બપોરે સાડા ત્રણ આસપાસ અમે હોટેલ રિસેપ્શન પર ડ્રાયવરને મળ્યા. ડ્રાઇવર ખૂબ ખુશ લાગતો હતો. એક સાથીએ હસીને મને પૂછ્યું, આ ડ્રાઇવર દારુ પી ગયો હોય એવું નથી લાગતું? મને હસવું આવ્યું અને અમે કારમાં બેઠા. દસ પંદર મિનિટ તો ડ્રાઇવર સાથે બધા જ હસી-મજાક કરી રહ્યા હતા પણ, પછી અચાનક એક બે ઝટકા આવ્યા અને અમે ડ્રાઇવરને કાર થોડી ધીમે અને ધ્યાનથી ચલાવવા કહ્યું. અમે મડિકેરી વિષે ડ્રાઇવરને પૂછ્યું તેનો પણ તેમણે લાંબો જવાબ આપ્યો અને અંતે કહ્યું “મડિકેરી મેં ડોસા-ગીસા ખા લેંગે”. મને થોડું હસવું આવ્યું અને તેમને કહ્યું કે, અમે ત્યાં કંઈ ખાવા નથી ઈચ્છતા છતાંયે પછીની પંદર મિનિટમાં ફરી એક – બે વખત તેણે એ જ વાત રિપીટ કરી. લગભગ અડધી કલાક કાર ચાલી તેટલા સમયમાં ત્રણ દિવસમાં નહોતા આવ્યાં તેટલાં ઝાટકા આવ્યા. હવે મારા પેટમાં ફાળ પડી. ડ્રાઇવર ખરેખર દારુ પી ગયો હતો! મેં પેલા સાથી સામે જોયું અને કહ્યું, આપણે પાછા જ વળી જવું જોઈએ કે નહીં? તેણે બીજા એક સાથી સામે સૂચક નજરે જોયું એટલે મેં એ સાથીનાં કાનમાં ધીરેથી મારી ડ્રાઇવર-દારુ થિયરી કહી અને તેને પણ એ જ સવાલ પૂછ્યો. ત્યાં સુધીમાં તો અમે મડિકેરીથી ફક્ત પંદરેક મિનિટ દૂર રહ્યા હતા એટલે તેનો મત હતો કે , અહીં સુધી આવી જ ગયા છીએ તો હવે તરત પાછા ન જઈએ અને મડિકેરીમાં જ થોડો વખત વિતાવીને ફરી પાછા નીચે ડ્રાઈવ કરીયે. તેની વાત મને એટલે પણ બરાબર લાગી કે, થોડો સમય પસાર થઇ જાય તો ડ્રાઇવરનો નશો પણ થોડો ઊતરી જાય અને રિટર્ન ટ્રિપમાં રિસ્ક થોડું ઓછું રહે.
પાંચ-દસ મિનિટમાં અમે ‘ધ સીટ ઑફ ધ કિંગ’ નામનાં એક વ્યૂ પોઇન્ટ પર પહોંચ્યા. એ જગ્યા બહુ ટૂરિસ્ટી દેખાતી હતી. બહાર નાનાં-મોટાં ઘણાં વાહનો દેખાતાં હતાં અને અંદર પણ સારી એવી ભીડ હતી. એ એક મોટી બગીચા જેવી જગ્યા હતી અને ત્યાંથી આસપાસની ટેકરીઓનો અને નીચે ખીણનો બહુ સરસ વ્યુ દેખાતો હતો મારું ધ્યાન જો કે, વ્યૂમાં બિલકુલ નહોતું અને ત્યાંથી જેમ બને તેમ જલ્દી, અંધારું થતા પહેલા મારે પાછું રિઝોર્ટ પહોંચવું હતું. અન્ય સાથીઓને ખબર નહોતી કે, ત્યાં શું ચાલી રહ્યું છે. તેમને કહીને કંઈ ફાયદો પણ નહોતો થવાનો, તેઓ ફક્ત ટેન્શન જ કરવાનાં હતા એવું અમને લાગ્યું એટલે અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે, પાછા રિઝોર્ટ સુધી પહોંચીને જ તેમને જણાવીએ. વ્યૂ પોઇન્ટથી પાંચ જ મિનિટનાં અંતરે મડિકેરી ગામ હતું. ત્યાં કોઈ મસાલાની દુકાન એક મિત્રએ રેકમેન્ડ કરી હતી ત્યાં અમે પહોંચ્યા. ત્યાં એક ઐતિહાસિક કિલ્લો પણ હતો પણ એ દિવસની