લગ્ન- બે વ્યક્તિઓનું જીવનભરની વચનબદ્ધતામાં જોડાવું એ દુનિયાની દરેક નવી-જૂની સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે. આપણને બધાંને ખબર છે તેમ ભારતીય લગ્ન-પ્રસંગ ‘બિગ ફેટ ઇન્ડીયન વેડિંગ’ તરીકે પણ ઓળખાય છે. આ વાત એટલી તો પ્રસિદ્ધ છે કે અન્ય તો મસ્તી કરતા કરશે, આપણે પોતે જ આ બાબતે પોતાની મજાક કરતા હોઈએ છીએ. હવે આ મજાક પણ એટલી બધી ચાલી છે છેલ્લા કેટલા વર્ષોથી કે, આપણને એમ જ છે કે દુનિયામાં ફક્ત આપણે જ લગ્ન પર નકામા ખર્ચા કરતા હોઈ છીએ. પણ, ના! અહીં આવીને મેં આપણાથી પણ વધુ દંભી ઉદાહરણ જોયા. ત્યારે લાગ્યું કે, દુનિયામાં બધે જ લગ્ન અને ધામધૂમ (અહીં ‘ગાંડપણ’ એવું વાંચવું) લગભગ સમાનાર્થી છે. “કાગડા તો બધે કાળા”!
ભારતમાં લગ્ન હોય તો દુલ્હા-દુલ્હન સિવાયનાં બધાં દોડાદોડી કરતા હોય અને તૈયારીઓ કરતા હોય. ખાસ તો દુલ્હનનાં માતા-પિતા અને ભાઈ-બહેન. જ્યારે, અહીં લગ્ન એટલે મોટાં ભાગે દુલ્હનનું જ બધું કામ. (અને થોડું ઘણું દુલ્હાનું, જો દુલ્હન કરવા દે તો ;) ). વળી, અહીં સામાન્ય રીતે લગ્ન-દિવસ એ મુખ્યત્વે દુલ્હનનો દિવસ છે. તેને દુલ્હનનાં સપનાનો દિવસ માનવામાં આવે છે. એક લાક્ષણિક પશ્ચિમ દેશમાં ‘બ્રાઇડઝીલા'(ગોડઝીલાની જેમ. અહીં રાક્ષસનાં સંદર્ભે)નો કન્સેપ્ટ પ્રખ્યાત છે. હવે આ ‘બ્રાઇડઝીલા’ એટલે શું વળી? કહે છે કે, લગ્ન કરવા અને જીવનભરનાં વચનમાં બંધાવું એ પોતે જ એક ગભરાવી મુકે તેવી વાત છે અને તેમાં લગ્નનાં દિવસ માટેની તૈયારીઓ! આ દોડાદોડીમાં ઘણી સ્ત્રીઓ મહિનાઓ સુધી (જ્યાં સુધી તૈયારીઓ ચાલે ત્યાં સુધી) બહુ મિજાજી બની જતી હોય છે અને તેમનાંમાં થોડાં સમય માટે બહુ વિચિત્ર, કોઈને ન ગમે તેવાં સ્વભાવમાં પરિવર્તન આવતાં હોય છે. માટે, તેમને બધાં ‘બ્રાઇડઝીલા’ કહે છે. આ ‘દુલ્હનનો પ્રસંગ’વાળી માનસિકતા વિષે એક ઉદાહરણ દઉં, જે આ કન્સેપ્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી શકશે. અહીં એક ટેલીવિઝન શો શરુ થાય છે એકાદ અઠવાડિયામાં. કન્સેપ્ટ એવો છે કે, તેઓ અમુક દંપતીઓને 25,000 ડોલર તેમનાં લગ્ન માટે આપશે. પણ, શરત એટલી કે લગ્નની તમામ તૈયારી દુલ્હો કરશે. હવે દુલ્હન લગ્ન પ્લાન ન કરે એ પણ અહીં ‘ડ્રામા’નો વિષય છે. :P
