વિરોધ

નિબંધ

પોતાની ઓળખની રક્ષા આપણે અંગત રીતે તો કદાચ રોબબરોજ કરતાં રહીએ. પણ જો આપણી ઓળખનાં કારણે આપણી સુરક્ષા સામે ઊભો સૌથી મોટો ભય જો કોઈ દેશનો કાયદો કે કોઈ શક્તિશાળી સંસ્થા કે તંત્ર હોય ત્યારે? ત્યારે જે મોહનદાસ કરમચંદ ગાંધીએ વર્ષો સુધી કર્યું એ કરવાની જરૂર પડતી હોય છે. હજુ પણ આપણે ‘આદર એટલે મોટાં/વધુ શક્તિશાળી કહે તેમ કરવાનું – સવાલ પૂછ્યા વિના’ વાળી વ્યાખ્યા ભૂલ્યાં નથી. આપણે આગ અને પૈડાંની શોધ થયાં પહેલાંનાં લોકો નથી કે, લાંબું જીવ્યાં/શક્તિશાળી હોય તેમને ફક્ત તેમનાં એ ગુણનાં કારણે માન આપીએ. માણસજાત તરીકે આપણે એ અભિગમ કરતાં ક્યાંયે આગળ નીકળી ચૂક્યાં છીએ.

અસહકાર કે ડીસોબીડિયન્સ કોઈ પણ લોકશાહીનો સૌથી અગત્યનો ભાગ છે અને લોકશાહી તરીકે આપણે કોઈ પણ પ્રકારનો સામૂહિક સામાજિક વિરોધ જ કરતાં ભૂલી ગયા છીએ. મતદાન અને આપણાં લોકલ કાર્યકર્તાને પાણી/વીજળીની ફરિયાદો કરવા સિવાય લોકશાહીનાં કયા ભાગમાં આપણે સક્રિય છીએ? મોટાં ભાગનાં મિડલ-ક્લાસ/અપર મિડલ ક્લાસ લોકો એ સિવાય લોકશાહીની એક પણ પ્રવૃત્તિમાં સક્રિય નથી. સક્રિય તો દૂરની વાત, સમાજનો એક મોટો વર્ગ તો લોકશાહીમાં શું થઇ રહ્યું છે તેનાંથી માહિતગાર પણ નથી. ધરણા અને રેલીઓ ફક્ત રાજકારણીઓ અને (બહુ જજમેન્ટલ ભાષામાં) નવરાંઓ પૂરતાં સીમિત રહી ગયાં છે. હમણાંનું જ ઉદાહરણ લઈએ તો આવડું મોટું ફાઇનાન્સ બિલ પસાર થઇ ગયું. કોણે જાણવાની તસ્દી લીધી કે, બિલમાં શું છે? જાણવાની તસ્દી લીધી હોય અને તેમાં કઈં ન સમજાયું હોય તો કોણે કોઈ જાણકારને પૂછવાની તસ્દી લીધી?

આપણાં દેશમાં પાછી ખાટલે મોટી ખોડ એ છે કે, લૅફ્ટ વિન્ગ/ઓપોઝિશનમાં એક તો કોઈની મજબૂત આગેવાની નથી અને બીજું વાતોનાં વડાં અને ટ્વિટર આઉટરેજ સિવાયનાં કોઈ જ પગલાં નથી. સરકારની ખરાબ પોલિસીઓનાં વિરોધીઓ કમ્પ્યુટર સામેથી હટીને તંત્રની કાર્યવાહી ખોરવે અને રસ્તા રોકે તો કઈંક પણ ફર્ક પાડવાની શક્યતા છે. ટ્વિટર પાર આઉટરેજ કરીને વાતોનાં વડાં સિવાય આપણે શું કરવાનાં છીએ? વિરોધ કરવાનો હોય ત્યારે મીડિયા (ટ્વિટર, પ્રિન્ટ, ટેલિવિઝન) ફક્ત એક માધ્યમ છે લોકો સુધી ખબર પહોંચાડવા માટે કે, વિરોધ થઇ રહ્યો છે અને તમે જોડાઈ શકો. વ્યવસ્થિત વિરોધ કરવાનું ખરેખરું કામ રિયલ લાઈફમાં પાર્ટી કાર્યકરોને ફોન કરીને કે રસ્તા પર આવીને કરવાનું હોય, મીડિયા પર નહીં – એટલી સામાન્ય સમજ આપણાં લેફ્ટમાં ક્યારે આવશે?

અમેરિકામાં સાત દેશોનાં મુસ્લિમો પર બાનની નીતિની શરૂઆત થઇ ત્યારે સામાન્ય બુદ્ધિ વાપરીને જેમને વિરોધ કરવો હતો એ બધાં વિવિધ શહેરોનાં ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ભેગાં થઈને નારાં લગાવતાં વિરોધ કરતાં હતાં. ઍરપોર્ટ પર વકીલો જઈ રહ્યા હતાં ફસાયેલાં પ્રવાસીઓને મદદ કરવા માટે. ટ્વિટર/ફેસબુક પર ફક્ત ક્યાં લોકો ભેગાં થયા છે અને શું બની રહ્યું છે તેની માહિતિ પસાર થઇ રહી હતી જેથી વધુ લોકો જોડાઈ શકે. આખે આખો વિરોધ ફક્ત ટ્વિટર પર નહોતો થઇ રહ્યો!  પણ, અહીં તો હજારોની સંખ્યામાં માણસો મારતાં ન હોય એ હદની અંદર થતી તમામ પ્રવૃત્તિઓ પરનો વિરોધ ઘરે આરામથી ખુરશીમાં બેસીને થઇ શકતો હોય તો જ કરવોની નીતિ છે.

અને લોકોનો પણ પૂરો વાંક નથી. વિરોધની શરૂઆત થાય ત્યાં તેમાં જોડાવાવાળા સૌથી પહેલાં તત્ત્વો રાજકારણીઓ અને ઉપર જણાવ્યું તેમ નવરાંઓ હોય છે એટલે કદાચ કોઈ સામાન્ય મિડલ કલાસ વ્યક્તિ તેમાં જોડાતાં પહેલાં જ સો વાર વિચાર કરશે. કારણ કે આ બંને તત્ત્વો હોય ત્યાં સૌથી પહેલો ભય લોકોને હિંસા અને તોડફોડનો લાગે અને સ્ત્રીઓ તો અયોગ્ય છેડતી અને અભદ્ર ભાષાનાં વિચારે જ દેખાવોમાં જોડાવાનું ટાળે. વળી, બાકીની તમામ દુનિયામાં રાજકારણીઓનું જાહેર દેખાવોમાં ભળવાની વાત આટલો ભય પેદા નથી કરતી જેટલો આપણે ત્યાં પ્રવર્તમાન છે. આ બંને બાબતે આપણાં જેવાં સામાન્ય લોકોમાં એટલો ડર છે કે, આપણે સંગઠિત વિરોધ કે દેખાવોનો તો વિચાર પણ નથી કરી શકતાં. યુવા રાજકારણીઓને ટીલાં-ટપકાં અને જે-તે પાર્ટીનાં પ્રતીક સ્કાર્ફ અને ટોપીઓ વિના ક્યારેય દેશનાં મિડલ કલાસ સામાન્ય લોકોની જેમ સામાન્ય લોકો સાથે મળીને કોઈ દેખાવ કે વિરોધ કરવાનું સૂઝ્યું હશે કે કેમ? ઘણી વખત વિચારું છું આ બધી તકલીફોનો ઉપાય શું અને જવાબ નથી મળતો.

