સાન ફ્રાન્સિસ્કો

અમેરિકા, સાન ફ્રાન્સિસ્કો

કળા અને ટેકનોલોજીનું સારામાં સારું મિશ્રણ. પ્રખ્યાત અને સુંદર ગેરુઓ લાલ ગોલ્ડન ગેઇટ બ્રિજ. બીજો ઓછો પ્રખ્યાત બે બ્રિજ. ઘણી બધી ટેકરીઓ. અઘરાં ઢાળ. મોંઘી પ્રોપર્ટી. યુનિયન સ્ક્વેર. કેબલ કાર્સ. શહેરમાં ક્યાંય પણ જવા માટે ત્રણ પ્રકારનાં ટ્રાન્સપોર્ટનાં ઓપ્શન – બાર્ટ (ઉર્ફે સબવે ઉર્ફે મેટ્રો ટ્રેઈન), મ્યુની – બસ અને મેટ્રો – લાઈટ રેઇલ. ડાઉનટાઉનમાં ઘણાં બધાં ટૂરિસ્ટ. ટેન્ડરલોઈન, ફાઈનાન્શિયલ ડીસ્ટ્રીક્ટ અને પાવલ સ્ટ્રીટની શરૂઆતમાં ઘણાં બધાં બેકાર, બેઘર લોકો અને પેશાબની વાસ. ઘણું બધું રેન્ટ. ઘણું બધું આર્ટ. મિશનનાં મ્યુરલ્સ. ડાઉનટાઉનથી દસ જ મિનિટ દૂર પૂર્વમાં જતાં જાણે આખું નવું જ શહેર. ઘણાં બધાં વૃક્ષો અને સુંદર વ્યૂ. જૂનાં ક્યૂટ વિક્ટોરિયન ઘર. વિશાળકાય સુંદર ગોલ્ડન ગેઇટ પાર્ક. ડી યન્ગ આર્ટ મ્યુઝીયમ અને લીજ્યન ઓફ હોનર આર્ટ મ્યુઝીયમ્સ જ્યાંનું આખું કલેક્શન નિરાંતે જોતાં આઠ કલાકનાં બે દિવસ પણ ઓછાં પડે. ડી યન્ગ મ્યુઝિયમનો બોટીચેલી ટુ બ્રાક  (Botticelli to Braque) નો ક્લાસિક અનુભવ. કેલીફોર્નિયા અકેડેમી ઓફ સાયન્સની પ્રખ્યાત ‘નાઈટલાઈફ’ – nerd heaven. એકસ્પ્લોરેટોરીયમ – આખી જગ્યા જોવા માટે એક રાત ઓછી પડે અને ત્યાં અંદર દાખલ થતાં જ તમારામાંનું બાળક જીવી ઊઠે – કેલ અકેડેમી કરતાં પણ મોટું nerd heaven.

ફ્રેન્ડલી લોકો. મારાં લાંબા, કર્લી વાળ પર સાવ અજાણ્યા લોકો પાસેથી મને આ શહેરમાં જેટલાં કોમ્પ્લીમેન્ટ મળ્યાં છે તેટલાં ક્યાંયે બીજે નથી મળ્યાં. પર્થનાં પ્રમાણમાં નવાં લોકો સાથે ગાઢ દોસ્તી બનાવતાં લાગેલો સમય – લગભગ અડધો (પર્થમાં છ મહિને પણ ખાસ મેળ નહોતો પડ્યો. અહીં ત્રણ મહિનામાં જ રેડી!) અતિશય સરસ વર્કપ્લેસ (ટચવૂડ). ફ્રેન્ડલી કલીગ્સ. એક પણ દિવસ લગભગ એકલું લન્ચ નથી કરવાનું આવ્યું. એકસાઈટિંગ, અઘરાં પ્રોજેક્ટ્સ અને ફ્લેક્સીબલ કલાકો. Working from home on Fridays (or any other two or more weekdays) is the norm, not an exception (I know right! :D). પર્થની સરખામણીમાં વર્કફોર્સની ઉમર પ્રમાણમાં ઘણી ઓછી. ઓફિસનું કલ્ચર એકદમ કેઝ્યુઅલ. પર્થમાં શુક્રવાર કેઝ્યુઅલ કપડાંનો દિવસ હતો. અહીં રોજ કેઝ્યુઅલ કપડાંનો દિવસ હોય છે. બોસ (અને બીજાં ઘણાં બધાં લોકો) કામ પર હંમેશા શોર્ટ્સ અને ટી-શર્ટ જ પહેરીને આવે છે. કંપનીનાં ફાઉન્ડરને પણ મેં ક્યારેય સૂટમાં નથી જોયો. પર્થમાં કામ પર પહેરતી એ લગભગ બધાં જ ફોર્મલ કપડાં જવા દેવામાં આવ્યા છે. રોજની હેર-સ્ટાઈલ બનનાં બદલે કર્લી ખુલ્લા વાળની થઇ ગઈ છે. ભારતથી બહાર આવ્યા પછી છ વર્ષે પહેલી વખત અહીં સાંભળ્યું – કોઈ નવરાએ રસ્તા વચ્ચે તેની વેન ઊભી રાખીને રાડ પાડી ‘hey!” મેં પાછળ ફરીને જોયું તો કહે “Are you available for a little ‘friendship’?” બોલો લ્યો. આ ‘ફ્રાંડશિપ’ વાળાં બધાં આપડે ત્યાં અહીંથી જ શીખીને આવ્યાં હશે વીસ વર્ષ પહેલાં.

