આ પહેલાની પોસ્ટમાં લખ્યું હતું તેમ આ ઘરમાં અમે ચાર છોકરીઓ છીએ અને ચારેય બહિર્મુખી (extrovert) સ્વભાવની છે. ઉપરાંત અમે બધાં બિલકુલ અલગ દુનિયામાં જન્મેલાં અને ઉછરેલાં છીએ. આ કારણોસર દરેક વાત જે સોફા પર બેસીને બધાં વચ્ચે થતી હોય, તેમાં ૪ અલગ અલગ દુનિયાની ક્યારેક એકદમ સમાન તો ક્યારેક બિલકુલ અલગ અલગ વાતો અને અભિપ્રાયો સાંભળવા મળે.
‘સત્યમેવ જયતે’નો પહેલો એપિસોડ રીલીઝ થયો હતો અને એ જોઇને હું ખૂબ ગુસ્સામાં બહાર આવી. મેં અડેલને કહ્યું કે મને શરમ આવે છે એ જોઇને કે આજની તારીખે પણ મારા દેશમાં સ્ત્રી-ભ્રૂણ હત્યા થાય છે. અને અમે યાદ કરતા હતા કે આવો જ એક સાંદર્ભિક સંદેશ ‘ડીકટેકટર’ ફિલ્મમાં મધ્ય-પૂર્વનાં દેશો વિષે પણ આપવામાં આવ્યો હતો. એ સંવાદ જ્યાં ડીકટેકટરની પત્ની જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એ તેને પૂછે છે “So, what do you think we are having? A son or an abortion?” એ ફિલ્મનાં સંદર્ભમાં આ હાસ્યાસ્પદ છે. પણ, એ તો ફક્ત એટલા માટે કે, એ ફિલ્મ એ મધ્ય-પૂર્વ અને અમેરિકા પર કટાક્ષ છે. ત્યારે અડેલનું કહેવું એમ હતું કે, અહીં જ અભ્યાસનો ફર્ક સપાટી પર આવતો હોય છે અને સ્ત્રી-ભ્રૂણ હત્યા જેવી બાબતો ત્યાં વધુ જોવા મળે જ્યાં અભ્યાસ ઓછો હોય. તેનો મત એવો હતો કે સ્કૂલ અને કોલેજનો અભ્યાસ ભલે કોઈ વ્યક્તિને સંપૂર્ણપણે બદલી ન શકે પણ, આવી બધી બાબતોને અટકાવી શકે છે. ત્યારે મે તેને સત્યમેવ જયતેમાં જે જોયું/સાંભળ્યું એ તેને કહ્યું હતું કે, આ બાબત ભણેલા-ગણેલા પરિવારોમાં પણ બને છે. આખો પરિવાર ડોક્ટર હોય તેવા પરિવારોમાં પણ!
મારા મતે આ એક એવો સામાજિક મુદ્દો છે જેની શરૂઆત પણ કદાચ ભણેલા વર્ગમાં થઇ હશે. નવી ટેકનોલોજીની ખબર ભણેલાઓને અને સ્કોલારને જ સૌથી પહેલા પડતી હશે ને! બરાબર આ વાત ચાલતી હતી ત્યારે જ મેલ ઘરમાં આવી અને તેણે પોતાનાં દેશ વિષે કહ્યું. વાત હવે ભ્રૂણ હત્યામાંથી બદલીને સ્ત્રીઓની પરિસ્થિતિ ઉપર આવી હતી. મેલનાં માતા-પિતાના લગ્નમાં તેનાં પિતાના પરિવારે ખૂબ વિરોધ કર્યો હતો. ત્યારે મે એને પૂછ્યું હતું કે તારા માતા પિતાની ઉંમર કેવડી હતી જ્યારે તેમનાં લગ્ન થયા? તેણે કહ્યું ૧૬ કે ૧૭. તે બંને એકબીજાને હાઈસ્કૂલમાં પસંદ કરતા હતા અને હાઈસ્કૂલમાં જ તેની માતાને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેનાં પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા પણ તેનાં દાદા-દાદીએ તેનાં પિતા માટે કોઈ અન્ય છોકરી પસંદ કરીને રાખી હતી અને એ બાબતે તેની માતાને ૧૧ વર્ષ સુધી ઘણું સહન કરવાનું આવ્યું અને તેમણે એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. તેણે મને કહ્યું કે ‘ટીન પ્રેગ્નન્સી’ એ ઝામ્બિયામાં એક મોટો મુદ્દો છે. તેનાં પિતા માટે જ્યારે તેનાં પરિવારે ફરીથી કોઈ શોધવાનું નક્કી કર્યું. ત્યારે એક વખત તેણે પોતાનાં ઘરમાં કોઈ છોકરીને જોઈ. મેલ કહે છે કે તે છોકરી મેલ કરતાં ફક્ત ૨-૩ વર્ષ મોટી હતી. એ વ્યક્તિને એ પોતાની ‘માતા’ તરીકે ક્યારેય જોઈ ન શકે. તેણે જોયું તો એ છોકરીને ખરેખર કોઈ વાંધો નહોતો તેનાં પિતા સાથે લગ્ન કરવાનો! ત્યારે મેલએ તે છોકરીને ૨ થપ્પડ મારી અને પોતાનાં ઘરમાંથી કાઢી. તે કહે છે કે મારા પિતાએ આમ પણ એ છોકરી સાથે લગ્ન ન જ કાર્ય હોત પણ, હું આ જોઈ જ ન શકી મારા ઘરમાં. તે એવું પણ કહે છે કે, તેનાં દેશમાં આ બધું બહુ સામાન્ય છે.
તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ હું અને અડેલ એક બાબત જોઇને બહુ અચરજ પામ્યા હતાં. અહીં ઘણી એશિયન (અહીં એશિયન એટલે ફક્ત ચાઇનીઝ સમજવું) યુવતીઓ અમે જોઈ છે જે કોઈ ખૂબ મોટી ઉંમરનાં ઓસ્ટ્રેલિયન પુરુષની સાથી હોય. એશિયામાંથી યુવતીઓને લાવવાનું અહીં કોઈ નવી વાત નથી. આપણે ત્યાં ફિલ્મોમાં જે છોકરીઓને ખરીદી લાવવાનું જોયું હોય તેનાં કરતાં આ વસ્તુ અલગ છે. અહીં યુવતીઓ પર કોઈ દબાણ હોતું નથી. મોટા ભાગે આ તેમનો પોતાનો નિર્ણય હોય છે. તેમની પોતાની પસંદગી, એક સહેલી જિંદગી માટે. ભારત અને ચાઈનામાં આ બાબત સમાન છે. ખૂબ પૈસા-પાત્ર વર્ગમાં તેમનાં દીકરા દીકરીઓ અને તેમની પત્નીઓ ફક્ત પરિવારોની પ્રતિષ્ઠાનાં શો-પીસ છે.
શરૂઆતમાં મેં ચાઇનીઝ સ્ત્રીઓ સાથે થોડો પરિચય કેળવ્યો હતો ત્યારથી મારા મનમાં એવી છાપ હતી કે ત્યાં સ્ત્રીઓ એ પરિવાર માટેનાં સૌથી અગત્યના નિર્ણયો માટે જવાબદાર હોય છે. પણ, જીઝેલે મને કહ્યું કે એવું નથી. અંતે તો ઘરનો સૌથી વયસ્ક પુરુષ જે કહે તે જ થતું હોય છે. ઘરેલુ હિંસા ભારતમાં જેટલી હદે થાય છે તેટલી જ મલેશિયામાં પણ થાય છે. આ ઉપરાંત સાંભળીને નવાઈ લાગે પણ, ઇટલી તો તેનાં કરતાય બદતર. અત્યાર સુધી જેટલી ઇટાલિયન સ્ત્રીઓ/છોકરીઓને હું મળી છું તે બધાનો ઉછેર એ રીતે થયો છે કે તેમણે હંમેશા કોઈ ને કોઈ પુરુષ માટે જ જીવવાનું છે. પોતાનાં પતિને સમાજમાં સારો દેખાડવા માટે તૈયાર થવાનું ને તેવું કેટ-કેટલું! આ બધાં કહેવાતાં પ્રથમ વિશ્વનાં દેશ. :P
mAST HAI
હા. આ બ્લોગનો ઉદ્દેશ એ જ છે.
સારુ લખો છો પ્રીમાબહેન – જુદા જુદા દેશની સંસ્કૃતિ વીશે જાણવા મળે છે.