગ્યું અને ગયા વર્ષે બ્લૉગ સાથે જોડાયેલું ફેસબુક અકાઉન્ટ તો સાવ બંધ જ કરી દીધું. દુનિયાને અને પોતાની જાતને સતત લખેલાં શબ્દથી દૂર, અને ફોટો અને વીડિયો માધ્યમ તરફ સતત ગતિ કરતી જોઈને સતત થયા કરતું કે, કોઈ વાંચવાનું નથી તો લખવું કોનાં માટે?

સંસારની જફાઓ પછી મારી પાસે જે બહુ થોડો સમય બાકી રહેતો અને એ ક્યાં વિતાવવો એ બાબતે મારી પાસે બે વિકલ્પ હતાં – ડાન્સ કરવો કે લખવું. મેં ડાન્સ પસંદ કર્યો એ વિચારીને કે, લખવા માટે કદાચ ડાન્સ કરતાં થોડું વધુ આયુષ્ય મળી રહેશે. ડાન્સ માટે શરીર અને સમય કેટલો સાથ દે એ કોને ખબર છે?! એટલે નક્કી કર્યું કે, સમય અને શરીર સાથ દે ત્યાં સુધી ડાન્સને પ્રાયોરિટી આપવી અને એ નિર્ણય કર્યા પછી પાછું ફરીને ન જોયું.

ઉપરાંત, ક્રિએટિવ કામ મારા માટે બહુ નિરાંતનું કામ છે. ઊતાવળે થઇ જ ન શકે. એ પ્રક્રિયામાં જીવવું પડે – સતત એ દુનિયામાં રહેવું પડે. લખતી હોઉં તો મારી જાતનાં એ જૂનાં વર્ઝન સાથે રહેવું પડે જેનાં વિષે હું લખી રહી છું. છેલ્લાં ચાર વર્ષથી હું આખાં વર્ષનાં ચારથી પાંચ અપવાદ સિવાય બધાં જ શનિવાર અને મંગળવારની બપોરથી સાંજ ડાન્સ માટે ફાળવતી આવી છું. ડાન્સ ન કરતી હોઉં ત્યારે પણ કોઈ મૂવમેન્ટની ભૂમિતિ કે કોઈ રિધમનાં વજન વિષે વિચાર આવે રાખે એટલું એ પ્રક્રિયામાં મગ્ન થવું પડે. ક્યારેક ડ્રાઈવ કરતાં, ક્યારેક જમવાનું બનાવતાં અચાનક વિચાર આવે અને કોઈ મૂવમેન્ટનું સત્ય સમજાતું દેખાય. ત્યારે જઈને મારાં ડાન્સમાં એ સત્યની ઝલક દેખાઈ શકે અને આટલું કર્યા પછી પણ એમ થતું રહે કે, હજુ પણ કૈંક ખૂટે છે. હજુ પણ એ મૂવમેન્ટમાં ચમક નથી આવી. ડાન્સની એ એક જ ક્રિયેટિવ પ્રોસેસમાં મારી આસપાસનાં જીવનની વાસ્તવિકતાથી એટલું અલિપ્ત થવું પડે કે, લેખન માટે જો આવો સમય ફાળવું તો એમ લાગે કે, મારાં જીવનસાથીને અન્યાય કરી રહી છું. લખવાની પ્રક્રિયાને મારે શ્વાસ સાથે જોડવી પડે. છેલ્લાં પાંચ વર્ષમાં એ કરવું મારા માટે વધુ ને વધુ અઘરું થતું ચાલ્યું.

સરવાળે પ્રવાસ વિષે શું, શેનાંય વિષે લખી નથી શકાયું. ગયાં વર્ષે ફક્ત એક વાર્તા લખી અને અન્ય એક વાર્તા મનમાં પૂરી લખાઈ ગઈ છે પણ, હજુ કાગળ પર ઊતારી નથી. ગયાં વર્ષે વિચાર્યું હતું કે, પ્રકાશિત કરવાની ડેડલાઈન સાથે ચાલીશ તો કદાચ પાંચમી પણ લખાઈ જશે. થોડાં પબ્લિશરને ઈ-મેલ કર્યાં. એક પબ્લિશર સાથે ફોન પર વાત પણ કરી અને તેમણે મેન્યુસ્ક્રિપ્ટ સાથે મળવા જવાનું નિમંત્રણ પણ આપ્યું. પણ, મને ન તેમને મળવા જવાનું મન થયું કે ન પ્રકાશિત કરવાનું. પાંચમી વાર્તા પણ ક્યાંયે દૂર દૂર સુધી દેખાઈ નહીં. એ હમણાં દર્શન દે તેવી કોઈ અપેક્ષા પણ નથી કે, નથી ઊતાવળ.

આ બધી ગડમથલ વચ્ચે અમુક ઘટનાઓ સમાંતરે અને સમયાંતરે બનતી રહી જેનાં પરિણામે લખવું અને એ પણ ગુજરાતીમાં લખવું અનિવાર્ય બની ગયું. ઘરમાં સતત હિન્દી અને કામ પર સતત ઇંગ્લિશ બોલવાનાં કારણે માતૃભાષા સાથેનો મારો સંબંધ કપાતો ચાલ્યો. અધૂરામાં પૂરું, થોડાં મહિના પહેલા એક લાઇબ્રેરીનાં વાઈટબોર્ડ પર માર્કર પેન વડે હું મારાં પ્રિય લેખકનું નામ ન લખી શકી ગુજરાતીમાં. જે કામ હું શ્વાસ લેવા જેટલી સરળતાથી, વિચાર્યા વિના કરી શકતી હતી એ કરતા મને આખી બે મિનિટ લાગી. એ અનુભૂતિ બહુ ભયાનક હતી. મને આ ભાષા વિના મારું અસ્તિત્ત્વ ભૂંસાતું દેખાવા લાગ્યું.

