ટ્રમ્પનું અમેરિકા (અને વિશ્વ)

નિબંધ

છેલ્લાં એક અઠવાડિયામાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે મેં મારી જાતને પ્રશ્ન ન કર્યો હોય કે, હું કેમ હજુ પણ અહીં છું? આ દેશ અને તેનાં અંતિમ કક્ષાનાં ઘટિયા પ્રોપગાન્ડાને કેમ મારાં ટેક્સિસ વડે સપોર્ટ કરી રહી છું?! સૈદ્ધાંતિક જવાબદારી અને અંગત સપનાંઓનો આટલો મોટો આંતરિક વિગ્રહ મેં પહેલાં ક્યારેય નથી અનુભવ્યો. અત્યારની અમેરિકાની અને વિશ્વની રાજકીય હાલત પર આપણે ત્યાં લખાયેલાં આર્ટિકલ્સ અને જોક્સ વાંચીને તો કેટલી બધી વખત તો રાડો પાડવાનું મન થાય છે. અમેરિકા આપણો દેશ નથી અને ભારતીયોએ ભારતની ચિંતા કરવી જોઈએ – સાચું. પણ એવો આગ્રહ કે ભારતીયોએ ભારતની જ ચિંતા કરવી જોઈએ? Are you frikking insane?! અમેરિકાનાં રાજકારણની અસર બાકીની દુનિયા પર કેટલી જબરદસ્ત છે એ તમને દેખાતું નથી? શું તમે એમ માનો છો કે આની અસરથી આપણે મુક્ત રહી શકવાનાં અને આપણાં રાજકારણીઓ આજે નહીં તો કાલે રાજકારણમાં આવી ભયંકર રીતો નહીં અપનાવે?

બીજી અગત્યની વાત – એ તમામ લોકો જે ‘લો, અમેરિકાએ જ ચૂંટણી કરીને ઉમેદવાર ચૂંટ્યો અને હવે એ લોકો જ તેનાં વિરુદ્ધ દેખાવ કરી રહ્યાં છે!’ જેવાં વિધાનો કરતી જનતા માટે. અમેરિકામાં ચૂંટણીઓ કઈ રીતે કામ કરે છે તેનો તમને જરા પણ ખ્યાલ હોય તેવું મને બિલકુલ નથી લાગતું. પોપ્યુલર વોટ – એટલે કે, ફક્ત એક એક મતની જ ગણતરી થાય કોણ જીત્યું એ જોવા માટે તો હિલેરી ક્લિન્ટન જીતી છે. પણ, અમેરિકાની રાજકીય સિસ્ટમ એટલી સીધી નથી. અહીં દરેક રાજ્યને અમુક સંખ્યામાં પ્રતિનિધિઓ આપવામાં આવ્યાં છે અને આ પ્રતિનિધિઓની સંખ્યા એ રાજ્યોની વસ્તીનાં પ્રમાણમાં નથી. જે ખાટલે મોટી ખોડ છે. આ કારણે, આખી ચૂંટણી કોણ જીતશે તેનો તમામ મદાર ફક્ત છથી સાત રાજ્યોમાં કોણ જીતે છે તેનાં પર રહે છે. એટલે, તમારું ઉપરોક્ત વિધાન કે માન્યતા સદંતર ખોટાં છે. Do your homework first! સૌથી પહેલાં આ વાંચો. અને . અને આ પણ