ડ્રાઇવરની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ત્યાં જવાનું તો અમે કેન્સલ જ કર્યું. સ્પાઇસ શોપમાં અંદર ગયા ત્યાં પાંચેક મિનિટમાં જ ડ્રાઇવર અંદર આવ્યો અને દુકાનનાં સેલ્સ સ્ટાફ સાથે વાત કરીને ભાવ-તાલ કરવાનો અને અમને મદદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અમે ત્રણ લોકોએ એકબીજાની સામે જોયું અને એક સાથી તરત ડ્રાઇવરને લઈને બહાર ગયા. ત્યાં એક બીજા સાથી, જેમને કોઈ કૉન્ટેક્સ્ટ ખબર જ નહોતી, તેમની લવારી શરુ થઇ – “ડ્રાઇવરને બહુ વધારે મોઢે ચડાવ્યો એટલે આવું થયું. તેને આટલી સવલતો આપવાની જરુર જ નહોતી.”
લગભગ વીસેક મિનિટમાં ડ્રાયવર અને તેમની સાથે ગયેલા સાથી પાછા આવ્યા. તેમણે ધીરેથી અમને કહ્યું કે, પાસેની દુકાનમાં ડ્રાઇવરને મેં લીંબુ શરબત પીવડાવ્યું અને એ સામેથી બોલ્યો કે, એ દારુ પી ગયો છે અને તેણે બહુ માફી માંગી. અમે સ્પાઇસ શૉપથી નીકળ્યા ત્યારે સૂર્યાસ્ત લગભગ થઇ જ ગયો હતો અને આકાશમાં દિવસની છેલ્લી અમુક મિનિટોની રોશની હતી. મારી ઈચ્છા હતી કે, નેચરલ લાઇટમાં જેટલું ડ્રાઇવ કરી શકીયે તેટલું કરીને ક્યાંયે રોકાયા વિના સીધા રિઝોર્ટ જઈએ પણ, એક સાથીને ત્યાં પાસે કોઈ ઐતિહાસિક ઓમકારેશ્વર મંદિરનું સાઈનબોર્ડ દેખાયું અને તેણે એ મંદિર જવાની વાત કહી એ સાથે મારું મગજ ફરી ગયું. એ સાથીને ખબર પણ હતી કે, ડ્રાઇવર કઈ હાલતમાં છે તોયે આવો બેવકૂફ વિચાર તેનાં મગજમાં કઈ રીતે આવ્યો હશે એ મારા માટે હજુ પણ mystery છે.
બધા મંદિર પહોંચ્યા અને હું કમને કારમાંથી ઊતરી ત્યાં સામે બરાબર એક સાઈન બોર્ડ દેખાયું જેનાં પર લખ્યું હતું, ગોઠણથી ઉપરનાં ટૂંકાં વસ્ત્રોમાં મંદિરમાં પ્રવેશ ન કરવો. મેં અને એક સાથીએ શોર્ટ્સ પહેરી હતી. મને આમ પણ ક્યાંયે જવાની ઈચ્છા નહોતી અને એ સાઇન બોર્ડ જોઈને તો સાવ જ નહોતી પણ, અતિ ઉત્સાહી સાથીઓ કહેવા લાગ્યા “અરે આવી જા, કંઈ નહીં થાય” વગેરે વગેરે અને તેમાં ડ્રાઇવર પણ જોડાયો – “અરે મૈડમ જાઇએ. મૈં દેખતા હૈ” અને તેનું બોલવાનું ચાલુ જ રહ્યું. અમારે એ સાંજે રિઝોર્ટ ન પહોંચવાનું હોત અને હું ભદ્રતા અવગણી શકવામાં અસમર્થ ન હોત તો મેં એ સમયે ડ્રાઇવર સહિત ઓછામાં ઓછાં બે લોકોને ખેંચીને ઝાપટ મારી લીધી હોત. ડ્રાઇવરની સામે તો મેં અતિશય ગુસ્સાથી જોયું અને અમે ત્યાંથી થોડા દૂર જતા રહ્યા એટલે એ સમજી ગયો પણ, સાથીઓને સમજાવવા માટે મગજ ગુમાવ્યા વિના બે-ત્રણ વખત ના પાડવી પડી. પાણીની વચ્ચે આવેલી એ સુંદર મંદિરની ઇમારતને હું જોઈ રહી અને એ સાંજનાં અણધાર્યા કેઓસ અને સાથીઓનાં બેતુકા રિસ્પૉન્સ વિષે વિચારતી રહી.
