ઓસાકા – 5

ઓસાકા, જાપાન

જાપાન ફરીને આવેલી કોઈ વ્યક્તિનાં મોં પર મેં ત્યાંનાં મંદિરોની વાત ન સાંભળી હોય એવું ક્યારેય બન્યું નથી. ઓસાકામાં 3 દિવસ વીતાવ્યા પછી પણ મેં એક હોઝેન્જી શ્રાઈન સિવાય કઈં જોયું નહોતું એટલે ઓસાકાનાં અંતિમ દિવસે મંદિર અને શ્રાઈન જોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. છેલ્લા દિવસે બપોર સુધી મારી પાસે ઓસાકામાં ફરવાનો સમય હતો. પછી શિન્કાનસેન (બુલેટ ટ્રેન) પકડીને ટોક્યો પહોંચવાનું હતું અને હોટેલમાં સામાન ઊતારીને રાત્રે આઠ વાગ્યા આસપાસ ટોક્યોનાં મિત્રો આશુ અને શ્રી સાથે ડિનર પ્લાન હતો એટલે દિવસ દરમિયાન જગ્યાઓ શોધવામાં સમય વ્યતીત કરવો પોસાય તેમ નહોતું એટલે જગ્યાઓ શોધીને આખો પ્લાન મેં રાત્રે જ બનાવી લીધો.

પહેલા ક્યાં ક્યાં ફરવા જવું એ નક્કી કર્યું અને પછી એ સ્થળો આસપાસ ખાવા-પીવાનાં સ્થળ શોધ્યા. સવારે ચેક-આઉટ કરીને બૅગ્સ હોટેલ પર છોડી. સાડા દસે ‘મિકાસાડેકો & કૅફે’ પહોંચી.

https://goo.gl/maps/UoxFkMemquEByWoG8

કૅફે ખૂબ વ્યસ્ત હતું અને પંદરેક મિનિટ રાહ જોયા પછી સીટ મળી. જો ગુરુવારે સવારે આ હાલત હોય તો શનિ-રવિ તો ત્યાં કેટલી રાહ જોવી પડતી હશે! ત્યાંનો બ્રેકફસ્ટ અને ઍમ્બિયન્સ જો કે, રાહ જોવાલાયક છે પણ ખરાં! મેં ઘણાં દિવસોથી ટ્રેડિશનલ પાશ્ચાત્ય બ્રેકફસ્ટ કર્યો નહોતો એટલે એ જ ઓર્ડર કરવામાં આવ્યો.

ફટાફટ બ્રેકફસ્ટ પતાવીને હું ચાલી નાંબા-યાસાકા શ્રાઈન તરફ. એ વિસ્તાર એકદમ શાંત અને ખાલી હતો અને એકદમ સામાન્ય રેસિડેન્શિયલ વિસ્તાર હતો, બાકીનાં બધાં સ્થળોની જેમ ટૂરિસ્ટી, કમર્શિયલ નહીં. મુખ્ય માર્ગથી અંદર ચાલતાં થોડી નાની સાંકડી ગલીઓ જોવા મળી અને ઘરની બહાર પાર્ક કરેલાં સ્કૂટર, સાઇકલ, ગાડીઓ.

સવારે મોટાં કામ પર અને બાળકો સ્કૂલે ગયા પછીની રેસિડેન્શિયલ વિસ્તારની શાંતિ હતી વાતાવરણમાં. નાના નાના પંખીઓનાં અવાજ સંભળાતાં હતાં અને તેવામાં આપણે ગલીનાં નાકા પર દસ-બાર ઘરોની વચ્ચે મહાદેવનું મંદિર હોય એવી જ રીતે બરાબર નાંબા-યાસાકા શ્રાઈન આવેલી છે. મોટા ખુલ્લા પરિસરમાં ત્રણ દહેરીઓ અને ખૂબ બધા વૃક્ષો!