કોઈ પણ ફીલ્ડમાં કામ કરતાં હો પણ જો એ તમારો શોખ પણ હોય તો તેમાં થતાં નાના-મોટાં કામ વિશે જાણવા માટે અને ઇન્ડસ્ટ્રિનાં બીજાં લોકોને મળવા માટેનાં ઢગલાબંધ વિકલ્પો દા.ત. meetup.com પર ઓર્ગનાઈઝ થતી ઈવેન્ટ્સ જેમાં કોઈ પણ જોડાઈ શકે છે. વિચિત્રમાં વિચિત્ર રસ માટે પણ meetupનાં વિકલ્પો જેમ કે, ક્લાસિકલ મ્યુઝિક. તમને બાખ, બેથોવન, સ્ત્રાવિન્સકી વગેરેમાં રસ હોય તો ચિંતા નહીં. તમારાં જેવાં બીજાં પણ અમુક યુવાનો/યુવતીઓ છે જેમને પણ તેમાં રસ છે અને તેની ઈવેન્ટ્સમાં તમે જોડાઈ શકો છો. પર્થમાં એ અશક્ય હતું. લગભગ બધાં જ યુવાન લોકો કાં તો મેટલ સાંભળતાં અથવા તો પોપ મ્યુઝિક. ત્યાં હું અગ્લી ડકલિંગ હતી. અહીં બધાં જ પોતપોતાની રીતે અગ્લી ડકલિંગ છે અને દરેકને માટે કોઈ ને કોઈ ગ્રૂપ છે. શહેરનાં શોપિંગ અને જમવાનાં કલાકો મોડાં છે. મારાં ઘરથી બધી જ પ્રકારની દુકાનો એકદમ નજીક છે – બધે જ ચાલીને જઈ શકાય તેટલી નજીક.

શહેરમાં બે જોબ્સવાળા કપલ્સ સિવાય લગભગ કોઈ પાસે કાર નથી. પાર્કિંગ ફીઝ અને ટ્રાફિક બંને પાડી દે તેવાં. શહેરનાં યુવાનો બધાં જ લગભગ ‘ઉબર’ અને ‘લિફ્ટ’ પર જીવે છે અને એ બંનેની સર્વિસ ઘણી સસ્તી પણ છે. શહેરથી દૂર બહાર જવા માટે ‘ઝિપકાર’, ‘ગેટઅરાઉન્ડ’ વેગેરે પરથી આરામથી કાર હાયર થઇ શકે. સાઉથ બે એટલે કે, સાન્ટા ક્લારા, સનીવેલ, માઉન્ટન વ્યૂ વગેરે ખૂબ દૂર છે. કારમાં ટ્રાફિક ન હોય તો સવા કલાક જેટલું અંતર થાય અને ટ્રાફિક હોય તો દોઢ કલાક ઓછાંમાં ઓછી. ટ્રેનમાં બે કલાક ઓછામાં ઓછી. પરિવારવાળાં લગભગ બધાં જ ભારતીયો સાઉથ બે અને ફ્રીમોન્ટ તરફ રહે છે. મારાં કથક ક્લાસ હવે શહેરથી એક કલાક દૂર ફ્રીમોન્ટમાં છે એટલે મંગળવારે રાત્રે નવ પહેલાં ઘરની શકલ જોવામાં આવતી નથી. અહીં શિફ્ટ થયાં પછી છેક ચાર મહિને પહેલી વાર ઘરમાં કરિયાણાનો પહેલો રાઉન્ડ આવ્યો. બહાર હેલ્ધી ફૂડનાં ઢગલાબંધ વિકલ્પો મળી રહે છે. ૬૦નાં દશકામાં અહીંની હિપ્પી મૂવમેન્ટનાં પ્રતાપે વેજીટેરીયન/વેગનની બોલબાલા ખૂબ છે એટલે શાકાહારીઓ માટે તો આ ચોક્કસપણે સ્વર્ગ જ છે. દુનિયાનાં લગભગ દરેક પ્રકારનાં જમણ માટે અહીં ઓછામાં ઓછું એક વેગન રેસ્ટોરાં તો મળી જ રહેશે.

