પછીનાં દિવસે સવારે આનંદ અને હું સૌથી મોડાં ઊંઘવા છતાંયે સૌથી પહેલાં ઊઠીને અમારા ટેન્ટનાં ઓટલા પર બેઠા કૉફી પીતા હતાં. કંઈ વાત કરવાની જરૂર હતી નહીં એટલી શાંતિ હતી કારણ કે, કંઈ વાત કરવા જેટલું વિચારવાનો કે બોલવાનો નહોતો મૂડ કે નહોતી ત્રેવડ. શાંતિથી મારું ગરમ પીણું પીવાનું મન હતું અને એ સમજીને મને હેરાન ન કરે તેવા સાથી હોવાનું સુખ હતું. પિન્કી આન્ટીને કદાચ આગલી રાત વિશે ખાસ બહુ કંઈ યાદ નહોતું. પેલા ચાર છોકરાઓ (જેમાંનો એક હતો આદિત્ય સિંઘ) સૌથી પહેલાં નીકળ્યા બિકાનેર જવા માટે. પછી સવારની ભાગ-દોડમાં અમે પેલા આન્ટી-અંકલનાં ગ્રૂપને પણ જતું જોયું. મિયા અને અમારી ચોથી સાથીનાં ઊઠ્યા પછી અમે ચારે સાથે નાસ્તો કર્યો અને મુન્નાભાઈ સાથે જેસલમેર તરફ પાછાં ફર્યા. રણની કડકડતી ઠંડી અમને અમારા બધી તરફથી પેક એવા ટેન્ટમાં બે બ્લેન્કેટની નીચે ઊંઘ્યા હોવા છતાં પણ લાગી હતી. આખી રાત સ્કોચ પીવા છતાં હેન્ગ-ઓવર જેવું ખાસ કંઈ હતું નહીં. જેસલમેરમાં સવારે થોડું ફર્યા પછી અમે અજમેર તરફ રવાના થયા. બપોરનો સમય તો લગભગ મિયા સાથે હવે આગળ શું કરવું છે તે વિચારતા ગયો. મિયા પહેલી વાર ભારત આવી હતી એટલે તેને તાજ મહેલ જોવો હતો તેવું તેણે મને બહુ શરૂઆતમાં કહ્યું હતું. જો તાજ મહેલ જ જોવો હોય તો જયપુર જવું અને ત્યાં બે-ત્રણ દિવસ રહેવું વ્યાજબી હતું. પણ, આનંદ અને અમારી ચોથી મિત્ર અમારી સાથે રહી શકે તેવી શક્યતા નહોતી કારણ કે, તેમનાં માટે કોલેજ પાછા ફરવું બહુ જરૂરી હતું. વધુ રજા પળાય તેમ નહોતી. વળી, તે દિવસથી એક અઠવાડિયામાં મારું રાજકોટ પહોંચવું પણ જરૂરી હતું કારણ કે, એક મિત્રનાં લગ્ન હતાં અને મિયાને ઇન્ડિયન વેડિંગનો પણ અનુભવ લેવો હતો. મેં તેનાં પર છોડ્યું હતું અને કંઈ નક્કી નહોતું થતું.
આટલા દિવસ પાછળ બેઠા પછી મને આગળની ડ્રાઈવર પાસેની સીટમાં બેસવાનું મન થયું અને આનંદે મારી જિદ્દ માનીને પાછળ મારી જગ્યાએ બેસવાનું રાખ્યું. પણ, થોડી વાર પછી વાતાવરણ બહુ વિચિત્ર થઇ ગયું. બિચારા મુન્નાભાઈને માટે કોઈ કંપની ન રહી. મિયા અને આનંદ પણ કંઈ તેટલા સારા ભળ્યા નહોતા એટલે અંતે બધાં કંટાળતા હતાં અને તે જોઇને મને પણ કંટાળો આવતો હતો. એ જોઇને થોડી વાર પછી મેં મારી જિદ્દ પડતી મૂકી અને ફરી બધાં પોતપોતાની જગ્યાએ ગોઠવાયા. સાંજ ઢળી પણ કોઈને કંઈ ખાવાની ઈચ્છા નહોતી. અમને ત્રણે છોકરીઓને જરા પણ ભૂખ નહોતી. આનંદ અને મુન્નાભાઈએ થોડી ચા પીધી અને અમે અજમેર તરફ આગળ જવાનું ચાલુ રાખ્યું. તેમણે જ્યાં ચા પીધી તે જગ્યાની આસપાસ થોડા પેટ્રોલપંપ વગેરે હતાં પણ પછી ઉજ્જડ રસ્તો શરુ થતો હતો. માઈલો સુધી ડાબે જમણે ગમે ત્યાં નજર કરો ત્યાં કંઈ જ ન દેખાય. તમારી ગાડીની હેડલાઈટ, થોડી વારે કદાચ એકાદું એકલું અટૂલું વાહન અને બાકી આકાશનાં તારા! થોડી વાર પછી વળી તારા પણ દેખાતા બંધ થયા. બંને બાજુએ લાંબા ઝાડની હારોએ બહાર આસાનીથી દેખાતાં તારાને ઢાંકી દીધાં.