મંદિર પણ મોટા ભાગે ખાલી જ હતું. હું ગઈ ત્યારે મારા સિવાય બીજા એકાદ બે માણસો માંડ હશે. ત્યાં એક નાનકડી છોકરી તેની મમ્મી સાથે ત્યાં આવી હતી અને પોતાનાં સાંસ્કૃતિક પહેરવેશમાં ફોટો પડાવી રહી હતી.

બધું એકદમ શાંત અને ખુશનુમા હતું. આ આખો નજારો મારી ભારતની સવારનાં સમયની મંદિરોની સ્મૃતિ સાથે એટલો મળતો આવતો હતો કે, થોડાં સમય માટે હું સ્કૂલનાં સમયમાં ચાલી ગઈ હોઉં તેવો આભાસ થયો. છેલ્લે હું સ્કૂલનાં દિવસોમાં જ કદાચ સવારનાં સમયે કોઈ મંદિરે ગઈ હોઇશ. મને ત્યાં જ બેસી રહેવાનું મન થયું પણ, મારે બીજી જગ્યાઓ પણ જોવી હતી અને સમય ઓછો હતો એટલે થોડો સમય ત્યાં બેસીને પછી હું આગળ ચાલી શીંતેન્નોજી મંદિર તરફ.

તેન્નોજી સ્ટેશન પર ઉતરીને દસેક મિનિટ જેટલું ચાલતાં એ મંદિર આવતું હતું. એ આખો વિસ્તાર એકદમ ટૂરિસ્ટી હતો. ત્યાં ઘણી બધી નાની દુકાનો, તેન્નોજી પાર્ક, ઝૂ અને એવું ઘણું બધું હતું એટલે ઘણાં લોકો દેખાતા હતા. તેન્નોજી મંદિર જતાં રસ્તામાં મને મૅપ્સ પર મને ‘હોરીકોશી શ્રાઈન’ દેખાઈ એટલે પહેલા મેં ત્યાં જવાનો પ્રયત્ન કર્યો. પણ, એ શ્રાઈન મને મળી નહીં અને અંતે હું થોડું ફરીને એક શ્મશાન પર પહોંચી ગઈ.

પછી વધુ સમય બપોરે પોણા વાગ્યા જેવો થયો હતો. ત્યાંથી હું દોઢ વાગ્યે નીકળું તો પણ હોટેલ જઈને સામાન લઈને શિન્કાનસેન સ્ટેશન પહોંચતાં ત્રણ આરામથી વાગે એટલે ફટાફટ હું શીનતેન્નોજી મંદિર તરફ જ ચાલી. રસ્તામાં જૂની જાપાની શૈલીનાં ખૂબસૂરત નાના ઘર જોવા મળ્યાં. ત્યાં કોઈ શેરીમાં વિચિત્ર સૂટમાં સુસજ્જ એક જાપાની છોકરાએ મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનાં ભાંગેલાં ઇંગ્લિશમાં કઈં મેળ પડ્યો નહીં એટલે એ ચુપચાપ આગળ ચાલ્યો.

શીનતેન્નોજી મંદિર વિશાળ છે! અંદરનું ચોરસ પ્રાંગણમાં આંટો મારતા જ લગભગ વીસેક મિનિટ લાગે તેટલું મોટું. મંદિરનાં મુખ્ય દરવાજાની અંદરનાં વિશાળ ચોકમાં માર્કેટ લાગેલી હતી. લોકો નાના નાના તંબુ લગાવીને વસ્તુઓ વેંચતા હતા.

મુખ્ય મંદિરની બરાબર સામે લોકો અગરબત્તીઓ સળગાવતા હતા. અંદર મંદિરની દીવાલો પર બુદ્ધનાં જીવનનાં મહત્ત્વનાં પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. અંદર ફોટોઝ લેવાની છૂટ નહોતી. એ મંદિર મને એટલું ખાસ ન લાગ્યું. થોડાં દિવસો પછી ક્યોતોમાં મેં જે જોયું તેની સરખામણીમાં તો હું એમ કહું કે, આ મંદિર કદાચ ન પણ જોવા મળે તો પણ અફસોસ કરવા જેવો નથી.

