ભાષામાં નવો અક્ષર કેમ ઉમેરાય?

નિબંધ

કોઈ પણ ભાષામાં નવો અક્ષર ઉમેરવાની વિધિ શું હોતી હશે? તેનાં માટે કોઈ એપ્લીકેશન કરવાની કે ફોર્મ ભરવાનાં હોતા હશે? મને આ પ્રશ્ન છેલ્લા ઘણાં સમયથી પજવી રહ્યો છે. રાબેતા મુજબ રખડતાં ભટકતા મારા ધ્યાનમાં આ એક અક્ષરની વાત આવી છે. જેમ સ, શ અને ષ છે એમ ‘ઝ’નું એક વેરિયેશન. તેનાં માટે એક વિઝુઅલ (આ શબ્દ લખવામાં મને એ નવો અક્ષર કામ લાગ્યો હોત ;) ) પણ મેં વિચાર્યું છે.આપણી ભાષામાં આજ-કાલ પશ્ચિમી શબ્દોનો વપરાશ ઘણો વધી ગયો છે. અને શું કામ નહીં?! કોઈ પણ ભાષા એમ જ જીવે અને ફૂલે ફાલે. જેમ કે, ઇંગ્લિશ. દુનિયાનાં કેટલાંયે ખૂણેથી પોપ્યુલર કલ્ચરમાં વપરાતાં નવા-નવા શબ્દો અને શબ્દપ્રયોગો સતત ઉમેરાતાં જ રહે છે અને તેનાં લીધે કેટલી સમૃદ્ધ થવા પામી છે.

હવે વાત એમ છે કે,  ‘વિઝુઅલ’, ‘પ્લેઝર’, ‘ઇલ્યુઝન’, ‘મેઝર’ (મેઝરમેન્ટ), બક્ષી જેનો ઉલ્લેખ વારંવાર કરતાં એ ‘જ્યોં’ પોલ સાર્ત્ર વગેરેમાં જે ‘જ’ કે ‘ઝ’ વપરાય છે, તેનો સાચો ઉચ્ચાર ખરેખર એ બેમાંથી એક પણ નથી અને કોઈ બે સ્વરોને જોડીને બનાવી શકાય તેમ પણ નથી. એ ઉચ્ચાર અને ધ્વનિ જ અને ઝથી ખૂબ જ નજીક એવો એક અલગ જ ધ્વનિ છે અને એ અક્ષર આપણી ભાષામાં હજુ સુધી ઉમેરાયો નથી. ભાષાનાં સાંપ્રત (કન્ટેમ્પરરી) ઉપયોગમાં લેવાતાં આટલાં બધાં શબ્દોમાં લેવાતાં એક અક્ષરનાં ઉચ્ચાર માટે આપણી પાસે એક ઓફીશીયલ અક્ષર કે સ્વર-સંધિ ન હોય એ મને બરાબર નથી લાગતું. અને આ કેસમાં સ્વર સંધિ શક્ય નથી એટલે એક અક્ષર જ જોઈએ. મેં એક સોલ્યુશન વિચાર્યું. તેનો તર્ક અહીં રજુ કરું છું. સ્વાભાવિક રીતે જ હું ભાષાની નિષ્ણાંત નથી પણ, તાર્કિક રીતે વિચારી જરૂર શકું છું. :) જો તમને કોઈ વાચકોને આમાં કોઈ સ્વાભાવિક ભૂલ લાગતી હોય તો કમેન્ટમાં સુધારવા વિનંતી અને એ નહીં તો શું એ જણાવવા પણ વિનંતી.

મારો તર્ક / સજેશ્ચન … આખરે સ્વરો શું છે? એક યુનીક અવાજ. કોઈ પણ અક્ષર શેનો બને છે? અક્ષરની ઓળખાણ શું? તેનો ધ્વનિ અને તેનો સિમ્બોલ – તેની આકૃતિ. આ અક્ષરની મૂળભૂત રીતે જેનાં માટે જરૂર છે એ શબ્દો યુરોપિયન ભાષાઓનાં છે એટલે સ્વાભાવિક રીતે જ તેનાં માટે એ ભાષાઓમાં એક સિમ્બોલ છે જ અને તેનો ધ્વનિ પણ ઓલરેડી અવેલેબલ છે. હવે રહી વાત સિમ્બોલની તો આપણી ભાષામાં અક્ષર ઉમેરવાનો છે એટલે એ નવો અક્ષર જેનાંથી સૌથી નજીક છે તેવાં ‘જ’ અને ‘ઝ’ ને મળતો આવતો એ હોવો જોઈએ. ‘જ’ કરતાં પણ વધુ નજીક ‘ઝ’ છે. અને એ ઉચ્ચાર ઓલમોસ્ટ મીંડાવાળો ‘ઝ’ કહી શકાય. વળી, વર્ગીકરણ બાબતે એ વ્યંજન હોવાની તો શક્યતા જ નથી કારણ કે, તેનું  એટલે મારાં મતે એ અક્ષર આવો દેખાવો જોઈએ :

wpid-img_20140410_185210.jpg

પણ, મારો પાયાનો સવાલ … ભાષામાં નવો અક્ષર ઉમેરવા માટે અરજી કેમ કરાય? કોને કરાય?


Update: ઉચ્ચાર (ઉદાહરણ. ‘su’ sound in the word Pleasure) http://en.wiktionary.org/wiki/pleasure#Pronunciation

સોરી દર્શિત અને નીરવ. સાઉન્ડ ફાઈલ ડાઉનલોડ કરીને અપલોડ કરવાની કોશિશ કરી પણ ફાઈલ ટાઈપ સપોર્ટેડ નહોતી એટલે નાછૂટકે વિકી લિંક મૂકવી પડી.