આવામાં અચાનક ક્યાંકથી અજમેર શરીફની દરગાહ અને તેનાં વિશેની પ્રચલિત માન્યતાઓની વાત શરુ થઇ. તેમાંથી જ વળી આડે-સીધે રસ્તે ફંટાતી વાતો ધર્મ અને ધાર્મિકતા પર પહોંચી અને પછી આનંદ અને મિયાની કલાકોની ચર્ચા શરુ થઇ. મિયાનો ક્રિશ્ચન મત અને આનંદનો એગ્નોસ્ટિક મત પોતપોતાનો કક્કો ખરો કરવાનાં જબરા પ્રયત્નમાં હતાં. તેમાં વળી ક્યારેક હું પણ અંદર ઘસડાતી અને બહાર આવતી. ખાસ તો એટલા માટે કે, અમુક અમુક વખતે હું બંને માટે ટ્રાન્સલેટર હતી. એ આખી ચર્ચા ગજબ અકળાવનારી હતી. વેરાન અંધારા રસ્તા પર, જ્યારે તમે એક હાઈપ્ડ સ્પિરિચ્યુઅલ જગ્યા પર જતા હો અને મિત્રોથી છૂટા પડવાનો સમય નજીક આવતો જતો હોય ત્યારે મારાં જેવી વ્યક્તિનાં મગજમાં આ ચર્ચા કોઈ રીતે બેસતી નહોતી. વળી, બંને જે સબ્જેક્ટ મેટર એક્સપર્ટની જેમ દલીલો પર દલીલો કર્યે જતાં હતાં એ મને વધુ અકળાવતું હતું. મિયા સાથે દલીલ કરવી એ દીવાલ સાથે માથું ફોડવા જેવું હતું. એટ લીસ્ટ આનંદની દલીલો થોડી ઘણી પણ તાર્કિક હતી અને મિયા જે કહે તે એ ખુલ્લા મને સાંભળતો હતો. એટલું વળી સારું હતું કે, આનંદને હું ગુજરાતીમાં કંઈ પણ કહી શકતી હતી અને તે સાંભળીને મિયા મારી સાથે દલીલ કરવા બેસે તેની કોઈ શક્યતાઓ નહોતી.
અંતે બધાં થાક્યા. થોડી ઊંઘ કરી અને વહેલું આવ્યું અજમેર. મુન્નાભાઈનું કહેવું હતું કે, અમે પુષ્કરમાં રહીએ. પણ, બીજા દિવસે સવારે અમે આમ પણ અજમેર શરીફ જઈને ઉદયપુર પાછા જ ફરવાનાં હતાં એટલે અમારો એવો આગ્રહ હતો કે, અમે અજમેરમાં જ કોઈ હોટેલમાં રહીએ. અમારા આગ્રહને માન આપીને તેમણે અમને અમુક હોટેલ બતાવી પણ અંતે અમને ભાન પડી કે, મુન્નાભાઈની વાત સાચી હતી અને પુષ્કર તરફ અમે ફર્યાં. સૌથી પહેલાં તો પુષ્કરનાં એ ચડાણવાળાં રસ્તા સાથે જ અમે બધાં પ્રેમમાં પડી ગયા. એક જગ્યાએ ગાડી રોકીને અમે ઊંચાઈએથી અજમેરની ‘સિટી લાઈટ્સ’ જોઈ. મુન્નાભાઈ અમને ફરી એક જૂની હવેલીને રિનોવેટ કરીને બનાવેલી હોટેલમાં લઇ ગયાં. પણ, એ હોટેલ અમે રહ્યા હતાં તેમાંની સૌથી સારી હોટેલ હતી. એ હવેલીની વાત જ કંઈક જૂદી હતી. એ જોઇને આનંદ અને મારાં મગજમાં એક જ વિચાર આવ્યો કે, પહેલેથી મુન્નાભાઈની વાત માનવાની જરૂર હતી. જો એમ કર્યું હોત તો અત્યાર સુધીમાં જમીને પરવારી પણ ગયા હોત. એ હવેલીની કોમન એરિયાની બધી જ દીવાલો પર રાજસ્થાની શૈલીથી પેઇન્ટિંગ કરેલાં હતાં. રૂમ એકદમ મોટાં અને દરેક રૂમમાંથી એક બારી વચ્ચેનાં ચોગાનમાં ખુલતી હતી. દરેક રૂમ પર જૂની ઢબની સાંકળ અને મોટાં તાળા હતાં. પહેલા ત્રણ માળ રૂમ અને ઉપર ટેરેસ-રેસ્ટોરાં. તેમાંય વળી ભારતીય બેઠક અને નાના નાના પર્સનલ એરિયા જેવી ગોળાકાર ગોઠવણ.