ભારત બહાર રહીને મને ઘણું બધું જોવા મળ્યું છે. તેમાંની એક વસ્તુ આ વિરોધ-રેલીઓ અને દેખાવો પણ છે. ઓસ્ટ્રેલિયા હતી ત્યારે ટોની એબટ ચૂંટાયા પછી શિક્ષણક્ષેત્રે ફંડ કાપવાની દરખાસ્ત મુકાઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયામાં દરેક શહેર અને ગામમાં એક ચોક્કસ દિવસે ‘સ્કૂલ ટીચર્સ યુનિયન’ની વિરોધ પ્રદર્શન રેલી નીકળી હતી. તેમાં ટીચર્સ તો હતાં જ અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને આ વિરોધને પ્રોત્સાહન આપનારાં માતા-પિતા પણ શામેલ હતાં. શાંતિ જળવાઈ રહે અને રેલી હિંસામાં ન પરિણમે એ ધ્યાન રાખવા માટે આ રેલીની શરૂઆત અને અંતમાં લગભગ 100 ફુટ દૂર પોલીસ ઑફિસરો ચાલતાં હતાં. બધાં જ શહેરનાં પૂર્વ છેડાંથી ચાલીને પશ્ચિમ છેડે પાર્લામેન્ટ હાઉઝ સુધી જઈને ત્યાં કલાકો સુધી નારાં લગાવતાં હતાં. એ જ રીતે અહીં અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા પછી તમામ મોટાં શહેરોમાં તેનાં વિરુદ્ધ દેખાવો થયાં હતાં. મેં ઓકલેન્ડ અને સાન ફ્રાન્સિસ્કો બંને શહેરોનાં દેખાવોમાં થોડો થોડો સમય ભાગ લીધો હતો. એ જ રીતે વિમેન્સ માર્ચમાં પણ મેં ભાગ લીધો હતો. એ નજારો તો જોવા જેવો હતો. માર્ચનો દિવસ લગભગ બે અઠવાડિયા પહેલાં નિર્ધારિત થયો હતો. માર્ચનાં દિવસે બપોરથી જ સાન ફ્રાન્સિસ્કોમાં ધીમો ધીમો વરસાદ પાડવાનો શરુ થઇ ગયો હતો. છતાંયે સાંજે શહેરની મુખ્ય માર્કેટ સ્ટ્રીટ આખી દેખાવકારોથી પેક હતી. લોકો છત્રીઓ લઈને માર્ચમાં આવ્યા હતાં. હજારો માણસો એકસાથે એક જ સ્થળ પર કોઈ બાબતે અહિંસક વિરોધ કરતાં હોય અને તેમાં નાનામાં નાના બાળકોથી માંડીને મોટામાં મોટાં વૃદ્ધો શામેલ હોય એવું આપણે પિક્ચરો સિવાય છેલ્લે ક્યારે જોયું/કર્યું છે?

એન્ટિ-મુસ્લિમ બાન પ્રોટેસ્ટ જે એરપોર્ટ પર થયેલો એ તો આનાંથી પણ વધુ ઑર્ગનાઈઝડ હતો. મને યાદ છે ત્યાં સુધી શુક્રવારે રાત્રે આ નીતિની ઘોષણા થયેલી અને શનિવારે સવારે જૉહન એફ કૅનેડી એરપોર્ટ પર લોકો એકત્ર થવા લાગ્યા હતાં. ગ્રુપ થોડું મોટું થયું એટલે તરત ટ્વિટર અને ફેસબુક પર ત્યાંનાં ફૉટૉઝ, વીડિઓઝ અને લાઈવ-સ્ટ્રિમ શેર થવા લાગ્યા હતાં એટલે બાકીનાં શહેરોમાં પણ વાત વાયુવેગે ફેલાવા લાગી અને અમેરિકાનાં તમામ ઍરપોર્ટ પર વિરોધ પ્રદર્શન માટે લોકો એકઠાં થવાં લાગ્યાં. ન્યુ યોર્કમાં શરૂઆત થયાનાં બે કે ત્રણ કલાકમાં જ બાકીનાં બધાં એરપોર્ટ પર પણ ઘણાં લોકો એકઠાં થઇ ગયા હતાં. જે રીતે બની શકે તે રીતે ફસાયેલાં લોકોને વકીલ સિવાય કોઈ સાથે વાત ન કરવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. લગભગ ક્યાંયે કોઈ મોટાં રાજકારણીએ આગેવાની લીધી હોય કે એવું કઈં જ ન હતું. સામાન્ય નાગરિકો પોતાની બુદ્ધિ વાપરીને કેટલાંયે કામ કરી રહ્યા હતાં. કોઈને સૂઝ્યું હતું કે, આ પરિસ્થિતિમાં ટોળામાં જે-તે સમયે કામ લાગી શકે તેવાં વકીલો હોય તો તેમને આસાનીથી શોધી શકાય તે માટે તેમનાં માટે ફ્લુરોસેન્ટ સ્ટિકરની ગોઠવણ કરીએ, ઘણાંએ વકીલોને ખબર પડે કે ક્યાં જવું અને શું કરવું એ માટે અગત્યનાં સ્થળોએ દિવાલો પર પૂઠાંનાં બૉર્ડ લગાવ્યા હતાં, ‘Lawyers follow these signs’, ‘Lawyers help yourselves with these stickers’ વગેરે.

એ દેખાવ સતત બે દિવસ અને એક આખી રાત ચાલ્યો હતો. એટલે પોતાની સૂઝથી જ લોકો પોતાની સાથે લાવી શકે તેવું અને તેટલું ખાવાનું, પાણીની બૉટલ, એનર્જી ડ્રિંક્સ વગેરે લાવી રહ્યા હતાં અને એરપોર્ટ પરથી જેમ જેમ લોકો છૂટતાં જાય તેમ તેમને આપી રહ્યાં હતાં. દેખાવકારો પણ પાણી વગેરેનો લાભ લઇ શકે એ માટે ટોળાંની એકદમ નજીક એક બૂથ પર આ બધું ખાવા-પીવાનું એકસાથે લાવીને રખાઈ રહ્યું હતું. જ્યાં સુધી બાન પાછો ન ખેંચાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહે અને પ્રવાસીઓ ફસાયેલા ન રહે એ માટે હજારો માણસો આખી રાત એરપોર્ટ પર રહ્યાં હતાં અને કેટલાંય ફક્ત થોડાં જ કલાકની ઊંઘ કરીને રવિવારે સવારે પાછાં જઈ રહ્યા હતાં. સાથે સાથે જ ટ્વિટર અને ફેસબુક જેવાં માધ્યમો પર સાચી અને આધારભૂત માહિતિ શેર થાય એ બાબતે લોકો સજાગ હતાં અને લગભગ દરેક વાઇરલ ટવિટ કે ફેસબૂક પોસ્ટ મોટાં ભાગે આ વિષયો પર હતી: એસીએલયુ આ બાનને રોકવામાં ક્યાં સુધી પહોંચી, લોકોએ ક્યા પેપરો પર કોઈ પણ ભોગે સહી ન કરવી, સ્વયંસેવક વકીલોનો સંપર્ક કરવા માટેનાં ફોન નંબર અને ન્યુઝ મીડિયા સરકારની હિલચાલ વિષે માહિતી આપતું રહેતું. જો ન્યુઝ મીડિયાની માહિતી ખોટી કે અપૂર્ણ હોય તો તરત જ સાચી માહિતી ધરાવતાં બિનરાજ્કારણી વગદાર લોકો દ્વારા શેર કરવામાં આવતી.

માનવ અધિકાર અને નાગરિક તરીકેનાં આપણાં અધિકારોની રક્ષા માટે આટલો ઓર્ગનાઈઝડ વિરોધ આપણે ક્યારે કરી શકીશું? આપણે પણ લોકશાહી છીએ ને? છીએ કે?

