ઉત્તર ભારત રોડટ્રિપ – ૨

ભારત, હિમાચલ પ્રદેશ

પઠાનકોટ સ્ટેશનની બહાર અમારો ડ્રાઈવર રૂમી અમારી રાહ જોતો ઊભો હતો. રૂમીનું આખું નામ રમણદીપ હતું એ મેં તેનો નેઈમ-બેજ જોઇને જાણ્યું હતું. ટિપિકલ પંજાબી બાંધાનો એ ઊંચો અને ગોળમટોળ હતો. લંબગોળ મોં અને એક કાનમાં હીરાની બુટ્ટી. થોડી વાર શરૂઆતમાં તેની સાથે વાત કર્યા પછી એ અમને વ્યવસ્થિત લાગ્યો. એ ઘણો વાતોડિયો હતો એટલે રસ્તામાં તેની પાસેથી અમને એ વિસ્તાર વિશે, ત્યાંનાં લોકોની રહેણીકરણી વિશે વગેરે ઘણું જાણવા મળ્યું. આમ, ડ્રાઈવર કેવો હશે તે વિશેની અમારી મૂંઝવણ દૂર થઇ.

પઠાનકોટથી અમારો પહેલો મુકામ ડેલ્હૌઝી હતો. પઠાનકોટથી નીકળતાં સુધીમાં લગભગ મોડી બપોર થઇ ગઈ હતી એટલે ડેલ્હૌઝી સુધી ઊંચાઈ પર ચડતાં અમને રસ્તામાં જ પર્વતોની પાછળ સૂર્ય આથમતો અને સાંજ ઢળતી જોવા મળી હતી. રાત પડતાં અમે અમારી હોટેલ સુધી પહોંચ્યા અને નાહીને તૈયાર થતાં સુધીમાં જમવાનો સમય થઇ ગયો હતો. જમીને ઉપર અમારાં રૂમમાં પહોંચ્યા ત્યાં સુધીમાં ક્યાંકથી ભયંકર ઊંચા સાદે ફિલ્મી ગીતો સંભળાવા લાગ્યા હતાં. પહેલાં તો અવાજની દિશા પરથી મને લાગ્યું કે, હોટેલનાં બીજા ભાગમાં જ્યાં બાંધકામ ચાલુ છે ત્યાં કામદારો કદાચ ગીતો વગાડતા હશે અને થોડી વારમાં બંધ કરી દેશે. પણ આ તો ૧૦ વાગ્યા તોયે બંધ ન થયું. અંતે મેં રિસેપ્શનમાં ફોન કર્યો પછી ખબર પડી કે, બાજુની હોટેલમાં અગાશી પર પાર્ટી ચાલે છે અને ૧૧:૩૦ આસપાસ બંધ કરી દેશે. સાંભળ્યું હતું કે, લોકો પર્વતોમાં શાંતિ મેળવવા જતાં હોય છે કદાચ?! એની વે. આ ગોકીરો સાંભળ્યા પછી તો મને બહુ આનંદ થયો કે, અમારી હોટેલમાં બહુ લોકો નહોતાં એ સમયે.

પછીનાં દિવસે સવારે મારે ત્યાંની અગાશીનો નજારો માણવો હતો અને મારે ત્યાં પૂરતો સમય જોઈતો હતો એટલે જરૂર કરતાં વહેલાં ઊઠવાનું નક્કી કર્યું હતું. સવારે મારાં રૂમની બારીનાં પડદા ખોલતાં જ હું આભી બની ગઈ. વસંત હજુ શરુ જ થઇ હતી અને પર્વતો પરનો બરફ પૂરો પીગળ્યો નહોતો. અમુક બરફીલા પહાડો પરથી સૂર્ય ઊગતો હું જોઈ શકી. મારાં અને પેરેન્ટ્સનાં રૂમની બારીઓમાંથી જોવા મળતો નજારો અભૂતપૂર્વ હતો! પર્વતો જ પર્વતો – કથ્થાઈ, સફેદ અને ઉપર છૂટા છવાયા વાદળોવાળું ખુલ્લું આકાશ. પછી તો હું ફટાફટ તૈયાર થઈને ‘લાવા’ લઈને અગાશી પર ગઈ. પર્વતોમાં બેસીને જો કોઈ સાહિત્ય-પ્રકાર વાંચવાની સૌથી વધુ મજા હોય તો એ છે કવિતા. થોડી વાર પછી પેટ-પૂજા કરીને અમે રૂમીએ આપેલાં સમયે બહાર આવ્યા અને ખજ્જીયાર તરફ પ્રયાણ કર્યું.

ખજ્જીયારનાં જે ભાગો અમે જોયાં તેમાં મને બહુ રસ ન પડ્યો. થોડાં વધુ પડતાં જ કમર્શીયલ લાગ્યા. બાકીનાં તે દિવસનાં ખજ્જીયાર-ડેલ્હૌઝીનાં ટૂરિસ્ટ-અટ્રેકશનમાં પણ મને બહુ રસ નહોતો. એક વખત જોવા જેવાં પણ બાકી તેનો કોઈ જ મતલબ નહોતો મારાં માટે. જે ખરેખર જોવાની મજા આવી એ તો જે મને રસ્તે જતાં જોવા મળ્યું તે જ છે. એ પહાડી રસ્તાઓ પરથી ક્યારેક ઉપર ક્યારેક નીચે તો ક્યારેક બરાબર સામે જોતાં ઘણું કંઇક નાનું મોટું મને એકસાઈટ કરતું રહ્યું. જેમ કે, ભેખડોની વચ્ચે નાના વહેળા પર ઊભેલું એક નાનું સ્મશાન, નાની નાની વસ્તીઓનાં રંગબેરંગી ઘરોનાં બાંધકામ, રસ્તે જોવા મળેલાં લોકો, તેમનાં વ્યવસાય, હાડમારીઓની રૂમીએ કરેલી વાતો વગેરે.