ત્રણ સ્ત્રીઓ

નિબંધ

કથક નૃત્ય મારાં જીવનમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રમાં ઘણાં બધાં એવાં છે જેમનાં યુ-ટ્યુબ વીડિયો હું કલાકો સુધી જોયા કરું છું. પણ, અહીં જેમની વાત કરવા માગું છું એ ત્રણેનું એક બહુ ઊંચું અને બહુ અલગ સ્થાન છે. ત્રણે કથકનાં ઇન્ટરનેશનલી સેલીબ્રેટેડ એ-ગ્રેડનાં કલાકારો છે. પણ, અગત્યની વાત એ નથી. અગત્યની વાત છે તેમનાં વ્યક્તિત્ત્વ. જીવન અને કલા પ્રત્યેનાં તેમનાં અભિગમ. કલાની રાહ પર ચાલતાં તેમણે લીધેલા ચેલેન્જ સાવ અલગ છે અને તેમની જર્ની પણ. એટલે એક જ ક્ષેત્રનાં કલાકાર હોવા છતાં પણ ત્રણેની કોઈ સરખામણી નથી!

સૌથી પહેલી વાત કરું રોહિણી ભાટેની. તેઓ ૨૦૦૮માં ગુજરી ચૂક્યા. ભારતને સ્વાતંત્ર્ય મળ્યું તે જ વર્ષમાં તેમણે પૂણેમાં નૃત્યભારતીની સ્થાપના કરી. પોતાનાં એક ઇન્ટરવ્યૂમાં રોહિણી કહે છે કે, મેં જ્યારે આ સ્કૂલની સ્થાપના કરી ત્યારે મારાં મનમાં હતું કે, મને ૧૪ તોડા (કથકનાં નાના પીસ) આવડતાં હશે તો હું છોકરીઓને ૧૪ તોડા શીખવાડીશ અને પછી તેમને કહી દઈશ કે, મને આટલું આવડે છે, હવે મારો કોર્સ પૂરો. તેમની કથક-કરિયર વિશે મને જો જોઈ વાત સૌથી વધુ પ્રેરણા આપતી હોય તો એ છે કે, તેમણે કથક શીખવાની શરૂઆત તેમનાં ટ્વેન્ટીઝમાં કરી હતી અને કથક કરિયરની શરૂઆત ૨૮માં વર્ષે. અત્યારનાં નૃત્ય-અભિનયનાં પોપ્યુલર કલ્ચરથી બિલકુલ અલગ. તેઓ કથકની દુનિયામાં દંતકથા બની ગયા છે હવે તો. એટલું સુંદર કામ અને એટલું રિચ કન્ટ્રીબ્યુશન. તેમણે આ ક્ષેત્રમાં રિસર્ચ પેપર્સ, પુસ્તકો, ટેકનિક બધું જ આપ્યું છે. રોહિણીનાં જેટલાં ફોટો કે જે કંઈ મેં જોયું છે એ દરેક તેમનાં ૫૦ વર્ષની ઉંમર પછીનાં જ છે. અને છતાં એ સ્ત્રીનાં ગ્રેસની કોઈ સરખામણી મેં જોઈ નથી. ના, માધુરી દિક્ષિત પણ નહીં. રોહિણીનો સ્કોપ ફક્ત ડાન્સ અને કોરિઓગ્રાફી પૂરતો સીમિત નહોતો. એ સંગીત અને સાહિત્યમાં પણ ઊંડો રસ ધરાવતાં. રોહિણી કહેતાં “Dance does not signify mere pleasure – nor is it just fascinating physical activity. It awakens the soul and arouses a sense of elation – rarely experienced otherwise. What is Dance then – if not a prayer?”

જ્યાં રોહિણી સાથે ત્યારનો રૂઢિચુસ્ત સમાજ પોતાની છોકરીઓને દોસ્તી ન કરવા દેતો ત્યાં સરહદની પેલે પાર નાહિદ સિદ્દીકીએ તો આ રૂઢિચુસ્તતા સામે ડગલે ને પગલે રાજકીય સ્તરે લડત આપવી પડતી. પાકિસ્તાનની સરકારે એક સમયે ટેલિવિઝન પર તેમનો શો બંધ કરાવી દીધેલો. અરે, એક તબક્કે તો નાહીદને ડાન્સ કરવાની જ મનાઈ ફરમાવી દેવામાં આવેલી. પાકિસ્તાન બહાર જઈને બહેન ક્યાંક ડાન્સ ન કરવા માંડે એ માટે તેમને તેમનાં ત્યારનાં પતિને મળવા લંડન જવા માટે રોકવામાં આવ્યા હતાં. નાહીદે પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસમાં ત્રણ કલાક ધડ કરીને રજા માંગવી પડી હતી. તેઓ નાહીદ પાસેથી એવો કરાર કરાવવા માંગતાં હતાં કે, નાહીદ દુનિયાનાં કોઈ પણ ખૂણામાં ક્યારેય ડાન્સ નહીં કરે. પણ, નાહીદે કર્યો. હજુ પણ કરે છે. અને શું ખૂબીથી કરે છે! તેમનાં જેવાં એક્સટેન્શન અને એફર્ટલેસ લયકારી મેં હજુ સુધી નથી જોયાં.

