રાજસ્થાન રોડ ટ્રિપ – ૨

ભારત, રાજસ્થાન

અમદાવાદથી ઉદયપુરવાળા રસ્તા પર આબુ પછી એક જગ્યાએ હાઈ-વે પર આરામ માટે બસ રોકાઈ. સામે લાંબુલચક મેન્યુ હતું. પહેલા અમારું ધ્યાન બટેટા પૌંઆ પર ગયું અને અમે પૌઆ માંગ્યા. “પૌઆ નથી” “અમુલનું ચોકલેટ મિલ્ક?” “નથી” “ઉપમા?” “નથી” “તો છે શું?” “ચા, દૂધ, કોફી, ગાઠિયા અને કાચી સેન્ડવિચ ” તરત અમે ત્રણ એકબીજા સામે જોઇને હસ્યા. મિયા માટે ટ્રાન્સલેટ કર્યું ત્યારે એ પણ થોડું હસી. એય એક અજાયબી હતી! મારી સાથે ત્રણ સાવ અલગ સેન્સ ઓફ હ્યુમર વાળાં માણસો હતાં. ત્રણે એકદમ સતેજ અને એકદમ સ્પોનટેનિયાસ પણ પોતપોતાની રીતે. અમારા રાજકોટનાં મિત્રોની ટિપિકલ કાઠિયાવાડી (ઘણાં બધાં લોકલ કલ્ચરલ રેફરન્સીસવળી) સેન્સ ઓફ હ્યુમર અને મિયાની ઓસ્ટ્રેલિયન સેન્સ ઓફ હ્યુમર. વળી, એમાંય પાછું એવું હતું કે, રાજકોટવાળા બંનેને મિયાનાં કહેવાનું તાત્પર્ય થોડું સમજાવું એટલે તેમને સમજાઈ જાય પણ મિયાને આ બંને શું કહે છે અને એ જે કહે છે એ હાસ્યાસ્પદ શા માટે છે તે સમજાવવામાં આંખે રાતા પાણી આવે! જો કે, ઉદયપુર સુધી હું અને મિયા તો થાકને કારણે લગભગ ઊંઘમાં જ હતાં એટલે કોઈની બહુ વાતચીત નહોતી થઇ.

ઉદયપુર બસમાંથી ઉતરતાની સાથે રાબેતા મુજબ રિક્ષાવાળાઓએ લાઈન લગાવી અને આમેય અમને જગ્યાની કંઈ એવી બધી ખબર તો હતી નહીં એટલે અંતે એક રિક્ષાવાળાને પકડવાનો જ હતો. અમે અમારું વ્યક્તિનાં મોંનું જજમેન્ટ વાપરીને એક પર પસંદગી ઉતારી અને અમને સારી હોટેલ બતાવવાનું તેને કહ્યું. પહેલાં તેણે અમને બહુ વધુ પડતી લો બજેટ હોટેલ બતાવી અને અમને કોઈને કંઈ બહુ મજા ન આવી. પછી તેણે અમારો ટેસ્ટ જાણ્યો અને પોતાની સૂઝ વાપરીને એકદમ વેલ-મેઇન્ટેઇન્ડ અને વ્યવસ્થિત પણ નાની હવેલીઓને રેનોવેટ કરીને બનાવેલી હોટેલો બતાવી. અંતે અમે એક નાના પણ બહુ સુંદર વિસ્તાર પર પસંદગી ઉતારી. એ હોટેલ બરાબર લેકનાં કિનારે હતી. અમારા રૂમનાં બરાબર ઉપરનાં માળે અગાસી હતી. ત્યાં બેસીને બહાર જુઓ એટલે પાણી જ પાણી દેખાય. પાછળની તરફ એક સાંકડી ગલી, ડાબે એક બીજી હોટેલની અગાસી, સામે અને જમણે બસ પાણી જ પાણી!

પછી તો અમે એ આખા દિવસ માટે એ જ રિક્ષાવાળાને ભાડા પર રાખ્યો અને અમને ઉદયપુર ફેરવવા કહ્યું. બીજા દિવસે સવારે એ પોતાનાં કોઈ ઓળખીતા ટેક્સીવાળાને લઇ આવ્યો. અમે બધા ઓપ્શન્સ વિચારીને ભાવ-તાલ કરીને અંતે એક નિર્ણય પર આવ્યાં. ઉદયપુરથી કુંભલગઢ-રાણકપુર થઈને જેસલમેર, ત્યાંથી પુષ્કર-અજમેર અને ત્યાંથી ચિત્તોડગઢ થઈને પાછા ઉદયપુર. એ ડીલ પણ જોરદાર હતી. જે પૈસા લાગે તે ફક્ત રસ્તાનાં. પછી એ રસ્તા પર ફરવામાં તમે ૫ દિવસ લગાવો કે ૧૫ દિવસ એ તમારો પ્રશ્ન છે. આનો સૌથી મોટો ફાયદો એ કે, જો અમને કોઈ જગ્યાએ વધુ રોકાવાનું મન થાય કે કોઈ જગ્યા ગમી જાય તો ત્યાં વધુ સમય રોકાઈને તેને ભરપૂર માણવાની અમારી પાસે મુક્તતા હતી. તે અને ત્યાર પછીની બધી જ ડીલ કરવામાં હું અને આનંદ બે હતાં. બાકીનાં બેને અમારી પસંદગી પર ભરોસો હતો. એ રીતે જોઈએ તો આ ગ્રૂપ એકદમ પરફેક્ટ હતું. બે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવાવાળા અને બાકીનાં બે જેમને આ બધી બાબતોમાં બહુ ખબર નહોતી પડતી તે અમને અનુસરવાવાળાં. એ બંનેએ પોતાને પૂછીને બધાં નિર્યણ લેવાનો એવો કોઈ આગ્રહ નહોતો રાખ્યો અને આ ડાઈનેમિક અમારા ચારે માટે બેસ્ટ સાબિત થયું.

એ દિવસે પેલા રિક્ષાવાળા સાથે બપોરથી સાંજ અમે ફર્યા. ઉદયપુરનું મ્યુઝિયમ, મિનીયેચર આર્ટનો વર્કશોપ વગેરે જોઇને અમે અંતે બપોર/સાંજનું જમવાનું નક્કી કર્યું. એ રીક્ષાવાળો અમને કોઈ શોપિંગ સેન્ટરમાં લઇ ગયો. બધાંએ મેકડોનલ્ડ્સ પર પોતાની પસંદગી ઊતરી અને મેં બધાંની ઈચ્છા જોઇને નાછૂટકે હા પાડી. પનીર મહારાજા બર્ગરનું નામ જોઇને મને જરા હસવું આવ્યું. ત્યાર પછી મોડી સાંજે લેક પેલેસ હોટેલ વગેરે વગેરે જેનાં કિનારે છે તે લેકની એક બહુ સુંદર બોટ રાઈડ, ફરીને અમે હોટેલ તરફ પાછા જવા રવાના થયા. અચાનક અમને લાઈટ થઇ. દારૂ! અને અમને યાદ પણ બરાબર ટાઈમ પર આવ્યું – બોટલશોપ બંધ થવાની થોડી જ મિનિટો પહેલાં. અમે એક ૭૫૦મિલીની જ્હોની વોકર બ્લેક લેબલની બોટલ લીધી અને એક ૫૦૦મિલીની એબ્સોલ્યુટ વોડ્કાની. વોડ્કા લેવાનું કારણ એ કે, અમારી એ ચોથી મિત્ર એ દિવસે પહેલી વાર જ દારૂ પીવાની હતી અને અમારે એ જોવાનું હતું કે, તેનો એ અનુભવ સારો રહે. એ બોટલશોપ પર લાઈનમાં ઊભા રહેલાં બધાંમાં અમે ત્રણ જ છોકરીઓ હતી અને અમારી સામે જોઇને બધાં અમારી જ્હોની વોકરની બોટલ સામે ટગર ટગર જોતા હતાં.

