ઓળખની વાત મારા માટે હમણાં હમણાંથી બહુ અગત્યનો વિષય બની ગઈ છે. ઓળખ જો કે વિષય જ એવો છે કે એ સતત રેલેવન્ટ રહેવાનો જ. ‘કી જાણા મેં કૌન?’ આ સવાલ કોઈ નવો બુલ્લો દરેક સદીમાં દરેક વર્ષે દરેક દિવસે કરવાનો જ. દર કલાકે નહીં કહું કારણ કે, બધાં બુલ્લાઓ એ પૂછવા જેટલા સેલ્ફ અવેર નથી હોતાં. જો કે, અહીં હું ‘દુનિયામાં મારાં હોવાનો મતલબ શું છે’વાળી ઓળખની વાત નથી કરી રહી. હું વાત કરું છું સ્થાયીભાવની. મારાં મતે હું રોજબરોજનાં જીવનમાં જે પણ વિચારતી હોઉં, કરતી હોઉં અને કહેતી હોઉં હું એ છું. એ મારી ઓળખ છે અને એ ઓળખ પણ કાયમી નથી. આજથી પંદર વર્ષ પહેલાં મારી ઓળખ અલગ હતી, દસ વર્ષ પહેલાં અલગ હતી અને અત્યારે પણ અલગ છે. જો એ દરેક ઓળખો એક વ્યક્તિ હોય તો એ ત્રણે વ્યક્તિઓ એકબીજાને ઓળખે પણ નહીં કદાચ. સ્ત્રી, સ્ટ્રેઈટ, જન્મથી જૈન અને પસંદગીથી નાસ્તિક, ગુજરાતી, ભારતીય, ઓસ્ટ્રેલિયન, કળા-પ્રેમી, સાહિત્ય-પ્રેમી, ક્લાસિકલ ડાન્સર, લેખક, પેઈન્ટર, વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર, જિજ્ઞાસુ, કાર ચલાવતી, કોણ શું કહેશે એ વિષે બહુ ન વિચારતી, ફેમિનિસ્ટ, દરેક દેશો અને ધર્મોનાં મિત્રો ધરાવતી, આવી નાની નાની ઘણી બધી બાબતો મારી હાલની ઓળખ છે. આ ઓળખ બાબતે ઘણી સામાન્ય પેટર્ન્સ જોવા મળતી હોય છે અને સમય જતાં આ પેટર્ન જે નિરીક્ષણરૂપે શરુ થાય છે એ પૂર્વગ્રહ ક્યારે બની જાય છે એ ખબર પણ નથી પડતી.
આપણાં મનમાં પડતી લોકોની પહેલી છાપ ઘણી વખત આવાં પૂર્વગ્રહોની બનેલી હોય છે. મને જોઈને લોકો વિચારે છે – છોકરી દેખાય છે તો ભારતીય પણ આ પ્રકારનાં કર્લી વાળ તો પહેલાં ક્યારેય કોઈ ભારતીય છોકરીનાં જોયાં નથી એટલે સાઉથ અમેરિકન હશે. ભારતીય છે પણ ઍક્સન્ટ તો બિલકુલ ભારતીય નથી, કદાચ ભારત બહાર ઉછરેલી હશે. કથક શીખે છે, હિન્દી/ઉર્દુમાં કવિતાઓ વાંચે છે, ગઝલો સાંભળે છે અને સંસ્કૃત સમજે છે પણ રહે છે એકલી એટલે શાદી-ડોટ-કોમ-છાપ ટ્રેડિશનલ પણ જમાના પ્રમાણે મોડર્ન હશે. નાસ્તિક છે અને જે રીતે વાત કરે છે, બિલકુલ વિદેશી/એબીસીડી (અમેરિકન બોર્ન કન્ફ્યુઝડ દેસી) પ્રકારની જ હશે ગુજરાતી/હિન્દી કદાચ ઍક્સન્ટમાં બોલતી હશે. એક્સ બૉયફ્રેન્ડ્સની વાતો આટલી સહજતાથી કરે છે તો બહુ લાગણીશીલ નહીં હોય. આ અપેક્ષાઓ કરતાં જ્યારે વ્યક્તિ અલગ નીકળે છે ત્યારે આવે છે અસ્વીકાર। Rejection.