એ સાંજે ડેલ્હૌઝી પાછાં ફર્યા પછી મમ્મી સાથે પપ્પા માર્કેટમાં ગયાં અને હું હોટેલ પાછી ફરી. રાત્રે જમીને અમે અમારી હોટેલ પાસે જે એક નાની ચબૂતરા જેવી જગ્યા જોઈ હતી ત્યાં જવાનું નક્કી કર્યું. ત્યાં ટાંચણી પડે તોય અવાજ આવે તેવી શાંતિ હતી. રસ્તા લગભગ નિર્જન થઇ ગયાં હતાં. થોડી જ વાર ત્યાં ઊભા રહ્યા તેટલામાં અમે ચિક્કાર નશામાં ધુત એક વિચિત્ર માણસને ત્યાંથી બે વખત પસાર થતો જોયો અને અમે તેને સાઇન ગણીને તરત જ હોટેલ પાછાં ફરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે વહેલાં તૈયાર થઈને હું અને મમ્મી ગામમાં થોડું ચાલવા નીકળ્યાં. રસ્તામાંથી સામે પહાડોનાં ગોખલામાં દેખાતી સ્કૂલનો નજારો ખૂબ સુંદર હતો. આવી જગ્યાએ રહેવા મળે એ ખરેખર નસીબની વાત છે. એ જોઇને બોર્ડિંગમાં રહેતાં બાળકો અને પોતાનાં બાળકોને શહેરોથી દૂર આવી બોર્ડિંગ સ્કૂલમાં ભણાવવાનો આગ્રહ રાખતાં વાલીઓ તરફનાં મારાં અભિપ્રાયમાં ફર્ક પડ્યો. કદાચ મારે નિર્ણય લેવાનો હોય તો હું ઓછાંમાં ઓછું શરૂઆતનાં થોડાં વર્ષો તો બાળક આવી જગ્યાએ રહે અને તેની ડિસીપ્લીન (આસ-પાસ આર્મી બેઝ હોવાને કારણે), સુંદરતા અને સરળતા અનુભવે તેવું ઇચ્છું. ત્યાંથી આગળ ત્રણેક વળાંક સુધી મમ્મી અને હું ચાલતા રહ્યાં અને પછી પાછાં ફર્યાં. એ દિવસે નાસ્તો કરી અમે ચમ્બા તરફ ગયાં

ચમ્બાની નાની એવી માર્કેટમાં મમ્મીને બહુ રસ પડ્યો. જ્યારે, હું બહાર શેરીમાં લોકોની ચહલપહલ અને સુંદર ચીજોનાં ફોટા લેતી રહી. પપ્પા રૂમી સાથે ક્યાંક ચા પીવા ગયાં. ચમ્બામાં નીચે દુકાનો અને ઊંચાઈ પર નાના મકાનો જોઇને પપ્પા મને કહે, “પ્રિમા આ જોઈ લે. નીચે પાનકી દૂકાન, ઉપર ગોરીકા મકાન” અને અમે ત્રણે હસી પડ્યાં. પછી તો મમ્મીને કંઇક ખરીદવું હતું એટલે એ અને પપ્પા કોઈ દુકાનમાં રહ્યાં અને હું નજીકમાં બીજી દૂકાનો જોવા લાગી. રસ્તામાં મને એક જૂની હાથશાળ દેખાઈ અને તે નજીકથી જોવામાં રસ પડ્યો એટલે હું અંદર ગઈ. એ કારીગરે મને રસપૂર્વક બધું સમજાવ્યું અને પછી તો ઊંધે-સીધે પાટે દોડતી અમારી ગાડી હિમાચલપ્રદેશનાં લોકલ પોલિટિક્સ પર પહોંચી. ત્યાંનું રાજકારણ પ્રખર હિન્દુત્ત્વવાદી છે એટલે તેમને નરેન્દ્ર મોદી ખૂબ ગમે છે તેવું તેણે મને જણાવ્યું. હિમાચલપ્રદેશ રાજ્યનાં સરકારી બેનરો પર હંમેશા દેવ-ભૂમિ લખેલું કેમ જોવા મળે છે તેનો થોડો અંદાજ મને આ ભાઈની વાત પરથી આવ્યો. આ વાત થતી હતી તેવામાં પપ્પા અને મમ્મી પાછળ આવીને ઊભા હતાં તેનું મને ધ્યાન પણ નહોતું. તેઓ પણ શાંતિથી સાંભળતા હતાં એ ભાઈ જે કહેતાં હતાં એ. પછી તો અમે ચંબાથી આગળ એક ડેમ બંધાઈ રહ્યો હતો તે તરફ રવાના થવા લાગ્યા. આખો દિવસ ફરી સાંજે પાછાં ફરીને પછીનાં દિવસ માટે ચેક-આઉટ કરવાની તૈયારી કરી. એ દિવસે સવારે વહેલું અમારે ધરમશાલા તરફ પ્રયાણ કરવાનું હતું.

પછીનાં દિવસે બપોરે અમે ધરમશાલા પહોંચ્યા અને ત્યાંની પ્રખ્યાત માર્કેટ સ્ટ્રીટમાંથી પસાર થઈને દલાઈ-લામાનાં આશ્રમ પહોંચ્યા. ધરમશાલાનું રાજકીય અને સાંસ્કૃતિક રીતે પોતાનું એક કેરેક્ટર છે. તેનાં વિશે વધુ પછીનાં અંકે …

ઉત્તર ભારત રોડટ્રિપ – ૧

ભારત

આગલી પોસ્ટમાં જણાવ્યું એ પ્રમાણે માર્ચમાં અચાનક જ અમે ઉત્તર ભારત ફેમિલી રોડ-ટ્રિપ કરી હતી. ટાઈમિંગની દ્રષ્ટિએ એ ટ્રિપ એકદમ પરફેક્ટ હતી. માર્ચ એટલે લગભગ વસંતની શરૂઆત થઇ ગઈ હોય. વળી, સ્કૂલી બચ્ચાંઓની પરીક્ષાઓ શરુ થઇ ગઈ હોય અથવા તો ખૂબ નજીક હોય એટલે ફરવા જવાવાળા બહુ ઓછા હોય.આમ, વાતાવરણ ખુશનુમા અને ભીડ ઓછી તેવું બને. વળી, ફેમિલિ ટ્રિપ હોય એટલે આમાં પડશે તેવા દેવાશે ન ચાલે. બુકિંગ વગેરેનો છેલ્લી ઘડીએ સામાન્ય કરતાં ત્રણ ગણાં પૈસા આપ્યા વિના મેળ ન પડે. પણ, સમય અમારા પક્ષમાં હતો એટલે બધું એક સાંજે 2 કલાકમાં જ નક્કી થઈને બુક પણ થઇ ગયું. રાજકોટથી અમદાવાદ ટ્રેન અને અમદાવાદથી ટ્રેન બદલીને પઠાનકોટ સુધીની અમારી સફર હતી. ત્યાર પછી પઠાનકોટથી ડલ્હૌઝી, ધરમશાલા અને અમૃતસરથી દિલ્હી એરપોર્ટ સુધી પ્રાઈવેટ ટેક્સીમાં, દિલ્લીથી અમદાવાદ વિમાન-યાત્રા અને અમદાવાદથી રાજકોટ બસ. તમામ બુકિંગની જવાબદારી ટૂર એજન્ટની હતી જેથી અમને ક્યાંય કંઈ તકલીફ ન પડે. બધી જ જગ્યાએ એડવાન્સ બુકિંગ અને સ્કેડ્યુલ. જો કે, ડેસ્ટીનેશન પર પહોંચી ગયા પછી અમારે કઈ રીતે દિવસ પસાર કરવો એ સમગ્રપણે અમારા હાથમાં હતું. એટલે, આ ટૂર સેમી-પ્લાન્ડ કહી શકાય.