પાછળથી અમે લોકો આ વાત પર બહુ હસ્યા. હોટેલ પર પહોંચીને અમે ચારેયે અમારા રૂમમાં ભેગાં થવાનું નક્કી કર્યું. એ રૂમ પણ પીસ ઓફ આર્ટ હતો. એમાં લાલ લાઈટ હતી. અમને બહુ રમૂજ પડી એટલે અમે ત્યાં બેસવાનું પસંદ કર્યું. બધા ફ્રેશ થઈને આવ્યા એટલે અમે ગ્લાસમાં બધાં માટે ડ્રિન્ક્સ બનાવવાનું શરુ કર્યું. એક ગ્લાસમાં વોડ્કા વિથ સ્પ્રાઇટ અને ત્રણમાં જેને જે પ્રમાણે અનુકૂળ હોય તેટલી માત્રામાં વ્હિસ્કી. એ પત્યું એટલે હું પેલા નવા નિશાળીયા બહેનને કહેવા જતી હતી કે, જરા ધીરે અને શાંતિથી પીજો. પણ, હજુ તો તેને કહેવા તેની સામે મો ફેરવું ત્યાં તો એ દેવીએ પોતાનો ગ્લાસ ખાલી કરીને ટેબલ પર મૂક્યો. હું, આનંદ અને મિયા હસી હસીને પાગલ થઇ ગયા. બસ, પછી તો એ દેવીને સૂવડાવવાનું કામ સૌથી અઘરું હતું. તેમણે આંસુ સારવાનાં શરુ કર્યા હતાં. જો કે, એક્સપેક્ટેડ હતું અને મને એ હેન્ડલ કરતાં બરાબાર આવડતું હતું. અંતે એ ઊંઘી પછી અમે ત્રણે અમારી રાત આગળ ચલાવી. થોડી વાર અગાસી પર પણ ગયા હતાં. બીજી વિકેટ ડાઉન થઇ મિયાની. પછી મારી અને આનંદની મહેફિલ ચાલી. એ દિવસે અમારાં એ ચોથા બહેનનાં દારૂની જેમ મારો પાર્વતી વેલીની પ્રસાદી ચાખવાનો પહેલો અનુભવ હતો. ;) એ જેમ મારી દેખરેખમાં હતી એમ હું આનંદની દેખરેખમાં હતી. બીજા દિવસે વહેલી સવારે અમે કુંભલગઢ તરફ પ્રયાણ કરવાનાં હતાં. એટલે, તેની તૈયારી કરી થોડી અને અમે પણ બહુ લાંબુ ખેંચ્યા વિના ઊંઘ્યા.

કુંભલગઢવાળા રસ્તા પર અમે એક જગ્યાએ હાઈવે પર ચા અને ગાઠિયા ખાવા રોકાયા. હું થોડા ગળું ખરાબ છે ને આમ છે ને તેમ છે તેવા સીન કરતી હતી પણ અંતે મારી હાંસી થઇ અને હુંયે શાંતિથી ગાઠિયા ખાવા લાગી. કુંભલગઢનાં પ્રવેશદ્વાર નજીકનાં ચોગાનમાં કોઈ ઉત્સવની શરૂઆત થઇ રહી હતી. ત્યાં અમુક લોકલ ગાવા-વગાડવાવાળાં અને નૃત્યાંગનાઓ ઊભાં હતાં. અમે તેમની નજીક ગયા અને તેઓ જે વગાડતાં હતાં તેનાં પર હું થોડું ડોલતી હતી. તેઓ જોતા હતાં. થોડી સેકંડ પછી એક ગાયકે મને મેદાનમાં સરખી રીતે નાચવા આવી જવા કહ્યું. મેં વ્યવસ્થિત ટૂરિસ્ટની જેમ ના પાડી. પછી થોડી વાર રહીને એમણે મને ફરીથી પૂછ્યું. હું ટેસથી ઊભી થઇ ગઈ. (મારો વાંક નથી. બીજી વખત પૂછો ‘ને મને રસ હોય તો હું બેશરમની જેમ ઊભી થઇ જ જવાની છું. ફોક ડાન્સ અને મ્યુઝિક હોય ત્યારે તો ખાસ! :D) પછી તો મેં એકલા થોડી વાર ઘૂમર પર ડાન્સ કર્યો અને પછી તેમની એક ડાન્સર સાથે મળીને કર્યો. તે જે કરે તે સ્ટેપ ફોલો કર્યા. બહુ મજા આવી. બાકીનાં ત્રણે ત્યાં ઊભા ઊભા પોતાનાં મનમાં “ટિપિકલ પ્રિમા” એવું વિચારીને હસતાં હતાં અને પછીનાં ત્રણ દિવસ સુધી સતત મારી મસ્તી કરવામાં આવી.

પછી તો અમે કુંભલગઢની ઊંચી ઊંચી દીવાલોને આશ્ચર્યથી જોતાં આમ-તેમ ફર્યા. તે જગ્યાની આસપાસની કથાઓ સાંભળી અને ૪-૫ કલાકે પાછા ફર્યાં. ત્યાર પછી રાણકપુરનાં જૈન મંદિરો જોયાં. બસ, આ સમય સુધીમાં અમારી ડ્રાઈવર સાથે પણ સારી એવી દોસ્તી જામવાની શરૂઆત થઇ ગઈ હતી. તેમનું નામ મુન્ના હતું. રસ્તા લાંબા હતાં અને આખા દિવસનાં પ્રવાસ. પણ, કારમાં મ્યુઝિકની મોજ હતી. અમારા પ્લે-લિસ્ટનાં અમુક મલ્ટિપલ ટાઈમ્સ રિપીટેડ ટ્રેકસ – ધ ડ્યુઅરિસ્ટનું વિશાલ દાદલાની અને ઈમોજીન હીપવાળું “માઈન્ડ્સ વિધાઉટ ફિયર” , હિમાંશુ દેવગણનું “ધ ઓઝાઈરિસ ફ્યુઝન” , ડેવિડ ગ્વેટ્ટા અને સિઆનું “ટાઈટેનિયમ” , ખુદા કે લિયેનાં “બંદેયા હો” અને “અલ્લાહ હૂ” વગેરે. હવે અમે અમારા સૌથી રસપ્રદ ડેસ્ટીનેશન તરફ આગળ વધી રહ્યા હતાં. જો કે, ત્યારે અમને કોઈ ખ્યાલ નહોતો કે જેસલમેર અમારા માટે આટલા પ્લેઝન્ટ સરપ્રાઈઝ લઈને આવશે!

….

રાજસ્થાન રોડ ટ્રિપ – ૧

ભારત, રાજસ્થાન

ભારતમાં રોડ ટ્રિપ કરવાની સૌથી મોટી મજા મને એ આવી છે કે, કેટલાં અલગ અલગ વાહનોનો ઉપયોગ કરી શકાય! બસ, કાર અને ટ્રેન તો જાણે સાવ સહેલાઈથી ઉપલબ્ધ ત્રણ વિકલ્પ છે! કોઈ શહેરમાં અંદર લોકલી ફરવું હોય તો રિક્ષા, સ્કૂટર વગેરે મળી રહે. અને એટલે જે પ્રકારની ટ્રિપ કરવી હોય તે પ્રમાણે થઇ શકે. પરિવાર સાથે જતાં હોઈએ તો એડવાન્સ બુકિંગ, કાર હાયર વગેરે વગેરેનું આયોજન કરીને એકદમ રિલેકસ્ડ ટ્રિપ થઇ શકે, મિત્રો સાથે જવું હોય અને લાંબા સમયગાળા સુધી ગમે તેમ ભટકવું હોય તો પોતાનું વાહન લઈને નીકળી શકાય, વાહન ચલાવવાની જવાબદારી ન લેવી હોય અને છતાંયે ગમે તેમ ભટકવું હોય તો ઓન ધ સ્પોટ પ્લાનિંગ કરીને પડશે-તેવા-દેવાશે વાળી ટ્રિપ પણ થઇ શકે. વળી, પોતાનો દેશ અને પોતાની ભાષા જાણતા હોવાનો ફાયદો પણ ખરો. ગયા વર્ષે અમે આવી એક ટ્રિપ કરી હતી.

હું મુંબઈ લેન્ડ થઉં પછી પરિવાર સાથે ૪ દિવસ વિતાવવાનાં હતાં. અને તેઓ જાય પછી એકાદ દિવસ પૂના જવાનું હતું અમુક મિત્રોને મળવા. ત્યાર પછી બીજા એક ગ્રૂપ સાથે રાજસ્થાન જવાનો વિચાર હતો. પણ, શું થશે અને કેવી રીતે થશે એ મેં ભારતમાં પગ મૂક્યો ત્યાં સુધી મને ખબર નહોતી. મારી સાથે મારી એક ઓસ્ટ્રેલિયન મિત્ર હતી – મિયા. તેને મેં પહેલેથી કહી રાખ્યું હતું કે, ભારતમાં આપણે ચાર અઠવાડિયા હોઈશું. પણ, આ ચાર અઠવાડિયામાં ક્યારે ક્યાં હોઈશું એ મને પણ ખબર નથી. આટલી તૈયારી હોય તો મારી સાથે ચાલ નહીંતર તારે ધરમનો ધક્કો થશે અને મારાં પ્લાનમાં હું કોઈ ફેરફાર કરું તેવી શક્યતા નથી. વળી, તારો આ પ્રથમ એક્પીરિયન્સ શું હશે ને કેવો હશે એ નક્કી નહીં. કારણ કે, મને પોતાનેય ખબર નથી. પણ, એને આ આઈડિયા તોયે ગમી ગયો અને એ મારી સાથે આવવા તૈયાર થઇ. મુંબઈ પહોંચ્યા અને અમુક મિત્રોને મળ્યાં. પૂનાવાળા મિત્રો અને મુંબઈવાળા મિત્રો એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ ફ્રેન્ડ્સ હતાં. અમુક એકબીજાને મળ્યાં હતાં અને અમુક નહીં એવું બધું હતું. મુંબઈવાળા મિત્રોને પણ હું તો પહેલી જ વાર મળવાની હતી. અને પૂના જવાનાં બે દિવસ પહેલાં અમે મળ્યાં. એ મુલાકાત તો બહુ જામી! મેં તેમને પૂછ્યું કે, પરમ દિવસે અમે પૂના જવાનું વિચારીએ છીએ તમે આવશો? અને બધાં તરત રાજી થઇ ગયા. પછીનાં દિવસે મેં રેલવે ટિકિટો બૂક કરાવી. મુંબઈવાળા એક મિત્રએ મને તેનાં ટ્રાવેલ એજન્ટનો નંબર આપીને કહ્યું હતું કે, હવે તું ફોડી લેજે. અને મેં ફોડ્યું. ૨ લોકોની રિટર્ન ને બેની નહીં ને એવું કંઈ કેટલું હતું. અંતે એ દરમિયાન રાજસ્થાન ટ્રિપવાળાં ગ્રૂપે ક્યાં ભેગાં થશું અને ક્યાં જશું તે નક્કી કર્યું!


