ઈતિહાસ બડી રસપ્રદ વસ્તુ છે અને એ દરેક ક્ષણે બનતી રહે છે. ઈતિહાસ ક્યાંક ને ક્યાંક કોઈક રોજ બનાવતું હશે. ફક્ત મહેલો અને ઇમારતો એ જ ઈતિહાસ નથી. ઇતિહાસમાં યુદ્ધો અને રાજકારણ સિવાય પણ ઘણું બધું થયું છે. તાનસેન, વાન ગોહ, અમીર ખુસરાઉ (ખુસરાઓ/ખુસરો), ગેલિલીયો વગેરે પણ ઈતિહાસ છે. એ આર રહમાન પણ ઈતિહાસ બનશે. આવો ઈતિહાસ મને પ્રેરણા આપે છે. એ પાત્રો મારા ‘હીરો’ છે. પણ, પેલા હિમાલયનાં શિખર જેવા દૂરથી જોઈને ખુશ થવાય તેવા હીરો નહીં; મારા નજીકનાં મિત્રો જેવા હીરો. તેમની યાદો અને વાતો પણ કોઈ દૂર આકાશનાં ધ્રૂવતારક જેવી નહીં પણ કોઈ અંગત મિત્ર જેવી છે. આમાંનાં મોટાં ભાગનાં અને મારાં સાચુકલાં અંગત મિત્રોમાં પણ જેમનું કામ અને કેરેક્ટર મને ચેલેન્જ કરે છે- મારી સીમાઓ વિસ્તારવાની મને પ્રેરણા આપતાં રહે છે તે પણ મોટાં ભાગનાં પુરુષો છે. સ્ત્રીઓ થોડી છે પણ તેમનો પ્રભાવ મને કદાચ બાકીનાં બહુમતી પુરુષો કરતાં પણ વધુ પ્રેરણાદાયી લાગ્યો છે. પણ, તેમાંયે બે સ્ત્રીઓ ખાસ છે. મારાં માનસપટ પર સૌથી વધુ છવાયેલી છે. તેમનાં જીવન અને કામની સાથે હું છેલ્લા ઘણાં વર્ષોથી એક પોતાપણું અનુભવતી આવી છું. જેમ એક ખાસ મિત્ર સાથે પહેલાં ઓળખાણ થાય, પછી થોડી વધારે માહિતી મળે, સમય જતાં એ બોન્ડ મજબૂત થતો જાય અને એક સમય એવો આવે જ્યારે એમની પર્સનાલીટી વિશે કશું જ તમને અસ્વાભાવિક ન લાગે તેવી જ રીતે આ બંને સ્ત્રીઓ પણ ધીમે ધીમે મારા જીવનનો, વિચારોનો અને હું જે કંઈ છું તેનો પણ એક ભાગ બનતી ગઈ છે. એક ફ્રીદા કાલો અને બીજી અમૃતા શેરગિલ.
અમૃતા વિશે મેં સૌપ્રથમ મારા આર્ટ-માસ્ટર બિમલ રાવલ પાસેથી સાંભળ્યુ હતું લગભગ સાતથી આઠ વર્ષ પહેલા. મને આર્ટ ગમતું ખૂબ ગમતું, હજુ પણ ખૂબ ગમે છે. પણ, એ વિશે માહિતી બહુ થોડી હતી. જો કે, હજુ પણ પૂરી છે એવું તો ન જ કહી શકું. વાન ગોહ, પાબ્લો પિકાસો જેવા નામ પણ મેં પહેલી વાર બિમલ સર પાસે સાંભળ્યા હતાં. પણ, અમૃતા શેરગિલનું નામ વારંવાર મારા કાને અથડાયા કરતું. હું જે 2 મહિના તેમની પાસે શીખતી હતી તેમાં 20 વાર તેમણે મને કહ્યું હતું કે, તું આપણી અમૃતા શેરગિલ છે અને પછી અમે હસતાં. મને ખબર નહોતી એ કોણ છે. પણ, ત્યારે તેનાં વિષે ઉપરછલ્લી માહિતી લેવા સિવાયનો કોઈ રસ મારામાં જાગ્યો નહોતો. પછી તો બિમલ સર પાસે ટ્રેઈનિંગ પણ પૂરી કરી અને વર્ષો થઇ ગયાં. પણ, એ નામ હંમેશા મારી સ્મૃતિમાં રહ્યું. ત્રણેક વર્ષ પહેલાં અચાનક એક દિવસ મન થયું તો તેમનાં વિશે વધુ માહિતી શોધવાની મેં શરુ કરી. તેમનાં પેઈન્ટિન્ગ્સ જોયા. તેઓ કઈ રીતે ‘અહેડ ઓફ ટાઈમ’ હતાં તે જાણ્યું. અત્યાર સુધી જે માત્ર નામ હતું તેમાં એક કેરેક્ટર આવ્યું – તેમનું કામ જોઇને.