————————————————————————————————————–

વાંચવા જેવું:  Civil Disobedience by Henry David Thoreau – an essay that is said to have influenced M.K.Gandhi during his fight for freedom

ઓળખ

નિબંધ

ઓળખની વાત મારા માટે હમણાં હમણાંથી બહુ અગત્યનો વિષય બની ગઈ છે. ઓળખ જો કે વિષય જ એવો છે કે એ સતત રેલેવન્ટ રહેવાનો જ. ‘કી જાણા મેં કૌન?’ આ સવાલ કોઈ નવો બુલ્લો દરેક સદીમાં દરેક વર્ષે દરેક દિવસે કરવાનો જ. દર કલાકે નહીં કહું કારણ કે, બધાં બુલ્લાઓ એ પૂછવા જેટલા સેલ્ફ અવેર નથી હોતાં. જો કે, અહીં હું ‘દુનિયામાં મારાં હોવાનો મતલબ શું છે’વાળી ઓળખની વાત નથી કરી રહી. હું વાત કરું છું સ્થાયીભાવની. મારાં મતે હું રોજબરોજનાં જીવનમાં જે પણ વિચારતી હોઉં, કરતી હોઉં અને કહેતી હોઉં હું એ છું. એ મારી ઓળખ છે અને એ ઓળખ પણ કાયમી નથી. આજથી પંદર વર્ષ પહેલાં મારી ઓળખ અલગ હતી, દસ વર્ષ પહેલાં અલગ હતી અને અત્યારે પણ અલગ છે. જો એ દરેક ઓળખો એક વ્યક્તિ હોય તો એ ત્રણે વ્યક્તિઓ એકબીજાને ઓળખે પણ નહીં કદાચ. સ્ત્રી, સ્ટ્રેઈટ, જન્મથી જૈન અને પસંદગીથી નાસ્તિક, ગુજરાતી, ભારતીય, ઓસ્ટ્રેલિયન, કળા-પ્રેમી, સાહિત્ય-પ્રેમી, ક્લાસિકલ ડાન્સર, લેખક, પેઈન્ટર, વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર, જિજ્ઞાસુ, કાર ચલાવતી, કોણ શું કહેશે એ વિષે બહુ ન વિચારતી, ફેમિનિસ્ટ, દરેક દેશો અને ધર્મોનાં મિત્રો ધરાવતી, આવી નાની નાની ઘણી બધી બાબતો મારી હાલની ઓળખ છે. આ ઓળખ બાબતે ઘણી સામાન્ય પેટર્ન્સ જોવા મળતી હોય છે અને સમય જતાં આ પેટર્ન જે નિરીક્ષણરૂપે શરુ થાય છે એ પૂર્વગ્રહ ક્યારે બની જાય છે એ ખબર પણ નથી પડતી.

આપણાં મનમાં પડતી લોકોની પહેલી છાપ ઘણી વખત આવાં પૂર્વગ્રહોની બનેલી હોય છે. મને જોઈને લોકો વિચારે છે – છોકરી દેખાય છે તો ભારતીય પણ આ પ્રકારનાં કર્લી વાળ તો પહેલાં ક્યારેય કોઈ ભારતીય છોકરીનાં જોયાં નથી એટલે સાઉથ અમેરિકન હશે. ભારતીય છે પણ ઍક્સન્ટ તો બિલકુલ ભારતીય નથી, કદાચ ભારત બહાર ઉછરેલી હશે. કથક શીખે છે, હિન્દી/ઉર્દુમાં કવિતાઓ વાંચે છે, ગઝલો સાંભળે છે અને સંસ્કૃત સમજે છે પણ રહે છે એકલી એટલે શાદી-ડોટ-કોમ-છાપ ટ્રેડિશનલ પણ જમાના પ્રમાણે મોડર્ન હશે. નાસ્તિક છે અને જે રીતે વાત કરે છે, બિલકુલ વિદેશી/એબીસીડી (અમેરિકન બોર્ન કન્ફ્યુઝડ દેસી) પ્રકારની જ હશે ગુજરાતી/હિન્દી કદાચ ઍક્સન્ટમાં બોલતી હશે. એક્સ બૉયફ્રેન્ડ્સની વાતો આટલી સહજતાથી કરે છે તો બહુ લાગણીશીલ નહીં હોય. આ અપેક્ષાઓ કરતાં જ્યારે વ્યક્તિ અલગ નીકળે છે ત્યારે આવે છે અસ્વીકાર। Rejection.

હું સંપૂર્ણપણે આમાંથી એક પણ નથી અને થોડું થોડું આ બધું જ છું. મારી આત્માનો અને મારા સ્વત્વનો રંગ મારાં અનુભવો અને વિચારોએ રંગેલો છે અને એ રંગ ભલે થોડો વિચિત્ર હોય તો પણ તેમાં રંગાઈ જવાની હિમ્મત મેં હંમેશા રાખી છે. આપણને બધાંને ચોકઠાંઓમાં માણસોને બેસાડી દેવાની વર્ષો જૂની આદત છે. આ ચોકઠાંઓ પોતે પણ જબરદસ્ત વિરોધાભાસ છે! મને મોટાં ભાગનાં ચોકઠાંઓ ઓવરસીમપ્લીફાઇડ માન્યતાઓ અને પૂર્વગ્રહોનાં બનેલાં લાગે છે. મને એમ લાગે છે કે, મોટાં ભાગનાં લોકોની અપેક્ષાએ મારો આકાર અલગ છે અને ઓવરસિમ્પલીફાઇડ ચોકઠાંઓમાં હું નહીં સમાઈ શકું. અને મારે સમાવું પણ નથી. હું સાહસપૂર્વક, ખૂબ મહેનત કરીને મારો વિચિત્ર આકાર જાળવી રાખવાની કોશિશ કરતી રહું છું. પણ, સાથે સાથે મારે ક્યાંઈક અમુક ચોક્કસ વ્યક્તિઓનાં ચોકઠાંમાં ગોઠવવું પણ છે. કારણ કે,કોઈનાં ચોકઠાંમાં ગોઠવાઈ શકવાનો મતલબ સ્વીકૃતિ પણ છે. આ ચોકઠાંઓનો પેરેડૉક્સ છે. આપણું સ્વત્વ પણ જાળવી રાખું અને એવાં લોકો પણ શોધતાં રહેવા જે આપણને સ્વીકારે કારણ કે, સ્વીકારમાં પ્રેમ છે.

रहिमन इस संसार में टेढ़े दोऊ काम ।
सीधे से जग ना मिलै उल्टे मिले न राम ।।
~ रहीम

મારાં મનમાં આ ઓળખનાં વિષયનો વિચાર પોતે પણ અસ્વીકૃતિમાંથી જન્મ્યો છે. ઘણું બધું હોવા અને ન હોવાનાં કારણે ઘણાં લોકોએ વિવિધ રૂપે, વિવિધ પરિસ્થિતિઓમાં મારો અસ્વીકાર કર્યો છે. આપણી આસપાસ ઘણાં લોકોની આપણી પાસેની અપેક્ષાઓઆપણાં વ્યક્તિત્વનાં ફક્ત કોઈ એક એક પાસાં, કોઈ એક સત્ય સાથે જોડાઈ જાય છે. મમ્મી છે એટલે ટીવી/ફિલ્મોમાં દેખાડે છે એમ જાતને ભૂલી જતી અને પરફેક્ટ જ હોય. મમ્મી હોવું એ તે વ્યક્તિનું ફક્ત એક પાસું છે. મમ્મી હોવા ઉપરાંત એ માણસ પણ છે એ આપણે ભૂલી જઈએ છીએ. મિડલ ક્લાસ એન્જીનીયર/વકીલોનાં પરિવારમાંથી આવતો છોકરો આર્ટ્સ લે તો ઘરમાં ઉહાપો મચી જાય. આ અપેક્ષા પાછળ કેટલાં પૂર્વગ્રહો હોય છે એ જોઈએ: પરિવારમાં આ ટ્રેન્ડની શરૂઆતની પેઢીનાં બધાં/મોટાં ભાગનાં પુરુષો એનાલિટિકલ છે એટલે પછીની પેઢીનાં પુરુષો પણ એનાલિટિકલ જ હોય, પુરુષોએ પરિવાર માટે પૈસા કામવાનાં હોય એટલે એવાં જ કામ પસંદ કરવાનાં હોય જેમાં નાણાકીય સલામતી હોય, આર્ટ્સમાં તો આળસુ અને મૂર્ખ  છોકરાંઓ જ જાય.

