શરાબ અને સંસ્કૃતિ – ૧

નિબંધ

આપણે ત્યાં શરાબની વાત થાય તો લોકોને ક્યા-ક્યા નામની ખબર હોય સામાન્ય રીતે? વિસ્કી, વાઈન, શેમ્પેન, રમ, જિન, બિયર, બ્રીઝર અને આજ-કાલનાં યુવાનોને ઘણાંને કદાચ ટકીલા વિશે ખબર હોય. આમાંથી ટ્રાઈ કરેલાં પાંચ કે સાત હોય. ગુજરાતમાં દારૂબંધીને કારણે દારૂ મોંઘો છે અને ગુજરાતની બહાર બેવડાગીરી અને સીન-સપાટા સિવાય દારૂનું બહુ સોશિયલ કલ્ચર નથી. એટ લીસ્ટ મિડલ-ક્લાસમાં તો નથી જ. એટલે દારૂ વિશે આપણી બાજુ જ્ઞાન બહુ ઓછું છે. જો આટલું વાંચીને આ પ્રકારનો કોઈ વિચાર આવ્યો હોય કે, “દારૂમાં તે નશા સિવાય વળી જાણવા જેવું શું હોય” તે વર્ગે અહીંથી આગળ વાંચીને આ પોસ્ટનું અપમાન ન કરવા વિનંતી. આપણે ત્યાં સૌથી પહેલા તો કોઈએ લોકોને દારૂ પીવા અને દારૂડિયા હોવા વચ્ચેનો ફર્ક સમજાવવાની જરૂર છે!

આપણા સમાજમાં શરાબ સાથે વણાયેલાં ‘ટેબૂ’ને કારણે હું અલ્કોહોલિક બેવરેજ અને તેની આસપાસની સાંસ્કૃતિક બાબતો વિશે બહુ ખાસ જાણી જ નહોતી શકી. આપણે આલ્કોહોલને જે રીતે જોઈએ છે તે રીતે મારા અમુક મિત્રોએ છાશને જોઈ છે. વિચિત્ર રીતે! આપણે ત્યાં આલ્કોહોલ ફક્ત નશા સાથે સંકળાય છે. પણ, યુરોપિયન કલ્ચરનો એક બહુ મોટો ભાગ એ શરાબી પીણાં છે. અહીં આવ્યા પછી આ ત્રણ વર્ષમાં મેં આલ્કોહોલિક પીણાં, તેનાં પ્રકારો, તેની આસપાસ વણાયેલી સંસ્કૃતિ વગેરે વિશે ઘણું જાણ્યું અને માણ્યું છે. જેનાં વિશે થોડું આ પોસ્ટમાં લખી શકીશ.

શરૂઆત જૂદા-જૂદા વેન્યુનાં પ્રકારનાં વર્ણન પરથી કરીશ. ઓસ્ટ્રેલિયા સંદર્ભે અહીં મદિરાલયનાં ઘણાં પ્રકાર છે. ‘બાર’ પ્રમાણમાં નાની અને એક ઓરડા જેવી જગ્યા માટે વપરાય છે આથવા તો જે પ્લેટફોર્મ પર આલ્કોહોલ સર્વ કરવામાં આવે તે પ્લેટફોર્મ માટે પણ આ શબ્દ વપરાય છે. જ્યારે, ‘પબ’ એ ‘પબ્લિક હાઉઝ’નું ટૂંકાક્ષરી છે. જે જગ્યાએ લોકો એકત્ર થઇ શકે અને જ્યાં આલ્કોહોલિક બેવરેજીસ અને ખાણી-પીણીની વસ્તુઓ મળતી હોય તે જગ્યા માટે ‘પબ’ શબ્દ વપરાય છે. ‘ટૅવર્ન (Tavern)’ જેનાં ગ્રીક ઓરીજીનલ શબ્દનો મતલબ ‘શેડ’ કે ‘વર્કશોપ’ તેવો થાય છે, તેનો સીધો સંબંધ પણ એવાં જ વાતાવરણ સાથે છે. કોઈ પ્રકારનાં જૂદા કામ કે ધંધાની જગ્યા જ્યાં આલ્કોહોલ ‘પણ’ સર્વ થતાં હોય તે સંદર્ભે ‘ટૅવર્ન ‘ શબ્દ વપરાય છે. તેનું ટૂંકાક્ષરી ‘ટાવ’ એમ પણ બોલાય છે. ઉદાહરણ તરીકે, અહીં ઓસ્ટ્રેલિયામાં બધી યુનીવર્સીટીમાં ટાવ આવેલાં છે.  ‘બ્રુઅરી’ એટલે એવી જગ્યા જ્યાં શરાબ બનતો પણ હોય અને સર્વ પણ થતો હોય અને અંતે આવે ‘ક્લબ’, જે આપણે આજ-કાલ સિનેમામાં જોતા હોઈએ છીએ. ક્લબ એટલે મુખ્યત્વે યુવાનોની જગ્યા જેને કદાચ મારા પપ્પાનાં જમાનામાં ‘ડિસ્કો’ તરીકે ઓળખતાં. ક્લબમાં આલ્કોહોલ સર્વ કરવા માટે ‘બાર’ હોય અને નાચી શકાય તેવું સન્ગીત! કલબની મોટાં ભાગની જગ્યા લોકોને નાચવા માટેની હોય.