લગભગ બેક વર્ષ પહેલાં અચાનક રાજકોટમાં એક બુક સ્ટોરમાં (કદાચ ‘રાજેશ’. પણ, લોકેશન યાજ્ઞિક રોડ ઓલ્ડ એન્ડ ન્યુ બૂક સ્ટોર પછી અને પી.પી ફૂલવાલા પહેલા આવેલો છે એ સ્ટોર) મારા હાથે ‘આઠમો રંગ’ ચડી. એ બૂક મેં પેલી પોપ્યુલર કહેવતથી વિરુદ્ધ કવર જોઇને લીધી હતી (સાચ્ચે!) અને ત્યાર પછી અમુક મહિનાઓ સુધી એ પડી રહી. પછી એક દિવસ એ ઊઠાવીને વાંચવાનું શરુ કર્યું ત્યારે જાણે અચાનક અજાણતા જ ખજાનો હાથમાં લાગ્યો. એ બુક ફિક્શન હતી. પણ, હિમાંશી શેલતે વાંચેલાં અમૃતનાં કેટલાંક પત્રો પર આધારિત હતી. મને તો પ્રસ્તાવનામાં એ પાત્રોનાં કેટલાંક અંશો વાંચીને જ મજા પડી ગઈ અને પછી તો અમૃતાનું કેરેક્ટર જીવંત થઇ ગયું મારા માટે.
આ દરમિયાન લગભગ આ જ રીતે વિવેક ઓઝાએ મારી ઓળખાણ ફ્રીદા કાલો સાથે કરાવી હતી – પાંચ-છ વર્ષ પહેલા. તેનાં પેઈન્ટિન્ગ્સ પણ ત્યારે આછા પાતળા ગૂગલ કરીને જોયા હતાં. પણ, ઘણાં સમય સુધી એ કેરેક્ટરમાં મેં ક્યારેય એક્ટિવ રસ નહોતો લીધો. ત્રણેક વર્ષ પહેલાં એ પણ થયું. ત્યાર પછી તો ફ્રીદા વિશે કે તેમનાં કામ વિશે જે કંઈ પણ આછું-પાતળું નાનું-મોટું જાણવા મળ્યું તે રસપૂર્વક જાણી ગઈ. અમૃતા વિશે જ્યારે વાંચ્યું ત્યારે લગભગ દરેક વાત મને ફ્રીદાની યાદ અપાવતી રહી. એટલે જ કદાચ અમૃતાને ભારતની ફ્રીદા કહે છે. બંને અત્યંત સતેજ અને બુદ્ધિશાળી સ્ત્રીઓ અને સ્વતંત્રતા શબ્દને એક ઊંચાઈ આપનારી પણ. ફ્રીદાનું જીવન તેમની તબિયતની દૃષ્ટિએ અત્યંત પીડાદાયક હતું અને છતાંયે તેમનાં પર દયા ન આવે. માન આવે. પણ, દયા ન આવે. એ જ રીતે અમૃતાએ પણ એક સમય પછી અત્યંત શારીરિક કષ્ટ ભોગવ્યું. બંનેનાં સ્ત્રીઓ અને પુરુષો સાથેનાં સંબંધો પણ અગણિત. ફ્રીદા વિશે કહેતાં કે, “ઓલ ધ મેન વોન્ટેડ હર; એન્ડ ઓલ ધ વિમેન વોન્ટેડ ટુ બી હર”. અમૃતા વિશે આવું ક્યારેય કોઈએ કહ્યું નથી. પણ, તેનાં માટે પણ આ એટલું જ લાગુ પડે છે. અમૃતાને ત્યારનાં રાજા રવિ વર્મા જેવાંની શૈલીથી અંજાયેલાં આર્ટ-ક્રિટીક્સ બહુ ગણકારતાં નહીં. એ જ રીતે ફ્રીદાને ઘણાં સમય સુધી ડીએગો રિવેરાની પત્ની તરીકે જ ઓળખાણ મળતી. બંને પોતાનાં કામ વિશે સતત ડાઉટફુલ રહેતાં. કદાચ એ જ કારણ છે કે, બંને પોતાનાં કામ વિશે આટલા સભાન હતાં. તેમનાં કામમાં તેમણે જાણે પોતાનું વ્યક્તિત્ત્વ છૂપાવેલું છે. ફ્રીદાએ તો લિટરલી. એ સેલ્ફ-પોર્ટરેઈટ્સ બનાવતાં. “આઈ પેઈન્ટ માયસેલ્ફ બિકોઝ આઈ એમ સો ઓફન અલોન એન્ડ બિકોઝ આઈ એમ ધ સબ્જેક્ટ આઈ નો ધ બેસ્ટ”. સામે શેરગિલ જે સતત ક્રિટીસાઈઝ થતાં રહ્યાં તે કહેતાં કે, મને મારા શિક્ષકોની શીખવણે નહીં પણ મારાં ક્લાસ-મેટ્સનાં હાર્શ ક્રિટીસિઝ્મે વધુ શીખવ્યું છે.