એ સિવાય, હમણાં મેં કોઈ સાથે છેલ્લાં બે – ત્રણ વર્ષનાં પ્રવાસો વિષે વાત કરવાની શરુ કરી તો રીયલાઈઝ થયું કે, તેમનાં વિશેની ઘણી બધી ડીટેઈલ્સ મને ભૂલાઈ ગઈ છે. ઈન ફૅક્ટ, એક – બે ટ્રિપ્સ જેને હજુ એક વર્ષ પણ પૂરું નથી થયું, એ જાણે કોઈ અલગ જીવનમાં બની હોય તેટલી ધુંધળી લાગવા માંડી છે! મને ફક્ત એક જ વિચાર આવ્યો – જે પ્રવાસો વિષે લખ્યું નથી, એ પ્રવાસ જાણે જીવ્યાં જ નથી એટલે લખવું જરૂરી છે. કોઈ વાંચે નહીં તોયે લખવું જરૂરી છે કારણ કે, જીવવું જરૂરી છે.

એટલે આજે જ્યાંથી અધૂરું છોડ્યું હતું ત્યાંથી જ ફરી લખવાનું શરુ કરું છે. કેટલું અને કેવું લખાશે એ ખબર નથી પણ, એટલી ખબર છે કે, લખવું જરૂરી છે અને ગુજરાતીમાં જ લખવું અનિવાર્ય છે કારણ કે, હવે આ એક જ સંવાદ એવો બચ્યો છે જે પુરેપુરો ગુજરાતીમાં થઇ શકે છે. જે બોલી નથી શકાતું એ લખી શકાય છે. ફક્ત લેખનમાં જ સૂક્ષ્મ સંવેદનોનું વર્ણન કરવા માટે સાહિત્યિક અને ડ્રામેટિક શબ્દો વાપરી શકાય છે. એટલે લખવું જરૂરી છે – ખરાબ લખાય, ખોટું લખાય, જેટલી નિયમિતતાની અપેક્ષા મને પોતા પાસેથી છે તેટલું નિયમિતપણે ન લખાય, કોઈ ન વાંચે, અને ક્યારેય કોઈ સુધી ન પહોંચે તોયે લખવું જરૂરી છે. હું લખીશ નહીં તો આવતાં પાંચ વર્ષ પછી પોતાની જાતને ઓળખી પણ નહીં શકું અને હું કોણ છું એ જ ભૂલી જઈશ.

કર્ણાટક – 15

કર્ણાટક, ભારત

બૅન્ગલોરમાં એક નાની હોટેલમાં અમે એક સાંજ વિતાવી અને પછીની સવારે બે સાથીઓ એરપોર્ટ જવા નીકળ્યા. અમારું છ લોકોનું મીડિયમ સાઇઝડ ટ્રાવેલ ગ્રુપ ધીમે ધીમે ઘટીને બે લોકોનું બની રહ્યું. બૅન્ગલોર સુધી અમે પહોંચી તો ગયા હતા પણ આગળ શું કરીશું તેની કંઈ જ ખબર નહોતી. કોઈ પ્લાન નહોતો. મેં ત્યાંનાં બાર અને રેસ્ટ્રોં સીનનાં બહુ વખાણ સાંભળ્યાં હતાં એટલે એ એક્સપ્લોર કરવાની ઈચ્છા હતી. સાથે બીજી બહુ તીવ્ર ઈચ્છા હતી ‘નૃત્યગ્રામ’ની મુલાકાત લેવાની.

બૅન્ગલોર પહોંચ્યા એ સાંજે અમે બર્મા-બર્મા નામનાં એક બર્મીઝ રેસ્ટ્રોંમાં ડિનર કર્યું, જે મારી અપેક્ષા કરતા ઘણું સારું હતું પણ, મારું મન કોઈ રીતે મૈસોર અને કૂર્ગમાં અટકી ગયું હતું અને બૅન્ગલોરમાં મને થોડું આઉટ ઑફ પ્લેસ ફીલ થઇ રહ્યું હતું. મેં એ ફીલિંગ પર બહુ ધ્યાન ન આપ્યું કારણ કે, ફક્ત એક જ સાંજમાં કોઈ શહેરને તરત જજ કરવું મને અયોગ્ય લાગ્યું.

પછીની સવારે હું અને સાથી તેનાં બે મિત્રોનાં ઘરે શિફ્ટ થઇ ગયા એ લોકો જુના મિત્રો હતા અને તેમણે અમને બૅન્ગલોરમાં તેમની સાથે રહેવા માટે બહુ દિલથી ઇન્સ્ટિસ્ટ કર્યું હતું. મને પણ ઇમિગ્રન્ટ યુવાન લોકોનાં પૉઈન્ટ ઑફ વ્યૂથી ત્યાંની લાઇફસ્ટાઇલ જોવાની ઈચ્છા હતી એટલે મેં પણ તેમનું ઇન્વિટેશન ખુશીથી સ્વીકાર્યું. અમે કબન પાર્કથી નીકળીને વાઈટફીલ્ડ પહોંચ્યા. ત્યાં પહોંચીને મારાં મનમાં જે પહેલો વિચાર આવ્યો એ હતો – ‘ચાઈનીઝ ફૅક્ટરી ટાઉન્સ’.

પાસે પાસે એક પછી એક હાઉઝિંગ કમ્યુનિટીઝ બનેલી હતી જેમાં પંદરથી વીસ માળ ઊંચાં, એકસરખાં કદ-કાઠીનાં, એકસરખાં વાઈટ કે ઑફ-વાઈટ કલરનાં, યુટિલિટેરિયન બિલ્ડિંગ્સ બનાવવામાં આવ્યાં હતાં. ત્યાં દેશનાં અલગ અલગ ખૂણેથી વર્ક ઓપર્ચ્યુનિટીઝ માટે આવેલાં યુવાન લોકો અને તેમનાં પરિવાર આવીને વસ્યા હતાં. મને ખાતરી છે કે, એ અપાર્ટમેન્ટ્સ અંદરથી કદાચ એકદમ અલગ દેખાતાં હશે પણ બહારથી જોતાં કોઈ અપાર્ટમેન્ટનું પોતાનું યુનીક કૅરેક્ટર કે એસ્થેટિક સેન્સિબિલિટી નહોતાં દેખાતાં. મિત્રો જ્યાં રહેતા હતા એ કમ્યુનિટીમાં આવાં ચારથી પાંચ બિલ્ડિંગ્સ હતાં અને દરેકને કનેક્ટ કરતો એક મોટો ઓપન એરિયા હતો જ્યાં દરેક ઉંમરનાં લોકો બેસીને હેન્ગઆઉટ કરતા કે, ચાલતા દેખાઈ રહ્યા હતા. અમારા મિત્રોનું ઘર અંદરથી મને થોડું કૉલેજ સ્ટુડન્ટ્સનાં ડૉર્મ જેવું લાગ્યું. ત્યાં મને એક ‘સેન્સ ઑફ ટેમ્પરરીનેસ’ લાગી અને મારું મન અનાયાસે જ તેનાં કારણો વિચારવા લાગ્યું. કદાચ એટલા માટે આવું હશે કે, આપણાં દેશનાં ભદ્ર વર્ગનાં લોકો માટે ભાડાનાં ઘરને ઘર માનવું બહુ અઘરું છે? કે પછી, જે ઘરમાં પોતે હંમેશા નથી રહેવાનાં તેની ખબર હોય એ ઘરને સુંદર બનાવવામાં / ઘર જેવું બનાવવામાં સમય કે, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા જ નથી થતી હોતી? કે પછી ભારતમાં 80/90નાં દશકમાં જન્મેલાં લોકોએ સ્કૂલ, કૉલેજ, કંપેટિટીવ એક્ઝામ્સ અને નોકરી પાછળ જ જીવનનો એટલો મોટો ભાગ વિતાવી દીધો છે કે, રોજબરોજનું જીવન સારી રીતે જીવવું એ ક્યાંયે પ્રાયોરિટીમાં આવતું જ નથી?

