ક્યોતોની પહેલી સવારે અમને surprises મળ્યાં! અમે નહાવા માટે ગયા ત્યારે જાણ્યું કે, બાથરૂમમાં એક નાનો ઓનસેન છે. એ ઓનસેનમાં હાકોને જેવી મજા તો નહોતી પણ જે હતું એ ઘણું સારું હતું! બાથરૂમમાં તાળાં જેવું ખાસ કૈં હતું નહીં. ફક્ત બહાર એક વૃદ્ધ માણસ ચોકીદારી કરતો. ત્યારે અમને સમજાયું કે, પેલી સ્ત્રી નહાવા માટે બધાં માટે ચોક્કસ સમય કેમ નિર્ધારિત રાખતી હતી. નાહીને તૈયાર થઈને રિયોકાનનાં રૂમની બારીઓ ખોલીને બહાર જોયું તો આંખો પહોળી થઇ ગઈ! સાંજે અંધકારમાં અમને સરખું દેખાયું કે સમજાયું નહોતું કે અમે જ્યાં રહેતા હતા એ ગલી અને એ આખો વિસ્તાર કેટલો અદભુત હતો! નીચે જઈને આંટો માર્યો તો લાગ્યું કે, ‘મેમોઆર્સ ઓફ આ ગેઇશા’નાં કોઈ સીનમાં જ જાણે અમને સ્થાન મળી ગયું હોય. અમે લગભગ નવ વાગ્યે તો બહાર પણ નીકળી ગયા હતા ત્યારે શેરીઓ ખાલી હતી અને કોઈ પણ પ્રકારની ભીડ નહોતી. પહેલા તો અમે કોદાઈજી મંદિર પાસે ફરીથી આંટો માર્યો. પછી શોધ્યું એક નાનું કાફૅ જ્યાં ‘સ્ક્રેમ્બલ્ડ એગ્સ ઍન્ડ ટોસ્ટ’ વગેરે પાશ્ચાત્ય બ્રેકફસ્ટ મળી ગયાં. અમારો વિચાર એવો હતો કે, ત્યાં જો ફટાફટ કૈંક ખાઈ લઈએ તો બપોરે મોડે સુધી ફરી શકીએ અને વચ્ચે ભૂખ ન લાગે.

કાફૅ તરફ જતા રસ્તામાં અમે અનેક ફોટો શૂટ્સ જોયાં – લગ્નનાં બેથી ત્રણ શૂટ્સ, જાપાનનાં પારંપારિક પોષાકમાં તૈયાર થયેલી સ્ત્રીઓ અને યુગલોનાં એક-બે શૂટ્સ વગેરે. સ્વાભાવિક રીતે જ, વહેલી સવારે ટૂરિસ્ટની ભીડ ન હોય ત્યાં સુધીમાં ત્યાંનાં સુંદર મંદિરો પાસે અને ત્યાંની સાંકડી ગલીઓમાં આરામથી ફોટોઝ લઇ શકાય.


બ્રેકફસ્ટ પછી સૅમ માટે અમે નવાં શૂઝ શોધ્યાં. મેં જે ભૂલ કરી હતી એ જ ભૂલ તેણે પણ કરી હતી. ટ્રાવેલિંગ પહેલા ઉત્સાહમાં આવીને શૂ શોપિંગ અને પછી નવા શૂઝ લઈને નવાં દેશમાં આવવું, જ્યાં શૂઝ આરામદાયક ન હોય તો પણ તેને બદલી શકવાનો કોઈ સ્કોપ ન હોય. તે જે નવાં શૂઝ પહેરીને આવ્યો હતો તેમાં તેનાં પગનાં અંગૂઠાં એટલાં દબાતાં હતાં કે, કોઈ ચાન્સ જ નહોતો કે એ શૂઝમાં એ આખો દિવસ ચાલતા બહાર ફરી શકે. જાપાનમાં દૂકાનો ખૂલવાનો સામાન્ય સમય અગિયાર છે. પણ, સાડા નવ – દસ આસપાસ અમને ગૂગલ મૅપ્સ પર ત્રણ દૂકાનો ખુલી દેખાઈ અને તેમાંની સૌથી છેલ્લી દુકાનમાં નસીબજોગે સૅમનો મેળ પડી ગયો. નહીં તો એ દિવસે વહેલા ઊઠવાનો કોઈ અર્થ ન રહેત. શૂઝ મળ્યાં પછી સૅમ ઊડવા લાગ્યો હતો કારણ કે, જાપાની કારીગરીનાં ચામડાંનાં એ શૂઝ એટલાં સુંદર, હળવાં અને આરામદાયક હતાં કે, એ શૂઝ સૅમ હજુ સુધી રોજ પહેરે છે.
ત્યાંથી અમે શરુ કરી ક્યોતોનાં સુંદર મંદિરોની મુલાકાત. અમારો પહેલો મુકામ હતો ‘કિયોમીઝુ દેરા’. શૂ સ્ટોરથી મંદિર સુધી અમે ચાલીને ગયા. આપણાં ટેકરીઓ પર આવેલાં મંદિરોની જેમ જ એ મંદિરનાં મુખ્ય દ્વાર પહેલા પણ સાંકડી ગલીઓમાં નાની નાની દુકાનો છે અને એ દુકાનો શરુ થાય ત્યાંથી મંદિર સુધીનાં રસ્તામાં વાહનો ચાલી શકે તેમ નથી એટલે એ રસ્તો તો પગપાળા જ કાપવો પડે. ત્યાં પહોંચીને જોયું કે, એ મંદિર વિશાળ પરિસરમાં પથરાયેલું છે! મંદિરની ઇમારતો તો છે જ પણ, તેની આસપાસ વૃક્ષાચ્છાદિત એટલો મોટો વિસ્તાર છે કે, એમ જ લાગે કે, આ મંદિર કોઈ નૅશનલ પાર્કની વચ્ચે આવેલું છે! એ વિસ્તારમાં ચાલવા માટે કેડીઓ પણ હતી જ્યાં અમે ખૂબ ચાલ્યા અને ‘ફૉલ કલર્સ’ – પાનખર ઋતુનાં રંગો કોને કહેવાય તેનો પહેલો પાઠ ભણ્યા. ત્યારે તો અમને ખબર પણ નહોતી કે, એ દિવસમાં અમે આગળ શું શું અને કેવું કેવું જોવાનાં છીએ!