આ તો ફક્ત હજારોમાંનાં બે ઉદાહરણ છે. અને આ ઉદાહરણોમાં આગવી ઓળખ હોવાનાં પરિણામે થતી તકલીફો પણ બહુ નાની અને સહ્ય છે. પણ, આ માનસિકતાનાં પરિણામે આવાં તો કેટલાંયે નાના નાના અગણિત દમન રોજ થતાં રહે છે.આપણી આજની દુનિયામાં એક power hierarchy છે. વાઈટ મેલ > વાઈટ ફિમેલ > વાઈટ LGBTQ વ્યક્તિ > નોન-આફ્રિકન મેલ ઓફ કલર > નોન-આફ્રિકન ફિમેલ ઓફ કલર > આફ્રિકન મેલ > આફ્રિકન ફિમેલ > LGBTQ ઓફ કલર. ત્યાર પછી દેશ પ્રમાણે આ hierarchy બદલાતી રહે છે. પણ દુનિયાનાં મોટાં ભાગનાં સ્થળોમાં જે-તે દેશનાં મેજોરીટી ધર્મ/સંપ્રદાયને અનુસરતાં સ્ટ્રેઇટ પુરુષ સિવાયની તમામ ઓળખ ધરાવતાં લોકો માટે રોજનાં ક્રમે જ નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટાં અન્યાયો થતાં જ રહે છે.

ફક્ત મારાં સ્ત્રી/પુરુષ/નાન્યેતર જાતિનાં હોવાને કારણે મારે શું પહેરવું, કોની સાથે રહેવું, કામ કરવું કે નહીં, કોની સામે મોં ઢાંકવું, કોને પ્રેમ કરવો, શું ખાવું, શું પીવું એ બધાં પર સમાજ અને ઘરની વ્યક્તિઓ દ્વારા અંકુશ મુકવામાં આવે એ નાનાં પાયાનું દમન છે. આવો અસ્વીકાર મોટાં પાયે જોવા મળે અને ઓળખનાં આધારે લોકોને પીડા પહોંચાડવામાં આવે અને તેમને મારી નાંખવામાં આવે ત્યારે એ જુલમ કહેવાય છે. દુનિયામાં થતાં તમામ પ્રકારનાં ઘટિયામાં ઘટિયા સામાજિક અન્યાયો અને દમન પાછળ પણ પોતાનાં ફાયદા માટે કે પોતાનાં અહંકારને પંપાળવા ખાતર લોકોની અલગ અલગ ઓળખનો અસ્વીકાર કરીને તેમને હેરાન કરવાની જ માનસિકતા રહેલી છે.

સાઉદી અરેબિયામાં સ્ત્રીને કાર ન ચલાવવા દેવામાં આવે, અમેરિકામાં કાયદેસર વિઝા/રેસિડન્સી સાથે રહેતાં નાગરિકોને એરપોર્ટ પર ‘ટેરરિઝમ’નાં નામે હેરાન કરવામાં આવે, ભારતીય ઉપખંડમાં ધર્મ અનેપ્રતિષ્ઠાનાં નામે લોકોને પોતાની મરજીની વ્યક્તિ સાથે રહેવા, પરણવા પર મારી નાંખવામાં આવે, એશિયન સંતાનો પર સતત મેડિકલ અને એન્જીનિયરિંગ લેવા બાબતે દબાણ થતું રહે, સીરિયામાં વહાબી ઇસ્લામ ન અપનાવવા પર મારી નાંખવામાં આવે આ બધાંની પાછળ એક જ માનસિકતા રહેલી છે. આ દમનનો વિરોધ કરનારાંને કહેવામાં આવે ‘એક્ટિવિસ્ટ’. એક્ટિવિઝમ શું છે? લોકોને તેમની નિર્દોષ ઓળખ પ્રમાણેનું જીવન જીવવા દેવામાં આવે એ માટે કરવામાં આવતું કામ જ તો. શું આ કામ સમાજસેવા નથી? બિલકુલ છે!

લોકોને તેમની ઓળખની રક્ષા કરવામાં મદદ કરવા માટે ફુલ-ટાઈમ એક્ટિવિસ્ટ હોવું જરૂરી નથી. તેની શરૂઆત ઘરથી જ થાય છે. કનૈયાલાલ મુનશીનું તેમની સ્ત્રીનાં શિક્ષણ માટે લડવું, મારી મમ્મીને માથે ઓઢવાની ફરજ પાડવામાં આવે ત્યારે મારાં પિતા દ્વારા કરવામાં આવતો વિરોધ અને ‘તેને જે ગમશે તે પહેરશે’ એક્ટિવિઝમ જ તો છે. એ નાના પાયે થતી સમાજસેવા છે.આપણે ‘સંસ્કૃતિ’નો આંચળો ઓઢીને બેઠેલાં આવાં કેટલાં પૂર્વગ્રહોને ઓળખી શકીશું? આપણે બાકીનાં સમાજની અપેક્ષાએ પોતાનાં અદ્રશ્ય ‘વિશેષાધિકાર (privilege)’ને જોઈ શકીશું? ખાનદાની જાગીર, ઉચ્ચ વર્ણમાં જન્મ, પુરુષ જાતિ આ બધાં જૂદી જૂદી જગ્યાએ આજે પણ આપણાં સમાજમાં અદ્રશ્ય રીતે વિશેષાધિકાર રૂપે કામ કરે છે. આ બધાં વિશેષાધિકારોનાં કારણે લઘુમતી કે ઓપોઝિટ જેન્ડરને થતાં અન્યાયોને આપણે જોઈ નથી શકતાં હોતાં અને ફક્ત આપણને તેવો અનુભવ નથી થયો માટે એ અન્યાય અસ્તિત્ત્વ નથી ધરાવતો તેવું માની લેતાં હોઈએ છીએ. આપણે અભાનપણે જ ઘણી વખત પૂર્વગ્રહોથી પ્રેરિત નિર્ણયો લેતાં હોઈએ છીએ. તેનાં માટેનો શબ્દ છે ‘unconscious bias’. આપણે પોતાનાં કેટલા આવાં ‘unconscious bias’ વિષે સભાન થઇ શકીશું અને તેનાં કારણે અન્યોને હાનિ ન થાય તેનું ધ્યાન રાખી શકીશું? જો આટલું કરી શકીએ તો પણ માનવજાતિની બહુ મોટી સેવા થઇ જાય.

What if

નિબંધ

મારાં જીવનનાં વિવિધ ભાગો મને હંમેશા એક નવી દુનિયા જેવાં લાગ્યાં છે. એકદમ સાઈ-ફાઈની જેમ. ત્રણ-ચાર-પાંચ અલગ અલગ દુનિયાઓ, તેનાં અલગ અલગ લોકો જે એકબીજાથી બિલકુલ અજાણ છે અને હું આ બધી દુનિયાઓમાં આવતી-જતી રહું છું. મારી જેમ તમારી બધાની પણ અલગ અલગ દુનિયાઓ છે અને તમે પણ તમારી બધી જ જૂદી જૂદી જિંદગીઓમાં વહેતી એકમાત્ર ‘કોમન થીમ’ હશો. એક દુનિયા કામની (અને જેટલી અલગ અલગ જગ્યાઓએ કામ કર્યું હોય એ દરેકની અલગ દુનિયા), એક દુનિયા તમારી જન્મ-ભૂમિની, એક તમારી કર્મભૂમિ/ઓની, એક સ્કુલની, એક તમારાં શોખ સંબંધી, વગેરે. માતા-પિતા, પાર્ટનર અને બેસ્ટ ફ્રેંડ્સ પણ આમાંની થોડી દુનિયાઓથી માહિતગાર હશે. પણ આ દરેક જગ્યા, ત્યાંનાં લોકો અને ત્યાંનો માહોલ તો કદાચ તેમણે પણ નહીં જોયા હોય.

