૨ અઠવાડિયા પહેલાં એક બિઝનેસ ટ્રિપ પર સિડની જવાનું થયું. એક ટ્રેનિંગ માટે હું ત્યાં ગઈ હતી. અત્યાર સુધી ફક્ત ટ્રાવેલ-ટ્રિપ જાણી અને માણી હતી એટલે એ રીતે આ સૌથી પહેલો અનુભવ હતો. સૌથી પહેલી વખત આ વખતે હું સાવ એકલી ક્યાંય ગઈ એટલે એ રીતે પણ આ પહેલો અનુભવ હતો. તો થયું એવું કે, મારે એક ટ્રેનિંગ કોર્સ પર જવું હતું. કંપનીએ કહ્યું જાઓ. ફ્લાઈટ બુક કરી દીધી હોટેલ બુક કરી દીધી જગ્યાઓનાં નામ અને એડ્રેસ લઈને હું ઉપડી. ગોડ બ્લેસ ગૂગલ મેપ્સ (એન્ડ સ્માર્ટફોન્સ). અડેલ મને એરપોર્ટ મૂકી ગઈ. ઉત્સાહમાં હું શનિવારની આખી રાત સૂતી નહીં અને રવિવારે વહેલી સવારની ફ્લાઈટ હતી. પણ, રવિવારેય આંખમાં નીંદરનું નામ નહીં કારણ કે, પેટમાં પતંગિયા ઊડતાં હતાં! બેગેજ ચેક-ઇન પત્યું. પછી સિક્યોરિટી ચેકનો વારો આવ્યો. બધું બરાબર ગયું ૫ મિનિટમાં મારો હેન્ડ-લગેજ અને હું બંને બહાર. પણ, ત્યાં તો એક માતા ત્રાટક્યાં. “Good morning ma’m! You have been selected for our random explosives check today!” હવે આ બોલી એ તો બરોબર પણ સવારનાં પાંચ વાગ્યે તેહેલકાનાં ન્યુઝ રિપોર્ટર જેવી પિચમાં અને જાણે એક્સપ્લોઝિવ ચેક આવ્યો તેમાં મને લોટરી લાગી ગઈ હોય તેવાં અંદાજમાં એ બોલી. તેનાંમાંથી ડહોળ ફક્ત ટપકતો નહોતો, આખે આખી નદી વહેતી હતી! મારાં મગજમાં જે ચાલતું હતું એ એકદમ ચોક્કસ શબ્દોમાં – “Calm down woman! Use a low tone. It’s 5am in the morning. Pretty sure nobody wants to deal with this right now!” તેણે એક પેપર આપ્યું વાંચવા માટે પછી કહે આ વાંચ પછી મને કહે ઇફ યુ અગ્રી. મેં કંઈ વાંચ્યું નહીં. મારે બસ એનાં મોં સામેથી ખસવું હતું એટલે અગ્રી કહ્યું. તેણે કરવાનું હતું એ કર્યું ને કામ પત્યું. પછી મારો ડિપાર્ચર ગેટ શોધીને હું ત્યાં લાઉન્જમાં બેઠી. મમ્મીને ફોન કર્યો. મેં દિવસે ૧૨ વાગ્યે ફોન કર્યો હોય તેમ તેણે લાંબી વાતો કરવાની શરુ કરી. મારી આગલી રાતની નીંદરનાં અભાવે મારી સહનશક્તિની મર્યાદા સામાન્ય કરતાં બહુ નીચે આવી ગઈ હતી. :P
ક્વાન્ટાસ એરલાઈન સાથેનો આ મારો સૌપ્રથમ અનુભવ હતો. અત્યાર સુધી મલેશિયન એરલાઈન્સ, જેટ એરવેઝ, એર સહારા અને એમિરેટ્સ સાથે અનુભવ થયાં છે. ક્વાન્ટાસ વિશે વાત કરું તો મારાં મનમાં સૌથી પહેલો વિચાર એ આવે કે, એરલાઇન્સમાં કસ્ટમર સર્વિસનું સ્ટાન્ડર્ડ જો કોઈ દિવસ તળિયે બેઠું તો તેમાં ક્વાન્ટાસનો સૌથી મોટો હાથ હશે. સિડની લેન્ડ થઈને મેં મારી હોટેલનાં નજીકમાં નજીકનાં સ્ટેશન સુધી ટ્રેન પકડવાનું નક્કી કર્યું. સિડની પહેલું એવું શહેર છે જ્યાં મેં લોકલ મેટ્રો ટ્રેઈન ડબલ ડેકર જોઈ. સિડની પહોંચ્યા પછી ખબર પડી કે, ક્વાન્ટાસ તો ફક્ત શરૂઆત હતી. સિડનીની ફાઈવ સ્ટાર હોટેલ્સનાં રીસેપ્શન પર તો કદાચ સ્માઇલ પણ ક્રિમિનલ ઓફેન્સ ગણાતી હશે. આ શહેર જેટલી ભંગાર કસ્ટમર સર્વિસ મેં મારી આખી જીન્દગીમાં ક્યારેય નથી જોઈ. ટેક્સી હોય કે હોટેલ રિસેપ્શન. પથેટિક કસ્ટમર સર્વિસ!
