બૅન્કઝી

નિબંધ

કોણ છે આ કલાકાર અને કેમ હું ન્યુ ઓર્લીન્સ શ્રેણીમાં તેમનાં વિષે એકદમ અભિભૂત થઈને વાત કરતી રહી હતી?! બૅન્કઝી, તેમનું આર્ટ, તેમની સાથે જોડાયેલી વાતો / વાર્તાઓ બધું એટલું રસપ્રદ છે, મને આશ્ચર્ય એ વાતનું છે કે, આપણાં પ્રખ્યાત લેખકોએ તેમનાં વિષે ઑલરેડી લખી નથી નાંખ્યું! સાથે સાથે એ વાતનો આનંદ પણ છે કે, આ ખજાનો આપણી ભાષામાં ખોલવાનો મોકો મને મળ્યો છે. :)

બૅન્કઝી દુનિયાનાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ-આર્ટિસ્ટ છે. કદાચ આજની તારીખે એકવીસમી સદીનાં સૌથી પ્રખ્યાત અને મહત્ત્વનાં કલાકાર અને તરીકે તેમની ઓળખાણ આપીએ તો તે પણ અતિશયોક્તિ નહીં જ હોય. બૅન્કઝી તેમનું શેરીનું નામ (street name) છે, જેમ લેખકોનાં તખલ્લુસ હોય તેવી રીતે. આ નામથી તેઓ પોતાનું કામ કરે છે પણ, તેમનું સરકારી નામ કોઈને નથી ખબર. તેમનો ચહેરો તેમનાં અંગત વર્તુળ સિવાય કોઈએ નથી જોયો. તેઓ કોણ છે તેનાં વિષે ઘણી ધારણાઓ છે પણ, ચોક્કસપણે ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. તેમની કોઈ એવી ખાસ સિગ્નેચર પણ નથી, જે જોઈને કોઈ પણ આસાનીથી કહી શકે કે, આ બૅન્કઝીનું જ કામ છે. ફક્ત કલાનાં ખરા જાણકાર અને વિવેચકો ઓળખી શકે તેવી તેમની એક આગવી સ્ટાઇલ છે. આમ, તેમનું કામ જ તેમની ઓળખાણ અને સિગ્નેચર પણ છે.

તેઓ 1990થી કાર્યરત હોવાનું માનવામાં આવે છે અને તેમનું આર્ટ દુનિયાની નજરમાં આવેલું છે લગભગ છેલ્લા એક દશકથી. હું માનું છું કે, કળામાં બે બાબતોનું સૌથી મહત્ત્વનું સ્થાન છે – એક છે એ કે, તમે શું કહેવા માંગો છો અને બીજું છે તમે એ વાત કેટલી સારી રીતે કહી શકો છો, તમારાં ક્રાફ્ટ / કારીગરી / ટેક્નિકલ એબિલિટી વડે. આ બેમાંથી એક હોય ત્યારે કલાકાર શ્રેષ્ઠ કહેવાતો હોય છે અને બંને હોય ત્યારે મહાન. બૅન્કઝી પાસે બંને છે. સ્ટ્રીટ આર્ટ આમ પણ વર્ષોથી એક alternative art form (મુખ્ય પ્રવાહથી અલગ દિશામાં ચાલતી કળા) તરીકે, અનેક પ્રકારનાં અન્યાય વિરુદ્ધ સામાન્ય જનતાનાં અવાજ તરીકે વપરાતું આવ્યું છે અને બૅન્કઝી એ માધ્યમને સારામાં સારી રીતે ઉપયોગમાં લે છે. તેમનાં આર્ટમાં સામાન્ય રીતે બે મોટી થીમ્સ જોવા મળે છે – એક છે દુનિયામાં થતાં શોષણ, દમન અને અન્યાય તરફ પોતાનાં આર્ટ વડે લોકોનું ધ્યાન દોરવું, જેનાં માટે તેઓ સૌથી વધુ પ્રખ્યાત છે અને બીજી છે અકલ્પનીય સ્થળોએ અકલ્પનીય વિષયો એ રીતે દોરવાં કે, બહુ ધ્યાનથી જુઓ તો જ એ દેખાય. બાકી ખબર ન પડે કે, અહીં કોઈએ કૈં દોર્યું છે. તેમની આ બીજી થીમ બહુ મજેદાર છે. તેમનો એક ઉંદર બહુ પ્રખ્યાત છે અને બીજો છે તેમનો સિગ્નેચર વાંદરો. દુનિયામાં ઘણી બધી જગ્યાએ તેઓ પોતાનો નાનો ઉંદર મૂકી આવે છે. કોઈ વખત કોઈક દીવાલનાં નીચેનાં ખૂણે, કોઈ વખત ન્યુ યોર્કનાં મૅનહૅટનનાં સતત ટ્રાફિકથી ભરેલા રહેતા એક ચાર રસ્તા પર આવેલી એક મોટી ઘડિયાળ પર!

પેંગ્વિન બુક્સ ઑસ્ટ્રેલિયાએ ‘વૉલ ઍન્ડ પીસ’ નામનું એક પુસ્તક છાપ્યું છે જેનાં લેખક બૅન્કઝી પોતે છે. તેમાં તેમણે કહ્યું છે કે, નાના હતા ત્યારે તેઓ પોતાનું કામ એક બેઠકમાં પૂરું ન કરી શકતા અને બહુ સમય લાગે તો પોલિસ દ્વારા પકડાવાનો ભય રહેતો (ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવવા મોટાં ભાગનાં દેશોમાં દશકોથી ગેરકાનૂની છે) એટલે તેમણે પોતાનાં આર્ટનાં સ્ટેન્સિલ બનાવીને તેને ઠેર ઠેર ચોંટાડવાનું શરુ કર્યું. સ્ટેન્સિલ એટલે એક પ્રકારનું સ્ટિકર. બૅન્કઝીને જે કૈં, જેવું, અને જેટલું દોરવું છે એ તેઓ એક ખાસ પ્રકારનાં મટીરિયલ પર બનાવી લે. બૅન્કઝી (અને દુનિયાનાં ઘણાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ) આવાં સ્ટેન્સિલ્સ સામાન્ય રીતે ‘એસિટેટ શીટ’ પર બનાવે છે. એસિટેટ શીટ એક પ્રકારનું પ્લાસ્ટિક છે. આ શીટ લાંબાં સમય સુધી ફાટતી નથી અને તેને ભેજ પણ નથી લાગતો. આમ, કોઈ પણ પીસ બનાવવાનું તમામ કામ તેઓ પોતાનાં વર્કશોપમાં, ખાનગી રીતે કરે અને તેમને યોગ્ય લાગે ત્યારે આ આર્ટ-વર્કને જે-તે જગ્યાએ દીવાલ પર ચોંટાડી દે. આ રીતે નિયત સ્થળે, ખુલ્લામાં વધુ સમય રોકાવું ન પડે અને ચોંટાડવા જેટલો સમય જ જે-તે સ્થળ પર આપવાનો રહે અને પકડવાની શક્યતા ઓછી રહે! આ જ તથ્યમાં બૅન્કઝીની ગોપનીયતાનું કારણ પણ સમાયેલું છે. જેને જાણતા ન હો તેને જેલમાં કઈ રીતે નાખો!

બૅન્કઝીનાં કામની બીજી એક વિશેષતા (કે કરુણતા) એ છે કે, તે લાંબો સમય ટકતું નથી. સ્ટ્રીટ આર્ટની દુનિયામાં defacing બહુ થતું રહે છે. ડીફેસિંગ એટલે કોઈ કલાકારનાં કામ પર અન્ય કલાકાર પોતાની ગ્રફિટી કે પોતાનું મ્યુરલ બનાવીને મૂળ કામને ઢાંકી દે તે ઘટના. બૅન્કઝીનાં કામ પર આવું ડીફેસિંગ બહુ થાય છે અને ડીફેસિંગ ન થાય તો એ આર્ટ સીધું ચોરાઈ જાય! ચોરાય પણ કેવી કેવી રીતે! અમેરિકનાં ન્યુ ઓર્લીન્સ શહેરમાંમાં બૅન્કઝીનાં જે ત્રણ મ્યુરલ બચ્યાં છે, તેમાંથી એક જે દીવાલ પર બનાવવામાં આવ્યું છે તે દીવાલનો એક આખો કટકો તોડીને ચોરી જવાનો પ્રયત્ન થયેલો! આ તો ભલું થાઓ એ મ્યુરલની સામે આવેલી દુકાનનાં કર્મચારીનું, જેને કઈંક ખોટું થઇ રહ્યું હોવાની આશંકા લાગી અને તેણે પોલીસને ફોન કર્યો, જેનાં કારણે એ દીવાલ તથા બૅન્કઝીનું એ મ્યુરલ બચી ગયાં અને ચોરની ધરપકડ થઇ.

આ ઘટના વિષે વાંચીને સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે, એવું શું છે બૅન્કઝીનાં આર્ટમાં કે, લોકો તેની ચોરી કરવા માટે આટલી બધી મહેનત કરે? ટૂંકો અને સરળ જવાબ છે, પૈસા – બૅન્કઝી આર્ટની દુનિયામાં એટલો પ્રખ્યાત થઇ ચુક્યો છે કે, એ બે લીટા કરીને વેંચવા મૂકે તોયે લાખોમાં વેંચાય! પણ, લાંબો અને રસપ્રદ જવાબ જોઈતો હોય તો આગળ વાંચો. 2002માં બૅન્કઝીએ ‘ગર્લ વિથ આ બલૂન’ નામની એક સિરીઝ શરુ કરી હતી. આ પીસનો વિષય છે આઠ-દસ વર્ષની એક બાળકી અને દિલનાં આકારનો એક ફુગ્ગો. છોકરીએ ફુગ્ગો પકડવા માટે હાથ લંબાવ્યો છે અને ફુગ્ગો તેનાં હાથની પકડથી દૂર, છોકરીથી દૂર જતો, હવામાં ઉડતો દેખાય છે. એકદમ સરળ, દરેકને સમજાય અને દરેકે ક્યારેક તો અનુભવી જ હોય તેવી આ લાગણી છે. હૃદયનું, નરમાશનું હાથમાંથી છટકી જવું. ઊંચી કક્ષાની સુંદર કવિતાની જેમ દરેક વ્યક્તિ માટે આ આર્ટનો અલગ અલગ મતલબ પણ છે. છોકરી હૃદય સાથે રમી રહી છે? તેનાં હાથમાં ક્યારેય હૃદય આવ્યું જ નથી અને તોયે તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે? હૃદય તેનાં હાથમાં જ હતું અને અચાનક હવાને કારણે છટકી ગયું છે? બૅન્કઝીએ આ આર્ટનો ઉપયોગ પણ ખૂબ ચતુરતાથી કર્યો છે.