મને ઘણી વખત આ વિચાર આવ્યો છે કે, આમાંની કેટલીક દુનિયાઓ એકસાથે ભેગી કરી શકાતી હોત તો કેવું હોત! મારાં સાન ફરાનસિસ્કોનાં પોએટ્રી મીટઅપનાં લોકો પર્થનાં ટેમ્પલ ઓફ ફાઈન આર્ટ્સ – જ્યાં હું ડાન્સ શીખતી, એ લોકોને મળી શકત તો? તેનાંથી પણ આગળ – જો આ બંને પ્રવૃત્તિઓ એક છત નીચે (અલબત્ત જૂદા જૂદા દિવસો/સમય પર) ચાલતી હોત તો કેવું હોત! શું ત્યાંનાં સંગીતકારો અને નર્તકો આ કવિતાપ્રેમીઓ સાથે મળીને કોઈ સર્જન કરત? મારાં પર્થ અને સાન ફ્રાન્સિસ્કોનાં ડાન્સ ટીચર્સ એકબીજાંને મળત તો શું થાત? શું મારાં ત્યાંનાં ગુરુ અને અહીંનાં ગુરુ એકબીજા પાસેથી કઈં શીખત? બંનેનાં વિચારોમાં મતભેદ હોત? આ તો જો કે, ખરેખર થવાની શક્યતા પણ છે. કારણ કે, મારાં બંને ગુરુનાં ગુરુ સમાન છે એટલે બની શકે કે, તેઓ બંને એક છત નીચે મળે. આ તો થઇ સમાન વૃત્તિઓ કે રસ ધરાવતાં લોકોનાં મળવાની વાત. પણ આવું મને ઘણી વખત અમુક ચોક્કસ વ્યક્તિઓ અને મારાં જીવનની દિશા બાબતે પણ સૂઝયું છે.

મારાં પ્રાઈમરી અને હાઈસ્કૂલનાં શિક્ષકો – ખાસ હાઈસ્કૂલનાં વિજ્ઞાન-ગણિતનાં ટીચર મારી ઑસ્ટ્રેલિયાની અને પછી અમેરિકાની જિંદગીનાં તમામ ભાગો જોઈ શકત તો પણ એ આજથી દસ વર્ષ પહેલાં મારાં વિષે જે વિચારતાં એ જ આજે પણ વિચારે? શું મારાં વિશેનાં તેમનાં અભિપ્રાયો અને એ કારણોસર અમારાં સંબંધમાં કઈં ફર્ક પડત? એ જ રીતે મારાં દરેક બોયફ્રેન્ડ્સ જો તેમનાં મારાં જીવનમાં આવ્યા પહેલાંની મારી જિંદગી જોઈ શકત તો અમારાં સંબંધમાં કેવાં કેવાં ફેરફાર આવત? શું તેઓ એ જોયા-જાણ્યાં પછી પણ મારી સાથે રહેત? કે પછી શું અમારો સંબંધ વધુ ગાઢ બની જાત? મારાં માતા-પિતા અમેરિકા આવ્યા પહેલાંનાં બે વર્ષની ઑસ્ટ્રેલિયાની મારી દુનિયા જોત તો શું હું અમેરિકા આવી હોત કે પછી ભારત પાછી ચાલી ગઈ હોત?

આ તમામ ‘what if’નાં દરેક વિકલ્પોમાંથી એક આખું ‘alternate universe’ નીકળી આવે છે. ફક્ત એક ઘટના બદલી જાય તો તેની અસર (knock-on effect)થી મારી એ ઘટના પછીની જિંદગીનો પ્રવાહ બિલકુલ અલગ દિશામાં વાળ્યો હોત. આ નાની નાની ઘટનાઓ અને તેનાં વિષેનાં ‘what ifs’ સિવાયનાં કેટલાંક પ્રેક્ટિકલ ‘what ifs’ કે, જેનાં પાર ખરેખર અમલ કરીને જીવનની દિશા બદલી શકાય છે એ પણ મારાં મનમાં ઘણી વાર આવતાં રહે છે. ક્યારેક વિચારું છું મારી રેગ્યુલર જોબ અને કરિયર છોડીને આર્ટ અને ડાન્સ ફુલ ટાઈમ કરું તો? ભારત પાછી ફરીને માતા-પિતા સાથે રહીને આ કામ કરીને જોઉં અને એ માટે મારી જાતને દોઢ-બે વર્ષ જેટલો સમય આપું તો? કે પછી ઓસ્ટ્રેલિયા પાછી ફરીને આ કામ પાર ધ્યાન આપું તો? દોઢ-બે વર્ષ આર્ટ પાર બિલકુલ ધ્યાન ન આપું અને ફક્ત ડાન્સ અને ટેક્નોલૉજી પર ધ્યાન આપું તો? ફરીથી કોઈ નવા દેશમાં રહેવા અને કામ કરવાનો પ્રયત્ન કરું તો?

આ બધું જ એક પછી એક કરી જોઉં તો?

ટ્રમ્પનું અમેરિકા (અને વિશ્વ)

નિબંધ

છેલ્લાં એક અઠવાડિયામાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે મેં મારી જાતને પ્રશ્ન ન કર્યો હોય કે, હું કેમ હજુ પણ અહીં છું? આ દેશ અને તેનાં અંતિમ કક્ષાનાં ઘટિયા પ્રોપગાન્ડાને કેમ મારાં ટેક્સિસ વડે સપોર્ટ કરી રહી છું?! સૈદ્ધાંતિક જવાબદારી અને અંગત સપનાંઓનો આટલો મોટો આંતરિક વિગ્રહ મેં પહેલાં ક્યારેય નથી અનુભવ્યો. અત્યારની અમેરિકાની અને વિશ્વની રાજકીય હાલત પર આપણે ત્યાં લખાયેલાં આર્ટિકલ્સ અને જોક્સ વાંચીને તો કેટલી બધી વખત તો રાડો પાડવાનું મન થાય છે. અમેરિકા આપણો દેશ નથી અને ભારતીયોએ ભારતની ચિંતા કરવી જોઈએ – સાચું. પણ એવો આગ્રહ કે ભારતીયોએ ભારતની જ ચિંતા કરવી જોઈએ? Are you frikking insane?! અમેરિકાનાં રાજકારણની અસર બાકીની દુનિયા પર કેટલી જબરદસ્ત છે એ તમને દેખાતું નથી? શું તમે એમ માનો છો કે આની અસરથી આપણે મુક્ત રહી શકવાનાં અને આપણાં રાજકારણીઓ આજે નહીં તો કાલે રાજકારણમાં આવી ભયંકર રીતો નહીં અપનાવે?