રાજકોટથી અમદાવાદ જવા માટે અમારે વહેલી સવારે 5 વાગ્યે ઘરેથી નીકળવાનું હતું. રાબેતા મુજબ આગલી રાત્રે મોડેથી પેકિંગ કરવાનું શરુ કર્યા છતાં સવારે મારી બે બેગ્સ પેક થઈને તૈયાર હતી અને હું શાંતિથી કોઈ ઘાય-ઘાય કર્યા વિના આટા મારતી ‘તી. જ્યારે, મમ્મી 3 દિવસથી પેકિંગ શરુ કર્યું હોવા છતાં અંધાધૂંધીમાં હતી.  મને તો ખેર બહુ ફરક નહોતો પડતો તેનાંથી પણ પપ્પાની અકળામણ હાસ્યાસ્પદ હતી. હું તો ફક્ત બંનેમાંથી એકેની (ખાસ મમ્મીની) હડફેટે ન આવી જાઉં તેનું ધ્યાન રાખતી હતી પણ પપ્પાને મમ્મી ટિકિટ ભૂલી ન જાય તેની ચિંતા હતી. કદાચ તેણે મમ્મીને બે-ત્રણ વાર પૂછ્યું પણ હતું. અંતે અમે ટ્રેન-સ્ટેશન પહોંચ્યા અને પપ્પાએ મમ્મીને ટિકિટ્સ કાઢવાનું કહ્યું અને પત્યું! પાંચેક મિનિટ શોધ્યા પછી પણ ટિકિટ્સ ન મળી. ટ્રેન આવવાને થોડી જ વાર હતી એટલે પપ્પા ઘરે જઈને પાછાં આવી શકે તેટલો સમય નહોતો. આગલા દિવસે મારી એક ફ્રેન્ડ અમારા ઘરે રોકાઈ હતી અને અમે નીકળ્યા ત્યારે તે મારા ઘરે ઊંઘતી હતી. અમે તેને સવારે બારણું ખેંચીને નીકળવાનું કહી રાખ્યું હતું. અંતે તેને જગાડવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે, તેને કહીએ કે આવીને ટિકિટ આપી જાય. મેં તેનો નંબર ડાયલ કર્યો અને તરત જ મમ્મી બોલી “મળી ગઈ. આ રહી” અને પછી તો અમે ફટાફટ પ્લેટફોર્મ પર પહોંચ્યા અને પાંચ મિનિટમાં તો ટ્રેન આવી પણ ગઈ. પછી તો અંદર જઈને ગોઠવાઈએ ત્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં અને પછી મમ્મી ઊંઘી ગઈ અને થોડો સમય ગોસિપ કરીને હું અને પપ્પા પણ ઊંઘી ગયા.

આપણી ટ્રેનોમાં એસી ડબ્બાઓનાં કાચ ટીલ્ટેડ હોય છે એટલે સવાર પડ્યા પછી પણ સૂરજ કેટલો માથે ચડ્યો એ તો ખબર જ ન પડે અને વહેલી સવારનો નજારો માણવાનું તો ભૂલી જ જાઓ. એક પણ રંગ સરખા દેખાય જ નહીં. બધું જ કથ્થાઈ લાલ! પણ, તેનાંથીયે વધુ ત્રાસદાયક એક વસ્તુ હતી એ અમારી સામે બેઠેલાં કોઈ દૂંદાળા વેપારી. વોલ્યુમ કંટ્રોલ નામની કોઈ વસ્તુ જ નહીં (ગળામાં પણ નહીં અને ગેજેટ્સમાં પણ નહીં) અને ડબ્બો એમનાં બાપનો હોય તેમ એકદમ ઊંચા અવાજમાં તેમણે પોતાની ટેબ્લેટ પર ભજન શરુ કર્યાં. પાછું એમને કંઈ કહી તો શકાય જ નહીં આપણાંથી નહીંતર સામે આપણે લેવાઈ જઈએ . એટલે સહેલામાં સહેલા રસ્તે મેં પપ્પા આગળ બળાપો ઠાલવ્યો અને અમે બંને થોડું હસ્યા. બાકી તેમનો ગોકીરો અમદાવાદ સુધી બંધ ન થયો. અંકલ! ભગવાને  હેડ-ફોન્સ તમને જોઈએ એ જોઈએ ત્યારે, અન્યોને નડ્યા વિના, સાંભળી શકો તેનાં માટે જ બનાવ્યા છે તો વાપરો ને! (આ વાંચતા તમામ અંકલ અને આન્ટીઓ માટે જનહિતમાં જારી) અંતે અમે અમદાવાદ પ્લેટફોર્મ પર ઊતર્યા અને પછીની ટ્રેન જ્યાં આવવાની હતી ત્યાં પહોંચીને તેની રાહ જોવા લાગ્યા. લગભગ ચાર કલાક જેટલી રાહ જોવાની હતી. પઠાનકોટવાળી ટ્રેનમાં ચડીને પછી શાંતિ જ રહેવાની હતી એક દિવસ સુધી એટલે અમે ત્રણે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતાં.

સેકન્ડ ટીયર એસીમાં બેસવાનો સૌથી મોટો ફાયદો એ કે, બગીનાં દરવાજા પર ભીડ ન હોય. અમારું કમ્પાર્ટમેન્ટ બરાબર દરવાજેથી અંદર જતાં સૌથી પહેલું જ હતું. એ આખી મુસાફરી મેં મારી સીટ કરતાં દરવાજા પર વધુ કરી છે. સાંજ પડતી જોવાનો અને સાંજ પડી ગયા પછી પણ લગભગ અડધી-પોણી કલાક રહેલું અજવાળું રાજસ્થાનની ધરતી પરથી પસાર થતાં જોવાનું અદભુત હતું. ઉજ્જડ ખુલ્લા મેદાનો પરથી ચોખ્ખી દેખાતી ક્ષિતિજ પર વાદળ વિનાનાં આકાશમાં સૂર્ય બહુ સુંદર રીતે આથમ્યો હતો. પપ્પા એકાદ વખત બહાર આવ્યા હતાં અને બાકી એક અંકલ મારાં સામેનાં દરવાજે આવતા-જતા રહેતાં. પણ, તેઓ નિરુપદ્રવી હતાં એટલે શાંતિમાં ખલેલ ન પડતો. હું આકાશ સાવ કાળું થઇ ગયા પછી અંદર ગઈ. અમારા કમ્પાર્ટમેન્ટમાં રાત સુધી અમારા પરિવાર સિવાય કોઈ નહોતું. પણ, રાત્રે એક રાજસ્થાની પરિવાર એક સ્ટેશનથી ચડ્યો હતો. તેઓ પ્રમાણમાં મોડા ચડ્યા હોવાથી ત્યારે બહુ વાત કરવાનો સમય નહોતો. તેમની સાથે એક નાનું બાળક હતું અને તેમની બંને બર્થ ઉપર હોવાથી અમારી નીચેની એક બર્થ અમે તેમની સાથે બદલી લીધી. પછી તો બધાં ઊંઘી જ ગયા.