2002માં યુનાઇટેડ કિંગ્ડમનાં અલગ અલગ ભાગોમાં આ આર્ટવર્ક દેખાયું. પછી 2005માં પેલેસ્ટાઇનમાં ‘વેસ્ટ-બૅન્ક બેરીયર’ ઊભું કરવામાં આવ્યું તેનાં વિરોધમાં, 2014માં સીરિયાનાં રેફ્યુજી ક્રાઈસિસ વખતે અને 2017નાં યુકેનાં ઇલેક્શનમાં પણ આ આર્ટનો ઉપયોગ કરીને બૅન્કઝીએ આ જટિલ વિષયો પર પોતાની પોલિટિકલ કોમેન્ટરી કરી. આ સંદર્ભે તેનો ઉપયોગ થયા પછી આ મ્યુરલ પ્રેમ અને નરમાશનાં હાથમાંથી છટકી જવાનું પ્રતીક બની ગયું, પીડાનું અને પીડિતોનું પ્રતીક બની ગયું. અને પછી 2018માં સોથબી નામની એક કંપનીએ આ શ્રેણીનાં એક સ્ટેન્સિલને વેંચવાનો પ્રયત્ન કર્યો!

હરાજીમાં 1.4 મિલિયન પાઉન્ડ / 14 લાખ પાઉન્ડમાં આ પીસ વેંચાયો. હરાજી પુરી થઈને પીસ વેંચાઈ ગયા પછી એ પેઇન્ટિંગની ફ્રેમમાંથી એક અલાર્મ સંભળાયો અને ફ્રેમની અંદર છૂપાયેલું એક શ્રેડર પેઇન્ટિંગને ફાડવા લાગ્યું. ખરીદદારનાં સદ્નસીબે પેઇન્ટિંગ આખું ન ચિરાયું અને એક સમયે શ્રેડર અટકી ગયું. આ ઘટનાની સ્વાભાવિક રીતે જ મીડિયામાં બહુ ચર્ચા થઇ અને અડધાં ચિરાયેલાં એ બેન્કઝી ઓરિજિનલની કિંમત રાતોરાત 50% વધીને 20 લાખ પાઉન્ડ થઇ ગઈ!

કહેવાની જરૂર ખરી કે, આ કામ બૅન્કઝીએ પોતે કર્યું હતું? પોતે કર્યું હોવાની સાબિતી આપતો એક વિડીયો પાછળથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો અને તેની નીચે લખ્યું “A few years ago, I secretly built a shredder into a painting… in case it was ever put up for auction.”. થોડાં સમય પછી પોતાની રમૂજી સ્ટાઇલમાં બીજો પણ એક વીડિયો મૂક્યો અને નીચે લખ્યું “In rehearsals it worked every time…”. તેમનું તાત્પર્ય હતું આખાં પેઇન્ટિંગનાં લીરે લીરાં કરી નાંખવાનું પણ, પ્રેઝન્ટેશનનાં દિવસે જ લાઈવ ડેમો ન ચાલે તેવું કૈંક તેમનાં શ્રેડર સાથે થયું. લોકો માને છે કે, આ ઘટના બની ત્યારે બૅન્કઝી પોતે ઓડિયન્સમાં બેઠા હતા અને આ આખી ઘટનાનો વીડિયો લઇ રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ ઘટના વિષે એક વીડિયો પણ બનાવ્યો!

સ્વાભાવિક રીતે જ બૅન્કઝીને આટલી ખ્યાતિ મળ્યા પછી તેમનાં નામે પૈસા કમાવા માટે પણ ઘણા ‘કલાકારો’ બજારમાં આવી જવાનાં અને સોથબી જેવા ઓક્શન-હાઉઝને પોતાની પાસે બૅન્કઝીનું ઓરિજિનલ કામ હોવાનું કહીને તેમની પાસેથી તગડી રકમ વસૂલવાનો પ્રયત્ન કરવાનાં. પણ, બૅન્કઝીએ એ રોકવાની વ્યવસ્થા પણ કરી રાખેલી છે. પેસ્ટ કંટ્રોલ નામની એક વેબસાઇટ તેઓ (કે તેમનાં ચાહકો) ચલાવે છે જે બૅન્કઝીનાં કામની ખરાઈ સાબિત કરતું એકમાત્ર ઓર્ગનાઇઝેશન છે. તમે તેમને તમારી પાસે આવેલાં આર્ટ વિષે માહિતી મોકલો એટલે તેઓ તમને એ પીસ ખરેખર બૅન્કઝીએ બનાવેલો છે કે નહીં તે ચકાસી આપે. તેમની પાસે બૅન્કઝીનાં વિવિધ આર્ટનાં માલિકોનાં નામનો એક ડેટાબેઝ પણ છે. જો તમે ચકાસવા આપેલો પીસ ખરેખર બૅન્કઝી ઓરિજિનલ હોય તો તેઓ અમુક રકમ લઈને તમને સાબિત કરી આપે અને પોતાનાં ડેટાબેઝમાં એ પીસનાં નવાં માલિક તરીકે તમારું નામ નોંધાઈ જાય. જો ઓરિજિનલ ન હોય તો તમારે તેમને કોઈ પૈસા ન આપવા પડે.

જેમ બૅન્કઝીનાં આર્ટનાં ચોર અસ્તિત્ત્વ ધરાવે છે એ રીતે બૅન્કઝીનાં જાહેર,ફ્રીઆર્ટને જાહેર અને ફ્રી રાખવા માટે સતત મથતા રહેતા ઉદાર લોકો પણ છે. આવાં ત્રણ પીસ વિના મૂલ્યે હું ન્યુ ઓર્લીન્સમાં જોઈ શકી, જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી! આ ત્રણેની સાચવણી જૂદા જૂદા લોકો સ્વખર્ચે, પોતાનો ઘણો બધો સમય આપીને કરે છે. તેમાંનું જે સૌથી પ્રખ્યાત છે – જેમાં એક છોકરી એક છત્રી પકડીને ઊભી હોવા છતાં વરસાદ તેને ભીંજવી નાખે છે, તેનાં ક્યુરેટર સાથે હું સોશિયલ મીડિયાનાં પ્રતાપે કનેક્ટ થઇ શકી. તેમનું નામ છે જેસી ઝૂફ્લે અને આ પીસની જાળવણી પાછળ તેઓ કેટલી મજૂરી કરે છે તે તમે આ આલ્બમમાં જોઈ શકો છો.

અને આ બધાં દેકારા વચ્ચે પણ આ બધાં દેકારાથી અલિપ્ત રહીને બૅન્કઝી સતત પોતાનું કામ કર્યે જાય છે. તેમનાં સારામાં સારા પીસ ઘણી વખત ચોવીસ કલાક પણ ટકતાં નથી પણ, બૅન્કઝી તેમને જાહેરમાં મૂકીને તરત ઇન્સ્ટાગ્રામ પર એ આર્ટવર્કનો ફોટો મૂકી દે છે જેથી આપણાં જેવા ગરીબો ઓછામાં ઓછું તેનો ફોટો માણી શકે.

આ ઉપરાંત તેમનાં માનવતાવાદી કામ પણ સતત ચાલુ રહે છે. ઑગસ્ટ 2020માં તેમણે આફ્રિકન રેફ્યુજીઓ માટે એક બોટ ફાઇનાન્સ કરી હતી જેનાં દ્વારા તેઓ યુરોપ પહોંચી શકે અને જીવી શકે. આ બોટ પર ફરીથી તેમની ‘girl with baloon’ જોવા મળી હતી, આ વખતે રૂપ બદલીને. છોકરીએ લાઈફ-વેસ્ટ પહેર્યું છે અને દિલનાં આકારનો ફુગ્ગો દિલ આકારની લાઈફ-બોટ બની ગયો છે. :)

તેમનાં વિષે વધુ જાણવા માંગતા હો તો તમે એક્ઝિટ થ્રુ ધ ગિફ્ટ શૉપ નામની એક ડૉક્યુમેન્ટરી પણ જોઈ શકો છો. 2010માં બનેલી આ ડૉક્યુમેન્ટરી છે થોડી વિચિત્ર પણ, તેમાં ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવતાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ વિષે, તેમની કામ કરવાની પદ્ધતિ વિષે માહિતીનો ખજાનો છે.