મુંબઈથી પૂનાની ટિકિટ અમે થાણેથી કરાવડાવી હતી. ૫:૪૫ વાગ્યાની ટ્રેન હતી અને મીરા રોડથી થાણે પહોંચવાનું હતું. મીરા રોડથી અમે ૪ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું. આમ જોઈએ તો ૪ વાગ્યાનો સમય બહુ વહેલો હતો. તેમાંય ખાસ જ્યારે અમે છેક ૧ વાગ્યે રાત્રે માંડ ઊંઘી શકતા હોઈએ. પણ, અમે જેમને ત્યાં રોકાયા હતાં એ અંકલે બહુ કહ્યું વહેલાં નીકળવાનું એટલે અમે નછૂટકે માની લીધું. તેમનાં કોઈ ઓળખીતા ટેક્સી ડ્રાઈવરને ૪ વાગ્યાનું કહી દેવામાં આવ્યું હતું. સવારે અમે કહ્યા પ્રમાણે તૈયાર થઇ ગયાં. અંકલે ટેક્સી ડ્રાઈવરને ઘોડબંદરવાળો રસ્તો પકડવાનું સૂચવ્યું. ડ્રાઈવરે તે પ્રમાણે કર્યું. બધું બરાબર હતું. અમે ઘોડબંદરવાળાં હાઈ-વે પર પહોંચ્યા ત્યાં સુધી. ત્યાં ટ્રાફિક જામ હતો. ટ્રાફિક જામ એટલે એવો જામ કે, દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રસ્તાની બંને તરફ ટ્રક સિવાય કંઈ નજરે જ ન પડે. ડ્રાઈવરે પહેલી ત્રીસ સેકંડ તો જે લેનમાં રહેવાનું હતું તેમાં રહીને ખટારા પાછળ રાહ જોઈ. પણ પછી તેને બ્રહ્મજ્ઞાન થયું કે, આમ તો કંઈ મેળ પડે તેમ નથી એટલે તેણે ઓવરટેક કરવાનું શરુ કર્યું. પહેલી ૧૦ મિનિટ જે મેં આ ઓવરટેકિંગની જોઈ એ મને ડેથ-રાઈડ જેવી લાગી હતી. પછી મેં જીવની શાંતિ ખાતર આંખ બંધ કરી દેવાનું નક્કી કર્યું અને નસીબજોગે ઊંઘ પણ આવી ગઈ. ડેથ રાઈડની અડધી કલાક પછી મારી આંખ ખુલી અને ટ્રાફિક હજુ જામ તો હતો પણ પહેલા કરતાં હાલત થોડી સુધરી હતી. ત્યાર પછી બીજી અડધી કલાક અને અમે થાણે સફળતાપૂર્વક મુકામે પહોંચ્યા. બે સ્ટેશન પછી બાકીનાં બંને જોડાયાં અને અમે ચારે મિત્રો ટ્રેનમાં સાથે પૂણે તરફ જઈ રહ્યા હતાં. એ વખતે પહેલી વાર હું સ્લીપર બર્થ વિનાનાં એર કંડીશન્ડ ડબ્બામાં બેઠી હતી (મેં ટ્રેનમાં કદાચ પ્લેન પછીની સૌથી ઓછી સફરો ખેડી છે). જો કે, મને બહુ મજા ન આવી કારણ કે, બારીનાં કાચ ટિન્ટેડ હતાં. સૂર્યોદય સમયનું બહારનું વાતાવરણ સરખું અનુભવી શકાતું નહોતું.

બે દિવસ પૂણેમાં મિત્રોને મળવાની બહુ મજા આવી હતી. બધાં એકબીજાને પહેલી વખત મળતાં હતાં! મારો એક મામો (મમ્મીનો પિતરાઈ થાય. પણ, ઉમરમાં મારાથી ફક્ત દોઢ વર્ષ મોટો છે) તો કોઈને ઓળખતો પણ નહોતો અને છતાંયે બધાનું ટ્યુનીંગ બહુ સરસ આવી ગયું હતું. એક આખો દિવસ અમે બધાં સાથે રખડ્યા અને બીજા દિવસે બપોરે મારી અને મિયાની અમદાવાદની બસ હતી. એ બસ અમદાવાદ સવારે ૫ વાગ્યે પહોંચતી હતી અને ત્યાંથી છ વાગ્યાની અમારી અન્ય બે દોસ્તો સાથે ઉદયપુરની બસ હતી. ત્રણ રાતનો સતત ઉજાગરો અને ત્રણ દિવસની રખડપટ્ટીએ મારા ગળાની હાલત બહુ ખરાબ કરી નાંખી હતી અને હજુ એ અંત નહોતો. પ્રવાસ ચાલુ હતો અને એ કેટલાં સમય સુધી હજુ ચાલુ રહેવાનો હતો તેનો મને એ દિવસે કોઈ ખ્યાલ નહોતો.

પૂનાથી આવ્યા પછી અમદાવાદમાં એકાદ કલાક જેટલું અમારે પછીની બસની રાહ જોતાં બેસવાનું હતું એટલે આનંદને અમે વહેલા આવવાનું સૂચવ્યું હતું. વહેલી સવારનો સમય અને હું અને મિયા થાકેલાં એ ભેંકાર શાંતિમાં બીજી બસની અને આનંદની રાહ જોતા બેઠા હતાં. થોડી વાર પછી અમે એક માણસને અમારા તરફ આવતો જોયો. હાથમાં સિગરેટ અને હટ્ટોકટ્ટો એ ઊંચો છોકરો આનંદ છે એ ઓળખતા મને લગભગ બે-એક મિનિટ લાગી. નેચરલી! એ છોકરાને મેં છેલ્લે એક વર્ષ પહેલાં જોયો હતો અને એ એકદમ પાતળો હતો. સિગરેટ પણ આટલા આત્મવિશ્વાસથી ચાલતા ચાલતા નહોતો પીતો. મારાં બધાં મિત્રોમાંનો કદાચ સૌથી નજીકનો મિત્ર એ હતો. એ ટ્રિપનાં મુખ્ય સૂત્રધાર અમે હતાં અને એક્ટિવલી રહેવાનાં હતાં. અને એ રીસ્પોન્સીબિલિટીની શરૂઆત એ આવ્યો કે તરત થઇ. અમારી ચોથી મિત્રનો ફોન આવ્યો કે, ઈગલની અમારી બસ કેન્સલ થઇ છે. બસ, પછી આનંદ અને મેં પ્લાન બી તરફ પ્રયાણ કર્યું. સ્ટાર બઝાર પહોંચ્યા અને પંદર મિનિટ પછી ઉપડતી ઉદયપુરની ચાર ટિકિટ કઢાવી તેવામાં અમારી એ ચોથી મિત્ર આવી. બસ, અમે ચાર મળી ગયા અને સાથે ઉદયપુર જવા નીકળી ગયા હતાં એ પળથી જ મારી તમામ ચિંતાઓનો અંત આવતો હતો. આગળ શું કરીશું તેની ન તો ખબર હતી કે ન હતી ચિંતા. પડશે તેવા દેવાશે!