તેમનું જીવન મને મૉડર્ન, અર્બન ટ્રેજેડી લાગ્યું. પણ, એ લોકો પોતાની લાઇફસ્ટાઇલ વિષે બહુ ખુશ હતા. તેમનાં માટે તો એ જ મોટી વાત હતી કે , તેમની કમ્યુનિટીમાં નીચે બહુ મોટી ઓપન સ્પેસ છે કારણ કે, તેમનાં કહેવા પ્રમાણે ત્યાં બીજી કમ્યુનિટીઝમાં તો એ પણ નથી હોતી. તેમણે કહ્યું એ લોકોનાં કોઈ કૉલીગને ફક્ત તેનાં બાળકને રમાડવા માટે પોતાનાં ઘરથી અડધી કલાક દૂર ડ્રાઇવ કરીને જવું પડે છે કારણ કે, તેમની કમ્યુનિટીમાં કોઈ ઓપન સ્પેસ જ નથી અને તેમનાં ઘરથી સૌથી પાસે ફક્ત આ જ એક પાર્ક છે જે અડધી કલાક દૂર છે! તેમની લાઇફસ્ટાઇલને ડિસરિસ્પેક્ટ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો એટલે મને મારાં ઑપિનિયન્સ મારા સુધી જ રાખવાનું યોગ્ય લાગ્યું. સાંજે સાથી અને મેં અલગ અલગ પ્લાન્સ બનાવ્યા હતા. એ તેનાં કૉલેજ ફ્રેન્ડ્સને મળવા જવાનો હતો અને મને તેમને મળવાની કોઈ જ ઈચ્છા નહોતી. બૅન્ગલોરમાં હું ખાસ કોઈને ઓળખતી નહોતી. ત્યાં મારા ફક્ત બે ફ્રેન્ડ્સ રહેતા હતા. મેં બંનેને ટેક્સ્ટ મૅસેજ કર્યો. એક ફ્રી હતી અને તેણે તરત જ ક્યાં મળવાનું અને કેટલા વાગ્યે તેનો પ્લાન પણ બનાવી નાંખ્યો.

અમે આયરનહિલ નામનાં એક બારમાં મળવાનું નક્કી કર્યું. અમારી છેલ્લી મુલાકાત એ દિવસનાં લગભગ દોઢ વર્ષ પહેલા થઇ હતી. છેલ્લા દોઢ વર્ષમાં તેણે સગાઇ કરીને લગ્ન પણ કરી લીધા હતા અને એ બૅન્ગલોર શિફ્ટ પણ થઇ ગઈ હતી! તેની નવી લાઇફ વિષે મેં જાણ્યું અને એ પણ જાણ્યું કે, તેને પણ બૅન્ગલોર બહુ પસંદ નહોતું. ત્યાં એ પહેલેથી કોઈને ઓળખતી પણ નહોતી પણ. એ મહાનગરમાં આવતા દરેક ટ્વેન્ટી-સમથિંગની જેમ એ પણ એ દુનિયામાં પોતાની જગ્યા શોધી રહી હતી. એક ડ્રિન્ક પીને અમને બંનેને ભૂખ લાગી અને એટલી વારમાં તેનો પાર્ટનર પણ ત્યાં આવી ગયો. અમે ત્રણે જમવા માટે કોઈ બીજી જગ્યાએ જવાનું વિચાર્યું. તેઓ મને રામેશ્વરમ કૅફે લઇ ગયા. એ ટાઇપનું કોઈ એસ્ટાબ્લિશમેન્ટ મેં પહેલા ક્યાંયે નહોતું જોયું. બહુ મોટી ઓપન સ્પેસ અને બહુ ઓછી બેસવાની વ્યવસ્થા. ત્યાંનાં આઇકોનિક અપ-ઍન્ડ-કમિંગ સાઉથ ઇન્ડિયન એસ્ટાબ્લિશમેન્ટમાંનું એ એક હતું એ મને પાછળથી ખબર પડી.

પછીનાં દિવસે અમારે ઘણું બધું કરવું હતું, ઘણું બધું જોવું હતું એટલે સવારે અમે વહેલા જ બહાર નીકળી ગયા. એ દિવસે મને પહેલી વાર અનુભવ થયો બૅન્ગલોરનાં ટ્રાફિકનો! એ શહેરમાં એક દિવસમાં એકથી વધુ જગ્યાએ જવાનો વિચાર કરવો એ પણ પાપ છે એ મને એ દિવસે સમજાયું. અમે સૌથી પહેલા ઇન્દિરાનગર ગયા. એ એરિયામાં મને મજા આવશે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યાં શૉપ્સ, કૅફેઝ અને રેસ્ટ્રોંઝની ભરમાર હતી પણ, તેમાં મને કંઈ જ ખાસ ન લાગ્યું. બધા શહેરોમાં હોય છે એ જ અહીં પણ હતું. ત્યાંથી અમે બૅન્ગલોર પૅલેસ તરફ ગયા. પંદર મિનિટનો એ રસ્તો પસાર કરતા અમને એક કલાકથી પણ વધુ સમય લાગ્યો! અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે, પૅલેસનાં એન્ટ્રી ગેટની પાછળ અમે ડ્રૉપ-ઑફ થયા છીએ, જ્યાંથી એન્ટ્રી ગેટ સુધી પહોંચતા અમને બીજી અડધી કલાક લાગી. ત્યાં પહોંચીને ખબર પડી કે, પૅલેસ બંધ છે કારણ કે, ત્યાં કોઈ પૉલિટિશિયનનાં દીકરાનાં લગ્ન છે!