મજૂર

નિબંધ

क्‍या आपने कभी शहतूत देखा है,
जहाँ गिरता है, उतनी ज़मीन पर
उसके लाल रस का धब्‍बा पड़ जाता है।

गिरने से ज़्यादा
पीड़ादायी कुछ नहीं।

मैंने कितने मज़दूरों को देखा है
इमारतों से गिरते हुए,
गिरकर
शहतूत बन जाते हुए।

~ सबीर हका (ईरान के मज़दूर कवि)
अनुवादक: गीत चतुर्वेदी


કોરોના આવ્યું છે ત્યારથી નીરવની ભાષામાં કહીએ તો રખડવાવાળા રઝડી પડ્યા છે. એપ્રિલ-મેમાં આપણે રોજ છાપામાં વાંચતા, ટીવીમાં જોતા દેશનાં મજૂરોની હાલત. કોઈ દીકરી પોતાનાં પિતાને સાઇકલ પર છેક દિલ્હીથી બિહાર લઇ જતી, કોઈ માતા રેલવે સ્ટેશન પર ભૂખની મારી ગુજરી ગઈ અને આ તો બે મોટી, એક્સ્ટ્રીમ ઘટનાઓ છે એટલે છાપે ચડી છે, લોકોનાં મોઢે ચડી છે. બાકીનાંની રોજેરોજની નાની-મોટી મુશ્કેલીઓ અને તાણ તો જૂદાં. પાછાં નજર સામે રોજેરોજ એ જ સવાલો – હવે શું થશે? ક્યાં જશું? શું ખાશું?

કહે છે કે, કર્મભૂમિ બિલકુલ અલગ હોવા છતાં મજૂરો પોતાનાં ગામ, જમીન, સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. એવું જ માનસિક મજૂરોનું પણ છે. માનસિક મજૂરો કોણ? વિદેશી મજૂરો. ભારતનો એ મધ્યમવર્ગ જે, સારું’ જીવન જીવવા માટે, પરિવારને એવું જીવન આપી શકવા માટે અને બીજાં અનેક કારણોસર દેશની બહાર કામ કરે છે અને રહે છે. આપણાં મહાનગરોની જેમ, અન્ય દેશોને પણ જરૂર છે કૌશલ્યની, કસબની. કર્મભૂમિઓમાં ફક્ત કસબ માટે જ સ્થાન હોય છે, કસબીનાં ઘરડા માતા-પિતા માટે નહીં. વર્ષમાં બેથી ત્રણ અઠવાડિયા મળે પરિવાર પાસે જવાનાં અને સક્ષમ હોય એ મા-બાપને અમુક મહિના બોલાવી શકતા હોય તો ભલે બોલાવે. મા-બાપ સિવાયનાં વ્હાલા સંબંધીઓ ગુજરે અને રજા ન મળે તો કામ છૂટી જવાની અને આવક બંધ થઇ જવાની બીકે કાણમાં પણ જઈ શકાતું નથી હોતું. નિમ્ન અને મધ્યમ વર્ગનાં જે યુવાનીમાં ગયા હોય એ આધેડ વય સુધી ઘર બનાવી શકે, સંબંધીઓને પોતાની સાથે રાખી શકે તેટલા સક્ષમ થઈ પણ નથી શકતા. એ અસક્ષમતા સાથે જોડાયેલી હીનભાવના પણ છોડતી નથી કારણ કે, સોમાંથી બે, જે કર્મબળે, નસીબજોગે સક્ષમ થઇ જાય છે, એમની સતત સામે આવતી દંતકથાઓનાં ભાર નીચે જીવન રોજ દબાતું રહે છે.

તેવામાં આવી મહામારી આવે, કે પછી આંગળીનાં વેઢે ગણાય તેટલા લોકોનાં લોભને કારણે લાખો લોકોએ ભોગવવા પડતી ઇકોનોમિક તબાહી આવે, ત્યારે તો મજૂરો માટે એક સાંધો ત્યાં તેર તૂટતા હોય છે. 2008માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ તથા તેમની સાથે રાજકીય રીતે જોડાયેલાં દેશોની હાલત કફોડી થઇ હતી. ત્યાંનાં સામાન્ય કક્ષાનાં, મારા, તમારા જેવા લાખો લોકોએ પરસેવો પાડીને બચાવેલાં, પૅન્શન ફંડ્સમાં રોકેલાં, પૈસા અચાનક હવામાં ગાયબ થઇ ગયેલાં. ધંધાદારીઓએ કર્મચારીઓને જતા કરવા કરવા પડી ગયેલા, જીવનજરૂરી ચીજો સિવાયનું માર્કેટ ઠપ્પ થઇ ગયેલું અને આવા સમયે પણ નવા નવા વિદેશી મજૂરો આ દેશોમાં જઈને નોકરીઓ શોધતા હતા. રોજ, મહિનાઓ સુધી, અહીં પ્રયત્ન, ત્યાં ઍપ્લિકેશન. અઠવાડિયું ઘરમાં લોટ અને બ્રેડનાં અડધાં પૅક સિવાય ખાવાનો કૈં સામાન ન હોય અને ક્યારે બધું ભેગું થઇ રહેશે એ ખબર ન હોય તો પણ માનસિક મજૂરો ઘરે પાછા ન ફરી શકે. મિડલ કલાસ મા-બાપે રિટાયરમેન્ટ ફંડ તોડીને, જીવનભર ભેગી કરેલી મૂડી પર બૅન્કની લોન લઈને જેમ તેમ બે-પાંચ હજાર ડૉલર ભેગા કરીને મોકલ્યા હોય, એ મજૂરો પાસે વિદેશમાં પડ્યા રહીને, ગમે તેમ કરીને જીવનનિર્વાહ કરવા અને ઓછામાં ઓછું મા-બાપને કર્જમાંથી મુક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો.

અને કર્જમાંથી મુક્ત થઇ ગયા પછીયે શું? પછી પણ સાવ મુક્તિ મળી ગઈ તેવું તો હોતું નથી. તેટલાં સમયમાં દેશ સાથેનો નાતો ધીમે ધીમે તૂટવા લાગ્યો હોય છે. ભાષા સાથેનો સંબંધ પણ એકાદ દશકામાં તો તૂટવા લાગે છે. પોતાની ભાષા ભૂલાતી જાય છે અને કર્મભૂમિની ભાષા યાદ રહે તો પણ પોતાની નથી થતી. સામાજિક ઘડામાં તિરાડ પડવા લાગી હોય છે. વતન પાછા ફરવું પણ હોય તોયે પછી તિરાડવાળા ઘડામાં જીવન, નિર્વાહ બધું કેમ સામાડવાં તેની સુધ રહેતી નથી. કર્મભૂમિમાં મળેલ જીવનસાથી, બાળકો સાથે વતન પાછા ફરવું શક્ય નથી હોતું અને તનતોડ પ્રયત્ન કરવો પડતો હોય છે કર્મભૂમિમાં જીવનભર રહી શકવા માટે.

જ્યાં પરસેવો પાડીને યુવાનીનો અમૂલ્ય સમય વિતાવ્યો ત્યાં આયખું નીકળી શકશે તેની કોઈ ગૅરેંટી હોતી નથી.ક્યારેક ફક્ત એટલાં સમય માટે જ ત્યાં રહી શકાય છે, જેટલો સમય તમે કામ કરીને એ દેશને અને એ દેશનાં ધંધાર્થીઓને સમૃદ્ધ બનાવી શકો. ત્યાં દશકાઓ સુધી કામ કર્યા પછી પણ અર્થવ્યવસ્થા ગબડે ‘ને કામ મળવાનું બંધ થઇ જાય તો પણ બે-ત્રણ મહિના પગ વાળીને શાંતિથી બેસવા મળતું નથી. પાંચ પૈસા ખર્ચીને એ ગામમાં રહેવા માટે વધુ સમય ખરીદી શકતા હોય તો ઠીક, બાકી નસીબ. આવામાં દેશનાં મજૂર જઈ શકે તો ભલે પગપાળા પાછા ચાલ્યા જાય પોતાની માતૃભૂમિ, પોતાનાં પરિવાર પાસે અને વિદેશનાંને તેમની જન્મભૂમિ પાછા લે તો ભલે લે, બાકી એ જાણે.

દેશનો મજૂર જો પૈસા અને સમય ભેગા કરીને પોતાનો સ્વતંત્ર ધંધો શરુ કરવા ઈચ્છે તો એ કરી શકતો હોય છે, જન્મભૂમિમાં પણ અને કર્મભૂમિમાં પણ. વિદેશી મજૂર જો ફક્ત ‘વર્ક વીઝા’ પર હોય તો એ પણ શક્ય નથી હોતું. પછી મજૂરી ફરજીયાત બની જાય છે અને જીવન નીકળી જાય છે મજૂરમાંથી મોટો મજૂર અને મજૂરોનાં મૅનેજર બનવામાં. પોતાનીબુદ્ધિથી, અથાગ પ્રયત્ને જો કોઈ મજૂર માલિક બની પણ જાય પછીયે નથી એ રહેતો મજૂરવર્ગનો કે, નથી તેનો માલિકવર્ગમાં સમાવેશ થતો. માલિકી એ જ કરી શકે છે જે માલિક જન્મ્યો હોય. માલિક બન્યા હોય એ તો જીવનભર મજૂર જ રહેતા હોય છે.

આટ-આટલી ગધામજૂરી કરીને હંમેશા વિદેશમાં કે પર-પ્રાંતમાં કામ સાથે હંમેશા માટે રહેવાની સુવિધા કદાચ થઇ પણ જાય તો પણ છેલ્લે બાળકોને માતૃભૂમિનાં નામે મહેણાં સાંભળવા પડે – પાકી, ચિનકી, બિહારી, ભૈયા!

દેશનાં મજૂરો ગરીબાઈ અને ભૂખમારીમાં મરે છે અને વિદેશનાં મજૂરો રંગભેદથી, હિજરાઈને મરે છે.


The children in my dreams speak in Gujarati
turn their trusting faces to the sun
say to me
care for us nurture us

in my dreams I shudder and I run.

I am six
in a playground of white children
Darkie, sing us an Indian song!

Eight
in a roomful of elders
all mock my broken Gujarati
English girl!

Twelve, I tunnel into books
forge an armor of English words.

Eighteen, shaved head
combat boots –
shamed by masis
in white saris
neon judgments
singe my western head.