વહેલી સવારે બધાં ઊઠ્યા પછી તેમની સાથે વાત થવા લાગી. તેઓ બેંગ્લોર વસેલાં રાજસ્થાની વ્યાપારી પરિવારમાંથી હતાં. એ ભાઈ કંઈ વ્યવસાય કરતાં હતાં અને તેમનાં પત્ની ગૃહિણી હતાં. સાથે દોઢેક વર્ષની એક દિકરી હતી. મારો મુકામ તો જો કે એ આખો દિવસ લગભગ દરવાજા પર જ રહ્યો હતો. એ વહેલી સવારે મેં પંજાબની ટિપીકલ ધુમ્મસી સવારનો લ્હાવો માણ્યો હતો અને પછી તો ખુલ્લા ખેતરોમાંથી ટ્રેન પસાર થતી. ટ્રેનનો રસ્તો બહુ જ સીનિક હતો! હજુ ઠંડીનું જોર હતું એટલે ભરબપોરે પણ તાપ આકરો નહોતો. વચ્ચે એક વખત કોઈ નદી પર ખૂબ ઊંચા પુલ પરથી ટ્રેન પસાર થઇ રહી. ત્યારે તો બંને બાજુનાં હેન્ડલ પકડ્યા હોવા છતાં નીચે જોતાં મારું હૈયું થડકી ગયું હતું. નાના ગામોમાંથી ટ્રેન પસાર થતી ત્યારે ઘણી જગ્યાઓએ તો એમ લાગતું કે, હમણાં હાથ લાંબો કરીએ એટલે પેલાં ઘરને અડકી જવાશે. પંજાબમાં ઘરો પર પાણીની ટાંકીઓ નાના ફૂટબોલ આકારની, બાજ પક્ષીનાં આકારની, નાના ઘર, એરપ્લેન વગેરે વિવિધ આકારોની હતી! એ જોઇને પપ્પા અને મને બહુ ગમ્મત પડેલી. વસ્તીઓમાંથી ગાડી પસાર થતી ત્યારે ઘણાં છોકરા-છોકરીઓને મેં મારી તરફ આંગળી ચીંધીને કૈંક કહેતા જોયા હતાં. અને પછી તેમને ભાન થતું કે હું તેમની સામે જોઉં છું એટલે અમે એકબીજા સામે જોઇને હસતાં. મને હજુ નથી ખબર પડી કે, તેમને શું નવું લાગ્યું હશે. દરવાજા પર સતત ઊભા રહીને થોડો થાક કદાચ લાગ્યો હતો. પણ, જે નજારા જોવા મળ્યા પંજાબની પ્રાકૃતિક સમૃદ્ધિનાં તે અભૂતપૂર્વ છે.તેનાં ફોટોઝ આ શ્રેણીની અંતિમ ફોટો-પોસ્ટમાં મૂકીશ. (‘સિડની’ વખતે કર્યું હતું તેમ. જૂના જોગીઓને યાદ હશે.)

વચ્ચે વચ્ચે જ્યારે એકસરખા જ દ્રશ્યો આવતાં ત્યારે અથવા તો તરસ લાગે ત્યારે હું થોડી વાર અંદર સીટ પર જતી. થોડી વાર અમસ્તી જ બધાં સાથે બેસવા માટે પણ ગયેલી અને પછી કંટાળીને ફરી બહાર. બંને રાત્રે જમ્યા પછી હું મારી સાઈડ સીટનો પડદો પાડીને રીડીંગ લાઈટ ચાલુ કરીને વાંચતી એટલે બીજા કોઈને પ્રકાશને કારણે ખલેલ ન પડે. મેં સાથે ત્રણ બૂક્સ લીધેલી. ‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ’, કનૈયાલાલ મુનશીની ‘પૌરાણિક નાટકો’ અને જાવેદ અખ્તરનો કાવ્યસંગ્રહ ‘લાવા’. તેમાં ટ્રેન-મુસાફરીની મારી સાથી તરીકે મેં ટૂંકી વાર્તાઓ પસંદ કરી હતી.  અંતે મોડી બપોરે અમે પઠાનકોટ સ્ટેશન ઊતરીને બહાર નીકળ્યા, ત્યાં અમારા ટેક્સી ડ્રાઈવર ‘રૂમી’  સાથે અમારી મૂલાકાત થઇ અને અમે અમારાં પહેલા મુકામ – ડલ્હૌઝી તરફ પ્રયાણ કર્યું…

બે સ્ત્રીઓ

નિબંધ

ઈતિહાસ બડી રસપ્રદ વસ્તુ છે અને એ દરેક ક્ષણે બનતી રહે છે. ઈતિહાસ ક્યાંક ને ક્યાંક કોઈક રોજ બનાવતું હશે. ફક્ત મહેલો અને ઇમારતો એ જ ઈતિહાસ નથી. ઇતિહાસમાં યુદ્ધો અને રાજકારણ સિવાય પણ ઘણું બધું થયું છે. તાનસેન, વાન ગોહ, અમીર ખુસરાઉ (ખુસરાઓ/ખુસરો), ગેલિલીયો વગેરે  પણ ઈતિહાસ છે. એ આર રહમાન પણ ઈતિહાસ બનશે. આવો ઈતિહાસ મને પ્રેરણા આપે છે. એ પાત્રો મારા ‘હીરો’ છે. પણ, પેલા હિમાલયનાં શિખર જેવા દૂરથી જોઈને ખુશ થવાય તેવા હીરો નહીં; મારા નજીકનાં મિત્રો જેવા હીરો. તેમની યાદો અને વાતો પણ કોઈ દૂર આકાશનાં ધ્રૂવતારક જેવી નહીં પણ કોઈ અંગત મિત્ર જેવી છે. આમાંનાં મોટાં ભાગનાં અને મારાં સાચુકલાં અંગત મિત્રોમાં પણ જેમનું કામ અને કેરેક્ટર મને ચેલેન્જ કરે છે-  મારી સીમાઓ વિસ્તારવાની મને પ્રેરણા આપતાં રહે છે તે પણ મોટાં ભાગનાં પુરુષો છે. સ્ત્રીઓ થોડી છે પણ તેમનો પ્રભાવ મને કદાચ બાકીનાં બહુમતી પુરુષો કરતાં પણ વધુ પ્રેરણાદાયી લાગ્યો છે. પણ, તેમાંયે બે સ્ત્રીઓ ખાસ છે. મારાં માનસપટ પર સૌથી વધુ છવાયેલી છે. તેમનાં જીવન અને કામની સાથે હું છેલ્લા ઘણાં વર્ષોથી એક પોતાપણું અનુભવતી આવી છું. જેમ એક ખાસ મિત્ર સાથે પહેલાં ઓળખાણ થાય, પછી થોડી વધારે માહિતી મળે, સમય જતાં એ બોન્ડ મજબૂત થતો જાય અને એક સમય એવો આવે જ્યારે એમની પર્સનાલીટી વિશે કશું જ તમને અસ્વાભાવિક ન લાગે તેવી જ રીતે આ બંને સ્ત્રીઓ પણ ધીમે ધીમે મારા જીવનનો, વિચારોનો અને હું જે કંઈ છું તેનો પણ એક ભાગ બનતી ગઈ છે. એક ફ્રીદા કાલો અને બીજી અમૃતા શેરગિલ.

અમૃતા વિશે મેં સૌપ્રથમ મારા આર્ટ-માસ્ટર બિમલ રાવલ પાસેથી સાંભળ્યુ હતું લગભગ સાતથી આઠ વર્ષ પહેલા. મને આર્ટ ગમતું ખૂબ ગમતું, હજુ પણ ખૂબ ગમે છે. પણ, એ વિશે માહિતી બહુ થોડી હતી. જો કે, હજુ પણ પૂરી છે એવું તો ન જ કહી શકું. વાન ગોહ, પાબ્લો પિકાસો જેવા નામ પણ મેં પહેલી વાર બિમલ સર પાસે સાંભળ્યા હતાં. પણ, અમૃતા શેરગિલનું નામ વારંવાર મારા કાને અથડાયા કરતું. હું જે 2 મહિના તેમની પાસે શીખતી હતી તેમાં 20 વાર તેમણે મને કહ્યું હતું કે, તું આપણી અમૃતા શેરગિલ છે  અને પછી અમે હસતાં. મને ખબર નહોતી એ કોણ છે. પણ, ત્યારે તેનાં વિષે ઉપરછલ્લી માહિતી લેવા સિવાયનો કોઈ રસ મારામાં જાગ્યો નહોતો. પછી તો બિમલ સર પાસે ટ્રેઈનિંગ પણ પૂરી કરી અને વર્ષો થઇ ગયાં. પણ, એ નામ હંમેશા મારી સ્મૃતિમાં રહ્યું. ત્રણેક વર્ષ પહેલાં અચાનક એક દિવસ મન થયું તો તેમનાં વિશે વધુ માહિતી શોધવાની મેં શરુ કરી. તેમનાં પેઈન્ટિન્ગ્સ જોયા. તેઓ કઈ રીતે ‘અહેડ ઓફ ટાઈમ’ હતાં તે જાણ્યું. અત્યાર સુધી જે માત્ર નામ હતું તેમાં એક કેરેક્ટર આવ્યું – તેમનું કામ જોઇને.

લગભગ બેક વર્ષ પહેલાં અચાનક રાજકોટમાં એક બુક સ્ટોરમાં (કદાચ ‘રાજેશ’. પણ, લોકેશન યાજ્ઞિક રોડ ઓલ્ડ એન્ડ ન્યુ બૂક સ્ટોર પછી અને પી.પી ફૂલવાલા પહેલા આવેલો છે એ સ્ટોર) મારા હાથે ‘આઠમો રંગ’ ચડી. એ બૂક મેં પેલી પોપ્યુલર કહેવતથી વિરુદ્ધ કવર જોઇને લીધી હતી (સાચ્ચે!) અને ત્યાર પછી અમુક મહિનાઓ સુધી એ પડી રહી. પછી  એક દિવસ એ ઊઠાવીને વાંચવાનું શરુ કર્યું ત્યારે જાણે અચાનક અજાણતા જ ખજાનો હાથમાં લાગ્યો. એ બુક ફિક્શન હતી. પણ, હિમાંશી શેલતે વાંચેલાં અમૃતનાં કેટલાંક પત્રો પર આધારિત હતી. મને તો પ્રસ્તાવનામાં એ પાત્રોનાં કેટલાંક અંશો વાંચીને જ મજા પડી ગઈ અને પછી તો અમૃતાનું કેરેક્ટર જીવંત થઇ ગયું મારા માટે.

આ દરમિયાન લગભગ આ જ રીતે વિવેક ઓઝાએ મારી ઓળખાણ ફ્રીદા કાલો સાથે કરાવી હતી – પાંચ-છ વર્ષ પહેલા. તેનાં પેઈન્ટિન્ગ્સ પણ ત્યારે આછા પાતળા ગૂગલ કરીને જોયા હતાં. પણ, ઘણાં સમય સુધી એ કેરેક્ટરમાં મેં ક્યારેય એક્ટિવ રસ નહોતો લીધો. ત્રણેક વર્ષ પહેલાં એ પણ થયું. ત્યાર પછી તો ફ્રીદા વિશે કે તેમનાં કામ વિશે જે કંઈ પણ આછું-પાતળું નાનું-મોટું જાણવા મળ્યું તે રસપૂર્વક જાણી ગઈ. અમૃતા વિશે જ્યારે વાંચ્યું ત્યારે લગભગ દરેક વાત મને ફ્રીદાની યાદ અપાવતી રહી. એટલે જ કદાચ અમૃતાને ભારતની ફ્રીદા કહે છે. બંને અત્યંત સતેજ અને બુદ્ધિશાળી સ્ત્રીઓ અને સ્વતંત્રતા શબ્દને એક ઊંચાઈ આપનારી પણ. ફ્રીદાનું જીવન તેમની તબિયતની દૃષ્ટિએ અત્યંત પીડાદાયક હતું અને છતાંયે તેમનાં પર દયા ન આવે. માન આવે. પણ, દયા ન આવે. એ જ રીતે અમૃતાએ પણ એક સમય પછી અત્યંત શારીરિક કષ્ટ ભોગવ્યું. બંનેનાં સ્ત્રીઓ અને પુરુષો સાથેનાં સંબંધો પણ અગણિત. ફ્રીદા વિશે કહેતાં કે, “ઓલ ધ મેન વોન્ટેડ હર; એન્ડ ઓલ ધ વિમેન વોન્ટેડ ટુ બી હર”. અમૃતા વિશે આવું ક્યારેય કોઈએ કહ્યું નથી. પણ, તેનાં માટે પણ આ એટલું જ લાગુ પડે છે. અમૃતાને ત્યારનાં રાજા રવિ વર્મા જેવાંની શૈલીથી અંજાયેલાં આર્ટ-ક્રિટીક્સ બહુ ગણકારતાં નહીં. એ જ રીતે ફ્રીદાને ઘણાં સમય સુધી ડીએગો રિવેરાની પત્ની તરીકે જ ઓળખાણ મળતી. બંને પોતાનાં કામ વિશે સતત ડાઉટફુલ રહેતાં. કદાચ એ જ કારણ છે  કે, બંને પોતાનાં કામ વિશે આટલા સભાન હતાં. તેમનાં કામમાં તેમણે જાણે પોતાનું વ્યક્તિત્ત્વ છૂપાવેલું છે. ફ્રીદાએ તો લિટરલી. એ સેલ્ફ-પોર્ટરેઈટ્સ બનાવતાં. “આઈ પેઈન્ટ માયસેલ્ફ બિકોઝ આઈ એમ સો ઓફન અલોન એન્ડ બિકોઝ આઈ એમ ધ સબ્જેક્ટ આઈ નો ધ બેસ્ટ”. સામે શેરગિલ જે સતત ક્રિટીસાઈઝ થતાં રહ્યાં તે કહેતાં કે, મને મારા શિક્ષકોની શીખવણે નહીં પણ મારાં ક્લાસ-મેટ્સનાં હાર્શ ક્રિટીસિઝ્મે વધુ શીખવ્યું છે.

