મારી યુનિવર્સિટીમાં દર ગુરુવારે નાની માર્કેટ ભરાય છે. ઘણાં બધાં સ્ટૂડન્ટ ગિલ્ડનાં અને સ્ટૂડન્ટ ક્લબનાં સ્ટોલ લાઈબ્રેરીની બરાબર સામે લાગેલાં હોય છે. ૨૦૦૯માં પહેલી વખત આ સ્ટોલ જોયા હતાં. અમુક સમય પછી મારો પરિચય મલિસ્સા સાથે થયો હતો. વિમેન્સ કલેક્ટીવની એ પ્રેસીડન્ટ હતી. હિપ્પી જેવો દેખાવ, વાળમાં ડ્રેડલોક્સ પણ સ્વભાવે એ બહુ મળતાવડી હતી. એ એક વર્ષ પછી મેં મલિસ્સાને કેમ્પસ પર ક્યારેય નથી જોઈ. તેનો નંબર પણ હવે મારી પાસે નથી. તેને મળ્યાં પછી મને એવું લાગ્યું હતું કે, તેનાં વિશે કંઇક વાત અસામાન્ય હતી. પણ, એ શું એ મને ક્યારેય ખબર ન પડી. એક વખત ગુરુવારે અમે વિમેન્સ કલેકટીવનાં સ્ટોલ પર ઊભા હતાં અને અમારી બાજુમાં એક ‘રેઈનબો પ્રાઈડ’નો સ્ટોલ હતો. ત્યારે તેણે મને પૂછ્યું હતું કે, હું આ બાબતે શું વિચારું છું. મને ખબર નહોતી રેઈનબો પ્રાઈડ શું છે એટલે મેં તેને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું એ એલ.જી.બિ.ટી.નાં ઈશ્યુ પર જાગૃતિ લાવવાનું કામ કરે છે. એલ.જી.બિ.ટી.?! તેણે કહ્યું ‘લેસ્બિયન, ગે, બાઈ-સેક્શુઅલ, ટ્રાન્સજેન્ડર’.
ત્યારે મને એક જ વિચાર આવ્યો. “O wow. So, this thing is real”. અત્યાર સુધી મેં પોતે બહુ વિચાર્યું નહોતું કે, આ વિષય પર મારું સ્ટેન્ડ શું છે કારણ કે, મને કોઈએ પૂછ્યું નહોતું અને આપણાં જેવાં સમાજમાં રહીને મને ક્યારેય આ બાબતે વિચારવાની જરૂર નહોતી પડી. જો કે, ભારતમાં રહેતાં મેં ચિત્રલેખામાં માનવેન્દ્રસિંહ ગોહિલની વાત જ્યારે છાપે ચડી હતી ત્યારે આછું પાતળું ચિત્રલેખામાં આપણે ત્યાં રહેલી અન્ડરગ્રાઉન્ડ એલ.જી.બિ.ટી કમ્યુનિટી વિશે વાંચ્યું હતું અને ત્યારે તે વાંચીને ખબર પડી હતી કે, આ લોકોને તકલીફ થાય છે સમાજમાં. પણ, આ વિષયે મારું જ્ઞાન એ એકાદ-બે આર્ટિકલ પૂરતું સીમિત હતું. હા, એક બાબતે હું વર્ષોથી ક્લિઅર હતી કે, ગમે તે ગમે તેની સાથે ગમે તેટલી વાર અને ગમે ત્યાં સુવે, ઇટ્સ નન ઓફ માય બિઝનેસ. ક્યારેય છે નહીં, હતો નહીં અને હશે નહીં. કોઈએ પોતાની જિંદગી કઈ રીતે જીવવી એ તેઓનો પ્રશ્ન છે મારો નહીં. કદાચ એટલે જ એલ.જી.બિ.ટી વિશે મારો ઓપિનિયન નક્કી કરવામાં મને બહુ વાર ન લાગી. હું તેમને સપોર્ટ કરું છું એવું નક્કી થઇ ગયું. પણ, આ હજુ આ ફક્ત મુદ્દાનું ઉપરનું સ્તર છે. કાશ દોસ્તાનામાં જોયું એટલું ફની આ હોત!