Mother tongue
Matrubhasha
Tongue of the mother
I murder in myself

~ Shailaja Patel
An excerpt from ‘Migritude’

ના, દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર નથી

નિબંધ

વર્ષ 2012માં મેં એક લેખ વાંચ્યો હતો જેનું ટાઇટલ હતું – ‘No, you are not entitled to your opinion‘ . આ લેખની લિન્ક મેં 2013માં લખેલાં એક નિબંધનાં રેફરન્સમાં શેર પણ કરી હતી અને તેનો અનુવાદ કરવાની ઈચ્છા પણ જાહેર કરી હતી. એ લખાયાનાં 7 વર્ષ પછી વૉટ્સઍપ ફૉર્વર્ડસ, ફેક ન્યૂઝ વગેરેનાં કારણે આપણી દુનિયા, આપણી ચર્ચાઓ, બધું જ એટલું બધું બદલાઈ ગયું છે કે, આ નિબંધ જાણે કોઈએ ગઈ કાલે જ છાપ્યો હોય તેટલો સુસંગત છે અને દરેકે વાંચવા જેવો પણ. વધુમાં વધુ લોકો આ વાંચી શકે એ માટે તેનો ગુજરાતીમાં અનુવાદ કરીને અહીં મુકવાનો આ નાનકડો પ્રયાસ છે.


દર વર્ષે હું મારા વિદ્યાર્થીઓ માટે બે વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરું છું. તેમાંનું પહેલું એ કે, હું તેમને “ફિલોસોફર્સ” કહીને સંબોધું છું – મને ખબર છે કે, આમ કરવું થોડું ચાંપલું છે પણ હું એ આશાથી તેમને આ રીતે સંબોધું છું કે, આમ કરવાથી તેઓ અભ્યાસમાં સક્રિયપણે રસ લઇ શકે.

બીજું, હું તેમને કંઇક આવું કહું છું – “હું માનું છું કે, તમે બધાંએ એવું સાંભળ્યું હશે કે, ‘દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે’. કદાચ તમે પોતે પણ ક્યારેક આમ બોલ્યા હશો. કદાચ કોઈ દલીલને આગળ વધતી રોકવા માટે કે માટે તમે આમ કહ્યું હશે. પણ, આ ક્લાસમાં દાખલ થતાવેંત આ વિધાન સત્ય ન માનવું. કોઈ પણ મંતવ્ય ધરાવવા પર તમારો અધિકાર નથી, ફક્ત કોઈ પણ તરફની દલીલ રજૂ કરવા પર જ તમારો અધિકાર છે.”

થોડું વધારે પડતું લાગે છે? કદાચ સામાન્ય વ્યવહારમાં તેવું છે પણ ખરું. પણ, તત્ત્વજ્ઞાન(Philosophy)નાં શિક્ષકોની એ ફરજ છે કે, એ પોતાનાં વિદ્યાર્થીઓને વ્યવસ્થિત દલીલ બનાવતા, એ દલીલનાં સમર્થનમાં તર્ક રજુ કરતા શીખવે અને સાથે તેમને એ પણ પારખતા શીખવે કે, ક્યારે કોઈ માન્યતા અસમર્થનીય બની ગઈ છે અને તેનો કોઈ વ્યવસ્થિત બચાવ રહ્યો નથી માટે એ બચાવ કરવા યોગ્ય નથી રહી.

“દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે” આ તર્કની સૌથી મોટી તકલીફ એ છે કે, મોટા ભાગે તેનો ઉપયોગ એવી માન્યતાઓને સંઘરી રાખવામાં થાય છે જે બિલકુલ ત્યજવા યોગ્ય હોય છે. “હું જે ઇચ્છું તે બોલી અને વિચારી શકું છું” તેવી ભાવનાનું એ સમાનાર્થી બની જતું હોય છે અને આવી ભાવનાથી દલીલો કર્યે રાખવી અસભ્ય છે. આવી માનસિકતા ધીમે ધીમે કોઈ પણ વિષયનાં વિશેષજ્ઞ અને તેનાં પર વિવાદ કરતી કોઈ સામાન્ય વ્યક્તિને સમાન દરજ્જો આપવા લાગે છે જે, બિલકુલ અયોગ્ય છે અને એ આપણી જાહેર ચર્ચાઓનો હાનિકારક ભાગ બનતું જાય છે.

પહેલા તો, ‘અભિપ્રાય’ શું છે?

પ્લૅટોએ અભિપ્રાય, સામાન્ય લોક-માન્યતા, અને ચોક્કસ જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો અને આજે પણ એ તફાવત સાંપ્રત છે. “1 + 1 = 2″ની સાપેક્ષ “ચોરસ વર્તુળ અસ્તિત્ત્વ નથી ઘરાવતાં” એ એક એવો અભિપ્રાય છે જેમાં વ્યક્તિગત સમજણ પ્રમાણે ભેદ હોઈ શકે અને તેથી તેમાં અનિશ્ચિતતા છે. પણ, “અભિપ્રાય”નાં દાયરામાં વ્યક્તિગત પસંદ કે રુચિ, જનસામાન્યને અસર કરતાં વિષયો જેવાં કે, સલામતી, રાજકારણ અને ટેક્નિકલ કુશળતાને લાગતાં વિષયો જેવાં કે, કાયદાકીય કે વૈજ્ઞાનિક મંતવ્ય સુધીનાં તમામનો સમાવેશ થાય છે.

અહીં પહેલા પ્રકારનાં મત વિષે આપણે દલીલ ન જ કરી શકીએ. હું જો આગ્રહપૂર્વક એવું કહ્યા કરું કે, સ્ટ્રૉબેરી આઈસક્રીમ ચૉકલેટ કરતાં વધુ સારો છે તો હું મૂર્ખ સાબિત થાઉં. પણ, તકલીફ ત્યાં છે કે, આપણે ઘણી વખત બીજા અને ત્રીજા પ્રકારનાં ઉદાહરણોમાં દર્શાવેલાં અભિપ્રાયોને પણ એ જ રીતે દલીલનાં ક્ષેત્રની બહાર ઠેરવી દઈ છીએ જે રીતે વ્યક્તિગત પસંદગીની બાબતો (જેમ કે, ચૉકલેટ vs. સ્ટ્રૉબેરી આઇસક્રીમ) હોય છે. કદાચ આ પણ ઘણાં બધાં કારણોમાંનું એક છે કે, ઉત્સાહી નવાં નિશાળીયાઓ એવું વિચારવા લાગે છે કે, ‘ક્લાયમેટ ચેન્જ’ અને ‘રોગપ્રતિકારક શક્તિ’ જેવાં વિષયોનાં નિષ્ણાત તેવા વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સાથે અસહમત થવાનો તેમને અધિકાર છે અને તેમનાં અભિપ્રાયનો આદર પણ થવો જોઈએ.

મેરિલ ડોરી ‘ઑસ્ટ્રેલિયન વૅક્સિનેશન (રસીકરણ) નેટવર્ક’ની અધિપતિ છે જે, તેનાં નામથી તદ્દન વિરુદ્ધ, આ સંસ્થા જોરશોરથી રસીકરણ-વિરોધનું કામ કરે છે. મિસ ડોરી પાસે કોઈ પણ પ્રકારની તબીબી લાયકાત ન હોવા છતાં તે દલીલ કરે છે કે, જો બોબ બ્રાઉન વૈજ્ઞાનિક ન હોવા છતાં ‘ન્યુક્લિયર પાવર’નાં વિષય પાર ટિપ્પણી કરી શકે, તો રસીનાં વિષય પાર પોતાનો મત આપવાની છૂટ તેને પણ હોવી જોઈએ. ખરેખર તો બોબ બ્રાઉન જ્યારે એ વિષય પર કૈં બોલે ત્યારે કોઈ તેમને પરમાણુ વિજ્ઞાનનાં નિષ્ણાત તરીકે નથી સાંભળતું; બ્રાઉન એ વિજ્ઞાનને લગતી સરકારી નીતિઓ પર ટિપ્પણી કરવાનું કામ કરે છે, નહીં કે, એ વિજ્ઞાન પરની ટિપ્પણીઓ.

તો પોતાનો મત ધરાવવાનાં ‘અધિકાર’નો શું મતલબ છે?

જો “દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે” એ વિધાનનો અર્થ ફક્ત એટલો જ હોય કે, કોઈને મન ફાવે તેમ વિચારતા કે બોલતા રોકવાનો અધિકાર બીજા કોઈને નથી, તો એ સાચું છે. કોઈ તમને એમ કહેતા રોકી ન શકે કે રસીનાં કારણે ‘ઑટિઝમ’ નામની માનસિક બિમારી થાય છે, ભલે પછી ગમે તેટલી વખત એ દાવો ખોટો પૂરવાર થયો હોય. પણ, જો તમારા એ વિધાનનો અર્થ એવો થતો હોય કે, ‘દરેકને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે અને તેમનો મત સત્યની ખૂબ નજીક છે એ પણ બધાએ ગંભીરપણે માનવું જ જોઈએ’ તો એ વિચારસરણી દેખીતી રીતે ખોટી જ છે. અને આ બંને અભિગમ વચ્ચેની ભેદરેખા પણ ઘણી વખત અસ્પષ્ટ હોય છે.