રાત્રે દસ વાગ્યે રસોઈયાને ઊઠાડીને એ દિવસે અમે એ આખી ટ્રિપનું સૌથી સ્વાદિષ્ટ જમણ જમ્યા. (માઈન્ડ વેલ, અમે રાજસ્થાનમાં હતાં અને દરેક જગ્યાએ જમવાનું આઉટ ઓફ ધ વર્લ્ડ હતું! અને તેમાં આ સૌથી સારું હતું) એ રાત્રે મુન્નાભાઈ પાસે કોઈ દારૂ નહોતો અને તેઓ દારૂનાં બંધાણી હતાં જે મને ખબર નહોતી. વળી, અજમેર કે પુષ્કર ક્યાંય તેમને એ સમયે દારૂ મળે તેમ નહોતું. એટલે, જયે અમારી વોડ્કાની પોણી ભરેલી બોટલ તેમને આપી અને તેમનો ‘હેપી આર’ પૂરો કરાવ્યો. એ દરમિયાન અમે છોકરીઓએ સાથે ઉપર આગાસીમાં બેસવાનું નક્કી કર્યું. થોડી વાર પછી મિયા નીચે રૂમમાં ગઈ. અમે નીચે પાછા ફર્યાં ત્યાં સુધીમાં આનંદ અને મિયા બંને ઊંઘી ચૂક્યા હતાં. અમે પણ ઊંઘ્યા અને મોડું મોડું પડ્યું સવાર! અમે તૈયાર થઈને નાસ્તો કરીને સીધા અજમેર શરીફ ગયાં. હવે એ જગ્યાનો પ્રભાવ કહો કે, પછી ત્યાં આસપાસની ગરીબી અને લોકોની દારુણ પરિસ્થિતિ કે મારી એ સમયની મનઃસ્થિતિ. કારણ ગમે તો હોય મારું મન ખૂબ ઉદાસ થવા લાગ્યું અને અંદર જતાં સુધીમાં તો હું હીબકે હીબકે રડવા લાગી. ત્યાં અમે એટલો સમય લીધો કે, પછી તો જો રાત સુધીમાં ચિત્તોડ ગઢ જોઇને ઉદયપુર પહોંચવું હોય તો ક્યાંય બીજે જઈ ન શકાય. અમે સીધા ત્યાંથી ચિત્તોડ તરફ રવાના થયાં.
ચિત્તોડમાં મુન્નાભાઈએ એક કલાકમાં પાછા ફરવા કહ્યું હતું પણ ત્યાં પણ અમે અઢી-ત્રણ કલાકે પાછા ફર્યાં – એ મારાં પ્રતાપે! ત્યાં ચિત્તોડમાં કિલ્લાની આસપાસ આમ તેમ રખડતા બધાં ફોટા પાડતા હતાં ત્યારે અમને એક ઈન્ટરેસ્ટિંગ સીડી નજરે પડી અને તેનાં બીજા છેડે તાળું લગાવેલો એક દરવાજો હતો. અમે તે જગ્યાની આસપાસ ફરતાં હતાં તેવામાં એક માજી આવ્યાં. તેમની સાથે હું વાતો કરવા લાગી. તેમનું નામ અણછી (‘શ’ અને ‘છ’ વચ્ચેનો ઉચ્ચાર) હતું. તેઓ અમને એ તાળાવાળાં દરવાજાની પેલે પાર લઇ ગયાં. તેમની પાસે ચાવી હતી. એ નાનું ઘર પણ અદ્ભુત હતું. એ ઘર ઉપર જેટલું દેખાતું હતું તેનાંથી બમણું અંદર હતું. ત્યાં કોઈ રહેતું નહોતું. ફક્ત એ બાઈ અને તેમનાં પૌત્રો સંધ્યા આરતી કરવા રોજ આવતાં. તેનાં કેટલાંક ઓરડાઓમાં તો ચામાચીડિયા રહેતાં હતાં. અમે પણ આરતી થયા સુધી ત્યાં રહ્યાં અને મોડા મોડા પાછા ફર્યાં.