અહીં આલ્કોહોલ જેમાંથી સર્વ થાય તેની પણ વિવિધ પદ્ધતિ હોય છે. સામાન્ય રીતે ‘બિયર’ અને ‘સાઈડર’ તમને ‘ઓન ટેપ’ મળી શકે (અહીં ‘ટેપ’ એટલે નળ સંદર્ભે). સાઈડર વિશે આપણાં દારુડીયાઓ કોઈ બહુ જાણતા નથી. સાઈડર એ ઇંગ્લેન્ડે દુનિયાને આપેલું પીણું છે. એ યુનાઇટેડ કિંગડમ અને સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ પ્રખ્યાત છે. સાઈડર ફળોનાં જ્યૂસમાંથી બને છે. મુખ્યત્ત્વે સફરજનનાં જ્યુસમાંથી બને છે. એ સિવાય પેર, સ્ટ્રોબેરી, હની વગેરે મિશ્ર સ્વાદનાં સાઈડર પણ મળતા હોય છે. જે કોઈ પણ આલ્કોહોલ ઓન ધ ટેપ હોય એ પ્રખ્યાત બ્રાંડના Standard Drinks જ હોવાનાં. કારણ કે, ઓન ધ ટેપ ડ્રિન્ક્સનો આખો કન્સેપ્ટ એવો છે કે, બારનાં માલિક જથ્થાબંધ ખરીદી શકે અને તેનાં પર બોટલિંગ કે પેકેજિંગનાં ભાવ ન લાગતા હોય એટલે તેની રિટેઈલ પ્રાઈઝ બોટલમાં મળતાં પીણાં કરતાં પ્રમાણમાં સસ્તી હોય. એપલ સાઈડર એ બધાં પ્રકારનાં સાઈડરમાં સૌથી standard અને પ્રખ્યાત છે. માટે, સામાન્ય રીતે ટેપ પર એ જ હોય.

હવે, આ ‘ઓન ધ ટેપ’માં પણ તમને બે વિકલ્પ મળે. કાં તો તમે એક નાનો ગ્લાસ લઇ શકો અથવા પાઈન્ટ (મોટો ગ્લાસ) લઇ શકો. ઘણી વખત ઘણી જગ્યાએ જગ પણ વેચાતા હોય છે. અમે ૩-૪ મિત્રો વચ્ચે એક જગ લઈએ અને ૩-૪ ગ્લાસ લઈએ. એ રીતે બધાંને ઘણું સસ્તુ પડે. સ્ટુડન્ટ્સમાં એ સૌથી પોપ્યુલર વિકલ્પ છે. કારણ કે, સ્ટુડન્ટ્સ હોય ત્યાં સુધી પૈસામાં લગભગ બધાંને મારા-મારી રહેતી હોય. વળી, પર્થ મગજ કામ ન કરે તેટલું મોંઘુ છે. જો કે, બિયર અને સાઈડર બંનેમાં અલ્કોહોલિક કન્ટેન્ટ સૌથી ઓછામાં ઓછું હોય છે. હા, જગની વાત નીકળી તો યાદ આવ્યું. યુનીવર્સીટીમાં મેં લોકોને જગમાંથી સીધા પીતા જોયા છે. :D It actually looks fun! પણ, આવા બધાં નખરા ટૅવર્નમાં જ થઇ શકે અથવા એવી કોઈ જગ્યાએ જ્યાં બારટેન્ડર્સ તમને ઓળખતાં હોય. નહીંતર બાઉન્સર સીધો બહાર કાઢે! (ચેતવણી: આવા બધાં નખરા જો ક્યાં કરાય અને ક્યાં ન કરાય એવી વિવેકબુદ્ધિ ન હોય તો કરવાનાં વિચારવા પણ નહીં.) આ ઉપરાંત સામાન્ય બોટલમાં તો આ બંને ડ્રિન્ક્સ મળતાં જ હોય છે. બોટલમાં પણ એક બોટલ છૂટક મળે અથવા ૬ બોટલનું ‘સ્ટબ’ મળે અથવા ૬ કે વધુ સ્ટબનું ‘કાર્ટન’ મળે.