સોમવારે ABC નેટવર્કનાં મીડિયાવૉચ પ્રોગ્રામે ‘વિન-ટીવી વુલોન્ગોન્ગ’ની ઝાટકણી કાઢી હતી કારણ કે, ‘વિન-ટીવી’એ અછબડાંનાં કેર પર એક ખબર ચલાવી હતી જેમાં, આપણે હમણાં જ જેનું ઉદાહરણ વાંચ્યું એ – મેરિલ ડોરીની ટિપ્પણી લેવામાં આવી હતી. એ વિષે એક દર્શકે ફરિયાદ કરી તો તેનો જવાબ ‘વિન ટીવી’એ એવો આપ્યો હતો કે, તેમણે ચલાવેલી ન્યૂઝ સ્ટોરી “સચોટ, સંતુલિત અને ન્યાયી હતી અને તેમાં તબીબો અને ચોક્કસ જૂથોનાં મંતવ્ય લેવામાં આવ્યાં હતાં.” પણ, આનો મતલબ તો એવો થયો ને કે, બંનેમાંથી ફક્ત એક જ જૂથ આ વિષયનું નિષ્ણાત હોવા છતાં બંને જૂથોનાં મંતવ્યો સમાન ગંભીરતાથી લેવામાં આવે. અહીં પણ જો મુદ્દો આ વિજ્ઞાનને લગતી સરકારી નીતિઓનો હોત તો આ વસ્તુ વ્યાજબી હોત. પણ, આ નામની “ડિબેટ” આ વિષયને લાગતાં વિજ્ઞાન પર હતી અને તેમાં “ચોક્કસ જૂથો” જે વૈજ્ઞાનિક નથી, અને જેમની અસહમતિ આ વિજ્ઞાન પ્રત્યે હોય તેમને એર-ટાઈમ આપવો યોગ્ય નથી જ.

મીડિયાવૉચનાં સંવાદદાતા જોનાથન હોમ્સે એક ઘા ‘ને બે કટકાં કરતા વિન-ટીવીને કહ્યું હતું – “એક તરફ સાબિતી છે, અને બીજી તરફ બકવાસ છે” અને પત્રકારનું એ કામ નથી કે, તે બકવાસ અને ખરી કુશળતાને સમાન સમય આપે.

આ બાબતે રસીકરણ-વિરોધીઓનો પ્રતિભાવ ધાર્યા પ્રમાણેનો જ હતો. મીડિયાવૉચ વેબસાઈટ પર મિસ ડોરીએ ABC પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે, તેઓ “જાહેરપણે વૈજ્ઞાનિક દલીલમાં સેન્સરશિપને પ્રોત્સાહન આપી રહ્યા છે.” આ પ્રતિભાવમાં તેમની અણસમજ દ્રશ્યમાન છે જેમાં, પોતાનો મત ગંભીરતાથી ન લેવાયો તેનો અર્થ એવો કરવામાં આવ્યો કે, જાણે કોઈ પણ મત ધરાવવા પર અને એ વિષે કૈં બોલવા પર જ પ્રતિબંધ હોય – એન્ડ્રૂ બ્રાઉનનાં શબ્દોમાં “દલીલ હારવાને અને દલીલ કરવાનો અધિકાર હારવા સાથે કન્ફ્યુઝ કરવામાં આવી રહ્યું છે.” અહીં પણ આ બંને અધિકારો વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

હવે પછી જો કોઈને તમે એમ કહેતા સાંભળો કે, દરેકને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે તો, તેમને પૂછજો કે, તે આવું કયા કારણથી માને છે? પૂરી શક્યતા છે કે, બીજું કૈં નહીં તો ઓછામાં ઓછો એ સંવાદ તો વધુ રસપ્રદ હશે જ.


આ લેખ લખાયા પછીનાં વર્ષોમાં આપણે જોયું છે કે, સમાચાર, સમાચારનાં પ્રોગ્રામ્સમાં દર્શાવાતાં મંતવ્યો, વૉટ્સઍપ, ફેસબુક વગેરે પર ચાલતાં મંતવ્યો વગેરેમાં જાણે ગુણવત્તાનાં માપદંડ રહ્યાં જ નથી! નિષ્ણાત અને સામાન્ય વ્યક્તિનાં મંતવ્યોને સમાન દરજ્જો આપવામાં આવી રહ્યો છે એ તો છે જ. પણ, એ સાથે આપણી મોટી મુશ્કેલી એ પણ છે કે, સામાન્ય લોકોની આસામાન્ય બકવાસને નિષ્ણાતનો અભિપ્રાય ગણાવીને વાયરલ કરવામાં આવે છે અને દશકોથી સમાચાર પર વિશ્વાસ રાખીને બેઠેલી જનતાને હજુ ‘ફૅક્ટ ચૅક’ની આદત નથી પડી. ઉપરાંત, કોઈ વ્યક્તિ કોઈ પણ વાતની ચોક્કસાઈ કે ખરાઈની તપાસ કરી કરીને કરશે પણ કેટલી વખત?! વૉટ્સઍપ જેવાં માધ્યમો પર, જ્યાં દિવસનાં ઓછામાં ઓછાં સોથી પણ વધુ મૅસેજ વ્યક્તિદીઠ ફરતાં હોય ત્યાં કોઈ કરી કરીને કેટલી વખત રીસર્ચ કરશે?

ઇન્ટરનેટની બીજી અને સૌથી મોટી તકલીફ એ પણ છે કે, ઇંગ્લિશ બહુ સારી રીતે ન જાણતા લોકો જે, ભારતમાં બહુ મોટી સંખ્યામાં છે, તેમનાં માટે સ્થાનિક ભાષામાં ઇન્ટરનેટ પરની મોટાં ભાગની માહિતી ઉપ્લબ્ધ નથી અને જે કૈં થોડું ઘણું ઉપ્લબ્ધ છે તેમાં ‘કવૉલિટી કંટ્રોલ’ની તકલીફો છે કારણ કે, આ વૉટ્સઍપ ફોરવર્ડ્સવાળો સ્થાનિક ભાષાઓનો કચરો જ ઈન્ટરનેટ પર બધે ફર્યા કરતો હોય છે.

વળી, આ કચરો મોટાં ભાગે ધાર્મિક સલાહનાં નામે ફેલાય છે. ધર્મમાં લોકોની સજ્જડ શ્રદ્ધા અને નાજુક ધાર્મિક લાગણીઓને કારણે પણ આ ખોટાં, અતાર્કિક ફોરવર્ડ્સનું ખંડન નથી કરી શકાતું. બિનહાનિકારક ખોટી માહિતી તથ્ય તરીકે ફૉરવર્ડ (દા.ત. ‘દિવાળી પર ભારત – નાસાએ લીધેલો ફોટો’વાળો ખોટો ફૉરવર્ડ) થાય એ પણ બહુ વાંધાજનક નથી. પણ, લોકોમાં કોઈ ચોક્કસ જીવનશૈલી, રીતિ-રિવાજ, જાતિ, ધર્મ વગેરેને લક્ષ્ય બનાવીને લોકોની ખોટી ધિક્કારપૂર્ણ માન્યતાઓને જે રીતે તથ્ય ગણાવીને ફેરવવામાં આવે છે એ એક એવી આગ છે, જેની લપેટમાં આખા સમાજને આવતા વાર નહીં લાગે.

જો કે, આ કોયડો કઈ રીતે ઉકેલાશે એ વિષે મારો અભિગમ આશાપૂર્ણ છે. હું માનું છું કે, ઈન્ટરનેટે ભલે બધાંને મન ફાવે તે લખવાની, બોલવાની અને પબ્લિશ કરીને લોકો સુધી પહોંચાડવાની સુવિધા આપી હોય પણ, આજે નહીં તો કાલે લોકો આ ખોટી માહિતીનાં અતિરેકથી કંટાળવાનાં જ છે. આમ થશે ત્યારે ફરી પહેલાંનાં સમયમાં પ્રિન્ટ-મીડિયામાં ક્યુરેશન*નું જે મહત્ત્વ હતું એ પાછું ફરશે જ. પહેલા લોકો અમુક તમુક પ્રકાશકો પર ભરોસો મૂકતા અને તેમનાં દ્વારા છપાયેલી માહિતી જ વાંચવાનું પસંદ કરતા, એ જ રીતે ઇન્ટરનેટ પર પણ ક્યુરેશનનું મહત્ત્વ વધતું જશે તેવું મારું માનવું છે. સ્થાનિક ભાષાઓમાં થતાં લખાણ અને એ સિવાયનાં દરેક પ્રકારનાં ‘કૉન્ટેન્ટ’ને પાયેદાર અને મજબૂત બનાવવાનો આ જ તોડ મને અસરકારક લાગે છે કે, સંપાદન અને ક્યુરેશન* મજબૂત બને – અભિપ્રાયિક લેખો (opinions, think pieces) પ્રત્યે તો ખાસ! પ્રકાશકો માટે એ પણ એક ચૅલેંજ હશે કે, તેમનાં ગુણવત્તાનાં માપદંડ ફક્ત ‘લાઈક, શેર, સબસ્ક્રાઇબ’નાં આંકડાં પર જ આધારિત ન હોય અને વિચારપૂર્ણ પ્રયોગશીલતાને પણ પ્રકાશનમાં પૂરતું સ્થાન મળે.

*curation (ક્યુરેશન): the action or process of selecting, organizing, and looking after items

ટોક્યો – એક ફિનૉમિનન

નિબંધ

મારાં મતે ટોક્યો ફક્ત એક શહેર નથી, એક ફિનૉમિનન* છે. હું માનું છું કે, જાપાન અને ખાસ ટોક્યોનો જાદૂ શબ્દોમાં ઢાળી શકવા માટે જાપાનની સંસ્કૃતિ, સમાજ અને ઇતિહાસ વિશે વાત કરવી ખૂબ જરૂરી છે. જો એ સમજ્યા વિના કે યાદ રાખ્યા વિના ટોક્યો જોવામાં આવે કે તેનાં વિષે વાત કરવામાં આવે તો એ શહેર અને એ દેશ ‘વિચિત્ર’ શબ્દની મર્યાદિત વ્યાખ્યામાં સીમિત રહી જાય. હું જાપાન, સામાજિક વિજ્ઞાન કે ઇતિહાસનાં વિષયમાં નિષ્ણાત તો બિલકુલ નથી પણ, ઐતિહાસિક તથ્યો, મારા નિરીક્ષણ, કલ્પનાશક્તિ અને દુનિયાની મારી મર્યાદિત સમજણ પરથી અમુક તારણ કાઢી શકી છું. એ લેન્સથી ટોક્યો અને જાપાનને જોઉં છું તો એ મને અદ્ભુત લાગે છે!