નાહીદ શરૂઆતમાં ખૂબ લગનથી બાબા મહારાજ પાસેથી પાકિસ્તાનમાં રહીને આ કલા શીખ્યા. પણ, બાબા મહારાજ પોતે પર્ફોર્મર નહોતાં અને નાહીદને તો આ કલાનો દરેક આયામ શીખવો હતો. પોતે પર્ફોર્મર પણ બનવા માંગતાં હતાં એટલે સ્વાભાવિક રીતે જ આ ગુરુની શિક્ષા પૂરતી નહોતી. તેમને જેમને પોતાને લાઈવ-ઓડીયન્સનો બહોળો અનુભવ હોય તેવાં ગુરુની જરૂર હતી. આમ એ બાબા મહારાજની રજા લઈને આવ્યા તેમનાં જ પરિવારનાં દૂરનાં સગા એવા બિરજુ મહારાજ પાસે – ભારત. નાહીદ એ સમયને યાદ કરતાં કહે છે કે, “બિરજુ મહારાજ મને કદાચ કંઈ પણ ન શીખવાડે અને બેસાડી રાખે તોય મને મંજૂર હતું. હું તેમને જોયા કરતી. એ કેમ ઊઠે છે, કેમ બેસે છે, કેમ ચાલે છે એ બધું મારે તો જોવું હતું અને તેમાં જ મારી અડધી શિક્ષા આવી જશે તેની મને ખાતરી હતી.” તેમની શીખવાની ધગશની કોઈ કમી નહોતી. આજે આટલી ઉંમરે આટલું અચીવ કર્યા પછી પણ નથી! તેમની તહેઝીબ, પરફેક્શન અને ડેડીકેશન તેમની નાનામાં નાની મૂવમેન્ટમાં પણ જોવા મળે.

નાહીદ પેલો ચવાઈ ગયેલો ‘કામયાબ હોને કે લિયે નહીં, કાબિલ હોને કે લિયે પઢો’ ડાયલોગ જીવે છે. આજની તારીખમાં કથક વિષયમાં જો મારે કોઈની ઓથોરીટી માનવાની હોય તો હું નાહીદની માનું. આ સ્ત્રીનાં અભ્યાસ અને અભિગમ બંને રાઈટ ઓન ધ સ્પોટ છે. આપણી બાજુ જયપુર ઘરાનાનાં અમુક અનપઢ શિક્ષકો બાળકોને એમ શિખવાડવામાંથી ઊંચાં નથી આવતાં કે, કથાકમાં લખનૌ ઘરાનો પેલી વલ્ગર તવાયફોવાળી સ્ટાઈલ શીખવે છે (જે ખરેખર તો એવું છે પણ નહીં!). તો, બીજી બાજુ નાહિદ ફરિયાદ કરે છે કે, આજે કથક જે છે તે બનાવવામાં કેટલીયે તવાયફોનો મોટો ફાળો છે અને તેમને તેમનાં કામ માટે ક્યાંય એકે પણ જગ્યાએ પૂરતી ક્રેડીટ આપવામાં નથી આવી. તેમનાં નામોનો ક્યાંયે ઉલ્લેખ નથી અને તેમણે કલા ક્ષેત્રે કરેલું કામ બિલકુલ અનરેકગ્નાઈઝડ રહ્યું છે. તમે જ કહો આમાંથી ક્યા શિક્ષકને માન આપવું ઘટે? એક તરફ મોટાં ભાગનાં આજ-કાલનાં એવા ક્લાસિકલ કલાકારો છે કે, જે સામાજિક સ્વિકૃતિને ધ્યાનમાં રાખીને પોતાની કોરિયોગ્રાફીમાંથી શૃંગાર રસ જ કાઢી નાંખવા માંગતા હોય એવું લાગે અને બીજી તરફ નાહીદ જેવાં લોકો છે જે આ કલામાં નવે રસનાં સ્થાનનું મહત્ત્વ સમજે છે. નાહીદ કથકની દુનિયામાં પોતાનો એક અલાયદો ઘરાનો લાવવા પર કામ કરી રહ્યા છે. નાહીદ સિદ્દીકી ઘરાના!

એક સમય હતો જ્યારે ક્લાસિકલનું નામ પડે એટલે લોકો રાધા, કૃષ્ણ, વૃંદાવન, ગોપીઓમાંથી કોઈ બેનું સ્ટીરીઓટિપિકલ કમ્પોઝીશન હશે તેવું અનુમાન લગાવી લેતાં. કથકનું નામ પડે એટલે શું એક્સપેક્ટ કરવું એ જાણે બધાંને ખબર હતી. આવામાં કુમુદિની લાખિયા નામનાં એક સ્ત્રી આવ્યાં અને આ નૃત્યને રાધા, કૃષ્ણ, ગોપી અને વૃંદાવનમાંથી મુક્ત કરાવ્યું. તેમણે કથકને બનાવ્યું ‘કન્ટેમ્પરરિ’. આ સ્ત્રીએ કથકનાં સ્ટેજ પરફોર્મન્સમાં ક્રાંતિ લાવી મૂકી. કથક (કથા કરનારાં) રાધા-કૃષ્ણ, રામ-સીતાને ભૂલીને ફરીથી પોતાનાં સમયની કથાઓ કહેવા લાગ્યાં. કુમુદિનીએ સામાજિક વિષયોને વણતી ક્લાસિકલ કથક કોરીઓગ્રાફી દુનિયા સામે મૂકી અને મૂકતાં રહ્યાં. હજુ પણ મૂકે છે. અમદાવાદમાં તેમની સ્કૂલ કદંબમાં વર્ષોથી કેટલાંયે નેશનલ-ઇન્ટરનેશનલ ડાન્સર્સ તૈયાર થતાં આવ્યા છે.

