રિયોકાનનાં વૃદ્ધા અધિષ્ઠાત્રીએ અમને તેમની પાછળ જવાનું સૂચવ્યું. રિસેપ્શન ગ્રાઉન્ડ ફ્લોર પર હતું, ત્યાંથી એક માળ ચડીને અમે ઉપર ગયા. દાદરા પાસેનો જ એક રૂમ અમને આપવામાં આવ્યો હતો. રૂમ એક નાનકડી કૅબિન જેવો દેખાતો હતો. તેનો દરવાજો જમણી તરફ સ્લાઈડ થતો હતો. અંદર એક ટચૂકડી લૉબી જેવી જગ્યા હતી જ્યાં અમારા ઈનડોર સ્લિપર કાઢવાનું તેમણે ખૂબ માનપૂર્વક બંને હાથનાં ઇશારાથી સૂચવ્યું. અમે સ્લિપર ઊતાર્યાં પછી તેમણે સ્લિપર ફેરવીને બહારની દિશામાં ગોઠવ્યાં. એક રીતે અમારા માટે એ સૂચન હતું કે, “જાપાનમાં પગરખાં રાખવાની આ પ્રથા છે”. રૂમની લૉબીમાં ચાર શેલ્ફ હતાં જેમાં ટાવલ, મોજાં, કીમોનો વગેરે રાખેલાં હતાં. તેમણે વસ્તુઓ તરફ ઈશારો કરીને કહ્યું ‘મેન’, ‘ઊમેન’. પહેલા તો મને સમજાયું નહીં પણ, પાંચેક સેકન્ડ પછી સમજાયું કે, એ અમને દેખાડતા હતા કે, આ વસ્તુઓ પુરુષો માટેની છે અને પેલી મહિલાઓ માટે. તેમને અંગ્રેજીમાં વાક્યો પણ નહોતાં આવડતાં, ફક્ત અમુક શબ્દો આવડતાં હતાં જે તેમને પ્રવાસીઓ સાથે વાત કરવામાં મદદરૂપ થતાં.
અંદર રૂમમાં ફક્ત એક નીચું ટેબલ હતું અને જમીન પર ગાદલાં બિછાવેલાં હતાં. છતાં એક પણ રીતે એ રૂમ બોરિંગ નહોતો લાગતો. ટેબલ પર એક ગરમ પાણીનો જગ, ચાનાં બે નાના કપ, ચાની કિટલી હતાં અને એક નાની પ્લેટમાં કૈંક ઢાંકીને રાખેલું હતું. ગાદલાં પર સુઘડ રીતે બિછાવેલાં સફેદ બ્લૅન્કૅટ પર ઓરિગામી પદ્ધતિથી વળેલાં સુંદર રંગીન કાગળનાં નાના નાના બે પક્ષી મૂકેલાં હતાં. અમે અમારો સામાન મૂક્યો ત્યાં સુધીમાં એ વજ્રાસનમાં જમીન પર બેઠા અને ચા બનાવવા લાગ્યા. અમે સામાન મૂકીને નવરા પડ્યા એટલે તેમણે અમને બંને હાથનાં ઈશારાથી બેસવા માટે બોલાવ્યા. અમારાં કપમાં તેમણે green tea (matcha) રેડી, પછી પોતાનાં કપમાં રેડી અને નાની પ્લેટ ખોલી. તેમાં બે મોચી રાખેલાં હતાં, જે જાપાનની પારંપારિક મીઠાઈ છે. અમને ચા સાથે એ મોચી ખાવાનું આમંત્રણ આપવામાં આવ્યું. એ દિવસ સુધી ખાયેલાં તમામ મોચીનો સ્વાદ ભૂલાવી દે તેટલાં સ્વાદિષ્ટ એ મોચી હતાં! ખરેખર તો આજની તારીખ સુધી અમારા માટે એ સ્વાદની નજીક પણ કોઈ મોચી નથી આવી શક્યાં.
