ત્રણ સ્ત્રીઓ

નિબંધ

કથક નૃત્ય મારાં જીવનમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રમાં ઘણાં બધાં એવાં છે જેમનાં યુ-ટ્યુબ વીડિયો હું કલાકો સુધી જોયા કરું છું. પણ, અહીં જેમની વાત કરવા માગું છું એ ત્રણેનું એક બહુ ઊંચું અને બહુ અલગ સ્થાન છે. ત્રણે કથકનાં ઇન્ટરનેશનલી સેલીબ્રેટેડ એ-ગ્રેડનાં કલાકારો છે. પણ, અગત્યની વાત એ નથી. અગત્યની વાત છે તેમનાં વ્યક્તિત્ત્વ. જીવન અને કલા પ્રત્યેનાં તેમનાં અભિગમ. કલાની રાહ પર ચાલતાં તેમણે લીધેલા ચેલેન્જ સાવ અલગ છે અને તેમની જર્ની પણ. એટલે એક જ ક્ષેત્રનાં કલાકાર હોવા છતાં પણ ત્રણેની કોઈ સરખામણી નથી!

સૌથી પહેલી વાત કરું રોહિણી ભાટેની. તેઓ ૨૦૦૮માં ગુજરી ચૂક્યા. ભારતને સ્વાતંત્ર્ય મળ્યું તે જ વર્ષમાં તેમણે પૂણેમાં નૃત્યભારતીની સ્થાપના કરી. પોતાનાં એક ઇન્ટરવ્યૂમાં રોહિણી કહે છે કે, મેં જ્યારે આ સ્કૂલની સ્થાપના કરી ત્યારે મારાં મનમાં હતું કે, મને ૧૪ તોડા (કથકનાં નાના પીસ) આવડતાં હશે તો હું છોકરીઓને ૧૪ તોડા શીખવાડીશ અને પછી તેમને કહી દઈશ કે, મને આટલું આવડે છે, હવે મારો કોર્સ પૂરો. તેમની કથક-કરિયર વિશે મને જો જોઈ વાત સૌથી વધુ પ્રેરણા આપતી હોય તો એ છે કે, તેમણે કથક શીખવાની શરૂઆત તેમનાં ટ્વેન્ટીઝમાં કરી હતી અને કથક કરિયરની શરૂઆત ૨૮માં વર્ષે. અત્યારનાં નૃત્ય-અભિનયનાં પોપ્યુલર કલ્ચરથી બિલકુલ અલગ. તેઓ કથકની દુનિયામાં દંતકથા બની ગયા છે હવે તો. એટલું સુંદર કામ અને એટલું રિચ કન્ટ્રીબ્યુશન. તેમણે આ ક્ષેત્રમાં રિસર્ચ પેપર્સ, પુસ્તકો, ટેકનિક બધું જ આપ્યું છે. રોહિણીનાં જેટલાં ફોટો કે જે કંઈ મેં જોયું છે એ દરેક તેમનાં ૫૦ વર્ષની ઉંમર પછીનાં જ છે. અને છતાં એ સ્ત્રીનાં ગ્રેસની કોઈ સરખામણી મેં જોઈ નથી. ના, માધુરી દિક્ષિત પણ નહીં. રોહિણીનો સ્કોપ ફક્ત ડાન્સ અને કોરિઓગ્રાફી પૂરતો સીમિત નહોતો. એ સંગીત અને સાહિત્યમાં પણ ઊંડો રસ ધરાવતાં. રોહિણી કહેતાં “Dance does not signify mere pleasure – nor is it just fascinating physical activity. It awakens the soul and arouses a sense of elation – rarely experienced otherwise. What is Dance then – if not a prayer?”

જ્યાં રોહિણી સાથે ત્યારનો રૂઢિચુસ્ત સમાજ પોતાની છોકરીઓને દોસ્તી ન કરવા દેતો ત્યાં સરહદની પેલે પાર નાહિદ સિદ્દીકીએ તો આ રૂઢિચુસ્તતા સામે ડગલે ને પગલે રાજકીય સ્તરે લડત આપવી પડતી. પાકિસ્તાનની સરકારે એક સમયે ટેલિવિઝન પર તેમનો શો બંધ કરાવી દીધેલો. અરે, એક તબક્કે તો નાહીદને ડાન્સ કરવાની જ મનાઈ ફરમાવી દેવામાં આવેલી. પાકિસ્તાન બહાર જઈને બહેન ક્યાંક ડાન્સ ન કરવા માંડે એ માટે તેમને તેમનાં ત્યારનાં પતિને મળવા લંડન જવા માટે રોકવામાં આવ્યા હતાં. નાહીદે પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસમાં ત્રણ કલાક ધડ કરીને રજા માંગવી પડી હતી. તેઓ નાહીદ પાસેથી એવો કરાર કરાવવા માંગતાં હતાં કે, નાહીદ દુનિયાનાં કોઈ પણ ખૂણામાં ક્યારેય ડાન્સ નહીં કરે. પણ, નાહીદે કર્યો. હજુ પણ કરે છે. અને શું ખૂબીથી કરે છે! તેમનાં જેવાં એક્સટેન્શન અને એફર્ટલેસ લયકારી મેં હજુ સુધી નથી જોયાં.