થોડો સમય ગયો પછી મારાં સંપર્કમાં ઘણાં ગે, લેસ્બિયન અને બાઈ-સેક્શુઅલ લોકો આવ્યાં. (ટ્રાન્સજેન્ડરનો મુદ્દો થોડો અલગ છે) આ બધાં લોકોને ફક્ત અને ફક્ત તેમનાં પાર્ટનરનાં પ્રેફરન્સને કારણે કેટલાં સામાજિક અને રાજકીય ભેદ-ભાવ અને તકલીફો સહન કરવાં પડ્યાં છે તેનાં વિશે મેં જાણ્યું. આ બધી બાબતોમાં એક વસ્તુ બહુ અગત્યની છે. જ્યાં સુધી તમારાં પોતાનાં મિત્ર કે નજીકની કોઈ વ્યક્તિ સાથે બને નહીં ત્યાં સુધી આવા સામાજિક મુદ્દા આપણને બહુ દૂર લાગતાં હોય છે. અને જેવું કોઈ વિકટીમ આપણી આસપાસ આપણાં ગાઢ સંપર્કમાં આવે કે, પુસ્તકો અને મેગેઝીનમાં વાંચેલી આ વાર્તાઓ આપણાં માટે અચાનક હકીકત બની જાય છે. ત્યારે આ મુદ્દા આપણી પોતાની હકીકત બની જાય છે અને પછી આપણે વિચારતાં થઈએ છીએ. જે બધી બાબતો આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ એ બધું મેળવવું અમુક લોકો માટે કેટલું અઘરું હોય છે! અને તે પણ કોઈ નક્કર કારણ વિના.
મારી એક મિત્ર વેલેરી (અમે તેણે વી કહીએ છીએ) એશિયન બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તે તેનાં મમ્મી અને નાની બહેન સાથે રહે છે. તેનાં મમ્મી ચાઇનીઝ-ભારતીય મિક્સ છે અને સિંગાપોરમાં જન્મેલાં અને ઉછરેલાં છે. વી બાઇસેક્શુઅલ છે. પણ, તેનાં મમ્મીને આ વિશે નથી ખબર. અમારે કોઈએ ભૂલથી પણ આ વિશે તેનાં મમ્મીની હાજરીમાં કંઈ બોલવાનું નથી. જો કે, હવે તો તેને ખબર પડે તેમ પણ નથી.એ છેલ્લા ૪ વર્ષથી ઍલેક્સ સાથે છે અને તે બંને રિલેશનશિપમાં છે. તે બંને જૂદાં પડે તેવી કોઈ શક્યતા નથી. ઍલેક્સ સાથે અને અન્યો સાથે આ સમયગાળામાં વાત કરતાં મને ખબર પડી કે, ગે, લેસ્બિયન અને બાઇસેક્શુઅલ લોકોની સમાજમાં કમી નથી અને છતાંયે તેમની હાજરી સ્વીકારવામાં સમાજ અચકાય છે. ધાર્મિકો તેમાં સૌથી પહેલાં છે. મોટાં ભાગનાં ધર્મો હોમો-સેક્શુઆલિટીને પાપ ગણાવે છે (હિંદુ અને બૌદ્ધ આ વિશે કશું કહેતાં હોવાનું મારાં ધ્યાનમાં નથી). અને એટલે તેઓ ‘પાપી’ઓ ને સમાજમાં સ્વીકારવાની ના પાડે છે. આ લોકો એ નથી સમજતાં કે, તમે જે ધર્મની વાત કરો છો એ તમારો પોતાનો અંગત ધર્મ છે. જે લોકો તેમાં નથી માનતાં તે કદાચ નરકમાં સળગે તો પણ તમારે શું?
મારો એક કલીગ હતો મેથ્યુ (મેટ). મેટ અમેરિકામાં જન્મેલો અને ઉછરેલો છે. તેને જેફ નામનાં એક કોરિયન સાથે પ્રેમ થયો. એ સમયે અમેરિકામાં કાયદાનાં અભાવે એ જેફને પોતાનાં સાથી તરીકે અમેરિકા ન લાવી શક્યો. અંતે તે બંનેએ ઓસ્ટ્રેલિયા આવવાનું નક્કી કર્યું. અહીં કાયદાની નજરમાં લગ્ન કર્યાં અને તે બંને છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને પરણેલાં છે. મેટને અનિચ્છાએ પણ પોતાનું ઘર, પોતાનો દેશ છોડવો પડ્યો. ફક્ત એટલા માટે કે, તેને સ્ત્રીને બદલે એક પુરુષ સાથે પ્રેમ થયો. એ તેની મમ્મીની બહુ નજીક છે. પણ, તેને પરાણે અહીં આવવું પડ્યું અને એટલે તેની મમ્મીથી દૂર થવું પડ્યું. આ બધું જોયા પછી હવે હું ખુલ્લી રીતે ગે રાઈટ્સને સપોર્ટ કરું છું. તેમાંથી એક મિત્રની ઓળખાણ થઇ. એ મુંબઈ રહે છે અને એ ગે છે. અને ધીમે ધીમે આ મુદ્દા પર ચર્ચાઓ થવા લાગી વિવિધ લોકો સાથે તેમ તેમ લોકોની ઘણી વિચિત્ર માન્યતાઓ મને જાણવા મળી.