…. વધુ આવતા અંકે

મિડલ-ઈસ્ટનાં સંબંધો

ઓસ્ટ્રેલિયા, કલ્ચરલ સ્ટીરિયોટાઈપ, પર્થ

મર્ડોક યુનિવર્સિટીમાં -જ્યાં હું ત્રણ વર્ષ ભણી ત્યાં અન્ય દેશોનાં વિદ્યાર્થીઓમાં  મધ્ય-પૂર્વનાં કદાચ સૌથી વધુ હશે. એટલે તે રીતે અને અન્ય ઘણી જગ્યાઓએ મિડલ-ઈસ્ટથી આવેલાં વિવિધ પ્રકારનાં લોકો સાથે સંબંધો બંધાયાં અને તેમનાં વિષે સામાન્ય માન્યતાઓનો ખંડન કરતું કે તેને પોષતું તેમ ધાર્યું-અણધાર્યું ઘણું જાણવા મળ્યું. તેમાં સૌથી પહેલું નામ નિકાનું આવે. નિકા મર્ડોકમાં મારી સહકર્મચારી હતી અને ૨ વર્ષ જેટલો સમય કટકે-કટકે અમે સાથે કામ કર્યું. તે ઈરાનથી આવેલી છે અને તેનો પરિવાર ધર્મે બહાઈ છે. (આપણે ત્યાં દિલ્લીમાં પેલું લોટસ ટેમ્પલ આ બહાઈ ધર્મનું છે.) તેનો સમગ્ર પરિવાર અમુક વર્ષો પહેલાં ઈરાનથી અહીં આવીને વસી ગયો છે. તેમનાં માટે પરિસ્થિતિ ત્યારે બહુ ખરાબ થઇ જ્યારે ઈરાનમાં મુસ્લિમ સિવાયનાં લોકોને બહુ કનડગત થવા લાગી. સાંભળ્યું છે કે, નિકાનાં પરિવારને રેફ્યુજી થઈને ઓસ્ટ્રેલિયાનું શરણ લેવું પડેલું અને બહુ તકલીફો પડેલી ઈરાનથી નીકળતાં. તે કહેતી હતી કે, ઈરાન હતી ત્યાં સુધી જાહેરમાં જતાં તેણે હિજાબ (માથું અને કાન સુધીનું મોં ઢાંકતો એક પ્રકારનો સ્કાર્ફ) પહેરવો પડતો અને એક ઇસ્લામિક દેશને અનુરૂપ કાયદાઓનું પાલન કરવું પડતું. પણ, તેનાં પરિવાર કે બહાઈ સમાજમાં આમ કરવું જરૂરી નથી. એટલે અહીં ઓસ્ટ્રેલિયામાં તેનાં પરિવાર અને સમાજની બધી સ્ત્રીઓ પોતે ઈચ્છે તેવો પહેરવેશ છૂટથી પહેરે છે. નિકાને ધાર્મિક અને પોતાનાં સામાજિક મેળાવડાઓમાં જવાનું બહુ વધુ થતું. એટલી હદે કે, ક્યારેક આ બધાં કારણોસર તેનું ભણવાનું ગોટે ચડી જતું. વળી, એ ફુલ-ટાઈમ નોકરી કરતી એટલે આ બધાં કારણોસર જે ડિગ્રી પૂરી કરતાં સામાન્ય રીતે ૩ વર્ષ થાય, તે કરતાં તેને સાડા ચારથી પાંચ વર્ષ જેવો સમય લાગ્યો. અમે જ્યારે સાથે કામ કરતાં (દોઢ વર્ષ પહેલાં) ત્યારે તેની ઉંમર ૨૬-૨૭ જેટલી હશે. તે કહેતી કે, તેને લોકો લગ્ન બાબતે પૂછવા લાગ્યા હતાં. અહીં જે મિડલ-ઈસ્ટર્ન છોકરાઓ હતાં જેમ કે, તેનો એક્સ બોયફ્રેન્ડ – એ બધાં બહુ વધુ પડતાં પ્રતિબંધક અને રૂઢિચુસ્ત હતાં અને અન્ય દેશ અને સંસ્કૃતિનાં લોકો નિકાને સમજી ન શકતાં. હવે જો કે, તેને એક બહુ સારાં વ્યક્તિ જોડે પ્રેમ-સંબંધ બંધાયો છે અને હમણાં એક મહિના પહેલાં તેની સગાઇ થઇ.

માર્ડોકમાં ભણતાં છેલ્લા સેમેસ્ટરમાં બંદર નામનાં એક મિત્ર સાથે દોસ્તી થઇ. અમે બંને ગ્રૂપ પ્રોજેક્ટમાં સાથે હતાં અને આખાં ગ્રૂપમાં સૌથી નજીક ઘર અમારાં બંનેના જ હતાં એટલે અમે સૌથી વધુ સમય સાથે કામ કર્યું છે. તેની ભાષા એકદમ મીઠી. એ એટલો મળતાવડો હતો અને અમારી વચ્ચે એટલું સારું ટ્યુનિંગ આવી ગયું હતું કે, અમારાં ગ્રૂપનો અન્ય એક મિત્ર એમ કહેતો કે હું બંદર સાથે વાત કરું ત્યારે એવું લાગે કે, જાણે હું મારા નાના તોફાની ભાઈને ખિજાતી હોઉં. અને ખરેખર એવું હતું. તેનું અંગ્રેજી બહુ સારું નહોતું અને ટેક્નિકલી તે ઘણું ન સમજતો. પણ, તેને વ્યવસ્થિત સૂચનાઓ સાથે કોઈ કામ કરવા આપો એટલે એ બહુ સારી રીતે કરી દે. મહેનતુ પણ ખરો. હંમેશા સામેથી કામ માગે. એ પ્રોજેક્ટમાં હું પ્રોજેક્ટ મેનેજર હતી એટલે ઘણી વખત કામની તાણ બહુ વધુ પડતી થતી અને ત્યારે અમે બંને સાથે બેસીને તેનાં ઘેર કામ કરતાં. તે સેક્રેટરી હતો અને તેને ભાગે બહુ કોઈ અઘરાં કામ નહોતાં. તેને અટપટાં કામ કરવા આપો તો પણ એ વસ્તુ મારે ફરીથી કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. પણ, તે મને જે મોરલ સપોર્ટ આપતો અને બકબક કરીને ખુશ કરી મૂકતો એ જ મારા માટે તો સૌથી સારી વાત હતી. દરેક વખતે કંઈ મોટું કામ પતે એટલે અમે તેનાં ઘેર બેસીને હુક્કો પીતાં.

ઘણી વખત હું એમનેમ પણ તેને ત્યાં ફક્ત ગપ્પા મારવા જતી. ટીમ સેક્રેટરી તરીકે એ છોકરો આદર્શ હતો! હંમેશા હસતું મોં અને વ્યવહારુ બુદ્ધિએ અમારો બાપ! અમારાં ક્લાયન્ટ એક માર્કેટિંગ કંપનીનાં લોકો હતાં. તેમનાં માટે અમારે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું. એટલે, દર અઠવાડિયે અમારે ક્લાયન્ટ સાથે અને અમારાં સુપરવાઈઝર સાથે ટીમ-મીટિંગ થતી. હવે, સામાન્ય રીતે સેક્રેટરી હોય એ મિટિંગ મિનીટ્સની નોંધ કરે. પણ, આ હોશિયાર પહેલી જ મીટિંગથી પોતાનાં આઈફોનનું રેકોર્ડર ચાલુ કરીને બેસી જતો. ત્રીજા અઠવાડિયા સુધી તો અમને કોઈને ખબર પણ નહોતી કે, તે પહેલાં જ અઠવાડિયાથી બધી મીટિંગ રેકોર્ડ કરતો આવ્યો છે. બસ આંતરસૂઝથી જ આવું ઝીણું-ઝીણું અગત્યનું  કામ એ કરતો. મને હંમેશા ‘દાર્લિંગ’ કહીને જ સમ્બોન્ધન કરે. ૨ મહિના પહેલાં તેની ડિગ્રી પતાવીને એ સાઉદી અરેબિયા પાછો ફર્યો. ત્યાં હાલ તેને કોઈ સરકારી ખાતામાં બહુ સારી નોકરી મળી છે અને પોતાનાં પરિવાર સાથે ખુશીથી રહે છે તેવાં છેલ્લા સમાચાર મળ્યાં.

અહીં જ ભણતાં હસન અને સુલેમાન નામનાં બીજા બે સાઉદીનાં જ છોકરાઓ સાથે ઓળખાણ થયેલી. સુલેમાન મેં અહીં જોયેલાં સાઉદી છોકરાઓમાં કદાચ સૌથી હોશિયાર છે. તેની સાથે અમસ્તી વાતો ઘણી વાર થતી. પણ, યુનીવર્સીટીમાં આમ જ મળી જઈએ અને વાત કરીએ તેટલું જ. તેની સાથે યુનીવર્સીટીની બહાર કોઈ મિત્રતા નહોતી. તેવું જ હસનનું. હસન અહીં ભણવા આવતા મિડલ ઈસ્ટર્ન છોકરાઓની બહુમતિને રિપ્રેઝન્ટ કરે છે. ભણવામાં બહુ ધ્યાન નહીં. સ્વભાવ એકદમ હસમુખો. આમ ને આમ સામે મળે તોયે પાંચેક મિનિટ વાત કરવા ઊભો રહે. અહીં આવવાનો મુખ્ય હેતુ એ કે, પોતે મિત્રો સાથે મન ફાવે તેમ રહી શકે અને જલસા (મુખ્યત્ત્વે દારૂ) કરી શકે અને તેવું બધું જ જે ચુસ્ત ઇસ્લામિક દેશમાં રહીને ન થાય એ કરી શકે. પણ, કોઈને કનડગતરૂપ ન થાય. જીવો અને જીવવા દોવાળી નીતિ. પરીક્ષા અને અસાઇન્મેનટ સબમિશન વખતે બહુ ઘાંઘા થાય અને પછી પોતાનાં નોન મિડલ-ઈસ્ટર્ન મિત્રો પાસેથી મદદ માંગતા જોવા મળે. હસનની વાણીમાં મિડલ-ઈસ્ટર્ન લઢણ એટલી હાવી છે કે, તે મારું નામ લે ત્યારે મને ‘બ્રિમા’ જ સંભળાય. એવો જ બીજો એક મિત્ર એટલે મુતેબ. એ ખરેખર તો મારી હાઉઝમેટ અડેલનો મિત્ર છે એટલે એ રીતે અમારી ઓળખાણ અને પછી દોસ્તી થઇ. એ પણ, ખૂબ હસમુખો. સામાન્ય રીતે અહીં મિડલ-ઈસ્ટર્ન છોકરાઓનાં નજીકનાં મિત્ર-વર્તુળમાં અન્ય મિડલ-ઈસ્ટર્ન છોકરાઓ જ જોવા મળે. બંદર, સુલેમાન અને હસન ત્રણેયનાં કેસમાં આ વાત લાગુ પડે છે. પણ, આ મુતેબવાળું ગ્રૂપ એટલે એટલે એક સિંગાપોરિયન ઇન્ડિયન, બે ફિજીયન અને એક કેન્યન ઇન્ડિયન. એ ગ્રૂપ સાથે મારે પણ સારું બને અને અમે બધાં બે-એક વાર સાથે કલબ્સમાં પણ ગયાં છીએ. મુતેબનું ઇંગ્લિશ પણ થોડું કાચું. પણ, એક વખત પીને વાત કરે ત્યારે એવું કડકડાટ ઇંગ્લિશમાં બોલે કે, ન પૂછો વાત. ડિક્ષનરીમાંથી શોધી શોધીને બોલતો હોય તેવાં શબ્દો વાપરે!

