નવાં અનુભવ

ઓસ્ટ્રેલિયા

આ અઠવાડિયે રવિવારથી શરુ કરીને તદ્દન નવી વસ્તુઓ ટ્રાઈ કરી. જેમાંની સૌથી પહેલી રવિવારે સાંજે ‘ડિઝર્ટ પિઝા’ ટ્રાઈ કર્યો. અહીં ‘લિટલ સેઝર્સ’ નામની એક જગ્યા છે જે તેનાં  ‘ડિઝર્ટ પિઝા’ માટે પ્રખ્યાત છે.  ‘ડિઝર્ટપિઝા’ એટલે જે રીતે તેનું નામ છે એ જ રીતે એક  ડિઝર્ટ છે (ડિઝર્ટ = જમ્યા પછી ખવાતું ગળ્યું. દા.ત. આઈસ-ક્રીમ). આ પિઝામાં ચોકલેટ, કેરેમલ, હનીકોમ્બ, સ્ટ્રોબેરી, જામ વગેરે ઇન્ગ્રીડીયન્ટનાં વિવિધ કોમ્બીનેશનનાં ટોપિંગ હોય છે.  તેમનાં ડિઝર્ટ પિઝાનાં મેન્યુમાં લગભગ ૭-૮ જેટલી ચોઈસ છે. આ પિઝા ડિઝર્ટ છે અને એટલે તમે સાવ એકલાં ન ખાઈ શકો. બહુ ભારે પડે એટલે અમે ચાર મિત્રો વચ્ચે દરેકનાં ભાગે બે સ્લાઈસ આવે એ રીતે વહેંચ્યો હતો. અમે બ્લેક ફોરેસ્ટ ટ્રાઈ કર્યો હતો. જેને અતિશય ગળ્યું અતિશય ભાવતું હોય તેમનાં માટે એકદમ બરાબર છે. મને એટલી બધી મજા ન આવી જો કે. આવતી વખતે ત્યાં જઈશ ત્યારે કોઈ અલગ ફ્લેવર ટ્રાઈ કરીશ.

એ જ રાત્રે અમે ચારેય મિત્રો એક કાફેમાં ગયાં ડિનર પતાવીને. આ કાફે પણ એક અલગ પ્રકારનું હતું. અમે જ્યાં ગયાં હતાં એ એક બોર્ડગેમિંગ કાફે છે. ત્યાં તમને કોફી, ચા, હોટ ચોકલેટ, કોલ્ડ કોફી, કોલ્ડ ચોકલેટ જેવાં અલગ અલગ ડ્રિંક્સ મળે અને એ સિવાય ખાવા માટે ડિઝર્ટ અને સેન્ડવીચ મળી શકે. પણ, એ અગત્યનું નથી. ધ બેસ્ટ પાર્ટ ઈઝ, ત્યાં એક બહુ મોટું બોર્ડગેમ્સનું કલેક્શન છે. મોનોપોલી, પત્તાં, જેન્ગા, લ્યુડો, સાપ-સીડી, ટાઈમ-બોમ્બ, સ્ક્રેબલ વગેરે. તમારે ત્યાં ગેમ્સ રમવી હોય તો એ લોકો તમને એક કલાકનાં ૫.૫૦ ડોલર ચાર્જ કરે અને જો તમે અમુક નક્કી કલાકો ગાળવા માગતાં હો તો તમે અમુક પેકેજ પણ લઈ શકો. જેમ કે, એક ડ્રીંક અને ૨ કલાકનાં ગેમિંગ માટે તમને એ લોકો ૧૩ ડોલરનું પેકેજ કરી આપે અને ત્યાર પછીની દરેક કલાક ઉપર ૨.૫ ડોલર લાગે. બેસવાની પણ બે જૂદા પ્રકારની વ્યવસ્થાઓ. તમે ટેબલ ખુરશી ઉપર બેસી શકો અથવા પહેલાંની જેમ જમીન પર ચટ્ટાઈ પાથરેલી હોય ત્યાં. એ પાટ પ્રમાણમાં નીચી છે અને ત્યાં આસપાસ ઘણાં બધાં તકીયા વગેરે છે જેનાં પર ટેકો રાખી શકીએ. હું બહુ ઓલ્ડ-સ્કૂલ મૂડમાં આવી ગઈ એ જોઇને એટલે અમે બધાંએ નીચે બેસવાનું નક્કી કર્યું. લગભગ અઢી કલાક જેવું અમે ત્યાં બેઠાં. ૧૧ વાગ્યે એ લોકોએ કાફે બંધ કરવાનું શરુ કર્યું ત્યારે અમે ત્યાંથી નીકળ્યા. (This cafe: http://www.cafemyriade.com.au/) વાત વાતમાં ત્યાંનાં મેનેજર સાથે ‘મેજિક ધ ગેધરિંગ’ નામની એક કાર્ડ ગેમની વાત નીકળી. મેજિક એ એક સ્ટ્રેટેજી ગેમ છે. આખી ગેમ તો અહીં સમજાવી નહીં શકું પણ એ ગેમનાં જૂદા જૂદા પત્તા બજારમાં ઉપલબ્ધ છે અને ગેમનો મોટો ભાગ તમારો પોતાનો ડેક બનાવવો એ છે. પ્રમાણમાં અઘરી હોવાથી આ ગેમ બહુ પ્રખ્યાત નથી. મેં સ્ટોર-મેનેજરને પૂછ્યું તેમની પાસે તેનાં પત્તા હોય તો. પણ, તેણે ના પાડી. પણ, એ પોતે મેજિક રમે છે એટલે અમે તેની વાત કરવાં લાગ્યાં અને તેણે મને કહ્યું કે, આવતી વખતે તું આવે ત્યારે તારાં મેજિકનાં પત્તા લઇ આવજે અને અમારી વેબ-સાઈટ પર જે એડ્રેસ છે તેનાં પર ઈ-મેઈલ કરી દેજે એટલે હું પણ મારાં પત્તા લાવીશ. ટૂંકમાં, મારું ત્યાં ફરી જવાનું નક્કી છે. મારાં રસની જગ્યા છે.

