સાંજે દોતોનબોરીથી પાછા આવીને પહેલું કામ તો થોડી વાર ઊંઘવાનું કરવામાં આવ્યું. રાત્રે નવ વાગ્યા આસપાસ કકડીને ભૂખ લાગી. ફરીથી હોટેલમાં જમવાનું તો કંટાળાજનક હતું. આગલી રાતે વેજિટેરિયન જમવાનું શોધવાની ટ્રાય કરી હતી ત્યારે એક-બે ઇન્ડિયન રેસ્ટ્રોં ધ્યાનમાં આવ્યાં હતાં. તેમાંથી એકનું રેટિંગ સારું હતું અને ‘ગ્રાન્ડ ફ્રન્ટ’ મૉલ – જ્યાં સવારે નાશ્તો શોધવાની જફા કરી હતી – તેનાંથી એક જ બ્લૉક દૂર હતું એટલે પંદર મિનિટમાં ત્યાં ચાલીને પહોંચી શકાય તેમ હતું. નામ હતું ‘ઍવરેસ્ટ તંદૂરી’. વધુ મગજ ચલાવ્યા વિના મેં ત્યાં જ જવાનું રાખ્યું.
જમવાનું ‘અબવ ઍવરેજ’ હતું પણ, ત્યાંનાં સંચાલકની મહેમાનગતિ ખૂબ જ સારી. તેની સાથે થોડી સામાન્ય વાત થઇ. પછીનાં દિવસે મારી વિઝા અપોઇન્ટમેન્ટ હતી – પહેલી વાર મારી ‘નેશનાલિટી’ સિવાયનાં દેશમાં એટલે થોડી નર્વસનેસ તો હતી. દસ વાગ્યા આસપાસ જમવાનું પૂરું કરતા કરતા અચાનક મને ચાનક ચડી કે, મેં વિઝા ફૉર્મમાં ડિજિટલ ફોટો લગાવેલો હોવા છતાં એ લોકો એ માન્ય નહીં રાખે અને ફક્ત એક ફોટોનાં કારણે મને પાછી મોકલી દેશે તો? થોડી વાર મન મનાવવાનો પ્રયત્ન કર્યો છતાં એ સવાલ મગજમાંથી હટતો નહોતો એટલે અંતે મેં પેલા રેસ્ટ્રોં-સંચાલકને પૂછ્યું. તેણે જણાવ્યું કે, ત્યાંથી પાંચ જ મિનિટ દૂર એક ફોટો બૂથ હતું ત્યાંથી ફોટો મળી જાય તેમ હતો.
રેસ્ટ્રોંથી નીકળતી વખતે મેં તેને ફરીથી રસ્તો પૂછ્યો તો એ માણસે કહ્યું કે, એ રેસ્ટ્રોં બંધ જ કરી રહ્યો હતો અને મારી સાથે આવીને મને જગ્યા બતાવી શકશે. એ તરફ ચાલતા ચાલતા અમારી થોડી વધુ વાત થઇ અને મેં જાણ્યું કે, એ માણસ બહુ હોશિયાર હતો. કહેતો હતો કે, તેનાં જેવા ધંધાદારી નેપાળીઓ માટે જાપાન બહુ સારી જગ્યા છે. કામ કરવા માટે વિઝા આરામથી મળી જાય, ભણવામાં પૈસા ન નાંખવા પડે અને સારું જીવન મળી રહે. દસ વર્ષ પહેલા એ જાપાન આવ્યો હતો અને ધીમે ધીમે તેણે આખા દેશમાં જૂદી જૂદી જગ્યાએ કુલ આઠ જેટલા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ખોલી નાખ્યાં હતાં. તેટલામાં ફોટોબૂથ આવી ગયું પણ, મારા નસીબે એ બંધ નીકળ્યું. હું થોડી નિરાશ થઇ પણ તેને થોડે દૂર એક બીજા બૂથની પણ ખબર હતી એટલે એ મને ત્યાં મૂકી ગયો. એ ખુલ્લું હતું અને મને ફોટો મળી ગયો.