ઓકલેન્ડનું મારું વર્ક લોકેશન સુપર્બ. વર્કથી એકદમ નજીક લેઈક મેરિટ અને તેની આસપાસ સુંદર પાર્ક જ્યાં ઘણી વખત શુક્રવારે અમે પિકનિક લન્ચ કરતાં હોઈએ છીએ. ઓકલેન્ડ કદાચ સાન ફ્રાન્સિસ્કો કરતાં પણ વધુ આર્ટિસ્ટિક છે. સાન ફ્રાન્સિસ્કો મોંઘુ થવાનાં કારણે અહીંનાં કલાકારો બધાં જ ઓકલેન્ડ વિસ્થાપિત થવા લાગ્યાં છે. દર મહિનાનાં પહેલાં શુક્રવારે થતો ‘ફર્સ્ટ ફ્રાઈડે’ સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલ અદ્ભુત છે, આવતી બારમી તારીખે ઓકલેન્ડમાં ક્રૂસીબલ નામની એક આર્ટ ફેક્ટરીમાં લાઈવ ગ્લાસબ્લોઇંગ અને અન્ય આર્ટ ડેમોઝ સાથે પાર્ટી અટેન્ડ કરવામાં આવશે. શહેરનાં યુવાનોનું ડ્રગ્સ પ્રત્યેનું વલણ રસપ્રદ છે. ગાંજો અને ગાંજાની ખાઈ શકાય તેવી ઘણી બધી વેરાઈટી ડલોરસ પાર્કમાં આરામથી મળી રહે. ગાંજાનો રીક્રીયેશનલ ઉપયોગ નિયમ છે, અપવાદ નહીં. એ સિવાયનાં સિન્થેટિક રીક્રિયેશનલ ડ્રગ્સ પણ ઘણાં બધાં યુવાનો કરતાં હોય છે અને એ લોકોનાં જીવન અને રહેણીકરણી બિલકુલ સામાન્ય છે. ડ્રગ્સનું આપણી ફિલ્મોમાં બતાવવામાં આવતું વર્ઝન વધુ પડતું જ નાટકીય છે અને દારૂની જેમ જ જેમણે ડ્રગ્સ ટ્રાય કર્યા હોય કે રીક્રીએશનલી યુઝ કરતાં હોય એ બધાં જ બંધાણી નથી હોતાં. પર્થમાં આ બાબતે લોકો ભારતની જેમ જ ટ્રેડીશનલ છે. જ્યારે. અહીં વધુ લિબરલ છે.

મને ખાતરી છે કે, આ લખ્યું તેનાં ઉપરાંત પર સાન ફ્રાન્સિસ્કોનું ‘સિગ્નેચર’ કહેવાય એવું ઘણું બધું લખવાનું હું ભૂલતી જ હોઈશ. આ શહેર એટલું વિશાળ અને એટલું વૈવિધ્યસભર છે કે, મેં જોયેલી દરેક જૂદી જૂદી જગ્યાઓ અને વિસ્તારો વિશે સ્વતંત્ર બ્લોગ-પોસ્ટ્સ બની શકે. એટલે હવે પછીની ઘણી બધી પોસ્ટ્સ અહીંનાં રસપ્રદ સ્થળો અને તેનાં ફોટોગ્રાફ્સનું મોટું બધું કલેક્શન હશે. બાઈ ધ વે, હવેની નવાં સ્થળોની ટ્રાવેલિંગ ફ્રિકવન્સી એટલી વધી ગઈ છે કે, મારાં માટે અપ-ટુ-ડેટ રહેવાનું અઘરું પડવાનું છે. કાલે સાંજે લોન્ગ વીકેન્ડ માટે ઓસ્ટીન – ટેક્સસ તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે. ;)