ફરી એ ટ્રાફિકમાં ઊબરમાં બેસવાનાં વિચારથી જ અમને કંટાળો આવ્યો એટલે અમે ગૂગલ મૅપ્સ ખોલીને પાસે ચાલીને જઈ શકાય તેવી કોઈ જગ્યા શોધવા લાગ્યા. ત્યાંથી લગભગ પંદર મિનિટ ચાલીને અમે ‘નૅશનલ ગૅલેરી ઑફ મૉડર્ન આર્ટ’નાં બૅન્ગલોર કૅમ્પસ પહોંચ્યા. એ દિવસનો ‘સેવિંગ ગ્રેસ’ એ ગૅલેરી હતી. ત્યાં નંદલાલ બોઝનાં પેઈન્ટિંગ્સની એક સીરીઝ ડિસ્પ્લે કરવામાં આવી હતી જેનું નામ હતું ‘હરિપુરા પૅનલ્સ’. એ એક્ઝિબિટ મારાં માટે બહુ પ્લેઝન્ટ સર્પ્રાઈઝ હતી કારણ કે, ત્યાં પહોંચ્યાનાં પંદર દિવસ પહેલા જ કલકત્તામાં હું ‘કાલીઘાટ પેઈન્ટિંગ્સ’ શોધી રહી હતી! જામિની રૉય મારાં મનમાં છેલ્લાં દોઢ – બે મહિનાથી ચાલી રહ્યા હતા ત્યાં મને તેમનાં ગુરુ – નંદલાલ બોઝનાં પેઈન્ટિંગ્સ જોવા મળી ગયાં! તેમનાં આ ગુજરાત કનેક્શન વિષે જાણીને તો ઓર આનંદ થયો!

સ્વાતંત્ર્ય સંગ્રામનાં ભાગ રૂપે ગાંધીજીએ સન 1938માં ગુજરાતનાં હરિપુરા નામનાં એક ગામમાં ભારતીય નેશનલ કૉંગ્રેસની બહુ મોટી મીટિંગ ગોઠવી હતી. એ મીટિંગનાં ભાગ રૂપે ગાંધીજીએ નંદલાલ બોઝને ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આર્ટ-વર્ક બનાવવા માટે રિકવેસ્ટ કરી હતી, જેનાં રિસ્પૉન્સમાં તેમણે સૌથી પણ વધુ પેઈન્ટિંગ્સ બનાવ્યાં હતાં, જેમાંનાં એંસી જેટલાં ત્યારે ત્યાં ડિસ્પ્લે પર હતા. આર્ટ અને હિસ્ટરી ઇન્ડીપેન્ડેન્ટલી પણ મને એટલાં ફેસિનેટિંગ લાગે છે કે, તેનું આ રીતે ઇન્ટરકનેક્ટેડ હોવું અને એ કનેક્શન વિષે મને આ રીતે અનાયાસે જાણકારી મળવી એ મને લગભગ જાદુ જેવું લાગે છે!

અમે લગભગ ગૅલેરી બંધ થવાનાં સમયે ત્યાંથી નીકળ્યા અને બહાર આવીને જોયું તો મુશળધાર વરસાદ ચાલુ હતો. સાથીને એ સાંજે પણ અમુક મિત્રોને મળવું હતું અને અમે ત્યાંનાં ટ્રાફિકથી એટલા કંટાળ્યા હતા કે, જમવા માટે અલગ જગ્યાએ જવું અને પછી તેનાં મિત્રોને મળવું – એમ બે ઊબર લેવા કરતા તેનાં મિત્રોનાં ઘરે જ ડિનર કરવાનું અમે નક્કી કર્યું. એ મિત્રોનું ઘર પણ ફક્ત અડધી કલાક દૂર હોવું જોઈતું હતું, જ્યાં પહોંચતાં અમને દોઢ કલાક લાગી! અને એ લોકો પણ પેલાં એકસરખાં દેખાતાં સો અપાર્ટમેન્ટ્સનાં કૉમ્પ્લેક્સમાં જ રહેતા હતા. ત્યાં પણ ફરી એ જ મિકૅનિકલ વાતો – બૅન્ગલોરનો સ્ટાર્ટઅપ સીન, ટ્રાફિક, રીયલ એસ્ટેટ, વગેરે. જાણે આ બધા લોકોને કોઈએ કહી દીધું હતું કે, એક વયસ્ક વ્યક્તિ તરીકે રોટી-કપડાં-મકાન સિવાયનાં કોઈ પણ વિષયમાં રસ લેવો પાપ છે.

ક્યાં હું ત્રણ દિવસ પહેલા નવાં નવાં પંખીઓનાં રંગ અને અવાજ માણી રહી હતી, કાવેરી નદીનાં પાણીમાં વહી રહી હતી અને બે દિવસ પછી ક્યાં હું કોન્ક્રીટનાં જંગલમાં રૉબોટિક વાતો વચ્ચે ફસાઈ ગઈ હતી! એ મોનોટોનિમાં ફક્ત એક બ્રેક હતો – એક મિત્રની સોશિયલ વેલફેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી પાર્ટનર! એ દેશનાં અલગ અલગ ખૂણે જઈને અલગ અલગ ટ્રાઇબ્સ સાથે કામ કરતી હતી અને બેઝિક મેડિકલ પ્રોસીજર્સ વિષે તેમને સમજાય તેવી ભાષામાં કઈ રીતે તેમને માહિતી આપવાનો પ્રયત્ન કરતી હતી તેની વાતો સાંભળવાની મને થોડી મજા આવી. તેની વાતો પરથી જાણવા મળ્યું કે, દેશનાં કેટલાંયે એવાં ખૂણાં છે જ્યાં આઝાદીનાં 75 વર્ષ પછી પણ લોકશાહી હજુ સુધી નથી પહોંચી – એ ટ્રાઇબ્સમાં હજુ પણ રાજાશાહી ચાલે છે અને તેનાં વિષે ભારત સરકાર કંઈ નથી કરી શકતી. કંઈ નથી કરવા માગતી. કારણ કે, એ એરિયાઝ બહુ સેન્સિટિવ છે. અનફોર્ચ્યુનેટલી એ સ્ત્રી સાથેની વાત પણ ટૂંકાવવી પડી કારણ કે, સાથીને અન્ય એક મિત્રને મળવા જવું હતું. ત્યાં પણ ફરીથી એ જ રોટી-કપડાં-મકાનનો સિલસિલો ચાલ્યો. ત્યાં આશ્ચર્યની વાત એ હતી કે, એ મિત્ર અને તેની પાર્ટનર ફુલ-ટાઈમ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ છે. એ લોકો ડાન્સ વીડિયોઝ બનાવીને ફેમસ થયાં છે અને છતાં એ પણ રોટી-કપડાં-મકાનમાંથી બહાર નથી નીકળી શક્યાં?!