રાત્રે દસ વાગ્યે એક બિલકુલ અજાણ્યા દેશમાં – જ્યાં વાતચીતમાં ભાષા સંબંધી આટલી મુશ્કેલીઓ હોય, ત્યાં એક અજાણ્યા માણસની આટલી મદદ મળવી એ મોટી વાત છે. આવા માણસોથી જ દુનિયા ચાલે છે.
રાત્રે ઊંઘ તો આવતી જ નહોતી. મેં આગળ વાત કરી એ પ્રમાણે JRail passનાં ચાર્જિસ મારાં બૅન્ક અકાઉન્ટમાંથી ગયા કે નહીં એ વિશે તપાસ કરવા મારાં અકાઉન્ટમાં લોગ-ઇન કર્યું. ઍરપોર્ટ પરથી ફૉન કર્યો ત્યારે પેલી ફોન અટેન્ડેન્ટે હાએ હા કરી હતી. પણ, ખરેખર એ ચાર્જિસ તેમણે ‘ઑથોરાઈઝેશન’ સ્ટેજ પર અટકાવ્યાં નહોતાં અને એ પ્રોસેસ થઇ ગયાં હતાં. મેં તાબડતોબ વૉઇપ ઍપ દ્વારા બેન્કનાં ફ્રૉડ ડિપાર્ટમેન્ટને ફોન લગાવ્યો. રકમ મોટી હતી અને આટલો મોટો ચાર્જ-બૅક મેં ક્યારેય ક્લેઇમ નહોતો કર્યો એટલે મને થોડો ડર પણ લાગ્યો કે, એ લોકો એ મંજૂર કરશે કે નહીં. 3 ફૉન કોલ્સ અને વિવિધ ફૉર્મ્સ ભર્યાં પછી તેમણે કહ્યું કે, હું આવતાં 15 દિવસમાં અપ્રૂવલ અને રિફંડની અપેક્ષા રાખી શકું છું. રાત્રે ત્રણેક વાગ્યે હું માંડ થોડો સમય ઊંઘી અને સાત વાગ્યે ફરી ઉઠી ગઈ.
નવ વાગ્યાની અપોઈન્ટમેન્ટ હતી એટલે આરામથી ચાલીને કોન્સ્યુલેટ પહોંચી. કોન્સ્યુલેટ માટેની લાઈન ફુટપાથ પર હતી, જે થોડું વિચિત્ર હતું. અંદર તેમણે મારું બધું અપ્રૂવ કરી દીધું પણ ફોટો બાબતે ડખો કર્યો. મેં ફૉર્મ પર પ્રિન્ટ કરેલો ફોટો તો ન જ ચલાવ્યો અને રાત્રે મહેનત કરીને પડાવેલો હતો એ પણ નહીં કારણ કે, તેમાં બેકગ્રાઉન્ડ સફેદ નહોતું. તેણે મને ત્યાં રાખેલાં ફોટો મશીનમાંથી ફોટો પાડવા કહ્યું. એ મશીન ફક્ત કૅશ લેતું હતું અને હું બાઘાની જેમ કૅશ હૉટેલ પર છોડીને આવી હતી. કૉન્સ્યુલેટવાળા બહેન એટલા સારા કે, તેણે મને બહાર નીકળીને 1 કલાક પછી ફોટો આપવા પાછા આવવા માટેની લેખિત મંજૂરી આપી અને સિક્યોરિટી ગાર્ડ્સને પણ જણાવી દીધું. થોડો સમય તો શ્વાસ અદ્ધર થઇ ગયો હતો. હું ટૅક્સીથી તાબડતોબ હૉટેલ ગઈ અને કેશ લઈને પછી આવી પછી અંતે કૉન્સ્યુલેટનો કાર્યક્રમ પત્યો.
