આગલી પોસ્ટમાં જણાવ્યું એ પ્રમાણે માર્ચમાં અચાનક જ અમે ઉત્તર ભારત ફેમિલી રોડ-ટ્રિપ કરી હતી. ટાઈમિંગની દ્રષ્ટિએ એ ટ્રિપ એકદમ પરફેક્ટ હતી. માર્ચ એટલે લગભગ વસંતની શરૂઆત થઇ ગઈ હોય. વળી, સ્કૂલી બચ્ચાંઓની પરીક્ષાઓ શરુ થઇ ગઈ હોય અથવા તો ખૂબ નજીક હોય એટલે ફરવા જવાવાળા બહુ ઓછા હોય.આમ, વાતાવરણ ખુશનુમા અને ભીડ ઓછી તેવું બને. વળી, ફેમિલિ ટ્રિપ હોય એટલે આમાં પડશે તેવા દેવાશે ન ચાલે. બુકિંગ વગેરેનો છેલ્લી ઘડીએ સામાન્ય કરતાં ત્રણ ગણાં પૈસા આપ્યા વિના મેળ ન પડે. પણ, સમય અમારા પક્ષમાં હતો એટલે બધું એક સાંજે 2 કલાકમાં જ નક્કી થઈને બુક પણ થઇ ગયું. રાજકોટથી અમદાવાદ ટ્રેન અને અમદાવાદથી ટ્રેન બદલીને પઠાનકોટ સુધીની અમારી સફર હતી. ત્યાર પછી પઠાનકોટથી ડલ્હૌઝી, ધરમશાલા અને અમૃતસરથી દિલ્હી એરપોર્ટ સુધી પ્રાઈવેટ ટેક્સીમાં, દિલ્લીથી અમદાવાદ વિમાન-યાત્રા અને અમદાવાદથી રાજકોટ બસ. તમામ બુકિંગની જવાબદારી ટૂર એજન્ટની હતી જેથી અમને ક્યાંય કંઈ તકલીફ ન પડે. બધી જ જગ્યાએ એડવાન્સ બુકિંગ અને સ્કેડ્યુલ. જો કે, ડેસ્ટીનેશન પર પહોંચી ગયા પછી અમારે કઈ રીતે દિવસ પસાર કરવો એ સમગ્રપણે અમારા હાથમાં હતું. એટલે, આ ટૂર સેમી-પ્લાન્ડ કહી શકાય.
રાજકોટથી અમદાવાદ જવા માટે અમારે વહેલી સવારે 5 વાગ્યે ઘરેથી નીકળવાનું હતું. રાબેતા મુજબ આગલી રાત્રે મોડેથી પેકિંગ કરવાનું શરુ કર્યા છતાં સવારે મારી બે બેગ્સ પેક થઈને તૈયાર હતી અને હું શાંતિથી કોઈ ઘાય-ઘાય કર્યા વિના આટા મારતી ‘તી. જ્યારે, મમ્મી 3 દિવસથી પેકિંગ શરુ કર્યું હોવા છતાં અંધાધૂંધીમાં હતી. મને તો ખેર બહુ ફરક નહોતો પડતો તેનાંથી પણ પપ્પાની અકળામણ હાસ્યાસ્પદ હતી. હું તો ફક્ત બંનેમાંથી એકેની (ખાસ મમ્મીની) હડફેટે ન આવી જાઉં તેનું ધ્યાન રાખતી હતી પણ પપ્પાને મમ્મી ટિકિટ ભૂલી ન જાય તેની ચિંતા હતી. કદાચ તેણે મમ્મીને બે-ત્રણ વાર પૂછ્યું પણ હતું. અંતે અમે ટ્રેન-સ્ટેશન પહોંચ્યા અને પપ્પાએ મમ્મીને ટિકિટ્સ કાઢવાનું કહ્યું અને પત્યું! પાંચેક મિનિટ શોધ્યા પછી પણ ટિકિટ્સ ન મળી. ટ્રેન આવવાને થોડી જ વાર હતી એટલે પપ્પા ઘરે જઈને પાછાં આવી શકે તેટલો સમય નહોતો. આગલા દિવસે મારી એક ફ્રેન્ડ અમારા ઘરે રોકાઈ હતી અને અમે નીકળ્યા ત્યારે તે મારા ઘરે ઊંઘતી હતી. અમે તેને સવારે બારણું ખેંચીને નીકળવાનું કહી રાખ્યું હતું. અંતે તેને જગાડવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે, તેને કહીએ કે આવીને ટિકિટ આપી જાય. મેં તેનો નંબર ડાયલ કર્યો અને તરત જ મમ્મી બોલી “મળી ગઈ. આ રહી” અને પછી તો અમે ફટાફટ પ્લેટફોર્મ પર પહોંચ્યા અને પાંચ મિનિટમાં તો ટ્રેન આવી પણ ગઈ. પછી તો અંદર જઈને ગોઠવાઈએ ત્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં અને પછી મમ્મી ઊંઘી ગઈ અને થોડો સમય ગોસિપ કરીને હું અને પપ્પા પણ ઊંઘી ગયા.