એ દિવસનાં અંતે મને એક વસ્તુ પાક્કી સમજાઈ ગઈ હતી કે, આ શહેરમાં હું એક અઠવાડિયું તો કોઈ રીતે નહીં કાઢી શકું. એ શહેર મને જેટલું હોપલેસ લાગ્યું હતું તેટલું ભાગ્યે જ બીજું કોઈ શહેર લાગ્યું હશે. હું તો ત્યાં રહેતી પણ નહોતી અને છતાં બે દિવસમાં જ મને એ શહેર એટલું ફેક અને સફોકેટિંગ લાગ્યું કે, ન પૂછો વાત! જાણે અચાનક હું પિંજરામાં પૂરાઈ ગઈ હોઉં. બાળપણમાં બૅન્ગલોરનાં જેટલાં વખાણ સાંભળ્યાં હતાં અને તેની જે છબી મનમાં બની હતી તેનો મેં જોયેલી ત્યાંની વાસ્તવિકતા સાથે કોઈ જ તાળો મળતો નહોતો. એક વિચાર એ પણ આવ્યો કે, જો મેં ક્યારેય ભારત છોડ્યું ન હોત તો કદાચ મારે પણ આ શહેરમાં રહેવું પડ્યું હોત. કે પછી મારાં પણ પોતાનાં મિત્રો ત્યાં રહેતા હોત તો કદાચ મને પણ ત્યાં રહેવાની મજા આવી હોત?! અમુક ‘જો’ અને ‘તો’નાં કોઈ જવાબ નથી.

પછીનાં દિવસે મેં એ અપાર્ટમેન્ટ છોડીને ક્યાંયે ન જવાનું નક્કી કર્યું. એ પણ થોડું તો કંટાળાજનક હતું પણ, તોયે ટ્રાફિકમાં કલાકો વિતાવવાની અપેક્ષાએ એ ઑપ્શન મને બેટર લાગ્યો. એ દિવસને અંતે જો કે, સાથી અને અમારાં હોસ્ટ મારું કન્ફ્યુઝન અને મારો કંટાળો એકદમ મારાં મોં પર જોઈ શકતા હતા એટલે અમે મળીને નક્કી કર્યું વીકેન્ડ પર ચિક્કમગલુર જવાનું. વીક ડેઝમાં તેમનું કામ હતું એટલે તેમને પાછું ફરવું પડે તેમ હતું પણ, મેં મારાં સહપ્રવાસી સાથીને પ્રસ્તાવ મૂક્યો ત્યાંથી જ આગળ હમ્પી સુધી જવાનો. પ્લાન કૈંક આવો હતો – અમે વીકેન્ડ પર મિત્રોની કારમાં તેમની સાથે ચિક્કમગલૂર જઈએ, પછી મિત્રો સાથે જ બેલુર અને હાલેબિડુનાં હોયસાલા સમયનાં મંદિરો જોઈએ અને એ લોકો ત્યાંથી જ બૅન્ગલોર પાછા ફરે અને ત્યાંથી અમને ટૅક્સી ડ્રાઈવર પિક-અપ કરી લે, જેની સાથે હમ્પી જઈને ત્યાં ફરીને બે-ત્રણ દિવસ પછી અમે પાછા બૅન્ગલોર જઈએ.

સાથીએ એકાદ દિવસ વિચારીને પ્રસ્તાવ માન્ય રાખ્યો અને હું બૅન્ગલોરથી નીકળવાનાં વિચારથી જ ખુશ થઇ ગઈ!

કર્ણાટક – 14

કર્ણાટક, પ્રવાસ, ભારત

એ દિવસની વાત પતાવીને અમે અમારાં રુમ પર ગયા. પછીનો દિવસ કૂર્ગમાં અમારો છેલ્લો દિવસ હતો. બપોર સુધીમાં અમારે નીકળવાનું હતું કારણ કે, બે સાથીઓને સાંજ સુધીમાં તેમની રિટર્ન ફ્લાઇટ માટે બેંગલોર એરપોર્ટ પહોંચવાનું હતું.

છેલ્લાં દિવસે નીકળતા પહેલા સવારે અમારે એક વખત બર્ડ-વૉચિંગ માટે જવું હતું. તેનો સમય વહેલો સાત વાગ્યાનો હતો એટલે અમે ઊઠીને તરત ત્યાં જ ગયા. મૂર્તિ અમારો બર્ડ વૉચિંગ ગાઈડ હતો. તેની સાથે તેનો ઇન્ટર્ન શિવા પણ ફરી સાથે આવ્યો હતો. અમે ઘણાં બધાં બહુ સુંદર પક્ષીઓ જોયાં. મને હવે કોઈનાં નામ યાદ નથી. ફક્ત એક ગ્રેટ કૌકલ નામનું પક્ષી યાદ છે અને એટલું યાદ છે કે, મૂર્તિ અસંખ્ય પંખીઓનાં અવાજની નકલ કરી શકતો હતો! સવારનાં સોનેરી તડકામાં બધું જ જાદુઈ લાગતું હતું અને બર્ડ-સાઉન્ડ્સની નકલ કરતો મૂર્તિ મને એકદમ જાદુગર લાગ્યો હતો! એ પક્ષીઓને બોલાવવાની અને તેમનું ધ્યાન અમારી તરફ ખેંચવાની તેની રીત હતી અને ઘણી વખત એ અવાજ સાંભળીને પક્ષીઓ ખૂબ પાસે પણ આવી જતાં! આવી સ્કિલ મેં પહેલા કે પછી ક્યારેય કોઈ પાસે નથી જોઈ. મને આવી અજબ સ્કિલ્સ આપણી સોસાયટીમાં બહુ અન્ડરરેટેડ લાગે છે. આવું બધું ‘નકામું’ કામ જ તો માણસની સ્પિરિટને જીવંત રાખે છે! એફિશિયન્સી અને યુટિલિટીનાં ચક્કરમાં આપણે હજારો વર્ષોથી કેટલી માણસાઈ ગુમાવી હશે કોને ખબર છે! હજુ પણ કેટલું ગુમાવીએ છીએ …