નાહીદ શરૂઆતમાં ખૂબ લગનથી બાબા મહારાજ પાસેથી પાકિસ્તાનમાં રહીને આ કલા શીખ્યા. પણ, બાબા મહારાજ પોતે પર્ફોર્મર નહોતાં અને નાહીદને તો આ કલાનો દરેક આયામ શીખવો હતો. પોતે પર્ફોર્મર પણ બનવા માંગતાં હતાં એટલે સ્વાભાવિક રીતે જ આ ગુરુની શિક્ષા પૂરતી નહોતી. તેમને જેમને પોતાને લાઈવ-ઓડીયન્સનો બહોળો અનુભવ હોય તેવાં ગુરુની જરૂર હતી. આમ એ બાબા મહારાજની રજા લઈને આવ્યા તેમનાં જ પરિવારનાં દૂરનાં સગા એવા બિરજુ મહારાજ પાસે – ભારત. નાહીદ એ સમયને યાદ કરતાં કહે છે કે, “બિરજુ મહારાજ મને કદાચ કંઈ પણ ન શીખવાડે અને બેસાડી રાખે તોય મને મંજૂર હતું. હું તેમને જોયા કરતી. એ કેમ ઊઠે છે, કેમ બેસે છે, કેમ ચાલે છે એ બધું મારે તો જોવું હતું અને તેમાં જ મારી અડધી શિક્ષા આવી જશે તેની મને ખાતરી હતી.” તેમની શીખવાની ધગશની કોઈ કમી નહોતી. આજે આટલી ઉંમરે આટલું અચીવ કર્યા પછી પણ નથી! તેમની તહેઝીબ, પરફેક્શન અને ડેડીકેશન તેમની નાનામાં નાની મૂવમેન્ટમાં પણ જોવા મળે.

નાહીદ પેલો ચવાઈ ગયેલો ‘કામયાબ હોને કે લિયે નહીં, કાબિલ હોને કે લિયે પઢો’ ડાયલોગ જીવે છે. આજની તારીખમાં કથક વિષયમાં જો મારે કોઈની ઓથોરીટી માનવાની હોય તો હું નાહીદની માનું. આ સ્ત્રીનાં અભ્યાસ અને અભિગમ બંને રાઈટ ઓન ધ સ્પોટ છે. આપણી બાજુ જયપુર ઘરાનાનાં અમુક અનપઢ શિક્ષકો બાળકોને એમ શિખવાડવામાંથી ઊંચાં નથી આવતાં કે, કથાકમાં લખનૌ ઘરાનો પેલી વલ્ગર તવાયફોવાળી સ્ટાઈલ શીખવે છે (જે ખરેખર તો એવું છે પણ નહીં!). તો, બીજી બાજુ નાહિદ ફરિયાદ કરે છે કે, આજે કથક જે છે તે બનાવવામાં કેટલીયે તવાયફોનો મોટો ફાળો છે અને તેમને તેમનાં કામ માટે ક્યાંય એકે પણ જગ્યાએ પૂરતી ક્રેડીટ આપવામાં નથી આવી. તેમનાં નામોનો ક્યાંયે ઉલ્લેખ નથી અને તેમણે કલા ક્ષેત્રે કરેલું કામ બિલકુલ અનરેકગ્નાઈઝડ રહ્યું છે. તમે જ કહો આમાંથી ક્યા શિક્ષકને માન આપવું ઘટે? એક તરફ મોટાં ભાગનાં આજ-કાલનાં એવા ક્લાસિકલ કલાકારો છે કે, જે સામાજિક સ્વિકૃતિને ધ્યાનમાં રાખીને પોતાની કોરિયોગ્રાફીમાંથી શૃંગાર રસ જ કાઢી નાંખવા માંગતા હોય એવું લાગે અને બીજી તરફ નાહીદ જેવાં લોકો છે જે આ કલામાં નવે રસનાં સ્થાનનું મહત્ત્વ સમજે છે. નાહીદ કથકની દુનિયામાં પોતાનો એક અલાયદો ઘરાનો લાવવા પર કામ કરી રહ્યા છે. નાહીદ સિદ્દીકી ઘરાના!