જાપાન પ્રાચીન અને અર્વાચીનનાં અંતિમોમાં બંટાયેલો દેશ છે. આજની તારીખે જોવામાં આવે તો તેનાં ઇતિહાસને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય – વર્લ્ડ વૉર 2 પહેલાનું જાપાન અને વર્લ્ડ વૉર 2 પછીનું જાપાન. વર્લ્ડ વૉર અને ખાસ તો પેલા બે ન્યુક્લીયર બૉમ્બ જાપાન માટે ભયંકર વિનાશક ઘટના હતી. આ જ સમયગાળામાં ભારતને પણ આઝાદી મળી હતી. 1945 પછી 6 વર્ષ સુધી જાપાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને એલાઇડ ફોર્સીસનો કબ્જો અને વર્ચસ્વ રહ્યું હતું. આ સમયગાળામાં જાપાનને લોકશાહી બનાવવામાં આવી, જાપાનીઝ સ્ત્રીઓને પશ્ચિમની સ્ત્રીઓ જેટલાં અધિકાર આપવામાં આવ્યા, જાપાનની યુદ્ધ-શક્તિ ખતમ કરવામાં આવી વગેરે ઘણું બધું થયું. 1951 પછી અમુક બાબતોમાં યુનાઇટેડ સ્ટેટ્સનાં ચંચૂપાતને બાદ કરીને મોટે ભાગે જાપાનને તેની નિયતિ પર છોડવામાં આવ્યું.

એક અભ્યાસ પ્રમાણે 1958થી 1968 સુધીનાં વર્ષોમાં અમેરિકા સાથેનાં જાપાનનાં સંબંધોને કારણે જાપાનની ઇકૉનોમીને ઘણો ફાયદો થયો. પણ, એ ફાયદો ત્યારે થયો જ્યારે એક આખી પેઢીએ દેશનાં નવનિર્માણમાં પોતાનું જીવન ખર્ચી નાંખ્યું. શ્રી વર્ષો પહેલા એક ફૅક્ટરીમાં કામ કરતી હતી જ્યાં તેની મુલાકાત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કે તેનાં થોડા જ સમય પછી જન્મેલા વૃદ્ધો સાથે થઇ હતી. એ કહે છે કે, જમવા અને ઊંઘવા સિવાયનો લગભગ આખો સમય એ લોકો ફૅક્ટરીઓમાં કામ કરતા. ફૅક્ટરીમાં કામ કરતી મહિલાઓએ એક દિવસ નક્કી કર્યો અને એ દિવસે ફેક્ટરીનાં પુરુષ કર્મચારીઓએ સ્ત્રી કર્મચારીઓ સાથે લગ્ન કરી નાંખ્યાં. કારણ કે, ફૅક્ટરી બહાર એ લોકોનું સામાજિક જીવન લગભગ અસ્તિત્ત્વ જ નહોતું ધરાવતું. એ સાંભળતા લાગે કે, પ્રેમ, રોમૅન્સ વગેરે – જેને આપણી એક આખી પેઢી અનિવાર્ય માને છે – તે જીવનનાં એ લટકણિયાં છે, જેનાં વિષે એ જ વિચારી શકે છે જેને પેટ માટે મજૂરી ન કરવાની હોય.

અનુશાસન જાપાનની પ્રજાનાં લોહીમાં છે, આ હકીકત આપણે અનેક લોકો પાસેથી અને કિતાબોમાંથી હજારો વખત સાંભળેલી છે. આ ગુણનાં વખાણ સાંભળેલાં છે. અનુશાસનનો એક મતલબ એ છે કે, ત્યાંની વર્કફોર્સ એટલી વ્યવસ્થિત અને મેથડિકલ છે કે, સમય અને સાધનોનો વ્યય નહિવત છે, ઉત્પાદન ખૂબ છે અને અર્થવ્યવસ્થા મજબૂત છે – એ બધું જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. અનુશાસનનો બીજો મતલબ એ છે કે, ત્યાંનું જીવન એટલું બધું પૂર્વનિશ્ચિત છે કે, તમે જન્મો ત્યારથી તમે મરો ત્યાં સુધી તમારે કયા પ્રકારનું જીવન જીવવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું એ બધું જ તમારા માટે નક્કી થઇ ગયેલું છે. તેનું એક ઉદાહરણ છે રોજીંદા જીવનમાં ચપ્પલ કઈ રીતે ગોઠવવાં તેનાં નિયમો, જે કોઈ પણ બાળક સામજણું થાય ત્યારથી જ અનુસરવા લાગશે. સ્ત્રીઓ દશકોથી વર્કફોર્સમાં હોવા છતાં આજે પણ કોઈ પણ કામ માટે સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. લગ્ન કર્યા પછી પોતાનાં કામ અને ઘરની અને બાળકોની તમામ જવાબદારીઓ ફક્ત સ્ત્રીઓનાં માથે આવે છે. નોકરીઓમાં બ્યુરોક્રસી અને હાયરરકીનાં કારણે તણાવનું પ્રમાણ ખૂબ ઊંચું છે અને ઇનોવેશન ઘટતું ચાલ્યું છે. આ અને આવાં અનેક કારણોસર જાપાનમાં લગ્નનું પ્રમાણ ઘટી ગયું છે અને સાલ 2011થી આબાદી દિવસે ને દિવસે ઘટતી જાય છે.

જાપાનનાં સમાજ માટે ‘વિવિધતા’ અને ‘વિચિત્રતા’માં કોઈ ફર્ક જ નથી. જો પૂર્વનિર્ધારિત ઘરેડમાં, નિયમો પ્રમાણે ન જીવો તો તમે સામાજિક રીતે એક બહિષ્કૃત જીવન જ જીવો. સમાજમાં કોઈ પણ પ્રકારનાં વૈવિધ્ય બાબતે સહિષ્ણુતા ન મળે. આધ્યાત્મિકતા તો લગભગ અસ્તિત્ત્વ જ નથી ધરાવતી. તો પછી જીવનનો મતલબ શું? ઉત્પાદન અને ભોગ – production and consumption. આ પેલાં અનુશાસનવાળાં સિક્કાની એ બાજુ છે જેનાં વિષે ભાગ્યે જ વાત કરવામાં આવે છે.

જાપાનનાં શહેરો ઉત્પાદન અને ભોગનાં મશીન હોય તેવું લાગે. ત્યાંનાં દરેક મોટા શહેરમાં દરેક મોટાં ટ્રેન સ્ટેશન પર અને ઠેકાણે ઠેકાણે મહાકાય શૉપિંગ-મૉલ્સનું સામ્રાજ્ય છે. દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જે જાપાનમાં નહીં મળતી હોય. જીવનની દરેક સમસ્યા અને દરેક સુવિધા માટે પ્રોડક્ટ્સ છે અને સતત એ પ્રોડક્ટ્સ ખરીદનારું માર્કેટ છે. શહેર જેટલું મોટું, શૉપિંગ મૉલ્સ તેટલાં વધારે અને તેટલાં મોટાં. ટોક્યોની આંખો આંજી નાંખે તેવી નિયોન લાઇટ્સ આનું પ્રમાણ છે.

જ્યાં પણ કોઈ એક ફોર્સનો અતિરેક થાય ત્યાં તેને સંતુલિત કરતાં વિરોધી તત્ત્વવાળી કળાનો જન્મ થયા વિના રહે નહીં. જાપાનનાં અનુશાસન અને નિયંત્રણોનાં અતિરેકમાંથી જ એક આખું ઑલ્ટર્નેટ ક્લચર (alternate culture) ઊભું થઇ ગયું છે. આ સંસ્કૃતિ ત્યાંની પરંપરાગત જીવનશૈલીનાં વિરોધી અંતિમ પર બનેલી છે અને તેનું કેન્દ્ર છે ટોક્યો. આ અંતિમમાંથી જન્મ થયો છે જાપાનીઝ મૅન્ગા (manga) અને ઍનિમે (anime) કૉમિક્સનો, પ્રખ્યાત વીડિયો ગેમ્સ અને ગેમ કંપનીઝનો, ખૂબસૂરત એનિમેશન્સનો – સ્ટૂડીયો ધીબલીનો, જાપાનની એક સમય સુધી કટિંગ એજ ગણાતી ટેક્નોલૉજી અને અફલાતૂન રોબોટ્સનો, મેક-અપ લાઇન્સનો, જે-પૉપ (જાપાનીઝ પૉપ મ્યુઝિક)નો જાપાનીઝ પોર્નનો, હારૂકી મુરાકામીનો અને આ દરેક વસ્તુની આસપાસ ફરતી જીવનશૈલી અને માર્કેટ્સનો.

જાપાનની કોઈ સ્ત્રી મેક-અપ વિના કદાચ ઘરની બહાર પગ પણ નહીં મૂકતી હોય. એક આખો યુવાવર્ગ છે જેનું સામાજિક જીવન વીડિયો ગેમ્સ પૂરતું સીમિત છે. અમુક છોકરીઓ અને સ્ત્રીઓ ઢીંગલીઓ તરીકે જીવે છે – રોજ ઢીંગલીઓ જેવાં કપડાં અને મેકઅપ પહેરે છે અને તેમનાં પરિવારોએ તેમની આ જીવનશૈલી સ્વિકારી લીધી છે. કાર્ટૂન કેરેક્ટર્સ અને કૉમિક કૅરેક્ટર્સનાં ઠેકાણે ઠેકાણે સ્ટોર્સ છે – પોકેમોન, હૅલો કિટી, ડોરેમોન, મારિઓ, તોતોરો વગેરેનાં બ્રાન્ડ સ્ટોર્સ તો છે જ અને તેનાં બ્રાન્ડિંગવાળી હજારો વસ્તુઓ ઠેકઠેકાણે ઉપ્લબ્ધ છે. ટોક્યોની વચ્ચે આકીહાબારામાં જૂની, નવી ટેક્નોલોજી અને કૉમિક્સની દુકાનોની લાઇન્સ છે અને એ જ વિસ્તારમાં આવેલો છે સાત માળનો એક ઍડલ્ટ સ્ટોર!