હોટેલનું ચેક- ઇન પત્યું. મારી બેગ મૂકી અને નાહીને હું સીધી બહાર નીકળી. શોર્ટ્સ – ટી શર્ટ, સ્લિપર અને ગળામાં લટકતો કેમેરા અને નાની સાઈડ બેગ. જનરલ ડિરેક્શનનું ભાન અને રોડ-સાઈન ફોલો કરતી હું સર્ક્યુલર કી વિસ્તારમાં પહોંચી. અહીં સિડનીનાં પ્રખ્યાત ‘ધ રોક્સ’ આવેલાં છે. ત્યાં એક નાનો પોર્ટ પણ છે જ્યાંથી ફેરી, બોટ વગેરે બહુ ટૂંકા સમયાંતરે આખો દિવસ મળી રહે. ત્યાં એ દિવસે એક બહુ મોટી ક્રૂઝ શિપ રોકાઈ હતી. તેનું કદ જોઇને હું આભી બની. ત્યારે ત્યાં ડીજરીડૂ વગાડતો એક એબોરિજીનલ કલાકાર પણ બેઠો હતો. મેં સાંભળેલું સારામાં સારું ડીજરીડૂ એ હતું. પર્થમાં કોઈને આટલું સારું વગાડતાં નથી સાંભળ્યા. પછી આગળ નીકળી અને રોક્સની માર્કેટ્સ જોઈ. ત્યાં જાત-ભાતની વસ્તુઓનાં સ્ટોલ જોયાં. તેમાંનો સૌથી યાદગાર એક ચેસનો સ્ટોલ હતો. આખાં સ્ટોલમાં બસ વિવિધ આકાર અને કદનાં ચેસ-બોર્ડ! બીજું કંઈ નહીં. પોકેટ સાઈઝથી માંડીને મોટાં સુંદર ક્રિસ્ટલનાં પાયદળ-હાથી-ઘોડાં. તેમાં એક સેટ ડ્રેગન ચેસનો પણ હતો. પાયદળ વગેરેનાં મોં વિવિધ ડ્રેગન આકારનાં! :) ત્યાં મેં એક કલાકારને પહેલી વખત જાહેરમાં કાચની મૂર્તિઓ બનાવતો જોયો.
પછી આગળ નીકળી. બસ આડું અવળું જે કંઈ રસપ્રદ લાગે તે દિશામાં આગળ વધવાનું. શેરીઓમાં દીવાલો પર જે પેઇન્ટિંગ મેં ત્યાં જોયાં તેવાં અન્ય ક્યાંય નથી જોયા! ઘણાં બધાં પેઈન્ટીંગ એબોરિજીનલ ઓસ્ટ્રેલિયા અને બ્રિટીશ કોલોનાઈઝેશન પછીનાં ઓસ્ટ્રેલિયાની સરખામણી બતાવતાં હતાં. કિંગ્સક્રોસ પર થયેલાં બળવાની વાત, વાઈટ ઓસ્ટ્રેલિયા પોલિસીનો વિરોધ દેખાડતાં પ્રદર્શનનાં વર્ષો પહેલાંના એનલાર્જ કરેલાં ફોટાં વગેરે બધું મેં ધ રોક્સની આસ-પાસ જૂદી-જૂદી જગ્યાઓની હોટેલ-પબ્સની દીવાલો પર જોયું. પછી હું આગળ ચાલી જ્યોર્જ સ્ટ્રીટ તરફ. બસ ચાલે રાખ્યું અને બધું જોયા કર્યું. રવિવારની સાંજ હતી એટલે જ્યોર્જ સ્ટ્રીટની દૂકાનો બધી બંધ થઇ ગઈ હતી. બસ ખાલી મોટા શો-રૂમ ખુલ્લાં હતાં. એ રાત્રે મારાં શરીરમાં બે દિવસ અને એક રાતનો થાક ભેગો થયો હતો. ઉપરથી આખો દિવસ રખડ-રખડ કર્યું તેમાં પગ દૂખતા હતાં. પણ, છતાંયે રાત્રે ઊંઘ બહુ મોડી આવી.