હું સંપૂર્ણપણે આમાંથી એક પણ નથી અને થોડું થોડું આ બધું જ છું. મારી આત્માનો અને મારા સ્વત્વનો રંગ મારાં અનુભવો અને વિચારોએ રંગેલો છે અને એ રંગ ભલે થોડો વિચિત્ર હોય તો પણ તેમાં રંગાઈ જવાની હિમ્મત મેં હંમેશા રાખી છે. આપણને બધાંને ચોકઠાંઓમાં માણસોને બેસાડી દેવાની વર્ષો જૂની આદત છે. આ ચોકઠાંઓ પોતે પણ જબરદસ્ત વિરોધાભાસ છે! મને મોટાં ભાગનાં ચોકઠાંઓ ઓવરસીમપ્લીફાઇડ માન્યતાઓ અને પૂર્વગ્રહોનાં બનેલાં લાગે છે. મને એમ લાગે છે કે, મોટાં ભાગનાં લોકોની અપેક્ષાએ મારો આકાર અલગ છે અને ઓવરસિમ્પલીફાઇડ ચોકઠાંઓમાં હું નહીં સમાઈ શકું. અને મારે સમાવું પણ નથી. હું સાહસપૂર્વક, ખૂબ મહેનત કરીને મારો વિચિત્ર આકાર જાળવી રાખવાની કોશિશ કરતી રહું છું. પણ, સાથે સાથે મારે ક્યાંઈક અમુક ચોક્કસ વ્યક્તિઓનાં ચોકઠાંમાં ગોઠવવું પણ છે. કારણ કે,કોઈનાં ચોકઠાંમાં ગોઠવાઈ શકવાનો મતલબ સ્વીકૃતિ પણ છે. આ ચોકઠાંઓનો પેરેડૉક્સ છે. આપણું સ્વત્વ પણ જાળવી રાખું અને એવાં લોકો પણ શોધતાં રહેવા જે આપણને સ્વીકારે કારણ કે, સ્વીકારમાં પ્રેમ છે.
रहिमन इस संसार में टेढ़े दोऊ काम ।
सीधे से जग ना मिलै उल्टे मिले न राम ।।
~ रहीम
મારાં મનમાં આ ઓળખનાં વિષયનો વિચાર પોતે પણ અસ્વીકૃતિમાંથી જન્મ્યો છે. ઘણું બધું હોવા અને ન હોવાનાં કારણે ઘણાં લોકોએ વિવિધ રૂપે, વિવિધ પરિસ્થિતિઓમાં મારો અસ્વીકાર કર્યો છે. આપણી આસપાસ ઘણાં લોકોની આપણી પાસેની અપેક્ષાઓઆપણાં વ્યક્તિત્વનાં ફક્ત કોઈ એક એક પાસાં, કોઈ એક સત્ય સાથે જોડાઈ જાય છે. મમ્મી છે એટલે ટીવી/ફિલ્મોમાં દેખાડે છે એમ જાતને ભૂલી જતી અને પરફેક્ટ જ હોય. મમ્મી હોવું એ તે વ્યક્તિનું ફક્ત એક પાસું છે. મમ્મી હોવા ઉપરાંત એ માણસ પણ છે એ આપણે ભૂલી જઈએ છીએ. મિડલ ક્લાસ એન્જીનીયર/વકીલોનાં પરિવારમાંથી આવતો છોકરો આર્ટ્સ લે તો ઘરમાં ઉહાપો મચી જાય. આ અપેક્ષા પાછળ કેટલાં પૂર્વગ્રહો હોય છે એ જોઈએ: પરિવારમાં આ ટ્રેન્ડની શરૂઆતની પેઢીનાં બધાં/મોટાં ભાગનાં પુરુષો એનાલિટિકલ છે એટલે પછીની પેઢીનાં પુરુષો પણ એનાલિટિકલ જ હોય, પુરુષોએ પરિવાર માટે પૈસા કામવાનાં હોય એટલે એવાં જ કામ પસંદ કરવાનાં હોય જેમાં નાણાકીય સલામતી હોય, આર્ટ્સમાં તો આળસુ અને મૂર્ખ છોકરાંઓ જ જાય.
આ તો ફક્ત હજારોમાંનાં બે ઉદાહરણ છે. અને આ ઉદાહરણોમાં આગવી ઓળખ હોવાનાં પરિણામે થતી તકલીફો પણ બહુ નાની અને સહ્ય છે. પણ, આ માનસિકતાનાં પરિણામે આવાં તો કેટલાંયે નાના નાના અગણિત દમન રોજ થતાં રહે છે.આપણી આજની દુનિયામાં એક power hierarchy છે. વાઈટ મેલ > વાઈટ ફિમેલ > વાઈટ LGBTQ વ્યક્તિ > નોન-આફ્રિકન મેલ ઓફ કલર > નોન-આફ્રિકન ફિમેલ ઓફ કલર > આફ્રિકન મેલ > આફ્રિકન ફિમેલ > LGBTQ ઓફ કલર. ત્યાર પછી દેશ પ્રમાણે આ hierarchy બદલાતી રહે છે. પણ દુનિયાનાં મોટાં ભાગનાં સ્થળોમાં જે-તે દેશનાં મેજોરીટી ધર્મ/સંપ્રદાયને અનુસરતાં સ્ટ્રેઇટ પુરુષ સિવાયની તમામ ઓળખ ધરાવતાં લોકો માટે રોજનાં ક્રમે જ નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટાં અન્યાયો થતાં જ રહે છે.
