What if

નિબંધ

મારાં જીવનનાં વિવિધ ભાગો મને હંમેશા એક નવી દુનિયા જેવાં લાગ્યાં છે. એકદમ સાઈ-ફાઈની જેમ. ત્રણ-ચાર-પાંચ અલગ અલગ દુનિયાઓ, તેનાં અલગ અલગ લોકો જે એકબીજાથી બિલકુલ અજાણ છે અને હું આ બધી દુનિયાઓમાં આવતી-જતી રહું છું. મારી જેમ તમારી બધાની પણ અલગ અલગ દુનિયાઓ છે અને તમે પણ તમારી બધી જ જૂદી જૂદી જિંદગીઓમાં વહેતી એકમાત્ર ‘કોમન થીમ’ હશો. એક દુનિયા કામની (અને જેટલી અલગ અલગ જગ્યાઓએ કામ કર્યું હોય એ દરેકની અલગ દુનિયા), એક દુનિયા તમારી જન્મ-ભૂમિની, એક તમારી કર્મભૂમિ/ઓની, એક સ્કુલની, એક તમારાં શોખ સંબંધી, વગેરે. માતા-પિતા, પાર્ટનર અને બેસ્ટ ફ્રેંડ્સ પણ આમાંની થોડી દુનિયાઓથી માહિતગાર હશે. પણ આ દરેક જગ્યા, ત્યાંનાં લોકો અને ત્યાંનો માહોલ તો કદાચ તેમણે પણ નહીં જોયા હોય.

મને ઘણી વખત આ વિચાર આવ્યો છે કે, આમાંની કેટલીક દુનિયાઓ એકસાથે ભેગી કરી શકાતી હોત તો કેવું હોત! મારાં સાન ફરાનસિસ્કોનાં પોએટ્રી મીટઅપનાં લોકો પર્થનાં ટેમ્પલ ઓફ ફાઈન આર્ટ્સ – જ્યાં હું ડાન્સ શીખતી, એ લોકોને મળી શકત તો? તેનાંથી પણ આગળ – જો આ બંને પ્રવૃત્તિઓ એક છત નીચે (અલબત્ત જૂદા જૂદા દિવસો/સમય પર) ચાલતી હોત તો કેવું હોત! શું ત્યાંનાં સંગીતકારો અને નર્તકો આ કવિતાપ્રેમીઓ સાથે મળીને કોઈ સર્જન કરત? મારાં પર્થ અને સાન ફ્રાન્સિસ્કોનાં ડાન્સ ટીચર્સ એકબીજાંને મળત તો શું થાત? શું મારાં ત્યાંનાં ગુરુ અને અહીંનાં ગુરુ એકબીજા પાસેથી કઈં શીખત? બંનેનાં વિચારોમાં મતભેદ હોત? આ તો જો કે, ખરેખર થવાની શક્યતા પણ છે. કારણ કે, મારાં બંને ગુરુનાં ગુરુ સમાન છે એટલે બની શકે કે, તેઓ બંને એક છત નીચે મળે. આ તો થઇ સમાન વૃત્તિઓ કે રસ ધરાવતાં લોકોનાં મળવાની વાત. પણ આવું મને ઘણી વખત અમુક ચોક્કસ વ્યક્તિઓ અને મારાં જીવનની દિશા બાબતે પણ સૂઝયું છે.

મારાં પ્રાઈમરી અને હાઈસ્કૂલનાં શિક્ષકો – ખાસ હાઈસ્કૂલનાં વિજ્ઞાન-ગણિતનાં ટીચર મારી ઑસ્ટ્રેલિયાની અને પછી અમેરિકાની જિંદગીનાં તમામ ભાગો જોઈ શકત તો પણ એ આજથી દસ વર્ષ પહેલાં મારાં વિષે જે વિચારતાં એ જ આજે પણ વિચારે? શું મારાં વિશેનાં તેમનાં અભિપ્રાયો અને એ કારણોસર અમારાં સંબંધમાં કઈં ફર્ક પડત? એ જ રીતે મારાં દરેક બોયફ્રેન્ડ્સ જો તેમનાં મારાં જીવનમાં આવ્યા પહેલાંની મારી જિંદગી જોઈ શકત તો અમારાં સંબંધમાં કેવાં કેવાં ફેરફાર આવત? શું તેઓ એ જોયા-જાણ્યાં પછી પણ મારી સાથે રહેત? કે પછી શું અમારો સંબંધ વધુ ગાઢ બની જાત? મારાં માતા-પિતા અમેરિકા આવ્યા પહેલાંનાં બે વર્ષની ઑસ્ટ્રેલિયાની મારી દુનિયા જોત તો શું હું અમેરિકા આવી હોત કે પછી ભારત પાછી ચાલી ગઈ હોત?

આ તમામ ‘what if’નાં દરેક વિકલ્પોમાંથી એક આખું ‘alternate universe’ નીકળી આવે છે. ફક્ત એક ઘટના બદલી જાય તો તેની અસર (knock-on effect)થી મારી એ ઘટના પછીની જિંદગીનો પ્રવાહ બિલકુલ અલગ દિશામાં વાળ્યો હોત. આ નાની નાની ઘટનાઓ અને તેનાં વિષેનાં ‘what ifs’ સિવાયનાં કેટલાંક પ્રેક્ટિકલ ‘what ifs’ કે, જેનાં પાર ખરેખર અમલ કરીને જીવનની દિશા બદલી શકાય છે એ પણ મારાં મનમાં ઘણી વાર આવતાં રહે છે. ક્યારેક વિચારું છું મારી રેગ્યુલર જોબ અને કરિયર છોડીને આર્ટ અને ડાન્સ ફુલ ટાઈમ કરું તો? ભારત પાછી ફરીને માતા-પિતા સાથે રહીને આ કામ કરીને જોઉં અને એ માટે મારી જાતને દોઢ-બે વર્ષ જેટલો સમય આપું તો? કે પછી ઓસ્ટ્રેલિયા પાછી ફરીને આ કામ પાર ધ્યાન આપું તો? દોઢ-બે વર્ષ આર્ટ પાર બિલકુલ ધ્યાન ન આપું અને ફક્ત ડાન્સ અને ટેક્નોલૉજી પર ધ્યાન આપું તો? ફરીથી કોઈ નવા દેશમાં રહેવા અને કામ કરવાનો પ્રયત્ન કરું તો?

આ બધું જ એક પછી એક કરી જોઉં તો?

2 thoughts on “What if

  1. આવા જ વિચારો મારા મનને આવે કે બધું છોડીને સાયકલની એક દુકાન ખોલું કે પછી કોફી શોપ. પણ, પાપી પેટનો સવાલ છે :)

ટિપ્પણીઓ બંધ છે.