બદલાતાં આયામ

નિબંધ

ભગવાનની આપણે ત્યાં બોલ-બાલા છે. બાળક જન્મે ત્યારે છટ્ઠીમાં ભગવાન, જન્મ-દિવસોએ ભગવાન, સ્કૂલમાં અઠવાડિયાનાં છ દિવસ, દિવસમાં બે વખત પ્રાર્થના, માતા-પિતા-મિત્રો-શિક્ષકો,-કાકા-મામા-દાદા-બા બધાંનાં મોં પર ભગવાન. ભારતમાં જન્મતા દરેક બાળકની ગર્ભનાળ સાથે ભગવાન હોવાની માન્યતા ફ્રીમાં આવે છે. ગર્ભનાળ તો તોય કપાઈ જાય છે પણ સમય જાય તેમ આ ‘ભગવાન છે’ તે તો વધુ ને વધુ દ્રઢ થાય છે … કરાવવામાં આવે છે. (‘ઓ માય ગોડ’ મેં નથી જોયું હજુ. આ લેખ એ રેલાનો ભાગ નથી. ચિંતા ન કરતાં!) ભલે, મોટાં ભાગે ધાર્મિક કટ્ટરતાની રીતે એ વાત નથી શીખવવામાં આવતી. સેક્યુલર રીતે પણ અંતે તો એક ભગવાન છે એવું શીખવવામાં આવે જ છે. રામકૃષ્ણની પેલી બધી નદીઓનાં પાણી એક સમુદ્રમાં ભળે છે તેવી દ્રષ્ટાંતરૂપ વાર્તાઓ. ‘રીલીજીયસનેસ’ દ્રઢ ન હોય તો પણ ‘સ્પિરિચુઅલિઝમ’ તો દ્રઢ બને જ છે. આવું જ્યાં બધાં જ માને, છે ત્યાં એક સામાન્ય બાળક માટે આ સત્ય તેનાં જીવનમાં વણાઈ જાય છે. મારાં જીવનમાં પણ વાણાયું અને બહુ સજ્જડ રીતે વાણાયું.

ધીમે-ધીમે એક પછી એક પછી એક જેમ એક વયસ્ક વિચારશીલ વ્યક્તિ બની તેમ મારી પોતાની માન્યતાઓ વિરુદ્ધ સવાલ થવા લાગ્યા. ઉપરથી જેમ જેમ વધુ જાણતી ગઈ તેમ તેમ આ સવાલો વધવા લાગ્યાં. ગણેશ જેવાં હાથીનાં મસ્તક અને મનુષ્યનાં શરીરવાળા બહુ સુંદર ક્રિએટિવ ભગવાનની કલ્પનાનો વિચાર મૂળભૂત રીતે જાપાનમાંથી ભારત તરફ આવ્યાનું જાણ્યું, દેવીભાગવતનાં બહુ સુંદર સાહિત્યિક વર્ણનો વાંચ્યા જે વધી વધીને એક હિરોઈનની વાત કરે છે – તેનું કેરેક્ટર શક્તિશાળી, બુદ્ધિશાળી અને સૌંદર્યવાન છે, બાઈબલનાં સેલ્ફ-કોન્ટ્રાડિક્ટિંગ વર્સિસ, ઇસ્લામમાં લખાયેલું ઘણું બધું, જેમ જેમ તટસ્થ જાણકારીનો વ્યાપ વધતો ગયો તેમ ભગવાન હોવાની માન્યતાઓ સામે વધુ ને વધુ પ્રશ્નો થતાં ગયાં. “શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાઓની શી જરૂર” વાળી વાત બરાબર છે. પણ, એ ફક્ત જ્યાં સુધી પુરાવાઓ ન મળે ત્યાં સુધી! પુરાવાઓ સામે હોય ત્યારે શું?