કલા વિનાનું કલ્ચર

નિબંધ

કલ્ચરની, સંસ્કૃતિની વાતો કરતાં આપણે થાકતાં નથી. અમે હાઈસ્કૂલમાં આવ્યાં ત્યારે એક પછી એક દરેક વર્ષમાં હાઈસ્કૂલનો કોર્સ બદલાયો હતો. પુસ્તકો બદલાયાં હતાં. ઈતિહાસ એવી રીતે બદલવામાં આવ્યો હતો કે, યુદ્ધોની તારીખોને બદલે અમારી સાંસ્કૃતિક અભિમુખતા વધે એટલે અમીર ખુસરો, આપણા સાત પારંપારિક નૃત્યો વગેરેનાં નામો ગોખાવવામાં આવતાં. પછી હરામ જો ક્લાસમાં બેથી વધુ બાળકો કથક અને ભરતનાટ્યમનો ફર્ક પણ કહી શકતાં હોય તો (ના આન્ટી, ‘ભારત’નાટ્યમ નહીં). જો કે, એય બરાબર છે. એટ લીસ્ટ નામ તો આવડ્યાં. કદાચ નસીબજોગે કોઈ જિજ્ઞાસાવૃત્તિથી પણ ક્યાંકથી યુ-ટ્યુબ ફૂટેજ મેળવીને જોશે તો ખરાં. બાકી તો કોઈ અવધનાં નવાબે ફરી ‘પુનરોદ્ધાર’ કરવા પડત. આ રેફરન્સ ન સમજાયો હોય તેમણે નવમા-દસમનાં કોઈ વિદ્યાર્થીને પૂછી લેવું. પણ, કહેવાનો મતલબ એ કે, કલ્ચર છે ક્યાં? અને કેવું? અત્યારનું કલ્ચર – જે આપણે રોજીંદા જીવનમાં અનુસરીએ છીએ એ છે બોલિવૂડ, પાનનાં ગલ્લા, ગોખેલાં પુસ્તકો, દેખાદેખી, આંખો અંજાઈ જાય એટલી જરી, મતલબ વગરનાં વોટ્સ-એપ ફોરવર્ડ, ચેતન ભગતનાં પુસ્તકો, ધર્મ-ઝનૂન વગેરે વગેરે.

અવાજ કેટલો છે આપણી આસપાસ! વાંસળી, સરોદ, સિતાર તો શું બ્યુગલ, ટ્રમ્પેટ કે સાક્સોફોન પણ સંભળાય તેમ નથી. આ ‘કલ્ચર’ કદાચ મારાં જીવનનો અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધાભાસ છે. રાજકોટ-ભારતમાં મેં ક્યારેય કોઈ પદ્મવિભૂષણ સન્માનિત તબલા અને સરોદવાદકોને લાઈવ કોન્સર્ટમાં નહોતાં સાંભળ્યાં, ઓડિસી ડાન્સ પરફોર્મન્સ નહોતું જોયું, સિતાર, સરોદ, વીણાનાં અવાજનો ફર્ક નહોતો જાણ્યો. આ બધાં વિશે મેં સાંભળ્યું હતું, મારે જાણવું પણ હતું પણ ત્યારે ફક્ત સાંભળવા મળતું. મારી જે સીનીયર ડાન્સર ફ્રેન્ડ્સ બીજા રાજ્યોમાં કોઈ કોન્સર્ટમાં પર્ફોર્મ કરીને આવતી ત્યારે ત્યાં જોયેલાં પર્ફોર્મન્સની વાતો કરતી, બસ એ જ. અને આજની તારીખેય રાજકોટ જેવડા શહેરમાં એક વાઈબ્રન્ટ ગુજરાત અને બીજી કિરણ પટેલ દ્વારા આયોજિત જે શોઝ થાય છે એનાં સિવાયની સ્ટાન્ડર્ડ  કલ્ચરલ ઈવેન્ટ્સ ક્યાં? થતી હોય તો તેનું માર્કેટિંગ, વ્યવસ્થિત જાહેરાતો અને તેનું ઓડિયન્સ ક્યાં? શ્રેયા ઘોષાલ, અરિજીત સિંઘ અને ભજનો સિવાય બાય-એનલાર્જ આપણને સંગીતમાં સમજાય છે શું?

પછી વાત કરીએ સાહિત્યની. મોટાં ભાગની સારી ગુજરાતી બુક્સ ઈ-બુક તરીકે ઉપ્લબ્ધ પણ નથી. આપણા કમર્શિયલ પ્રકાશનો અને પ્રકાશકોએ એટલો પણ પ્રયત્ન નથી કર્યો સમયની સાથે થવાનો અને કરે પણ કેમ? વાચકો ક્યાં? હમણાં જ હું અને મારી એક મિત્ર વાત કરતાં હતાં. રાજકોટમાં સાથે બેસીને પુસ્તકોની વાત કરવા માટે અમારી પાસે એકબીજા સિવાય લગભગ કોઈ જ રહ્યું નથી. કોલેજોમાં ગેજેટ્સ અને ગાડીઓ (કાર્સ) એ સિવાય વાત જ નથી હોતી કોઈ પાસે. યુવાનો/સાંપ્રતનાં નામે આપણા સાહિત્યનાં દરેક જોન્રામાં ગણીને એક કે બે વ્યવસ્થિત લેખકો રહ્યાં છે. બાકી કદાચ કોઈ સાંપ્રત રીતે લખવાની કોશિશ પણ કરતું હશે તો તેમને કહી દેવામાં આવતું હશે કે, આવું થોડું લખાય? સેલ્ફ-હેલ્પ કિતાબો અને શાળાનાં પાઠ્ય-પુસ્તકોની જેમ સારું સારું લખો (આ એક અંગત અનુભવ પરથી કહું છું.). અનુભવોમાંથી પસાર થયેલાં, દુનિયાને હજારો રંગો અને દ્રષ્ટિકોણથી જોતાં રિજનલ ભાષાનાં પ્રમાણિક લેખક માટે આપણે હવે સામાજિક રીતે તૈયાર પણ છીએ કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.

