ગ્રાન્ડ કેન્યનની હેલીકોપ્ટર રાઈડ એ મારી આખી ટ્રિપનો સૌથી યાદગાર અનુભવ છે. હેલીકોપ્ટર જેવું ઘાસનાં મેદાનો પરથી થઈને કેન્યનમાં પ્રવેશે એ ક્ષણ અદ્ભુત છે! અચાનક તમે હો તેનાં કરતાંયે વધુ ઉપર ઊડતા હો તેવું ફીલ થાય. આંખ જાણે ઘાસનાં મેદાન પરથી ઊંડે ખીણમાં જાણે કૂદકો મારી દે. કેન્યનમાં વધુ દૂર જતાં ગયાં તેમ પેલું ઘાસનું મેદાન બિલકુલ દેખાતું બંધ થઇ ગયું. દરેક વ્યૂ – દરેક ફ્રેમ પિક્ચર-પરફેક્ટ! અને છતાંયે ગમે તેટલાં ફોટો લો તોયે તમે જે આંખે જુઓ અને અનુભવો તેનાં બે ટકા પણ કેપ્ચર ન કરી શકો. કેન્યનમાંથી પસાર થતી કોલોરાડો નદીની પટ્ટીનો નજારો તો સૌથી અદ્ભુત. અવર્ણનીય છે એ જગ્યા. અને તેની વચ્ચે તમે અનંત, અગાઢ, અખૂટ ફીલ કરો. અમારી રાઈડ એક કલાક જેવાં સમય માટે હતી અને પછી અમે ગ્રાઉન્ડ પર પાછા ફર્યાં.
આ બાદ અમુક લોકો કેન્યનની સાઈકલ-રાઈડ માટે જવાનાં હતાં પણ મોટાં ભાગનાં અમે નહોતાં જવાનાં. એટલે જે નહોતાં જવાનાં તેમાંથી મેં, જેક (ફર્ગ્યુસન), એલીની અને એલને બપોરે ત્રણ વાગ્યા આસપાસ કપડાં ધોવા જવા માટે ભેગા થવાનું નક્કી કર્યું. ત્યાં સુધી એલીની અને એલન, હું અને જેક એમ અમે વહેચાઈ ગયાં હતાં અને સાથે ફરતાં હતાં. જેક અને મેં લન્ચ માટે સૌથી પહેલાં જવાનું નક્કી કર્યું કારણ કે, અમે કોઈએ સવારે બ્રેકફસ્ટ નહોતો કર્યો અને ખૂબ ભૂખ્યા હતાં. ત્યાર પછી નજીકમાં એક ટ્રેલ પર જવાનું નક્કી કર્યું અને નકશામાં જોઇને આમ-તેમ ભટકતાં રહ્યાં – એક્સ્પ્લોર કર્યું. મારી પાસે એક પણ સ્પોર્ટ શૂઝ નહોતાં. ફક્ત મોજડી અને એક જોડી સ્લિપર મને હાઇક કરવામાં થોડી તકલીફ પડતી હતી પણ જેક સપોર્ટિવ હતો અને મને ચાલતાં સમય લાગે તો બિલકુલ અકળાતો નહોતો. અમને નીચે ખીણમાં બે-ત્રણ ઘર/હોટેલ દેખાયાં હતાં અને અમે બંને વિચારી રહ્યાં કે, આ કેન્યન નીચેથી જોતાં કેવી દેખાતી હશે. નીચેથી ફોટોઝ લઈએ તો ઊંડાણનું પરિમાણ વધુ સારું આવતું હશે કે, ઉપરથી નીચે વધુ સારું આવે છે. જાત-જાતનાં તુક્કા લડાવતાં રહ્યાં. એક જગ્યાએ હું લાસારતા બચી ગઈ. અમે પોણી કલાક જેવું નીચે તરફ ચાલ્યાં અને પછી પાછાં ફરવાનું નક્કી કર્યું કારણ કે, ઉપર જતાં વધુ સમય લાગવાનો હતો અને અમારે બીજી જગ્યાઓ પણ જોવી હતી.
ત્યાંથી ઉપર આવીને થોડે દૂર ગયા તેવામાં એક આર્ટ ગેલેરી અને શોપ આવ્યાં. સ્વાભાવિક રીતે જ અમે અંદર એકાદ કલાક જેવો સમય કાઢ્યો કારણ કે, અમારો બંનેનો રસનો વિષય હતો. ત્યાં મને મારાં પોતાનાં આર્ટ માટે પણ એક પ્રોજેક્ટનો વિચાર આવ્યો. એ વિચાર પર આવતાં અમુક મહિનાઓમાં અમલ કરવામાં આવશે. ફિન્ગર્સ ક્રોસ્ડ! ત્યાર પછી અમે ચાલીને અમારાં લોજ તરફ જવાનું નક્કી કર્યું કારણ કે, જેક એ રસ્તે એ દિવસે સવારે આવી ચૂક્યો હતો અને તેને પાછાં ફરવાનો રસ્તો ખબર હતો. એક ટ્રેઈલ પર ચાલતાં અમે એક અદ્ભુત વસ્તુ જોઈ. પત્થરો પર મીથોલોજીક્લ પાત્રોનાં નામ લખેલાં હતાં. તેનાં પર હિન્દુ ભાગવાનોનાં નામ પણ હતાં. અમુક અમુક પત્થરો પાસે એક તકતીમાં તેમની ઉમર લખેલી હતી. અમુક પત્થરો કરોડો વર્ષ જૂના હતાં. We thought it was really cool! થોડી વારમાં અમે લોજ પાછાં ફર્યાં અને કપડાં ધોવા માટે કેમ્પ-ગ્રાઉન્ડમાં વોશિંગ મશીન તરફ ગયાં. ત્યાં પહોંચતાં ચાર વાગી ગયાં હતાં અને અમે સાડા પાંચે સૂર્યાસ્ત જોવા માટે અમારી બસ પાસે ભેગાં થઇ શકીએ કે કેમ એ સવાલ હતો. વળી, બસ ક્યાં જવાની હતી એ પણ કોઈને ખબર નહોતી. કપડાં ધોઈને, ડ્રાય કરીને નવરા પડયા ત્યાં સુધીમાં પાંચ થયાં એટલે મેં, જેક અને એલીનીએ બસ તરફ જવા પ્રયાણ કર્યું. પણ, એક સાંધો ત્યાં તેર તૂટેનાં મતે બસ ફક્ત એક જ દિશામાં જતી હતી કે, અમે ઊંધી તરફ જતી બસ પકડી હતી એ બેમાંથી એક થયું અને અમે કોઈ કાળે સૂર્યાસ્ત સુધીમાં લોજ પહોંચી શકીએ તેમ નહોતાં. એટલે સાડા પાંચ આસપાસ અમે નજીકની એક ટ્રેઈલ તરફ જવાનું નક્કી કર્હ્યું અને એક જગ્યાએ ઊતરી ગયાં. અમે સૂર્યાસ્ત માટે બરાબર સમયસર પહોંચ્યાં હતાં અને એ નજારો કરોડોમાં એક હતો!