હવે તમે પબમાં બેઠા હો તો દિવસનાં સમયે સામાન્ય રીતે બિયર, સાઈડર, વાઈન અથવા શેમ્પેન સૌથી પ્રખ્યાત પીણાં છે. ખાસ એટલા માટે કે, આ પીણાં જમવા સાથે બહુ સારા જાય છે. પિત્ઝા અને તળેલાં/ચીઝવાળા/નાશ્તા જેવાં કોઈ પણ ખોરાક સાથે બિયર અથવા સાઈડર સારા લાગે. બ્રેડ અને ઓલિવ ઓઈલ કે ચીઝનાં ડિપ, વિવિધ પ્રકારનાં ચીઝ (આનાં વિશે પણ એક પોસ્ટ?), પાસ્તા, એશિયન ફૂડ, લઝાનીયા કે અન્ય કોઈ પણ પ્રકારનાં ફેન્સી રેસ્ટોરાં ફૂડ સાથે વાઈન અને શેમ્પેન બહુ સરસ જતા હોય છે. હા, એનો મતલબ જરાય એવો નથી કે આ બધું આ ખોરાક સાથે જ સારું લાગે અને એકલું ન પીવાય. પણ, કહેવાનો મતલબ એ છે કે, પબમાં સામાન્ય રીતે ખાવા-પીવાનું બંને હોય અને જ્યારે તમે કોઈ જગ્યાએ આમ જ ચિલ-આઉટ કરવા અને અમુક કલાકો બેસવા માટે ગયા હો તો ફક્ત પીવાનાં નથી જ. ખાવા, પીવાનાં બંને કરવાનાં છો. આ ઉપરાંત, તમે ખોરાક સાથે જે પીતા હો તે ડ્રિંક પણ તમારા ખોરાકનો સ્વાદ કેવો આવશે તે નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. આ ત્રણ પીણાં અમુક અમુક ડેલીકસી પ્રકારનાં ખોરાક સાથે પણ બહુ સરસ જતા હોય છે. ‘ડેલીકસી’ પ્રકારનાં ખોરાક કે પીણાંનો સ્વાદ બહુ ખાસ (‘વિચિત્ર’ પણ કહી શકો) પ્રકારનો હોય છે. જો ડેલીકસી સાથે જ્યૂસ કે કાર્બોનેટેડ પીણાં (પેપ્સી, ફેન્ટા) વગેરે પીઓ તો તેનો સ્વાદ બહુ ગંદો લાગે એ પણ શક્ય છે. જો યાદ હોય તો આલ્કોહોલમાં ફક્ત નશો નથી હોતો, સ્વાદ નામની પણ કોઈક વસ્તુ હોય છે. ;) અને અમુક પ્રકારનું આલ્કોહોલ તેનાં સ્વાદને કારણે અમુક પ્રકારનાં ખોરાક સાથે સ્વાદ બાબતે બહુ સરસ જતું હોય છે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભલે ‘બિયર ડ્રિન્કિંગ કન્ટ્રી’ કહેવાતો હોય. પણ, સૌથી સારી બિયર પાછી ઓસ્ટ્રેલિયામાં નથી બનતી. મિત્રોનાં કહેવા મુજબ જર્મન અને આઈરિશ બિયર્સ સૌથી સારામાં સારી હોય છે. હાઈનીકેન જર્મન અને ગિનિસ (ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળી ગિનિસ) આઈરિશ છે. વળી, જર્મનીમાં બવારિયામાં દર વર્ષે ઓક્ટોબરફેસ્ટ ઉજવાય છે, જે પ્રાથમિક રીતે બિયર ડ્રિન્કિંગ ફેસ્ટિવલ છે. જર્મન મિત્રો ઈઝાબેલ અને યોહિમ પાસેથી આ વિશે ઘણું સાંભળેલું છે. ઓક્ટોબરફેસ્ટનું એક નાનકડું વર્ઝન મર્ડોક યુનીવર્સીટી અને બીજી અમુક જગ્યાઓએ ઊજવાય છે. મેં ગયા વર્ષે યુનીવર્સીટી ટૅવર્નમાં મિત્રો સાથે ઓક્ટોબરફેસ્ટનું સેલિબ્રેશન માણેલું. લગભગ બધાં જ લોકો જર્મન ટ્રેડીશનલ ડ્રેસમાં તૈયાર થઈને આવેલાં. બધાં જ બારટેન્ડર પણ જર્મન કપડાંમાં સજ્જ હતાં. ઊજવણી બપોરે ૧૨થી શરુ થઈને લગભગ સાંજે ૭ સુધી હતી. એક બેન્ડને બોલાવવામાં આવ્યું હતું. થોડી ગેમ્સ અને બાર્બેક્યુ અને સોસેજનાં સ્ટોલ હતાં ખાવા-પીવા માટે. બધે બિયર જ બિયર દેખાતી હતી. ૨૦૦૯માં હું યુનીવર્સીટી કેમ્પસમાં રહેતી. ત્યાં મારી હાઉઝમેટ ઈઝાબેલ જર્મન હતી. તે વર્ષે અમે અમારાં ઘરે સાંજે ઊજવણી કરી હતી. ત્યારે મેં બવારિયાનો ઝંડો પણ જોયો હતો, જે ઇઝિની એક મિત્ર લાવી હતી.