એ બંને સ્ટીરિઓટિપિકલ નથી એ મને ગમે છે. આ પ્રકારની સ્ત્રી હોવાનું કોઈ શીખવાડી ન શકે. માતાઓ તો ખાસ ન શીખવાડે કારણ કે, સ્વાભાવિક પ્રેમને કારણે ડરે કે, આ ક્યાંક હેરાન ન થાય. આ વ્યક્તિત્ત્વ અને આવું કામ એક પ્રકારની ઇન્ટેગ્રિટીમાંથી જન્મે. મેરી ક્યુરી ઇન્ટેગ્રિટી હોય ત્યારે જ પોતાનું મોં બળી જાય ત્યાં સુધીની તૈયારી રાખી શકે. અને આ ઇન્ટેગ્રિટી અને ઇન્ટેલીજન્સ એક સિક્કાની બે બાજુની જેમ સતત સાથે રહ્યા કરે એ મને ખૂબ ગમે છે. ક્યારેક વિચારું છું કે, આ બંને એકબીજાને મળ્યા હોત તો! કદાચ ક્યારેય અલગ ન પડત. એમણે મારી પોતાની જાત પાસેથી બાંધેલી અપેક્ષા ઊંચી કરી નાંખી છે.  આ સમગ્ર વ્યક્તિત્ત્વ તો નહીં પણ આ વ્યક્તિત્ત્વનાં પાયાનાં અંશો હું મારી પેઢીની સ્ત્રીઓ પાસેથી જાણ્યે-અજાણ્યે શોધતી રહું છું. જ્યારે એવરેજ છોકરીઓનું મિનિમમ સ્ટાન્ડર્ડ આપણે આટલું લાવીએ ત્યારે કદાચ આપણને આપોઆપ જ ફેમિનિસ્ટ મૂવમેન્ટની જરૂર નહીં પડે!

ધ હોલ્સ્ટી મેનીફેસ્ટો

નિબંધ
The Holstee Manifesto

જ્યાંથી આ મેનીફેસ્ટો લેવામાં આવ્યો છે તે બ્લોગ: http://blog.holstee.com/

આ મેનીફેસ્ટોનું ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકાય તેવું પોસ્ટર: http://cdn.shopify.com/s/files/1/0031/5352/files/The_Holstee_Manifesto_8.5×11.pdf

રાજસ્થાન રોડ ટ્રિપ – ૪

ભારત, રાજસ્થાન

પછીનાં દિવસે સવારે આનંદ અને હું સૌથી મોડાં ઊંઘવા છતાંયે સૌથી પહેલાં ઊઠીને અમારા ટેન્ટનાં ઓટલા પર બેઠા કૉફી પીતા હતાં. કંઈ વાત કરવાની જરૂર હતી નહીં એટલી શાંતિ હતી કારણ કે, કંઈ વાત કરવા જેટલું વિચારવાનો કે બોલવાનો નહોતો મૂડ કે નહોતી ત્રેવડ. શાંતિથી મારું ગરમ પીણું પીવાનું મન હતું અને એ સમજીને મને હેરાન ન કરે તેવા સાથી હોવાનું સુખ હતું. પિન્કી આન્ટીને કદાચ આગલી રાત વિશે ખાસ બહુ કંઈ યાદ નહોતું. પેલા ચાર છોકરાઓ (જેમાંનો એક હતો આદિત્ય સિંઘ) સૌથી પહેલાં નીકળ્યા બિકાનેર જવા માટે. પછી સવારની ભાગ-દોડમાં અમે  પેલા આન્ટી-અંકલનાં ગ્રૂપને પણ જતું જોયું. મિયા અને અમારી ચોથી સાથીનાં ઊઠ્યા પછી અમે ચારે સાથે નાસ્તો કર્યો અને મુન્નાભાઈ સાથે જેસલમેર તરફ પાછાં ફર્યા. રણની કડકડતી ઠંડી અમને અમારા બધી તરફથી પેક એવા ટેન્ટમાં બે બ્લેન્કેટની નીચે ઊંઘ્યા હોવા છતાં પણ લાગી હતી. આખી રાત સ્કોચ પીવા છતાં હેન્ગ-ઓવર જેવું ખાસ કંઈ હતું નહીં. જેસલમેરમાં સવારે થોડું ફર્યા પછી અમે અજમેર તરફ રવાના થયા. બપોરનો સમય તો લગભગ મિયા સાથે હવે આગળ શું કરવું છે તે વિચારતા ગયો. મિયા પહેલી વાર ભારત આવી હતી એટલે તેને તાજ મહેલ જોવો હતો તેવું તેણે મને બહુ શરૂઆતમાં કહ્યું હતું. જો તાજ મહેલ જ જોવો હોય તો જયપુર જવું અને ત્યાં બે-ત્રણ દિવસ રહેવું વ્યાજબી હતું. પણ, આનંદ અને અમારી ચોથી મિત્ર અમારી સાથે રહી શકે તેવી શક્યતા નહોતી કારણ કે, તેમનાં માટે કોલેજ પાછા ફરવું બહુ જરૂરી હતું. વધુ રજા પળાય તેમ નહોતી. વળી, તે દિવસથી એક અઠવાડિયામાં મારું રાજકોટ પહોંચવું પણ જરૂરી હતું કારણ કે, એક મિત્રનાં લગ્ન હતાં અને મિયાને ઇન્ડિયન વેડિંગનો પણ અનુભવ લેવો હતો. મેં તેનાં પર છોડ્યું હતું અને કંઈ નક્કી નહોતું થતું.

આટલા દિવસ પાછળ બેઠા પછી મને આગળની ડ્રાઈવર પાસેની સીટમાં બેસવાનું મન થયું અને આનંદે મારી જિદ્દ માનીને પાછળ મારી જગ્યાએ બેસવાનું રાખ્યું. પણ, થોડી વાર પછી વાતાવરણ બહુ વિચિત્ર થઇ ગયું. બિચારા મુન્નાભાઈને માટે કોઈ કંપની ન રહી. મિયા અને આનંદ પણ કંઈ તેટલા સારા ભળ્યા નહોતા એટલે અંતે બધાં કંટાળતા હતાં અને તે જોઇને મને પણ કંટાળો આવતો હતો. એ જોઇને થોડી વાર પછી મેં મારી જિદ્દ પડતી મૂકી અને ફરી બધાં પોતપોતાની જગ્યાએ ગોઠવાયા. સાંજ ઢળી પણ કોઈને કંઈ ખાવાની ઈચ્છા નહોતી. અમને ત્રણે છોકરીઓને જરા પણ ભૂખ નહોતી. આનંદ અને મુન્નાભાઈએ થોડી ચા પીધી અને અમે અજમેર તરફ આગળ જવાનું ચાલુ રાખ્યું. તેમણે જ્યાં ચા પીધી તે જગ્યાની આસપાસ થોડા પેટ્રોલપંપ વગેરે હતાં પણ પછી ઉજ્જડ રસ્તો શરુ થતો હતો. માઈલો સુધી ડાબે જમણે ગમે ત્યાં નજર કરો ત્યાં કંઈ જ ન દેખાય. તમારી ગાડીની હેડલાઈટ, થોડી વારે કદાચ એકાદું એકલું અટૂલું વાહન અને બાકી આકાશનાં તારા! થોડી વાર પછી વળી તારા પણ દેખાતા બંધ થયા. બંને બાજુએ લાંબા ઝાડની હારોએ બહાર આસાનીથી દેખાતાં તારાને ઢાંકી દીધાં.