બીજી અગત્યની વાત – એ તમામ લોકો જે ‘લો, અમેરિકાએ જ ચૂંટણી કરીને ઉમેદવાર ચૂંટ્યો અને હવે એ લોકો જ તેનાં વિરુદ્ધ દેખાવ કરી રહ્યાં છે!’ જેવાં વિધાનો કરતી જનતા માટે. અમેરિકામાં ચૂંટણીઓ કઈ રીતે કામ કરે છે તેનો તમને જરા પણ ખ્યાલ હોય તેવું મને બિલકુલ નથી લાગતું. પોપ્યુલર વોટ – એટલે કે, ફક્ત એક એક મતની જ ગણતરી થાય કોણ જીત્યું એ જોવા માટે તો હિલેરી ક્લિન્ટન જીતી છે. પણ, અમેરિકાની રાજકીય સિસ્ટમ એટલી સીધી નથી. અહીં દરેક રાજ્યને અમુક સંખ્યામાં પ્રતિનિધિઓ આપવામાં આવ્યાં છે અને આ પ્રતિનિધિઓની સંખ્યા એ રાજ્યોની વસ્તીનાં પ્રમાણમાં નથી. જે ખાટલે મોટી ખોડ છે. આ કારણે, આખી ચૂંટણી કોણ જીતશે તેનો તમામ મદાર ફક્ત છથી સાત રાજ્યોમાં કોણ જીતે છે તેનાં પર રહે છે. એટલે, તમારું ઉપરોક્ત વિધાન કે માન્યતા સદંતર ખોટાં છે. Do your homework first! સૌથી પહેલાં આ વાંચો. અને . અને આ પણ

ટ્રમ્પે ફક્ત એક જ અઠવાડિયામાં ઘણું બધું બગાડી નાંખ્યું છે. ક્લાઈમેટ ચેન્જ/ગ્લોબલ વૉર્મિંગને તેણે નકાર્યું તો હતું જ. પણ, હવે તો અહીંની એન્વાયરમૅન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA)ને સંશોધન માટે મળતી ગ્રાન્ટ પણ બંધ કરી દીધી છે અને તેમનાં વૈજ્ઞાનિકો દ્વારા બહાર પાડવામાં આવતો data પણ રાજકારણીઓની સમીક્ષા હેઠળ જઈને જ બહાર પડી શકશે તેવો હુકમ બહાર પાડ્યો છે. આનો સીધો મતલબ થાય છે કે, આ માહિતીને એ લોકો જેમ જોઈએ તેમ તોડી/મરોડી શકશે.  કોર્પોરેશન્સનાં હિતમાં, લાંચ લઈને રાજકારણીઓએ જનતાની સલામતી વિરુદ્ધ કામો કર્યા હોય તેવું કેટલાંને યાદ નથી? અને ગ્લોબલ વૉર્મિંગ અને કલાયમેટ ચેન્જને રોકવા માટે થતાં સંશોધન અને પ્રયોગોને મળતું ફંડ અહીં બંધ થઇ જશે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. વીસમી સદીનાં શરૂઆતનાં દશકામાં આવો એક ભયંકર પ્રસંગ બની ગયેલો પણ છે. Robert Kehoe નામનાં એક પેટ્રોલ કંપનીનાં કર્મચારી એવાં એક વૈજ્ઞાનિકે દશકો સુધી કહ્યા રાખ્યું કે, પેટ્રોલમાં ભેળવાતું લેડ હાનિકારક નથી. (વધુ માહિતી) જો આ ચાલ્યાં જ કર્યું હોત તો દુનિયા અત્યારે પણ કદાચ લેડનાં ઝેરથી સબડતી હોત. આ કારણથી પણ જેટલો બને તેટલો વૈશ્ચિક કક્ષાએ (ખાસ અમેરિકામાં રહેતાં લોકો માટે) ટ્રમ્પ અને તેની પોલિસીનો વિરોધ કરવો ખૂબ ખૂબ ખૂબ અગત્યનો છે.

આવો જ બીજો અગત્યનો મુદ્દો છે ગર્ભનિરોધક સાધનો વિરુદ્ધનાં બિલનો. આ વ્યક્તિએ સ્ત્રીઓ વિષે બેફામ બોલવાને ‘નોર્મલ’ તો બનાવી જ દીધું છે. એ ઉપરાંત દુનિયાનાં ‘ડેવલપિંગ’ દેશોમાં – ખાસ કરીને આફ્રિકાનાં દેશોમાં જ્યાં અમેરિકા દ્વારા ગર્ભનિરોધક સાધનો અને અબોર્શન વિષે માહિતી પૂરાં પાડવા માટે ફન્ડ મોકલવામાં આવતું હતું એ બંધ કરાવી દીધું છે. અમેરિકામાં પણ પ્લાન્ડ પેરેન્ટહુડ નામની સંસ્થા જે આ જ પ્રકારનું કામ કરી રહી હતી, તેને મળતી મૂડી રોકી દેવામાં આવી છે. વધુ માહિતી માટે આ વાંચો.

અને આ બધાં પછીનો સૌથી ખતરનાક મુદ્દો. મુસ્લિમ બાન. ઈરાન, ઇરાક, સીરિયા સહિતનાં સાત દેશોમાં જન્મેલી વ્યક્તિઓને ગ્રીન કાર્ડ હોવા છતાં પણ ફક્ત તેમનાં મુસ્લિમ હોવાને કારણે અમેરિકા પાછાં ફરવા દેવામાં નહીં આવે. આ બાનની વિરુદ્ધ હાલ આ લખી રહી છું ત્યારે અહીંનાં તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પાર દેખાવો થઇ રહ્યાં છે. આ બંધ ઊઠાવી લેવામાં આવે તો પણ આ માહિતીનો ઉપયોગ કરીને આતંકવાદીઓ વધુ ને વધુ યુવાનોને ભડકાવી શકશે. શું તેની અસર પૂરી દુનિયામાં નહીં દેખાય? બિલકુલ દેખાશે. આ ઉપરાંત આવી નીતિઓનું પરિણામ દુનિયાને આવતાં થોડાં જ વર્ષોમાં ફરીથી યુદ્ધ તરફ ન લઇ જાય તો જ નવાઈ. આ માટે પણ ટ્રમ્પ અને અમેરિકાની અત્યારની સરકારનો વૈશ્ચિક સ્તરે વિરોધ થાય એ બધાંનાં હિતમાં છે. આ વિષય પર વધુ માહિતી માટે આ વાંચો .

ચાલો થોડી વાર માટે દુનિયાને ભૂલી જઈએ અને ફક્ત આપણાં દેશની વાત કરીએ. આજની તારીખે પણ ફક્ત ટ્રમ્પની મુસ્લિમ-વિરોધી નીતિને કારણે તેનાં વિજયનો ખુલ્લેઆમ આનંદ માનાવનારાં કેટલાંયે રાજકારણીઓ છે. અમેરિકામાં રહેતાં અમુક ભારતીયોએ તો ટ્રમ્પનાં સમર્થનમાં પ્રોગ્રામ ગોઠવ્યાં હતાં અને ફક્ત ટેક્સનાં પાંચ પૈસા બચશે એ માટે આ વ્યક્તિને મત આપવામાં પણ કોઈ જ છોછ નહોતો અનુભવ્યો. આવાં અમુક હઠધર્મીઓ અને right wing extremist આપણાં દેશને પણ આવી જ ખતરનાક દિશામાં ખેંચી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું રહ્યું.