આ તો વાત થઇ દિવસની અને મિત્રો કે પરિવાર સાથે હેંગ-આઉટ કરવાની. આ સિવાય પણ ઘણાં પ્રકારનાં ડ્રિન્ક્સ, શોટ્સ વગેરે છે. તેનાં વિશે વધુ આવતા અંકે.

પર્થ – સિલેક્ટેડ લેન્ડસ્કેપ્સ

ઓસ્ટ્રેલિયા, પર્થ

હું એટલી નસીબદાર છું કે, હું જ્યાં  રહુ  છું ત્યાંથી  સમુદ્રકિનારો  ફક્ત  15 મિનિટનાં અંતરે આવેલો છે. પર્થ ફક્ત સમુદ્રકિનારા  જ નહીં  પણ ખૂબસૂરત  નાદી-તટથી પણ સમૃદ્ધ છે! પ્રકૃતિએ ખુલ્લા હાથે દાન કર્યું છે અને નસીબજોગે દાન ભોગવનારાં બહુ ઓછા છે એટલે અમારાં  જેવાંને  પૂરતુ  મળી રહે છે. :D વળી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જેમ જેમ વધુ આગળ દક્ષિણ  તરફ જતાં  જઈએ  તેમ તેમ આ નજારો વધુ ને વધુ સુંદર થતો જાય છે. બસ, વસંત અને ગ્રીષ્મ હવે બહુ નજીક છે અને હું તેને ભેટવા માટે કાગડોળે રાહ જોઇને બેઠી  છું. ક્યારે ઉનાળો આવે ને ક્યારે વધુ રખડવા-ભટકવા મળે (અલબત્ત કેમેરા સાથે)! પણ, જ્યાં સુધી ઉનાળો આવે અને વધુ ફોટો પાડું, ત્યાં  સુધી આ પર્થ  અને આસપાસનાં  વિસ્તારનાં  ફોટો માણો.

પર્થ  સિટી  – સાઉથ પર્થનાં નાદિકીનારેથી

અનકહી વાતો  – સાઉથ પર્થ  નદીકિનારે  એક ખૂબસૂરત સંધ્યા

Untold Stories

સિલ્હૂટ – પર્થ  સિટી  સેન્ટરમાં લાઈબ્રેરિ, આર્ટ  ગેલેરિ અને મ્યુઝિયમ નજીક

Silhouette

સાંજની કવિતા – નાદિકીનારેથી

An evening poetry

ટીપે ટીપે સમુદ્ર ભરાય!

Droplets

પ્રેમનો કિલ્લો – મેન્જુરા બીચ પર અચાનક ધ્યાન ગયું આ રેત-કિલ્લા  પર. બસ, જોયું કે તરત થઇ આવ્યું કે આ તો બસ પ્રેમનો કિલ્લો જ હોઈ શકે.

ઘૂઘવાટ – કોટેસ્લો બીચ

Roaring

શિયાળાની સાંજ – હિલેરીઝ બોટિંગ હાર્બર પરથી

A winter evening

લગ્ન અને દંભ – પૂર્વથી પશ્ચિમ

નિબંધ

લગ્ન- બે વ્યક્તિઓનું જીવનભરની વચનબદ્ધતામાં જોડાવું એ દુનિયાની દરેક નવી-જૂની સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે. આપણને બધાંને ખબર છે તેમ ભારતીય લગ્ન-પ્રસંગ ‘બિગ ફેટ ઇન્ડીયન વેડિંગ’ તરીકે પણ ઓળખાય છે. આ વાત એટલી તો પ્રસિદ્ધ છે કે અન્ય તો મસ્તી કરતા કરશે, આપણે પોતે જ આ બાબતે પોતાની મજાક કરતા હોઈએ છીએ. હવે આ મજાક પણ એટલી બધી ચાલી છે છેલ્લા કેટલા વર્ષોથી કે, આપણને એમ જ છે કે દુનિયામાં ફક્ત આપણે  જ લગ્ન પર નકામા ખર્ચા કરતા હોઈ છીએ. પણ, ના! અહીં આવીને મેં આપણાથી પણ વધુ દંભી ઉદાહરણ જોયા. ત્યારે લાગ્યું કે, દુનિયામાં બધે જ લગ્ન અને ધામધૂમ (અહીં  ‘ગાંડપણ’ એવું વાંચવું) લગભગ સમાનાર્થી છે. “કાગડા તો બધે કાળા”!