તેઓ અમદાવાદમાં વસે છે છતાંયે તેમનાં વિશે હું રાજકોટમાં હતી ત્યાં સુધી મને લગભગ કોઈ જ માહિતી નહોતી. કેટલી ગર્વની વાત કહેવાય આપણાં લોકલ મીડિયા માટે! ઇન્ટરનેશનલી સેલીબ્રેટેડ આટલાં સુંદર ડાન્સર આપણા ઘર-આંગણે વસે અને મેં તેમનાં વિશે કોઈ ન્યૂઝ કવર જોયાનું મને યાદ નથી. કુમુદિનીનાં ઇન્ટરવ્યુ પણ ઈન્ટરનેટ પર શોધવામાં બહુ મુશ્કેલી પડી. તેમનાં વિશે બહુ થોડી માહિતિ મળી. ગુજરાતીમાં તો કંઈ જ નહીં. કરુણતા તો એ છે કે, આ કલાકારો જ્યારે ઊગીને ઊભા થતાં હતાં ત્યારે આપણો સમાજ કહેતો કે, સારા ઘરની છોકરીઓ નાચે નહીં એટલે તેઓ ડિઝર્વ કરે છે એટલું કવરેજ તેમને ન મળ્યું. અને આજે જ્યારે આપણો મિડલ-ક્લાસ ડાન્સને ‘ટેલેન્ટ’ કહેવા લાગ્યો છે ત્યારે આ શબ્દ જાણે ફક્ત બોલીવુડ અને વેસ્ટર્ન ડાન્સીઝનાં ટીવી પર આવતાં કલાકારો માટે જ લાગુ પડે છે. એમાંયે વળી ‘બેલે’ કહેશો તો પાછા માથા ખંજવાળશે. મને ક્યારેક મોકો મળ્યો તો હું કુમુદિનીનો એક ઇન્ટરવ્યુ રેકોર્ડ કરવા માંગીશ.

સુંદર વાત તો એ છે કે, જેમ ફ્રીદા અને અમૃતા મળ્યાં હોત તોનો વસવસો છે તે આ કેસમાં રહેવા પામ્યો નથી. નાહીદ અને કુમુદિનીએ સાથે કામ કર્યું છે. લાહોરમાં નાહીદનાં સ્ટુડીયો પર પાડેલો દોઢેક વર્ષ જૂનો કુમુદિની અને નાહીદનો એકસાથે એક ફોટો પણ મેં જોયો છે. રોહિણીએ બેમાંથી કોઈ સાથે કામ કર્યાનું મેં ક્યાંયે ઓન-રેકોર્ડ વાંચ્યું તો નથી પણ, ત્રણે ભૌગોલિક રીતે આટલા નજીક અને બિરજુ મહારાજ સાથે જોડાયેલાં હોવાને કારણે હું માનું છું કે, રોહિણીએ બંને નાહીદ અને કુમુદિની સાથે કામ કર્યું જ હશે. કદાચ ન પણ કર્યું હોય તોયે તેઓ એકબીજાને મળ્યાં તો જરૂર હશે અને વિચારોનું આદાન-પ્રદાન પણ થયું જ હશે.

આ બ્લોગ ઘણાં સમયથી ફોલો કરનારાઓ કહેશે આ શું બે સ્ત્ર્રીઓ ને ચાર સ્ત્રીઓ? ‘રખડતાં ભટકતાં’માં આવી વાત ક્યાં આવી વળી? રખડતાં ભટકતાં એ ફક્ત શાબ્દિક અર્થની વાત નથી. તાત્ત્વિક અર્થની વાત પણ છે. રખડતી ભટકતી તો હું ઘણી જગ્યાએ હોઉં છું – શહેરોમાં, ગલીઓમાં, વિકિપીડિયામાં, યુટ્યુબમાં, બ્લોગ્સ પર, મારાં સવાલ-જવાબ અને પોતાનાં મનનાં ઊંડાણમાં વગેરે. વળી, અહીં જેની જેની વાત કરું છું જે કંઈ પણ વાત, વિચાર, ઘટના કે વ્યક્તિઓ – એ દરેકનાં સંપર્કમાં તો હું રાજકોટનું બાળપણનું ઘર છોડીને નીકળી છું ત્યાર પછીથી જ આવી છું. એટલે, એ રીતે પણ આવી અમુક વ્યક્તિઓની અસંગત લાગતી વાત ખરેખર તો બ્લોગનાં નામ સાથે સુસંગત છે કારણ કે, તેમનો પરિચય મને આ સફર પર નીકળ્યા પછી જ થયો છે. પછી ભલે તે એક-તરફા હોય! આ ઉપરાંત મેં નોંધ્યું છે કે, ગુજરાતી કોલમોમાં લેખકો પેઈન્ટીંગ, સિનેમા, સંગીત બધાંનો ઉલ્લેખ કરતાં આવ્યાં છે. નૃત્ય કે નૃત્યકારો વિશે કોઈએ બહુ લખ્યાનું યાદ નથી. એટલે, આ ખોટ પૂરવાની દિશામાં મારો આ એક નાનકડો પ્રયાસ.