પંદરેક મિનિટ પછી સાથીઓ બહાર આવ્યા અને ફાઈનલી અમે રિઝોર્ટ તરફ પ્રયાણ કર્યું. ડ્રાઈવ શરુ થઇ ત્યાં જ મેં કહ્યું કે, “હવે ક્યાંય રોકાવું ન જોઈએ અને જેમ બને તેમ જલ્દી રિઝોર્ટ પાછા ફરવું જોઈએ”. અંધારું થવા લાગ્યું હતું અને ડ્રાઇવર હજુ પણ પૂરો સોબર નહોતો થયો એટલે રસ્તામાં હડદાં આવતાં રહ્યાં. જો કાર ચલાવવા વિષે બહુ ટોકીયે અને ડ્રાઇવર રસ્તામાં કાર જ રોકી દે તો વધુ ધંધે લાગીએ એ વિચારીને મેં ડ્રાઇવરને જે સાથીનો કૉલરબોન તૂટ્યો હતો તેમને દુઃખે છે એમ કહેવાનું ચાલુ રાખ્યું જેથી તે થોડું વધુ જાળવીને ડ્રાઇવ કરે. અંતે અમે રિઝોર્ટ પહોંચ્યા ત્યારે મેં નિરાંતનો શ્વાસ લીધો અને પહોંચતાવેંત કોઈ સાથે કંઈ જ વાત કર્યા વિના જેમ બને તેમ જલ્દી હું રુમ તરફ ચાલવા લાગી.
પાછા ફર્યા અને ફ્રેશ થયા ત્યાં સાડા સાત જેવું થઇ ગયું હતું એટલે ઍઝ યુઝવલ અમે ફરી ઘોષનાં રેસ્ટ્રોં પહોંચ્યાં. એ સાંજે શું જમ્યા એ મને હવે યાદ નથી પણ, એ યાદ છે કે, એ દિવસે હું એ આખી સિચુએશનની સાથે સાથે ઘોષ અને એ રેસ્ટ્રોંથી પણ કંટાળી ગઈ હતી. જમવાનું તૈયાર થાય તેની રાહ જોતા સૌથી પહેલા તો અમે એ સાંજ અને ડ્રાઇવર સાથેનાં એક્સપીરિયન્સની વાત કરી. જેમને ખબર નહોતી તેમને જણાવ્યું કે, ડ્રાઇવર દારુ પી ગયો હતો. પછી જે બધી વાત થઇ એ સાંભળીને તો મારું મગજ ઓર ફાટ્યું. જે સાથીએ ડ્રાઇવરનું અરેન્જમેન્ટ કર્યું હતું તેમણે કહ્યું “મેં મેનેજરને પહેલા જ કહ્યું હતું કે, કોઈ વ્યવસ્થિત માણસને મોકલે અને ડ્રિન્ક જ કરે તેવા ડ્રાઇવરને જ મોકલે! સવારે ફોન કર્યો ત્યારે પણ પહેલા તો કોઈ બીજા ડ્રાઈવરે ફોન ઊપડ્યો અને કહે તેની તબિયત સારી નથી, હું તમને લઇ જાઉં પછી મેં કહ્યું મારે તમારી સાથે વાત નથી કરવી, ડ્રાઇવર ઊઠે ત્યારે તેમને કહેજો મને ફોન કરે. થોડી પછી ડ્રાઇવરનો ફોન આવ્યો અને કહે હું જમીને આવું. ત્યારે પણ કંઈ બોલતો નથી!” હું લગભગ રાડ પાડી ઊઠી પણ લોકોને ધ્યાનમાં રાખીને મેં એકદમ શાંતિથી પૂછ્યું “આ આખી વાત તે અમને બપોરે કેમ ન કહી?” જવાબ આવ્યો “અરે પણ મને થોડી ખબર હોય!”. પછી એક બીજા સાથી બોલ્યા “હું આટલા દિવસથી ડ્રાઇવર પાસેની પૅસેન્જર સીટ પર બેસું છું. ડ્રાઇવરે ક્યારેય મને હાથ નથી લગાડ્યો. પણ, આજે હું કારમાં બેસવા જતી હતી ત્યારે તેમણે મારા ખભા પર હાથ મુક્યો હતો એ મને પણ અજુગતું તો લાગ્યું હતું.” તેમને તો હું એ પણ ન કહી શકી કે “તમે કેમ કંઈ ન બોલ્યા?”