સો વાતની એક વાત – મારાં માટે જો તમારાં જાણીતાંમાં કોઈ ટ્રમ્પનો વિરોધ ‘ફેશન’ કે ‘ટ્રેંડ’ સમજીને પૂરી સમજ વિના પણ કરતાં હોય તો એ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આવકાર્ય છે. આ પરિસ્થિતિમાં મારાં મતે આપણાં જેવાં દેશોએ આમાંથી લેવાનાં બે સૌથી અગત્યનાં પાઠ –

  • ફક્ત ‘પોલિટિકલ કરેક્ટનેસ’ ખાતર અને ‘આપણને કે આપણાં સંબંધીઓને હાનિ નથી થતી તો આપણે શું’ની નીતિથી જો આપણે અગત્યનાં સામાજિક હિતનાં મુદ્દાઓ પર મૌન સેવ્યા કરીશું તો જ્યારે બોલવાનો સમય આવશે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હશે.
  • આવી પરિસ્થિતિઓથી બચવાની સૌથી મોટી ચાવી શિક્ષણ છે. જો તમારી પાસે સમાજને આપવા માટે સમય કે મૂડી હોય તો તેને સૌથી પહેલાં શિક્ષણક્ષેત્રે ફાળવવાનું વિચારજો.
  • ડિપ્લોમસી આંટા-ઘૂંટીવળી અને અઘરી વસ્તુ છે. વર્ષોથી આપણે બધાં જ અઘરી કાયદાકીય ભાષાથી કંટાળેલાં છીએ. પણ, મહેરબાની કરીને યાદ રાખો (અને રખાવો) કે, ડિપ્લોમસી અને એ ‘અઘરી’ ભાષા અગત્યની છે. કાયદો એવી વસ્તુ છે જેમાં વિવિધ અર્થઘટનોની ઓછાંમાં ઓછી સંભાવના હોઈ શકે અને એટલે જ બહુ ચોક્કસ શબ્દો વાપરવાં જરૂરી હોય છે. ખાસ આજની વધુ ને વધુ જોડાયેલી ‘complicatedly interconnected’ દુનિયામાં. દેશ અને દુનિયાની લગભગ તમામ મોટી સમસ્યાઓમાં અમુક કલાકોનાં પ્રવચનોમાં ન આવરી શકાય તેટલાં પરિબળો કામ કરતાં હોય છે. નેતાઓની કક્ષાનાં લોકો પાસેથી સીધા, ટૂંકા જવાબો/વાણીપ્રહારો મેળવવાં ફક્ત કાનને ગમશે – જેમ અમેરિકાનાં કાનને ગમ્યાં તેમ. પણ, આવાં નેતાઓ અને તેમની વાણી જ યુદ્ધો પણ કરાવશે એ ભૂલવું નહીં.
  • ધાર્મિક આત્યંતિકતાને તેની શરૂઆત થતી દેખાય ત્યાં જ ખુલ્લી પાડીને તેનો વિરોધ કરવામાં આવે એ આપણાં બધાંનાં હિતમાં છે. આ કામની શરૂઆત આપણે પોતાનાં ઘરથી જ કરી શકીએ તો તેનાંથી ઉત્તમ બીજું કઈં જ નથી.
  • અમેરિકા ઓછામાં ઓછું એટલું સજાગ છે કે, સુંદર પીચાઈથી માંડીને બ્રાયન ચેસ્કી જેવાં મોટી મોટી કંપનીઓનાં સીઈઓ જ્યાં ખોટું થઇ રહ્યું હોય ત્યાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પણ બોલી શકે છે. અહીં હજુ સ્વતંત્ર મીડિયા નામની વસ્તુ બાકી છે જે સાચી માહિતિ સાચા સમયે લોકો સુધી લોકોને સમજાય તેવી ભાષામાં પહોંચાડે છે. શું કામ? સામાજિક જવાબદારી ખાતર. લોકો એટલા સજાગ છે કે, એ માહિતિ મળ્યાં પછી જરૂરી એક્શન લે છે. પોતાનાં લોકલ પ્રતિનિધિઓને પોતાનો વિરોધ દર્શાવવા માટે ફોન કરે છે, રેલીઓ અને દેખાવોમાં હાજરી આપે છે. હિન્દુસ્તાનમાં છેલ્લે આવું ક્યારે બન્યું હતું? આપણને પૂરી ખબર પણ છે કે આપણાં દેશમાં શું થઇ રહ્યું છે અને શું ન થવું જોઈએ? અને ખબર પડે તો પણ આપણે આટલી ઝડપથી એકઠાં થઈને આટલાં વ્યવસ્થિત વિરોધ કરી શકીશું? પાણી આવશે ત્યારે પાળ બાંધવા નહીં જઈ શકીએ. એટલે અત્યારથી જ વિચારવા લાગીએ? અને જરૂરી કામ કરવા લાગીએ? વધુ ને વધુ લોકો સાથે આ બાબતે વાત કરવા લાગીએ? સામાજિક જવાબદારી આપણે ફક્ત અન્યો માટે નથી નિભાવવાની હોતી. એ નિભાવવાનાં ફાયદા આપણને અને/અથવા આપણાં પછીની આપણી જ પેઢીઓને મળતાં હોય છે.

અને અંતે તમને સમય મળે ત્યારે વાંચવા જેવો આ નિબંધ: https://chomsky.info/19670223/

 

Those who cannot remember the past are condemned to repeat it. – George Santayana

મોન્ટ્રિયાલ – 2

કેનેડા, મોન્ટ્રિયાલ

પછીનાં દિવસે અમે આખો દિવસ ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલમાં વિતાવવાનું નક્કી કર્યું હતું એટલે ત્યાં પહોંચીને કાર પાર્ક કરીને નાશ્તા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા.

મને યેલ્પમાં એક સારી જગ્યા મળી પણ અમને તેની દિશા શોધવામાં થોડી વાર લાગી. રસ્તામાં સૌરભે કંટાળીને એક અન્ય જગ્યાએ અંદર જવાનું નક્કી કર્યું અને હું એક ટોપ-રીવ્યુવળી જગ્યાએ જ જવાની જીદ પકડીને બેઠી હતી. પાંચ સેકન્ડ પછી મોં ઉપર કરીને નામ જોયું તો અમે તે જ જગ્યાએ જતાં હતાં. એ સ્થળે મેં અત્યાર સુધીમાં ખાયેલી સારામાં સારી સેવરી પેનકેક ખાધી હતી. મારી મિત્ર ઍનાએ મને મેસેજ કરીને જણાવ્યું હતું કે, અમે બે વાગ્યે મળીશું એટલે અમે અમારી મરજી પ્રમાણે રખડવાનું શરૂ રાખ્યું અને એ ઑલ્ડ ટાઉન પહોંચી જાય પછી અમે જ્યાં હોઇએ ત્યાં એ અમને મળવા આવવાની હતી. નાશ્તા પછી અમે નોત્રે દામ બેસિલિકા તરફ ચાલવા લાગ્યાં.

રસ્તામાં એક સુંદર નાની માર્કેટ હતી ત્યાં લગભગ પોણી કલાક રોકાઈ ગયા.

એક દુકાનમાં હું અમસ્તી ટાઈમપાસ કરતી હતી અને સનગ્લાસિસ ટ્રાય કરતી હતી. તો સૌરભ દોઢ-ડાહ્યો કહે, “આ શું બકવાસ ટ્રાય કરસ, આની ફેશન બે વરસ પે’લા ગઈ.” પછી બીજાં આપીને કહે આ લે આ ટ્રાય કર. એ મારા પર સારા લાગતા હતાં તો મને પૂછ્યા વિના એ સૌરભે ખરીદી લીધા. મેં તેને ચીડવતા કહ્યું, “હું સાન ફ્રાન્સીસ્કો જઈને બધાંને કહીશ કે, મારાં ભાઈએ મને મસ્ત સનીઝ લઈ દીધાં.” એ પછી અમે એક એંટીક ચીજોની દુકાનમાં નજર ફેરવી. ત્યાંથી મેં બે સુંદર કી-ચેઇન ખરીદ્યાં. એ કી-ચેન પિત્તળની જૂનાં કોઈ તાળાની મોટી ચાવીનાં આકારનાં હતાં અને તેનાં હાથા પર પર સુંદર કોતરણી કરેલી હતી. એ શોપમાં જૂના કૅમેરા, જૂની સૂટકેસિસ વગેરે જોવાનું એટલું બધું હતું કે, ન પૂછો વાત! એ એક શોપમાં અમે લગભગ અડધી પોણી કલાક કાઢી અને ત્યાંથી સીધા બેસિલિકા પહોંચ્યા. બેસિલિકાની બનાવટ ગોથિક સ્ટાઇલની હતી. એ દિવસ સુધી જોયેલાં તમામ ચર્ચિસની સરખામણીએ એ એટલું અલગ હતું કે, ન પૂછો વાત! તેનું વર્ણન કરવા માટે જ એક આખી પોસ્ટ જોઈએ એટલે તેનાં તો ફોટોઝ જ માણો!