Why you should absolutely date a girl who travels

નિબંધ

આજ-કાલ આ ‘ડેટ અ ગર્લ હુ …’ શ્રેણીની બોલબાલા છે ઈન્ટરનેટનાં પોપ્યુલર કલ્ચરમાં. જેને જુઓ એ કોની સાથે પ્રેમ-સંબંધ બાંધવો તેની સલાહો આપવામાં પડ્યા છે. કહે છે કે, ઓરિજિનલ જેવું કંઈ હોતું જ નથી. દરેક કલાકૃતિ આમ તો કોઈ ને કોઈ રીતની ઉઠાંતરી જ છે. એટલે, કોપી કરો. વાંધો નહીં. પણ, એટલી જ જેટલું તમને માનવાલાયક લાગે છે અને એટલું જ જે લખાણમાં તમે પોતાની જાતને અને પોતાનાં સત્યને જોઈ શકો. ડેટ અ ગર્લવાળાં બધાં જ લેખોમાં આ લેખ સાથે હું અંગત રીતે સૌથી વધુ સહમત છું અને તેમાં મારી જાતને જોઈ શકું છું એટલે તેનો ભાવાનુવાદ કરીને અહીં મુકવાની તસ્દી લઉં છું.

આ આર્ટિકલ સૌથી પહેલાં ‘ડોન્ટ  ડેટ અ ગર્લ હુ ટ્રાવેલ્સ’નાં ટાઈટલ નીચે એક બ્લોગરે પોતાનાં બ્લોગ પર મૂક્યો હતો (http://www.lovethesearch.com/2013/05/dont-date-girl-who-travels.html). તેનાં પરથી એ મીડિયમ ડોટ કોમ (https://medium.com/better-humans/802c49b9141c) પર ગયો અને ધીમે ધીમે પ્રસિદ્ધ થતો ગયો. પણ, અંગત રીતે મને હફિંગટન પોસ્ટનું આ આર્ટિકલનાં જ ઘણાં બધાં મુદ્દાઓ લઈને બનાવેલું વર્ઝન સૌથી વધુ ગમ્યું (http://www.huffingtonpost.com/stephanie-ridhalgh/date-a-girl-who-travels_b_4719605.html).


અત્યારે ઈન્ટરનેટ પર એક લેખ ફરી રહ્યો છે – ‘ડોન્ટ ડેટ અ ગર્લ હુ ટ્રાવેલ્સ’ જેમાં લેખિકા સ્વાભાવિક રીતે જ ટ્રાવેલર (રખડતી ભટકતી ;)) છોકરીનાં પ્રેમમાં પડ્યા પછીની પીડાઓ વિશે વાત કરે છે.

ઓરિજિનલ લેખની વિગતોમાં પડ્યા વિના ટૂંકમાં કહું તો હું પણ સમજુ છું કે, લેખનો સ્વભાવ વ્યંગાત્મક છે. પણ, ઘણાં ખરેખર, એ લેખમાં જણાવ્યા મુજબનાં સ્ત્રી-પ્રવાસીઓનાં એ ગુણોને અવગુણ ગણે છે. એટલે, હું ફક્ત એ જણાવવાની કોશિશ કરીશ કે, પ્રવાસનાં ધાર્યા-અણધાર્યા અનુભવો આપણી રોજબરોજની જિંદગી પર કેવી અસર પાડે છે અને આપણને હંમેશા વધુ ને વધુ પ્રવાસ કરવા માટે પ્રેરતા રહે છે. (આ લેખ રોઝમરી અર્ક્વીચોનાં ‘ડેટ અ ગર્લ હુ રીડ્સ પરથી પણ પ્રભાવિત છે.)

ડોન્ટ ડેટ અ ગર્લ હુ ટ્રાવેલ્સને મારો જવાબ ….

ઘુમક્કડ છોકરીનાં પ્રેમમાં પાડો. આ છોકરી એ છે કે, જેની ચામડી સૂર્યએ ચૂમેલી તામ્રવર્ણી છે. (બક્ષીને કોણે યાદ કર્યા?)  તેનામાંથી એક પ્રકારની સ્વસ્થતાની ખુશ્બૂ આવે છે, જે તેનાં માંસલ દેહ અને આંખની ચમકનો જ એક ભાગ લાગે છે.

ભટકતી છોકરીને ચાહો. તે બહુ ભૌતિકવાદી નહીં હોય. એ ભૌતિક વસ્તુઓનાં બદલે જીવનનાં અનુભવોને પોતાનો ખજાનો ગણશે. તેને મોંઘી સોગાદોની જરૂર નહીં હોય. તેનાં બદલે તેને તસવીરો આપજો. એવી તસવીરો જે તેની સાથે હંમેશા રહી જાય. એ છોકરી થોડાંમાં પણ ઘણું જીવવાવાળાઓને જોઈ-સમજી શકતી હશે અને જીવનની નાની ખુશીઓનું મૂલ્ય સમજતી હશે. એ છોકરી ફરે છે કારણ કે, ક્યાંક તેનું ઘર છે – પાછા ફરવા માટે. એ ઘરમાં પસાર થતી દરેક ક્ષણ અને દરેક સામાન્ય વ્યવહારની કિંમત એ બહુ ઊંચી આંકે છે. તેને પોતાનાં ગામ – પોતાની માતૃભૂમિ વિશે ગર્વ છે કારણ કે, તેનાં જેવાં જ કોઈ અન્ય પ્રવાસી માટે એ ગામ એક રસપ્રદ નવી જગ્યા છે.