ભારતમાં લગ્ન હોય તો દુલ્હા-દુલ્હન સિવાયનાં બધાં દોડાદોડી કરતા હોય અને તૈયારીઓ કરતા હોય. ખાસ તો દુલ્હનનાં માતા-પિતા અને ભાઈ-બહેન. જ્યારે, અહીં લગ્ન એટલે મોટાં ભાગે દુલ્હનનું જ બધું કામ. (અને થોડું ઘણું દુલ્હાનું, જો દુલ્હન કરવા દે તો ;) ). વળી, અહીં સામાન્ય રીતે લગ્ન-દિવસ એ મુખ્યત્વે દુલ્હનનો દિવસ છે. તેને દુલ્હનનાં સપનાનો દિવસ માનવામાં આવે છે. એક લાક્ષણિક પશ્ચિમ દેશમાં ‘બ્રાઇડઝીલા'(ગોડઝીલાની જેમ. અહીં રાક્ષસનાં સંદર્ભે)નો કન્સેપ્ટ  પ્રખ્યાત છે. હવે આ ‘બ્રાઇડઝીલા’ એટલે શું વળી? કહે છે કે, લગ્ન કરવા અને જીવનભરનાં વચનમાં બંધાવું એ પોતે જ એક ગભરાવી મુકે તેવી વાત છે અને તેમાં લગ્નનાં દિવસ માટેની તૈયારીઓ! આ દોડાદોડીમાં ઘણી સ્ત્રીઓ મહિનાઓ સુધી (જ્યાં સુધી તૈયારીઓ ચાલે ત્યાં સુધી) બહુ મિજાજી બની જતી હોય છે અને તેમનાંમાં થોડાં સમય માટે બહુ વિચિત્ર, કોઈને ન ગમે તેવાં સ્વભાવમાં પરિવર્તન આવતાં હોય છે. માટે, તેમને બધાં ‘બ્રાઇડઝીલા’ કહે છે. આ ‘દુલ્હનનો પ્રસંગ’વાળી માનસિકતા વિષે એક ઉદાહરણ દઉં, જે આ કન્સેપ્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી શકશે. અહીં એક ટેલીવિઝન શો શરુ થાય છે એકાદ અઠવાડિયામાં. કન્સેપ્ટ એવો છે કે, તેઓ અમુક દંપતીઓને 25,000 ડોલર તેમનાં લગ્ન માટે આપશે. પણ, શરત એટલી કે લગ્નની તમામ તૈયારી દુલ્હો કરશે. હવે દુલ્હન લગ્ન પ્લાન ન કરે એ પણ અહીં  ‘ડ્રામા’નો વિષય છે. :P

તૈયારીઓની તાણ એટલે કેવી તાણ વળી? શરૂઆત બજેટથી થાય છે. અહીં  મોટાં ભાગનાં લોકો પોતાનાં લગ્નનો ખર્ચ જાતે ઉપાડતા હોય છે. આપણે ત્યાં  લગભગ માતા-પિતા જ સંતાનોનાં લગ્નનાં  ખર્ચ ઉપાડતાં હોય છે. અહીં પણ ઘણાં માતા-પિતા તેવું કરતાં  હોય છે અને કરે તો બહુ સારુ કહેવાય, મદદરૂપ બને. પણ, તમે તેની અપેક્ષા ન રાખી શકો. એટલે જ્યારે લગ્ન કરવાનો વિચાર કરો ત્યારથી જ બજેટ વિષે વિચારવું પડે. વળી, ‘વેડિંગ ડ્રેસ’ પસંદ કરવો એ તો કદાચ ઘણી છોકરીઓ માટે દુલ્હો પસંદ કરવા કરતાંય  વધુ મહત્વનું હશે! મારી એક મિત્ર લ્યુદા એક ‘બ્રાઈડલ શોપ’માં કામ કરે છે. તેણે મને ત્યાં સુધી કહ્યું છે કે, તેની શોપમાં ડ્રેસ પસંદ કરવા આવતી ઘણી સ્ત્રીઓ/છોકરીઓ અંતે લગ્ન કરવાનું જ માંડી વાળે છે અને ઘણાં તો લગ્નની બધી તૈયારીઓની તાણને કારણે બ્રેક-અપ કરી લે છે!