આવામાં અચાનક ક્યાંકથી અજમેર શરીફની દરગાહ અને તેનાં વિશેની પ્રચલિત માન્યતાઓની વાત શરુ થઇ. તેમાંથી જ વળી આડે-સીધે રસ્તે ફંટાતી વાતો ધર્મ અને ધાર્મિકતા પર પહોંચી અને પછી આનંદ અને મિયાની કલાકોની ચર્ચા શરુ થઇ. મિયાનો ક્રિશ્ચન મત અને આનંદનો એગ્નોસ્ટિક મત પોતપોતાનો કક્કો ખરો કરવાનાં જબરા પ્રયત્નમાં હતાં. તેમાં વળી ક્યારેક હું પણ અંદર ઘસડાતી અને બહાર આવતી. ખાસ તો એટલા માટે કે, અમુક અમુક વખતે હું બંને માટે ટ્રાન્સલેટર હતી. એ આખી ચર્ચા ગજબ અકળાવનારી હતી. વેરાન અંધારા રસ્તા પર, જ્યારે તમે એક હાઈપ્ડ સ્પિરિચ્યુઅલ જગ્યા પર જતા હો અને મિત્રોથી છૂટા પડવાનો સમય નજીક આવતો જતો હોય ત્યારે મારાં જેવી વ્યક્તિનાં મગજમાં આ ચર્ચા કોઈ રીતે બેસતી નહોતી. વળી, બંને જે સબ્જેક્ટ મેટર એક્સપર્ટની જેમ દલીલો પર દલીલો કર્યે જતાં હતાં એ મને વધુ અકળાવતું હતું. મિયા સાથે દલીલ કરવી એ દીવાલ સાથે માથું ફોડવા જેવું હતું. એટ લીસ્ટ આનંદની દલીલો થોડી ઘણી પણ તાર્કિક હતી અને મિયા જે કહે તે એ ખુલ્લા મને સાંભળતો હતો. એટલું વળી સારું હતું કે, આનંદને હું ગુજરાતીમાં કંઈ પણ કહી શકતી હતી અને તે સાંભળીને મિયા મારી સાથે દલીલ કરવા બેસે તેની કોઈ શક્યતાઓ નહોતી.

અંતે બધાં થાક્યા. થોડી ઊંઘ કરી અને વહેલું આવ્યું અજમેર. મુન્નાભાઈનું કહેવું હતું કે, અમે પુષ્કરમાં રહીએ. પણ, બીજા દિવસે સવારે અમે આમ પણ અજમેર શરીફ જઈને ઉદયપુર પાછા જ ફરવાનાં હતાં એટલે અમારો એવો આગ્રહ હતો કે, અમે અજમેરમાં જ કોઈ હોટેલમાં રહીએ. અમારા આગ્રહને માન આપીને તેમણે અમને અમુક હોટેલ બતાવી પણ અંતે અમને ભાન પડી કે, મુન્નાભાઈની વાત સાચી હતી અને પુષ્કર તરફ અમે ફર્યાં. સૌથી પહેલાં તો પુષ્કરનાં એ ચડાણવાળાં રસ્તા સાથે જ અમે બધાં પ્રેમમાં પડી ગયા. એક જગ્યાએ ગાડી રોકીને અમે ઊંચાઈએથી અજમેરની ‘સિટી લાઈટ્સ’ જોઈ. મુન્નાભાઈ અમને ફરી એક જૂની હવેલીને રિનોવેટ કરીને બનાવેલી હોટેલમાં લઇ ગયાં. પણ, એ હોટેલ અમે રહ્યા હતાં તેમાંની સૌથી સારી હોટેલ હતી. એ હવેલીની વાત જ કંઈક જૂદી હતી. એ જોઇને આનંદ અને મારાં મગજમાં એક જ વિચાર આવ્યો કે, પહેલેથી મુન્નાભાઈની વાત માનવાની જરૂર હતી. જો એમ કર્યું હોત તો અત્યાર સુધીમાં જમીને પરવારી પણ ગયા હોત. એ હવેલીની કોમન એરિયાની બધી જ દીવાલો પર રાજસ્થાની શૈલીથી પેઇન્ટિંગ કરેલાં હતાં. રૂમ એકદમ મોટાં અને દરેક રૂમમાંથી એક બારી વચ્ચેનાં ચોગાનમાં ખુલતી હતી. દરેક રૂમ પર જૂની ઢબની સાંકળ અને મોટાં તાળા હતાં. પહેલા ત્રણ માળ રૂમ અને ઉપર ટેરેસ-રેસ્ટોરાં. તેમાંય વળી ભારતીય બેઠક અને નાના નાના પર્સનલ એરિયા જેવી ગોળાકાર ગોઠવણ.

રાત્રે દસ વાગ્યે રસોઈયાને ઊઠાડીને એ દિવસે અમે એ આખી ટ્રિપનું સૌથી સ્વાદિષ્ટ જમણ જમ્યા. (માઈન્ડ વેલ, અમે રાજસ્થાનમાં હતાં અને દરેક જગ્યાએ જમવાનું આઉટ ઓફ ધ વર્લ્ડ હતું! અને તેમાં આ સૌથી સારું હતું) એ રાત્રે મુન્નાભાઈ પાસે કોઈ દારૂ નહોતો અને તેઓ દારૂનાં બંધાણી હતાં જે મને ખબર નહોતી. વળી, અજમેર કે પુષ્કર ક્યાંય તેમને એ સમયે દારૂ મળે તેમ નહોતું. એટલે, જયે અમારી વોડ્કાની પોણી ભરેલી બોટલ તેમને આપી અને તેમનો ‘હેપી આર’ પૂરો કરાવ્યો. એ દરમિયાન અમે છોકરીઓએ સાથે ઉપર આગાસીમાં બેસવાનું નક્કી કર્યું. થોડી વાર પછી મિયા નીચે રૂમમાં ગઈ. અમે નીચે પાછા ફર્યાં ત્યાં સુધીમાં આનંદ અને મિયા બંને ઊંઘી ચૂક્યા હતાં. અમે પણ ઊંઘ્યા અને મોડું મોડું પડ્યું સવાર! અમે તૈયાર થઈને નાસ્તો કરીને સીધા અજમેર શરીફ ગયાં. હવે એ જગ્યાનો પ્રભાવ કહો કે, પછી ત્યાં આસપાસની ગરીબી અને લોકોની દારુણ પરિસ્થિતિ કે મારી એ સમયની મનઃસ્થિતિ. કારણ ગમે તો હોય મારું મન ખૂબ ઉદાસ થવા લાગ્યું અને અંદર જતાં સુધીમાં તો હું હીબકે હીબકે રડવા લાગી. ત્યાં અમે એટલો સમય લીધો કે, પછી તો જો રાત સુધીમાં ચિત્તોડ ગઢ જોઇને ઉદયપુર પહોંચવું હોય તો ક્યાંય બીજે જઈ ન શકાય. અમે સીધા ત્યાંથી ચિત્તોડ તરફ રવાના થયાં.