ચા અને મોચીનો કાર્યક્રમ પત્યા પછી તેમણે પોતાનાં વાક્યરહિત ઇંગ્લિશમાં અમને સમજાવ્યું કે, મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ ટોઇલેટ્સ અમારાં માળે અને નીચેનાં માળે છે. રયોકાનમાં હૉસ્ટેલ જેવી વ્યવસ્થા હોય છે. કોઈ પણ રૂમમાં પોતાનાં ખાનગી ટોઇલેટ કે બાથરૂમ નથી હોતાં પણ, ત્યાં રહેતા તમામ લોકો વાપરી શકે એ માટે shared ટોયલેટ અને બાથરૂમ હોય છે. દરેક રહેવાસીને પૂછીને નહાવા માટે સવારે અને સાંજે અડધી કલાકનો સમય પહેલેથી બુક કરી રાખવાની પ્રથા ત્યાં હતી એટલે તેમણે અમારે ક્યા સમયે નહાવું છે એ પૂછવાનો પ્રયત્ન કર્યો પણ, એ વ્યવસ્થા વિષે અમને પહેલેથી ખબર નહોતી અને તેમનાં વાક્યરહિત ઇંગ્લિશમાં એ શું પૂછી રહ્યા હતા એ અમને સમજાતું નહોતું એટલે અમે તેમને ફરી ફરીને તેમને સમજાય તેવા તૂટક ઇંગ્લિશમાં તેમને પૂછતા રહ્યા કે, એ શું કહેવા માગે છે. તેમણે ત્રણ વખત એ જ શાંતિથી, એ જ સ્વરમાં, એ જ શબ્દો ફરથી કહ્યા! કોઈ પણ પ્રકારનો ગુસ્સો નહીં, ચીડ નહીં કે ઉતાવળ પણ નહીં. અમને સમજાયું પછી અમે તેમને અમારી પસંદગીનો નહાવાનો સમય જણાવ્યો, જે એ પોતાનાં નોટપૅડમાં લખીને, ખાલી વાસણો લઈને એ ચાલ્યા ગયા.
તેમનાં ગયા પછી અમે થોડો સમય શાંતિથી બેઠા. Again, અમારા માટે રિયોકાનનો અનુભવ તદ્દન નવો હતો અને પહેલાંનાં તમામ નવાં અનુભવો જેટલો જ interesting પણ! અમે પહેલા તો અમારા રૂમની નાની નાની વસ્તુઓ નીરખી. ત્યાંની બારીઓ પણ સ્લાઈડિંગ હતી અને રસપ્રદ રીતે ખુલતી હતી. બે અલગ અલગ કાપડનાં જૂદાં જૂદાં કિમોનો હતાં. અમારી બારીમાંથી દેખાતો નજારો એવો હતો કે જાણે કોઈ વીસમી સદીની શરૂઆતનાં, ફોટો અને ફિલ્મોમાં જોયેલાં જાપાનમાં આવી ગયા હોઈએ! ત્યાં થોડી વાર બેસીને અમે બહાર નીકળ્યા.
નીચે ઓસરીમાં જઈને જોયું તો અમારાં શૂઝ ક્યાંયે નહોતાં દેખાતાં. બે-ત્રણ સેકન્ડમાં એક માણસ ઝડપથી બહાર આવ્યો અને તેણે અમારાં શૂઝ બહાર કાઢીને ઉંબરા પર રાખ્યાં. અમે સ્લિપર્સ કાઢ્યાં એટલે તરત તેણે દરવાજા પાસે અંદરની દિશામાં સ્લિપર્સની હરોળમાં મૂકી દીધાં. અમને શ્રીએ જે સંસ્કૃતિ વિષે કહ્યું હતું એ સંસ્કૃતિ અમે ત્યાં અમારી નજરે જોઈ. ત્યાં નાનામાં નાની વસ્તુ કરવાની એક નિશ્ચિત પદ્ધતિ હતી અને સમગ્ર વ્યવહાર એ પદ્ધતિ પ્રમાણે જ ચાલતો હતો. રિયોકાનમાંથી બહાર નીકળીને અમારી બારી જે શેરીમાં પડતી હતી એ શેરીમાં અમે આગળ ચાલ્યા. સાંજ પડી ગઈ હતી અને અંધકાર પ્રસરી ગયો હતો. એક-દોઢ મિનિટ ચાલતા જ અમને રસ્તાની ડાબી બાજુ રંગીન વૃક્ષોથી આચ્છાદિત રોશનીવાળાં દાદરા દેખાયાં. એ શું હતું એ તો જોવું જ પડે તેમ હતું. ઉપર જઈને જોયું તો એ એક સુંદર મંદિર હતું અને ત્યાં ખૂબસૂરત રોશની કરેલી હતી અને અપરંપાર ભીડ હતી. દેખીતી રીતે જ એ મંદિર સુપ્રસિદ્ધ હતું! તેનું નામ હતું ‘કોદાઇજી’. મંદિરની ટિકિટ સાથે જ અમે ‘એંતોફૂ-ઇન’ નામની કોઈ જગ્યા અને મંદિરનાં મ્યુઝિયમની પણ ટિકિટ લીધી.