ઘણાં એવું કહે છે કે, ગે હોવું કુદરતી નથી. એક આખો વિચાર એવો પ્રવર્તમાન છે કે, લોકો પોતે પોતાની સેક્શુઆલીટી પસંદ કરે છે. ખરેખર એવું નથી. હોમોસેક્શુઅલ, હેટેરોસેક્શુઅલ કે બાઈસેક્શુઅલ હોવું એ બાયોલોજીકલ વસ્તુ છે અને સાઈકોલોજીકલ નહીં. વળી,વાત ફક્ત સેક્શુઆલીટીની નથી. આ ચર્ચા ખરેખર તો ઘણાં પ્રશ્નો ઊભા કરે છે. જેમાંનો સૌથી પહેલો જેન્ડર કન્વેન્શનલ બિહેવિયર પર છે. તમારી જાતિ પ્રમાણે તમારાં કપડા, રમકડાં, બોલ-ચાલ વગેરેનાં જે ચોકઠાં આપણે બનાવ્યા છે અને મેલ અને ફિમેલ જેવા બે જેન્ડર આપણે મુખ્ય માનીએ છીએ આ બધાં સામે સવાલ ઊભા થાય છે. આ ઉપરાંત બીજી એક વસ્તુ જે જોવા મળે છે તે એવી છે કે, આપણામાં ઘણાં પુરુષોને લેસ્બિયન છોકરીઓ સામે પ્રોબ્લેમ નથી. Lesbians – Hot, Gays – yuck! એક પુરુષનું સ્ત્રૈણ હોવું ખરાબ છે પણ, એક સ્ત્રી જો પુરુષ જેવું બિહેવ કરે તો તે ચાલે. (?!) એ માનસિકતા માટે પણ એક શબ્દ છે ‘પેટ્રિયાર્કી’ તેનાં વિષે ફરી ક્યારેક વાત. આ ઉપરાંત એક સ્ટડી એવું પણ બતાવે છે કે, મોટાં ભાગનાં હોમોફોબિક (હોમોસેક્શુઅલ લોકોથી ડર લાગવો એટલે હોમોફોબિયા) લોકો અંદરખાને ખરેખર હોમોસેક્શુઅલ હોય છે. એમાં જોવા જેવી વાત તો એ છે કે, તેમનાં પોતાનાં પર આ પ્રયોગ થયો હોવા છતાં, તેનું પરિણામ તેમની નજર સામે હોવા છતાં મોટાં ભાગનાં આ પુરુષો પ્રયોગનાં પરિણામને ખોટું ઠરાવે છે. આનો મતલબ તો એ જ થયો ને કે, મોટાં ભાગનાં પુરુષો માટે ‘સ્ત્રી જેવું હોવું’ કે કન્વેન્શનલી સ્ત્રીઓને ગમતું કંઈ પણ ગમવું એ શરમની વાત છે. પુરુષ હોવું એ સ્ત્રી હોવા કરતાં ચડીયાતા હોવાની આ મેન્ટાલીટી અને ‘એક દીકરો તો હોવો જ જોઈએ’વાળી માન્યતા અંતે તો એક જ વસ્તુ થઇ ને!
અને આપણા જેવા સમાજમાં જ્યાં ‘ગે’ મોટાં ભાગનાં લોકો માટે એક જોક છે, ત્યાં જે ખરેખર ગે છે તેમનું શું? માનવેન્દ્રસિંહની જેમ પરિવાર બહિષ્કાર કરે તે બધું તો ઠીક છે. પણ, અંગત રીતે પણ આ લોકોને પોતાનાં પાર્ટનર શોધવામાં જે તકલીફ પડે એ નફામાં. કારણ મોટાં ભાગની આ કમ્યુનીટી આપણે ત્યાં છૂપી છે. કોઈને ખબર ન પડે તેવી રીતે! આ તો ઉપકાર માનો કાયદાનો કે, એટ લીસ્ટ હોમોસેક્શુઆલીટીને હવે ૨૦૦૯થી આપણે ક્રિમિનલ નથી ગણતાં.* લોકો (ખાલી હિન્દુસ્તાનમાં નહીં દુનિયામાં પણ) જાણતા નથી એટલે આ બધી તકલીફો છે. પણ, એનાંથીયે મોટી તકલીફ એ છે કે, જાણવા માંગતા નથી! અન્ય સામે ચર્ચામાં ઉતરવું સહેલું છે. પણ, જ્યારે સવાલ જાત સામે હોય અને આપણી પોતાની માન્યતાઓનું જાતે ખંડન કરવાની વાત હોય ત્યારે આપણે કેટલાં ભાગતાં હોઈએ છીએ ને.