એક સમય હતો જ્યારે ક્લાસિકલનું નામ પડે એટલે લોકો રાધા, કૃષ્ણ, વૃંદાવન, ગોપીઓમાંથી કોઈ બેનું સ્ટીરીઓટિપિકલ કમ્પોઝીશન હશે તેવું અનુમાન લગાવી લેતાં. કથકનું નામ પડે એટલે શું એક્સપેક્ટ કરવું એ જાણે બધાંને ખબર હતી. આવામાં કુમુદિની લાખિયા નામનાં એક સ્ત્રી આવ્યાં અને આ નૃત્યને રાધા, કૃષ્ણ, ગોપી અને વૃંદાવનમાંથી મુક્ત કરાવ્યું. તેમણે કથકને બનાવ્યું ‘કન્ટેમ્પરરિ’. આ સ્ત્રીએ કથકનાં સ્ટેજ પરફોર્મન્સમાં ક્રાંતિ લાવી મૂકી. કથક (કથા કરનારાં) રાધા-કૃષ્ણ, રામ-સીતાને ભૂલીને ફરીથી પોતાનાં સમયની કથાઓ કહેવા લાગ્યાં. કુમુદિનીએ સામાજિક વિષયોને વણતી ક્લાસિકલ કથક કોરીઓગ્રાફી દુનિયા સામે મૂકી અને મૂકતાં રહ્યાં. હજુ પણ મૂકે છે. અમદાવાદમાં તેમની સ્કૂલ કદંબમાં વર્ષોથી કેટલાંયે નેશનલ-ઇન્ટરનેશનલ ડાન્સર્સ તૈયાર થતાં આવ્યા છે.

તેઓ અમદાવાદમાં વસે છે છતાંયે તેમનાં વિશે હું રાજકોટમાં હતી ત્યાં સુધી મને લગભગ કોઈ જ માહિતી નહોતી. કેટલી ગર્વની વાત કહેવાય આપણાં લોકલ મીડિયા માટે! ઇન્ટરનેશનલી સેલીબ્રેટેડ આટલાં સુંદર ડાન્સર આપણા ઘર-આંગણે વસે અને મેં તેમનાં વિશે કોઈ ન્યૂઝ કવર જોયાનું મને યાદ નથી. કુમુદિનીનાં ઇન્ટરવ્યુ પણ ઈન્ટરનેટ પર શોધવામાં બહુ મુશ્કેલી પડી. તેમનાં વિશે બહુ થોડી માહિતિ મળી. ગુજરાતીમાં તો કંઈ જ નહીં. કરુણતા તો એ છે કે, આ કલાકારો જ્યારે ઊગીને ઊભા થતાં હતાં ત્યારે આપણો સમાજ કહેતો કે, સારા ઘરની છોકરીઓ નાચે નહીં એટલે તેઓ ડિઝર્વ કરે છે એટલું કવરેજ તેમને ન મળ્યું. અને આજે જ્યારે આપણો મિડલ-ક્લાસ ડાન્સને ‘ટેલેન્ટ’ કહેવા લાગ્યો છે ત્યારે આ શબ્દ જાણે ફક્ત બોલીવુડ અને વેસ્ટર્ન ડાન્સીઝનાં ટીવી પર આવતાં કલાકારો માટે જ લાગુ પડે છે. એમાંયે વળી ‘બેલે’ કહેશો તો પાછા માથા ખંજવાળશે. મને ક્યારેક મોકો મળ્યો તો હું કુમુદિનીનો એક ઇન્ટરવ્યુ રેકોર્ડ કરવા માંગીશ.

સુંદર વાત તો એ છે કે, જેમ ફ્રીદા અને અમૃતા મળ્યાં હોત તોનો વસવસો છે તે આ કેસમાં રહેવા પામ્યો નથી. નાહીદ અને કુમુદિનીએ સાથે કામ કર્યું છે. લાહોરમાં નાહીદનાં સ્ટુડીયો પર પાડેલો દોઢેક વર્ષ જૂનો કુમુદિની અને નાહીદનો એકસાથે એક ફોટો પણ મેં જોયો છે. રોહિણીએ બેમાંથી કોઈ સાથે કામ કર્યાનું મેં ક્યાંયે ઓન-રેકોર્ડ વાંચ્યું તો નથી પણ, ત્રણે ભૌગોલિક રીતે આટલા નજીક અને બિરજુ મહારાજ સાથે જોડાયેલાં હોવાને કારણે હું માનું છું કે, રોહિણીએ બંને નાહીદ અને કુમુદિની સાથે કામ કર્યું જ હશે. કદાચ ન પણ કર્યું હોય તોયે તેઓ એકબીજાને મળ્યાં તો જરૂર હશે અને વિચારોનું આદાન-પ્રદાન પણ થયું જ હશે.