તૈયારીઓની તાણ એટલે કેવી તાણ વળી? શરૂઆત બજેટથી થાય છે. અહીં મોટાં ભાગનાં લોકો પોતાનાં લગ્નનો ખર્ચ જાતે ઉપાડતા હોય છે. આપણે ત્યાં લગભગ માતા-પિતા જ સંતાનોનાં લગ્નનાં ખર્ચ ઉપાડતાં હોય છે. અહીં પણ ઘણાં માતા-પિતા તેવું કરતાં હોય છે અને કરે તો બહુ સારુ કહેવાય, મદદરૂપ બને. પણ, તમે તેની અપેક્ષા ન રાખી શકો. એટલે જ્યારે લગ્ન કરવાનો વિચાર કરો ત્યારથી જ બજેટ વિષે વિચારવું પડે. વળી, ‘વેડિંગ ડ્રેસ’ પસંદ કરવો એ તો કદાચ ઘણી છોકરીઓ માટે દુલ્હો પસંદ કરવા કરતાંય વધુ મહત્વનું હશે! મારી એક મિત્ર લ્યુદા એક ‘બ્રાઈડલ શોપ’માં કામ કરે છે. તેણે મને ત્યાં સુધી કહ્યું છે કે, તેની શોપમાં ડ્રેસ પસંદ કરવા આવતી ઘણી સ્ત્રીઓ/છોકરીઓ અંતે લગ્ન કરવાનું જ માંડી વાળે છે અને ઘણાં તો લગ્નની બધી તૈયારીઓની તાણને કારણે બ્રેક-અપ કરી લે છે!
લગ્ન કરવા માટે અહીં ચર્ચ, મોટાં વાઈન-યાર્ડ, હોટેલ, રીઝોર્ટ જેવી જગ્યાઓ પ્રખ્યાત છે. આપણી જેમ જ અહીં પણ જમવાનુ શું છે અને કેવું છે એ બંને પ્રશ્ન બહુ અગત્યનાં છે અને એ ભાગ અઘરો પણ છે. અમુક લોકો ફૂડ ટેસ્ટીંગ માટે ખાસ એક દિવસ બધાં નજીકનાં સગા અને મિત્રોને બોલાવતા હોય છે અને તેમનો મત જાણતાં હોય છે. ત્યાર પછીનો કહેવાતો અઘરો ભાગ એટલે સજાવટ! આ સારું નથી ‘ને પેલું મેચિંગ નથી! ખરેખર તો દુલ્હનનાં પોતાનાં સિવાય કોઈ એટલું ધારી-ધારીને જોવાનું પણ ન હોય. પણ, ના. ‘પરફેક્ટ’થી ઓછું તો કંઈ ચાલે જ નહીં ને! હવે આ ‘પરફેક્ટ’નો દંભ એટલો બધો છે કે મારી એક મિત્રની મિત્રએ તેનાં લગ્ન નક્કી કર્યાં. પણ, નસીબજોગે એ દિવસ વાદળછાયો હતો અને લાઈટનાં અભાવે બેકગ્રાઉન્ડ થોડું રંગે ઝાંખું આવ્યું. તો આ બહેને એક દિવસ બધાં મહેમાનોને તેનાં લગ્નમાં જે પહેર્યું હતું તે કપડાં અને ઘરેણાંમાં તૈયાર થઈને પોતાનાં લગ્નની જગ્યાએ બોલાવ્યાં. ફોટોઝ ફરીથી પડાવવા માટે!