એ કામ પતાવ્યું ત્યાં બપોરે જમવાનો સમય થઇ ગયો હતો. આટલી જફાઓ પછી કોઈ જ નવાં પ્રયોગ કરવાનું મન નહોતું એટલે ચુપચાપ દેસી રેસ્ટ્રોં જ શોધ્યું. ‘શ્રીલંકા રેસ્ટ્રોં કૉલોમ્બો’ ધ્યાનમાં આવ્યું અને ઇંટ્રેસ્ટિંગ લાગ્યું. એ જગ્યા શોધવાની પણ અલગ જ વિધિ થઇ. ગૂગલ મૅપ્સમાં માર્ક કરેલી પિન આસપાસ મેં ઓછામાં ઓછા ત્રણ આંટા માર્યા પણ, રેસ્ટ્રોંનું ક્યાંય નામોનિશાન નહીં. અંતે ટ્રેન સ્ટેશનની જે એક્ઝિટમાંથી બહાર નીકળી ‘તી ત્યાં પાછી અંદર ગઈ અને એ જ પિન ટ્રેન સ્ટેશનની અંદર શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેળ પડ્યો. આ છે ગૂગલ મૅપ્સની લિમિટ. ગૂગલ મૅપ્સ માટે અન્ડરગ્રાઉન્ડ અને ઓવરગ્રાઉન્ડમાં કોઈ જ ફર્ક નથી. જો આ બ્લૉગ વાંચીને કોઈ ઓસાકામાં આ રેસ્ટ્રોં શોધવાનો પ્રયન્ત કરે તો તેમનાં માટે આ ખાસ નોંધ – રેસ્ટ્રોં અંડરગ્રાઉન્ડ છે એટલે એ શેરીમાં જો ક્યાંય દાદરા દેખાય તો તેમાંથી નીચે ઉતરી જવા વિનંતી.
અહીં મને ઘણું સારું જમવાનું મળ્યું અને વાત કરવા મળી એક મજાનાં માણસ સાથે. એ રેસ્ટ્રોં માં કુલ બે શેફ હતા – એક તેનાં નામ પ્રમાણે શ્રીલંકન અને બીજા ભારતીય અંબલાલભાઈ. હું ગઈ ત્યારે ત્યાં બહુ ભીડ નહોતી એટલે અંબલાલે મારી સાથે થોડી વાત કરી. મારે જે જમવું હોય એ પ્રમાણે કસ્ટમ-થાળી બનાવી આપી. એ મૂળ મારવાડી હતો અને આણંદ / વલ્લભવિદ્યાનગર બાજુ ક્યાંક જમવાનું બનાવવાનું જ કામ કરતો. ત્રણથી ચાર વર્ષ પહેલા જાપાન જઈને વસ્યો હતો.

એ માણસ કદાચ સો ટચનું સોનુ હતો. પણ, છતાંયે તેણે જ્યારે પૂછ્યું કે, હું જાપાન એકલી આવી છું ત્યારે મારાથી થોડું ખોટું બોલાઈ ગયું. મેં કહ્યું અત્યારે એકલી છું પણ પછીનાં દિવસે મારો ફિયાન્સ મારી સાથે જોડાવાનો છે. બાર વાગ્યા આસપાસ ત્યાં ખૂબ ભીડ થવા માંડી. આસપાસની ઑફિસોનાં કર્મચારીઓથી આખું રેસ્ટ્રોં ભરાઈ ગયું. બહાર નીકળતી વખતે મેં તેને આવજો કહ્યું તો તેણે બહુ પ્રેમથી જવાબ આપ્યો ‘આવજો હો બહેન. તમારું ધ્યાન રાખજો.’ (Yes, literally in those exact words). એ ચોવીસ કલાકમાં મને કેટલા ભલા માણસો મળ્યા હતા!
ત્યાંથી હું હોટેલ પાછી ફરી અને થોડો આરામ કર્યો. સાંજે સૅમનો મૅસેજ આવ્યો કે તેનો પાસપોર્ટ જાપાન એમ્બેસીમાંથી પાછો આવી ગયો હતો અને તેણે અને અભિએ તેમની ટિકિટ્સ બુક કરી લીધી હતી. એ મંગળવારની સાંજ હતી. સૅમ ગુરુવારે બપોરે ટોક્યો પહોંચવાનો હતો અને અભિ શનિવારે. ઓસાકામાં આમ પણ મેં બુધવાર સુધીની જ હોટેલ બુક કરી હતી અને આગળનું કઈં નક્કી નહોતું કર્યું એટલે, એ લોકોનો પ્લાન નક્કી થયા પછી મેં સૌથી પહેલું કામ ટોક્યોમાં અમારી હૉટેલ બુક કરવાનું કર્યું. છેલ્લી ક્ષણનું બુકિંગ હતું એટલે ચોઈસ ઓછી હતી. મેં પસંદગી ઉતારી ‘હૉટેલ ન્યૂ ઓતાની’ પર.