ત્યાંથી બસ પકડીને આગળ જવાનો ઈરાદો હતો પણ, સૅમનાં પ્રતાપે અંતે ટૅક્સી કરીને જ અમે પહોંચ્યા ‘હેઇયાન શ્રાઈન’. જ્યારે આ શ્રાઈન જોઈ ત્યારે મને ખબર નહોતી પણ, પાછળથી એ મૂવી જોઈને જાણ્યું હતું કે, ‘લૉસ્ટ ઈન ટ્રાન્સલેશન’માં આ જ શ્રાઈનનાં ચોગાનમાં એક સીન છે. અલબત્ત, તેમાં પાનખર નહીં પણ, શિયાળો છે અને શ્રાઈનનો ઘણો બધો વિસ્તાર બરફથી ઢંકાયેલો છે.


ત્યાંથી પણ ફરીથી ટૅક્સી દ્વારા જ અમે આગળ ગયા ‘ગિંકાફૂજી’ તરફ. ગિંકાકુજી પહોંચતા સુધીમાં બપોરે લગભગ એક વાગી ગયો હતો. મને બહુ ભૂખ તો નહોતી લાગી પણ, કૈંક નાનકડું ખાવાની ઈચ્છા જરૂર હતી. એ મંદિરનાં દરવાજા પાસે પણ નાની નાની દુકાનો હતી. તેમાંની એક દુકાનમાંથી અમે શેકેલું શક્કરિયું ખરીદ્યું અને આગળ જઈને એક સ્થળેથી માચા લાટે (matcha latte). એક વાત તો માનવી જ રહી કે, જે ખાવા પીવાની જે વસ્તુ જે દેશ/ગામ/શહેરની ખાસિયત હોય તે દેશ/ગામ/શહેરમાં રસ્તામાં કોઈ રેન્ડમ જગ્યાએ પણ એટલી સારી મળશે કે, તેની સામે અન્ય જગ્યાએ એ જ વસ્તુ કોઈ માસ્ટરશેફ પણ બનાવે તો પણ તેમાં તેટલી મજા નહીં આવે!
બીયર અને કોકા કોલા માટે એક પ્રખ્યાત થિયરી છે કે, યુરોપીયન મૂળની કોઈ પણ પ્રખ્યાત બીયર – ગિનિસ, હાઈનિકેન વગેરે જો ખરેખર યુરોપમાં બનેલી હોય તો તેનો સ્વાદ અન્ય દેશોમાં બનેલી એ જ બ્રાંડની બીયર કરતાં અનેક ગણો વધુ સારો હોય છે. કોકા કોલા માટે પણ કહેવાય છે કે, દરેક દેશમાં કોકા કોલાનો સ્વાદ થોડો અલગ આવતો હોય છે. આનું એક કારણ એ માનવામાં આવે છે કે, દરેક દેશમાં પાણીનો સ્વાદ અલગ હોય છે અને એ સ્વાદ પાણી જેમાં ભળે છે એ વસ્તુમાં પણ પોતાની છાપ છોડે છે. પીણાંમાં તો આ પાણીનાં સ્વાદવાળી થિયરી પ્રખ્યાત છે જ પણ, મારું માનવું છે કે, આ થિયરી ખાવા પીવાની દરેક વસ્તુ માટે લાગૂ પડતી હોવી જોઈએ. કદાચ આ જ કારણ છે કે, જે વસ્તુ જ્યાંથી પ્રખ્યાત થઈ હોય ત્યાં જઈને માણવામાં સાર છે અને ત્યાં જઈ ન શકાય તો ત્યાં બનેલી વસ્તુઓ જે ઇમ્પોર્ટ થઈને આવી હોય તે લેવામાં સાર છે. જેમ કે, જાપાનની પ્રખ્યાત માચા અને હોજીચા, જે મેં ગિંકાકૂજી ની બહાર એક નાનકડી દુકાનમાં પણ ટ્રાય કરી તોયે અદ્ભુત લાગી!
ગિંકાકુજીનો નજારો અદ્ભુત હતો! ત્યાર સુધીમાં જોયેલાં તમામ મંદિરોમાં કદાચ સૌથી સુંદર એ જ હતું.