ઘણાં લોકોને મેં એ સાંટા-ક્લોઝની વાત પર ચર્ચા કરતાં સાંભળ્યાં છે. તેઓ કહે છે કે, બાળકોને તેમનું આખું બાળપણ એમ કહેવામાં આવે કે સાંટા-ક્લોઝ અસ્તિત્ત્વ ધરાવે છે, તે બાળકને જ્યારે મોટાં થયે ખબર પડે કે, આ વાત સત્ય નથી ત્યારે તેમને મનોવૈજ્ઞાનિક રીતે બહુ ખરાબ લાગતું હોય છે. ઝાટકો લાગતો હોય છે. આવું કેમ કોઈ ભગવાન હોવા વિશે નથી કહેતાં? વાત તો એક જ થઇ ને? તર્ક નથી લગાવતી. આવું ખરેખર થયું છે. મને ભગવાન હોવાં વિશે પ્રશ્નો થયાં ત્યાં આ વાત અટકતી નથી. ભગવાન નામનાં જે સત્ય સાથે હું ૧૮ વર્ષ જીવી અને મોટી થઇ, જેની આસ-પાસ મારાં જીવનનાં ઘણાં યાદગાર/અગત્યનાં પ્રસંગો ફર્યાં, એ બધાં જાણે એક પછી એક ખોટાં પાડવા લાગ્યાં છે. ભલે સાંટા-ક્લોઝની જેમ ભગવાન આખેઆખો કાલ્પનિક છે તેવું દ્રઢ નથી થયું. પણ, ભગવાન છે જ તેવું માનીને જે જીવન મેં જીવ્યું છે તે ખોટું પાડવા લાગ્યું છે જ્યારથી એ જાણ્યું છે કે ‘ભગવાન છે’ – આ ‘સત્ય’ નથી પણ ‘ચર્ચા’ છે. મારાંથી સત્ય સામે આંખ આડા કાન નથી થતાં અને સત્ય જાણીને જાણે મારાં ઉછેરને ખોટો પાડતી હોઉં તેવો અપરાધબોધ અનુભવાય છે. આ પરિસ્થિતિમાં મારાં જેવી વ્યક્તિ માટે બે ચોઈસ છે, કાં તો સત્યને સ્વીકારીને ધીમે ધીમે મારી માન્યતાઓનું ખંડન થતાં જોઉં અને મારા ઉછેર સામે દગો કર્યાની ભાવનાએ જીવું અથવા તો સેક્યુલર રહીને જાણ્યા છતાંયે અજાણ બનું અને મારી જિજ્ઞાસાવૃત્તિનું ગળું દબાવીને જાણકારી હોવાં છતાંયે એક જીદ્દી, પરાણે મૂર્ખ રહેવાં માંગતાં અને દરેકનાં ઓપિનિયન અલગ-અલગ હોય તેવી પલાયનવાદી જડ દલીલ કર્યા કરું મૂઢ-મતિ રહીને.

વૈચારિક રીતે જ નહીં, રોજ-બરોજની જિંદગીમાં પણ આ વાત પ્રસ્તુત છે. હું ભગવાન છે તેનો સ્વીકાર પણ નથી કરતી અને અસ્વીકાર પણ નહીં. પણ, છતાંયે અસ્વીકાર તરફ વધુ ઝૂકાવ છે. આવી પરિસ્થિતિમાં જ્યારે હવે ઘરે જઈશ ત્યારે મમ્મી કથા રાખશે અથવા કંઇક ને કંઇક ધાર્મિક પ્રવૃત્તિ રાખશે. તેમાં બેસું છું તો ખોટું બોલું છું અને નથી બેસતી તો મમ્મી રોશે કદાચ. પપ્પાને પણ બહુ દુઃખ થશે. આ વાત તો વધુ અસહ્ય બનશે. એટલે અંતે ખોટું બોલવાનું નક્કી કરું છું. જાતને દગો દઈશ.