ગઈ કાલે અહીં ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન-કપ નામની એક ઘોડાંની રેસ હતી. આ વર્ષ એ આ રેસનું ૧૫૨મું સેલિબ્રેશન હતું. દર વર્ષે નવેમ્બર મહિનાનાં બીજા મંગળવારે મેલબર્ન શહેરમાં આ સ્પર્ધાનું આયોજન થાય છે. આ રેસને બધાં ‘અ રેસ ધેટ સ્ટોપ્સ ધ નેશન’ તરીકે ઓળખે છે. મેલબર્ન આખું આ દિવસે બંધ હોય છે અને મેલબર્ન સિવાયનાં શહેરોમાં પણ તેનું સેલિબ્રેશન થાય છે. ઓસ્ટ્રેલિયામાં જુગાર લીગલ છે. એટલે, ઘણાં બધાં લોકો પોતાની પસંદગીનાં એક કે વધુ ઘોડાંઓ પર બેટ લગાવતાં હોય છે. તેની ટિકિટ તમને કોઈ પણ ન્યૂઝ-પેપર એજન્સીમાંથી મળી જાય. રેસનો ટાઈમ પર્થમાં બપોરે ૧૨ વાગ્યાનો છે. એટલે ઘણી બધી ઓફિસમાં લગભગ સાડા અગ્યાર વાગ્યે લન્ચ-બ્રેક પડી જાય. કર્મચારીઓ માટે ઓફિસમાં ખોરાક અને પીણાંનું આયોજન થયું હોય ત્યાં બધાં ભેગાં થાય. ઘણી લો-ફર્મ તો કર્મચારીઓને હાફ-ડે આપે એટલે બધાં પોતાનાં સહ-કર્મચારીઓ સાથે પીવાનું શરુ કરે અને પછી જેને જેમ મન પડે તેમ પોતાનાં મિત્રો સાથે અન્ય વિવિધ પબ્સમાં જાય. દરેક કંપનીની પોતાની રીત હોય તેમ કર્મચારીઓ સેલીબ્રેટ કરે. ઘણી બધી ઓફિસોમાં બેસ્ટડ્રેસ્ડ મેલ-ફીમેલ-કપલ માટે પ્રાઈઝ હોય. મેલબર્ન કપ પ્રમાણમાં રજવાડી ઇવેન્ટ હોવાથી તેનો ડ્રેસ-કોડ પણ તેવો હોય છે. આ વખતનો ખરેખરાં કપનાં વેન્યુનો ડ્રેસ-કોડ મેં જોયો હતો. ૧૪ વર્ષ કે વધુ ઉંમરનાં મેલ માટે સૂટ, ટાઈ અથવા બો-ટાઈ અને ડ્રેસ-શૂઝ અને ૧૪ કે વધુ વર્ષની ફીમેલ માટે ‘એપ્રોપ્રિએટ’ ડ્રેસ (જેનો મતલબ સામાન્ય રીતે સારાં ફ્રોક, જેકેટ વગેરે થાય છે) અને માથા પર હેટ અથવા ફેસીનેટર (માથાં પર પેલું પીછાં જેવું પહેરે તે) અને ડ્રેસ સાથે મેચિંગ શૂઝ તેવો હોય છે. ઘણી ઓફિસમાં ડ્રેસ માટે કોમ્પીટીશન હોય એટલે લોકો ખરેખર કપ જોવા જાય ત્યારે જેવાં કપડાં પહેરે તેવાં કપડાં પહેરીને જતાં હોય છે. મેં ગઈ કાલે એક ટર્કોઈઝ કલરનો વન-પીસ ડ્રેસ અને માથાં પર ચમકતાં હીરાંનાં બ્રોચવાળી હેર-બેન્ડ પહેરી હતી અને બ્લેક હાઈ હીલ્સ. બહુ મજા આવી હતી. જો કે, રેસ જોયા પછી એવું લાગ્યું કે ઓવર-હાઈપ્ડ છે. રેસ આખી ૩ મિનિટ ચાલી :P. મેં ફરિયાદ કરી એટલે બધાં કહે, બસ આટલું જ હોય. આમાં જાજુ ન હોય. એટલે, મેં કહ્યું તો એમ રાખો બીજું શું? બાકી વાઈન, ફૂડ અને બધાં સાથે મળીને ટાઈમ-પાસ કરવાની મજા આવી.

ગઈ કાલે રાત્રે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટામાં મોટો લોટો થયો. ૧૦૦ મિલિયન ડોલરનો! મેં ક્યારેય લોટરીની ટિકિટ લીધી નથી અને મને નથી ખબર કે, આ કઇ રીતે થાય છે. પછી મારી એક સહ-કર્મચારી મે (Yes, her name is May) અમારાં રૂમમાં આવી. એ આખાં ફ્લોર પર બધાં પાસે જતી હતી જેને કોઈને ૫ ડોલર નાંખવા હોય લોટરી ટિકિટનાં ફાળે તેનાં માટે. બધાં મૂડમાં હતાં. મનેય મજા આવી. લગભગ બધાંએ પૈસા આપ્યાં. કોઈએ ના ન પાડી. કારણ કે, અમને બધાંને મજા આવતી હતી. પૈસા ભેગાં થયાં તેમાંથી તે લોકોએ ૩ ટિકિટ લીધી. વળી, પાછું ટિકિટ લેવાં ગયાં ત્યારેય બહુ હસ્યાં અમે. અમારી એક સહ-કર્મચારી દાનાને હાથે ટિકિટ લેવાનું નક્કી કર્યું. કારણ બહુ જોરદાર હતું. દાનાએ હમણાં કંઇક એકાદા એશિયન દેશમાં જઈને ગરીબ બાળકો માટે શાળાનાં બાંધકામનું સારું કામ કર્યું ૧૫ દિવસ માટે અને એ બાળકોને ભણાવવાનું વોલન્ટરી કામ કર્યું. એટલે, બધાં કહે તેનાં કર્મ સારાં છે એટલે જો તેનાં હાથે ટિકિટ લઈશું તો આપણને બધાંને તેનાં કર્મનો ફાયદો થઇ શકે :P. ગઈ કાલે સાંજે લોટો થયો અને અમે બધાં દરેક વ્યક્તિને ફાળે ૨.૮૦ ડોલર આવે તેટલું જીત્યાં. અમે બહુ હસ્યાં. પછી મેએ બધાંને વિકલ્પ આપ્યો. જેને ૨.૮૦ ડોલર જોઈતાં હોય તે મે પાસેથી લઇ શકે છે અને બાકીનાં આવતાં અઠવાડિયે ૨૧ મિલિયનની લોટરી છે તેની ટિકિટ ખરીદવામાં ફાળો આપી શકે છે. પાંચ ડોલર તો આમેય મેં ગયા ખાતે જ ગણ્યા હતાં. અને મજા આવતી હતી. એટલે મેં ૨૧ મિલિયનની ટિકિટમાં ફાળો આપવાનું નક્કી કર્યું છે. ફિંગર્સ ક્રોસ્ડ. ઈટ ઈઝ નોટ ઓવર યેટ! :D

આ થઇ મારાં લેટેસ્ટ નવાં અનુભવોની વાત. આ રવિવારે હું પહેલી વાર સિડની જાઉં છું. એક અઠવાડિયા માટે. સોમ-શાનિ સવારે ૯થી સાંજે ૭ સુધી ટ્રેનીંગ હશે. પણ, હું ત્યાં રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ પહોંચીશ એટલે રવિવારની બપોર અને સાંજ રખડવા મળશે અને એ જ રીતે આવતાં રવિવારે મારી ફ્લાઈટ સાંજે પાંચ વાગ્યાની છે. એટલે, શનિવાર સાંજ અને રવિવાર સવાર અને બપોર રખડવાનું. ટ્રાવેલિંગ એ નવી વાત નથી, પણ, આમાં નવું એ છે કે, હું સાવ એકલી જાઉં છું. એક એવાં શહેરમાં જ્યાં હું કોઈને ઓળખતી નથી પહેલેથી. ફરીશ કે જે કંઈ કરીશ એ સાવ એકલાં કરીશ. અત્યાર સુધી ક્યારેય મેં કોઈ પબ-ક્લબમાં સાવ એકલાં પગ નથી મૂક્યો. ગઈ હોઉં ત્યારે ઓછાંમાં ઓછાં એક મિત્ર સાથે ગઈ હોઉં. પણ, સિડનીમાં આ નિયમ તોડવાની ઈચ્છા છે. જોઈએ હવે કે, એટલી હિંમત હું કેળવી શકું છું કે નહીં. આ અનુભવ બહુ નવો અને બહુ યાદગાર હશે તેવું અનુમાન કરું છું. હવે એ સારી રીતે નવો હોય કે થોડી ઓછી સારી રીતે એ તો સમય જ કહેશે.

Traveller’s curse

નિબંધ, પ્રવાસ

‘Traveller’s curse” – a friend of mine shared something with this title a while ago. It caught my attention immediately. Turns out it’s actually a reply to somebody’s thread up on Reddit! Funny how you find awesome stuff at most random places. The section below is translation of that one what I read a while ago.


તમે ક્યારેય પ્રવાસીનાં અભિશાપ વિશે સાંભળ્યું છે?