આપણી ટ્રેનોમાં એસી ડબ્બાઓનાં કાચ ટીલ્ટેડ હોય છે એટલે સવાર પડ્યા પછી પણ સૂરજ કેટલો માથે ચડ્યો એ તો ખબર જ ન પડે અને વહેલી સવારનો નજારો માણવાનું તો ભૂલી જ જાઓ. એક પણ રંગ સરખા દેખાય જ નહીં. બધું જ કથ્થાઈ લાલ! પણ, તેનાંથીયે વધુ ત્રાસદાયક એક વસ્તુ હતી એ અમારી સામે બેઠેલાં કોઈ દૂંદાળા વેપારી. વોલ્યુમ કંટ્રોલ નામની કોઈ વસ્તુ જ નહીં (ગળામાં પણ નહીં અને ગેજેટ્સમાં પણ નહીં) અને ડબ્બો એમનાં બાપનો હોય તેમ એકદમ ઊંચા અવાજમાં તેમણે પોતાની ટેબ્લેટ પર ભજન શરુ કર્યાં. પાછું એમને કંઈ કહી તો શકાય જ નહીં આપણાંથી નહીંતર સામે આપણે લેવાઈ જઈએ . એટલે સહેલામાં સહેલા રસ્તે મેં પપ્પા આગળ બળાપો ઠાલવ્યો અને અમે બંને થોડું હસ્યા. બાકી તેમનો ગોકીરો અમદાવાદ સુધી બંધ ન થયો. અંકલ! ભગવાને હેડ-ફોન્સ તમને જોઈએ એ જોઈએ ત્યારે, અન્યોને નડ્યા વિના, સાંભળી શકો તેનાં માટે જ બનાવ્યા છે તો વાપરો ને! (આ વાંચતા તમામ અંકલ અને આન્ટીઓ માટે જનહિતમાં જારી) અંતે અમે અમદાવાદ પ્લેટફોર્મ પર ઊતર્યા અને પછીની ટ્રેન જ્યાં આવવાની હતી ત્યાં પહોંચીને તેની રાહ જોવા લાગ્યા. લગભગ ચાર કલાક જેટલી રાહ જોવાની હતી. પઠાનકોટવાળી ટ્રેનમાં ચડીને પછી શાંતિ જ રહેવાની હતી એક દિવસ સુધી એટલે અમે ત્રણે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતાં.
સેકન્ડ ટીયર એસીમાં બેસવાનો સૌથી મોટો ફાયદો એ કે, બગીનાં દરવાજા પર ભીડ ન હોય. અમારું કમ્પાર્ટમેન્ટ બરાબર દરવાજેથી અંદર જતાં સૌથી પહેલું જ હતું. એ આખી મુસાફરી મેં મારી સીટ કરતાં દરવાજા પર વધુ કરી છે. સાંજ પડતી જોવાનો અને સાંજ પડી ગયા પછી પણ લગભગ અડધી-પોણી કલાક રહેલું અજવાળું રાજસ્થાનની ધરતી પરથી પસાર થતાં જોવાનું અદભુત હતું. ઉજ્જડ ખુલ્લા મેદાનો પરથી ચોખ્ખી દેખાતી ક્ષિતિજ પર વાદળ વિનાનાં આકાશમાં સૂર્ય બહુ સુંદર રીતે આથમ્યો હતો. પપ્પા એકાદ વખત બહાર આવ્યા હતાં અને બાકી એક અંકલ મારાં સામેનાં દરવાજે આવતા-જતા રહેતાં. પણ, તેઓ નિરુપદ્રવી હતાં એટલે શાંતિમાં ખલેલ ન પડતો. હું આકાશ સાવ કાળું થઇ ગયા પછી અંદર ગઈ. અમારા કમ્પાર્ટમેન્ટમાં રાત સુધી અમારા પરિવાર સિવાય કોઈ નહોતું. પણ, રાત્રે એક રાજસ્થાની પરિવાર એક સ્ટેશનથી ચડ્યો હતો. તેઓ પ્રમાણમાં મોડા ચડ્યા હોવાથી ત્યારે બહુ વાત કરવાનો સમય નહોતો. તેમની સાથે એક નાનું બાળક હતું અને તેમની બંને બર્થ ઉપર હોવાથી અમારી નીચેની એક બર્થ અમે તેમની સાથે બદલી લીધી. પછી તો બધાં ઊંઘી જ ગયા.