સ્ટેન્ડ-અપ કોમેડીમાં પણ હજુ સુધી સાંઈરામ દવે કે શાહબુદ્દીન રાઠોડ પછી કંઈ ખાસ હલચલ નથી. ચાલો, નૃત્ય, સંગીત અને અભિનય માટે તો સારી શાળાઓમાં પ્લેટફોર્મ પણ છે. કોમેડી માટે ક્યાં? આજની તારીખે કન્ઝીસ્ટંટ, કમર્શિયલ કોમેડીમાં ગુજરાતીમાં સાંપ્રત કહેવાય તેવામાં અધીર-બધીર અમદાવાદી સિવાય મને બીજું કોઈ ધ્યાનમાં નથી આવતું. હા, લાઈવ શોઝમાં આપણે ત્યાં નાટકો હજુ પણ પોપ્યુલર આર્ટ-ફોર્મ છે અને તેમાં સતત સારું કામ થતું રહે છે. હવે સિનેમામાં પણ થેન્ક્સ ટુ અભિષેક જૈન એન્ડ ટીમ. અને આ સિવાય ગરબા. પોપ્યુલર સેન્સમાં જેને કલ્ચર કહેવાય છે તેનાં નામે બસ આટલું છે અત્યારે આપણી પાસે.

મને દુઃખ થાય છે એ વિચારીને કે, એક આખી જેનરેશન યો-યોનાં ગીતો પર ઊછરી રહી છે. ગુજરાતીમાં બહુ ઓછું ક્વોલિટી કન્ટેમ્પરરી મટીરિયલ બની રહ્યું છે. વિઝ્યુઅલ અને પરફોર્મિંગ આર્ટમાં વડોદરા અને અમદાવાદ સિવાય ખાસ ક્યાંય કંઈ નથી થઇ રહ્યું. ત્યાં પણ વિઝુઅલ આર્ટ્સમાં વડોદરા યુનીવર્સીટી  અને પરફોર્મિંગ આર્ટ્સમાં કદમ્બ અને દર્પણ અકાદમી સિવાય વિશ્વકક્ષાનાં પ્રોડક્શન થતાં નથી. થતાં હોય તો લોકલ ઓડિયન્સને જ ખબર નથી. અદિતી મંગલદાસ જેવી હાઈલી ટેલન્ટેડ મુંબઈ-બેઝ્ડ ડાઈરેક્ટરનાં સિંગાપોરમાં શોઝ થાય પણ અમદાવાદમાં ન થાય! સારી સારી પોટેન્શિયલ ડાન્સર્સ દસમાં-બારમાં-કોલેજમાં વિશારદ કરે અને પછી ડાન્સ કરવાનું જ છોડી દે! ડી-ડી ભારતી પર આપણામાંના કેટલાં જઈને અટકે છે?

ઉપર કહ્યું તેમ આ બધું બાય-એન્લાર્જ છે. આમાં સુખદ અપવાદો છે. પણ, અપવાદોનું કલ્ચર એ આખાં સમાજનું કલ્ચર ન કહી શકાય. સમાજનું કલ્ચર તો જનરલ રૂલ પરથી જ ઓળખાય. અને એક સમાજ તરીકે કલા સિવાયનું બધું જ આપણા કલ્ચરમાં છે અત્યારે. તો તેનું શું કરશું? એક હિન્ટ આપું. ક્લાસિકલ મ્યુઝિક મને ન સમજાય તેવું કહીને તેને સાંભળવાની ક્યારેય કોશિશ પણ ન કરનારાં દરેક માટે: સૌથી પહેલાં તો સંગીત સમજવાની વસ્તુ જ નથી. સાંભળવાની છે. હું કહું છું તે કરતાં આ નીચેની ટેડ ટોકમાં આ ભાઈ વધુ સારી રીતે સમજાવી શકશે. કંટાળો નહીં આવે. પ્રોમિસ. Start from there if you’ve stayed with me in this write-up so far. :)

