ભારતમાં રોડ ટ્રિપ કરવાની સૌથી મોટી મજા મને એ આવી છે કે, કેટલાં અલગ અલગ વાહનોનો ઉપયોગ કરી શકાય! બસ, કાર અને ટ્રેન તો જાણે સાવ સહેલાઈથી ઉપલબ્ધ ત્રણ વિકલ્પ છે! કોઈ શહેરમાં અંદર લોકલી ફરવું હોય તો રિક્ષા, સ્કૂટર વગેરે મળી રહે. અને એટલે જે પ્રકારની ટ્રિપ કરવી હોય તે પ્રમાણે થઇ શકે. પરિવાર સાથે જતાં હોઈએ તો એડવાન્સ બુકિંગ, કાર હાયર વગેરે વગેરેનું આયોજન કરીને એકદમ રિલેકસ્ડ ટ્રિપ થઇ શકે, મિત્રો સાથે જવું હોય અને લાંબા સમયગાળા સુધી ગમે તેમ ભટકવું હોય તો પોતાનું વાહન લઈને નીકળી શકાય, વાહન ચલાવવાની જવાબદારી ન લેવી હોય અને છતાંયે ગમે તેમ ભટકવું હોય તો ઓન ધ સ્પોટ પ્લાનિંગ કરીને પડશે-તેવા-દેવાશે વાળી ટ્રિપ પણ થઇ શકે. વળી, પોતાનો દેશ અને પોતાની ભાષા જાણતા હોવાનો ફાયદો પણ ખરો. ગયા વર્ષે અમે આવી એક ટ્રિપ કરી હતી.
હું મુંબઈ લેન્ડ થઉં પછી પરિવાર સાથે ૪ દિવસ વિતાવવાનાં હતાં. અને તેઓ જાય પછી એકાદ દિવસ પૂના જવાનું હતું અમુક મિત્રોને મળવા. ત્યાર પછી બીજા એક ગ્રૂપ સાથે રાજસ્થાન જવાનો વિચાર હતો. પણ, શું થશે અને કેવી રીતે થશે એ મેં ભારતમાં પગ મૂક્યો ત્યાં સુધી મને ખબર નહોતી. મારી સાથે મારી એક ઓસ્ટ્રેલિયન મિત્ર હતી – મિયા. તેને મેં પહેલેથી કહી રાખ્યું હતું કે, ભારતમાં આપણે ચાર અઠવાડિયા હોઈશું. પણ, આ ચાર અઠવાડિયામાં ક્યારે ક્યાં હોઈશું એ મને પણ ખબર નથી. આટલી તૈયારી હોય તો મારી સાથે ચાલ નહીંતર તારે ધરમનો ધક્કો થશે અને મારાં પ્લાનમાં હું કોઈ ફેરફાર કરું તેવી શક્યતા નથી. વળી, તારો આ પ્રથમ એક્પીરિયન્સ શું હશે ને કેવો હશે એ નક્કી નહીં. કારણ કે, મને પોતાનેય ખબર નથી. પણ, એને આ આઈડિયા તોયે ગમી ગયો અને એ મારી સાથે આવવા તૈયાર થઇ. મુંબઈ પહોંચ્યા અને અમુક મિત્રોને મળ્યાં. પૂનાવાળા મિત્રો અને મુંબઈવાળા મિત્રો એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ ફ્રેન્ડ્સ હતાં. અમુક એકબીજાને મળ્યાં હતાં અને અમુક નહીં એવું બધું હતું. મુંબઈવાળા મિત્રોને પણ હું તો પહેલી જ વાર મળવાની હતી. અને પૂના જવાનાં બે દિવસ પહેલાં અમે મળ્યાં. એ મુલાકાત તો બહુ જામી! મેં તેમને પૂછ્યું કે, પરમ દિવસે અમે પૂના જવાનું વિચારીએ છીએ તમે આવશો? અને બધાં તરત રાજી થઇ ગયા. પછીનાં દિવસે મેં રેલવે ટિકિટો બૂક કરાવી. મુંબઈવાળા એક મિત્રએ મને તેનાં ટ્રાવેલ એજન્ટનો નંબર આપીને કહ્યું હતું કે, હવે તું ફોડી લેજે. અને મેં ફોડ્યું. ૨ લોકોની રિટર્ન ને બેની નહીં ને એવું કંઈ કેટલું હતું. અંતે એ દરમિયાન રાજસ્થાન ટ્રિપવાળાં ગ્રૂપે ક્યાં ભેગાં થશું અને ક્યાં જશું તે નક્કી કર્યું!