બીજો અગત્યનો ભાગ એટલે આલ્કોહોલ.આલ્કોહોલને કારણે લગ્નોમાં ઘણાં નાટક થયાનું સાંભળ્યું છે. પણ, મોટાં ભાગનાં નાટક તો હાસ્યાસ્પદ હોય છે. આપણી જેમ દહેજ જેવાં અઘરાં નાટક નથી થતાં હોતાં. બિનનિવાસી ભારતીયોનાં લગ્ન વિષે મેં અડેલ અને નીલ પાસેથી ઘણું સાંભળ્યું છે. તેમનાં કહેવા પ્રમાણે તેમનાં પરિવાર અને મિત્રોનાં લગભગ બધાં જ લગ્નમાં દારૂને કારણે ઘણાં હાસ્યાસ્પદ પ્રસંગ બન્યાં છે. મારાં એક સ્કોટિશ મિત્રનાં મમ્મી તેનાં સમગ્ર 3 કલાકનાં લગ્નમાં બહુ સારાં મૂડમાં હતા. એટલાં સારાં કે, ફેમિલિ ફોટો લેતી વખતે તે સ્ટેજ પર આવતાં પડી ગયાં. મારો અન્ય એક મિત્ર તેનાં કોઈ કાકાનાં દીકરાનાં લગ્નમાં તેનો ‘બેસ્ટ મેન’ હતો. પણ, લગ્નની આગલી રાતનાં હેન્ગ -ઓવરને કારણે સવારે મારો મિત્ર સમયસર ઉઠી ન શક્યો અને પેલાં બિચારા તેનાં ભાઈનાં લગ્ન આ સાહેબ તૈયાર થાય એ વાંકે અટકેલાં હતાં. આપણે ત્યાં વરની કાકી તૈયાર થવામાં વાર લગાડે અને જાન અટકી પડે એવું જ કંઈક!
ભારતીયોની જેમ જ ચાઇનીઝ લોકોમાં પણ ઘણી પારંપરિક વિધિ હોય છે. ફક્ત ધાર્મિક જ નહીં, રૈવાજીક પણ તેટલી જ! સૌથી અગત્યનો રિવાજ એ ‘ટી સેરીમની’નો છે. લગ્નનાં અમુક દિવસો પહેલાં વર અને વધુનાં પરિવાર અને મિત્રો એકત્ર થાય, ત્યાર પછી વાર અને વધુ પોતાનાં દરેક વડીલને ચા પિરસે અને વર અને વધુ કરતાં ઉંમરમાં નાના તેમનાં તમામ ભાઈ-બહેન બધાં વર-વધુને ચા પિરસે. અડેલ કહેતી હતી કે, બહુ રૂઢીચુસ્ત પરિવારોમાં તો બિલકુલ નાના 4-5 વર્ષનાં બાળકો પાસે પણ બધાં ચા પિરસાવે. અને આ નાના બાળકો પાસેથી એ કામ કરાવવું એટલે માથાનો દુખાવો! અમુક કહીયે તેમ કરે અને બાકીનાં દોડાદોડી અને દેકારો કરે. પણ, તકલીફ એ કે જ્યાં સુધી એ ચા પિરસી ન લે ત્યાં સુધી વળી પાછો કાર્યક્રમ પૂરો પણ ન થાય! બિચારા દુલ્હા-દુલ્હનનું તો આવી જ બને. એવું પણ સાંભળ્યું છે કે ઇટાલિયન અને ગ્રીક પારંપરિક લગ્નમાં આપણી જેમ જ હજારો માણસો આમંત્રિત હોય છે.
હા, આ બધી વાતો ફક્ત દંભને લગતી છે. આપણે ત્યાં જેમ બધાં જ આવું નથી કરતા તેમ અહીં પણ નથી જ કરતા હોતા. પણ, મેં પહેલાં જેમ કહ્યું કે કાગડા બધે કાળા, તેમ કહેવાનો આશય ફક્ત એટલો જ છે કે દંભી લગ્નો – જેનાં માટે ભારત બહુ કુખ્યાત છે, તે ફક્ત ભારતમાં જ નહીં, લગભગ બધે જ થાય છે. કાન સીધો અને ઊંધો પકડવા જેવું છે. પકડે તો બધાં છે! બસ, પકડવાની રીત બદલાતી હોય છે.