શરાબ અને સંસ્કૃતિ – ૧

નિબંધ

આપણે ત્યાં શરાબની વાત થાય તો લોકોને ક્યા-ક્યા નામની ખબર હોય સામાન્ય રીતે? વિસ્કી, વાઈન, શેમ્પેન, રમ, જિન, બિયર, બ્રીઝર અને આજ-કાલનાં યુવાનોને ઘણાંને કદાચ ટકીલા વિશે ખબર હોય. આમાંથી ટ્રાઈ કરેલાં પાંચ કે સાત હોય. ગુજરાતમાં દારૂબંધીને કારણે દારૂ મોંઘો છે અને ગુજરાતની બહાર બેવડાગીરી અને સીન-સપાટા સિવાય દારૂનું બહુ સોશિયલ કલ્ચર નથી. એટ લીસ્ટ મિડલ-ક્લાસમાં તો નથી જ. એટલે દારૂ વિશે આપણી બાજુ જ્ઞાન બહુ ઓછું છે. જો આટલું વાંચીને આ પ્રકારનો કોઈ વિચાર આવ્યો હોય કે, “દારૂમાં તે નશા સિવાય વળી જાણવા જેવું શું હોય” તે વર્ગે અહીંથી આગળ વાંચીને આ પોસ્ટનું અપમાન ન કરવા વિનંતી. આપણે ત્યાં સૌથી પહેલા તો કોઈએ લોકોને દારૂ પીવા અને દારૂડિયા હોવા વચ્ચેનો ફર્ક સમજાવવાની જરૂર છે!

આપણા સમાજમાં શરાબ સાથે વણાયેલાં ‘ટેબૂ’ને કારણે હું અલ્કોહોલિક બેવરેજ અને તેની આસપાસની સાંસ્કૃતિક બાબતો વિશે બહુ ખાસ જાણી જ નહોતી શકી. આપણે આલ્કોહોલને જે રીતે જોઈએ છે તે રીતે મારા અમુક મિત્રોએ છાશને જોઈ છે. વિચિત્ર રીતે! આપણે ત્યાં આલ્કોહોલ ફક્ત નશા સાથે સંકળાય છે. પણ, યુરોપિયન કલ્ચરનો એક બહુ મોટો ભાગ એ શરાબી પીણાં છે. અહીં આવ્યા પછી આ ત્રણ વર્ષમાં મેં આલ્કોહોલિક પીણાં, તેનાં પ્રકારો, તેની આસપાસ વણાયેલી સંસ્કૃતિ વગેરે વિશે ઘણું જાણ્યું અને માણ્યું છે. જેનાં વિશે થોડું આ પોસ્ટમાં લખી શકીશ.

શરૂઆત જૂદા-જૂદા વેન્યુનાં પ્રકારનાં વર્ણન પરથી કરીશ. ઓસ્ટ્રેલિયા સંદર્ભે અહીં મદિરાલયનાં ઘણાં પ્રકાર છે. ‘બાર’ પ્રમાણમાં નાની અને એક ઓરડા જેવી જગ્યા માટે વપરાય છે આથવા તો જે પ્લેટફોર્મ પર આલ્કોહોલ સર્વ કરવામાં આવે તે પ્લેટફોર્મ માટે પણ આ શબ્દ વપરાય છે. જ્યારે, ‘પબ’ એ ‘પબ્લિક હાઉઝ’નું ટૂંકાક્ષરી છે. જે જગ્યાએ લોકો એકત્ર થઇ શકે અને જ્યાં આલ્કોહોલિક બેવરેજીસ અને ખાણી-પીણીની વસ્તુઓ મળતી હોય તે જગ્યા માટે ‘પબ’ શબ્દ વપરાય છે. ‘ટૅવર્ન (Tavern)’ જેનાં ગ્રીક ઓરીજીનલ શબ્દનો મતલબ ‘શેડ’ કે ‘વર્કશોપ’ તેવો થાય છે, તેનો સીધો સંબંધ પણ એવાં જ વાતાવરણ સાથે છે. કોઈ પ્રકારનાં જૂદા કામ કે ધંધાની જગ્યા જ્યાં આલ્કોહોલ ‘પણ’ સર્વ થતાં હોય તે સંદર્ભે ‘ટૅવર્ન ‘ શબ્દ વપરાય છે. તેનું ટૂંકાક્ષરી ‘ટાવ’ એમ પણ બોલાય છે. ઉદાહરણ તરીકે, અહીં ઓસ્ટ્રેલિયામાં બધી યુનીવર્સીટીમાં ટાવ આવેલાં છે.  ‘બ્રુઅરી’ એટલે એવી જગ્યા જ્યાં શરાબ બનતો પણ હોય અને સર્વ પણ થતો હોય અને અંતે આવે ‘ક્લબ’, જે આપણે આજ-કાલ સિનેમામાં જોતા હોઈએ છીએ. ક્લબ એટલે મુખ્યત્વે યુવાનોની જગ્યા જેને કદાચ મારા પપ્પાનાં જમાનામાં ‘ડિસ્કો’ તરીકે ઓળખતાં. ક્લબમાં આલ્કોહોલ સર્વ કરવા માટે ‘બાર’ હોય અને નાચી શકાય તેવું સન્ગીત! કલબની મોટાં ભાગની જગ્યા લોકોને નાચવા માટેની હોય.