સાંઠેક વર્ષનાં એક ઘરડાં રખડુ પ્રવાસીએ મને મધ્ય-અમેરિકામાં બીયર પીતાં વાત કરી હતી જે કંઇક આવી છે …

“તમે જેટલી વધુ જગ્યાઓ જુઓ, તેમ વધુ અને વધુ વસ્તુઓ તમને ગમવાની છે. અપીલ કરવાની છે. પણ, કોઈ એક જગ્યાએ એ બધું જ હોય તેવું નહીં બને. ખરેખર તો દરેક નવી જગ્યાએ જશો તેમ તમને ગમતી બાબતો ઓછી ને ઓછી જોવા મળતી હોય તેવું લાગશે. અને છતાંયે જેમ વધુ જગ્યાઓ જોશો તેમ એ મુલાકાતો તમને પ્રબુદ્ધ રીતે (સબ-કોન્શિયસલી) પણ વધુ ને વધુ શોધવા માટે પ્રેરશે, એક ખાસ જગ્યા. ખાસ જગ્યા એટલે પરફેક્ટ જગ્યા એવું નહીં (આપણને બધાંને ખબર છે કે, શાન્ગરી-લા અસ્તિત્ત્વ નથી ધરાવતું) પણ, એવી જગ્યા જે તમારાં પોતાનાં માટે પરફેક્ટ હોય. Just a place that’s ‘just right’ for you. પણ, અભિશાપ એ છે કે, જેમ વધુ ને વધુ જગ્યાઓ જોતાં જશો અને વધુ અનુભવ કરતાં જશો તેમ આ પરફેક્ટ જગ્યાનું અસ્તિત્ત્વ હોવાની શક્યતાઓ પણ તમારાં માટે એક પછી એક ઘટતી જશે. વધશે નહીં. અને એટલે તમારી એ જગ્યા શોધવાની તલબ અને પ્રયત્નો પણ વધતાં જશે. આ એ શાપનો પ્રથમ ભાગ છે.

બીજો ભાગ છે, સંબંધો. જેમ વધુ પ્રવાસ કરશો તેમ ઘણાં બધાં લોકો સાથે, વિવિધ પ્રકારની ગહનતા ધરાવતાં સંબંધો બંધાતા જશે. પણ, જેટલાં વધુ માણસો સાથે સંબંધો બંધાશે તેમ તે દરેક વ્યક્તિ સાથેનો તમારો સમય છૂટો-છવાયો અને વહેંચાઇ ગયેલો લાગશે. વળી, એ બધાં લોકો તમારી સાથે પ્રવાસ નહીં કરી શકે એટલે જેમ વધુ પ્રવાસ કરો તેમ તેમ આ બધાં સંબંધો લાંબા સમય સુધી કેળવવા અઘરાં પડી જશે. પણ, છતાંયે તમે ફરતાં રહેશો અને નવાં નવાં અદ્ભુત માણસોને મળતાં રહેશો અને એટલે તમને સારું લાગ્યાં કરશે. પણ, સમય જતાં તમે તે બધાંને મિસ કરશો અને ઘણાં તેમનાં જીવનમાં તમારાં અસ્તિત્ત્વને ભૂલી પણ જશે. પછી તમે એ બધાંનું સાટું વાળશો અને ક્યાંક વધુ લાંબો સમય રહેવાનું નક્કી કરશો અને લાંબો સમય સુધી જાળવી શકો તેવાં મજબૂત સંબંધો કેળવશો. પણ, એ માણસોને ક્યારેય ખબર નહીં પડે જે તમે જાણો છો અને તમે જોયું છે તે તેમણે ક્યારેય નહીં જોયું હોય અને તમે હંમેશા જરાસરખી એકલતા અનુભવશો. પોતાની કહાનીઓ કહેવાની તમારી ઈચ્છા, તેમની સાંભળવાની ઈચ્છા કરતાં જરાસરખી વધુ રહેશે. આ વાત એ શાપનો ભાગ એટલા માટે છે કે, જેમ વધુ ટ્રાવેલ કરતાં જાઓ તેમ આ વધુ ને વધુ બગડતું જશે અને છતાંયે અમુક સમય સુધી તમને વધુ ટ્રાવેલ કરવું એ જ આનો એકમાત્ર ઈલાજ લાગશે.

આમાંનું કશું જ કહેવાનો મતલબ એ નથી કે, તમારે ટ્રાવેલ કરવાનું ઘટાડવું જોઈએ. આ યુવાન ટ્રાવેલર્સ માટે ફક્ત એક ચેતવણી છે કે, તેઓ ટ્રાવેલિંગની બહુ રસપ્રદ જિંદગીની કિંમતરૂપે જરાસરખી દુઃખ અને એકલતાવાળી જિંદગીની અપેક્ષા રાખે. વળી, એ નોંધવું રહ્યું કે આ લાગણી એવી જ છે જેવી કોઈ સામાન્ય વ્યક્તિને તેનાં જીવનનાં કોઈ બહુ સ્પેશિયલ ભાગની યાદગીરી હોય. ફક્ત એક હજારગણી વધુ.”


કોઈ કહેશે કે, હવે તો આવું નથી રહ્યું અને ટેકનોલોજી આગળ વધી ગઈ છે વગેરે વગેરે. ફ્લાઈટ્સની ફ્રિકવન્સી વધવાને કારણે ઈચ્છો ત્યારે ઈચ્છો ત્યાં પાછાં જઈ શકો છો અને ઘરે જઈ શકો છો. ખરેખર? મારો પ્રશ્ન એ છે કે, જો તમે ખરેખર પ્રવાસ કરવાં ઈચ્છો જ છો તો તમે આવું કરવા માગશો ખરાં?  જો આવું કરશો તો તમે ન તો તમારાં ટ્રાવેલને જસ્ટીફાઈ કરી શકશો અને ન તો ઘરે પાછાં જવાને. વળી, જેમની સાથે બહુ ગહેરા સંબંધો બંધાયાં છે તેમની સાથે ફોન પર વાત કરી શકશો કે વધી વધીને વિડીયો ચાટ. પણ, આ પ્રવૃત્તિઓ ખરેખર શું એ વ્યક્તિની ગેરહાજરી પૂરી શકે? તમે તેને ભેટી ન શકો. બસ્કિન-રોબીન્સ્માં જઈને આઈસ-ક્રીમનું એક ટબ શેર ન કરી શકો કે તેને લઈને બારમાં ન જઈ શકો.

અને એટલે આ ટેકનોલોજીએ ઉપરોક્ત પરિસ્થિતિ બદલ્યાની શક્ય દલીલ મને વ્યાજબી નથી લાગતી. જેમ જેમ જગ્યાઓ ફેરવો તેમ સંબંધો દૂર થતાં જાય છે. ઘર ફેરવો તો પડોશી સાથેય પહેલાં જેવું નથી રહેતું. તો, શહેર/દેશ ફેરવો તો મિત્રો/વહાલાંઓ/પ્રેમી સાથે કેમ રહે?

બદલાતાં આયામ

નિબંધ

ભગવાનની આપણે ત્યાં બોલ-બાલા છે. બાળક જન્મે ત્યારે છટ્ઠીમાં ભગવાન, જન્મ-દિવસોએ ભગવાન, સ્કૂલમાં અઠવાડિયાનાં છ દિવસ, દિવસમાં બે વખત પ્રાર્થના, માતા-પિતા-મિત્રો-શિક્ષકો,-કાકા-મામા-દાદા-બા બધાંનાં મોં પર ભગવાન. ભારતમાં જન્મતા દરેક બાળકની ગર્ભનાળ સાથે ભગવાન હોવાની માન્યતા ફ્રીમાં આવે છે. ગર્ભનાળ તો તોય કપાઈ જાય છે પણ સમય જાય તેમ આ ‘ભગવાન છે’ તે તો વધુ ને વધુ દ્રઢ થાય છે … કરાવવામાં આવે છે. (‘ઓ માય ગોડ’ મેં નથી જોયું હજુ. આ લેખ એ રેલાનો ભાગ નથી. ચિંતા ન કરતાં!) ભલે, મોટાં ભાગે ધાર્મિક કટ્ટરતાની રીતે એ વાત નથી શીખવવામાં આવતી. સેક્યુલર રીતે પણ અંતે તો એક ભગવાન છે એવું શીખવવામાં આવે જ છે. રામકૃષ્ણની પેલી બધી નદીઓનાં પાણી એક સમુદ્રમાં ભળે છે તેવી દ્રષ્ટાંતરૂપ વાર્તાઓ. ‘રીલીજીયસનેસ’ દ્રઢ ન હોય તો પણ ‘સ્પિરિચુઅલિઝમ’ તો દ્રઢ બને જ છે. આવું જ્યાં બધાં જ માને, છે ત્યાં એક સામાન્ય બાળક માટે આ સત્ય તેનાં જીવનમાં વણાઈ જાય છે. મારાં જીવનમાં પણ વાણાયું અને બહુ સજ્જડ રીતે વાણાયું.