જેઓ વધુ જાણવા ઇચ્છતાં હોય તેમનાં માટે આ અમુક ડોક્યુમેન્ટરી:
આ પોસ્ટ લખાઈ તેનાં થોડાં જ મહિનાઓ પછી સુપ્રીમ કોર્ટે હોમોસેક્શુઆલિટીને ક્રિમિનલ જાહેર કરી. :(
Brave post. Got the link from Kartikbhai’s blog. Read both this one and the one after this. We as a human being have a long way to go for true equality and acceptance, of course if we can spare sometime from our “religious views”.
થેન્ક યુ. જેમ ઉપર રજનીભાઈને કહ્યું તેમ આ પોસ્ટ એ ફક્ત તેમની તકલીફોની અને સામાજિક દ્રષ્ટિકોણની હોલીસ્ટિક પોસ્ટ છે. મારી આવતી પોસ્ટની પૂર્વ-ભૂમિકા. ખરેખર આ લોકોનું જીવન શું છે, કેવું છે, મારાં તેમની સાથેનાં મિત્ર તરીકેનાં અનુભવો વગેરે વિષે આવતી પોસ્ટમાં લખીશ તે કદાચ આ મુદ્દો અંગત રીતે સમજવામાં વધુ મદદરૂપ થશે. આપણે એમને સમાજમાં સ્વીકારી પણ લીધા ચાલો. પણ, પછી શું? What does it mean to me? આવતી પોસ્ટમાં :)
રજનીભાઈ આપણા પોતાનાં વ્યક્તિઓમાં આ લક્ષણ દેખાય ત્યારે શું અને કેવું તેનો વધુ સચોટ જવાબ કદાચ તમને આવતી પોસ્ટમાં મળશે. આ પૂર્વ-ભૂમિકા હતી. આવતી પોસ્ટમાં મારાં આ પ્રકારનાં મિત્રો સાથેનાં મારાં અંગત અનુભવો વિષે વાત કરીશ તેની સાથે કદાચ તમે આનાં કરતાં પણ વધુ રીલેટ કરી શકશો.
True. આ ‘સામાન્ય’ એ બહુ સાપેક્ષ શબ્દ છે જો કે. જેમ વધુ જાણતાં અને સ્વીકારતાં જાઓ તેમ ‘સામાન્ય’નો વ્યાપ વધુ અને વધુ બહોળો થતો જાય છે ને! :)
સાવ સાચી વાત છે. ઉપરાંત, આપણે ત્યાં મોટાં ભાગનાં લોકો ક્લોઝેટમાં છે અને એટલે આપણને ખ્યાલ પણ નથી રહેતો કે, આ કેટલું સામાન્ય છે. આ ઉપરની ડોક્યુમેન્ટરીમાં મિડલ સેક્સીસનાં ચોથા ભાગમાં પેલો બાયોલોજીસ્ટ કહે છે એક વસ્તુ એ મનેય ખબર નહોતી અઠવાડિયા પહેલાં. લોકો હેટરોસેક્શુઅલ જ છે તેવું માનવું રીડીક્યુલસ છે. ગે અને સ્ટ્રેટ ઓછું રીડીક્યુલાસ છે, ગે-સ્ટ્રેટ-બાઈ તેનાંથી પણ ઓછું રીડીક્યુલસ છે. પણ, વાત અહીં અટકતી નથી. બાયોલોજીકલી સેક્શુઅલ કપલ્સમાં વૈવિધ્ય અસ્તિત્ત્વ ધરાવે છે જેમ કે, બાઇસેક્શુઅલ વિથ અ પ્રેફરન્સ ટુવર્ડ ફીમેલ્સ, ક્રોસ-ડ્રેસર સ્ટ્રેટ વગેરે વગેરે વગેરે. અંતે બધું ત્યાં આવીને અટકે છે કે, તમે તમારી કહેવાતી ‘વૈજ્ઞાનિક’ માન્યતાઓની કેટલી ઉલટ-તપાસ કરો છો. છાપાંમાં વાંચ્યું એટલે સીધું માની જ લીધું કે પછી એ વૈજ્ઞાનિક દલીલનાં ઓથેન્ટિક સાયન્ટીફિક રિસોર્સ શોધવાનો પ્રયાસ કર્યો! હજારો વર્ષો પહેલાં શરુ થયેલાં ધર્મો પાસે હજારો વસ્તુઓનાં કોઈ વૈજ્ઞાનિક ખુલાસા કે સમજૂતી નહોતાં અને એટલે જે સમજાયું નહીં તે બધું ભગવાન અને ચમત્કાર! જે કંઈ આપણને ‘સામાન્ય’ ન લાગે તે બધું પાપ અને હાય-હાય.