ક્લિયરલી, અમે એકબીજા સાથે બધી વાત કરી શકીયે તેટલા નજીક નહોતાં. કે પછી અમે બધા અલગ અલગ એજન્ડા સાથે અલગ અલગ દુનિયામાં જીવી રહ્યા હતા. એ ગ્રુપનું ડાયનામિક પણ એવું હતું કે, બે સાથીઓ બાકીનાં લોકો પર તમામપણે ડિપેન્ડેડ હતાં અને એટલે એક લેવલ પર એ એક્સપિરિયન્સ ટ્રાવેલરનો નહીં પણ, કોઈ માટે ટૂઅર ગાઇડ બન્યાનો હતો, જેનાં માટે હું તૈયાર નહોતી. મને ગ્રુપ-ટ્રાવેલથી થોડી ચીડ છે પણ, એ દિવસે તો જીવનમાં ક્યારેય ગ્રુપ-ટ્રાવેલ ન કરવાનો નિયમ લેવાનું મન થઇ ગયું. એક વખત તો મને એ વિચાર પણ આવી ગયો કે, મને જેમની સાથે ટ્રાવેલ કરવું પણ અજુગતું લાગી રહ્યું હતું એમની સાથે હું રિયલ લાઇફમાં પણ શું કરી રહી હતી? હું એ સમયે ત્યાં કેમ હતી?
જમીને બે લોકો પોતાનાં રુમ પર ગયા અને બાકીનાં ચાર અમે એક રુમમાં બેઠા. જે સાથી ડ્રાઇવરને લીંબુ શરબત પીવડાવવા લઇ ગયા હતા તેમની સાથે આગળ વાત થઇ. એ ડ્રાઇવર એ દિવસ પહેલા જરુર કરતા એક શબ્દ પણ વધારાનો ક્યારેય બોલ્યો નહોતો. તેનું ડ્રાઇવિંગ તો એટલું સ્મૂધ રહ્યું હતું કે, આટલાં દિવસમાં અમને એક નાનો હડદો પણ નહોતો લાગ્યો. અમારા સાથીનો કૉલર-બોન તૂટ્યો ત્યારે પણ તેણે સતત અમારી મદદ કરી હતી અને ક્યારેય એવું નહોતું બન્યું કે, અમારે ક્યાંયે જવું હોય અને ડ્રાઇવર તૈયાર ન હોય. અમને કોઈ જગ્યાએ કલાક લાગે, કે ત્રણ કલાક લાગે તો પણ એ ક્યારેય ન પૂછતો કેટલી વાર લાગશે કે, ન એ ક્યારેય એ જગ્યાથી ક્યાંય દૂર જતો. એ રિઝોર્ટમાં ડ્રાઈવર્સ માટે અલગ એકોમોડેશન હતું. સવારે તેણે પૂછ્યું હતું ત્યારે અમારી એમ વાત થઇ હતી કે, એ દિવસે ક્યાંયે નહીં જઈએ એટલે ડ્રાઈવરે ડરતા ડરતા પણ ત્યાં બનેલા ડ્રાઈવર મિત્રો સાથે પાર્ટી પ્લાન કરી લીધી હતી. અમારા સાથી સાથે વાત કરતા ડ્રાઇવર લગભગ ગળગળો થઇ ગયો હતો. તેનું રોજનું વેતન હતું ફક્ત ત્રણસો રૂપિયા! અને એ પણ જતું રહેશે તેનો તેને ડર હતો. તેનાં આખી ટ્રીપનાં ટોટલ વેતનનાં ઓછામાં ઓછા દસ ગણા પૈસા અમે તેનાં મૅનેજરને આપ્યા હતા. એક સાથીએ કહ્યું, “એ કોઈ કર્જમાં ડૂબેલો હશે એટલે તેનું વેતન આટલું ઓછું હશે?! બાકી રોજનાં ત્રણસો રૂપિયાવાળી વાત તો માનવામાં આવે તેમ જ નથી!”