ધીમે-ધીમે એક પછી એક પછી એક જેમ એક વયસ્ક વિચારશીલ વ્યક્તિ બની તેમ મારી પોતાની માન્યતાઓ વિરુદ્ધ સવાલ થવા લાગ્યા. ઉપરથી જેમ જેમ વધુ જાણતી ગઈ તેમ તેમ આ સવાલો વધવા લાગ્યાં. ગણેશ જેવાં હાથીનાં મસ્તક અને મનુષ્યનાં શરીરવાળા બહુ સુંદર ક્રિએટિવ ભગવાનની કલ્પનાનો વિચાર મૂળભૂત રીતે જાપાનમાંથી ભારત તરફ આવ્યાનું જાણ્યું, દેવીભાગવતનાં બહુ સુંદર સાહિત્યિક વર્ણનો વાંચ્યા જે વધી વધીને એક હિરોઈનની વાત કરે છે – તેનું કેરેક્ટર શક્તિશાળી, બુદ્ધિશાળી અને સૌંદર્યવાન છે, બાઈબલનાં સેલ્ફ-કોન્ટ્રાડિક્ટિંગ વર્સિસ, ઇસ્લામમાં લખાયેલું ઘણું બધું, જેમ જેમ તટસ્થ જાણકારીનો વ્યાપ વધતો ગયો તેમ ભગવાન હોવાની માન્યતાઓ સામે વધુ ને વધુ પ્રશ્નો થતાં ગયાં. “શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાઓની શી જરૂર” વાળી વાત બરાબર છે. પણ, એ ફક્ત જ્યાં સુધી પુરાવાઓ ન મળે ત્યાં સુધી! પુરાવાઓ સામે હોય ત્યારે શું?

ઘણાં લોકોને મેં એ સાંટા-ક્લોઝની વાત પર ચર્ચા કરતાં સાંભળ્યાં છે. તેઓ કહે છે કે, બાળકોને તેમનું આખું બાળપણ એમ કહેવામાં આવે કે સાંટા-ક્લોઝ અસ્તિત્ત્વ ધરાવે છે, તે બાળકને જ્યારે મોટાં થયે ખબર પડે કે, આ વાત સત્ય નથી ત્યારે તેમને મનોવૈજ્ઞાનિક રીતે બહુ ખરાબ લાગતું હોય છે. ઝાટકો લાગતો હોય છે. આવું કેમ કોઈ ભગવાન હોવા વિશે નથી કહેતાં? વાત તો એક જ થઇ ને? તર્ક નથી લગાવતી. આવું ખરેખર થયું છે. મને ભગવાન હોવાં વિશે પ્રશ્નો થયાં ત્યાં આ વાત અટકતી નથી. ભગવાન નામનાં જે સત્ય સાથે હું ૧૮ વર્ષ જીવી અને મોટી થઇ, જેની આસ-પાસ મારાં જીવનનાં ઘણાં યાદગાર/અગત્યનાં પ્રસંગો ફર્યાં, એ બધાં જાણે એક પછી એક ખોટાં પાડવા લાગ્યાં છે. ભલે સાંટા-ક્લોઝની જેમ ભગવાન આખેઆખો કાલ્પનિક છે તેવું દ્રઢ નથી થયું. પણ, ભગવાન છે જ તેવું માનીને જે જીવન મેં જીવ્યું છે તે ખોટું પાડવા લાગ્યું છે જ્યારથી એ જાણ્યું છે કે ‘ભગવાન છે’ – આ ‘સત્ય’ નથી પણ ‘ચર્ચા’ છે. મારાંથી સત્ય સામે આંખ આડા કાન નથી થતાં અને સત્ય જાણીને જાણે મારાં ઉછેરને ખોટો પાડતી હોઉં તેવો અપરાધબોધ અનુભવાય છે. આ પરિસ્થિતિમાં મારાં જેવી વ્યક્તિ માટે બે ચોઈસ છે, કાં તો સત્યને સ્વીકારીને ધીમે ધીમે મારી માન્યતાઓનું ખંડન થતાં જોઉં અને મારા ઉછેર સામે દગો કર્યાની ભાવનાએ જીવું અથવા તો સેક્યુલર રહીને જાણ્યા છતાંયે અજાણ બનું અને મારી જિજ્ઞાસાવૃત્તિનું ગળું દબાવીને જાણકારી હોવાં છતાંયે એક જીદ્દી, પરાણે મૂર્ખ રહેવાં માંગતાં અને દરેકનાં ઓપિનિયન અલગ-અલગ હોય તેવી પલાયનવાદી જડ દલીલ કર્યા કરું મૂઢ-મતિ રહીને.

વૈચારિક રીતે જ નહીં, રોજ-બરોજની જિંદગીમાં પણ આ વાત પ્રસ્તુત છે. હું ભગવાન છે તેનો સ્વીકાર પણ નથી કરતી અને અસ્વીકાર પણ નહીં. પણ, છતાંયે અસ્વીકાર તરફ વધુ ઝૂકાવ છે. આવી પરિસ્થિતિમાં જ્યારે હવે ઘરે જઈશ ત્યારે મમ્મી કથા રાખશે અથવા કંઇક ને કંઇક ધાર્મિક પ્રવૃત્તિ રાખશે. તેમાં બેસું છું તો ખોટું બોલું છું અને નથી બેસતી તો મમ્મી રોશે કદાચ. પપ્પાને પણ બહુ દુઃખ થશે. આ વાત તો વધુ અસહ્ય બનશે. એટલે અંતે ખોટું બોલવાનું નક્કી કરું છું. જાતને દગો દઈશ.

એવી જ પરિસ્થિતિ લગ્નની બાબતની છે. ફિલ્મોએ અને ધર્મએ સમાજમાં ઠોકી બેસાડ્યું છે કે સાથીદારી લગ્નની મહોતાજ છે. વાર્તાઓમાં, નવલકથાઓમાં લગ્ન કરવાં અને લગ્ન થવાંની વાત પર ‘પ્રેમ’ આવીને અટકે છે. ફક્ત હિન્દુસ્તાની નહીં. પશ્ચિમી સાહિત્ય અને સંસ્કૃતિમાં પણ ટ્રેડીશનલી આવું જ છે. ધીમે ધીમે નવી દુનીયાઓની ખબર પડે છે તેમ મને આત્મજ્ઞાન થાય છે કે, લગ્ન જરૂરી નથી. તમારે સાથે રહેવું છે? બાળકો જોઈએ છે? બધું લગ્ન વિના પણ એટલી જ સરળતાથી થાય છે. હા, વિઝા કે ઘર ખરીદવા માટે પાર્ટનર સાથે લગ્નનો દસ્તાવેજ હોય તો ઘણી પ્રોસેસ વધુ સરળ બને છે. પણ, ધેટ્સ ઈટ. લગ્ન એ ધાર્મિક, સામાજિક અને કાયદાકીય ઇન્સ્ટીટયુશન સિવાય બીજું કશું જ નથી. અહીં તો જો કે, કોઈ પરવાહ નથી કરતું. એટલું બધું જજ નથી કરતું. પણ, આપણાં જેવાં રૂઢીચુસ્ત સમાજમાં લગ્ન એ પાર્ટનર તરીકે સાથે રહી શકવાની પૂર્વ-શરત છે. સાચું કહું તો, હું જો ભારત હોઉં તો કદાચ લગ્ન બાબતે આટલાં સવાલ પણ ન કરું. બધાં પૂછી પૂછીને મારું મગજ બગાડે અને કંઈ કામ ન કરવા દે અમુક વર્ષો સુધી તો અને જેટલાં શહેર બદલું ત્યાં બધે આ ને આ સવાલ આવીને ઊભો રહે જે મને હેરાન કરી મૂકે.