સૂર્ય બિલકુલ ડૂબી ગયા પછી આકાશમાં રંગોની લડી શરુ થઇ હતી. શરૂઆતમાં કેસરી અને ગુલાબી થતું જતું આકાશ પંદરેક મિનિટમાં ગાઢું કેસરી, ગુલાબી અને જાંબલી રંગોથી છવાઈ ગયું હતું. ચાલતાં ચાલતાં જેક,એલીની અને હું છૂટ્ટા પડી ગયાં અને ફરી બસ-સ્ટોપ પાસે મળ્યાં. ત્યાંથી લોજ તરફ જતાં બસમાં અમને અમારાં બીજા પણ અમુક સાથીદારો મળી ગયાં અને અમે અમારાં સનસેટનાં ફોટોઝ એકબીજા સાથે શેર કરવા લાગ્યાં. હેલીકોપ્ટર રાઈડનાં ફોટોઝની જેમ જ આ સૂર્યાસ્તનાં પણ ગમે તેટલાં ફોટો લો તો પણ જે આંખેથી જોયું છે તેનાં પચાસ ટકા પણ ન લાગે. એ નજારો અને the way it felt to be there, right then, in those very moments, with those very sounds around us and the way it makes you feel like a tiny little negligible part of an incredibly large scheme is not something you can capture in a still-image.
એ જગ્યા રાત્રે કોઈ રોમેંન્ટિક-હોરર ફિલ્મનાં સેટ જેવી થઈ જતી. લાઈટ-પલ્યુશન નહિવત હોવાને કારણે આકાશમાં ઘણાં બધાં તારા નરી આંખે દેખતાં. વળી, પાનખરનો સમય એટલે બંને રાત આકાશ એકદમ ખુલ્લું – વાદળો વિનાનું હતું. I could sit there forever and just stare up above! રાત્રે ફરીથી ડીનર વખતે ડાઈનિંગ-હોલમાં બધાં ભેગા થયાં અને એ અમારું કદાચ સૌથી એન્ટી-સોશિયલ ડીનર હતું. માંડ માંડ બધાંને ઇન્ટરનેટ મળ્યું હતું એટલે બધાં જમીને ફોનમાં લાગ્યા હતાં. ઇન્ટરનેટનું કામ-કાજ પતી ગયા પછી અમે – હું અને કેલી અમારાં પાડોશી રૂમમાં ગયાં. સ્કિપ, ડેઇવ, બ્રેન્ડન અને સાઈમન ‘કાર્ડ્સ અગેઈન્સ્ટ હ્યુમાનીટી’ રમતાં હતાં અને અમે પણ જોડાયા. કોઈને વધુ કંઈ કરવાની ઈચ્છા નહોતી અને બીજા દિવસે વેગસ તરફ પ્રયાણ કરવાનું હતું એટલે શક્તિ વેગસની પાર્ટી માટે બચાવીને રાખવાની હતી. એ રાત્રે પણ જો કે, પર્થ-બોય્ઝ અને બીજા અમુક લોજ નજીક એક પબમાં ગયાં હતાં અને પછીનાં દિવસે બસમાં એકદમ હંગ-ઓવર હતાં.
સવારે આઠ વાગ્યે અમારે નીકળવાનું હતું. પણ, એ દિવસે મારે સૂર્યોદયનો નજારો જોવો હતો એટલે અમે છ વાગ્યે સૂર્યોદય જોવા માટે પ્રયાણ કર્યું. હું, રેબેકા, જો-એલેન અને શોન અમે ચાર સાથે ચાલ્યાં હતાં. કડકડતી ઠંડીમાં વહેલું ઊઠવું પડ્યું હતું. પણ, boy! that was worth it. સૂર્ય ક્ષિતિજ પર ઊગ્યો ત્યારે કેન્યનનાં પત્થરો ગુલાબી-લાલ રંગનાં દેખતાં અને સૂર્યનાં કિરણો જેમ જેમ તેમની સાથે વધુ અથડાતાં જાય એમ વધુ ને વધુ ભાગ ગુલાબી-લાલ થતો જાય. સાત વાગ્યાની આસપાસ અમે ત્યાંથી નીકળ્યા. સૂર્ય ઊગી ચૂક્યો હતો અને અમારે નહાવનું અને બ્રેક-ફસ્ટ બધું કરીને ૪૫ મિનિટમાં તૈયાર થવાનું હતું.