મંદિરથી દોઢ-પોણા બે આસપાસ નીકળીને પ્લાન પ્રમાણે હું ટ્રેન પકડીને ફટાફટ મારી હોટેલ પહોંચી. ત્યાં પહોંચતા અઢી તો વાગ્યા જ હશે. હોટેલની શટલથી પાછું ઓસાકા સ્ટેશન જવાનું હતું અને ત્યાંથી JR પકડીને શીન-ઓસાકા, જ્યાંથી મારે ટોક્યોની શિન્કાનસેન લેવાની હતી ત્રણ સુધીમાં. હોટેલ પહોંચીને થોડું રેસ અગેઈન્સ્ટ ટાઈમ જેવું થઇ ગયું. ફટાફટ સામાન ઉપાડીને જે શટલથી હું ઓસાકા-સ્ટેશનથી હોટેલ આવી હતી એ જ શટલમાં પાછી ઓસાકા સ્ટેશન પહોંચી. શીન ઓસાકા તરફ જતી JR ટ્રેનનો દરવાજો એકદમ શટલ-સ્ટોપ પાસે જ હતો એટલે ફટાફટ દોડીને મેં ટ્રેન પકડી.

JR પાસ સાથે તમે સૌથી ફાસ્ટ બુલેટ ટ્રેન – ‘નોઝોમી’માં મુસાફરી ન કરી શકો. ત્યાર પછીની બીજા નંબરની ફાસ્ટેસ્ટ – ‘હિકારી’ પકડવાની હતી. ટ્રેન નીકળવાની બરાબર બે મિનિટ પહેલા હું ત્યાં પહોંચી અને ઝડપથી કોઈ પણ ડબ્બામાં ચડી ગઈ. એ ટ્રેનનો રિઝર્વ્ડ વિભાગ હતો – તેમાં પણ JR પાસવાળા લોકો ન બેસી શકે એટલે નોન-રિઝર્વ્ડ વિભાગ તરફ જતાં હું એક પછી એક ડબ્બા ઓળંગવા લાગી. અંતે લગભગ દસેક ડબ્બા પછી નોન-રિઝર્વ્ડ વિભાગ આવ્યો અને હું સીટ પામી.

ટ્રેન મોટાં લાંબા ખેતરો અને ખુલ્લા મેદાનો પાસેથી પસાર થતી હતી ત્યારે તેની ગતિનો ખ્યાલ ન આવતો પણ, જ્યારે પાસેથી બીજી શિન્કાનસેન નીકળતી ત્યારે તેની ગતિ ખરેખર અનુભવાતી! બીજી ટ્રેન તમારી સાપેક્ષ એક લાંબા લીસોટાની જેમ પસાર થઇ જાય! તેની બારી, બારણા જેટલી ડિટેઇલ પણ તમે જોઈ ન શકો એટલી બંને ટ્રેનની ગતિ હતી! રસ્તામાં મને આછું પાતળું એક મેઘધનુષ્ય પણ દેખાયું.

શ્રીએ કહ્યું હતું કે, ડાબી બાજુ બેસીશ તો ટોક્યો પહોંચતા પહેલા રસ્તામાં માઉન્ટ ફૂજી જોવા મળશે. પણ, એ પહેલા તો ખૂબ ગાઢ અંધકાર ફેલાઈ ગયો હતો. સાંજે સાડા છ આસપાસ હું ટોક્યો સ્ટેશન પહોંચી. ત્યાંથી JR લઈને મારી હોટેલ પાસેનાં યોત્સુયા સ્ટેશન પર ઉતરી. યોત્સુયાથી મારી હોટેલ – ‘ન્યૂ ઓતાની’ સુધીનાં રસ્તે દસ મિનિટ ચાલવાનું હતું. યોત્સુયાથી મારી હોટેલ – ‘ન્યૂ ઓતાની’ સુધીનાં રસ્તે દસ મિનિટ ચાલવાનું હતું. મારા મગજમાં એ ચાલવાનું ચિત્ર શહેરની મોટી ગલીઓમાંથી ચાલવાનું હતું પણ, વાસ્તવમાં એ ચાલવાનું જાણે કોઈ મોટાં નેશનલ પાર્કમાં ચાલતા હો તેવું હતું. આખા રસ્તે ડાબી બાજુ કોઈ મોટી કૉલેજનું બિલ્ડિંગ અને જમણી બાજુ જંગલ જેવું કઈંક. રાતનાં અંધકારમાં બહુ ખબર નહોતી પડતી પણ, દિવસે એ રસ્તો બહુ સુંદર લાગતો હશે તેવો આભાસ થતો હતો.