સતત પ્રવાસ કરતી રહેતી છોકરી/સ્ત્રી (જો પપ્પા/મમ્મી પાસે ખર્ચ નહીં માંગતી હોય તો) ખૂબ મહેનતુ હશે. એ કદાચ પોતાનાં પ્રવાસનાં ખર્ચા નિભાવવા માટે બે કે ત્રણ નોકરીઓ કરતી હોય તેવું પણ બને. કદાચ એ છોકરી કોઈ યુવાન ઓન્તરપ્રન્યોર હોય અને પોતાનાં પ્રવાસને એક યા બીજી રીતે આવકસ્ત્રોતમાં ફેરવતી હોય તેવું પણ બને. એ હોશિયાર હશે અને એ પણ જાણતી હશે કે, આજ-કાલ ઘણી બધી મોટી કંપનીઓ જરૂર પડ્યે વિદેશ-યાત્રા કરવા માટે તૈયાર હોય તેવાં ઉમેદવારો પર પહેલી પસંદગી ઉતારે છે એટલે તે કદાચ તેવી પણ કોઈ નોકરી કરતી હોય તેવું બને.

આ છોકરી તમને હંમેશા સરપ્રાઈઝ કરી શકશે! એ અજાણ્યા શહેરોમાં અદ્ભુત દિશા-સૂઝ સાથે ફરતી હશે અને એટલી જ ધગશથી તેને ક્યારેક અચાનક સાવ જ ખોવાઈ જવાનું પણ માણતાં આવડતું હશે. ક્યારેક ચૂકાઈ ગયેલી ફ્લાઈટ/ટ્રેન/બસ, ખોટાં વળાંકો, લારીઓનું હાનિકારક ખાવાનું અને એ ખાણાને મુબારક ગમે તેટલાં ખરાબ ટોઇલેટની પરાણે લેવી પડતી મુંલાકાતોને આભારી, તે ખૂબ સરળ અને ઓછામાં ઓછી જરૂરિયાતો ધરાવતી થઇ ગઈ હશે. એ રસ્તા પર (અને જીવનમાં પણ) અચાનક આવતાં રોદા ખાવા માટે તૈયાર બેઠી હશે.

આ છોકરી સમજદાર હશે અને તમારાં નિર્ણયોમાં તમારી બને તેટલી અને બને તે રીતે સહાય કરવા હંમેશા તૈયાર હશે. એ જાણતી હશે કે, તમે કદાચ તેનાં જેટલાં ટ્રાવેલ-ઓરિયેન્ટેડ ન પણ હો અને તેનાંથી તેને કોઈ તકલીફ પણ નહીં હોય. પણ, છતાંયે તેની સાથે તમને હંમેશા મજા આવશે. એ ગમે તે સંજોગોમાં જીવનને માણતી હશે અને તમને પણ તેવું જ કરવામાં મદદ કરતી હશે.

પ્રવાસી છોકરીને પ્રેમ કરો કારણ કે, તે દુનિયાનાં જાત-ભાતનાં લોકો સાથે હળી-મળીને જૂદી જૂદી જગ્યાઓનાં ઈતિહાસ, રીત-ભાત અને સામાજિક વ્યવહાર વિશે જાણતી-સમજતી અને તેનો આદર કરતી જોવા મળશે અને આ જ કારણોસર આ છોકરી તમારાં માતા-પિતાને પણ પ્રભાવિત કરી શકશે. તેને અજાણ્યાઓ સાથે દોસ્તી કરવાની આદત હશે અને તે લગભગ ગમે તેની સાથે ગમે તે વિષય પર વાત કરી શકતી હશે. એ નવા માણસોને મળવા માટે હંમેશા ઉત્સુક હશે અને તમારાં કામને લગતી  સોશિયલ પાર્ટીઓમાં એ જેને મળશે તેને પોતાનાં વ્યક્તિત્ત્વથી પ્રભાવિત કરતી જોવા મળશે. તેની સાથે બધાંને વાત કરવી ગમશે.

આ છોકરી સ્વતંત્ર છે. હોશિયાર છે અને મજબૂત છે. પોતાની ખુશીઓ માટે તે અન્યો પર આધાર નહીં રાખતી હોય. એ તમને જળોની જેમ વળગી નહીં રહે. એ શેરી-યુનિવર્સીટીની ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ હશે. લોકોને ઓળખતાં તેને આવડતું હશે. એ જ પારખી નજરથી એ તેને પ્રેમ કરતાં પણ દૂરથી જ તેને જોઇને ભાગી જતાં છોકરાને રોકીને પોતાની પાસે લઈ આવશે.  