ટોક્યોમાં ઠેકઠેકાણે pet cafes છે – તમે પાળીતા પશુ-પક્ષીઓવાળા કૅફેમાં બેસીને તમારું પસંદીદા પીણું માણી શકો છો દા.ત. કૅટ કૅફે, ડોગ કૅફે, શીબા ઇનુ (કૂતરાની એક ઇન્ટરનેટ-ફેમસ જાપાનીઝ જાત) કૅફે, આઉલ કૅફે, બન્ની રેબિટ કૅફે, બર્ડ કૅફે વગેરે. themed bars છે – સમુરાઇ થીમ્ડ, જેલ થીમ્ડ, સૂમો થીમ્ડ, રોબોટ થીમ્ડ, હોરર થીમ્ડ, સાયન્સ થીમ્ડ વગેરે. એવું નહીં કે, થીમવાળું ફક્ત ડેકોરેશન હોય, જાપાનનો પ્રખ્યાત (કે કુખ્યાત) ગુણ – attention to detail અહીં પણ જોવા મળે. તમને આપવામાં આવતાં વાસણથી માંડીને વેઈટરનાં આઉટફિટ અને કાફૅનાં આર્કિટેક્ચર અને લાઇટિંગ સહિત બધું જ થીમ પ્રમાણે ચાલે એટલે એ થીમનો એક આખો માહોલ ઊભો થઇ જાય. એ ઉપરાંત છે મેઇડ કૅફેઝ – ટીનેજર અને વીસ વર્ષ આસપાસની ઉંમરની છોકરીઓ ફ્રેન્ચ મેઇડ, પોલિસ વગેરે કૉસ્ચ્યુમ પહેરીને રેગ્યુલર કૅફેમાં મળતી ખાવા પીવાની વસ્તુઓ સર્વ કરે અને એકદમ હાયપર રીતે ઊછળી-કૂદીને અવાસ્તવિક વાત કરે. આ બધું જોઈને તમે વિચારમાં પડી જાઓ કે, ક્યા ભેજામાં આવા વિચાર આવતાં હશે!

અને આ જ શહેરમાં દેશમાં અસ્તિત્ત્વ ધરાવે છે મેઇજી જિંગૂ અને સેન્સોજી જેવાં મંદિર, જાપાનનાં મહારાજાનો મહેલ અને તેનો વિશાળ શાંત બગીચો, દુનિયાની ઉત્તમમોત્તમ ટ્રેન વ્યવસ્થા. આ જ દેશમાં આવેલાં છે દુનિયાનાં સૌથી સુંદર મંદિરો, માઉન્ટ ફૂજી અને તેની આસપાસની ખૂબસૂરતી, નારા જેવાં નાના શહેર, મોટા ભાગનાં લોકોની વિનમ્ર, શિષ્ટ જીવનશૈલી અને આખા દેશને ગુલાબી રંગમાં રંગતી સાકુરા ફૂલોની ઋતુ!

જાપાન વિરોધાભાસોનો દેશ છે. તેનાં કોઈ એક ભાગને જરૂર કરતાં વધુ મોટો બનાવીને તેનાં જ ગુણગાન ગાયે રાખવા કે પછી કોઈ બીજાં ભાગની જ વાત કરીને તેને વખોડ્યા કરવું, બંને મુર્ખામી છે. આ બધું સહઅસ્તિત્ત્વ ધરાવે છે.


* ગુજરાતી લૅક્સિકોન ડિક્શનરીમાં ફિનૉમિનનનો અર્થ – દૃશ્યમાન વસ્તુ, બીના કે ઘટના, અસાધારણ વ્યક્તિ, વસ્તુ અથવા ઘટના, આશ્ચર્ય, હરકોઈ ઇન્દ્રિયગમ્ય બાબત.

વિરોધ

નિબંધ

પોતાની ઓળખની રક્ષા આપણે અંગત રીતે તો કદાચ રોબબરોજ કરતાં રહીએ. પણ જો આપણી ઓળખનાં કારણે આપણી સુરક્ષા સામે ઊભો સૌથી મોટો ભય જો કોઈ દેશનો કાયદો કે કોઈ શક્તિશાળી સંસ્થા કે તંત્ર હોય ત્યારે? ત્યારે જે મોહનદાસ કરમચંદ ગાંધીએ વર્ષો સુધી કર્યું એ કરવાની જરૂર પડતી હોય છે. હજુ પણ આપણે ‘આદર એટલે મોટાં/વધુ શક્તિશાળી કહે તેમ કરવાનું – સવાલ પૂછ્યા વિના’ વાળી વ્યાખ્યા ભૂલ્યાં નથી. આપણે આગ અને પૈડાંની શોધ થયાં પહેલાંનાં લોકો નથી કે, લાંબું જીવ્યાં/શક્તિશાળી હોય તેમને ફક્ત તેમનાં એ ગુણનાં કારણે માન આપીએ. માણસજાત તરીકે આપણે એ અભિગમ કરતાં ક્યાંયે આગળ નીકળી ચૂક્યાં છીએ.

અસહકાર કે ડીસોબીડિયન્સ કોઈ પણ લોકશાહીનો સૌથી અગત્યનો ભાગ છે અને લોકશાહી તરીકે આપણે કોઈ પણ પ્રકારનો સામૂહિક સામાજિક વિરોધ જ કરતાં ભૂલી ગયા છીએ. મતદાન અને આપણાં લોકલ કાર્યકર્તાને પાણી/વીજળીની ફરિયાદો કરવા સિવાય લોકશાહીનાં કયા ભાગમાં આપણે સક્રિય છીએ? મોટાં ભાગનાં મિડલ-ક્લાસ/અપર મિડલ ક્લાસ લોકો એ સિવાય લોકશાહીની એક પણ પ્રવૃત્તિમાં સક્રિય નથી. સક્રિય તો દૂરની વાત, સમાજનો એક મોટો વર્ગ તો લોકશાહીમાં શું થઇ રહ્યું છે તેનાંથી માહિતગાર પણ નથી. ધરણા અને રેલીઓ ફક્ત રાજકારણીઓ અને (બહુ જજમેન્ટલ ભાષામાં) નવરાંઓ પૂરતાં સીમિત રહી ગયાં છે. હમણાંનું જ ઉદાહરણ લઈએ તો આવડું મોટું ફાઇનાન્સ બિલ પસાર થઇ ગયું. કોણે જાણવાની તસ્દી લીધી કે, બિલમાં શું છે? જાણવાની તસ્દી લીધી હોય અને તેમાં કઈં ન સમજાયું હોય તો કોણે કોઈ જાણકારને પૂછવાની તસ્દી લીધી?

આપણાં દેશમાં પાછી ખાટલે મોટી ખોડ એ છે કે, લૅફ્ટ વિન્ગ/ઓપોઝિશનમાં એક તો કોઈની મજબૂત આગેવાની નથી અને બીજું વાતોનાં વડાં અને ટ્વિટર આઉટરેજ સિવાયનાં કોઈ જ પગલાં નથી. સરકારની ખરાબ પોલિસીઓનાં વિરોધીઓ કમ્પ્યુટર સામેથી હટીને તંત્રની કાર્યવાહી ખોરવે અને રસ્તા રોકે તો કઈંક પણ ફર્ક પાડવાની શક્યતા છે. ટ્વિટર પાર આઉટરેજ કરીને વાતોનાં વડાં સિવાય આપણે શું કરવાનાં છીએ? વિરોધ કરવાનો હોય ત્યારે મીડિયા (ટ્વિટર, પ્રિન્ટ, ટેલિવિઝન) ફક્ત એક માધ્યમ છે લોકો સુધી ખબર પહોંચાડવા માટે કે, વિરોધ થઇ રહ્યો છે અને તમે જોડાઈ શકો. વ્યવસ્થિત વિરોધ કરવાનું ખરેખરું કામ રિયલ લાઈફમાં પાર્ટી કાર્યકરોને ફોન કરીને કે રસ્તા પર આવીને કરવાનું હોય, મીડિયા પર નહીં – એટલી સામાન્ય સમજ આપણાં લેફ્ટમાં ક્યારે આવશે?

અમેરિકામાં સાત દેશોનાં મુસ્લિમો પર બાનની નીતિની શરૂઆત થઇ ત્યારે સામાન્ય બુદ્ધિ વાપરીને જેમને વિરોધ કરવો હતો એ બધાં વિવિધ શહેરોનાં ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ભેગાં થઈને નારાં લગાવતાં વિરોધ કરતાં હતાં. ઍરપોર્ટ પર વકીલો જઈ રહ્યા હતાં ફસાયેલાં પ્રવાસીઓને મદદ કરવા માટે. ટ્વિટર/ફેસબુક પર ફક્ત ક્યાં લોકો ભેગાં થયા છે અને શું બની રહ્યું છે તેની માહિતિ પસાર થઇ રહી હતી જેથી વધુ લોકો જોડાઈ શકે. આખે આખો વિરોધ ફક્ત ટ્વિટર પર નહોતો થઇ રહ્યો!  પણ, અહીં તો હજારોની સંખ્યામાં માણસો મારતાં ન હોય એ હદની અંદર થતી તમામ પ્રવૃત્તિઓ પરનો વિરોધ ઘરે આરામથી ખુરશીમાં બેસીને થઇ શકતો હોય તો જ કરવોની નીતિ છે.