પણ, વાત એ છે કે હવે હું ત્યાં નથી! જીવનનાં ટેમ્પ્લેટ નથી હોતાં એ જાણી ચૂકી છું. હું લગ્નનાં ઇન્સ્ટીટયુશનમાં ઉપર જણાવેલી બે પરિસ્થિતિ સિવાયનાં ત્રીજા કોઈ કારણસર બંધાઉં તેની શક્યતા નહિવત્ છે. સાથીદારી મારાં માટે ચોઈસની વસ્તુ છે. મારે તારી સાથે અને તારે મારી સાથે આખી જિંદગી રહેવું જ છે તો રહીશું. કોન્ટ્રાક્ટ પર સહી કરાવવી પડે તેટલી બધી જ શંકા હોય તો કદાચ હું ૧૦૦% ખાતરીપૂર્વક તેની સાથે રહેવાં નથી માગતી અને મને ખાતરી નથી કે તે મારી સાથે રહેશે જ. લગ્નમાં થોડો તો થોડો પણ ફોર્સ છે. અને જ્યાં ફોર્સ હોય, ચોઈસ ન હોય ત્યાં જ વફાદારી ડગમગવાનો સવાલ પેદા થાય છે. મારાં જેવી વ્યક્તિ મારો સાથી મારી સાથે તેની ચોઈસથી છે તેની ખાતરી ન હોય ત્યાં સુધી ખુશ ન રહી શકે. ઇન્સીક્યોરીટી જેવી વાતો મારાં મગજમાં બહુ ઝટ દઈને આવતી જ નથી. હું આઝાદીમાં માનું છું. સંપૂર્ણ આઝાદીમાં.

આનંદ એ લઘુતમ સામાન્ય અવયવ નથી. જીવનમાં શું કરી શકો અને શું ન કરી શકો તેની કોઈ સાચી બાઉન્ડ્રી નથી. જે છે એ કાલ્પનિક અને મૃગજળ જેવી છે જેને સત્ય માનીને મોટાં ભાગનાં લોકો જીવે છે. જીવનની એક નહીં ૧૦૦૦ રીતો છે અને એટલે જ આખી દુનિયાને જે આનંદ આપશે એ મને પણ આપશે તેવું માનીને જીવવું એ મૂર્ખામી છે. આ બધાં મારાં વેક-અપ કોલ છે. પરિમાણો સતત બદલાયાં કરે છે. દર છ મહિને હું નવી હોઉં છું એક વ્યક્તિ તરીકે. અને આ બધું એવી રીતે થાય છે કે, ભીડમાં નિરીક્ષણ થાય છે, મિત્રો અને સંબંધીઓનાં ઈન્ટરેક્શનથી આ બધું મારી આસ-પાસ રહેલાં લોકોનાં જીવનમાં જ – રોજબરોજનાં જીવનમાં જ કેટલું પ્રસ્તુત છે તેનો અહેસાસ થાય છે અને એકાંતમાં ચિંતન.

કદાચ અહીંથી જ આંતરખોજની શરૂઆત થાય છે. આ એક મોટું કારણ છે ટ્રાવેલિંગનાં ગાંડપણનું. જેટલાં વધુ પ્રકારનાં અને નાના-મોટાં, પ્રખ્યાત- અનજાન, કલાકાર-ધંધાદાર, કાળા-ગોરાં-પીળા-બ્રાઉન, વિવિધ ભાષા અને ખોરાક ધરાવતાં લોકોને મળવાનું મન થશે, જીવનની ક્ષિતિજ એટલી જ વિસ્તરતી જશે. પરિમાણોનાં બદલાવ જે સમયે પરિવર્તન આવી રહ્યું હોય એ સમયે બહુ પીડાદાયક છે. મને તોડી મૂકે છે. પણ, દરેક વખતે એક વધુ નક્કર વ્યક્તિને ઊભી કરે છે. ફરી-ફરીને તોડે છે અને વધુ ને વધુ નક્કર બનાવે છે. જ્યારથી એક દુનિયામાંથી બહાર નીકળીને આ બીજી દુનિયામાં આવી છું ત્યારથી જ આ બાબત થવા લાગી છે. અને હવે તેનો એવો ચસ્કો લાગ્યો છે કે, વધુ ને વધુ દુનિયા જોવાનું મન થયું છે જેથી વધુ ને વધુ લોકોને મળી શકું. જીવન જોઈ શકું. The more I have started knowing, the more I want to know.

એશિયા – સાંસ્કૃતિક સમાનતા અને ભિન્નતા

નિબંધ

એક વાત બહુ વિચિત્ર છે. અન્ય ભારતીયો વિષે અને અન્ય ભારતીયોની સંસ્કૃતિ અને રહેણી-કરણી વિશે મને ભારતમાં રહીને હતી તેનાં કરતાં વધુ ખબર અહીં આવીને પડી. ગયા વર્ષે એક સિંગાપોરિયાન દક્ષિણ ભારતીય ગ્રૂપ સાથે રખડવાનું થતું. તેમની વાત પરથી ખબર પડી કે, સાઉથ ઇન્ડિયન હિંદુઓમાં મુરુગન એ અગત્યનાં પૂજનીય દેવતા છે. તેમનાં કહેવા મુજબ મુરુગન એટલે કાર્તિકેય. શિવ, પાર્વતી અને ગણેશ સાથે જ તેઓ કાર્તિકેયની પણ તેટલી જ કે કદાચ વધુ શ્રદ્ધાથી આરાધના કરે છે. કાર્તિકેય અને ગણેશમાં મોટું કોણ એ પણ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં આજે પહેલાં કાર્તિકેય અને પછી ગણેશ જન્મ્યાં હોવાનું મનાય છે પણ દક્ષિણનાં ઘણાં સાહિત્યમાં પહેલાં ગણેશ અને પછી કાર્તિકેયનો ઉલ્લેખ છે. ગણેશ જેવાં જ દેખાવનું એક માઈથોલોજીકલ કેરેક્ટર જાપાનમાં અસ્તિત્ત્વ ધરાવે છે. ફર્ક ફક્ત એટલો છે કે, જાપાનની માઈથોલોજીમાં એ કેરેક્ટર એક રાક્ષસ છે.

એ જ રીતે જેમ ગુજરાતી માઈથોલોજીમાં ખોડિયારનું અસ્તિત્ત્વ છે, તેને મળતી આવતી એક દેવી અખિલાન્ડેશ્વરી સાઉથમાં પૂજાય છે. ખોડિયાર જેવી કોઈ દેવીનો ઉલ્લેખ મેં બીજાં કોઈ પણ પ્રાંતનાં સાહિત્યમાં હોવાનું નથી સાંભળ્યું. ખોડિયારનાં વાહનને આપણે ‘મગર’ તરીકે ઓળખીએ છીએ અને આપણી ભાષામાં મગર એટલે crocodile. પણ, સાઉથમાં અખિલાન્ડેશ્વરીનું વાહન છે’મકર’. ઘણાં સાહિત્યમાં ‘મકર’ એક હાઇબ્રિડ જીવ છે જેનું શરીર માછલીનું અને માથું હાથીનું છે અને ઘણી જગ્યાએ મકરનો ઉલ્લેખ crocodileનાં જ અર્થમાં છે. છે ને વિચિત્ર? આ મકર પરથી જ મગર શબ્દ આવ્યો હશે?  તમિળમાં ‘સંડાલ’ એ એક ગાળ છે જેનો મતલબ એ નામની એક નીચી જ્ઞાતિ તેવો થાય છે. આનો સીધો મતલબ ‘ચંડાળ’ શબ્દ સાથે હોવો જોઈએ કદાચ. ‘પારિયા’ એ તેવો જ એક બીજો શબ્દ છે. પારિયા (પરાયા સાથે સંબંધ?) પણ તેમનાંમાં ગણાતી એક નીચલી જ્ઞાતિ છે અને તે ગાળ ગણાય છે. સિંગાપોર/મલેશિયન સાઉથ ઇન્ડિયન્સ ચાઇનીઝ લોકોને ‘મંજન’ કહે છે. મંજન એટલે પીળું (હેહેહે કોણ બોલ્યું ‘રેસીસ્ટ’? :D) ‘ળ’ અક્ષરનું અસ્તિત્ત્વ દક્ષિણથી શરુ થઈને ગુજરાત-રાજસ્થાન સુધી જ છે. બાકી ક્યાંયે ‘ળ’ અસ્તિત્ત્વ નથી ધરાવતો. પણ, જોવાનું એ છે કે, મહારાષ્ટ્ર સુધીનાં વિસ્તારમાં ‘ળ’નો ઉચ્ચાર આપણાં કરતાં બહુ અલગ છે. આપણે ત્યાં હવે ‘ળ’ એ સોફ્ટ ‘ડ’ જેવો જ થઇ ગયો છે. પણ, સાઉથ ઇન્ડિયન ભાષાઓ અને મરાઠીમાં ‘ળ’ થોડો ‘ડ’થી વધુ આઘો છે- જાણે ‘ય’ અને ‘ડ’ જોડીને બનાવ્યો હોય તેવો.