વહેલી સવારે બધાં ઊઠ્યા પછી તેમની સાથે વાત થવા લાગી. તેઓ બેંગ્લોર વસેલાં રાજસ્થાની વ્યાપારી પરિવારમાંથી હતાં. એ ભાઈ કંઈ વ્યવસાય કરતાં હતાં અને તેમનાં પત્ની ગૃહિણી હતાં. સાથે દોઢેક વર્ષની એક દિકરી હતી. મારો મુકામ તો જો કે એ આખો દિવસ લગભગ દરવાજા પર જ રહ્યો હતો. એ વહેલી સવારે મેં પંજાબની ટિપીકલ ધુમ્મસી સવારનો લ્હાવો માણ્યો હતો અને પછી તો ખુલ્લા ખેતરોમાંથી ટ્રેન પસાર થતી. ટ્રેનનો રસ્તો બહુ જ સીનિક હતો! હજુ ઠંડીનું જોર હતું એટલે ભરબપોરે પણ તાપ આકરો નહોતો. વચ્ચે એક વખત કોઈ નદી પર ખૂબ ઊંચા પુલ પરથી ટ્રેન પસાર થઇ રહી. ત્યારે તો બંને બાજુનાં હેન્ડલ પકડ્યા હોવા છતાં નીચે જોતાં મારું હૈયું થડકી ગયું હતું. નાના ગામોમાંથી ટ્રેન પસાર થતી ત્યારે ઘણી જગ્યાઓએ તો એમ લાગતું કે, હમણાં હાથ લાંબો કરીએ એટલે પેલાં ઘરને અડકી જવાશે. પંજાબમાં ઘરો પર પાણીની ટાંકીઓ નાના ફૂટબોલ આકારની, બાજ પક્ષીનાં આકારની, નાના ઘર, એરપ્લેન વગેરે વિવિધ આકારોની હતી! એ જોઇને પપ્પા અને મને બહુ ગમ્મત પડેલી. વસ્તીઓમાંથી ગાડી પસાર થતી ત્યારે ઘણાં છોકરા-છોકરીઓને મેં મારી તરફ આંગળી ચીંધીને કૈંક કહેતા જોયા હતાં. અને પછી તેમને ભાન થતું કે હું તેમની સામે જોઉં છું એટલે અમે એકબીજા સામે જોઇને હસતાં. મને હજુ નથી ખબર પડી કે, તેમને શું નવું લાગ્યું હશે. દરવાજા પર સતત ઊભા રહીને થોડો થાક કદાચ લાગ્યો હતો. પણ, જે નજારા જોવા મળ્યા પંજાબની પ્રાકૃતિક સમૃદ્ધિનાં તે અભૂતપૂર્વ છે.તેનાં ફોટોઝ આ શ્રેણીની અંતિમ ફોટો-પોસ્ટમાં મૂકીશ. (‘સિડની’ વખતે કર્યું હતું તેમ. જૂના જોગીઓને યાદ હશે.)
વચ્ચે વચ્ચે જ્યારે એકસરખા જ દ્રશ્યો આવતાં ત્યારે અથવા તો તરસ લાગે ત્યારે હું થોડી વાર અંદર સીટ પર જતી. થોડી વાર અમસ્તી જ બધાં સાથે બેસવા માટે પણ ગયેલી અને પછી કંટાળીને ફરી બહાર. બંને રાત્રે જમ્યા પછી હું મારી સાઈડ સીટનો પડદો પાડીને રીડીંગ લાઈટ ચાલુ કરીને વાંચતી એટલે બીજા કોઈને પ્રકાશને કારણે ખલેલ ન પડે. મેં સાથે ત્રણ બૂક્સ લીધેલી. ‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ’, કનૈયાલાલ મુનશીની ‘પૌરાણિક નાટકો’ અને જાવેદ અખ્તરનો કાવ્યસંગ્રહ ‘લાવા’. તેમાં ટ્રેન-મુસાફરીની મારી સાથી તરીકે મેં ટૂંકી વાર્તાઓ પસંદ કરી હતી. અંતે મોડી બપોરે અમે પઠાનકોટ સ્ટેશન ઊતરીને બહાર નીકળ્યા, ત્યાં અમારા ટેક્સી ડ્રાઈવર ‘રૂમી’ સાથે અમારી મૂલાકાત થઇ અને અમે અમારાં પહેલા મુકામ – ડલ્હૌઝી તરફ પ્રયાણ કર્યું…