અને લોકોનો પણ પૂરો વાંક નથી. વિરોધની શરૂઆત થાય ત્યાં તેમાં જોડાવાવાળા સૌથી પહેલાં તત્ત્વો રાજકારણીઓ અને ઉપર જણાવ્યું તેમ નવરાંઓ હોય છે એટલે કદાચ કોઈ સામાન્ય મિડલ કલાસ વ્યક્તિ તેમાં જોડાતાં પહેલાં જ સો વાર વિચાર કરશે. કારણ કે આ બંને તત્ત્વો હોય ત્યાં સૌથી પહેલો ભય લોકોને હિંસા અને તોડફોડનો લાગે અને સ્ત્રીઓ તો અયોગ્ય છેડતી અને અભદ્ર ભાષાનાં વિચારે જ દેખાવોમાં જોડાવાનું ટાળે. વળી, બાકીની તમામ દુનિયામાં રાજકારણીઓનું જાહેર દેખાવોમાં ભળવાની વાત આટલો ભય પેદા નથી કરતી જેટલો આપણે ત્યાં પ્રવર્તમાન છે. આ બંને બાબતે આપણાં જેવાં સામાન્ય લોકોમાં એટલો ડર છે કે, આપણે સંગઠિત વિરોધ કે દેખાવોનો તો વિચાર પણ નથી કરી શકતાં. યુવા રાજકારણીઓને ટીલાં-ટપકાં અને જે-તે પાર્ટીનાં પ્રતીક સ્કાર્ફ અને ટોપીઓ વિના ક્યારેય દેશનાં મિડલ કલાસ સામાન્ય લોકોની જેમ સામાન્ય લોકો સાથે મળીને કોઈ દેખાવ કે વિરોધ કરવાનું સૂઝ્યું હશે કે કેમ? ઘણી વખત વિચારું છું આ બધી તકલીફોનો ઉપાય શું અને જવાબ નથી મળતો.

ભારત બહાર રહીને મને ઘણું બધું જોવા મળ્યું છે. તેમાંની એક વસ્તુ આ વિરોધ-રેલીઓ અને દેખાવો પણ છે. ઓસ્ટ્રેલિયા હતી ત્યારે ટોની એબટ ચૂંટાયા પછી શિક્ષણક્ષેત્રે ફંડ કાપવાની દરખાસ્ત મુકાઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયામાં દરેક શહેર અને ગામમાં એક ચોક્કસ દિવસે ‘સ્કૂલ ટીચર્સ યુનિયન’ની વિરોધ પ્રદર્શન રેલી નીકળી હતી. તેમાં ટીચર્સ તો હતાં જ અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને આ વિરોધને પ્રોત્સાહન આપનારાં માતા-પિતા પણ શામેલ હતાં. શાંતિ જળવાઈ રહે અને રેલી હિંસામાં ન પરિણમે એ ધ્યાન રાખવા માટે આ રેલીની શરૂઆત અને અંતમાં લગભગ 100 ફુટ દૂર પોલીસ ઑફિસરો ચાલતાં હતાં. બધાં જ શહેરનાં પૂર્વ છેડાંથી ચાલીને પશ્ચિમ છેડે પાર્લામેન્ટ હાઉઝ સુધી જઈને ત્યાં કલાકો સુધી નારાં લગાવતાં હતાં. એ જ રીતે અહીં અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા પછી તમામ મોટાં શહેરોમાં તેનાં વિરુદ્ધ દેખાવો થયાં હતાં. મેં ઓકલેન્ડ અને સાન ફ્રાન્સિસ્કો બંને શહેરોનાં દેખાવોમાં થોડો થોડો સમય ભાગ લીધો હતો. એ જ રીતે વિમેન્સ માર્ચમાં પણ મેં ભાગ લીધો હતો. એ નજારો તો જોવા જેવો હતો. માર્ચનો દિવસ લગભગ બે અઠવાડિયા પહેલાં નિર્ધારિત થયો હતો. માર્ચનાં દિવસે બપોરથી જ સાન ફ્રાન્સિસ્કોમાં ધીમો ધીમો વરસાદ પાડવાનો શરુ થઇ ગયો હતો. છતાંયે સાંજે શહેરની મુખ્ય માર્કેટ સ્ટ્રીટ આખી દેખાવકારોથી પેક હતી. લોકો છત્રીઓ લઈને માર્ચમાં આવ્યા હતાં. હજારો માણસો એકસાથે એક જ સ્થળ પર કોઈ બાબતે અહિંસક વિરોધ કરતાં હોય અને તેમાં નાનામાં નાના બાળકોથી માંડીને મોટામાં મોટાં વૃદ્ધો શામેલ હોય એવું આપણે પિક્ચરો સિવાય છેલ્લે ક્યારે જોયું/કર્યું છે?

એન્ટિ-મુસ્લિમ બાન પ્રોટેસ્ટ જે એરપોર્ટ પર થયેલો એ તો આનાંથી પણ વધુ ઑર્ગનાઈઝડ હતો. મને યાદ છે ત્યાં સુધી શુક્રવારે રાત્રે આ નીતિની ઘોષણા થયેલી અને શનિવારે સવારે જૉહન એફ કૅનેડી એરપોર્ટ પર લોકો એકત્ર થવા લાગ્યા હતાં. ગ્રુપ થોડું મોટું થયું એટલે તરત ટ્વિટર અને ફેસબુક પર ત્યાંનાં ફૉટૉઝ, વીડિઓઝ અને લાઈવ-સ્ટ્રિમ શેર થવા લાગ્યા હતાં એટલે બાકીનાં શહેરોમાં પણ વાત વાયુવેગે ફેલાવા લાગી અને અમેરિકાનાં તમામ ઍરપોર્ટ પર વિરોધ પ્રદર્શન માટે લોકો એકઠાં થવાં લાગ્યાં. ન્યુ યોર્કમાં શરૂઆત થયાનાં બે કે ત્રણ કલાકમાં જ બાકીનાં બધાં એરપોર્ટ પર પણ ઘણાં લોકો એકઠાં થઇ ગયા હતાં. જે રીતે બની શકે તે રીતે ફસાયેલાં લોકોને વકીલ સિવાય કોઈ સાથે વાત ન કરવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. લગભગ ક્યાંયે કોઈ મોટાં રાજકારણીએ આગેવાની લીધી હોય કે એવું કઈં જ ન હતું. સામાન્ય નાગરિકો પોતાની બુદ્ધિ વાપરીને કેટલાંયે કામ કરી રહ્યા હતાં. કોઈને સૂઝ્યું હતું કે, આ પરિસ્થિતિમાં ટોળામાં જે-તે સમયે કામ લાગી શકે તેવાં વકીલો હોય તો તેમને આસાનીથી શોધી શકાય તે માટે તેમનાં માટે ફ્લુરોસેન્ટ સ્ટિકરની ગોઠવણ કરીએ, ઘણાંએ વકીલોને ખબર પડે કે ક્યાં જવું અને શું કરવું એ માટે અગત્યનાં સ્થળોએ દિવાલો પર પૂઠાંનાં બૉર્ડ લગાવ્યા હતાં, ‘Lawyers follow these signs’, ‘Lawyers help yourselves with these stickers’ વગેરે.

એ દેખાવ સતત બે દિવસ અને એક આખી રાત ચાલ્યો હતો. એટલે પોતાની સૂઝથી જ લોકો પોતાની સાથે લાવી શકે તેવું અને તેટલું ખાવાનું, પાણીની બૉટલ, એનર્જી ડ્રિંક્સ વગેરે લાવી રહ્યા હતાં અને એરપોર્ટ પરથી જેમ જેમ લોકો છૂટતાં જાય તેમ તેમને આપી રહ્યાં હતાં. દેખાવકારો પણ પાણી વગેરેનો લાભ લઇ શકે એ માટે ટોળાંની એકદમ નજીક એક બૂથ પર આ બધું ખાવા-પીવાનું એકસાથે લાવીને રખાઈ રહ્યું હતું. જ્યાં સુધી બાન પાછો ન ખેંચાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહે અને પ્રવાસીઓ ફસાયેલા ન રહે એ માટે હજારો માણસો આખી રાત એરપોર્ટ પર રહ્યાં હતાં અને કેટલાંય ફક્ત થોડાં જ કલાકની ઊંઘ કરીને રવિવારે સવારે પાછાં જઈ રહ્યા હતાં. સાથે સાથે જ ટ્વિટર અને ફેસબુક જેવાં માધ્યમો પર સાચી અને આધારભૂત માહિતિ શેર થાય એ બાબતે લોકો સજાગ હતાં અને લગભગ દરેક વાઇરલ ટવિટ કે ફેસબૂક પોસ્ટ મોટાં ભાગે આ વિષયો પર હતી: એસીએલયુ આ બાનને રોકવામાં ક્યાં સુધી પહોંચી, લોકોએ ક્યા પેપરો પર કોઈ પણ ભોગે સહી ન કરવી, સ્વયંસેવક વકીલોનો સંપર્ક કરવા માટેનાં ફોન નંબર અને ન્યુઝ મીડિયા સરકારની હિલચાલ વિષે માહિતી આપતું રહેતું. જો ન્યુઝ મીડિયાની માહિતી ખોટી કે અપૂર્ણ હોય તો તરત જ સાચી માહિતી ધરાવતાં બિનરાજ્કારણી વગદાર લોકો દ્વારા શેર કરવામાં આવતી.

માનવ અધિકાર અને નાગરિક તરીકેનાં આપણાં અધિકારોની રક્ષા માટે આટલો ઓર્ગનાઈઝડ વિરોધ આપણે ક્યારે કરી શકીશું? આપણે પણ લોકશાહી છીએ ને? છીએ કે?

————————————————————————————————————–

વાંચવા જેવું:  Civil Disobedience by Henry David Thoreau – an essay that is said to have influenced M.K.Gandhi during his fight for freedom