એ જગ્યા અમે લગભગ પૂરી જોઈ લીધી હતી ત્યાં મારી મિત્ર ઍના આવી. તેની સાથે અમે નજીકમાં આઈસ-ક્રીમ ખાવા ગયા. મારા મિત્રો ડેવિડ અને માજિદ સાથે હું એક વખત એક્સ્પ્લોરેટેરિયમ ગઈ હતી ત્યારે અચાનક માજિદ તેની સાથે વાત કરવા લાગ્યો હતો અને પછી આખી સાંજ એ અમારી સાથે ફરી હતી. એ રીતે અમે મિત્રો બન્યા હતા. એ સમયે તે ટ્રાવેલ કરી રહી હતી અને એ દિવસ સાન ફ્રાન્સિસ્કોમાં તેનો છેલ્લો દિવસ હતો. એ દિવસે ફરી મળ્યાં ત્યારે હું તેનાં શહેરમાં ટ્રાવેલ કરી રહી હતી. :) તે એક કાફૅમાં કામ કરતી હતી અને ચાર વાગ્યે તેને કામ પર જવાનું હતું એટલે તેણે આઈસક્રીમ ખાઈને રાજા લીધી અને અમને તેનાં કાફૅ પર સાંજે જમવા/ડ્રિંક્સ માટે આવવાનું કહ્યું હતું.

ઍના ગઈ પછી અમે એક શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરફ ગયાં. ત્યાંથી મેં એક શોર્ટ્સ અને બે પેર શૂઝ ખરીદ્યાં. ત્યાર પછી અમે મોન્ટ્રિયાલનાં ચાઇનાટાઉનમાં આંટો માર્યો અને જમવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. છ જ વાગ્યા હતાં પણ સૌરભને કકડીને ભૂખ લાગી હતી. અમને બંનેને ફરી ભારતીય જમવાનું જમવાનું મન થયું હતું એટલે અમે યેલ્પ ખોલીને બેઠા. ત્યાંથી નજીક બે-ત્રણ રેસ્ટ્રોં હતાં પણ, તેમાંથી જેનાં રીવ્યુ સૌથી સારાં હતાં એ થોડું દૂર હતું. અમે એ તરફ ચાલવાનું શરૂ તો કર્યું પણ, પછી અમને બંનેને થાક લાગ્યો હતો એટલે સૌરભ કહે ભલે બીજી જગ્યાનાં રીવ્યુ એટલા સારા ન હોય તો પણ આપણે ત્યાં જ જઈએ.

એ જગ્યાનું નામ હવે હું ભૂલી ગઈ છું. એક નાના દરવાજામાંથી ત્યાં ઉપર જવાતું હતું. કોઈનાં ઘરને પાડીને ત્યાં રેસ્ટોરાં બનાવ્યું હોય તેમ લાગતું હતું. અમે અંદર ગયાં ત્યારે કોઈ અન્ય લોકો નહોતાં. ફક્ત તેનાં માલિક પતિ-પત્ની અને તેમની એક દસેક વર્ષની દીકરી. અમારો ઓર્ડર તેમની દીકરીએ લખ્યો. એ લોકો કશ્મીરી હોય તેવું લાગતું હતું. રેસ્ટોરાંમાં અંદર જતાં તરત જ તેમનું રસોડું દેખાતું હતું. જમવાનું એ બહેને બનાવ્યું હતું. મારા માટે થોડું વહેલું હતું એટલે મને ખાસ કઈં ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં સૌરભ સાથે કુલ્ચા શેર કરવાનું નક્કી કર્યું. કુલ્ચાનું પહેલું બટકું મોંમાં નાંખતા જ મારાં મોંમાં જાણે સ્વાદનો વિસ્ફોટ થયો! તેવા કુલ્ચા મેં આજ સુધી ક્યાંય નથી ખાધાં!

સૌરભને પણ જમવાનું એટલું ભાવ્યું હતું કે, તેણે ત્યાં જ જમવાનું પતાવવાનું મને સૂચવ્યું એટલે અમે એક વધુ કુલ્ચા અને સબ્જી મંગાવી. ત્યાંથી અમે એક ઓપન ટૅરેસ બારમાં ગયા.

ત્યાં થયેલી એક વાત મને હજુ પણ નથી ભૂલાઈ. અમે સૌરભનાં સગા નાના ભાઈનાં કોલેજ ઍડ્મિશન અને તેની અનોખી કરિયર ચોઈસ વિશે વાત કરતા હતા. સૌરભનું કહેવું હતું “સારું. પરિવારમાં કોઈ તો પૈસા કમાશે” અને મારું કહેવું હતું કે, આજની તારીખે ભારતમાં એ બહુ જોખમી કરિયર ચોઈસ છે કારણ કે, તેમાં જીવનું જોખમ છે. સૌરભે એ નાની વાત પર મારો મુદ્દો સમજવાને બદલે મારો ઊધડો લેવાનું શરૂ કર્યું હતું,
“તું બધી વાતમાં આટલી ડરે છે શું કામ?”
“હું કઈં ડરતી નથી. જો ડરતી હોત તો આજે જ્યાં છું ત્યાં ન હોત.”
“રે’વા દે. ડરે જ છે. ડરતી ન હોત તો પે’લા દિવસે બ્રેકઅપ થઈ જશે તો એમ વિચારીને રડતી ન હોત. એને જવા દીધો હોત.”
મારી પાસે આનો કોઈ જવાબ નહોતો.

ત્યાર પછી અમે નદીકિનારે ફર્યા અને એ શહેરની સુંદરતા માણી.

અંતે આગલા દિવસે જોયેલાં એક બારમાં જઈને હોટેલ તરફ રવાના થયા.

એક રાત્રિ માટે અમારે હોટેલ બદલવાની હતી અને નવી હોટેલ શોધવાની હતી. અમે જે શોધી હતી એ હોટેલ એક અપાર્ટમેન્ટ હોટેલ હતી. ત્યાં રિસેપ્શન પર રાત્રે કોઈ નહોતું. અમે રિસેપ્શનનાં ફોનમાંથી ફોન કર્યો ત્યારે એક માણસ ચાવી લઈને નીચે અમને ચાવી આપવા આવ્યો. એ બિલ્ડીંગમાં લિફ્ટ નહોતી. અમે સામાન ઉપાડીને ઉપર ગયા. એ-બે બિયર પીધી, થોડી વાર રહીને પિઝા મંગાવ્યો અને પછી ઊંઘી ગયા. સવારે ચાર વાગ્યા આસપાસ મારી ઊંઘ ઊડી ગઈ. ઊઠીને ગરમી ખૂબ થતી હતી. જોયું તો એર-કન્ડિશનર બંધ હતું. પાવર-સપ્લાય કટ થઈ ગયો હતો અને ઓછામાં ઓછી અડધી કલાક સુધી કટ રહ્યો હતો. નોર્થ અમેરિકામાં પાવર-કટનો અનુભવ કર્યાનો એ પહેલો પ્રસંગ હતો. પણ, સાથે સાથે એ હોટેલનાં રિસેપ્શનનાં અનુભવ પરથી જોઈએ તો મને એ કટ વિષે બહુ આશ્ચર્ય નહોતું થયું.

એ દિવસે આઠ વાગ્યાની મારી ફ્લાઈટ હતી એટલે સવા છ વાગ્યે અમે હોટેલથી નીકળ્યા. સૌરભ મને એરપોર્ટ ડ્રોપ કરીને સીધો જ ટોરોન્ટો જવા નીકળી ગયો.