બિચારા મુન્નાભાઈ અમારી રાહ જોઇને થાક્યા હતાં. ત્યાંથી નીકળ્યા પછી ઉદયપુર પહોંચીને અમદાવાદની સૌથી પહેલી બસ અમે પકડવાનાં હતાં. રસ્તામાં અચાનક અમને એક બોટલશોપ નજરે પડી. અને અમે ચારે માટે કિંગફિશર પ્રીમિયમની ૭૫૦ મિલીની એક એક એવી અમારા ચારે માટે ચાર બોટલ લીધી. પછી તો દરેક ચેક પોસ્ટ પર તેને પગ વચ્ચે છૂપાવવાનો વગેરે ઘટનાક્રમ ચાલ્યો. ઉદયપુર પહોંચ્યા પછી ગાડીમાંથી ઉતરવાથી માંડીને અમદાવાદની બસ પકડવા સુધીનાં સમયગાળા વિશે મને કંઈ જ યાદ નથી. અમે મુન્નાભાઈ સાથે બે ગ્રૂપ ફોટા પાડ્યા હતાં તેટલું યાદ છે બસ. એ સમયગાળો કેટલો હતો એ પણ યાદ નથી. બસ એટલું યાદ છે કે, રાત્રે અગ્યાર વાગ્યે મેં મારાં એક બહુ ખાસ મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, “હું અને મારી એક મિત્ર કાલે સવારે પાંચ વાગ્યે વિદ્યાનગર આવીએ છીએ અમારી રહેવાની કોઈ વ્યવસ્થા કરી દે”. અને અમારા એ મિત્રએ તે વ્યવસ્થા કરી પણ ખરી. પાંચ વાગ્યે અમે જ્યારે વિદ્યાનગર પહોંચ્યા ત્યારે એ અમને બસ સ્ટેન્ડ પર લેવા આવ્યો હતો.
આફ્ટરમેથ:
વિદ્યાનગર પછી અમે રાજકોટ ગયા. એ એક મહિનામાં મિયા ગુજરાતીમાં ઘણું બોલતાં શીખી હતી. જેમ કે, “બંધ છે” “આવ આવ” “જાવા દે” વગેરે. “ઘેટું” બોલાવવાનાં અમારી ચોથી મિત્રનાં તમામ પ્રયત્નો સતત નિષ્ફળ ગયાં અને એ દરેક પ્રયત્ન પર અમે ખૂબ હસ્યા. કહે છે કે, Travelling together either makes it or breaks it. હું અને આનંદ વધુ સારા મિત્રો બન્યા અને તેનાંથી તદ્દન ઊલટું મિયાનું મોં પણ મને અકળાવવા લાગ્યું. હું સતત આનંદને કહ્યા કરતી કે, મિયાને મારી સાથે લાવવી એ મને ભૂલ જેવું લાગ્યા કરે છે. તેનાં મારાં પરિવાર તરફનાં ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ વાળાં એટીટ્યુડે તો મને કલ્પનાની બહાર અકળાવી હતી. ભારતથી પાછા ફર્યા પછી મિયા અને હું બિલકુલ સંપર્કમાં નથી અને આવીએ તેવી મારી કોઈ ઈચ્છા પણ નથી. મારા પર્થ પાછા ફર્યા પછીનાં લગભગ પાંચ દિવસ પછી આનંદ અને હું બહુ ઝગડ્યા. ગયા વર્ષનાં અંત સુધીમાં એ મારી ‘જ્યારે હું નાની હતી ત્યારે …’ વાળી વાર્તાઓનો એક ભાગ બનીને રહી જશે તેવી ખાતરી મને થઇ ચુકી હતી. મેં લગભગ તેનાં નામનું નાહી નાંખ્યું હતું. પણ, અમારા સદભાગ્યે લગભગ એક મહિના પહેલા અમે ફરી પાછા સંપર્કમાં આવ્યાં. શરૂઆતમાં બધું બહુ વિચિત્ર હતું. પણ, પછી જેમ વધુ વાત કરી તેમ જાણ્યું કે, એ એક વર્ષમાં અમે મોટાં થયા હતાં અને અંતે અમારી મિત્રતાની કિમત અમે અમારા મતભેદો કરતાં વધુ આંકી હતી. મને એ વાતની ખુશી છે કે, અમે એ સમજવા જેટલા મોટા થયાં!