ગિંકાકૂજી પછી અમે ‘ફિલોસોફર્સ વોક’ નામની એક સુંદર કેડી પર ચાલવા લાગ્યા. કેડીની ડાબી બાજુ એક નાની સરવાણી વહેતી હતી જેને સામે પાર જવા માટે ઠેક ઠેકાણે નાનકડાં બ્રિજ બનાવેલાં હતાં અને આખો વિસ્તાર લીલાં પીળાં લાલ રંગનાં અલગ અલગ શેડ્સનાં વૃક્ષોનાં પાંદડાં થી છવાયેલો હતો. જમણી બાજુ શરુઆતમાં છૂટી છવાઈ નાની કળાત્મક દુકાનો, ગિફ્ટ શોપ્સ અને એકાદ બે નાના કાફે હતાં. કેડી પર અમે ઘણાં કલાકારો જોયા જે ત્યાં જ બેસીને એ રંગો અને નજારો વૉટર કલર વડે કાગળ પર કેદ કરી રહ્યા હતા. તેમાંનાં એક કલાકાર પાસેથી મેં પોસ્ટકાર્ડ નાં કદનાં ત્રણ પેઇન્ટિંગ્સ ખરીદ્યાં.





એ કેડી સુંદર તો હતી પણ, ખૂબ લાંબી હતી. એક સમય પછી આગળ ચાલવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મને ભૂખ પણ ખૂબ લાગી હતી. પણ, સેમ મિશન પર હતો. તેને એ કેડીનાં અંતે આવેલું એક મંદિર પણ જોવું હતું. એટલે મારા સહપ્રવાસી ની ઈચ્છાને માન આપીને હું પણ ચાલતી રહી.
મને એવી લાગણી થવા માંડી હતી કે, જાણે હું ફક્ત એક પછી એક સ્થળ એક લિસ્ટમાં ટિક ઓફ કરી રહી હતી. સૅમ એ વિચારથી ચાલતો હતો કે, એ દિવસે જેટલાં બને તેટલાં પ્રખ્યાત સ્થળો જોઈ લેવાં. જ્યારે, હું એ મતની હતી કે, પ્રવાસ કોઈ મિશન નથી કે, એક લિસ્ટ બનાવ્યું હોય તો એ લિસ્ટની તમામ વસ્તુઓ થવી જ જોઈએ. પ્રવાસ મારા માટે ‘ગો-વિથ-ધ-ફ્લો’ પ્રકારનો આરામદાયક અને વિચારપૂર્ણ અનુભવ છે. પ્રવાસ મારા માટે દોડવાની નહીં, પણ થોભવાની પ્રવૃત્તિ છે જેની ગતિ એવી હોવી જોઈએ કે, નવી જગ્યા, નવા લોકો વચ્ચે પોતાનાં જીવનને પણ અલગ દૃષ્ટિએ જોઈ શકાય અને એ સમય એટલો મુક્ત હોવો જોઈએ કે, મગજમાં નવાં વિચારો માટે સ્થાન બને. મારાં મતે ટ્રાવેલર અને ટૂરિસ્ટ વચ્ચેનો આ એક મોટો ફર્ક છે અને આ ફર્ક મને મારી અને સૅમની ટ્રાવેલ કરવાની રીતમાં જણાઈ રહ્યો હતો. હું એ સમજતી હતી કે, તેને આ રીતે ફરવામાં મજા આવતી હશે. પણ, હું ત્યારે પરાણે એ પ્લાનમાં ઢસડાઈ રહી હતી.
મારું મગજ હવે સુંદરતા નહીં, પણ ભૂખ અને થાકમાં પરોવાયેલું હતું અને મને થોડી અકળામણ પણ થતી હતી. મને યાદ પણ નહોતું કે, કેટલાં સમય પછી હું કોઈ અન્ય વ્યક્તિ સાથે ટ્રાવેલ કરી રહી હતી. મને આટલાં દિવસ સૅમ અને બાકીનાં ત્રણની કંપની ગમી તો હતી, પણ,સમય સમયાંતરે ચોક્કસ વિચાર આવતો કે, ટ્રિપની શરુઆત માં ઓસાકામાં મારાં દિવસો વધુ મુક્ત હતાં અને મને તેમાં થોડી વધુ મજા આવતી હતી. તેમાંયે ખાસ એ દિવસ તો જાણે રખડવા ભટકવાનું મટીને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નું પૅકેજ બની ગયો હતો.