ઓસાકા અને ટોક્યોમાં બેગ સાથે દોડીને થોડો થાક લાગ્યો હતો પણ, નવા સ્થળો જોવાનો ઉત્સાહ થાક ભૂલાવી દેતો હતો. રૂમમાં સામાન મૂકીને ફટાફટ આશુ અને શ્રીનાં ઘર તરફ જવાનું હતું. એ સાથે મારી સોલો ટ્રિપનો અંત આવતો હતો. આગળની મુસાફરી લોકો સાથે થવાની હતી તેની થોડી ખુશી પણ હતી અને થોડું દુઃખ પણ.

નારા

જાપાન, નારા

ઓસાકા પહોંચીને રાત્રે હિરોશિમા જવાનો ગ્રાન્ડ પ્લાન બનાવ્યા પછી સવારે ઊઠીને સૅમે ઓસાકાથી હીરોશિમાનું અંતર જોયું અને તેને પોતાને જ આળસ આવી ગઈ. મારું મન હતું ઓસાકા માર્કેટ ફરવાનું પણ, તેને માર્કેટ નહોતું ફરવું અને બીજું કૈંક કરવું ‘તું. ‘બીજું કૈંક’ શું એ તેને પોતાનેય ખબર નહોતી. હું નાહીને તૈયાર થઇ તેટલી વારમાં તેને ‘બીજું કૈંક’ મળી ગયું હતું. ફરીથી તેને એક એરબીએનબી એક્સપીરિયન્સ મળ્યો પણ, આ એક્સપીરિયન્સ ઓસકાથી એક કલાક દૂર નારા નામનાં એક ગામમાં હતો. મેં શરૂઆત તો ના પાડવાથી કરી કારણ કે, મને ડર હતો કે, સૅમ ફરીથી કોઈ અતિવ્યસ્ત દિવસનો પ્લાન બનાવી લેશે અને મને મજા નહીં આવે. કલાકની સફર કરીને નવાં શહેરમાં જવાની પણ મારી ઈચ્છા નહોતી. પણ, સૅમે ખાતરી આપી કે એ એક્સપીરિયન્સ આરામદાયક અને મજાનો હશે. હું પૂરી સહમત નહોતી પણ, બે કલાકે હિરોશિમા જવા કરતાં તો આ ઓપ્શન સારો જ હતો અને મને ટૂંકું કરવામાં રસ હતો એટલે મેં હા પાડી દીધી. એક્સપીરિયન્સ એક વાગ્યે શરુ થતો હતો અને અમે એકથી થોડા મોડા પડીએ તેવી શક્યતા હતી. છતાં અમે હોસ્ટને મેસેજ કર્યો અને અમારા નસીબજોગે તેણે તરત જવાબ આપીને કહ્યું કે, અમે દોઢ વાગ્યે પહોંચીએ તો ચાલશે. એટલે અમે તરત જ નારા જવા નીકળ્યા.