બુકિંગ પતાવીને ટોક્યોનાં મિત્રો – આશુ અને શ્રીને પણ જાણ કરી. બુધવારે બપોરની બુલેટ ટ્રેન પકડીને હું ટોક્યો જવાની હતી અને આશુ-શ્રીને ડિનર માટે મળવાની હતી. એ બધું પત્યા પછી ફરી બહાર નીકળવાનું વિચારવામાં આવ્યું. આગલા દિવસે દોતોનબોરીથી પંદર મિનિટ ચાલતા એક વેગન રેસ્ટ્રોં વિશે ગૂગલ મૅપ્સ પર જાણ્યું હતું એટલે ડિનર ત્યાં કરવાનું નક્કી કર્યું. વળી, આગલા દિવસે થાકનાં કારણે ત્યાં બહુ ફરી નહોતું શકાયું એટલે એ પણ કરવું ‘.
ઓસાકા-નાંબા સ્ટેશન પર ઉતરીને પહેલા હું દોતોનબોરીમાં થોડું ફરી. કોણ માને કે, એ વિશાળકાય માર્કેટનાં અંધાધૂંધ વચ્ચે શાંતિની સરવાણી જેવું એક બૌદ્ધ મંદિર છે! દોતોનબોરીની એક નાનકડી ગલીમાં ‘હોઝેન્જી ટેમ્પલ’ આવેલું છે. તેનાં વિશે વધુ કઈં કહેવું અઘરું છે. આ ફોટોઝ તેની ખૂબસૂરતીનું પ્રમાણ છે.





એ શ્રાઈનવાળા વિસ્તારમાં પડદાથી ઢંકાયેલા નાના નાના બાર હતાં. ત્યાં ફરતી ફરતી હું અચાનક એક સાંકડી ગલી પાસે આવી પહોંચી જ્યાં સુંદર લૅન્ટર્નસ લગાવેલાં હતાં. પહેલા તો હું ફોટોઝ લેવા માટે અંદર ગઈ. પણ ત્યાં તો એક અલગ દુનિયા જ હતી માનો! અંદર જૂના જાપાનની માહિતી આપતાં ચિત્રો અને વધુ નાના નાના બાર હતાં.




એટલી વારમાં ભૂખ લાગી એટલે હું રેસ્ટ્રોં તરફ ચાલી. રેસ્ટ્રોંનું નામ ‘શીઝેન બાર પૅપ્રિકા’. એ રેસ્ટ્રોંમાં જમવાનું તો ખૂબ સારું હતું જ પણ, ડેકોર અને ઍમ્બિયન્સ પણ ખૂબ સુંદર હતાં. ઓસાકામાં હો અને વેજિટેરિયન હો તો એ જગ્યા તમારે ચોક્કસ જોવી રહી. લાંબા દિવસને અંતે મારું મુખ્ય કામ પૂરું થયું હતું એટલે મેં ડિનર સાથે એક વાઈન-ગ્લાસ મંગાવીને સેલિબ્રેટ કર્યું.


ત્યારે મારી રાજાઓ સાચા અર્થમાં શરુ થઇ હોય તેવો અહેસાસ થયો. એકલા ફરવાનું સુખ અને તેને કારણે થતાં નવાં અનુભવ, નવાં લોકો, આ બધું હું ઘણાં સમયથી ગુમાવી ચુકી હતી અને પછીનાં દિવસે ફરીથી ગુમાવવાની હતી.