લગ્ન કરવા માટે અહીં ચર્ચ, મોટાં વાઈન-યાર્ડ, હોટેલ, રીઝોર્ટ જેવી જગ્યાઓ પ્રખ્યાત છે. આપણી  જેમ જ અહીં  પણ જમવાનુ શું છે અને કેવું છે એ બંને પ્રશ્ન બહુ અગત્યનાં છે અને એ ભાગ અઘરો પણ છે. અમુક લોકો ફૂડ ટેસ્ટીંગ માટે ખાસ એક દિવસ બધાં નજીકનાં સગા અને મિત્રોને બોલાવતા હોય છે અને તેમનો મત જાણતાં હોય છે. ત્યાર પછીનો કહેવાતો અઘરો ભાગ એટલે સજાવટ! આ સારું નથી ‘ને પેલું મેચિંગ નથી! ખરેખર તો દુલ્હનનાં પોતાનાં સિવાય કોઈ એટલું ધારી-ધારીને જોવાનું પણ ન હોય. પણ, ના. ‘પરફેક્ટ’થી ઓછું તો કંઈ  ચાલે જ નહીં ને! હવે આ ‘પરફેક્ટ’નો દંભ એટલો બધો છે કે મારી એક મિત્રની મિત્રએ તેનાં લગ્ન નક્કી કર્યાં. પણ, નસીબજોગે એ દિવસ વાદળછાયો હતો અને લાઈટનાં અભાવે બેકગ્રાઉન્ડ થોડું રંગે ઝાંખું આવ્યું. તો આ બહેને એક દિવસ બધાં મહેમાનોને તેનાં લગ્નમાં જે પહેર્યું હતું તે કપડાં અને ઘરેણાંમાં તૈયાર થઈને પોતાનાં લગ્નની જગ્યાએ બોલાવ્યાં. ફોટોઝ ફરીથી પડાવવા માટે!

બીજો અગત્યનો ભાગ એટલે આલ્કોહોલ.આલ્કોહોલને કારણે લગ્નોમાં ઘણાં નાટક થયાનું સાંભળ્યું છે. પણ, મોટાં ભાગનાં નાટક તો હાસ્યાસ્પદ હોય છે. આપણી જેમ દહેજ જેવાં અઘરાં નાટક નથી થતાં હોતાં. બિનનિવાસી ભારતીયોનાં લગ્ન વિષે મેં અડેલ અને નીલ પાસેથી ઘણું સાંભળ્યું છે. તેમનાં કહેવા પ્રમાણે તેમનાં પરિવાર અને મિત્રોનાં લગભગ બધાં જ લગ્નમાં દારૂને કારણે ઘણાં હાસ્યાસ્પદ પ્રસંગ બન્યાં  છે. મારાં એક સ્કોટિશ મિત્રનાં મમ્મી તેનાં સમગ્ર 3 કલાકનાં  લગ્નમાં બહુ સારાં મૂડમાં હતા. એટલાં સારાં કે, ફેમિલિ ફોટો લેતી વખતે તે સ્ટેજ પર આવતાં પડી ગયાં. મારો અન્ય એક મિત્ર તેનાં કોઈ કાકાનાં દીકરાનાં લગ્નમાં તેનો ‘બેસ્ટ મેન’ હતો. પણ, લગ્નની આગલી રાતનાં હેન્ગ -ઓવરને કારણે સવારે મારો મિત્ર સમયસર ઉઠી ન શક્યો અને પેલાં બિચારા તેનાં ભાઈનાં લગ્ન આ સાહેબ તૈયાર થાય એ વાંકે અટકેલાં હતાં. આપણે ત્યાં વરની કાકી તૈયાર થવામાં વાર લગાડે અને જાન અટકી પડે એવું જ કંઈક!

ભારતીયોની જેમ જ ચાઇનીઝ લોકોમાં પણ ઘણી પારંપરિક વિધિ હોય છે. ફક્ત ધાર્મિક જ નહીં, રૈવાજીક પણ તેટલી જ! સૌથી અગત્યનો રિવાજ એ ‘ટી સેરીમની’નો છે. લગ્નનાં અમુક દિવસો પહેલાં વર અને વધુનાં પરિવાર અને મિત્રો એકત્ર થાય, ત્યાર પછી વાર અને વધુ પોતાનાં  દરેક વડીલને ચા પિરસે અને વર અને વધુ કરતાં ઉંમરમાં નાના તેમનાં તમામ ભાઈ-બહેન બધાં વર-વધુને ચા પિરસે. અડેલ કહેતી હતી કે, બહુ રૂઢીચુસ્ત પરિવારોમાં તો બિલકુલ નાના 4-5 વર્ષનાં બાળકો પાસે પણ બધાં ચા પિરસાવે. અને આ નાના બાળકો પાસેથી એ કામ કરાવવું એટલે માથાનો દુખાવો! અમુક કહીયે તેમ કરે અને બાકીનાં દોડાદોડી અને દેકારો કરે. પણ, તકલીફ એ કે જ્યાં સુધી એ ચા પિરસી ન લે ત્યાં સુધી વળી પાછો કાર્યક્રમ પૂરો પણ ન થાય! બિચારા દુલ્હા-દુલ્હનનું તો આવી જ બને. એવું પણ સાંભળ્યું છે કે ઇટાલિયન અને ગ્રીક પારંપરિક લગ્નમાં આપણી જેમ જ હજારો માણસો આમંત્રિત હોય છે.