ચિત્તોડમાં મુન્નાભાઈએ એક કલાકમાં પાછા ફરવા કહ્યું હતું પણ ત્યાં પણ અમે અઢી-ત્રણ કલાકે પાછા ફર્યાં – એ મારાં પ્રતાપે! ત્યાં ચિત્તોડમાં કિલ્લાની આસપાસ આમ તેમ રખડતા બધાં ફોટા પાડતા હતાં ત્યારે અમને એક ઈન્ટરેસ્ટિંગ સીડી નજરે પડી અને તેનાં બીજા છેડે તાળું લગાવેલો એક દરવાજો હતો. અમે તે જગ્યાની આસપાસ ફરતાં હતાં તેવામાં એક માજી આવ્યાં. તેમની સાથે હું વાતો કરવા લાગી. તેમનું નામ અણછી (‘શ’ અને ‘છ’ વચ્ચેનો ઉચ્ચાર) હતું.  તેઓ અમને એ તાળાવાળાં દરવાજાની પેલે પાર લઇ ગયાં. તેમની પાસે ચાવી હતી. એ નાનું ઘર પણ અદ્ભુત હતું. એ ઘર ઉપર જેટલું દેખાતું હતું તેનાંથી બમણું અંદર હતું. ત્યાં કોઈ રહેતું નહોતું. ફક્ત એ બાઈ અને તેમનાં પૌત્રો સંધ્યા આરતી કરવા રોજ આવતાં. તેનાં કેટલાંક ઓરડાઓમાં તો ચામાચીડિયા રહેતાં હતાં. અમે પણ આરતી થયા સુધી ત્યાં રહ્યાં અને મોડા મોડા પાછા ફર્યાં.

બિચારા મુન્નાભાઈ અમારી રાહ જોઇને થાક્યા હતાં. ત્યાંથી નીકળ્યા પછી ઉદયપુર પહોંચીને અમદાવાદની સૌથી પહેલી બસ અમે પકડવાનાં હતાં. રસ્તામાં અચાનક અમને એક બોટલશોપ નજરે પડી. અને અમે ચારે માટે કિંગફિશર પ્રીમિયમની ૭૫૦ મિલીની એક એક એવી અમારા ચારે માટે ચાર બોટલ લીધી. પછી તો દરેક ચેક પોસ્ટ પર તેને પગ વચ્ચે છૂપાવવાનો વગેરે ઘટનાક્રમ ચાલ્યો. ઉદયપુર પહોંચ્યા પછી ગાડીમાંથી ઉતરવાથી માંડીને અમદાવાદની બસ પકડવા સુધીનાં સમયગાળા વિશે મને કંઈ જ યાદ નથી. અમે મુન્નાભાઈ સાથે બે ગ્રૂપ ફોટા પાડ્યા હતાં તેટલું યાદ છે બસ. એ સમયગાળો કેટલો હતો એ પણ યાદ નથી. બસ એટલું યાદ છે કે, રાત્રે અગ્યાર વાગ્યે મેં મારાં એક બહુ ખાસ મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, “હું અને મારી એક મિત્ર કાલે સવારે પાંચ વાગ્યે વિદ્યાનગર આવીએ છીએ અમારી રહેવાની કોઈ વ્યવસ્થા કરી દે”. અને અમારા એ મિત્રએ તે વ્યવસ્થા કરી પણ ખરી. પાંચ વાગ્યે અમે જ્યારે વિદ્યાનગર પહોંચ્યા ત્યારે એ અમને બસ સ્ટેન્ડ પર લેવા આવ્યો હતો.


આફ્ટરમેથ:

વિદ્યાનગર પછી અમે રાજકોટ ગયા. એ એક મહિનામાં મિયા ગુજરાતીમાં ઘણું બોલતાં શીખી હતી. જેમ કે, “બંધ છે” “આવ આવ” “જાવા દે” વગેરે. “ઘેટું” બોલાવવાનાં અમારી ચોથી મિત્રનાં તમામ પ્રયત્નો સતત નિષ્ફળ ગયાં અને એ દરેક પ્રયત્ન પર અમે ખૂબ હસ્યા. કહે છે કે, Travelling together either makes it or breaks it. હું અને આનંદ વધુ સારા મિત્રો બન્યા અને તેનાંથી તદ્દન ઊલટું મિયાનું મોં પણ મને અકળાવવા લાગ્યું. હું સતત આનંદને કહ્યા કરતી કે, મિયાને મારી સાથે લાવવી એ મને ભૂલ જેવું લાગ્યા કરે છે. તેનાં મારાં પરિવાર તરફનાં ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ વાળાં એટીટ્યુડે તો મને કલ્પનાની બહાર અકળાવી હતી. ભારતથી પાછા ફર્યા પછી મિયા અને હું બિલકુલ સંપર્કમાં નથી અને આવીએ તેવી મારી કોઈ ઈચ્છા પણ નથી. મારા પર્થ પાછા ફર્યા પછીનાં લગભગ પાંચ દિવસ પછી આનંદ અને હું બહુ ઝગડ્યા. ગયા વર્ષનાં અંત સુધીમાં એ મારી ‘જ્યારે હું નાની હતી ત્યારે …’ વાળી વાર્તાઓનો એક ભાગ બનીને રહી જશે તેવી ખાતરી મને થઇ ચુકી હતી. મેં લગભગ તેનાં નામનું નાહી નાંખ્યું હતું. પણ, અમારા સદભાગ્યે લગભગ એક મહિના પહેલા અમે ફરી પાછા સંપર્કમાં આવ્યાં. શરૂઆતમાં બધું બહુ વિચિત્ર હતું. પણ, પછી જેમ વધુ વાત કરી તેમ જાણ્યું કે, એ એક વર્ષમાં અમે મોટાં થયા હતાં અને અંતે અમારી મિત્રતાની કિમત અમે અમારા મતભેદો કરતાં વધુ આંકી હતી. મને એ વાતની ખુશી છે કે, અમે એ સમજવા જેટલા મોટા થયાં!