ઇન્ડોનેશિયામાં રામાયણની નૃત્યનાટિકાઓ થાય છે. પણ, રામાયણનું તેમનું વર્ઝન બહુ અલગ છે.ઈન્ડોનેશિયનનોનાં નામ પહેલી નજરે ઓરિસ્સા કે બંગાળનાં લોકો જેવાં લાગે તેવાં છે. મારાં એક કલીગનું નામ અરિક છે અને તેમનાં ભાઈઓનાં નામ અનિક, અભિક વગેરે. કુસુમા, ઇન્દ્રવન વગેરે નામ પણ તેમનાંમાં  મેં જોયા છે. આ નામ વાંચીને તરત ખબર પડે છે કે તેમની સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિનો એક સમયે બહુ પ્રભાવ રહ્યો હશે. દક્ષિણ ભારતનાં ચોલ રાજવીઓનું રાજ એશિયા સુધી પહોંચી ગયાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત થાઈ રામાયણમાં હનુમાનની ગર્લફ્રેન્ડ્સ હોવાનો અને સ્ત્રીઓ સાથેનાં તેમનાં સંબંધનો ઉલ્લેખ છે. આપણે ત્યાં માઈથોલોજીમાં હનુમાનનું પાત્ર ક્યારેય કોઈ સ્ત્રી સાથે સંકળાયેલું સાંભળ્યું નથી. સમગ્ર ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. તેમાં ફક્ત બાલિ એક જ હિન્દૂ વિસ્તાર છે.

આપણે જેને શાક/તરકારી/સબ્જી કહીએ છીએ તેને સાઉથ ઇન્ડિયન્સ ‘કરી’ કહે છે. આપણી પાસે દરેક પ્રકારનાં શાક માટે જેમ સામાન્ય એક શબ્દ છે એમ તે લોકો પાસે નથી. હવે આ કરી શબ્દ પણ સાઉથ ઇન્ડિયાએ ઇંગ્લૅંન્ડને આપ્યો કે ઈંગ્લૅન્ડે સાઉથને એ ખબર નથી. કદાચ એટલે આખી દુનિયામાં આપણાં શાક / સબ્જી માટે ‘કરી’ શબ્દ પ્રખ્યાત થઇ ગયો છે. આ ‘શાક’ શબ્દ પણ રસપ્રદ છે. આપણી ભાષામાં એ મિડલ-ઈસ્ટથી આવ્યો હોવાની પૂરી શક્યતા છે. એક મોરોક્કન વાનગીનું નામ છે ‘શાક શુકા’ – તેનો દેખાવ અને સુગંધ એવાં કે, એકદમ ટામેટાંની ગ્રેવીમાં પકાવેલું મિક્સ શાક જોઈ લો.

રેહાન અને રિઝવાન નામનાં બે પાકિસ્તાની ભાઈઓ મારાં મિત્રો છે. તેઓનાં નાનીમા લખનૌનાં હતાં અને દાદીમા લાહોરનાં. તે બંને ભાઈઓ પંજાબી લઢણનું હિન્દી બોલે છે. એ તેમની માતૃભાષા છે. તેમની સાથે જ્યારે પણ વાત થાય ત્યારે એવું જ લાગે કે હું કોઈ ભારતીય સાથે જ વાત કરું છું. અમે એક-બીજા સાથે સંગીત વગેરે પણ શેર કરતાં રહેતાં હોઈએ છીએ. ખાસ હું અને રિઝવાન. રેહાન અને રિઝવાન સાથેની ઓળખાણે  ખાતરી કરાવી દીધી છે કે, ભારત અને પાકિસ્તાન ખરેખર એક જ છે. અત્યાર સુધી ફક્ત ફિલ્મોમાં જોયું/સાંભળ્યું હતું. પણ, હવે તો ફર્સ્ટ હેન્ડ એક્સપીરીયંસ થઇ ગયો! એ જ રીતે બાંગ્લાદેશીઓ પણ! અમારી યુનીવર્સીટીનાં એક ખુલ્લા ઘાસનાં મેદાનમાં ઘણી વખત રવિવારે આ બાંગ્લાદેશીઓનો મેળો લાગતો. ઘણી બધી ચીજ-વસ્તુઓનાં નાના હાટ વગેરે. તેમને પહેલી વાર જોયા ત્યારે એવું જ લાગ્યું હતું કે બંગાળી સમાજનું કૈંક હશે.

રિદ્ધિ નામની મારી એક મિત્ર છે. એ છે પંજાબી પણ તે કલકત્તામાં જન્મેલી અને મોટી થયેલી છે. તેને આ વર્ષે દુર્ગા-પૂજામાં જવાનું બહુ મન હતું. મેં પણ ક્યારેય દુર્ગા-પૂજા જોઈ નહોતી અને મારે જોવી હતી એટલે મેં તેની સાથે જવાની હા પાડી અને ગઈ કાલે રાત્રે અમે દુર્ગા-પૂજાનાં ફંકશનમાં ગયા હતાં. મને એમ થયું કે જો બંગાળી ફંક્શનમાં જાઉં જ છું તો  થોડું તેવું જ તૈયાર પણ થાઉં. એ ‘બ્લેન્ડ-ઇન’ થવાવાળો ફોર્મ્યુલા એવો સક્સેસફુલ રહ્યો કે, બે ત્રણ સ્ત્રીઓ ત્યાં મારી સાથે બંગાળીમાં વાત કરવા લાગી. પછી અમે હસ્યાં અને તેમને કહેવું પડ્યું કે, હું બંગાળી નથી :D.

શરાબ અને સંસ્કૃતિ – ૨

નિબંધ

આગળનાં લેખમાં આપણે વાત કરી ‘સોશિયલ ડ્રિન્ક્સ’ની. હવે વાત કરીએ ‘ડ્રિન્ક્સ ટુ ગેટ ડ્રંક’ની. સોશીયાલાઈઝીંગનો એક પ્રકાર ‘પાર્ટીઝ’ પણ છે. હા, સાથે ફરવામાં, બેસવામાં અને શાંતિથી વાત કરી શકીએ તેવી જગ્યાએ મજા તો આવે પણ, વીકેન્ડ હોય, અને જવાન મિત્રો હોય ત્યારે મૂડ બને તો ક્લબમાં જવાનું, ગ્રૂવી મ્યુઝિક પર ૪-૫ ઠેકડા મારવાનું, પીને ટલ્લી થવાનું એવું બધું પણ થાય. ડાન્સ અને મ્યુઝિક એ કલબનો એક મોટામાં મોટો ભાગ છે. સામાન્ય રીતે ક્લબિંગ શરુ કરવા માટેનો સારામાં સારો સમય રાત્રે ૧૦ પછી અને થાકો નહીં ત્યાં સુધી તેવો હોય છે. ગયા વર્ષે એકાદ વખત સવારે ૬ વાગ્યે ઘરે આવ્યાનું યાદ છે અને એક વખત હાઉઝ-મેટ્સ સાથે બેસીને સૂરજ ઊગતો જોયાનું અને ત્યાં સુધી ઘરનાં બેકયાર્ડમાં બેસીને દારૂ પીધાનું યાદ છે.  પણ, એ બધું અંતે તો કંપની પર આધાર રાખે છે. જો મોજીલા મિત્રો હોય તો વાતો, પીવાનું, નાચવાનું બધું ચાલુ રહે. પણ, કંટાળો આવવા માંડે તો પછી ઊંઘ પણ આવવા માંડે અને રાત્રે ૨ પણ ન વાગ્યા હોય ‘ને રાત ખતમ થઇ જાય. બધાં ઘરે આવીને ઊંઘી જાય (ઘણી વખત એકલા, ઘણી વખત નહીં ;) ). આ ઉપરાંત હાઉઝ પાર્ટીઝ! સેલિબ્રેશન કે એવું કઈ હોય અને બધાં મિત્રો ટલ્લી થવાનું નક્કી કરે ત્યારે આપણે જેને ‘સ્પિરિટ્સ’ તરીકે ઓળખીએ છીએ તે પિકચરમાં આવે.

