આ વર્ષે ક્રિસમસ પર – ગઈ કાલે બપોરે મારાં એક ગુજરાતી મિત્રને ત્યાં જમવા જવાનું હતું અને રાત્રે મારી આ પહેલાંની જોબનાં મારાં કલીગ મિત્રો સાથે જમવાનું હતું. એક મિત્રને ત્યાં બધાં એકત્ર થવાનાં હતાં. હવે બપોરનાં જમવા વખતે પહેરવું શું તેની થોડી મૂંઝવણ થઇ પડી. થયું એવું કે એ ગુજરાતી મિત્રનાં પેરેન્ટ્સ અહીં આવ્યાં છે. તેનાં પપ્પા અને મારાં પપ્પા પણ મિત્રો છે અને એ અંકલને હું ઘણાં વર્ષોથી બહુ સારી રીતે ઓળખું છું. આજની તારીખેય જો ઘેર જાઉં તો તેમને અચૂક મળું. હવે થયું એવું કે, અત્યારે અહીં ગરમી બહુ છે. ૨૫મી તારીખે તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચવાનું હતું. મારાં ઉનાળાનાં ઘરની બહાર આવા લંચ/ડિનર વગેરેમાં પહેરાય તેવાં કમ્ફર્ટેબલ કપડાં બધાં કાં તો લો-નેક છે અથવા એકદમ ટૂંકી શોર્ટ્સ છે અને બાકીનાં જીન્સ- એ પહેરું તો આટલી ગરમીમાં મારી જ જાઉં. એટલે મારાં સામાન્ય કપડાં પહેરવાનું મને બહુ અજૂગતું લાગતું હતું. વળી, તેમને પર્થમાં તો હું પહેલી જ વાર મળવાની હતી અને તહેવારનો કે તેવો કંઈ દિવસ હોય અને ઘણાં બધાં લોકો એકત્ર થવાનાં હોય ત્યારે થોડું ડ્રેસ-અપ કરવું મને પસંદ છે. અંતે નક્કી કર્યું મારો એકમાત્ર કોટનનો સલવાર-કમીઝ પહેરવાનું. સલવાર પંજાબી ઢબની ખૂલતી હોય એટલે કમ્ફર્ટેબલ પણ રહે અને કન્ઝર્વેટીવ* પણ લાગે.
ત્યાં બપોરે જમ્યાં અને પછી મારાં મિત્રનાં મિત્રો અને તેનાં મમ્મી સાથે પત્તા રમ્યા. ત્યાંથી સીધી સાંજે હું મારાં કલીગ મિત્ર – કેવિનને ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો પાર્કિંગમાં કોઈ વાહનો પડ્યાં નહોતાં. એટલે, તેનાં ઘરની બહારથી જ મેં તેને ફોન કર્યો અને પૂછ્યું કે, તુ ઘેર તો છો ને? તો તેણે હા પાડી અને પછી મેં ફોડ પાડ્યો કે હું તારા ઘરની બહાર છું એટલે દરવાજો ખોલ. એ હસવા લાગ્યો. પછી મેં પૂછ્યું કે, આમ કેમ? ત્યારે તેણે કહ્યું કે, હાલ પૂરતાં આપણે બે જ છીએ. બાકીનાં લોકો ક્યાં છે એ ભગવાન જાણે. અંતે એક કલાક પછી અમારો મિત્ર રેહાન આવ્યો અને ત્યાર પછી થોડી વારે તેનો ભાઈ સની. મારે કંઈ જમવું નહોતું. આખો દિવસ ખા-ખા જ કર્યું હતું. વળી રેહાન તેનાં ઘેરથી લેમ્બ કરી લાવ્યો હતો. એટલે, આમ પણ હું ખાઈ શકું તેવું બહુ હતું નહીં. લેમ્બ કરી તો રેહાન પકાવીને લાવ્યો હતો અને પછી કેવિનનાં ઘેર આવીને પાસ્તા બનાવીને તેમણે પાસ્તા પર લેમ્બ કરી નાખીને તેનું ડિનર કર્યું. આ પાસ્તા અને લેમ્બ કરીનો હિસાબ મને હજુ સમજાયો નથી. :P એની વે, પછી અમે બધાંએ ‘બ્રેવ’ એનિમેશન મૂવી જોયું અને દિવસ થયો ખતમ. ઘરે આવીને મને બહુ વિચિત્ર લાગ્યું. આખું ઘર ખાલી. ત્રણે હાઉઝમેટ તો પોતાનાં દેશ પોતાનાં ઘેર છે અને એક ગઈ કાલે રાત્રે કામ કરતો હતો. એટલે, ઘરમાં કોઈ ન મળે. એ જોઇને મને થોડો ત્રાસ થયો પણ આમ તો ઊંઘવાનો જ સમય થઇ ગયો હતો એટલે ચાલ્યું. વળી, આજે સવારે વહેલું ઊઠવાનું હતું એટલે ઊંઘવાનું પણ રાત્રે વહેલું હતું. આમ, ક્રિસમસ ડે તો બહુ સામાન્ય રહ્યો. બહુ મજા પણ ન આવી ને બહુ કંટાળો પણ નહીં. ચાલ્યું.