અહીં આલ્કોહોલ જેમાંથી સર્વ થાય તેની પણ વિવિધ પદ્ધતિ હોય છે. સામાન્ય રીતે ‘બિયર’ અને ‘સાઈડર’ તમને ‘ઓન ટેપ’ મળી શકે (અહીં ‘ટેપ’ એટલે નળ સંદર્ભે). સાઈડર વિશે આપણાં દારુડીયાઓ કોઈ બહુ જાણતા નથી. સાઈડર એ ઇંગ્લેન્ડે દુનિયાને આપેલું પીણું છે. એ યુનાઇટેડ કિંગડમ અને સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ પ્રખ્યાત છે. સાઈડર ફળોનાં જ્યૂસમાંથી બને છે. મુખ્યત્ત્વે સફરજનનાં જ્યુસમાંથી બને છે. એ સિવાય પેર, સ્ટ્રોબેરી, હની વગેરે મિશ્ર સ્વાદનાં સાઈડર પણ મળતા હોય છે. જે કોઈ પણ આલ્કોહોલ ઓન ધ ટેપ હોય એ પ્રખ્યાત બ્રાંડના Standard Drinks જ હોવાનાં. કારણ કે, ઓન ધ ટેપ ડ્રિન્ક્સનો આખો કન્સેપ્ટ એવો છે કે, બારનાં માલિક જથ્થાબંધ ખરીદી શકે અને તેનાં પર બોટલિંગ કે પેકેજિંગનાં ભાવ ન લાગતા હોય એટલે તેની રિટેઈલ પ્રાઈઝ બોટલમાં મળતાં પીણાં કરતાં પ્રમાણમાં સસ્તી હોય. એપલ સાઈડર એ બધાં પ્રકારનાં સાઈડરમાં સૌથી standard અને પ્રખ્યાત છે. માટે, સામાન્ય રીતે ટેપ પર એ જ હોય.

હવે, આ ‘ઓન ધ ટેપ’માં પણ તમને બે વિકલ્પ મળે. કાં તો તમે એક નાનો ગ્લાસ લઇ શકો અથવા પાઈન્ટ (મોટો ગ્લાસ) લઇ શકો. ઘણી વખત ઘણી જગ્યાએ જગ પણ વેચાતા હોય છે. અમે ૩-૪ મિત્રો વચ્ચે એક જગ લઈએ અને ૩-૪ ગ્લાસ લઈએ. એ રીતે બધાંને ઘણું સસ્તુ પડે. સ્ટુડન્ટ્સમાં એ સૌથી પોપ્યુલર વિકલ્પ છે. કારણ કે, સ્ટુડન્ટ્સ હોય ત્યાં સુધી પૈસામાં લગભગ બધાંને મારા-મારી રહેતી હોય. વળી, પર્થ મગજ કામ ન કરે તેટલું મોંઘુ છે. જો કે, બિયર અને સાઈડર બંનેમાં અલ્કોહોલિક કન્ટેન્ટ સૌથી ઓછામાં ઓછું હોય છે. હા, જગની વાત નીકળી તો યાદ આવ્યું. યુનીવર્સીટીમાં મેં લોકોને જગમાંથી સીધા પીતા જોયા છે. :D It actually looks fun! પણ, આવા બધાં નખરા ટૅવર્નમાં જ થઇ શકે અથવા એવી કોઈ જગ્યાએ જ્યાં બારટેન્ડર્સ તમને ઓળખતાં હોય. નહીંતર બાઉન્સર સીધો બહાર કાઢે! (ચેતવણી: આવા બધાં નખરા જો ક્યાં કરાય અને ક્યાં ન કરાય એવી વિવેકબુદ્ધિ ન હોય તો કરવાનાં વિચારવા પણ નહીં.) આ ઉપરાંત સામાન્ય બોટલમાં તો આ બંને ડ્રિન્ક્સ મળતાં જ હોય છે. બોટલમાં પણ એક બોટલ છૂટક મળે અથવા ૬ બોટલનું ‘સ્ટબ’ મળે અથવા ૬ કે વધુ સ્ટબનું ‘કાર્ટન’ મળે.