આ તો થઇ યુનિવર્સિટીની વાત. હવે તેની બહારનાં ત્રણ મિત્રો વિષે વાત કરું તો, સૌથી પહેલા આવે મારાં કાસા-બ્લાન્કાનાં દોસ્તો. આ લોકો મોરોક્કન છે. અહીં કાસા-બ્લાન્કા નામનું એક મોરોક્કન રેસ્ટોરાં છે તેનો માલિક અને મેનેજર એ મારાં મિત્રો. હું ઘણી વખત ત્યાં જતી હોઉં છું. પણ, જવાનું મુખ્યત્ત્વે બપોરે થાય. બપોરે ત્યાં બહુ ભીડ ન હોય અને હું મોટે ભાગે એકલી જ ગઈ હોઉં એટલે એ લોકો મારી સાથે ભરપૂર વાત કરી શકે. આમ જ વખત જતાં અમારી દોસ્તી બંધાઈ છે. આ વર્ષે ન્યૂ યર સેલિબ્રેશન તેમનાં રેસ્ટોરાં પર છે અને ત્યાં બેલી-ડાન્સર્સનું એક ગ્રૂપ પણ શો કરવાનું છે. તેમણે મને નિમંત્રણ પણ આપ્યું છે. પણ, જોઈએ. શું કરવું એ કંઈ નક્કી નથી કર્યું. ત્યાર પછી વાત કરું બાલ્સમની. અમે કલીગ છીએ. બાલ્સમનો પરિવાર ઈરાકી છે. પણ, તેઓ ક્રિશ્ચિયન છે. તેની વાત પણ નિકા જેવી જ છે. ઈરાકમાં ઇસ્લામી એકસ્ટ્રીમિઝમ શરુ થયા બાદ તેનાં પરિવારે ત્યાંથી વિસ્થાપિત થવું પડ્યું અને હવે ફરી ક્યારેય ત્યાં પાછાં નહીં ફરી શકે તેનું તેમને ખૂબ દુઃખ છે. ક્રિસ્મસનાં એક અઠવાડિયા પહેલાં તેનાં ફઈને ત્યાં નાની એવી ખાવા-પીવાની ઊજાણીની ગોઠવણ થઇ હતી ત્યારે હું તેનાં પરિવારને મળી. તેનાં ઘરથી વંડી ટપો એટલે તેનાં ફઈનું ઘર આવે. આ ફઈનું નામ હદામી છે. અહીં ઓસ્ટ્રેલિયા સૌથી પહેલાં તે આવ્યાં અને પછી ધીમે ધીમે તેનાં ભાઈ (બાલ્સમનાં પપ્પા) અને બે બહેનોને પણ સેટલ કરવામાં મદદ કરી. હદામી અને તેનાં એક બહેન અપરિણિત છે અને બંને બહેનો સાથે રહે છે. તેઓ પણ સ્વભાવે બહુ આનંદી. હદામી બહુ સુંદર બેલી ડાન્સ કરી જાણે છે. અત્યારે બાલ્સમ એક જ તેનાં પરિવારમાં ફુલ-ટાઈમ કામ કરે છે એટલે તેનાં ઘરનું મોર્ગેજ વગેરે તે જ ભારે છે અને તેનો પરિવાર (માતા, પિતા અને ભાઈ) તેનાં પર આધારિત છે. તેની પણ રહેણીકરણી અને પહેરવેશ એકદમ મુક્ત છે. પ્રેમાળ તો બધાં એટલાં કે, વાત જવા દો. તેમને જોઈએ ત્યારે ખબર પડે કે, આપણે ત્યાંની મહેમાનગતિ પર મિડલ-ઈસ્ટથી આવેલાં શાસકો અને ત્યાંથી આવેલી પ્રજાની ઘણી અસર હોવી જોઈએ. આપણી અને તેમની રૂઢિગત મહેમાનગતિની આદતમાં બહુ સામ્ય જોવા મળે છે.

આ સિવાય મારા સાલ્સા ક્લાસમાંથી હાઝેમ નામે મારો એક મિત્ર થયો છે જેની સાથે ઓળખાણ છે છેલ્લાં બે-ત્રણ મહિનાથી. અમે ક્લાસમાં તો મળીયે જ ખરાં અને મોટે ભાગે સોશિયલ ડાન્સિંગ વગેરે માટે પણ સાથે નક્કી કરીને જઈએ. ક્લાસમાં બે જ છોકરાઓ એવા છે જે દિલ લગાવીને શીખે છે અને જેમની સાથે ડાન્સ કરવાની મજા આવે. હાઝેમ તેમાંનો એક છે. એ કાઈરોથી આવે છે અને તેનો પરિવાર હજુ કાઈરોમાં જ છે. તે માર્શલ-આર્ટ્સમાં નિપુણ છે અને તેનો ટ્રેઈનર છે. મારી હાઉઝમેટ અડેલ પણ સાલ્સા ડાન્સર છે અને અમે ત્રણેય એક જ ક્લાસમાં સાથે હતાં એટલે અમારી દોસ્તી સારી થઇ છે. હાઝેમ સાથે દોસ્તી છેલ્લાં એક મહિનાથી  જ વધુ સારી થઇ છે અને હાલ તો તે ક્રિસમસ બ્રેક નિમિત્તે કાઈરો છે. પણ, એ પાછો ફરે એટલે અમે બહુ ખંતથી પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું છે. અને તેની સાથે પણ મારો અને અડેલનો શીશા (હુક્કા)નો પ્રોગ્રામ ડ્યૂ છે.

ક્રિસમસ અને બોક્સિંગ ડે – ૨૦૧૨

ઓસ્ટ્રેલિયા, પર્થ, રોટ્નેસ આઈલેન્ડ

આ વર્ષે ક્રિસમસ પર – ગઈ કાલે બપોરે મારાં એક ગુજરાતી મિત્રને ત્યાં જમવા જવાનું હતું અને રાત્રે મારી આ પહેલાંની જોબનાં મારાં કલીગ મિત્રો સાથે જમવાનું હતું. એક મિત્રને ત્યાં બધાં એકત્ર થવાનાં હતાં. હવે બપોરનાં જમવા વખતે પહેરવું શું તેની થોડી મૂંઝવણ થઇ પડી. થયું એવું કે એ ગુજરાતી મિત્રનાં પેરેન્ટ્સ અહીં આવ્યાં છે. તેનાં પપ્પા અને મારાં પપ્પા પણ મિત્રો છે અને એ અંકલને હું ઘણાં વર્ષોથી બહુ સારી રીતે ઓળખું છું. આજની તારીખેય જો ઘેર જાઉં તો તેમને અચૂક મળું. હવે થયું એવું કે, અત્યારે અહીં ગરમી બહુ છે. ૨૫મી તારીખે તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચવાનું હતું. મારાં ઉનાળાનાં ઘરની બહાર આવા લંચ/ડિનર વગેરેમાં પહેરાય તેવાં કમ્ફર્ટેબલ કપડાં બધાં કાં તો લો-નેક છે અથવા એકદમ ટૂંકી શોર્ટ્સ છે અને બાકીનાં જીન્સ- એ પહેરું તો આટલી ગરમીમાં મારી જ જાઉં. એટલે મારાં સામાન્ય કપડાં પહેરવાનું મને બહુ અજૂગતું લાગતું હતું. વળી, તેમને પર્થમાં તો હું પહેલી જ વાર મળવાની હતી અને તહેવારનો કે તેવો કંઈ દિવસ હોય અને ઘણાં બધાં લોકો એકત્ર થવાનાં હોય ત્યારે થોડું ડ્રેસ-અપ કરવું મને પસંદ છે. અંતે નક્કી કર્યું મારો એકમાત્ર કોટનનો સલવાર-કમીઝ પહેરવાનું. સલવાર પંજાબી ઢબની ખૂલતી હોય એટલે કમ્ફર્ટેબલ પણ રહે અને કન્ઝર્વેટીવ* પણ લાગે.