આ વખતનો બોક્સિંગ ડે જો કે બહુ યાદગાર રહ્યો. એકાદ મહિના પહેલાં મારાં એક કલીગ મિત્ર – ટિઆગોએ અમને બધાંને કહ્યું હતું કે,એ દર વર્ષે બોક્સિંગ ડે પર એક બોટ પાર્ટીની ગોઠવણ કરે છે. લગભગ ૪૫ લોકો માટે જગ્યા હશે, તેણે અને તેનાં મિત્રએ એક દિવસ માટે એક બોટ ભાડે કરી છે અને અમારે જોડાવું હોય તો અમે જોડાઈ શકીએ છીએ. એટલે અંતે અમારાં વર્કનાં ફ્રેન્ડ્સમાંથી ૩ લોકો તૈયાર થયાં અને હું, હર્ષ, માઈક, મેટ અને માઈકનો કઝિન બેન અમે બધાંએ એ પાર્ટી માટે પૈસા ભર્યા. આજે આખો દિવસ અમે ત્યાં હતાં. સવારે ૯ વાગ્યે ફ્રિમેન્ટલનાં એક દરિયાકિનારેથી બોટ ઉપડી. અમે ૪૫ લોકો હતાં અને અમને દરેકને એક-એક રિસ્ટ-બેન્ડ આપવામાં આવ્યાં. બોટ પર જતાં પહેલાં દારુ પીવાની મનાઈ હતી અને બોટ પર પણ સ્પિરિટ લઇ જવાની મનાઈ હતી. બોટ પર ખાવાની અને પીવાનાં પાણીની વ્યવસ્થા હતી અને એક હાઉઝ-ડી જે. પણ, દારુ દરેકે પોત-પોતાનું લઈ આવવાનું હતું. સ્પિરિટની મનાઈ હતી. પણ, વાઈન, બીયર અને મિક્સ કરેલાં સ્પિરિટનાં તૈયાર કેન/બોટલ (જેમકે, જીન-ટોનિક વોટર, વોડ્કા-રેડબુલ, વોડ્કા-મિડોરી વગેરે) લઇ જવાની છૂટ હતી. એ બધું ઠંડું રાખવા માટે બરફની ૫ કિલોની ૫ મોટી બેગ અને બધું ઠંડું રહે તેવાં કૂલર બોક્સની પણ વ્યવસ્થા હતી.
આ પાર્ટીનાં વ્યવસ્થાપકો બ્રાઝીલિયન હતાં એટલે બોટ પર લેટિનોઝ (લેટિન છોકરાઓ) અને લેટિનાઝ (લેટિન છોકરીઓ) સૌથી વધુ હતી. છોકરીઓ પણ ઓછી. છોકરાઓ વધુ. યેસ! આઈ કેન્ડી :D ઉપરથી બોટ-પાર્ટી અને સ્વિમિંગનો પ્લાન હતો એટલે છોકરાઓ લગભગ બધાં ટોપ-લેસ જ હતાં. યસ યસ! અમેઝિંગ આઈ કેન્ડીઝ :D. બોટ સમયસર ઊપડી. ફ્રિમેન્ટલથી રોટ્નેસનો રસ્તો ૧ કલાકનો છે. ફ્રિમેન્ટલ બાજુ દરિયો બહુ ઘૂઘવાતો છે. મોજાં પણ સામાન્ય કરતાં ઊંચાં ઊછળે. પણ, મને મજા આવી. આવાં દરિયામાં બોટ પર જવાનો પહેલો અનુભવ હતો એટલે મને બધી વાતમાં મજા આવતી હતી અને અચરજ થતું હતું. બોટમાં નીચે લાંબી બેસવાની જગા હતી અને ઉપર જ્યાં ડ્રાઈવર હોય ત્યાં પણ લગભગ ૧૦ લોકો જઈ શકે તેટલી જગા હતી. હું ઉપર ગઈ ત્યારે પાણીનાં છાંટા બહુ ઊડ્યા અને ત્યારે જ અહેસાસ થયો કે, આ દરિયોનાં મોજાં કેટલી હદે ઊંચાં છે. દરિયાનું પાણી એકદમ ટર્કોઈઝ (લીલો+બ્લૂ) રંગનું હતું. પણ, થોડાં અંતરે એક પેચ એવો આવ્યો જ્યાં પાણી લીલાશ પડતાં રંગનું હતું. મેં એક મિત્રને પૂછ્યું એમ કેમ ત્યારે તેણે કહ્યું કે, એ વિસ્તારમાં સી-વીડ (દરિયાઈ વનસ્પતિ)ને લીધે પાણી તેવું દેખાતું હોવું જોઈએ. વળી પાછું રોટ્નેસ નજીક ફરી પાણી ટર્કોઈઝ રંગનું થઇ ગયું. બોટ રોટ્નેસ પહોંચી ત્યારે અમને બધાંને શાંતિ થઇ. કારણ કે, ત્યાં દરિયો પ્રમાણમાં ઘણો શાંત હતો અને પાણી સ્થિર હતું. વળી, કિનારાથી અમે ખૂબ નજીક બોટ પાર્ક કરેલી હોવાથી ત્યાં પાણી પણ પ્રમાણમાં ઘણું છીછરું હતું.