અમે દોઢેક કલાક આરામથી ફરી શકીએ અને દર પાંચ – દસ મિનિટે કોઈ નવી ટાઇપ દેખાય તેટલાં પંખીઓ એ એસ્ટેટમાં હતાં. ત્યાં પંખીઓનાં અવાજ સિવાય એટલી શાંતિ હતી કે, લોકો એકદમ ધીમે વાત કરે તોયે તેમનો અવાજ કર્કશ લાગે! લગભગ નવ – સાડા નવ આસપાસ અમે રુમ પર પાછા ફર્યા અને નાહીને, બ્રેકફસ્ટ કરીને તરત સામાન બધો કૅરિયરમાં લોડ કરવા લાગ્યા. અમે ચેકઆઉટ માટે કાઉન્ટર પર હતા ત્યાં એક સાથીએ આગળનાં દિવસનો મુદ્દો છેડ્યો અને એ સ્પા સ્ટાફનું વર્તન કેટલું અયોગ્ય હતું તેનાં વિષે તેમને ફીડબૅક આપ્યો. આ એ જ સાથી હતા જેમણે પાછલી સાંજે મારી ફરિયાદ અયોગ્ય કે અસ્થાને નથી તેની મને ખાતરી આપી હતી. હું પ્લેઝન્ટલી સરપ્રાઈઝડ હતી કે, તેમણે ત્યાંનાં સ્ટાફને ફીડબૅક આપવા જેટલી સીરિયસલી એ વાતને લીધી હતી! તેમનું રીઍક્શન અને તેમની દલીલ જોઈને જે સાથીએ આગલાં દિવસે એ વાતનાં મારાં ‘વર્ઝન’ પર પણ પોતાનો ડાઉટ વ્યક્ત કર્યો હતો તેણે પણ અચાનક પોતાનું સ્ટૅન્ડ બદલી નાંખ્યું! મને સમજ ન પડી, ખુશ થવું કે દુઃખી થવું. ત્યાંનાં સ્ટાફે દસ વખત સૉરી કહ્યું અને અંતે પોતાની ભૂલ સ્વીકારી! હું વિચારતી રહી. વાત એ જ હતી, વર્ણન પણ એ જ હતું અને દલીલ પણ એ જ હતી. ફક્ત ફર્ક એટલો હતો કે, પહેલી વખત યુવાન સ્ત્રી બોલી રહી હતી અને બીજી વખત આધેડ પુરુષ. ક્રિટિકલ થિન્કિંગ? એ વળી શું હોય?!

રેસ્ટ્રોં સ્ટાફ છેલ્લે નીકળતા વખતે પણ એટલો હેલ્પફુલ હતો કે, ન પૂછો વાત. અમે ફક્ત એક સાથી માટે રસ્તામાં ખાવા માટે ફક્ત એક સૅન્ડવિચ માગી હતી અને તેમણે એક આખું બૉક્સ ભરીને અમને જમવાનું આપી દીધું! અમે પહેલા મૈસુરમાં સ્ટૉપ કરવાનું વિચાર્યું હતું પણ, આ લન્ચ બૉક્સે જ અમારું પેટ એટલું ભરી દીધું કે, અમને પછી કંઈ ખાવાની જ ઈચ્છા ન રહી. કારમાં એકદમ શાંતિ હતી. બે દિવસ પહેલા ડ્રાઈવર સાથેનાં ઈન્ટરૅક્શનમાં જે ઓક્વર્ડનેસ આવી ગઈ હતી એ હજુ પણ બરકરાર હતી. લોકો થોડા થાક્યા પણ હતા. મને આનંદ હતો કે, ઍટ લીસ્ટ આખી ટ્રિપ મનમાં પ્રોસેસ કરવા જેટલી શાંતિ તો મળી.

મેં સુબ્બૈયાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને બાય કહ્યું. રસ્તામાં ચેન્નપટના પાસે હાઇવે પર જ એક ચાનું સ્ટૉપ લઈને અમે સીધા બૅંગલોર એરપોર્ટ પહોંચ્યા અને એ બંને સાથીઓને ડ્રૉપ કરીને બૅંગલોરની અમારી હોટેલ પર ગયા. ત્યાં એક રાત સ્પેન્ડ કરીને બીજા બે સાથીઓ પણ સવારે નીકળી જવાનાં હતા. હું અને એક સાથી બેંગલોર એક મિત્રનાં ઘરે થોડાં દિવસ રોકાવાનાં હતાં. મેં બેંગલોર ક્યારેય પહેલા વિઝિટ નહોતું કર્યું એટલે હું નવું શહેર એક્સપ્લોર કરવા માટે થોડી એકસાઇટેડ હતી.

કર્ણાટક – 13

કર્ણાટક, ભારત

હું અડધી ગુસ્સામાં અને અડધી દુઃખમાં સ્પા બિલ્ડિંગમાંથી બહાર દોડી આવી અને ચાલતી રહી. એક સાથી સિવાય કોઈને આ ઘટના વિષે જણાવવાનું મન નહોતું. મેં તેને ફોન કર્યો પણ તેની પોતાની સ્પા ટ્રીટમેન્ટ શરુ થઇ ગઈ હતી એટલે ફોન રિસીવ ન થઇ શક્યો. બાકી કોઈ સાથે વાત કરવાનું મન નહોતું એટલે મન શાંત થાય ત્યાં સુધી લાઈબ્રેરીમાં બેસવાનું નક્કી કર્યું. ત્યાં એકાંતમાં પોતાનાં ઇમોશન્સ પ્રોસેસ કરી શકવાનો સ્કોપ હતો. મનમાં એક આશા એ પણ હતી કે, જો સુબ્બૈયા દેખાય તો તેની સાથે ટાઇમપાસ કરું તો થોડી મજા આવે પણ એ ત્યાં નહોતો. પછી યાદ આવ્યું તેની તો પ્લાન્ટેશન ટૂઅર ચાલુ હશે.