આ બ્લોગ ઘણાં સમયથી ફોલો કરનારાઓ કહેશે આ શું બે સ્ત્ર્રીઓ ને ચાર સ્ત્રીઓ? ‘રખડતાં ભટકતાં’માં આવી વાત ક્યાં આવી વળી? રખડતાં ભટકતાં એ ફક્ત શાબ્દિક અર્થની વાત નથી. તાત્ત્વિક અર્થની વાત પણ છે. રખડતી ભટકતી તો હું ઘણી જગ્યાએ હોઉં છું – શહેરોમાં, ગલીઓમાં, વિકિપીડિયામાં, યુટ્યુબમાં, બ્લોગ્સ પર, મારાં સવાલ-જવાબ અને પોતાનાં મનનાં ઊંડાણમાં વગેરે. વળી, અહીં જેની જેની વાત કરું છું જે કંઈ પણ વાત, વિચાર, ઘટના કે વ્યક્તિઓ – એ દરેકનાં સંપર્કમાં તો હું રાજકોટનું બાળપણનું ઘર છોડીને નીકળી છું ત્યાર પછીથી જ આવી છું. એટલે, એ રીતે પણ આવી અમુક વ્યક્તિઓની અસંગત લાગતી વાત ખરેખર તો બ્લોગનાં નામ સાથે સુસંગત છે કારણ કે, તેમનો પરિચય મને આ સફર પર નીકળ્યા પછી જ થયો છે. પછી ભલે તે એક-તરફા હોય! આ ઉપરાંત મેં નોંધ્યું છે કે, ગુજરાતી કોલમોમાં લેખકો પેઈન્ટીંગ, સિનેમા, સંગીત બધાંનો ઉલ્લેખ કરતાં આવ્યાં છે. નૃત્ય કે નૃત્યકારો વિશે કોઈએ બહુ લખ્યાનું યાદ નથી. એટલે, આ ખોટ પૂરવાની દિશામાં મારો આ એક નાનકડો પ્રયાસ.

4 thoughts on “ત્રણ સ્ત્રીઓ

  1. કારણ કે, મોટાં ભાગનાં લોકો ઈડીયટ હોય છે અને ઈડીયટ રહેવા માંગતા હોય છે. (હું નથી કહેતી. પ્લેટો કહે છે!) પ્લેટોની થિયરી પ્રમાણે માણસો હંમેશા જેમાં ઓછામાં ઓછું મગજ ચલાવવું પડે તે પસંદ કરે છે. અને એટલે કદાચ જે કોઈ વ્યક્તિઓ કે કન્સેપ્ટમાં કોમ્પ્લીકેશનનાં લેયર વધુ હોય ત્યાં લોકો સહેલામાં સહેલા તારણ પર જવાનું (ઓવરસિમ્પલીફિકેશન) પહેલા પસંદ કરે. તવાયફ (અને એ જ રીતે દારૂ, ડ્રગ્સ) એક કોમ્પ્લેક્સ કન્સેપ્ટ છે. એટલે, તવાયફ એટલે ખરાબ એ એક આળસુમાં આળસુ અને સેહેલામાં સહેલું તારણ છે. Btw: http://www.theatlantic.com/entertainment/archive/2014/03/what-would-plato-think-of-tv/284222/
    Is an interesting read :). I think you would like it.

  2. જય પ્લેટો :)

    તમે મદદ નાં કરી શકો કે કોઈ વ્યુ નાં આપી શકો , તો એકમાત્ર હાથવગું હથિયાર . . . નિંદા કરીને વખોડી નાખવું
    [ આપણે જયારે ત્રાસવાદી હુમલા થાય છે , ત્યારે નેતાઓ કેવા બેઠા બેઠા ઘટના’ને વખોડી નાખે છે ! આમેય જડ અને અજડ માણસો લાંબુ જીવે છે અને તેઓ પરોપકારી નહિ, પણ પરોપજીવી હોય છે :) ]

    ખરેખર મસ્ત ઉર્ફે અલમસ્ત આર્ટીકલ . . .

    મારા મતે માણસ’ને ટેકનોલોજી વિના ચાલશે , પણ ફિલોસોફી વિના નહિ ચાલે ;)

  3. ખરેખર ખુબ જ મજાનો વિષય રહ્યો . . . આ ત્રણેય કલાકારો’માંથી માત્ર થોડું ઘણું કુમુદીની લાખીયા વિષે જ જાણ હતી ! આ અગાઉ’નો ફ્રીદા અને અમૃતા શેરગીલ વિષે’નો લેખ પણ ખરેખર નાવીન્યપૂર્ણ અને હટકે હતો .

    લોકો’ને તવાયફો’થી આટલી એલર્જી કેમ હતી હશે ? શું તવાયફો’ને લગતી હરકોઈ વસ્તુ બાય-ડીફોલ્ટ ખરાબ જ હશે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s