મંદિરનાં પરિસરમાં આંટો મારીને અમે નીચે આવ્યા તો સામે જ એંતોકુ-ઈન દેખાયું. એ જગ્યા સુંદર હતી. એ જગ્યાએ એક સુંદર બગીચો અને બૌદ્ધ ધ્યાન કેન્દ્ર હતાં. ચાર-પાંચ દાંતાવાળાં હળ જેવાં કોઈ ઓજાર વડે ધ્યાન કેન્દ્ર અને બગીચા વચ્ચે રેતીમાં સુંદર ડિઝાઇન કંડારેલી હતી.


અંદર જઈને અમને સમજાયું કે, એ ડિઝાઇન બનાવવાને પણ બૌદ્ધ ધર્મમાં ધ્યાનનો જ એક પ્રકાર માનવામાં આવે છે. અંદર એક રૂમમાં મુલાકાતીઓ માટે રેતીની ટ્રે અને તેમાં પેલાં ચાર-પાંચ દાંતાવાળાં હળનું એક નાનું સ્વરૂપ રાખેલું હતું. એ લઈને મુલાકાતીઓ રેતીમાં ચાસ પાડીને ડિઝાઇન બનાવી શકે અને એ ધ્યાનનું નાનું સ્વરૂપ માણી શકે. અમે તેનો લાભ ઊઠાવ્યો.

તેની બાજુનાં રૂમમાં પેન અને નાના કાગળની એક થપ્પી હતી. એ કાગળોમાં આછા રંગે એક આકૃતિ પ્રિન્ટ કરેલી હતી. એ પ્રિન્ટને કાળી પેનથી ઘેરી બનાવીને એ આખી આકૃતિ ઘેરી બેનાવવાની હતી. એ પણ ધ્યાનનો એક પ્રકાર હતો. તેમાં બે ઓપ્શ્ન હતાં. એક મોટી જાડી રેખાઓવાળો, બીજો પાતળી ઝીણી રેખાઓવાળો. અમે શૂરા થઇને પાતળી રેખાઓ ટ્રેસ કરવાની શરૂઆત તો કરી દીધી પણ, પંદરેક મિનિટ પછી સમજાઈ ગયું કે, આ કામ પૂરું કરતા ઓછામાં ઓછી પોણી કલાક લાગવાની. પણ, એ સાંજે તો અમારે આમ પણ જમવા સિવાય કઈં કામ નહોતું એટલે અમે દોરવાનું પૂરું કરીને જ ઊભા થયા.
તેની બાજુનો રૂમ સામાન્ય – આંખ બંધ કરીને થતાં ધ્યાન માટે હતો. પણ, ત્યાંની દીવાલો પર જે સુંદર ચિત્રો બનાવેલાં હતાં!


અમારાં રિયોકાનની જેમ એ જગ્યા પણ શાંતિ, સાદગી અને સુંદરતાનો સમન્વય હતી. ધ્યાન કેન્દ્રની બાજુનાં દરવાજામાં જ મ્યુઝિયમ હતું. એ પણ હતું તો સુંદર પણ, ત્યાં ઇંગ્લિશમાં કઈં લખેલું નહોતું એટલે અમને સમજાયું નહીં કે, અમે શું જોઈ રહ્યા હતા.