બે સ્ત્રીઓ

નિબંધ

ઈતિહાસ બડી રસપ્રદ વસ્તુ છે અને એ દરેક ક્ષણે બનતી રહે છે. ઈતિહાસ ક્યાંક ને ક્યાંક કોઈક રોજ બનાવતું હશે. ફક્ત મહેલો અને ઇમારતો એ જ ઈતિહાસ નથી. ઇતિહાસમાં યુદ્ધો અને રાજકારણ સિવાય પણ ઘણું બધું થયું છે. તાનસેન, વાન ગોહ, અમીર ખુસરાઉ (ખુસરાઓ/ખુસરો), ગેલિલીયો વગેરે  પણ ઈતિહાસ છે. એ આર રહમાન પણ ઈતિહાસ બનશે. આવો ઈતિહાસ મને પ્રેરણા આપે છે. એ પાત્રો મારા ‘હીરો’ છે. પણ, પેલા હિમાલયનાં શિખર જેવા દૂરથી જોઈને ખુશ થવાય તેવા હીરો નહીં; મારા નજીકનાં મિત્રો જેવા હીરો. તેમની યાદો અને વાતો પણ કોઈ દૂર આકાશનાં ધ્રૂવતારક જેવી નહીં પણ કોઈ અંગત મિત્ર જેવી છે. આમાંનાં મોટાં ભાગનાં અને મારાં સાચુકલાં અંગત મિત્રોમાં પણ જેમનું કામ અને કેરેક્ટર મને ચેલેન્જ કરે છે-  મારી સીમાઓ વિસ્તારવાની મને પ્રેરણા આપતાં રહે છે તે પણ મોટાં ભાગનાં પુરુષો છે. સ્ત્રીઓ થોડી છે પણ તેમનો પ્રભાવ મને કદાચ બાકીનાં બહુમતી પુરુષો કરતાં પણ વધુ પ્રેરણાદાયી લાગ્યો છે. પણ, તેમાંયે બે સ્ત્રીઓ ખાસ છે. મારાં માનસપટ પર સૌથી વધુ છવાયેલી છે. તેમનાં જીવન અને કામની સાથે હું છેલ્લા ઘણાં વર્ષોથી એક પોતાપણું અનુભવતી આવી છું. જેમ એક ખાસ મિત્ર સાથે પહેલાં ઓળખાણ થાય, પછી થોડી વધારે માહિતી મળે, સમય જતાં એ બોન્ડ મજબૂત થતો જાય અને એક સમય એવો આવે જ્યારે એમની પર્સનાલીટી વિશે કશું જ તમને અસ્વાભાવિક ન લાગે તેવી જ રીતે આ બંને સ્ત્રીઓ પણ ધીમે ધીમે મારા જીવનનો, વિચારોનો અને હું જે કંઈ છું તેનો પણ એક ભાગ બનતી ગઈ છે. એક ફ્રીદા કાલો અને બીજી અમૃતા શેરગિલ.

અમૃતા વિશે મેં સૌપ્રથમ મારા આર્ટ-માસ્ટર બિમલ રાવલ પાસેથી સાંભળ્યુ હતું લગભગ સાતથી આઠ વર્ષ પહેલા. મને આર્ટ ગમતું ખૂબ ગમતું, હજુ પણ ખૂબ ગમે છે. પણ, એ વિશે માહિતી બહુ થોડી હતી. જો કે, હજુ પણ પૂરી છે એવું તો ન જ કહી શકું. વાન ગોહ, પાબ્લો પિકાસો જેવા નામ પણ મેં પહેલી વાર બિમલ સર પાસે સાંભળ્યા હતાં. પણ, અમૃતા શેરગિલનું નામ વારંવાર મારા કાને અથડાયા કરતું. હું જે 2 મહિના તેમની પાસે શીખતી હતી તેમાં 20 વાર તેમણે મને કહ્યું હતું કે, તું આપણી અમૃતા શેરગિલ છે  અને પછી અમે હસતાં. મને ખબર નહોતી એ કોણ છે. પણ, ત્યારે તેનાં વિષે ઉપરછલ્લી માહિતી લેવા સિવાયનો કોઈ રસ મારામાં જાગ્યો નહોતો. પછી તો બિમલ સર પાસે ટ્રેઈનિંગ પણ પૂરી કરી અને વર્ષો થઇ ગયાં. પણ, એ નામ હંમેશા મારી સ્મૃતિમાં રહ્યું. ત્રણેક વર્ષ પહેલાં અચાનક એક દિવસ મન થયું તો તેમનાં વિશે વધુ માહિતી શોધવાની મેં શરુ કરી. તેમનાં પેઈન્ટિન્ગ્સ જોયા. તેઓ કઈ રીતે ‘અહેડ ઓફ ટાઈમ’ હતાં તે જાણ્યું. અત્યાર સુધી જે માત્ર નામ હતું તેમાં એક કેરેક્ટર આવ્યું – તેમનું કામ જોઇને.

લગભગ બેક વર્ષ પહેલાં અચાનક રાજકોટમાં એક બુક સ્ટોરમાં (કદાચ ‘રાજેશ’. પણ, લોકેશન યાજ્ઞિક રોડ ઓલ્ડ એન્ડ ન્યુ બૂક સ્ટોર પછી અને પી.પી ફૂલવાલા પહેલા આવેલો છે એ સ્ટોર) મારા હાથે ‘આઠમો રંગ’ ચડી. એ બૂક મેં પેલી પોપ્યુલર કહેવતથી વિરુદ્ધ કવર જોઇને લીધી હતી (સાચ્ચે!) અને ત્યાર પછી અમુક મહિનાઓ સુધી એ પડી રહી. પછી  એક દિવસ એ ઊઠાવીને વાંચવાનું શરુ કર્યું ત્યારે જાણે અચાનક અજાણતા જ ખજાનો હાથમાં લાગ્યો. એ બુક ફિક્શન હતી. પણ, હિમાંશી શેલતે વાંચેલાં અમૃતનાં કેટલાંક પત્રો પર આધારિત હતી. મને તો પ્રસ્તાવનામાં એ પાત્રોનાં કેટલાંક અંશો વાંચીને જ મજા પડી ગઈ અને પછી તો અમૃતાનું કેરેક્ટર જીવંત થઇ ગયું મારા માટે.