ફક્ત મારાં સ્ત્રી/પુરુષ/નાન્યેતર જાતિનાં હોવાને કારણે મારે શું પહેરવું, કોની સાથે રહેવું, કામ કરવું કે નહીં, કોની સામે મોં ઢાંકવું, કોને પ્રેમ કરવો, શું ખાવું, શું પીવું એ બધાં પર સમાજ અને ઘરની વ્યક્તિઓ દ્વારા અંકુશ મુકવામાં આવે એ નાનાં પાયાનું દમન છે. આવો અસ્વીકાર મોટાં પાયે જોવા મળે અને ઓળખનાં આધારે લોકોને પીડા પહોંચાડવામાં આવે અને તેમને મારી નાંખવામાં આવે ત્યારે એ જુલમ કહેવાય છે. દુનિયામાં થતાં તમામ પ્રકારનાં ઘટિયામાં ઘટિયા સામાજિક અન્યાયો અને દમન પાછળ પણ પોતાનાં ફાયદા માટે કે પોતાનાં અહંકારને પંપાળવા ખાતર લોકોની અલગ અલગ ઓળખનો અસ્વીકાર કરીને તેમને હેરાન કરવાની જ માનસિકતા રહેલી છે.
સાઉદી અરેબિયામાં સ્ત્રીને કાર ન ચલાવવા દેવામાં આવે, અમેરિકામાં કાયદેસર વિઝા/રેસિડન્સી સાથે રહેતાં નાગરિકોને એરપોર્ટ પર ‘ટેરરિઝમ’નાં નામે હેરાન કરવામાં આવે, ભારતીય ઉપખંડમાં ધર્મ અનેપ્રતિષ્ઠાનાં નામે લોકોને પોતાની મરજીની વ્યક્તિ સાથે રહેવા, પરણવા પર મારી નાંખવામાં આવે, એશિયન સંતાનો પર સતત મેડિકલ અને એન્જીનિયરિંગ લેવા બાબતે દબાણ થતું રહે, સીરિયામાં વહાબી ઇસ્લામ ન અપનાવવા પર મારી નાંખવામાં આવે આ બધાંની પાછળ એક જ માનસિકતા રહેલી છે. આ દમનનો વિરોધ કરનારાંને કહેવામાં આવે ‘એક્ટિવિસ્ટ’. એક્ટિવિઝમ શું છે? લોકોને તેમની નિર્દોષ ઓળખ પ્રમાણેનું જીવન જીવવા દેવામાં આવે એ માટે કરવામાં આવતું કામ જ તો. શું આ કામ સમાજસેવા નથી? બિલકુલ છે!
લોકોને તેમની ઓળખની રક્ષા કરવામાં મદદ કરવા માટે ફુલ-ટાઈમ એક્ટિવિસ્ટ હોવું જરૂરી નથી. તેની શરૂઆત ઘરથી જ થાય છે. કનૈયાલાલ મુનશીનું તેમની સ્ત્રીનાં શિક્ષણ માટે લડવું, મારી મમ્મીને માથે ઓઢવાની ફરજ પાડવામાં આવે ત્યારે મારાં પિતા દ્વારા કરવામાં આવતો વિરોધ અને ‘તેને જે ગમશે તે પહેરશે’ એક્ટિવિઝમ જ તો છે. એ નાના પાયે થતી સમાજસેવા છે.આપણે ‘સંસ્કૃતિ’નો આંચળો ઓઢીને બેઠેલાં આવાં કેટલાં પૂર્વગ્રહોને ઓળખી શકીશું? આપણે બાકીનાં સમાજની અપેક્ષાએ પોતાનાં અદ્રશ્ય ‘વિશેષાધિકાર (privilege)’ને જોઈ શકીશું? ખાનદાની જાગીર, ઉચ્ચ વર્ણમાં જન્મ, પુરુષ જાતિ આ બધાં જૂદી જૂદી જગ્યાએ આજે પણ આપણાં સમાજમાં અદ્રશ્ય રીતે વિશેષાધિકાર રૂપે કામ કરે છે. આ બધાં વિશેષાધિકારોનાં કારણે લઘુમતી કે ઓપોઝિટ જેન્ડરને થતાં અન્યાયોને આપણે જોઈ નથી શકતાં હોતાં અને ફક્ત આપણને તેવો અનુભવ નથી થયો માટે એ અન્યાય અસ્તિત્ત્વ નથી ધરાવતો તેવું માની લેતાં હોઈએ છીએ. આપણે અભાનપણે જ ઘણી વખત પૂર્વગ્રહોથી પ્રેરિત નિર્ણયો લેતાં હોઈએ છીએ. તેનાં માટેનો શબ્દ છે ‘unconscious bias’. આપણે પોતાનાં કેટલા આવાં ‘unconscious bias’ વિષે સભાન થઇ શકીશું અને તેનાં કારણે અન્યોને હાનિ ન થાય તેનું ધ્યાન રાખી શકીશું? જો આટલું કરી શકીએ તો પણ માનવજાતિની બહુ મોટી સેવા થઇ જાય.