ત્યાં ફરીને અમને અતિશય ભૂખ લાગી હતી એટલે અમે શ્રીએ recommend કરેલી એક જગ્યા તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં લોકલ ચીજ-વસ્તુઓની નાની નાની દુકાનો દેખાઈ પણ, લગભગ બધી જ દુકાનો બંધ હતી. એ જોઈને સમજાયું કે, ટોક્યોની સરખામણીએ ત્યાં જીવન ધીમી ગતિએ ચાલતું હોવું જોઈએ. શ્રીએ મોકલેલી જગ્યાની મૅપ્સ-પિન નજીક પહોંચ્યા પણ, ત્યાં અંદર કોઈ રેસ્ટ્રોં જેવું કૈં દેખાયું નહીં એટલે પાંચેક મિનિટ અમે ત્યાં ચક્કર લગાવ્યા એ જોવા માટે કે, રેસ્ટ્રોંનો દરવાજો ક્યાંયે આગળ-પાછળ નથી ને? છતાંયે મેળ ન પડ્યો એટલે અમુક સેકન્ડ તો ડર લાગ્યો કે, એ જગ્યા બંધ તો નથી થઇ ગઈ ને! અંતે હારીને મેં એક વ્યક્તિને મૅપ્સની પિન દેખાડીને ઈશારાથી પૂછ્યું તો તેમણે અમને શેરીનાં અંતે ડાબી બાજુ વળવાનું સૂચવ્યું અને અમને રેસ્ટ્રોં મળી ગયું!
ત્યાંનાં મેન્યુમાં એક જ વેજિટેરિયન વસ્તુ હતી જે અમે મંગાવી. સૌથી પહેલા તો અમને green tea પીરસવામાં આવી અને પછી પંદરેક મિનિટ સુધી કોઈ અમારાં ટેબલ આસપાસ ફરક્યું પણ નહીં!

જમવાનું આવતા થોડી વાર લાગી. પણ એક વખત આવવાનું શરુ થયું પછી તો બંધ જ ન થયું! અમારા જીવનમાં અમે ટોફુની આટલી બધી અલગ અલગ સ્વાદ અને ટેક્ષ્ચરવાળી, ઠંડી, ગરમ વેરાયટી ક્યારેય માણી નહોતી. એ સાથે જ અમને શાબુ-શાબુનું ટચૂકડું વર્ઝન પણ માણવા મળ્યું.

હાકોનેવાળાં શાબુ-શાબુની સરખામણીએ આ થોડું અલગ હતું. પણ, હતું તો સ્વાદિષ્ટ. અમે આ શાબુ-શાબુનો અર્થ પણ શ્રીને પૂછ્યો હતો. આપણી ભાષામાં કેમ ‘ધડાધડ’ જેવાં શબ્દો છે, જેનો ખરેખર તો એ ક્રિયા સાથે સંકળાયેલાં અવાજ પરથી બન્યા છે, તેવી જ રીતે શાબુ-શાબુ પણ અવાજ પરથી બનેલો શબ્દ છે. પાણી ઉકાળવાનો અવાજ અને પાણીમાં ખાવાની સામગ્રી ઉકળે ત્યારે પાણીનાં પરપોટાં બનીને ફૂટે તેનો જે અવાજ છે તેને એ લોકો ‘શાબુ-શાબુ’ તરીકે સાંભળે છે અને એટલે એ વાનગીનું નામ પણ શાબુ-શાબુ છે!
ત્યાં અમને જમવાની મજા તો આવી પણ ત્યાંથી રિયોકાન પાછા ફરીને થોડી વારમાં અમને ફરી ભૂખ લાગી. અમારા નસીબજોગે ત્યાં પણ એક નેપાળી રેસ્ટ્રોં હતું જે રાતે મોડે સુધી ખુલ્લું રહેતું હતું. એ રિયોકાનથી બહુ દૂર પણ નહોતું એટલે અમે ચાલીને જ ત્યાંથી થોડું જમવાનું લઇ આવ્યા અને જમીને તરત ઊંઘી ગયા જેથી પછીનાં દિવસે સવારે વહેલા બહાર નીકળી શકીએ અને સૂર્યાસ્ત પહેલા મંદિરો જોઈ શકીએ. ત્યાં રાત્રે જોવાનાં મંદિરો તો ગણીને એક કે બે હતાં, જેમાંનું પહેલું – કોદાઇજી તો જોઈ લીધું હતું.