ટ્રેનથી જ અમે આરામથી નારા પહોંચી ગયા. અમારે હોસ્ટને નારા સ્ટેશન પર જ મળવાનું હતું. તેણે અમને એક ચોક્કસ સ્થળે મળવાનું કહ્યું હતું જે અમે શોધી કાઢ્યું. એ અમારા પહેલા જ ત્યાં પહોંચી ગયો હતો અને અમારા પહોંચતા જ એ અમને ઓળખી પણ ગયો. તેનું નામ હતું – હિરો. હિરો સૌથી પહેલા અમને સ્ટેશન પાસે આવેલી એક સાઇકલની દુકાન પર લઇ ગયો. સ્વાભાવિક રીતે જ, એ દુકાન-માલિકને ઓળખતો હતો. એ હિરોનાં દરેક ગ્રાહક માટે તેમનાં કદ અનુસાર સાઇકલો કાઢી આપતો. અમને પણ યોગ્ય સાઇકલો કાઢી આપવામાં આવી. મેં વિચાર્યું હતું કે, અમે તરત જ ત્યાંથી ફરવા નીકળી જઈશું. પણ, હિરોનો પ્લાન અલગ હતો. અમે પાછા નારા સ્ટેશન ગયા અને તેણે બહાર અમને દસેક મિનિટ રાહ જોવાનું કહ્યું. હાઈસ્કૂલ પછી હું પહેલી વખત સાઇકલ પર બેઠી હતી અને મેં ધાર્યા કરતા સાઇકલ પર વધુ મજા આવી રહી હતી. કદાચ એ સાઇકલ ગિયર વિનાની હતી એટલે મને વધુ પસંદ હતી. કૉલેજમાં એકાદ વખત ગિયરવાળી સાઇકલ ચલાવી હતી પણ, તેમાં મને બિલકુલ મજા નહોતી આવી. કદાચ એટલા માટે, કે સાઇકલ મારા માટે ફિટનેસનું સાધન ઓછું, અને સાદગીનું પ્રતિક વધારે છે અને ગિયરવાળી અટપટી સાઇકલો સાદગીનાં રોમૅન્સને મારી નાંખે છે.

હિરો આવ્યો ત્યાં સુધી સૅમ અને હું સાઇકલ-કથાઓ વાગોળતા રહ્યા અને હું ત્યાં જ ચોગાનમાં ગોળ-ગોળ ચક્કર મારતી રહી. હિરો અમારા માટે પાણીની બૉટ્લ્સ અને બે ‘ઓનિગિરી‘ લાવ્યો. તેને હતું કે, અમને ઓનિગિરી વિષે નહીં ખબર હોય અને એ અમને નવો સ્વાદ ચખાડશે. અમારા માટે એ નવું ખાદ્ય તો નહોતું પણ, હતું એટલું જ સરસ જેટલું પહેલી વખત માણ્યું ત્યારે લાગ્યું હતું. ઓનિગિરી ખાઈને સૌથી પહેલા અમને નારા શહેરની સાહો નદીનાં કિનારે ચક્કર મારવા માટે લઇ જવામાં આવ્યા. અમારું સૌથી પહેલું આરામ-સ્થળ નદી પર બંધાયેલાં એક નાના પુલ પર, એક સ્કૂલ પાસે હતું.

અમે પહોંચ્યા પછી બે – ત્રણ મિનિટમાં જ અમારી બરાબર સામે આવેલી સ્કૂલની બારી પર વિદ્યાર્થીનીઓનું એક ટોળું એકઠું થવા લાગ્યું. એ લોકો છઠ્ઠા-સાતમા ધોરણમાં હોવા જોઈએ. પહેલા એ અમને જોતા રહ્યા. પછી અમુક જતા રહ્યા અને બાકીનાંમાંની એક છોકરી અમારી સાથે વાત કરવા લાગી. અમે થોડી સાથે તેમની સાથે વાત કરી. અમુક છોકરીઓનાં હાથમાં ત્યારે વાજીંત્રો હતાં. એકનાં હાથમાં બ્યુગલ હતું તેણે અમને પૂછ્યું, “હું તમારા માટે વગાડું?” અમે હા પાડી એટલે તેણે બારીની બહાર કાઢીને એ વગાડ્યું. કરી પણ પછી હિરોએ તેમને પાછા જતા રહેવા કહ્યું એટલે એ બધા જતા રહ્યા. તેણે અમને કહ્યું, “આ બાળકોનાં ટીચરને નહીં ખબર હોય કે એ આવી રીતે અહીં ઊભા છે. એટલે મેં કહ્યું કે, અંદર જતા રહો.”