એ બંને સ્ટીરિઓટિપિકલ નથી એ મને ગમે છે. આ પ્રકારની સ્ત્રી હોવાનું કોઈ શીખવાડી ન શકે. માતાઓ તો ખાસ ન શીખવાડે કારણ કે, સ્વાભાવિક પ્રેમને કારણે ડરે કે, આ ક્યાંક હેરાન ન થાય. આ વ્યક્તિત્ત્વ અને આવું કામ એક પ્રકારની ઇન્ટેગ્રિટીમાંથી જન્મે. મેરી ક્યુરી ઇન્ટેગ્રિટી હોય ત્યારે જ પોતાનું મોં બળી જાય ત્યાં સુધીની તૈયારી રાખી શકે. અને આ ઇન્ટેગ્રિટી અને ઇન્ટેલીજન્સ એક સિક્કાની બે બાજુની જેમ સતત સાથે રહ્યા કરે એ મને ખૂબ ગમે છે. ક્યારેક વિચારું છું કે, આ બંને એકબીજાને મળ્યા હોત તો! કદાચ ક્યારેય અલગ ન પડત. એમણે મારી પોતાની જાત પાસેથી બાંધેલી અપેક્ષા ઊંચી કરી નાંખી છે. આ સમગ્ર વ્યક્તિત્ત્વ તો નહીં પણ આ વ્યક્તિત્ત્વનાં પાયાનાં અંશો હું મારી પેઢીની સ્ત્રીઓ પાસેથી જાણ્યે-અજાણ્યે શોધતી રહું છું. જ્યારે એવરેજ છોકરીઓનું મિનિમમ સ્ટાન્ડર્ડ આપણે આટલું લાવીએ ત્યારે કદાચ આપણને આપોઆપ જ ફેમિનિસ્ટ મૂવમેન્ટની જરૂર નહીં પડે!
જો કદાચ બેમાંથી એકને પણ પૂરતું એક્સ્પોઝર મળ્યું હોત તો બંને કદાચ ચોક્કસપણે મળ્યાં જ હોત. મળ્યાં ન હોત તો કદાચ પત્ર-વ્યવહાર થયો હોત. બંને વચ્ચે ફક્ત ૬-૭ વર્ષનો ફર્ક હતો એટલે બંનેની કરિયર લગભગ પેરેલલ હોય. તો કદાચ બંનેનાં જીવનનો કેઓસ પણ થોડો ઠંડો પડ્યો હોત.
Having said that, I can kind of imagine what it would have been like. I have a friend Criseida. She is South American and an artsy-head and totally fantastic and I am Indian and artsy too :D ofcourse I can by no means put us even 50% close to the height that they are. But, it must have been somewhat like that! Like those conversations I have had with Cris :)
હા એ જ ફ્રીદા :)
તમે બે ભારે જોરદાર વ્યક્તિત્વોને સાથે મૂક્યા છે. બંને પોતપોતાની રીતે મજબૂત કલાકાર અને તે પણ એવા કે તેમની કળા સમયની સાથે વધુ આકર્ષતી રહે. સ્ત્રીત્વની ખરા અર્થમાં આધુનિક વ્યાખ્યા આપવામાં અને તે પ્રમાણે જીવન જીવવું તે તેમની સામ્યતા કહી શકાય.
શું બંને મળ્યા હોત તો… હમમ ઉમદા ખયાલ છે. અને આ પરથી યાદ આવે છે કે મનોજ શાહના ‘મરીઝ’ નાટકમાં ક્રિયેટિવ લીબર્ટી લઈને મરીઝ અને સાદત હસન મન્ટોને ભેગા કરેલા. કદાચ એવું વિચારીને બંને એક જ સમયે મુંબઈમાં હતા તો ચોક્કસ કોઈ પીઠામાં મળ્યા જ હશે… આવું જ કઈ ફ્રીદા અને અમ્રિતા વિષે પણ વિચારી શકાય…
કદાચિત સલમા હાયેક’વાળી ફ્રીદા ફિલ્મ’ની નાયિકા તે ફ્રીદા જ ને ? તે ફિલ્મ જોયાને ઘણો સમય થઇ ગયો .
. . અને અમૃતા શેરગીલ’નાં તે પુસ્તક માટે આભાર .