ટ્રમ્પે ફક્ત એક જ અઠવાડિયામાં ઘણું બધું બગાડી નાંખ્યું છે. ક્લાઈમેટ ચેન્જ/ગ્લોબલ વૉર્મિંગને તેણે નકાર્યું તો હતું જ. પણ, હવે તો અહીંની એન્વાયરમૅન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA)ને સંશોધન માટે મળતી ગ્રાન્ટ પણ બંધ કરી દીધી છે અને તેમનાં વૈજ્ઞાનિકો દ્વારા બહાર પાડવામાં આવતો data પણ રાજકારણીઓની સમીક્ષા હેઠળ જઈને જ બહાર પડી શકશે તેવો હુકમ બહાર પાડ્યો છે. આનો સીધો મતલબ થાય છે કે, આ માહિતીને એ લોકો જેમ જોઈએ તેમ તોડી/મરોડી શકશે.  કોર્પોરેશન્સનાં હિતમાં, લાંચ લઈને રાજકારણીઓએ જનતાની સલામતી વિરુદ્ધ કામો કર્યા હોય તેવું કેટલાંને યાદ નથી? અને ગ્લોબલ વૉર્મિંગ અને કલાયમેટ ચેન્જને રોકવા માટે થતાં સંશોધન અને પ્રયોગોને મળતું ફંડ અહીં બંધ થઇ જશે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. વીસમી સદીનાં શરૂઆતનાં દશકામાં આવો એક ભયંકર પ્રસંગ બની ગયેલો પણ છે. Robert Kehoe નામનાં એક પેટ્રોલ કંપનીનાં કર્મચારી એવાં એક વૈજ્ઞાનિકે દશકો સુધી કહ્યા રાખ્યું કે, પેટ્રોલમાં ભેળવાતું લેડ હાનિકારક નથી. (વધુ માહિતી) જો આ ચાલ્યાં જ કર્યું હોત તો દુનિયા અત્યારે પણ કદાચ લેડનાં ઝેરથી સબડતી હોત. આ કારણથી પણ જેટલો બને તેટલો વૈશ્ચિક કક્ષાએ (ખાસ અમેરિકામાં રહેતાં લોકો માટે) ટ્રમ્પ અને તેની પોલિસીનો વિરોધ કરવો ખૂબ ખૂબ ખૂબ અગત્યનો છે.

આવો જ બીજો અગત્યનો મુદ્દો છે ગર્ભનિરોધક સાધનો વિરુદ્ધનાં બિલનો. આ વ્યક્તિએ સ્ત્રીઓ વિષે બેફામ બોલવાને ‘નોર્મલ’ તો બનાવી જ દીધું છે. એ ઉપરાંત દુનિયાનાં ‘ડેવલપિંગ’ દેશોમાં – ખાસ કરીને આફ્રિકાનાં દેશોમાં જ્યાં અમેરિકા દ્વારા ગર્ભનિરોધક સાધનો અને અબોર્શન વિષે માહિતી પૂરાં પાડવા માટે ફન્ડ મોકલવામાં આવતું હતું એ બંધ કરાવી દીધું છે. અમેરિકામાં પણ પ્લાન્ડ પેરેન્ટહુડ નામની સંસ્થા જે આ જ પ્રકારનું કામ કરી રહી હતી, તેને મળતી મૂડી રોકી દેવામાં આવી છે. વધુ માહિતી માટે આ વાંચો.

અને આ બધાં પછીનો સૌથી ખતરનાક મુદ્દો. મુસ્લિમ બાન. ઈરાન, ઇરાક, સીરિયા સહિતનાં સાત દેશોમાં જન્મેલી વ્યક્તિઓને ગ્રીન કાર્ડ હોવા છતાં પણ ફક્ત તેમનાં મુસ્લિમ હોવાને કારણે અમેરિકા પાછાં ફરવા દેવામાં નહીં આવે. આ બાનની વિરુદ્ધ હાલ આ લખી રહી છું ત્યારે અહીંનાં તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પાર દેખાવો થઇ રહ્યાં છે. આ બંધ ઊઠાવી લેવામાં આવે તો પણ આ માહિતીનો ઉપયોગ કરીને આતંકવાદીઓ વધુ ને વધુ યુવાનોને ભડકાવી શકશે. શું તેની અસર પૂરી દુનિયામાં નહીં દેખાય? બિલકુલ દેખાશે. આ ઉપરાંત આવી નીતિઓનું પરિણામ દુનિયાને આવતાં થોડાં જ વર્ષોમાં ફરીથી યુદ્ધ તરફ ન લઇ જાય તો જ નવાઈ. આ માટે પણ ટ્રમ્પ અને અમેરિકાની અત્યારની સરકારનો વૈશ્ચિક સ્તરે વિરોધ થાય એ બધાંનાં હિતમાં છે. આ વિષય પર વધુ માહિતી માટે આ વાંચો .