એ અનુભવ અમારા માટે ત્યારથી જ એકદમ વિશિષ્ટ બનવા લાગ્યો હતો. આટલા દિવસોમાં કદાચ એ મારા માટે પહેલો એવો દિવસ હતો કે, જ્યારે હું જાપાનમાં ટૂરિસ્ટ જેવું નહોતી અનુભવી રહી. ત્યાંનાં નાના ગામમાં, લોકલ, સામાન્ય માણસો સાથે વાત કરવા મળી હતી. બહુ નહીં તો પણ થોડું તો એ લોકોનાં સામાન્ય જીવનમાં ડોકું કાઢવાની તક મળી હતી. ટોક્યો અને ક્યોતો (અને થોડે ઘણે અંશે ઓસાકા પણ) ટૂરિસ્ટસ થી એટલાં ભરાયેલાં છે કે, ત્યાં તમે હંમેશા પ્રવાસી જેવું જ મહેસૂસ કરતા રહો. નારા તેની સરખામણીએ એકદમ સામાન્ય હતું – સામાન્ય લોકો, સામાન્ય જીવન. એકદમ લો-પ્રોફાઈલ!

આ જ કારણથી હિરો નારા રહેવા લાગ્યો હતો. તેણે અમને પોતાનાં વિશે જણાવતા કહ્યું હતું કે, એ યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં ટોક્યો રહેતો અને ત્યાંની કોઈ કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરતો. પણ, જ્યારે સ્થાયી થવાનું વિચાર્યું ત્યારે એ નારા આવી ગયો હતો કારણ કે, બાળકો અને પરિવાર માટે તેને નારાનું શાંત વાતાવરણ વધુ યોગ્ય લાગ્યું હતું. ત્યાંથી નીકળીને સીધા અમે નારાનાં સૌથી પ્રખ્યાત ‘તોદાઈ-જી’ બૌદ્ધ મંદિર અને નારા ડીયર પાર્ક પહોંચ્યા.

પહેલા અમે મંદિર તરફ ગયા. મંદિર હિરોએ આ ટૂઅરનાં પ્રતાપે ઘણી વખત જોઈ લીધું હતું એટલે એ બહાર બેસીને પોતાનું સંગીત સાંભળવા લાગ્યો અને અમને અંદર જઈને જોવાનું કહ્યું. એ દિવસે ત્યાં બેથી ત્રણ સ્કૂલની ટ્રિપ આવી હતી એટલે સારી એવી ભીડ લાગતી હતી.

એ મંદિરનાં સૌથી મોટા વિસ્તારમાં બુદ્ધની પચાસ ફુટ લાંબી વિશાળકાય પ્રતિમા છે! એ પ્રતિમાનાં ગમે તેટલા ફોટો લેવાનો પ્રયત્ન કરો તો પણ તેનું કદ અને એ કદ પાસે કીડી જેવા લાગતા આપડે – આ જ્યારે અનુભવો ત્યારે જ સમજાય.

દુનિયાની લગભગ દરેક વિશિષ્ટ વસ્તુ/વ્યક્તિ/સ્થળ માટે કદાચ આ નિયમ લાગુ પડે છે. એ વિશેષતાનું વર્ણન કોઈ પણ માધ્યમમાં કરવું લગભગ અશક્ય છે. આ અનુભવે મને મારાં બે આગલાં પ્રવાસ યાદ કરાવી દીધાં! આવી જ લાગણી આ પહેલા કુંભલગઢનાં કિલ્લામાં અને ગ્રાન્ડ કેન્યનમાં આવી ચૂકી છે.