જમ્યા પછી પણ મારા મનમાંથી પેલા નાના બાર્સ ગયાં નહોતાં. વળી, એ દિવસે (કે તે અઠવાડિયે) ત્યાંનાં એક મુખ્ય માર્ગ પર ‘ફૅસ્ટિવલ ઓફ લાઇટ્સ’ની શરૂઆત થવાની હતી એટલે હું એ રસ્તે દોતોનબોરી તરફ ચાલવા માંડી. ફેસ્ટિવલ ઓફ લાઇટ્સમાં ખાસ કઈં હતું નહીં. આપણે ત્યાં દિવાળીની રોશની થાય એ રીતે એ લોકોએ એક લાંબા રસ્તા પર ઝીણી લાઇટ્સ મૂકીને તેને પ્રકાશિત કરી હતી અને ક્રિસ્મસ ડેકોરેશન પણ.



હોઝેન્જી ટેમ્પલ પાછળ મેં ફરી આંટો માર્યો અને ક્યા બારમાં જવું એ નક્કી કરવા માંડ્યું. એક જગ્યાએ અંદર ગઈ. દરવાજા ખોલતા એક સીડી આવી અને દસેક પગથિયાં નીચે ઉતરીને બાર કાઉન્ટર. એ સ્થળનું નામ અને આખું મેન્યુ જાપાનીઝમાં હતાં. પણ, બાર ખૂબ કલાસી અને ફેન્સી હતો એટલે મને ત્યાં રેડ વાઈન તો મળવાની જ એટલી ખાતરી હતી. હું ગઈ ત્યારે ત્યાં પણ બહુ લોકો નહોતા. એકલી હતી એટલે હું બાર કાઉન્ટર પર જ બેઠી. બારટેન્ડરને પણ ફક્ત જાપાનીઝ આવડતું હતું એટલે બહુ વાત થવાનો સ્કોપ હતો નહીં.

થોડી વારમાં મારી પાસેનાં ટેબલ પર એક યુગલ આવ્યું. મેં તેમની તરફ સ્મિત કર્યું. સ્ત્રીએ શૅમ્પેનની એક બૉટલ મંગાવી. એ લોકો ત્યાં ઘણાં સમયથી આવતા હશે તેવો આભાસ થયો. તે જેટલા રાઉન્ડ મંગાવતી એ દરેક વખતે બારટેન્ડર પણ તેમની સાથે એક ડ્રિન્ક લેતો. હું ત્યાંથી ઊભા થવાની તૈયારીમાં હતી ત્યાં બારટેન્ડરે મારી સામે શૅમ્પેનનાં ચાર ગ્લાસ ભર્યા અને મને ભાંગેલાં અંગ્રેજીમાં કહ્યું કે, એક ગ્લાસ મારી પાસે બેસેલી સ્ત્રી તરફથી મારા માટે હતો. એ સ્ત્રી મોજીલી લાગતી હતી અને તેને પોતાની સાથે બધાને પાર્ટી કરાવવી હતી તેવું લાગતું હતું એટલે મેં એ સ્વીકાર કર્યો અને એ ત્રણે સાથે ચિયર કર્યું. પછી તો એ સ્ત્રી સાથે પણ મારી ભાંગેલાં અંગ્રેજીમાં થોડી વાત થઇ. ત્યારે મારા હાથ પર થોડી મહેંદી લગાવેલી હતી એટલે તેણે તેનાં વખાણ કર્યા. એ ‘હેના ટૅટૂ’ વિશે જાણતી હતી. પછી તો અમે ગૂગલ ટ્રાંસલેટની મદદથી પોતાનો ફોન દેખાડીને પંદરેક મિનિટ વાત કરી.
શૅમ્પેન ખતમ કરીને સાડા દસ આસપાસ હું પહોંચી હોટેલ પર અને આરામથી પછીનાં દિવસનો પ્લાન બનાવ્યો. શ્રીએ મને ઉમેદા સ્કાય બિલ્ડિંગ જવા કહ્યું. ત્યાં દુનિયાનું સૌથી ઉંચાઈ પર આવેલું એસ્કેલેટર છે તેમાં લોકો ચડી શકે છે. પણ, મને તેમાં બહુ રસ નહોતો. મારે સવારે ફક્ત થોડાં મંદિર જોવા હતાં અને બપોરની ટ્રેન પકડીને સાંજ સુધીમાં ટોક્યો પહોંચવું હતું.