આ દરમિયાન લગભગ આ જ રીતે વિવેક ઓઝાએ મારી ઓળખાણ ફ્રીદા કાલો સાથે કરાવી હતી – પાંચ-છ વર્ષ પહેલા. તેનાં પેઈન્ટિન્ગ્સ પણ ત્યારે આછા પાતળા ગૂગલ કરીને જોયા હતાં. પણ, ઘણાં સમય સુધી એ કેરેક્ટરમાં મેં ક્યારેય એક્ટિવ રસ નહોતો લીધો. ત્રણેક વર્ષ પહેલાં એ પણ થયું. ત્યાર પછી તો ફ્રીદા વિશે કે તેમનાં કામ વિશે જે કંઈ પણ આછું-પાતળું નાનું-મોટું જાણવા મળ્યું તે રસપૂર્વક જાણી ગઈ. અમૃતા વિશે જ્યારે વાંચ્યું ત્યારે લગભગ દરેક વાત મને ફ્રીદાની યાદ અપાવતી રહી. એટલે જ કદાચ અમૃતાને ભારતની ફ્રીદા કહે છે. બંને અત્યંત સતેજ અને બુદ્ધિશાળી સ્ત્રીઓ અને સ્વતંત્રતા શબ્દને એક ઊંચાઈ આપનારી પણ. ફ્રીદાનું જીવન તેમની તબિયતની દૃષ્ટિએ અત્યંત પીડાદાયક હતું અને છતાંયે તેમનાં પર દયા ન આવે. માન આવે. પણ, દયા ન આવે. એ જ રીતે અમૃતાએ પણ એક સમય પછી અત્યંત શારીરિક કષ્ટ ભોગવ્યું. બંનેનાં સ્ત્રીઓ અને પુરુષો સાથેનાં સંબંધો પણ અગણિત. ફ્રીદા વિશે કહેતાં કે, “ઓલ ધ મેન વોન્ટેડ હર; એન્ડ ઓલ ધ વિમેન વોન્ટેડ ટુ બી હર”. અમૃતા વિશે આવું ક્યારેય કોઈએ કહ્યું નથી. પણ, તેનાં માટે પણ આ એટલું જ લાગુ પડે છે. અમૃતાને ત્યારનાં રાજા રવિ વર્મા જેવાંની શૈલીથી અંજાયેલાં આર્ટ-ક્રિટીક્સ બહુ ગણકારતાં નહીં. એ જ રીતે ફ્રીદાને ઘણાં સમય સુધી ડીએગો રિવેરાની પત્ની તરીકે જ ઓળખાણ મળતી. બંને પોતાનાં કામ વિશે સતત ડાઉટફુલ રહેતાં. કદાચ એ જ કારણ છે  કે, બંને પોતાનાં કામ વિશે આટલા સભાન હતાં. તેમનાં કામમાં તેમણે જાણે પોતાનું વ્યક્તિત્ત્વ છૂપાવેલું છે. ફ્રીદાએ તો લિટરલી. એ સેલ્ફ-પોર્ટરેઈટ્સ બનાવતાં. “આઈ પેઈન્ટ માયસેલ્ફ બિકોઝ આઈ એમ સો ઓફન અલોન એન્ડ બિકોઝ આઈ એમ ધ સબ્જેક્ટ આઈ નો ધ બેસ્ટ”. સામે શેરગિલ જે સતત ક્રિટીસાઈઝ થતાં રહ્યાં તે કહેતાં કે, મને મારા શિક્ષકોની શીખવણે નહીં પણ મારાં ક્લાસ-મેટ્સનાં હાર્શ ક્રિટીસિઝ્મે વધુ શીખવ્યું છે.

એ બંને સ્ટીરિઓટિપિકલ નથી એ મને ગમે છે. આ પ્રકારની સ્ત્રી હોવાનું કોઈ શીખવાડી ન શકે. માતાઓ તો ખાસ ન શીખવાડે કારણ કે, સ્વાભાવિક પ્રેમને કારણે ડરે કે, આ ક્યાંક હેરાન ન થાય. આ વ્યક્તિત્ત્વ અને આવું કામ એક પ્રકારની ઇન્ટેગ્રિટીમાંથી જન્મે. મેરી ક્યુરી ઇન્ટેગ્રિટી હોય ત્યારે જ પોતાનું મોં બળી જાય ત્યાં સુધીની તૈયારી રાખી શકે. અને આ ઇન્ટેગ્રિટી અને ઇન્ટેલીજન્સ એક સિક્કાની બે બાજુની જેમ સતત સાથે રહ્યા કરે એ મને ખૂબ ગમે છે. ક્યારેક વિચારું છું કે, આ બંને એકબીજાને મળ્યા હોત તો! કદાચ ક્યારેય અલગ ન પડત. એમણે મારી પોતાની જાત પાસેથી બાંધેલી અપેક્ષા ઊંચી કરી નાંખી છે.  આ સમગ્ર વ્યક્તિત્ત્વ તો નહીં પણ આ વ્યક્તિત્ત્વનાં પાયાનાં અંશો હું મારી પેઢીની સ્ત્રીઓ પાસેથી જાણ્યે-અજાણ્યે શોધતી રહું છું. જ્યારે એવરેજ છોકરીઓનું મિનિમમ સ્ટાન્ડર્ડ આપણે આટલું લાવીએ ત્યારે કદાચ આપણને આપોઆપ જ ફેમિનિસ્ટ મૂવમેન્ટની જરૂર નહીં પડે!

ધ હોલ્સ્ટી મેનીફેસ્ટો

નિબંધ
The Holstee Manifesto

જ્યાંથી આ મેનીફેસ્ટો લેવામાં આવ્યો છે તે બ્લોગ: http://blog.holstee.com/

આ મેનીફેસ્ટોનું ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકાય તેવું પોસ્ટર: http://cdn.shopify.com/s/files/1/0031/5352/files/The_Holstee_Manifesto_8.5×11.pdf