ચાલો થોડી વાર માટે દુનિયાને ભૂલી જઈએ અને ફક્ત આપણાં દેશની વાત કરીએ. આજની તારીખે પણ ફક્ત ટ્રમ્પની મુસ્લિમ-વિરોધી નીતિને કારણે તેનાં વિજયનો ખુલ્લેઆમ આનંદ માનાવનારાં કેટલાંયે રાજકારણીઓ છે. અમેરિકામાં રહેતાં અમુક ભારતીયોએ તો ટ્રમ્પનાં સમર્થનમાં પ્રોગ્રામ ગોઠવ્યાં હતાં અને ફક્ત ટેક્સનાં પાંચ પૈસા બચશે એ માટે આ વ્યક્તિને મત આપવામાં પણ કોઈ જ છોછ નહોતો અનુભવ્યો. આવાં અમુક હઠધર્મીઓ અને right wing extremist આપણાં દેશને પણ આવી જ ખતરનાક દિશામાં ખેંચી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું રહ્યું.

સો વાતની એક વાત – મારાં માટે જો તમારાં જાણીતાંમાં કોઈ ટ્રમ્પનો વિરોધ ‘ફેશન’ કે ‘ટ્રેંડ’ સમજીને પૂરી સમજ વિના પણ કરતાં હોય તો એ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આવકાર્ય છે. આ પરિસ્થિતિમાં મારાં મતે આપણાં જેવાં દેશોએ આમાંથી લેવાનાં બે સૌથી અગત્યનાં પાઠ –

 • ફક્ત ‘પોલિટિકલ કરેક્ટનેસ’ ખાતર અને ‘આપણને કે આપણાં સંબંધીઓને હાનિ નથી થતી તો આપણે શું’ની નીતિથી જો આપણે અગત્યનાં સામાજિક હિતનાં મુદ્દાઓ પર મૌન સેવ્યા કરીશું તો જ્યારે બોલવાનો સમય આવશે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હશે.
 • આવી પરિસ્થિતિઓથી બચવાની સૌથી મોટી ચાવી શિક્ષણ છે. જો તમારી પાસે સમાજને આપવા માટે સમય કે મૂડી હોય તો તેને સૌથી પહેલાં શિક્ષણક્ષેત્રે ફાળવવાનું વિચારજો.
 • ડિપ્લોમસી આંટા-ઘૂંટીવળી અને અઘરી વસ્તુ છે. વર્ષોથી આપણે બધાં જ અઘરી કાયદાકીય ભાષાથી કંટાળેલાં છીએ. પણ, મહેરબાની કરીને યાદ રાખો (અને રખાવો) કે, ડિપ્લોમસી અને એ ‘અઘરી’ ભાષા અગત્યની છે. કાયદો એવી વસ્તુ છે જેમાં વિવિધ અર્થઘટનોની ઓછાંમાં ઓછી સંભાવના હોઈ શકે અને એટલે જ બહુ ચોક્કસ શબ્દો વાપરવાં જરૂરી હોય છે. ખાસ આજની વધુ ને વધુ જોડાયેલી ‘complicatedly interconnected’ દુનિયામાં. દેશ અને દુનિયાની લગભગ તમામ મોટી સમસ્યાઓમાં અમુક કલાકોનાં પ્રવચનોમાં ન આવરી શકાય તેટલાં પરિબળો કામ કરતાં હોય છે. નેતાઓની કક્ષાનાં લોકો પાસેથી સીધા, ટૂંકા જવાબો/વાણીપ્રહારો મેળવવાં ફક્ત કાનને ગમશે – જેમ અમેરિકાનાં કાનને ગમ્યાં તેમ. પણ, આવાં નેતાઓ અને તેમની વાણી જ યુદ્ધો પણ કરાવશે એ ભૂલવું નહીં.
 • ધાર્મિક આત્યંતિકતાને તેની શરૂઆત થતી દેખાય ત્યાં જ ખુલ્લી પાડીને તેનો વિરોધ કરવામાં આવે એ આપણાં બધાંનાં હિતમાં છે. આ કામની શરૂઆત આપણે પોતાનાં ઘરથી જ કરી શકીએ તો તેનાંથી ઉત્તમ બીજું કઈં જ નથી.
 • અમેરિકા ઓછામાં ઓછું એટલું સજાગ છે કે, સુંદર પીચાઈથી માંડીને બ્રાયન ચેસ્કી જેવાં મોટી મોટી કંપનીઓનાં સીઈઓ જ્યાં ખોટું થઇ રહ્યું હોય ત્યાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પણ બોલી શકે છે. અહીં હજુ સ્વતંત્ર મીડિયા નામની વસ્તુ બાકી છે જે સાચી માહિતિ સાચા સમયે લોકો સુધી લોકોને સમજાય તેવી ભાષામાં પહોંચાડે છે. શું કામ? સામાજિક જવાબદારી ખાતર. લોકો એટલા સજાગ છે કે, એ માહિતિ મળ્યાં પછી જરૂરી એક્શન લે છે. પોતાનાં લોકલ પ્રતિનિધિઓને પોતાનો વિરોધ દર્શાવવા માટે ફોન કરે છે, રેલીઓ અને દેખાવોમાં હાજરી આપે છે. હિન્દુસ્તાનમાં છેલ્લે આવું ક્યારે બન્યું હતું? આપણને પૂરી ખબર પણ છે કે આપણાં દેશમાં શું થઇ રહ્યું છે અને શું ન થવું જોઈએ? અને ખબર પડે તો પણ આપણે આટલી ઝડપથી એકઠાં થઈને આટલાં વ્યવસ્થિત વિરોધ કરી શકીશું? પાણી આવશે ત્યારે પાળ બાંધવા નહીં જઈ શકીએ. એટલે અત્યારથી જ વિચારવા લાગીએ? અને જરૂરી કામ કરવા લાગીએ? વધુ ને વધુ લોકો સાથે આ બાબતે વાત કરવા લાગીએ? સામાજિક જવાબદારી આપણે ફક્ત અન્યો માટે નથી નિભાવવાની હોતી. એ નિભાવવાનાં ફાયદા આપણને અને/અથવા આપણાં પછીની આપણી જ પેઢીઓને મળતાં હોય છે.