મુંબઈથી પૂનાની ટિકિટ અમે થાણેથી કરાવડાવી હતી. ૫:૪૫ વાગ્યાની ટ્રેન હતી અને મીરા રોડથી થાણે પહોંચવાનું હતું. મીરા રોડથી અમે ૪ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું. આમ જોઈએ તો ૪ વાગ્યાનો સમય બહુ વહેલો હતો. તેમાંય ખાસ જ્યારે અમે છેક ૧ વાગ્યે રાત્રે માંડ ઊંઘી શકતા હોઈએ. પણ, અમે જેમને ત્યાં રોકાયા હતાં એ અંકલે બહુ કહ્યું વહેલાં નીકળવાનું એટલે અમે નછૂટકે માની લીધું. તેમનાં કોઈ ઓળખીતા ટેક્સી ડ્રાઈવરને ૪ વાગ્યાનું કહી દેવામાં આવ્યું હતું. સવારે અમે કહ્યા પ્રમાણે તૈયાર થઇ ગયાં. અંકલે ટેક્સી ડ્રાઈવરને ઘોડબંદરવાળો રસ્તો પકડવાનું સૂચવ્યું. ડ્રાઈવરે તે પ્રમાણે કર્યું. બધું બરાબર હતું. અમે ઘોડબંદરવાળાં હાઈ-વે પર પહોંચ્યા ત્યાં સુધી. ત્યાં ટ્રાફિક જામ હતો. ટ્રાફિક જામ એટલે એવો જામ કે, દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રસ્તાની બંને તરફ ટ્રક સિવાય કંઈ નજરે જ ન પડે. ડ્રાઈવરે પહેલી ત્રીસ સેકંડ તો જે લેનમાં રહેવાનું હતું તેમાં રહીને ખટારા પાછળ રાહ જોઈ. પણ પછી તેને બ્રહ્મજ્ઞાન થયું કે, આમ તો કંઈ મેળ પડે તેમ નથી એટલે તેણે ઓવરટેક કરવાનું શરુ કર્યું. પહેલી ૧૦ મિનિટ જે મેં આ ઓવરટેકિંગની જોઈ એ મને ડેથ-રાઈડ જેવી લાગી હતી. પછી મેં જીવની શાંતિ ખાતર આંખ બંધ કરી દેવાનું નક્કી કર્યું અને નસીબજોગે ઊંઘ પણ આવી ગઈ. ડેથ રાઈડની અડધી કલાક પછી મારી આંખ ખુલી અને ટ્રાફિક હજુ જામ તો હતો પણ પહેલા કરતાં હાલત થોડી સુધરી હતી. ત્યાર પછી બીજી અડધી કલાક અને અમે થાણે સફળતાપૂર્વક મુકામે પહોંચ્યા. બે સ્ટેશન પછી બાકીનાં બંને જોડાયાં અને અમે ચારે મિત્રો ટ્રેનમાં સાથે પૂણે તરફ જઈ રહ્યા હતાં. એ વખતે પહેલી વાર હું સ્લીપર બર્થ વિનાનાં એર કંડીશન્ડ ડબ્બામાં બેઠી હતી (મેં ટ્રેનમાં કદાચ પ્લેન પછીની સૌથી ઓછી સફરો ખેડી છે). જો કે, મને બહુ મજા ન આવી કારણ કે, બારીનાં કાચ ટિન્ટેડ હતાં. સૂર્યોદય સમયનું બહારનું વાતાવરણ સરખું અનુભવી શકાતું નહોતું.