જે ન જાણતા હોય તેમનાં માટે, આલ્કોહોલનાં મુખ્ય ત્રણ પ્રકાર છે: બિયર, વાઈન અને સ્પિરિટ્સ. સ્પિરિટ્સમાં વિસ્કી (તેનાં ત્રણ પ્રકાર: સ્કોચ, બર્બન અને અન્ય વિસ્કી) સૌથી વધુ પ્રખ્યાત છે. વિસ્કી જો કે, અહીં કોઈને સરખી પીતા નથી આવડતી. સારી વિસ્કી નીટ અથવા ઓન ધ રોક્સ (બરફ સાથે) પીવાની વસ્તુ છે. પણ, અહીં ગમે તે હોય તેની સાથે માણસો સીધી કોકા-કોલા માંગે, મિક્સ કરવા માટે. If someone says they love whiskey and next they mix Black Label with coke, shoot them! :P જો કે, એ નીટ પીવાનું ફક્ત ‘સારી’ વિસ્કી માટે લાગુ પડે છે. જેક ડેનિયલ તો પાછી કોકા-કોલા સાથે મિક્સ કરીને જ પીવાની વસ્તુ છે! આ ઉપરાંત ‘જિંજર એલ’ નામનું એક કોકા કોલા જેવું કાર્બનેેટેડ ડ્રિંન્ક આવે છે જેનાં વિષે ઘણાં લોકોને કદાચ ખબર નહીં હોય. પણ, એ પણ વિસ્કી સાથે મિક્સ કરી શકાય. હું વિસ્કી સાથે કોકા કોલાને બદલે હંમેશા જિંજર એલ જ પસંદ કરું છું. તેની એક ખૂબી એ છે કે,એ ગળ્યું નથી એટલે વિસ્કીનાં સ્વાદને જાળવી રાખે અને તેમાં નકામી ગળાશ ન ઉમેરે, ફક્ત એ સ્વાદને થોડો માઈલ્ડ બનાવે. વિસ્કીની બીજી એક ખૂબી એ છે કે, એ ફક્ત ‘પાર્ટી’ ડ્રિંક નથી કે નથી ફક્ત ‘સોશિયલ’ ડ્રિંક. તમે વિસ્કીને શાંતિથી મિત્રો સાથે ગપ્પા મારતા પણ પી શકો અને ક્લબમાં ઠેકડા મારતાં પણ!

પણ યુવાન લોકો આજ કાલ કલબ્સમાં વિસ્કી નથી પીતા. તો શું પીએ છે? બહુ બધી અલગ અલગ ચીજો. શરૂઆત કરું વોડ્કાથી! વોડ્કા-રેડબુલ (રેડબુલ એનર્જી ડ્રિન્કમાં મિક્સ કરેલી વોડ્કા) આજ-કાલ બહુ પ્રખ્યાત છે. લગભગ બધા ક્લબ્સમાં આ મિક્સ તો મળે જ. વોડ્કા વિસ્કીની જેમ નીટ ન પી શકો, હંમેશા મિક્સ કરીને અથવા શોટ્સ તરીકે જ પીવી પડે કારણ કે, તેનો પોતાનો કોઈ સ્વાદ નથી. ક્લબમાં જાઉં ત્યારે વોડ્કા સાથે ઓરેન્જ જ્યૂસ અથવા સ્પ્રાઇટ મારાં ઓલ ટાઈમ ફેવરીટ છે. એ ઉપરાંત અહીં જેલી બનાવવાનાં પાઉડરનાં પાઉચ મળતાં હોય છે. તેને પાણીમાં ભેળવીને ફ્રીજમાં ૮ કલાક રાખો એટલે જેલી તૈયાર! આ જેલીનાં પાઉડરમાં બધું પાણી નાંખવાને બદલે અડધો-અડધ વોડ્કા ઉમેરીને, શોટ ગ્લાસિસમાં નાંખીને તેને ફ્રીઝ કરો એટલે બને જેલી-શોટ્સ. જેલી શોટ્સ રમનાં પણ બને. હાઉઝ પાર્ટીમાં આ રાખી શકો. એ બહુ આલ્કોહોલિક પણ ન હોય. આ સિવાય મિડોરી નામનું એક નોન-આલ્કોહોલિક મિક્સર આવે છે જેમાં વોડ્કા નાંખીને વોડ્કા-મિડોરી બની શકે. એ બહુ ફ્રૂટી અને લાઈમ ફ્લેવરનું હોય છે.

ત્યાર પછી વારો આવે રમનો. રમ કલબ્સમાં કોકટેઈલ સિવાય બહુ પોપ્યુલર નથી. પણ, હાઉઝ પાર્ટીઝમાં રમ સાથે તમે ઘણું બધું કરી શકો. મારાં મતે રમમાંથી બનતી સૌથી સારામાં સારી વસ્તુ છે ‘ફ્રૂટ પંચ’. એક ચોખ્ખું મોટું ટબ અથવા ડોલ લઇને તેમાં ૧.૫ લિટર ઓરેન્જ જ્યૂસ, ૧.૫ લિટર મેંગો જ્યૂસ, રમ અને વોડ્કા મિક્સ કરો એટલે બને ફ્રૂટ પન્ચ. આ મિક્સમાં રમ અને વોડ્કાનું પ્રમાણ કેટલું નાંખવાનું? તેનાં બે જવાબ છે.
1) સામાન્ય રીતે આલ્કોહોલનો સ્વાદ ન આવે પણ કિક લાગે ત્યાં સુધી. ટ્રિક એ છે કે, ડ્રિન્કમાં આલ્કોહોલ પૂરતું હોવું જોઈએ પણ પીતાં વખતે સ્વાદ ફ્રૂટ જ્યુસનો જ આવવો જોઈએ.
2) બહુ અંગત મિત્રો સાથે હો અને બધાંને પી જ જવાની ઈચ્છા હોય તો સર્વ-સહમતીએ આ જવાબ બદલી ને ‘મન ફાવે તેટલાં’ એવો પણ થઇ જતો હોય છે. ;)

ત્યાર પછી આવે ટકીલા. ટકીલાનાં શોટ્સ તો પ્રખ્યાત છે જ. જેમને ખબર ન હોય તેમનાં માટે એક શોટ-ગ્લાસ લગભગ 30ml નો હોય. તે નાના શોટ-ગ્લાસમાં જે ડ્રિન્ક આપે એ એક ઝાટકે પી જવાનું. તેનો સ્વાદ પ્રમાણમાં કડવો લાગે. ક્લબ્સમાં ટકીલા એક બહુ ચોક્કસ વિધિથી પીવાતી હોય છે. તમે ટકીલા માંગો એટલે બાર-ટેન્ડર સૌથી પહેલાં બાર ટેબલ પર બધાંનાં શોટ્સ મૂકે, પછી દરેકને ડાબા હાથ પર મીઠું (નમક) આપે અને બધાંને એક-એક સ્લાઈસ લીંબુની આપે. બધાં પાસે આટલું આવી જાય એટલે બધાં એક-સાથે પહેલાં નમક ચાટે, પછી શોટ પીએ અને પછી લીંબુ ચૂસી જાય. કહે છે કે, તેનાંથી ટકીલાનો કડવો after taste મોમાં ન રહે. મને ટકીલા એટલુંય કડવું નથી લાગતું. એટલે મિત્રો નમક અને લીંબુનાં નખરા કરે ત્યારે હું જોતી હોઉં તેમને. આ ઉપરાંત ટકીલા અમુક કોકટેઈલ રેસીપીનો પણ એક ભાગ છે.