ત્યાં થોડી વાર ફર્યા પછી અમે બહાર આવ્યા ત્યારે હિરો પાસે બે હરણાં ઊભાં હતાં. તેણે અમને બંનેને હરણને ખવડાવવાનાં બિસ્કિટનું એક-એક પૅક આપ્યું હતું. અમે તેને પૂછ્યું અમે તેની પાસે ઊભેલાં હરણને બિસ્કિટ ખવડાવી શકીએ કે કેમ, તો તેણે અમને ના પાડી અને કહ્યું કે, “આપણે હરણનાં બગીચામાં જઈએ ત્યારે ખવડાવવું વધુ હિતાવહ છે.” તેણે ચાલતા ચાલતા અમને નારાનાં હરણો વિશે માહિતી આપી. તેનાં કહેવા મુજબ, હરણ સામાન્ય રીતે માણસોને જોઈને ભાગી જતા હોય છે. પણ, નારાનાં હરણ એટલી સદીઓથી એ વિસ્તારમાં માણસોની હાજરીમાં રહેતાં આવ્યાં છે કે, એ હવે માણસોથી ટેવાઈ ગયાં છે. આ હરણ હવે કદાચ જંગલમાં એકલાં રહી પણ ન શકે! ઉપરાંત આ હરણ બિલકુલ ડરપોક નથી. અહીં આવતા/રહેતા માણસો વર્ષોથી તેમને ખવડાવતા આવ્યા છે. પણ, છેલ્લાં ઘણાં વર્ષોમાં પ્રવાસીઓનું પ્રમાણ વધ્યું હોવાથી અહીં આવતા લગભગ દરેક લોકો આ હરણોને કૈંક ને કૈંક ખવડાવતા રહે છે એટલે આ હરણ એટલી હદે તેનાં આદિ થઇ ગયાં છે કે, અમુક હરણોને થોડાં બિસ્કિટ આપ્યા પછી એ તમારાં હાથમાં વધુ બિસ્કિટ જુએ તો એ તરાપ મારીને ખાવાનો પ્રયત્ન કરતાં હોય છે. આ જ કારણોસર તેણે અમને મંદિર પાસે હરણોને ખાવાનું આપવાની ના પાડી હતી. કારણ કે, જો અમે ત્યાં તેમને બિસ્કિટ આપત તો એ અમને ડરાવીને આખું પૅક ત્યાંનાં ત્યાં ખાઈ જાત અને ડરાવત નહીં તો પણ પીછો તો કર્યા જ કરત!

હરણનો કાર્યક્રમ પતાવ્યા પછી અમે એ જ પરિસરનાં પાછળનાં ભાગમાં ઊંચાઈ પર એક નાનકડું મંદિર આવેલું છે એ તરફ ગયા. ત્યાંથી નારાની ક્ષિતિજ આરામથી જોઈ શકાતી હતી. એ મંદિર જો કે, એટલું દૂર હતું કે, તમે માની જ ન શકો કે, એ આખો એવડો મોટો વિસ્તાર નારા પાર્કનો જ છે!

ત્યાંથી આગળ અમે જે મંદિર તરફ જઈ રહ્યા હતા એ રસ્તો લાલ,પીળાં, લીલાં વિશાળ વૃક્ષોથી આચ્છાદિત હતો! ક્યોતોનાં પેલા મંદિરોનાં ફોટોઝ જેવો, બસ એટલો ફર્ક કે, આ વૃક્ષોનાં કદ ક્યોતોનાં મંદિરોમાં આવેલાં વૃક્ષો કરતા વિશાળકાય હતાં! અત્યાર સુધીમાં જાપાનનાં મંદિરોનાં ફોટોઝ જોઈને અને વર્ણન વાંચીને એ તો સમજી જ ગયા હશો કે, જાપાનનાં દરેક મંદિર સુંદર જ છે. સુંદર તેમનાં માટે લઘુતમ સાધારણ અવયવ છે! એવું જ આ પણ એક સુંદરતમ મંદિર હતું. આ મંદિરની વિશેષતા એ હતી કે, તેનાં ગર્ભગૃહ સુધી પહોંચવાનાં પગથિયાં પર હરોળબંધ સુંદર ફાનસ લગાવેલાં હતાં.