લાઇબ્રેરીમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ બુક શોધીને તેમાં મન પરોવવાનો પ્રયત્ન કર્યો પણ, વ્યર્થ. મારી અકળામણનો કોઈ પાર નહોતો. જેટલી હું પ્રયત્ન કરી રહી હતી કે, આ સિચુએશન મારો હૉલિડે ન બગાડે એટલી હું વધુ ફ્રસ્ટ્રેટ થઇ રહી હતી. અંતે રડવું આવી ગયું. એક ઈચ્છા હતી કંઈ જ ન કહેવાની અને મારો થોડો ઘણો બચેલો કુચેલો હૉલિડે મૂડ સેવ કરવાની. બીજી ઈચ્છા હતી લાઉડસ્પીકર પર જોરથી રાડ પાડવાની કે, “પૈસા દઈને તમારાં રિઝોર્ટમાં રહેતા કોઈ પણ ગેસ્ટ સાથે તેનાં શરીરમાં પ્રાઇવેટલી ચાલતી એક કુદરતી પ્રક્રિયા વિષે પૂછવું અયોગ્ય અને અભદ્ર છે! ઇટ્સ લાઇક આસ્કિંગ સમવન કે, છેલ્લે રેસ્ટરૂમ ક્યારે ગયા હતા!! એ પ્રક્રિયાનાં બેઝ પર ગેસ્ટ્સ સાથે ભેદભાવ કરવો અસ્વીકાર્ય છે! અસ્વીકાર્ય હોવો જોઈએ! ખાસ એટલા માટે કે, એ પ્રક્રિયામાંથી દુનિયાની અડધો અડધ વસ્તી પસાર થાય છે. આ છે તમારો ‘વર્લ્ડ કલાસ’ રિઝોર્ટ?! આ કયું વર્ષ ચાલે છે? 1925? બુલશીટ!”

શાંતિથી એક જગ્યાએ બેસવું અશક્ય હતું એટલે હું લાઇબ્રેરીની બહાર ગ્રીનરીમાં ચાલવા લાગી. વચ્ચે વચ્ચે આંસું ચાલ્યાં જતાં હતાં. મૂર્તિ અને શ્રીનાથનું ધ્યાન મારા પર પડ્યું અને તેમણે પૂછ્યું “આર યુ ઓકે?” પહેલા તો મેં હા કહીને વાત ટાળી. પછી થયું ટુ હેલ વિધ ઈટ! મેં જાણી જોઈને તેમને કહ્યું કે સ્પામાંથી આ રીતે પીરિયડ્સનાં કારણે મારી સાથે બહુ વિચિત્ર અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું. તેમને અફકોર્સ મારી ‘ટૂ મચ ડિટેઈલ્સ’ સાંભળવી નહોતી. તેમનાં મોં પર એક ઑક્વર્ડનેસ પણ આવી ગઈ હતી અને મને એ વાતનો બહુ આનંદ હતો. લોકોને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવવાવાળી નાનકડી ક્રાંતિ પણ જો આ એક રિઝોર્ટ જેટલી જગ્યામાંયે જો આ પરિસ્થિતિ બદલી શકે તો મારી એ અળવીતરાઈ લેખે લાગે.

થોડી વારમાં સુબ્બૈયા દેખાયો. તેણે પણ એ જ સવાલ પૂછ્યો. હું તેને તો આ આખી ઘટના વિષે કહેત જ પણ, તેની બૉડી લૅન્ગવેજ જોઈને મેં પહેલા તો તેને પૂછ્યું “તું ઉતાવળમાં છે?” તેણે કહ્યું “હા બસ હું ઘરે જવા માટે નીકળું છું. મેં કહ્યું હતું ને, કાલે મારો ડે ઑફ છે. હજુ પૂરું અંધારું નથી થયું ત્યાં નીકળી જાઉં.” મને આગળ કંઈ કહેવું યોગ્ય ન લાગ્યું એટલે મેં તેને ફક્ત “હૅવ ફન” કહીને ગુડ બાય કહ્યું.

એ ગયો ત્યાં જ મારા સાથીની સ્પા ટ્રીટમેન્ટ પણ પૂરી થઇ. તેણે આવીને પહેલો સવાલ એ પૂછ્યો કે, મારી ટ્રીટમેન્ટ કેવી રહી. મેં ફટાફટ જે થયું એ બધું કહી નાંખ્યું. મારે ફક્ત એટલું સાંભળવું હતું કે, “આય ઍમ સૉરી કે, તારી સાથે આવું થયું. નહોતું થવું જોઈતું.” પણ, સામે જવાબ આવ્યો “ઓ! ઠીક છે યાર ડિનર ફિગર આઉટ કરીયે.” હું તેની સામે જોતી રહી. તેણે આગળ ઊમેર્યું “તું શું ઈચ્છે છે? હું આમાં શું કહું કે શું કરું? મને તો ખબર પણ નથી કે, તારી એ લોકો સાથે એક્ઝૅક્ટલી વાત શું થઇ છે!” એ જવાબમાં મેં બે જવાબ સાંભળ્યાં – એક એ કે, તને એમ લાગતું હોય કે તારી સાથે અન્યાય થયો છે તો એનાંથી મને કોઈ ફર્ક નથી પડતો. બીજો એ કે, મને આ આખી ઘટનાનાં તારાં વર્ઝન પર ભરોસો નથી. એ લોકોએ તારી સાથે બહુ સામાન્ય રીતે વાત કરી હોય અને તે ઑફેન્સ લઈને અતિશયોક્તિ કરી હોય તેમ પણ બને.