એવી જ પરિસ્થિતિ લગ્નની બાબતની છે. ફિલ્મોએ અને ધર્મએ સમાજમાં ઠોકી બેસાડ્યું છે કે સાથીદારી લગ્નની મહોતાજ છે. વાર્તાઓમાં, નવલકથાઓમાં લગ્ન કરવાં અને લગ્ન થવાંની વાત પર ‘પ્રેમ’ આવીને અટકે છે. ફક્ત હિન્દુસ્તાની નહીં. પશ્ચિમી સાહિત્ય અને સંસ્કૃતિમાં પણ ટ્રેડીશનલી આવું જ છે. ધીમે ધીમે નવી દુનીયાઓની ખબર પડે છે તેમ મને આત્મજ્ઞાન થાય છે કે, લગ્ન જરૂરી નથી. તમારે સાથે રહેવું છે? બાળકો જોઈએ છે? બધું લગ્ન વિના પણ એટલી જ સરળતાથી થાય છે. હા, વિઝા કે ઘર ખરીદવા માટે પાર્ટનર સાથે લગ્નનો દસ્તાવેજ હોય તો ઘણી પ્રોસેસ વધુ સરળ બને છે. પણ, ધેટ્સ ઈટ. લગ્ન એ ધાર્મિક, સામાજિક અને કાયદાકીય ઇન્સ્ટીટયુશન સિવાય બીજું કશું જ નથી. અહીં તો જો કે, કોઈ પરવાહ નથી કરતું. એટલું બધું જજ નથી કરતું. પણ, આપણાં જેવાં રૂઢીચુસ્ત સમાજમાં લગ્ન એ પાર્ટનર તરીકે સાથે રહી શકવાની પૂર્વ-શરત છે. સાચું કહું તો, હું જો ભારત હોઉં તો કદાચ લગ્ન બાબતે આટલાં સવાલ પણ ન કરું. બધાં પૂછી પૂછીને મારું મગજ બગાડે અને કંઈ કામ ન કરવા દે અમુક વર્ષો સુધી તો અને જેટલાં શહેર બદલું ત્યાં બધે આ ને આ સવાલ આવીને ઊભો રહે જે મને હેરાન કરી મૂકે.

પણ, વાત એ છે કે હવે હું ત્યાં નથી! જીવનનાં ટેમ્પ્લેટ નથી હોતાં એ જાણી ચૂકી છું. હું લગ્નનાં ઇન્સ્ટીટયુશનમાં ઉપર જણાવેલી બે પરિસ્થિતિ સિવાયનાં ત્રીજા કોઈ કારણસર બંધાઉં તેની શક્યતા નહિવત્ છે. સાથીદારી મારાં માટે ચોઈસની વસ્તુ છે. મારે તારી સાથે અને તારે મારી સાથે આખી જિંદગી રહેવું જ છે તો રહીશું. કોન્ટ્રાક્ટ પર સહી કરાવવી પડે તેટલી બધી જ શંકા હોય તો કદાચ હું ૧૦૦% ખાતરીપૂર્વક તેની સાથે રહેવાં નથી માગતી અને મને ખાતરી નથી કે તે મારી સાથે રહેશે જ. લગ્નમાં થોડો તો થોડો પણ ફોર્સ છે. અને જ્યાં ફોર્સ હોય, ચોઈસ ન હોય ત્યાં જ વફાદારી ડગમગવાનો સવાલ પેદા થાય છે. મારાં જેવી વ્યક્તિ મારો સાથી મારી સાથે તેની ચોઈસથી છે તેની ખાતરી ન હોય ત્યાં સુધી ખુશ ન રહી શકે. ઇન્સીક્યોરીટી જેવી વાતો મારાં મગજમાં બહુ ઝટ દઈને આવતી જ નથી. હું આઝાદીમાં માનું છું. સંપૂર્ણ આઝાદીમાં.