બે દિવસ પૂણેમાં મિત્રોને મળવાની બહુ મજા આવી હતી. બધાં એકબીજાને પહેલી વખત મળતાં હતાં! મારો એક મામો (મમ્મીનો પિતરાઈ થાય. પણ, ઉમરમાં મારાથી ફક્ત દોઢ વર્ષ મોટો છે) તો કોઈને ઓળખતો પણ નહોતો અને છતાંયે બધાનું ટ્યુનીંગ બહુ સરસ આવી ગયું હતું. એક આખો દિવસ અમે બધાં સાથે રખડ્યા અને બીજા દિવસે બપોરે મારી અને મિયાની અમદાવાદની બસ હતી. એ બસ અમદાવાદ સવારે ૫ વાગ્યે પહોંચતી હતી અને ત્યાંથી છ વાગ્યાની અમારી અન્ય બે દોસ્તો સાથે ઉદયપુરની બસ હતી. ત્રણ રાતનો સતત ઉજાગરો અને ત્રણ દિવસની રખડપટ્ટીએ મારા ગળાની હાલત બહુ ખરાબ કરી નાંખી હતી અને હજુ એ અંત નહોતો. પ્રવાસ ચાલુ હતો અને એ કેટલાં સમય સુધી હજુ ચાલુ રહેવાનો હતો તેનો મને એ દિવસે કોઈ ખ્યાલ નહોતો.
પૂનાથી આવ્યા પછી અમદાવાદમાં એકાદ કલાક જેટલું અમારે પછીની બસની રાહ જોતાં બેસવાનું હતું એટલે આનંદને અમે વહેલા આવવાનું સૂચવ્યું હતું. વહેલી સવારનો સમય અને હું અને મિયા થાકેલાં એ ભેંકાર શાંતિમાં બીજી બસની અને આનંદની રાહ જોતા બેઠા હતાં. થોડી વાર પછી અમે એક માણસને અમારા તરફ આવતો જોયો. હાથમાં સિગરેટ અને હટ્ટોકટ્ટો એ ઊંચો છોકરો આનંદ છે એ ઓળખતા મને લગભગ બે-એક મિનિટ લાગી. નેચરલી! એ છોકરાને મેં છેલ્લે એક વર્ષ પહેલાં જોયો હતો અને એ એકદમ પાતળો હતો. સિગરેટ પણ આટલા આત્મવિશ્વાસથી ચાલતા ચાલતા નહોતો પીતો. મારાં બધાં મિત્રોમાંનો કદાચ સૌથી નજીકનો મિત્ર એ હતો. એ ટ્રિપનાં મુખ્ય સૂત્રધાર અમે હતાં અને એક્ટિવલી રહેવાનાં હતાં. અને એ રીસ્પોન્સીબિલિટીની શરૂઆત એ આવ્યો કે તરત થઇ. અમારી ચોથી મિત્રનો ફોન આવ્યો કે, ઈગલની અમારી બસ કેન્સલ થઇ છે. બસ, પછી આનંદ અને મેં પ્લાન બી તરફ પ્રયાણ કર્યું. સ્ટાર બઝાર પહોંચ્યા અને પંદર મિનિટ પછી ઉપડતી ઉદયપુરની ચાર ટિકિટ કઢાવી તેવામાં અમારી એ ચોથી મિત્ર આવી. બસ, અમે ચાર મળી ગયા અને સાથે ઉદયપુર જવા નીકળી ગયા હતાં એ પળથી જ મારી તમામ ચિંતાઓનો અંત આવતો હતો. આગળ શું કરીશું તેની ન તો ખબર હતી કે ન હતી ચિંતા. પડશે તેવા દેવાશે!
…. વધુ આવતા અંકે
:)
Aapno blog pahelivar vachyo ane mane prabhavit kari gayo, mukhya karan to ae ke mane pravas no, farvano, rakhadvano shokh chheane tamari lekhan padhati evi chhe ke jane aapne saamsaame besine vaat karta hoiye. Khub khub aabhar aapno. Tamara nava pravas na lekh ni rah jou chhu. Aabhar.