ત્યાં બપોરે જમ્યાં અને પછી મારાં મિત્રનાં મિત્રો અને તેનાં મમ્મી સાથે પત્તા રમ્યા. ત્યાંથી સીધી સાંજે હું મારાં કલીગ મિત્ર – કેવિનને ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો પાર્કિંગમાં કોઈ વાહનો પડ્યાં નહોતાં. એટલે, તેનાં ઘરની બહારથી જ મેં તેને ફોન કર્યો અને પૂછ્યું કે, તુ ઘેર તો છો ને? તો તેણે હા પાડી અને પછી મેં ફોડ પાડ્યો કે હું તારા ઘરની બહાર છું એટલે દરવાજો ખોલ. એ હસવા લાગ્યો. પછી મેં પૂછ્યું કે, આમ કેમ? ત્યારે તેણે કહ્યું કે, હાલ પૂરતાં આપણે બે જ છીએ. બાકીનાં લોકો ક્યાં છે એ ભગવાન જાણે. અંતે એક કલાક પછી અમારો મિત્ર રેહાન આવ્યો અને ત્યાર પછી થોડી વારે તેનો ભાઈ સની. મારે કંઈ જમવું નહોતું. આખો દિવસ ખા-ખા જ કર્યું હતું. વળી રેહાન તેનાં ઘેરથી લેમ્બ કરી લાવ્યો હતો. એટલે, આમ પણ હું ખાઈ શકું તેવું બહુ હતું નહીં. લેમ્બ કરી તો રેહાન પકાવીને લાવ્યો હતો અને પછી કેવિનનાં ઘેર આવીને પાસ્તા બનાવીને તેમણે પાસ્તા પર લેમ્બ કરી નાખીને તેનું ડિનર કર્યું. આ પાસ્તા અને લેમ્બ કરીનો હિસાબ મને હજુ સમજાયો નથી. :P એની વે, પછી અમે બધાંએ ‘બ્રેવ’ એનિમેશન મૂવી જોયું અને દિવસ થયો ખતમ. ઘરે આવીને મને બહુ વિચિત્ર લાગ્યું. આખું ઘર ખાલી. ત્રણે હાઉઝમેટ તો પોતાનાં દેશ પોતાનાં ઘેર છે અને એક ગઈ કાલે રાત્રે કામ કરતો હતો. એટલે, ઘરમાં કોઈ ન મળે. એ જોઇને મને થોડો ત્રાસ થયો પણ આમ તો ઊંઘવાનો જ સમય થઇ ગયો હતો એટલે ચાલ્યું. વળી, આજે સવારે વહેલું ઊઠવાનું હતું એટલે ઊંઘવાનું પણ રાત્રે વહેલું હતું. આમ, ક્રિસમસ ડે તો બહુ સામાન્ય રહ્યો. બહુ મજા પણ ન આવી ને બહુ કંટાળો પણ નહીં. ચાલ્યું.

આ વખતનો બોક્સિંગ ડે જો કે બહુ યાદગાર રહ્યો. એકાદ મહિના પહેલાં મારાં એક કલીગ મિત્ર – ટિઆગોએ અમને બધાંને કહ્યું હતું કે,એ દર વર્ષે બોક્સિંગ ડે પર એક બોટ પાર્ટીની ગોઠવણ કરે છે. લગભગ ૪૫ લોકો માટે જગ્યા હશે, તેણે અને તેનાં મિત્રએ એક દિવસ માટે એક બોટ ભાડે કરી છે અને અમારે જોડાવું હોય તો અમે જોડાઈ શકીએ છીએ. એટલે અંતે અમારાં વર્કનાં ફ્રેન્ડ્સમાંથી ૩ લોકો તૈયાર થયાં અને હું, હર્ષ, માઈક, મેટ અને માઈકનો કઝિન બેન અમે બધાંએ એ પાર્ટી માટે પૈસા ભર્યા. આજે આખો દિવસ અમે ત્યાં હતાં. સવારે ૯ વાગ્યે ફ્રિમેન્ટલનાં એક દરિયાકિનારેથી બોટ ઉપડી. અમે ૪૫ લોકો હતાં અને અમને દરેકને એક-એક રિસ્ટ-બેન્ડ આપવામાં આવ્યાં. બોટ પર જતાં પહેલાં દારુ પીવાની મનાઈ હતી અને બોટ પર પણ સ્પિરિટ લઇ જવાની મનાઈ હતી. બોટ પર ખાવાની અને પીવાનાં પાણીની વ્યવસ્થા હતી અને એક હાઉઝ-ડી જે. પણ, દારુ દરેકે પોત-પોતાનું લઈ આવવાનું હતું. સ્પિરિટની મનાઈ હતી. પણ, વાઈન, બીયર અને મિક્સ કરેલાં સ્પિરિટનાં તૈયાર કેન/બોટલ (જેમકે, જીન-ટોનિક વોટર, વોડ્કા-રેડબુલ, વોડ્કા-મિડોરી વગેરે) લઇ જવાની છૂટ હતી. એ બધું ઠંડું રાખવા માટે બરફની ૫ કિલોની ૫ મોટી બેગ અને બધું ઠંડું રહે તેવાં કૂલર બોક્સની પણ વ્યવસ્થા હતી.

આ પાર્ટીનાં વ્યવસ્થાપકો બ્રાઝીલિયન હતાં એટલે બોટ પર લેટિનોઝ (લેટિન છોકરાઓ) અને લેટિનાઝ  (લેટિન છોકરીઓ) સૌથી વધુ હતી. છોકરીઓ પણ ઓછી. છોકરાઓ વધુ. યેસ! આઈ કેન્ડી :D ઉપરથી બોટ-પાર્ટી અને સ્વિમિંગનો પ્લાન હતો એટલે છોકરાઓ લગભગ બધાં ટોપ-લેસ જ હતાં. યસ યસ! અમેઝિંગ આઈ કેન્ડીઝ :D. બોટ સમયસર ઊપડી. ફ્રિમેન્ટલથી રોટ્નેસનો રસ્તો ૧ કલાકનો છે. ફ્રિમેન્ટલ બાજુ દરિયો બહુ ઘૂઘવાતો છે. મોજાં પણ સામાન્ય કરતાં ઊંચાં ઊછળે. પણ, મને મજા આવી. આવાં દરિયામાં બોટ પર જવાનો પહેલો અનુભવ હતો એટલે મને બધી વાતમાં મજા આવતી હતી અને અચરજ થતું હતું. બોટમાં નીચે લાંબી બેસવાની જગા હતી અને ઉપર જ્યાં ડ્રાઈવર હોય ત્યાં પણ લગભગ ૧૦ લોકો જઈ શકે તેટલી જગા હતી. હું ઉપર ગઈ ત્યારે પાણીનાં છાંટા બહુ ઊડ્યા અને ત્યારે જ અહેસાસ થયો કે, આ દરિયોનાં મોજાં કેટલી હદે ઊંચાં છે. દરિયાનું પાણી એકદમ ટર્કોઈઝ (લીલો+બ્લૂ) રંગનું હતું. પણ, થોડાં અંતરે એક પેચ એવો આવ્યો જ્યાં પાણી લીલાશ પડતાં રંગનું હતું. મેં એક મિત્રને પૂછ્યું એમ કેમ ત્યારે તેણે કહ્યું કે, એ વિસ્તારમાં સી-વીડ (દરિયાઈ વનસ્પતિ)ને લીધે પાણી તેવું દેખાતું હોવું જોઈએ. વળી પાછું રોટ્નેસ નજીક ફરી પાણી ટર્કોઈઝ રંગનું થઇ ગયું. બોટ રોટ્નેસ પહોંચી ત્યારે અમને બધાંને શાંતિ થઇ. કારણ કે, ત્યાં દરિયો પ્રમાણમાં ઘણો શાંત હતો અને પાણી સ્થિર હતું. વળી, કિનારાથી અમે ખૂબ નજીક બોટ પાર્ક કરેલી હોવાથી ત્યાં પાણી પણ પ્રમાણમાં ઘણું છીછરું હતું.