હા, આ બધી વાતો ફક્ત દંભને લગતી છે. આપણે ત્યાં જેમ બધાં જ આવું નથી કરતા તેમ અહીં  પણ નથી જ કરતા  હોતા.  પણ, મેં પહેલાં  જેમ કહ્યું કે કાગડા બધે કાળા, તેમ કહેવાનો આશય ફક્ત એટલો જ છે કે દંભી લગ્નો – જેનાં  માટે ભારત બહુ કુખ્યાત છે, તે ફક્ત ભારતમાં જ નહીં, લગભગ બધે જ થાય છે. કાન સીધો અને ઊંધો પકડવા જેવું છે. પકડે તો બધાં છે! બસ, પકડવાની રીત બદલાતી હોય છે.

સ્ત્રીઓ, અધિકાર અને અમારી વાતો

નિબંધ

આ પહેલાની પોસ્ટમાં લખ્યું હતું તેમ આ ઘરમાં અમે ચાર છોકરીઓ છીએ અને ચારેય બહિર્મુખી (extrovert) સ્વભાવની છે. ઉપરાંત અમે બધાં બિલકુલ અલગ દુનિયામાં જન્મેલાં અને ઉછરેલાં છીએ. આ કારણોસર દરેક વાત જે સોફા પર બેસીને બધાં વચ્ચે થતી હોય, તેમાં ૪ અલગ અલગ દુનિયાની ક્યારેક એકદમ સમાન તો ક્યારેક બિલકુલ અલગ અલગ વાતો અને અભિપ્રાયો સાંભળવા મળે.

‘સત્યમેવ જયતે’નો પહેલો એપિસોડ રીલીઝ થયો હતો અને એ જોઇને હું ખૂબ ગુસ્સામાં બહાર આવી. મેં અડેલને કહ્યું કે મને શરમ આવે છે એ જોઇને કે આજની તારીખે પણ મારા દેશમાં સ્ત્રી-ભ્રૂણ હત્યા થાય છે. અને અમે યાદ કરતા હતા કે આવો જ એક સાંદર્ભિક સંદેશ ‘ડીકટેકટર’ ફિલ્મમાં મધ્ય-પૂર્વનાં દેશો વિષે પણ આપવામાં આવ્યો હતો. એ સંવાદ જ્યાં ડીકટેકટરની પત્ની જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એ તેને પૂછે છે “So, what do you think we are having? A son or an abortion?” એ ફિલ્મનાં સંદર્ભમાં આ હાસ્યાસ્પદ છે. પણ, એ તો ફક્ત એટલા માટે કે, એ ફિલ્મ એ મધ્ય-પૂર્વ અને અમેરિકા પર કટાક્ષ છે. ત્યારે અડેલનું કહેવું એમ હતું કે, અહીં જ અભ્યાસનો ફર્ક સપાટી પર આવતો હોય છે અને સ્ત્રી-ભ્રૂણ હત્યા જેવી બાબતો ત્યાં વધુ જોવા મળે જ્યાં અભ્યાસ ઓછો હોય. તેનો મત એવો હતો કે સ્કૂલ અને કોલેજનો અભ્યાસ ભલે કોઈ વ્યક્તિને સંપૂર્ણપણે બદલી ન શકે પણ, આવી બધી બાબતોને અટકાવી શકે છે. ત્યારે મે તેને સત્યમેવ જયતેમાં જે જોયું/સાંભળ્યું એ તેને કહ્યું હતું કે, આ બાબત ભણેલા-ગણેલા પરિવારોમાં પણ બને છે. આખો પરિવાર ડોક્ટર હોય તેવા પરિવારોમાં પણ!