આ મંદિરમાં અમે દસેક મિનિટ માટે ભૂલા પડી ગયા અને હિરોથી અલગ થઇ ગયા પણ, દસેક મિનિટમાં ટેકનોલજીનાં પ્રતાપે ફરી મળી પણ ગયા. ત્યાંથી આગળનો રસ્તો અદ્ભુત હતો! અમે સાઇકલ ચલાવતા ટેકરી ઊતરી રહ્યા હતા અને ડાબી બાજુ અલપ-ઝલપ વૃક્ષો પાછળથી સૂર્યાસ્ત દેખાતો રહેતો અને આકાશનાં ગુલાબી, પીળાં, કેસરી, ભૂરાં રંગ પણ! ટેકરી ઉતરીને મેદાનમાં આવ્યા પછી તો સૂર્યાસ્તનો નજારો એકદમ સાફ થઇ ગયો અને બરાબર સામે એક તળાવ હતું જેમાં આકાશનાં વિવિધ રંગોનો પડછાયો દેખાતો રહ્યો. હિરો અમને દોઢ કલાક ફેરવવાનો હતો તેને બદલે અઢી કલાક તો તેણે આરામથી અમારી સાથે ગાળી લીધાં હતાં અને ત્યાર પછી પણ એ અમને એ દિવસનાં અમારાં છેલ્લાં મુકામ પર લઇ જઈ રહ્યો હતો!

એ આખો બપોર અમે હિરો સાથે જાત-જાતની વાતો કરતા ગાળ્યો હતો. તેમાં વચ્ચે ક્યાંક જાપાનનાં સાંસ્કૃતિક શરાબની વાત નીકળી હતી અને અમે તેમની પાસેથી રેકમેન્ડેશન માંગ્યા હતા. પણ, એ બપોરે અમને એકબીજાનો સાથ એટલો ગમી ગયો હતો કે, હનુમાન જેમ સંજીવની જડીબુટીને બદલે આખો પર્વત લઇ આવ્યા હતા તેમ હિરો અમને તેની ફેવરિટ બ્રુઅરી લઇ જઈ રહ્યો હતો. ત્યાં અમે વિવિધ પ્રકારનાં સાકેનું ટેસ્ટિંગ કર્યું, એ શીખ્યા કે, ‘સાકે’ શબ્દનો સીધો અર્થ ‘શરાબ’ થાય છે. સાકે એ કોઈ શરાબનો પ્રકાર (દા.ત. વિસ્કી, વાઈન વગેરે) નથી. જાપાનમાં ક્યાંય જઈને એમ કહેશો કે, ‘સાકે આપો’ તો સામેવાળી વ્યક્તિ મૂંઝાઈ જશે! ટેઇસ્ટિંગ દરમિયાન પસંદ આવેલી બે ‘નિગોરી’ની બૉટ્લ્સ અમે ખરીદવાનું નક્કી કર્યું. હિરોએ ટેઈસ્ટિંગનું અમારું બંનેનું બિલ પોતે ચૂકવ્યું. એ આખા અનુભવથી અમે એટલા ખુશ હતા અને તેમાંયે હિરોએ નિર્ધારિત સમય કરતા ક્યાંય વધુ સમય અમારા માટે ફાળવ્યો હતો એ નિમિત્તે અમે તેને તેની ફેવરિટ સાકેની એક બૉટલ ભેટમાં આપી.

એ સાંજે નારાથી નીકળવાનું મન નહોતું થતું પણ, આગળ તો વધવાનું જ હતું. રાત્રે સાડા સાત આસપાસ અમે ઓસાકા પહોંચ્યા અને પછીનાં દિવસે ચેક-આઉટ કરીને ટોક્યો પાછા ફરવાની તૈયારી કરી.