લોકોએ પીવાનું તો બોટ શરુ થઇ ત્યારથી શરુ કરી જ દીધું હતું. હર્ષલ,માઈક અને બેનએ બોટનાં ઉપરનાં માળેથી કૂદકો માર્યો સૌથી પહેલાં બોટ પાર્ક થઇ એટલે તરત. તેઓ થોડી વાર પાણીમાં રહ્યાં. પછી મેં પાણીમાં જવાનું નક્કી કર્યું. મને તરતાં નથી આવડતું. એટલે હું બોટ પર જે નાનકડી સીડી હોય, જે સામાન્ય રીતે પાણીમાં ડૂબેલી રહેતી હોય તેનાં પર રેલિંગ પકડીને ઊભી રહી. આમ કરવાથી મારું ધડ સુધીનું શરીર પાણીમાં ડૂબે અને પગને સૌથી નીચેનાં પગથિયાનો ટેકો રહે. વળી, રેલિંગ પકડી હોય એટલે પાણીમાં તણાવાનો કોઈ ડર ન રહે. પછી તો મેં આખું શરીર પાણીમાં પણ નાખ્યું રેલિંગ પકડી રાખીને. મોટાં ભાગે વાળ અને શરીર ડૂબે તે રીતે હું ઊભી રહી અને ફક્ત નાક, કાન અને મોઢું પાણીની બહાર રહેતું હતું. થોડાં સમય પછી ટિઆગો એન્ડ કંપનીએ પાણીમાં ૪-૫ ફ્લોટિંગ બોટ નાંખી હવા ભરીને. તેમણે એ બોટને દોરી સાથે બાંધીને દોરીનો બીજો છેડો અમારી બોટ સાથે બાંધી દીધો એટલે ફ્લોટિંગ બોટ બહુ દૂર તણાઇ ન જાય અને જેમને તરતાં નથી આવડતું તે પણ પાણીમાં જઈ શકે. તેનો ફાયદો મેં ઉપાડ્યો. આ બધાંમાં ૩ છોકરીઓ અને એક છોકરા સાથે મારી દોસ્તી થઇ. એ છોકરાનું નામ પણ ટિઆગો હતું. સમય જતાં ખબર પડી કે, એ બોટ પર કુલ છ ટિઆગો છે! એ ૩ છોકરીઓને પણ તરતાં નહોતું આવડતું. પણ, અમે ચારેયે બહુ મજા કરી. થોડો સમય પાણીમાં કાઢ્યાં પછી અમે બોટ પર ગયાં અને ત્યાં મ્યુઝિક પર ડાન્સ કરવા લાગ્યાં. વળી, બોટ હોવાને લીધે ત્યાં ફ્લોર પર બે લાંબા પોલ હતાં. (પોલ ડાન્સિંગનાં પોલ્સ જે સ્ટ્રીપર્સ વાપરતાં હોય તેવાં) હું બિલકુલ દારુ નહોતી પીતી અને તેઓ પણ પ્રમાણમાં સોબર હતી અને અમને ચડી મસ્તી. એક પછી એક બધાં એ પોલ્સ પર પોતાનાં સ્ટ્રીપર મૂવ્સ દેખાડવા લાગ્યાં. ત્યાં પેલો નવો મિત્ર ટિઆગો આવ્યો. તે ડ્રંક હતો. એટલે, તે કેટલો સારો ડાન્સ કરે છે તેમ કહીને તેને પાનો ચડાવીને અમે તેને પોલ ડાન્સ કરાવ્યો અને બહુ હસ્યા. પછી એ ભાઈનું પોલ ડાન્સિંગ લગભગ અમે સાંજે પાછાં આવ્યાં ત્યાં સુધી ચાલ્યું.

બસ ખાધું-પીધું અને આખો દિવસ આમ જ જલસા કરીને થોડી વાર પહેલાં પાછાં ફર્યા. પાછાં ફરતી વખતે તો મોજાં વધુ ગાંડા હતાં. બોટ પર લગભગ બધાં ડ્રંક હતાં અને છેલ્લે અમારાં મિત્ર ટિઆગોએ એક ઘોષણા કરવા માટે કાન ફાડી નાંખે તેવી સીટી વગાડી. બધાંએ ધ્યાન દીધું એટલે સૌથી પહેલાં તે કહે “લિસન એવરીવન. બિયરની બોટલ ઊંચી કરી, “આઈ એમ ઓન અ મધરફકિંગ બોટ *ડ્રંક સ્માઇલ*!” અમેં બધાં હસી હસીને ઊંધા વળી ગયાં. પછી તે ખરેખર જે કહેવા માટે ઊભો થયો હતો તે આફ્ટર-પાર્ટીની વાત કરી. અત્યારે તેનાં ઘેર આફ્ટર-પાર્ટી ચાલતી હશે તેવું માનું છું. અમે તો થાકીને સીધાં ઘેર જ આવ્યાં. મારો આ બોટ પાર્ટીનો પહેલો અને બહુ મજાનો યાદગાર અનુભવ રહ્યો.

457732_305123189606185_1618970738_o 458397_305122422939595_730369432_o

*આ સંદર્ભે કન્ઝર્વેટીવ ડ્રેસિંગનો અર્થ અહીંનાં સામાન્ય ઉપયોગમાં તેવો થાય છે કે, જ્યારે કોઈ સ્ત્રીનાં કપડાં ગોઠણથી ઉપર પણ ન હોય અને છાતીનો ભાગ પણ ઘણોખરો ઢાંકતો હોય. જો ફક્ત ડ્રેસ ટૂંકો હોય અને બાકીનું બધું ઢંકાયેલું હોય અથવા છાતીની કટ થોડી ઊંડે સુધી ખુલ્લી રહેતી હોય પણ પગ ગોઠણ સુધી કે તેથી નીચે સુધી ઢંકાતો હોય તો તે ડ્રેસિંગ સામાન્ય કહેવાય છે.

બળાપો

ઓસ્ટ્રેલિયા, સિડની

૨ અઠવાડિયા પહેલાં એક બિઝનેસ ટ્રિપ પર સિડની જવાનું થયું. એક ટ્રેનિંગ માટે હું ત્યાં ગઈ હતી. અત્યાર સુધી ફક્ત ટ્રાવેલ-ટ્રિપ જાણી અને માણી હતી એટલે એ રીતે આ સૌથી પહેલો અનુભવ હતો. સૌથી પહેલી વખત આ વખતે હું સાવ એકલી ક્યાંય ગઈ એટલે એ રીતે પણ આ પહેલો અનુભવ હતો. તો થયું એવું કે, મારે એક ટ્રેનિંગ કોર્સ પર જવું હતું. કંપનીએ કહ્યું જાઓ. ફ્લાઈટ બુક કરી દીધી હોટેલ બુક કરી દીધી જગ્યાઓનાં નામ અને એડ્રેસ લઈને હું ઉપડી. ગોડ બ્લેસ ગૂગલ મેપ્સ (એન્ડ સ્માર્ટફોન્સ). અડેલ મને એરપોર્ટ મૂકી ગઈ. ઉત્સાહમાં હું શનિવારની આખી રાત સૂતી નહીં અને રવિવારે વહેલી સવારની ફ્લાઈટ હતી. પણ, રવિવારેય આંખમાં નીંદરનું નામ નહીં કારણ કે, પેટમાં પતંગિયા ઊડતાં હતાં! બેગેજ ચેક-ઇન પત્યું. પછી સિક્યોરિટી ચેકનો વારો આવ્યો. બધું બરાબર ગયું ૫ મિનિટમાં મારો હેન્ડ-લગેજ અને હું બંને બહાર. પણ, ત્યાં તો એક માતા ત્રાટક્યાં. “Good morning ma’m! You have been selected for our random explosives check today!” હવે આ બોલી એ તો બરોબર પણ સવારનાં પાંચ વાગ્યે તેહેલકાનાં ન્યુઝ રિપોર્ટર જેવી પિચમાં અને જાણે એક્સપ્લોઝિવ ચેક આવ્યો તેમાં મને લોટરી લાગી ગઈ હોય તેવાં અંદાજમાં એ બોલી. તેનાંમાંથી ડહોળ ફક્ત ટપકતો નહોતો, આખે આખી નદી વહેતી હતી! મારાં મગજમાં જે ચાલતું હતું એ એકદમ ચોક્કસ શબ્દોમાં – “Calm down woman! Use a low tone. It’s 5am in the morning. Pretty sure nobody wants to deal with this right now!”  તેણે એક પેપર આપ્યું વાંચવા માટે પછી કહે આ વાંચ પછી મને કહે ઇફ યુ અગ્રી. મેં કંઈ વાંચ્યું નહીં. મારે બસ એનાં મોં સામેથી ખસવું હતું એટલે અગ્રી કહ્યું. તેણે કરવાનું હતું એ કર્યું ને કામ પત્યું. પછી મારો ડિપાર્ચર ગેટ શોધીને હું ત્યાં લાઉન્જમાં બેઠી. મમ્મીને ફોન કર્યો. મેં દિવસે ૧૨ વાગ્યે ફોન કર્યો હોય તેમ તેણે લાંબી વાતો કરવાની શરુ કરી. મારી આગલી રાતની નીંદરનાં અભાવે મારી સહનશક્તિની મર્યાદા સામાન્ય કરતાં બહુ નીચે આવી ગઈ હતી. :P

ક્વાન્ટાસ એરલાઈન સાથેનો આ મારો સૌપ્રથમ અનુભવ હતો. અત્યાર સુધી મલેશિયન એરલાઈન્સ, જેટ એરવેઝ, એર સહારા અને એમિરેટ્સ સાથે અનુભવ થયાં છે. ક્વાન્ટાસ વિશે વાત કરું તો મારાં મનમાં સૌથી પહેલો વિચાર એ આવે કે, એરલાઇન્સમાં કસ્ટમર સર્વિસનું સ્ટાન્ડર્ડ જો કોઈ દિવસ તળિયે બેઠું તો તેમાં ક્વાન્ટાસનો સૌથી મોટો હાથ હશે. સિડની લેન્ડ થઈને મેં મારી હોટેલનાં નજીકમાં નજીકનાં સ્ટેશન સુધી ટ્રેન પકડવાનું નક્કી કર્યું. સિડની પહેલું એવું શહેર છે જ્યાં મેં લોકલ મેટ્રો ટ્રેઈન ડબલ ડેકર જોઈ. સિડની પહોંચ્યા પછી ખબર પડી કે, ક્વાન્ટાસ તો ફક્ત શરૂઆત હતી. સિડનીની ફાઈવ સ્ટાર હોટેલ્સનાં રીસેપ્શન પર તો કદાચ સ્માઇલ પણ ક્રિમિનલ ઓફેન્સ ગણાતી હશે. આ શહેર જેટલી ભંગાર કસ્ટમર સર્વિસ મેં મારી આખી જીન્દગીમાં ક્યારેય નથી જોઈ. ટેક્સી હોય કે હોટેલ રિસેપ્શન. પથેટિક કસ્ટમર સર્વિસ!