લોકોએ પીવાનું તો બોટ શરુ થઇ ત્યારથી શરુ કરી જ દીધું હતું. હર્ષલ,માઈક અને બેનએ બોટનાં ઉપરનાં માળેથી કૂદકો માર્યો સૌથી પહેલાં બોટ પાર્ક થઇ એટલે તરત. તેઓ થોડી વાર પાણીમાં રહ્યાં. પછી મેં પાણીમાં જવાનું નક્કી કર્યું. મને તરતાં નથી આવડતું. એટલે હું બોટ પર જે નાનકડી સીડી હોય, જે સામાન્ય રીતે પાણીમાં ડૂબેલી રહેતી હોય તેનાં પર રેલિંગ પકડીને ઊભી રહી. આમ કરવાથી મારું ધડ સુધીનું શરીર પાણીમાં ડૂબે અને પગને સૌથી નીચેનાં પગથિયાનો ટેકો રહે. વળી, રેલિંગ પકડી હોય એટલે પાણીમાં તણાવાનો કોઈ ડર ન રહે. પછી તો મેં આખું શરીર પાણીમાં પણ નાખ્યું રેલિંગ પકડી રાખીને. મોટાં ભાગે વાળ અને શરીર ડૂબે તે રીતે હું ઊભી રહી અને ફક્ત નાક, કાન અને મોઢું પાણીની બહાર રહેતું હતું. થોડાં સમય પછી ટિઆગો એન્ડ કંપનીએ પાણીમાં ૪-૫ ફ્લોટિંગ બોટ નાંખી હવા ભરીને. તેમણે એ બોટને દોરી સાથે બાંધીને દોરીનો બીજો છેડો અમારી બોટ સાથે બાંધી દીધો એટલે ફ્લોટિંગ બોટ બહુ દૂર તણાઇ ન જાય અને જેમને તરતાં નથી આવડતું તે પણ પાણીમાં જઈ શકે. તેનો ફાયદો મેં ઉપાડ્યો. આ બધાંમાં ૩ છોકરીઓ અને એક છોકરા સાથે મારી દોસ્તી થઇ. એ છોકરાનું નામ પણ ટિઆગો હતું. સમય જતાં ખબર પડી કે, એ બોટ પર કુલ છ ટિઆગો છે! એ ૩ છોકરીઓને પણ તરતાં નહોતું આવડતું. પણ, અમે ચારેયે બહુ મજા કરી. થોડો સમય પાણીમાં કાઢ્યાં પછી અમે બોટ પર ગયાં અને ત્યાં મ્યુઝિક પર ડાન્સ કરવા લાગ્યાં. વળી, બોટ હોવાને લીધે ત્યાં ફ્લોર પર બે લાંબા પોલ હતાં. (પોલ ડાન્સિંગનાં પોલ્સ જે સ્ટ્રીપર્સ વાપરતાં હોય તેવાં) હું બિલકુલ દારુ નહોતી પીતી અને તેઓ પણ પ્રમાણમાં સોબર હતી અને અમને ચડી મસ્તી. એક પછી એક બધાં એ પોલ્સ પર પોતાનાં સ્ટ્રીપર મૂવ્સ દેખાડવા લાગ્યાં. ત્યાં પેલો નવો મિત્ર ટિઆગો આવ્યો. તે ડ્રંક હતો. એટલે, તે કેટલો સારો ડાન્સ કરે છે તેમ કહીને તેને પાનો ચડાવીને અમે તેને પોલ ડાન્સ કરાવ્યો અને બહુ હસ્યા. પછી એ ભાઈનું પોલ ડાન્સિંગ લગભગ અમે સાંજે પાછાં આવ્યાં ત્યાં સુધી ચાલ્યું.