માય હાર્ટ બ્રોક ઇન અ થાઉઝન્ડ પીસિઝ. મૂવ ઑન! નોબડી કેર્સ! શું સ્વજન? શું સાથી? અહીં પણ મારી પાસે બે ચોઈસ હતી – આ ટૉપિક પર મારું આમ ફીલ કરવું વૅલિડ કેમ છે અને તેનો રિસ્પોન્સ ઇનસેન્સિટિવ કેમ છે એ તેને સમજાવવાનો પ્રયત્ન કરું – જેની તેનાં પર કોઈ જ અસર નહોતી થવાની અને ફક્ત ઝઘડો થવાનો હતો, કે પછી ડિનર ફિગર આઉટ કરું અને મૂવ ઑન કરીને મારી એનર્જી અને મૂડ બંને બચાવવાનો પ્રયત્ન કરું. આ વખતે હું હારી ગઈ. મેં ચુપ રહીને બીજો રસ્તો લઇ લીધો. એ દિવસે આખા ગ્રુપ સાથે ડિનર કરવાનો મારો બિલકુલ મૂડ નહોતો અને હું ડિરેક્ટલી આ વાત કહું તો મારા પર ફરી નાની વાતને મોટી કરીને બધાનો મૂડ ખરાબ કરવાનો આરોપ આવશે તેવું મને લાગ્યું એટલે મેં પ્રપોઝ કર્યું કે, આપણે ત્રીજા રેસ્ટ્રોંમાં જઈએ જ્યાં આપણે હજુ સુધી નથી ગયા. અમને કહેવામાં આવ્યું હતું કે, ત્યાં નૉન-વેજિટેરિયન ફૂડનું લાઇવ કાઉન્ટર છે એટલે મને ખબર હતી કે, એટ લીસ્ટ ત્રણ સાથીઓ તો ત્યાં નહીં જ આવે. એ સિવાય પણ મારે ખરેખર એ રેસ્ટ્રોંનો ડિનર એક્સપીરિયન્સ ખરેખર જોવો હતો કારણ કે, રિઝોર્ટનાં સ્પેશિયલ ડિનર્સ નોર્મલી એ રેસ્ટ્રોંમાં જ અરેન્જ થતાં હતાં.

એ રેસ્ટ્રોં લેકનાં કિનારે હતું અને ત્યાંની એકદમ માઇલ્ડ લાઇટ બહુ સરસ માહોલ જમાવી રહી હતી. ત્યાંની સુંદરતા મારા માટે સારું ડિસ્ટ્રેક્શન હતી પણ, તોયે કદાચ બૅક ઑફ માઇન્ડમાંથી દુઃખ પૂરું ગયું નહોતું. સાથીનું મન બાકીનાં ગ્રુપમાં અટવાયેલું હતું અને તેની બેચેની વારે વારે દેખાતી રહેતી. અમે જલ્દી ડિનર પતાવીને બાકીનાં સાથીઓ સાથે જોડાયા. ત્યાં જઈને જોયું તો સમજાયું કે, તેમનાં પણ બે-બેનાં અલગ ગ્રુપ બની ગયાં હતાં. જે બે લોકો ઘોષનાં રેસ્ટ્રોંમાં બેઠા હતા તેમની સાથે અમે થોડો સમય જોડાયા. ઘોષની હોસ્પિટાલિટીની વાત થઇ, સાથે એ પણ વાત થઇ કે, દરેક ગેસ્ટ વિષે તેમને કેટલું બધું યાદ રહે છે! એક સાથીએ જોરથી બોલવા માંડ્યું “બંગાળી લોકોનું માઇન્ડ અને મેમરી બહુ શાર્પ હોય છે પણ એ લોકો કુશંકાઓમાં પોતાનું મગજ બરબાદ કરે છે.” મને બહુ અજુગતું લાગ્યું એટલે મેં થોડો વિરોધ કર્યો કે, આવું જનરલાઇઝેશન કરવું યોગ્ય નથી પણ, તોયે તેમની ગાડી ચાલુ રહી. કુમાર વિશ્વાસે તેમનાં એક ઇન્ટરવ્યૂમાં એક શબ્દપ્રયોગ કર્યો હતો એ મને યાદ આવી ગયો- “કસ્બાઈ અભદ્રતા”. તમે એમનાં રેસ્ટ્રોંમાં બેઠા છો, ત્રણ દિવસથી તેમની અબવ ઍન્ડ બિયોન્ડ હોસ્પિટાલિટી માણી રહ્યા છો અને છતાં તેમનાં જ રેસ્ટ્રોંમાં બેસીને ખુલ્લા અવાજે તેમની કમ્યુનિટીની નિંદા કરવામાં તમને બિલકુલ સંકોચ નથી થતો?! આવું મેં છાશવારે થતું જોયું છે અને બોલનારને ભાન પણ નથી હોતી! તેમનું ધ્યાન દોરવામાં આવે તોયે લોકો “હેં હેં હેં , લે એમાં શું?” “હા તો કંઈ ખોટું થોડું કહીએ છીએ? જે જોયું છે એ કહીએ છીએ” કહીને વાત ઊડાવી દેતા હોય છે. લાખો વર્ષનાં એવલ્યુશન પણ આપણે બેસિક ડીસન્સી અને કર્ટસીથી હજુ કેટલાં દૂર છીએ!

તેમનું ડિનર પત્યું પછી થોડી વાર ટાઇમ પાસ કરવા અમે બે સાથીઓનાં રૂમ પર ગયા. ત્યાં અચાનક ફરી સ્પા એક્સપીરિયન્સની વાત નીકળી. મને પણ પૂછવામાં આવ્યું મારાં એક્સપીરિયન્સ વિષે. મેં તેમને આખી ઘટના વિષે વાત કરી અને તેનાં રિસ્પૉન્સમાં એક સાથી પાસેથી પહેલી વખત મને સિમ્પથીનાં બે શબ્દ સાંભળવા મળ્યાં. ઍન્ડ આય વૉઝ રિલીવ્ડ કે, હું જે ફીલ કરી રહી હતી એ અતિશયોક્તિ નહોતી! પ્રૉબ્લેમ મારી ઓવર-સેન્સિટિવિટી નથી! જે થયું એ ખરેખર અયોગ્ય અને અપમાનજનક હતું! અત્યાર સુધી જેમને કહ્યું અને જેમણે જોયું તેમનાં રિએક્શન પરથી તો મને પોતાને મારી જાત પર ડાઉટ થવા માંડ્યો હતો. અન્યાય જ્યાં સાવ નૉર્મલાઇઝ થઇ ગયો હોય ત્યાં, અન્યાયને અન્યાય કહેવાવાળાં અને એ અન્યાય થયાનું દુઃખ અનુભવનારાં જ પાગલ કહેવાતા હોય છે.