ઓસાકા

ઓસાકા, જાપાન

એરપોર્ટથી મારે ઓસાકા સ્ટેશન પહોંચવાનું હતું. ત્યાંની એક એક્ઝિટ પરથી મારે હૉટેલની શટલ લેવાની હતી. ત્યાં ટ્રેનમાં મને મારો સૌથી પહેલો જાપાનીઝ અનુભવ થયો. ટ્રેનમાં ઘણી બધી જગ્યાએ નાના ડિસ્પ્લે લગાવેલા હતાં જેનાં પર ટીવીની જેમ વારાફરતી અલગ અલગ જાહેરાતો ચાલતી હતી. જાહેરાતોનાં પોસ્ટર પણ લગાવેલા હતાં. દરેક જાહેરાત સંપૂર્ણપણે જાપાનીઝમાં હતી. એ ટ્રેનનો ડબ્બો જાણે નવી દુનિયામાં મારાં પ્રવેશનો દરવાજો હતો – સ્ટેશન 9-3/4 જેમ.

ઓસાકા સ્ટેશન ઉતારતાં જ ખૂબ બધી લાઇટ્સ અને ઘણાં બધાં લોકો જોવા મળ્યાં. આસપાસ લખેલું બધું જ જાપાનીઝમાં અને લોકોનો અવાજ પણ જાપાનીઝ જ સંભળાય. એટલું વળી સારું હતું કે, ત્યાં વિવિધ એક્ઝિટ અને હોટેલ તરફ ચિંધાડતાં સાઈન-બોર્ડ ઇંગ્લિશમાં હતાં.

મારી એક્ઝિટ તરફની સાઈન ફોલો કરતી હું આગળ વધી. પાંચેક મિનિટ ચાલી, પછી એસ્કેલેટરથી એક માળ ઉપર ચડી, ફરી થોડું ચાલી, એક બ્રિજ ક્રોસ કર્યો, ફરી એસ્કેલેટરથી નીચે ઉતરી, ત્યાં થોડું આગળ ચાલીને બે માળ નીચે ઉતરી, જમણી તરફ વળીને મારી એક્ઝિટ શોધવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાંથી બહાર જવાનો રસ્તો તો ક્યાંયે દેખાતો નહોતો અને થોડું ધ્યાનથી જોયું તો ખબર પડી કે, નીચે હજુ એક માળ હતો એટલે જ્યાંથી આવી હતી એ તરફ પાછી ફરીને નીચે જવાનો રસ્તો શોધ્યો. સૌથી નીચેનાં માળ પર પહોંચ્યા પછી મારી એક્ઝિટ તરફનો રસ્તો દેખાડતી સાઈન ફોલો કરવાની શરુ કરી પણ દસેક મિનિટ ચાલ્યા પછી આગળ જે તરફ એરો લગાવેલો હતો એ તરફ ક્યાંયે મને એક્ઝિટ ન દેખાણી, ફક્ત એક દીવાલ આવી જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. થોડી વાર ત્યાં આસપાસ ચક્કર માર્યાં પછી મારી એક્ઝિટનાં નામવાળો એરો ફરીથી મળ્યો અને એ તરફ હું આગળ વધી. અંતે પાંચેક મિનિટ વધુ ચાલ્યા પછી મારાં નિર્ધારિત એક્ઝિટ ગેટ પર હું બહાર નીકળી અને ત્યાં સામે જ હોટેલનું નામ લખેલી બસ ઊભી હતી.

બસમાં બેસીને મને પહેલો વિચાર એ આવ્યો કે, મેં ઓસાકા સ્ટેશનની સાઈઝ ખૂબ અંડર-એસ્ટિમેટ કરી હતી. મારાં મનમાં હતું કે, બહુ બહુ તો એકઝિટ શોધીને બહાર નીકળતાં દસેક મિનિટ થશે. પણ, મને ઓછામાં ઓછી વીસથી પચીસ મિનિટ લાગી હતી. એટલું સારું હતું કે, સામાનમાં મારી પાસે ફક્ત એક મોટી હૅન્ડબેગ અને એક પર્સ હતાં અને વધુ કઈં નહોતું. પર્સમાં લેપટોપને કારણે એ થોડું ભારે થઇ ગયું હતું પણ બહુ વાંધો નહોતો આવ્યો. હોટેલ પહોંચતા જ મને આરામનો અનુભવ થવા લાગ્યો. લૉબી એકદમ સુંદર હતી અને રિસેપ્શનિસ્ટે થોડાં ભાંગેલા ઈંગ્લિશમાં મારી સાથે થોડી ઘણી વાત કરી.