ત્યાર પછી આવે ‘યાગરમીસ્ટર’ (jagermeister). યાગર એક જર્મન આલ્કોહોલ છે. કૈંક ૨૭ જેટલી ઔષધીઓમાંથી બને છે. વોડ્કાની જેમ યાગર પણ કોઈને નીટ પીતાં જોયાં નથી. ક્લબ્સમાં યાગરનાં પણ શોટ્સ મળે અથવા એ પીવાની એક બીજી ક્લાસિક રીત છે જેનું નામ છે યાગર-બૉમ્બ. એક હાથમાં શોટ ગ્લાસમાં યાગર અને બીજા હાથમાં મોટાં વ્યવસ્થિત ગ્લાસમાં રેડ-બુલ પકડવામાં આવે. બધાં આ રીતે તૈયાર થઇ જાય પછી એક સાથે પોતપોતાનો યાગરનો શોટ ગ્લાસ રેડ-બુલવાળા ગ્લાસમાં પડતો મૂકે (એવી રીતે કે તમારું રેડ-બુલ ઢોળાય નહીં) અને એમાં પડે એવું તરત જ બને તેટલી ઝડપથી એ ગટ-ગટાવી જાય. જેટલી ઝડપથી પીઓ એટલું વધુ ચડે. આ શોટ જો કે, કમજોર હૃદયવાળાઓ માટે નથી કારણ કે, આ શોટ પીધાં પછી ઘણાંની હાર્ટબીટ્સ વધ્યાનું સાંભળ્યું છે.

આ ઉપરાંત મેં ‘એબ્સીન્થ’ નામનાં એક આલ્કોહોલનાં શોટ્સ વિશે પણ સાંભળ્યું છે પણ, એ હજુ ટ્રાઈ નથી કર્યું. ત્યાર પછી આવે ‘વેટ પુસી’ (No pun intended. It’s legit name of a shot! Google it!) વેટ પુસી શોટ તરીકે પણ બને અને એક કોકટેઈલ તરીકે પણ. અડધો ભાગ વોડ્કા, અડધો ભાગ પીચ શ્નેપ્પસ (આ પણ એક સ્પિરિટ છે), એક ટીપું ક્રાનબેરી જ્યૂસ અને તેમાં એક ચીરી લીંબુની, આ રીતે આ શોટ/કોકટેઈલ બને. આ શોટ મેં ઘણી વખત પીધેલો પણ છે અને બનાવેલો પણ. આ ઉપરાંત ‘બેઈલીઝ’ નામની એક બ્રાન્ડનું વિસ્કી અને ક્રીમ બેઝ્ડ લિકયોર આવે છે. તે બટરસ્કોચ, કોફી, હેઝલનટ વગેરે સ્વાદમાં મળે છે. એ બહુ મિલ્કી અને ક્રીમી હોય છે. તે સીધું પી શકો અથવા અમુક શોટ્સમાં પણ તેનું પ્રમાણ હોય છે. તેવી જ રીતે કલુઆ નામનું એક ગળ્યું લિકર આવે છે તે પણ શોટમાં ઉમેરી શકાય. જેમ કે, ‘બ્લેક રશિયન’ નામનો એક શોટ જેમાં બંને બેઈલીઝ અને કલુઆ આવે છે.હા, આ બધાં ઉપરાંત પણ નોર્મલ બિયર, સાઈડર, વાઈન એ તો બધાં ક્લબમાં પણ મળે જ.

અને હવે આવે છે વર્સ્ટ ઓફ ઓલ! ‘ગૂન’. ગૂન એટલે કે લઠ્ઠો એ સૌથી સસ્તામાં સસ્તું આલ્કોહોલ છે. એક મોટી પ્લાસ્ટિકની કોથળીમાં મળે રીતસર. તેનાં વિશે વધુ લખવાનું મારું ગજું નથી. ક્યારેય એટલે ક્યારેય ટ્રાઈ નથી કર્યું અને કરવાની કોઈ ઈચ્છા પણ નથી. આ તો થયાં વિવિધ દારૂનાં પ્રકાર. પણ, અંતે તો ક્લબ્સ કે કોઈ પણ પાર્ટીમાં મૂડ કેવો જામશે તે કંપની પર આધાર રાખે છે અને બીજી અગત્યની વસ્તુ છે સંગીત. આ ઉપરાંત રિસ્પોન્સિબલ ડ્રિન્કિંગ અને લાંબી ઇનિંગ્સ ચલાવવા માટેની એક વસ્તુ જે અમારાં મિત્રો કરે છે એ છે, વચ્ચે વચ્ચે થોડું ખાતાં રહેવું, ઘણું બધું પાણી પીવાનું – ખાસ ઊંઘવા જતાં પહેલાં જેથી બીજા દિવસે ખરાબ હેંગઓવર ન આવે અને ત્રીજું અને સૌથી અગત્યનું – ગમે તે કરો પણ ડ્રાઈવ નહીં કરવાનું. હાઉઝ પાર્ટી હોય તો જે મિત્રને ત્યાં હોય, ત્યાં જ ઊંઘી જવાનું અને બીજા દિવસે ઘરે જવાનું અથવા તમારાં અન્ય મિત્રો જે બિલકુલ ન પીતા હોય તેમને પૂછવાનું જો એ તમને ઘરે મૂકી જઈ શકે તો. જો પોતાનાં પાર્ટનર હોય (ગર્લફ્રેન્ડ/ બોયફ્રેન્ડ/ હસબન્ડ/ વાઈફ) તો મારાં ઘણાં મિત્રો વારા કરતાં હોય છે. એક વખત પોતે સોબર રહે અને ડ્રાઈવ કરે અને બીજી વખત પાર્ટનર. જો પોતાનાં ભાઈ-બહેન હોય ઘરે તો તેમને પૂછવાનું જો તે તમને લઇ જઈ શકે તેમ હોય તો. ક્લબિંગ પતાવીને પણ આ જ કરવાનું. જો કંઇ મેળ પડે તેમ ન હોય તો અંતે ટેક્સીમાં ઘરે જવાનું પણ ડ્રાઈવ નહીં એટલે નહીં જ કરવાનું.

અંતે સૌથી અગત્યની વાત. આલ્કોહોલ એ વયસ્કો માટેનું પીણું છે. વયસ્ક હો તો વયસ્કની જેમ બિહેવ કરો. દારૂ પીવાથી કોઈ મોડર્ન નથી બની જતું અને ન પીવાથી પછાત પણ નહીં. પીવું/ન પીવું એ અંગત પસંદગીની વસ્તુ છે. આપણાં દેશી ભાઈઓએ આ સૌથી પહેલા સમજવાની જરૂર છે. ઘણી વખત મેં આપણાં લોકોને તેમની પત્નીને પીવા માટે દબાણ કરતાં જોયાં છે. Are you kidding me? She is above 21 and definitely knows her choices well! Respect it and if you can’t, you probably shouldn’t be drinking yourself. પોતાની લિમિટને જાણો, વધુ પી શકવું એ બાબતને issue of pride ન બનાવો. મિત્રોની કેપેસિટી પર હળવી મજાક થાય એ વાત અલગ છે અને તેને ધ્યાનમાં રાખીને પીવું એ બીજી વસ્તુ છે. જે કરો એ શોખથી કરો અને કમ્ફર્ટેબલ હોય તે જ કરો.