બીજા દિવસે ત ટેક્સી પકડવાનું નક્કી કર્યું ત્યારે એક ટેક્સી ડ્રાઈવર નવરો હતો છતાંયે કહે મને ટ્રેનિંગની હોટેલ પર નહીં છોડે અને મને કહે એ હોટેલ ખાલી ૨ બ્લોક દૂર છે, ચાલ્યા જાઓ. હું આભી બનીને જોતી રહી. મેં કહ્યું આ શું?! તોછડાઈની કોઈ હદ જ નથી હોતી ને? એ જગ્યાએ કોઈનાં મોં પર સ્મિત ન જોવા મળે. એમ લાગે કે, જો કોઈને ‘હેલો’ કહીશ તો એ ગભરાઈ જશે! ઉપરથી હું સાવ એકલી. કોઈને ઓળખું નહીં ત્યાં. મારી ટ્રેનિંગ પણ ૧૦ કલાક સતત અને તેમાં મોટાં ભાગનાં સિડનીનાં રહેવાસીઓ હતાં એટલે એ લોકો સીધા ઘેર જ જાય ક્લાસ પતે એટલે. મને સાંજે તો બહુ એકલું લાગતું. હોટેલનો એક સ્ટુઅર્ડ કૈંક સારો હતો એટલે આવતાં જતાં તેની સાથે વાત થતી. તેનું નામ ‘થી’ હતું. તેણે મારી ઓળખાણ બોબી નામનાં એક નેપાળી બંદા સાથે કરાવી. એ પણ સારો હતો. એટલે બસ સાંજે જ્યારે એ પોતાની શિફ્ટ કરતાં હોય ત્યારે તેમની સાથે આવતાં જતાં વાત થતી. પણ, ડિનર તો અંતે એકલાં જ થતું. કારણ કે, તે તો પોતાની નોકરી છોડીને ક્યાંય જઈ ન શકે. મેં થીને પૂછ્યું હતું જો તે શનિવારે રાત્રે મારી સાથે બહાર આવે તો. ડ્રિન્ક્સ ઓન મી. પણ, એ વ્યસ્ત હતો. તેનો પરિવાર ન્યુઝીલેન્ડથી તેને મળવા આવવાનો હતો એટલે એ મેળ પણ ન પડ્યો.
એ મંગળવારે દિવાળી અને બુધવારે બેસતું વર્ષ હતું. મેં ભારતીય ડિનર કરીને સેલિબ્રેશન કર્યું. આ મારી ત્રીજી એવી દિવાળી છે જેમાં દિવાળી જેવું કંઈ લાગ્યું જ ન હોય. મારાં કઝિનનો ફોન આવ્યો ત્યારે થોડી લાગણીશીલ પણ થઇ ગઈ. પણ, સમજ્યા હવે. સિડની કરતાં પર્થ મારાં માટે ક્યાંયે સારું છે. મને બધાં મિત્રોએ કહ્યું હતું કે, તને સિડની બહુ મજા આવશે. મોટું શહેર વગેરે વગેરે અને તને પાછા ફરવાનું મન નહીં થાય વગેરે બ્લા બ્લા બ્લા. પણ, ત્યાં જઈને મને પર્થ પાસે હતી એ બધી ફરિયાદો પણ જતી રહી. પર્થ માટેનો પ્રેમ વધ્યો. પર્થ નાનું છે પણ મળતાવડું છે. જેમ હું પર્થ એકલી આવી હતી તેમ જો હું સિડની એકલી ભણવા/રહેવા માટે ગઈ હોત તો કદાચ ડિપ્રેસ થઇ હોત. ઉપરાંત, સિડનીમાં મેં જોયું કે એક પ્રાંત કે દેશનાં લોકોનાં જ ગ્રુપ તમને જોવા મળે. ચાઇનીઝનું એક ગ્રૂપ, બીજું ગ્રૂપ ભારતીયોનું, મિડલ-ઈસ્ટર્નનું અલગ ગ્રૂપ વગેરે. પર્થમાં રહેવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે, અહીં હું હંમેશા મિક્સ એથ્નીસીટીનાં ગ્રૂપમાં ફરી અને ક્યારેય કોઇથી અલગાવ નથી અનુભવ્યો. આ તો થઇ સિડનીનાં ૬ દિવસનાં ત્રાસની વાત. આવતી પોસ્ટમાં ૨ દિવસ કરેલી મજાની વાત! And O well! Turns out I am not a big city person any more. Concrete-jungle doesn’t attract me despite of having more options of things to do. And that no matter how bad it was, I learnt something new about myself and so it’s all worth it. :)
કરેકશન માટે આભાર :)
એક જ વસ્તુ કહેવાની, ડિગરીડુ નહિ પણ ડીજરીડૂ – અને તમારા ફોટોગ્રાફ્સ ઘણા સુંદર છે – વધારે મુકશો તો ચોક્કસ મઝા આવ્શે.
મજાની પોસ્ટ લાંબી તો ઠીક ચાર-પાંચ પાનાંની થશે તેવું લાગે છે. :P જો કે, મોટાં ભાગે ફોટોઝ જ છે.
1} તમે ભવિષ્યમાં તમારા ફેમિલીને કહી શકશો કે હું રેન્ડમ ચેક માટે સિલેક્ટ થઇ હતી અને એ પણ બ્રહ્મમુહુર્તમાં ;)
2} અને મમ્મી તમારી સાથે ફોનમાં લાંબી લાંબી વાતો ન કરે તો સમજવું કે હવે કઈક ગોટાળો છે . . . નહિ તો ત્યાં સુધી સામાન્યતાની મજા માણતા રહો :)
3} અને ” મજા “ની પોસ્ટ આનાથી પણ લાંબી બનાવશો :D