અને અંતે તમને સમય મળે ત્યારે વાંચવા જેવો આ નિબંધ: https://chomsky.info/19670223/

 

Those who cannot remember the past are condemned to repeat it. – George Santayana

2 thoughts on “ટ્રમ્પનું અમેરિકા (અને વિશ્વ)

 1. પાકિસ્તાન એ લિસ્ટમાં નથી એ અંગત સ્વાર્થને કારણે જ તો. ટ્રમ્પ જેટલાં દેશોમાં ધંધો કરે છે એ એક પણ એ લિસ્ટમાં નથી. પાકિસ્તાન, સાઉદી વગેરે એક પણ આ લિસ્ટમાં નથી. LOL @ ગુજરાત સમાચાર હજુ પણ છપાય છે. સાવ સાચી વાત. દુર્ભાગ્યે મારાં ઘરે વર્ષોથી એ જ વંચાય છે. :(

 2. આ મુસ્લિમ બાન વાળી વાત મોટાભાગે તો નોનસેન્સ છે (બીજી બાબતોની જેમ) – પણ, તેમાં પાકિસ્તાન કેમ નથી એ જટિલ પ્રશ્ન છે. જવાબ સરળ છે – પાકિસ્તાન ચાઇના તરફ સરકતું જાય છે, અને તેને જો યાદીમાં મૂકાય તો વધુ સરકી જાય, એટલે અમેરિકાનું એશિયામાં પોપ્પા થઇ જાય. બીજી બાબતો – જે ટ્રમ્પે કરી છે તેને ૫૦ ટકા કરતાં વધુ અમેરિકનો ટેકો આપે છે (એટલે જ તો એ જીત્યો) એ દુર્ભાગ્યની વાત છે.

  યાદ રાખજો – અમેરિકાના રાજકારણીઓ જે કંઇ કરે તેમાં તેઓ દેશનો સ્વાર્થ જુવે છે, ભારતના રાજકારણીઓ જે કંઇ કરે તેમાં તેઓ પોતાનો સ્વાર્થ જુવે છે – બસ, આટલો જ ફરક છે.

  અને હા, ભારતમાં પણ વાણી સ્વતંત્રતા છે. ઉ.દા. ગુજરાત સમાચાર હજુ પણ છપાય છે ;)

  (ઓકે, હું રાઇટ વિંગ વાળો ખરો, પણ ઓવરઓલ સોફ્ટ માણસ પણ છું)

ટિપ્પણીઓ બંધ છે.