હવે તમે પબમાં બેઠા હો તો દિવસનાં સમયે સામાન્ય રીતે બિયર, સાઈડર, વાઈન અથવા શેમ્પેન સૌથી પ્રખ્યાત પીણાં છે. ખાસ એટલા માટે કે, આ પીણાં જમવા સાથે બહુ સારા જાય છે. પિત્ઝા અને તળેલાં/ચીઝવાળા/નાશ્તા જેવાં કોઈ પણ ખોરાક સાથે બિયર અથવા સાઈડર સારા લાગે. બ્રેડ અને ઓલિવ ઓઈલ કે ચીઝનાં ડિપ, વિવિધ પ્રકારનાં ચીઝ (આનાં વિશે પણ એક પોસ્ટ?), પાસ્તા, એશિયન ફૂડ, લઝાનીયા કે અન્ય કોઈ પણ પ્રકારનાં ફેન્સી રેસ્ટોરાં ફૂડ સાથે વાઈન અને શેમ્પેન બહુ સરસ જતા હોય છે. હા, એનો મતલબ જરાય એવો નથી કે આ બધું આ ખોરાક સાથે જ સારું લાગે અને એકલું ન પીવાય. પણ, કહેવાનો મતલબ એ છે કે, પબમાં સામાન્ય રીતે ખાવા-પીવાનું બંને હોય અને જ્યારે તમે કોઈ જગ્યાએ આમ જ ચિલ-આઉટ કરવા અને અમુક કલાકો બેસવા માટે ગયા હો તો ફક્ત પીવાનાં નથી જ. ખાવા, પીવાનાં બંને કરવાનાં છો. આ ઉપરાંત, તમે ખોરાક સાથે જે પીતા હો તે ડ્રિંક પણ તમારા ખોરાકનો સ્વાદ કેવો આવશે તે નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. આ ત્રણ પીણાં અમુક અમુક ડેલીકસી પ્રકારનાં ખોરાક સાથે પણ બહુ સરસ જતા હોય છે. ‘ડેલીકસી’ પ્રકારનાં ખોરાક કે પીણાંનો સ્વાદ બહુ ખાસ (‘વિચિત્ર’ પણ કહી શકો) પ્રકારનો હોય છે. જો ડેલીકસી સાથે જ્યૂસ કે કાર્બોનેટેડ પીણાં (પેપ્સી, ફેન્ટા) વગેરે પીઓ તો તેનો સ્વાદ બહુ ગંદો લાગે એ પણ શક્ય છે. જો યાદ હોય તો આલ્કોહોલમાં ફક્ત નશો નથી હોતો, સ્વાદ નામની પણ કોઈક વસ્તુ હોય છે. ;) અને અમુક પ્રકારનું આલ્કોહોલ તેનાં સ્વાદને કારણે અમુક પ્રકારનાં ખોરાક સાથે સ્વાદ બાબતે બહુ સરસ જતું હોય છે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભલે ‘બિયર ડ્રિન્કિંગ કન્ટ્રી’ કહેવાતો હોય. પણ, સૌથી સારી બિયર પાછી ઓસ્ટ્રેલિયામાં નથી બનતી. મિત્રોનાં કહેવા મુજબ જર્મન અને આઈરિશ બિયર્સ સૌથી સારામાં સારી હોય છે. હાઈનીકેન જર્મન અને ગિનિસ (ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળી ગિનિસ) આઈરિશ છે. વળી, જર્મનીમાં બવારિયામાં દર વર્ષે ઓક્ટોબરફેસ્ટ ઉજવાય છે, જે પ્રાથમિક રીતે બિયર ડ્રિન્કિંગ ફેસ્ટિવલ છે. જર્મન મિત્રો ઈઝાબેલ અને યોહિમ પાસેથી આ વિશે ઘણું સાંભળેલું છે. ઓક્ટોબરફેસ્ટનું એક નાનકડું વર્ઝન મર્ડોક યુનીવર્સીટી અને બીજી અમુક જગ્યાઓએ ઊજવાય છે. મેં ગયા વર્ષે યુનીવર્સીટી ટૅવર્નમાં મિત્રો સાથે ઓક્ટોબરફેસ્ટનું સેલિબ્રેશન માણેલું. લગભગ બધાં જ લોકો જર્મન ટ્રેડીશનલ ડ્રેસમાં તૈયાર થઈને આવેલાં. બધાં જ બારટેન્ડર પણ જર્મન કપડાંમાં સજ્જ હતાં. ઊજવણી બપોરે ૧૨થી શરુ થઈને લગભગ સાંજે ૭ સુધી હતી. એક બેન્ડને બોલાવવામાં આવ્યું હતું. થોડી ગેમ્સ અને બાર્બેક્યુ અને સોસેજનાં સ્ટોલ હતાં ખાવા-પીવા માટે. બધે બિયર જ બિયર દેખાતી હતી. ૨૦૦૯માં હું યુનીવર્સીટી કેમ્પસમાં રહેતી. ત્યાં મારી હાઉઝમેટ ઈઝાબેલ જર્મન હતી. તે વર્ષે અમે અમારાં ઘરે સાંજે ઊજવણી કરી હતી. ત્યારે મેં બવારિયાનો ઝંડો પણ જોયો હતો, જે ઇઝિની એક મિત્ર લાવી હતી.

આ તો વાત થઇ દિવસની અને મિત્રો કે પરિવાર સાથે હેંગ-આઉટ કરવાની. આ સિવાય પણ ઘણાં પ્રકારનાં ડ્રિન્ક્સ, શોટ્સ વગેરે છે. તેનાં વિશે વધુ આવતા અંકે.