મેં તેને જણાવ્યું કે, જો એ મને સારા વ્યૂવાળો કોઈ રૂમ આપી શકે તો આપે. તેણે તેની સિસ્ટમમાં જોઈને મને જણાવ્યું કે, સુંદર વ્યુવાળા સ્ટાન્ડર્ડ રૂમ તો બધાં બુક્ડ છે પણ તને લેડીઝ ફ્લોર પર રૂમ આપું તો ચાલશે? મને આશ્ચર્ય થયું. મેં આ લેડીઝ ફ્લોરનો અનુભવ ક્યારેય ક્યાંયે કરેલો નહોતો. આવામાં કદાચ મારી સાથે કોઈ પુરુષ હોત પણ ખરો તોયે હું કદાચ જિજ્ઞાસા સંતોષવા માટે એ રિસેપ્શનિસ્ટને હા પાડત. એ ફ્લોર પરનાં દરેક રૂમ ફક્ત સ્ત્રીઓને જ આપવામાં આવ્યા હતાં. ત્યાં સર્વિસ સ્ટાફ પણ સ્ત્રીઓ જ હતી અને કોઈ પણ પુરુષે જવાની મનાઈ હતી. એ ફ્લોરનાં દરેક રૂમમાં એક મૉઇસ્ચરાઇઝિંગ મશીન હતું જે તમે રાત્રે ચાલુ કરીને ઊંઘી શકો – જેનાં અસ્તિત્વ વિષે પણ મને એ દિવસ પહેલાં કોઈ જાણકારી નહોતી અને બાથરૂમમાં એ હોટેલની બે સ્ટાન્ડર્ડ ટોઇલેટ્રી (બોડી વૉશ, બોડી લોશન, શેમ્પૂ, કંડિશનર) બ્રાન્ડ્સ ઉપરાંત એક ત્રીજી ઑર્ગેનિક બ્રાન્ડ પણ હતી. આ જોઈને મને થયું આ લેડીઝ ફ્લોર તો આપણને ફાવી જાય તેવો છે! અને પછી એ રૂમની મોટામાં મોટી હાઈલાઈટ જોવા મળી. પડદા ખોલતાંની સાથે જ સામે અદભુત સ્કાયલાઇન જોવા મળી. મારો રૂમ ત્રેવીસમાં માળ પર હતો. તેનો રાતનો ફોટો તો મારા ભંગાર ફોન કેમેરા પર સારો નહોતો આવ્યો. પણ પછીનાં દિવસનો આ ફોટો જુઓ

એ સુંદર રૂમમાં ત્રણ રાત તો આરામથી નીકળી જાય તેમ હતી! હું ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ તો ત્યાં એ રાતનું છેલ્લું નોટ-સો-સરપ્રાઈઝ સામે હતું. ઑવર-એન્જીનીયર્ડ ટોયલેટ સીટ જેમાં સીટ વોર્મર ફેસિલિટી હતી. મને થોડું હસવું પણ આવ્યું અને સાથે સાથે એક નવી દુનિયામાં હોવાનો અહેસાસ પણ થયો. આ વિસ્મયની લાગણી મેં જાણે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગુમાવી દીધી હતી અને અચાનક એ મને પાછી મળી હતી.

નાહીને મારી કઈં જ કરવાની કે વિચારવાની હાલત નહોતી. એ રાત્રે મેં હોટેલનાં રેસ્ટ્રોંમાં જ ડિનર કર્યું. તેમની પાસે વેજિટેરિયન ઓપ્શન બહુ ઓછાં હતાં એટલે જે એક સ્ટાર્ટર અને એક મેઈન કૉર્સ વેજ હતાં એ બે મેં મંગાવ્યાં. આટલી નામાંકિત હૉટેલમાં જમવાનું ખરાબ હોવાનાં ચાન્સ તો બહુ ઓછા હોય પણ એ, માઈન્ડ-બ્લોઇંગ પણ નહોતું. જમવાનું પતાવીને મેં એક બે કૉલ કર્યાં અને પછી ઊંઘવા તરફ પ્રયાણ કર્યું.

4 thoughts on “ઓસાકા

  1. 1. I don’t have any photos of train stations or anything.
    2. Gathering/sorting through all the photos and uploading them for sharing is a very time-consuming task. I hardly even find any time to write these days plus it’s been 3 months since the trip already and I am literally forgetting things. So writing is (and has to be) my first priority right now. I’ve been uploading some photos to Instagram (https://www.instagram.com/gujjuwanderer_/) but it’s literally impossible for me to be able to do photos + writing at the same time. I understand you all wanting the photos along with the posts but I am so hard pressed for time that if I waited to publish posts only when I can do both, I won’t be able to write at all. (+હાથ જોડેલું ઈમોજી as well)

  2. ઇંટરેસ્ટીંગ!..

    દેવીજી, અગાઉની વિનંતી ફરી એકવાર છે કે ક્યાંક એક-બે સ્થળદર્શક છબી ઉમેરશો તો જે તમે કહો છો તેનું માનસચિત્ર કેળવવામાં મદદરૂપ બનશે. (+હાથ જોડેલું ઇમોજી)

ટિપ્પણીઓ બંધ છે.