હોટેલનું ચેક- ઇન પત્યું. મારી બેગ મૂકી અને નાહીને હું સીધી બહાર નીકળી. શોર્ટ્સ – ટી શર્ટ, સ્લિપર અને ગળામાં લટકતો કેમેરા અને નાની સાઈડ બેગ. જનરલ ડિરેક્શનનું ભાન અને રોડ-સાઈન ફોલો કરતી હું સર્ક્યુલર કી વિસ્તારમાં પહોંચી. અહીં સિડનીનાં પ્રખ્યાત ‘ધ રોક્સ’ આવેલાં છે. ત્યાં એક નાનો પોર્ટ પણ છે જ્યાંથી ફેરી, બોટ વગેરે બહુ ટૂંકા સમયાંતરે આખો દિવસ મળી રહે. ત્યાં એ દિવસે એક બહુ મોટી ક્રૂઝ શિપ રોકાઈ હતી. તેનું કદ જોઇને હું આભી બની. ત્યારે ત્યાં ડીજરીડૂ વગાડતો એક એબોરિજીનલ કલાકાર પણ બેઠો હતો. મેં સાંભળેલું સારામાં સારું ડીજરીડૂ એ હતું. પર્થમાં કોઈને આટલું સારું વગાડતાં નથી સાંભળ્યા. પછી આગળ નીકળી અને રોક્સની માર્કેટ્સ જોઈ. ત્યાં જાત-ભાતની વસ્તુઓનાં સ્ટોલ જોયાં. તેમાંનો સૌથી યાદગાર એક ચેસનો સ્ટોલ હતો. આખાં સ્ટોલમાં બસ વિવિધ આકાર અને કદનાં ચેસ-બોર્ડ! બીજું કંઈ નહીં. પોકેટ સાઈઝથી માંડીને મોટાં સુંદર ક્રિસ્ટલનાં પાયદળ-હાથી-ઘોડાં. તેમાં એક સેટ ડ્રેગન ચેસનો પણ હતો.  પાયદળ વગેરેનાં મોં વિવિધ ડ્રેગન આકારનાં! :) ત્યાં મેં એક કલાકારને પહેલી વખત જાહેરમાં કાચની મૂર્તિઓ બનાવતો જોયો.

પછી આગળ નીકળી. બસ આડું અવળું જે કંઈ રસપ્રદ લાગે તે દિશામાં આગળ વધવાનું. શેરીઓમાં દીવાલો પર જે પેઇન્ટિંગ મેં ત્યાં જોયાં તેવાં અન્ય ક્યાંય નથી જોયા! ઘણાં બધાં પેઈન્ટીંગ એબોરિજીનલ ઓસ્ટ્રેલિયા અને બ્રિટીશ કોલોનાઈઝેશન પછીનાં ઓસ્ટ્રેલિયાની સરખામણી બતાવતાં હતાં. કિંગ્સક્રોસ પર થયેલાં બળવાની વાત, વાઈટ ઓસ્ટ્રેલિયા પોલિસીનો વિરોધ દેખાડતાં પ્રદર્શનનાં વર્ષો પહેલાંના એનલાર્જ કરેલાં ફોટાં વગેરે બધું મેં ધ રોક્સની આસ-પાસ જૂદી-જૂદી જગ્યાઓની હોટેલ-પબ્સની દીવાલો પર જોયું. પછી હું આગળ ચાલી જ્યોર્જ સ્ટ્રીટ તરફ. બસ ચાલે રાખ્યું અને બધું જોયા કર્યું. રવિવારની સાંજ હતી એટલે જ્યોર્જ સ્ટ્રીટની દૂકાનો બધી બંધ થઇ ગઈ હતી. બસ ખાલી મોટા શો-રૂમ ખુલ્લાં હતાં.  એ રાત્રે મારાં શરીરમાં બે દિવસ અને એક રાતનો થાક ભેગો થયો હતો. ઉપરથી આખો દિવસ રખડ-રખડ કર્યું તેમાં પગ દૂખતા હતાં. પણ, છતાંયે રાત્રે ઊંઘ બહુ મોડી આવી.

બીજા દિવસે ત ટેક્સી પકડવાનું નક્કી કર્યું ત્યારે એક ટેક્સી ડ્રાઈવર નવરો હતો છતાંયે કહે મને ટ્રેનિંગની હોટેલ પર નહીં છોડે અને મને કહે એ હોટેલ ખાલી ૨ બ્લોક દૂર છે, ચાલ્યા જાઓ. હું આભી બનીને જોતી રહી. મેં કહ્યું આ શું?! તોછડાઈની કોઈ હદ જ નથી હોતી ને? એ જગ્યાએ કોઈનાં મોં પર સ્મિત ન જોવા મળે. એમ લાગે કે, જો કોઈને ‘હેલો’ કહીશ તો એ ગભરાઈ જશે! ઉપરથી હું સાવ એકલી. કોઈને ઓળખું નહીં ત્યાં. મારી ટ્રેનિંગ પણ ૧૦ કલાક સતત અને તેમાં મોટાં ભાગનાં સિડનીનાં રહેવાસીઓ હતાં એટલે એ લોકો સીધા ઘેર જ જાય ક્લાસ પતે એટલે. મને સાંજે તો બહુ એકલું લાગતું. હોટેલનો એક સ્ટુઅર્ડ કૈંક સારો હતો એટલે આવતાં જતાં તેની સાથે વાત થતી. તેનું નામ ‘થી’ હતું. તેણે મારી ઓળખાણ બોબી નામનાં એક નેપાળી બંદા સાથે કરાવી. એ પણ સારો હતો. એટલે બસ સાંજે જ્યારે એ પોતાની શિફ્ટ કરતાં હોય ત્યારે તેમની સાથે આવતાં જતાં વાત થતી. પણ, ડિનર તો અંતે એકલાં જ થતું. કારણ કે, તે તો પોતાની નોકરી છોડીને ક્યાંય જઈ ન શકે. મેં થીને પૂછ્યું હતું જો તે શનિવારે રાત્રે મારી સાથે બહાર આવે તો. ડ્રિન્ક્સ ઓન મી. પણ, એ વ્યસ્ત હતો. તેનો પરિવાર ન્યુઝીલેન્ડથી તેને મળવા આવવાનો હતો એટલે એ મેળ પણ ન પડ્યો.

એ મંગળવારે  દિવાળી અને બુધવારે બેસતું વર્ષ હતું. મેં ભારતીય ડિનર કરીને સેલિબ્રેશન કર્યું. આ મારી ત્રીજી એવી દિવાળી છે જેમાં દિવાળી જેવું કંઈ લાગ્યું જ ન હોય. મારાં કઝિનનો ફોન આવ્યો ત્યારે થોડી લાગણીશીલ પણ થઇ ગઈ. પણ, સમજ્યા હવે. સિડની કરતાં પર્થ મારાં માટે ક્યાંયે સારું છે. મને બધાં મિત્રોએ કહ્યું હતું કે, તને સિડની બહુ મજા આવશે. મોટું શહેર વગેરે વગેરે અને તને પાછા ફરવાનું મન નહીં થાય વગેરે બ્લા બ્લા બ્લા. પણ, ત્યાં જઈને મને પર્થ પાસે હતી એ બધી ફરિયાદો પણ જતી રહી. પર્થ માટેનો પ્રેમ વધ્યો. પર્થ નાનું છે પણ મળતાવડું છે. જેમ હું પર્થ એકલી આવી હતી તેમ જો હું સિડની એકલી ભણવા/રહેવા માટે ગઈ હોત તો કદાચ ડિપ્રેસ થઇ હોત. ઉપરાંત, સિડનીમાં મેં જોયું કે એક પ્રાંત કે દેશનાં લોકોનાં જ ગ્રુપ તમને જોવા મળે. ચાઇનીઝનું એક ગ્રૂપ, બીજું ગ્રૂપ ભારતીયોનું, મિડલ-ઈસ્ટર્નનું અલગ ગ્રૂપ વગેરે. પર્થમાં રહેવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે, અહીં હું હંમેશા મિક્સ એથ્નીસીટીનાં ગ્રૂપમાં ફરી અને ક્યારેય કોઇથી અલગાવ નથી અનુભવ્યો. આ તો થઇ સિડનીનાં ૬ દિવસનાં ત્રાસની વાત. આવતી પોસ્ટમાં ૨ દિવસ કરેલી મજાની વાત!  And O well! Turns out I am not a big city person any more. Concrete-jungle doesn’t attract me despite of having more options of things to do. And that no matter how bad it was, I learnt something new about myself and so it’s all worth it. :)