આનંદ એ લઘુતમ સામાન્ય અવયવ નથી. જીવનમાં શું કરી શકો અને શું ન કરી શકો તેની કોઈ સાચી બાઉન્ડ્રી નથી. જે છે એ કાલ્પનિક અને મૃગજળ જેવી છે જેને સત્ય માનીને મોટાં ભાગનાં લોકો જીવે છે. જીવનની એક નહીં ૧૦૦૦ રીતો છે અને એટલે જ આખી દુનિયાને જે આનંદ આપશે એ મને પણ આપશે તેવું માનીને જીવવું એ મૂર્ખામી છે. આ બધાં મારાં વેક-અપ કોલ છે. પરિમાણો સતત બદલાયાં કરે છે. દર છ મહિને હું નવી હોઉં છું એક વ્યક્તિ તરીકે. અને આ બધું એવી રીતે થાય છે કે, ભીડમાં નિરીક્ષણ થાય છે, મિત્રો અને સંબંધીઓનાં ઈન્ટરેક્શનથી આ બધું મારી આસ-પાસ રહેલાં લોકોનાં જીવનમાં જ – રોજબરોજનાં જીવનમાં જ કેટલું પ્રસ્તુત છે તેનો અહેસાસ થાય છે અને એકાંતમાં ચિંતન.

કદાચ અહીંથી જ આંતરખોજની શરૂઆત થાય છે. આ એક મોટું કારણ છે ટ્રાવેલિંગનાં ગાંડપણનું. જેટલાં વધુ પ્રકારનાં અને નાના-મોટાં, પ્રખ્યાત- અનજાન, કલાકાર-ધંધાદાર, કાળા-ગોરાં-પીળા-બ્રાઉન, વિવિધ ભાષા અને ખોરાક ધરાવતાં લોકોને મળવાનું મન થશે, જીવનની ક્ષિતિજ એટલી જ વિસ્તરતી જશે. પરિમાણોનાં બદલાવ જે સમયે પરિવર્તન આવી રહ્યું હોય એ સમયે બહુ પીડાદાયક છે. મને તોડી મૂકે છે. પણ, દરેક વખતે એક વધુ નક્કર વ્યક્તિને ઊભી કરે છે. ફરી-ફરીને તોડે છે અને વધુ ને વધુ નક્કર બનાવે છે. જ્યારથી એક દુનિયામાંથી બહાર નીકળીને આ બીજી દુનિયામાં આવી છું ત્યારથી જ આ બાબત થવા લાગી છે. અને હવે તેનો એવો ચસ્કો લાગ્યો છે કે, વધુ ને વધુ દુનિયા જોવાનું મન થયું છે જેથી વધુ ને વધુ લોકોને મળી શકું. જીવન જોઈ શકું. The more I have started knowing, the more I want to know.

6 thoughts on “બદલાતાં આયામ

  1. હું તમે કહ્યું તેનાંથી બિલકુલ સહમત છું. વળી, આ ‘પરાણે’વાળાં લગ્નો અને પ્રેમની ગેરહાજરીવાળી વાત એક અગત્યનાં Underlying and Undressed issue વિશે મને યાદ અપાવે છે. તેની વાત હવે પછીની એકાદ પોસ્ટમાં કરવાનું વિચારું છું.

  2. વાત બિલકુલ સાચી છે. માણસ માણસ થી જ ઘડાય છે.
    તન થી થતા લગ્ન એતો કમનસીબી છે. પછી તે
    વ્યવહાર થતો જાય છે. રૂઢિગત લગ્ન ની પરામ્પરામાં
    સહન કરવાનું વધુ આવે છે. તન કરતા મન મહેકે
    તે વધુ ઉચિત છે. લગ્ન એક જરૂરિયાત સમજી ને જ થાય
    ત્યાં પ્રેમ નું બાષ્પીભવન થઇ જાય છે. લગ્ન ફક્ત બાળકો
    પેદા કરવા માટે થાય કે પેઢી ને આગળ ધપાવવાના ઉદ્દેશથી થાય
    ત્યાં જીવન ની કળા ખીલતી નથી અને પ્રેમ ની સુવાસ
    પણ પાંગરતી નથી. લગ્ન એક બોજારૂપ થઇ જાય છે.
    પછી બધા ઘસડાયા કરે છે. જીવન સ્વતંત્રતા માં મહેકે છે
    રસ્તા નું એક ફુલ પણ માણસ ને આકર્ષે તો છે પણ
    કોણ જુવે છે તેને.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s