મારા મતે આ એક એવો સામાજિક મુદ્દો છે જેની શરૂઆત પણ કદાચ ભણેલા વર્ગમાં થઇ હશે. નવી ટેકનોલોજીની ખબર ભણેલાઓને અને સ્કોલારને જ સૌથી પહેલા પડતી હશે ને! બરાબર આ વાત ચાલતી હતી ત્યારે જ મેલ ઘરમાં આવી અને તેણે પોતાનાં દેશ વિષે કહ્યું. વાત હવે ભ્રૂણ હત્યામાંથી બદલીને સ્ત્રીઓની પરિસ્થિતિ ઉપર આવી હતી. મેલનાં માતા-પિતાના લગ્નમાં તેનાં પિતાના પરિવારે ખૂબ વિરોધ કર્યો હતો. ત્યારે મે એને પૂછ્યું હતું કે તારા માતા પિતાની ઉંમર કેવડી હતી જ્યારે તેમનાં લગ્ન થયા? તેણે કહ્યું ૧૬ કે ૧૭. તે બંને એકબીજાને હાઈસ્કૂલમાં પસંદ કરતા હતા અને હાઈસ્કૂલમાં જ તેની માતાને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેનાં પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા પણ તેનાં દાદા-દાદીએ તેનાં પિતા માટે કોઈ અન્ય છોકરી પસંદ કરીને રાખી હતી અને એ બાબતે તેની માતાને ૧૧ વર્ષ સુધી ઘણું સહન કરવાનું આવ્યું અને તેમણે એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. તેણે મને કહ્યું કે ‘ટીન પ્રેગ્નન્સી’ એ ઝામ્બિયામાં એક મોટો મુદ્દો છે. તેનાં પિતા માટે જ્યારે તેનાં પરિવારે ફરીથી કોઈ શોધવાનું નક્કી કર્યું. ત્યારે એક વખત તેણે પોતાનાં ઘરમાં કોઈ છોકરીને જોઈ. મેલ કહે છે કે તે છોકરી મેલ કરતાં ફક્ત ૨-૩ વર્ષ મોટી હતી. એ વ્યક્તિને એ પોતાની ‘માતા’ તરીકે ક્યારેય જોઈ ન શકે. તેણે જોયું તો એ છોકરીને ખરેખર કોઈ વાંધો નહોતો તેનાં પિતા સાથે લગ્ન કરવાનો! ત્યારે મેલએ તે છોકરીને ૨ થપ્પડ મારી અને પોતાનાં ઘરમાંથી કાઢી. તે કહે છે કે મારા પિતાએ આમ પણ એ છોકરી સાથે લગ્ન ન જ કાર્ય હોત પણ, હું આ જોઈ જ ન શકી મારા ઘરમાં. તે એવું પણ કહે છે કે, તેનાં દેશમાં આ બધું બહુ સામાન્ય છે.

તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ હું અને અડેલ એક બાબત જોઇને બહુ અચરજ પામ્યા હતાં. અહીં ઘણી એશિયન (અહીં એશિયન એટલે ફક્ત ચાઇનીઝ સમજવું) યુવતીઓ  અમે જોઈ છે જે કોઈ ખૂબ મોટી ઉંમરનાં ઓસ્ટ્રેલિયન પુરુષની સાથી હોય. એશિયામાંથી યુવતીઓને લાવવાનું અહીં કોઈ નવી વાત નથી. આપણે ત્યાં ફિલ્મોમાં જે છોકરીઓને ખરીદી લાવવાનું જોયું હોય તેનાં કરતાં આ વસ્તુ અલગ છે. અહીં યુવતીઓ પર કોઈ દબાણ હોતું નથી. મોટા ભાગે આ તેમનો પોતાનો નિર્ણય હોય છે. તેમની પોતાની પસંદગી, એક સહેલી જિંદગી માટે. ભારત અને ચાઈનામાં આ બાબત સમાન છે. ખૂબ પૈસા-પાત્ર વર્ગમાં તેમનાં દીકરા દીકરીઓ અને તેમની પત્નીઓ ફક્ત પરિવારોની પ્રતિષ્ઠાનાં શો-પીસ છે.

શરૂઆતમાં મેં ચાઇનીઝ સ્ત્રીઓ સાથે થોડો પરિચય કેળવ્યો હતો ત્યારથી મારા મનમાં એવી છાપ હતી કે ત્યાં સ્ત્રીઓ એ પરિવાર માટેનાં સૌથી અગત્યના નિર્ણયો માટે જવાબદાર હોય છે. પણ, જીઝેલે મને કહ્યું કે એવું નથી. અંતે તો ઘરનો સૌથી વયસ્ક પુરુષ જે કહે તે જ થતું હોય છે. ઘરેલુ હિંસા ભારતમાં જેટલી હદે થાય છે તેટલી જ મલેશિયામાં પણ થાય છે. આ ઉપરાંત સાંભળીને નવાઈ લાગે પણ, ઇટલી તો તેનાં કરતાય બદતર. અત્યાર સુધી જેટલી ઇટાલિયન સ્ત્રીઓ/છોકરીઓને હું મળી છું તે બધાનો ઉછેર એ રીતે થયો છે કે તેમણે હંમેશા કોઈ ને કોઈ પુરુષ માટે જ જીવવાનું છે. પોતાનાં પતિને સમાજમાં સારો દેખાડવા માટે તૈયાર થવાનું ને તેવું કેટ-કેટલું! આ બધાં કહેવાતાં પ્રથમ વિશ્વનાં દેશ. :P

Perth: Street Artists

ઓસ્ટ્રેલિયા, ફોટોઝ

સંગીતકાર – ફ્રિમેન્ટલ

ફેસ પેન્ટર – ફ્રિમેન્ટલ

પ્રદર્શનની તૈયારી – ફ્રિમેન્ટલ

પોર્ટ્રેટ કલાકાર – ફ્રિમેન્ટલ

ડીગરીડૂ વાદક – ફ્રિમેન્ટલ

ધ્યાનમગ્ન – પર્થ સિટી

ચિત્રકાર – પર્થ સિટી

ફુરસદની પળો – ફ્રિમેન્ટલ

માઈમ કલાકાર – પર્થ સિટી