ડ્રાઇવર સાચો હતો કે ખોટો એ નક્કી કરવું મારા માટે મુશ્કેલ હતું. ટૂઅર ડ્રાઇવરનું કામ ભારતમાં એવું છે કે, ટૂઅર કંપનીઓ માટે નોકરી કરતા ગરીબ ડ્રાઈવરોનાં નસીબમાં રાત્રે ઊંઘવા માટે એક રુમની પણ વ્યવસ્થા નથી હોતી. આ રિઝોર્ટ જેવી ફેસીલિટીમાં તો ક્લિયરલી એ પહેલી વખત જ આવ્યો હતો. કદાચ તેને ત્યાં એક દિવસ થોડું મજા કરવાનું મન થયું તો તેમાં કંઈ ખોટું હતું? અમે તો તેને કહી પણ રાખ્યું હતું કે, એ દિવસે અમે ક્યાંયે નથી જવાનાં. ડ્રાઇવર તરીકે તેણે કદાચ તૈયાર રહેવું જોઈતું હતું કે, અમે અમારો પ્લાન બદલી પણ શકીએ છીએ અને એ તૈયાર નહોતો તો તેણે ઓછામાં ઓછું અમને કહેવું જોઈતું હતું કે, તેણે શરાબ પીધેલી છે. પણ, આપણી સોસાયટીમાં આટલા ગરીબ નોકરો પોતાનાં અમીર માલિકોને આટલું કહી શકે તેટલો અવકાશ નથી હોતો. મને તેનાં પર ગુસ્સો પણ આવતો હતો અને દયા પણ. અમને બધાંને જ લાગતું હતું કે, એ માણસ તો સારો છે. તેની જે કંઈ પરિસ્થિતિ હોય એ સુધરે તેવી આશા રાખીયે.
આ વાત ચાલી રહી હતી તેટલામાં ફોન રણક્યો. રિઝોર્ટનાં એક્સ્પીરિયન્સસિસ ડિપાર્ટમેન્ટમાંથી કોઈનો ફોન હતો. તેણે પૂછ્યું “તમે કાલે સાંજે પ્લાન્ટેશન ટૂઅર એક્સપીરિયન્સ બુક કર્યો છે?” મેં હા પાડી. તેણે પૂછ્યું “તમારે એ એક્સપીરિયન્સ કાલે સવારે કરવો છે બાય એની ચાન્સ?” મેં બધાંને પૂછ્યું. સવારે અમારી ઈચ્છા હતી ઍલિફ્ન્ટ કૅમ્પ જવાની એટલે અમે તેને ના પાડી. ફોન મૂકીને અમને એ પણ રીયલાઈઝ થયું કે, મોડું થઇ ગયું હતું અને સવારે વહેલું ઊઠવાનું હતું કારણ કે, સવારે સાત વાગ્યા આસપાસ જ ત્યાં હાથીઓ જોવા મળશે તેવું સાંભળ્યું હતું. સાથીઓનાં રુમથી અમારાં રુમ તરફ જતા અમે હસ્યા કે, સવાર સવારમાં કોઈ એ રૅન્ડમ પ્લાન્ટેશન ટૂઅર પર જવા નહીં ઇચ્છતું હોય એટલે જ કદાચ તેઓ ફોન કરીને અમને રીસ્કેડ્યુલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હશે. અમે તો કદાચ સાંજે પણ નહોતા જવાનાં…