બસ ખાધું-પીધું અને આખો દિવસ આમ જ જલસા કરીને થોડી વાર પહેલાં પાછાં ફર્યા. પાછાં ફરતી વખતે તો મોજાં વધુ ગાંડા હતાં. બોટ પર લગભગ બધાં ડ્રંક હતાં અને છેલ્લે અમારાં મિત્ર ટિઆગોએ એક ઘોષણા કરવા માટે કાન ફાડી નાંખે તેવી સીટી વગાડી. બધાંએ ધ્યાન દીધું એટલે સૌથી પહેલાં તે કહે “લિસન એવરીવન. બિયરની બોટલ ઊંચી કરી, “આઈ એમ ઓન અ મધરફકિંગ બોટ *ડ્રંક સ્માઇલ*!” અમેં બધાં હસી હસીને ઊંધા વળી ગયાં. પછી તે ખરેખર જે કહેવા માટે ઊભો થયો હતો તે આફ્ટર-પાર્ટીની વાત કરી. અત્યારે તેનાં ઘેર આફ્ટર-પાર્ટી ચાલતી હશે તેવું માનું છું. અમે તો થાકીને સીધાં ઘેર જ આવ્યાં. મારો આ બોટ પાર્ટીનો પહેલો અને બહુ મજાનો યાદગાર અનુભવ રહ્યો.
*આ સંદર્ભે કન્ઝર્વેટીવ ડ્રેસિંગનો અર્થ અહીંનાં સામાન્ય ઉપયોગમાં તેવો થાય છે કે, જ્યારે કોઈ સ્ત્રીનાં કપડાં ગોઠણથી ઉપર પણ ન હોય અને છાતીનો ભાગ પણ ઘણોખરો ઢાંકતો હોય. જો ફક્ત ડ્રેસ ટૂંકો હોય અને બાકીનું બધું ઢંકાયેલું હોય અથવા છાતીની કટ થોડી ઊંડે સુધી ખુલ્લી રહેતી હોય પણ પગ ગોઠણ સુધી કે તેથી નીચે સુધી ઢંકાતો હોય તો તે ડ્રેસિંગ સામાન્ય કહેવાય છે.
મને તો કિનારા પર ક્યારેય એવું નથી લાગતું. મોજાં બહુ ઊંચા ઊછળે અને નહાતાં હોઈએ ત્યારે પાણી શરીર સાથે બહુ અથડાય એ મને જરા પણ નથી ગમતું. જો પાણી સ્થિર હોય અને લહેરો આછી હોય તો શરીર પાણીમાં ડૂબાડો ત્યારે પાણી શરીર પર ગલગલીયા કરતું હોય તેવો અહેસાસ આવે. મને એ સૌથી વધુ પસંદ છે. :)
તો થાત! :D જો કે, અમે તો પછી બધાંને અટકથી બોલાવા લાગ્યા હતાં. અટક કોઈની સમાન નહોતી નહીંતર આ નંબરવાળો પેંતરો કરવો પડ્યો હોત. ;)
:D
મધદરીયે જ્યારે ડેક પર સૌથી આગળ ઊભા હોઇએ અને ટચુકડી યાચ (૬૪ ફૂટ) જ્યારે મોજા પરથી નીચે પછડાય ત્યારે અનેરો ભયમિશ્રિત આનંદ (મારા માટે) આવતો હોય છે. બધાય ભગવાનને પ્રાર્થના કરીએ કે મોજા ના ઊછળે તો સારૂં. :(
કિનારા પર નહાતી વખતે લાગે કે દરીયામાં મોટા મોજા ઊછળે તો લહેરો સાથે નાહવાની મજા પડે. :)
Merry Christmas :)
1} મને પણ લેટીના ખુબ જ આકર્ષક લાગે છે ; જેમ કે જે.લો [ Jennifer Lopez ] અને હું ઘેલો ;)
2} અને એ વાત સાચી કે કેટલાક ખાલી ચડ્ડી પહેરીને રખડતા હોય તોયે સારા લાગે અને કેટલાક સુટ-બુટ માં ટીપટોપ સજ્જ હોય તોયે જોકર જેવા લાગે :D . . . અને ટીઆગો ને 1 થી 6 સુધી નંબર આપી દીધા હોત તો ;)
સ્કેન્કીનો અર્થ લગભગ ‘સ્લટી’ તેવો થાય છે. સ્કેન્કી/સ્કેન્ક હોર્સ વગેરે વગેરે ઉપયોગમાં લેવાતાં હોય છે. અંગત રીતે હું જો કે, કોઈના પહેરવેશ પર કમેન્ટ કરવામાં નથી માનતી.
પહેરવેશ નહી, પહેરવેશ કેવી રીતે પહેરેલો છે – તેના પર હું મજાક કરી લઉં છું ;) (એની સામે મારા પર પણ કોમેન્ટ્સ આવે છે!)
વાઉ, લેટિનાસ!
આ સ્કેન્કી નવો વર્ડ છે. હવે હું તેને જાહેરમાં વારંવાર ફેંકી શકીશ, કારણકે અહીં કોઇને ખબર લાગતી નથી :D