Thank you :)
ખુબ સુંદર વીચાર.. રજનીભાઈ થકી લીન્ક મળી એટ્લે એક બેઠકે વાંચી ગયો. જે દ્રષ્ટીકોણ થી આખી વાત કહેવાઈ એ ગમી ગઈ. લેખ શેર કરવા બદલ રજનીભાઈનો આભાર.
બે’ક દિવસમાં જ એફબી પર એક ગ્રૂપમાં આ ‘ટોપિક’ વિશે ચર્ચા ચાલતી હતી ત્યાં મે લખ્યું હતું – આપણે લોકો આ વિશે ત્યારે જ સુફીયાણી વાતો કરીયે જ્યારે ‘સલાહ-ચર્ચા’ના મૂડમાં હોય, પણ જો પોતાનાં સંતાનમાં આ [પ્રકારના લક્ષણો દેખાય ત્યારે રીએક્શન-વિચાર શુ હોય શકે?
(આ પોસ્ટની લિંક પર ત્યાં શે’ર કરું છું. )
બ્રેવ પોસ્ટ, પ્રિમા!! અને, નિરવની વાત સાચ્ચી કે હજી આપણે જાડા, કાળા, નીચાં, ઉંચા કે પછી સામાન્ય ન હોય એવા માણસોને પણ સ્વિકારી શક્યા નથી તો બીજી વાત જ શી કરવી??
1} લોકો હજી ‘ જાડા ‘ અને ‘ કાળા ‘વ્યક્તિઓને હજી સન્માનપૂર્વક નિહાળી નથી શક્યા ; ત્યાં ‘ ગે ‘ અને ‘ લેસ્બિયન ‘ તો એમના માટે હિમાલય ચઢવા જેટલી દુર વાત થઇ !
2} બીજી આ એવી પણ વાત થઇ કે ; જ્યાં સુધી પોતાના પગ તળે રેલો ન આવે ત્યાં સુધી આ બધું જ સ્વપ્ન જેવું જ લાગે . . . પણ જયારે હકીકત સાથે સામનો થાય ત્યારે એક નિશ્ચિત વર્તુળમાં રહેતા લોકો સૌ પ્રથમ તો તેને સમજી જ નથી શકતા કે આ કોઈ ચોઈસ ની વાત નથી . . પણ એ તો અંદરથી જ આપમેળે ઉગી નીકળતી વાત છે કે જેનો શું ઉપાય હોઈ શકે ! . . . પુરુષને પુરુષ જ ગમે છે અને સ્ત્રીને સ્ત્રી જ ગમે છે તો એમાં કઈ ન થઇ શકે ! . . . પણ ભારતમાં ક્યારેક ક્યારેક એવા પુરુષોને સમાજનો ડર અને પારિવારિક દબાણ આપી , કોઈ સામાન્ય સ્ત્રી સાથે પરણાવી દેવાય છે અને લગ્ન બાદ બંનેની માઠી શરુ થાય છે :( અને પરિવારજનો એ વાતે નિરાંત અનુભવે છે કે ચાલો એક વાત પૂરી થઇ , હવે એ બંને પોતપોતાની વાત પોતે જાણે !!!
3} અને લાખ વાતની એક વાત ; કે ધર્મ અને સેક્સલાઈફ એ ખરેખર તો સમાજમાં રહેતા મનુષ્યોની એક અંગત વાત થઇ ; પણ એ વાતો જ છડે ચોકે એટલી તો અજ્ઞાનતા પૂર્વક વાતોમાં મસાલા ભભરાવીને ફેલાવાય છે કે જયારે બંનેમાંથી કોઈ પણ એક વાતે તેમના પર નાલેશી આવે ત્યારે તેઓ મૃત્યુ પસંદ કરી બેસે છે :( . . અને લોકો વળી પાછા કર્મ અને સંસ્કારની વાતો કરી છુટા પડે છે !
અને છેલ્લે , ખુબ સંવેદનશીલ મુદ્દો છેડ્યો , રખડતા . . ભટકતા ! Hats off , Prima .