ઓસાકા – 2

ઓસાકા, જાપાન

રાત્રે જમવા દરમિયાન મારું ધ્યાન એક દરવાજા તરફ ગયું. એ રેસ્ટ્રોંનો મેઈન દરવાજો હતો જે, હોટેલ લૉબી અને મેઈન એન્ટ્રન્સથી થોડો દૂર હતો. જમીને મેં ત્યાંથી બહાર નીકળીને એક આંટો માર્યો અને જાણ્યું કે, ત્યાં એક નાનકડું તળાવ હતું જેમાં માછલીઓ તરતી હતી. કયાંકથી વહેતાં પાણીનો અવાજ આવતો હતો અને ખૂબ ઘેરી હરિયાળી જણાતી હતી. રાત્રે પ્રકાશ ઓછો હોવાને કારણે બગીચા અને તળાવનો વિસ્તાર જાણવો મુશ્કેલ હતો એટલે પછીનાં દિવસે સવારે મેં બહાર આંટો મારવાનું નક્કી કર્યું. એ હોટેલ એક પછી એક નવા નવા સરપ્રાઇઝ ખોલી રહી હતી. ઉપર મારાં રૂમમાં જઈને પલંગ પાસે મને એક મશીન દેખાયું. ઇન્સ્ટ્રક્શન તો બધી જાપાનીઝમાં લખેલી હતી પણ, મેં એક બે સ્વિચ ચાલુ બંધ કરી તો સમજાયું કે, એ હ્યુમિડિફાયર જેવું કઈંક હતું. મારે કોઈક વસ્તુ જોઈતી હતી એ માટે જ્યારે રૂમ સર્વિસની લેડી આવી (મારો ફ્લોર લેડીઝ ઓન્લી હોવાને કારણે ત્યાં આવતાં સફાઈ કામદાર અને રૂમ સર્વિસ માટે મોકલવામાં આવતાં તમામ માણસો સ્ત્રીઓ જ હતી.) ત્યારે મેં તેને પૂછ્યું, એ સાધનનો શું ઉપયોગ છે. તેણે મને ભાંગેલાં તૂટેલાં ઇંગ્લિશમાં સમજાવ્યું કે, એ મોં પાસે રાખીને ઊંઘવાથી મોઢાંની સ્કિન સોફ્ટ થઇ જશે. મને થોડું હસવું આવ્યું તો પણ કુતૂહલવશ મેં તેનો ઉપયોગ કર્યો.

એ રાત્રે થાક અને લાંબી મુસાફરીનાં કારણે મને ઊંઘ તો ખૂબ આવી પણ જેટલૅગનાં કારણે સવારે ઊંઘ વહેલી ઊડી પણ ગઈ. થોડી વાર પથારીમાં આમથી તેમ કરીને મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ મેળ ન પડ્યો એટલે સાતેક વાગ્યા આસપાસ હું ઊઠી ગઈ. ઊઠીને પહેલું કામ વેજિટેરિયન રેસ્ટ્રોંઝ શોધવાનું કર્યું. આસપાસનાં ફક્ત થોડાં ઇન્ડિયન રેસ્ટ્રોંઝ સર્ચ રિઝલ્ટમાં આવ્યાં અને બાકી આવી 3-4 જગ્યાઓ જે મારી હોટેલથી સારી એવી દૂર જણાતી હતી. આસપાસ ખાસ કઈં મળતું નહોતું. હવે આનું થિયરૅટિકલ કારણ મને ખબર તો હતું. પણ, પ્રેક્ટિકલી તેની અસર મને ત્યારે સમજાઇ (આને information અને wisdon વચ્ચેનો ફર્ક કહી શકો છો). જાપાનનું મોટાં ભાગનું ઇન્ટરનેટ જાપાનીઝ ભાષામાં જ છે. તમને જાપાનીઝ શબ્દો ખબર ન હોય તો બહુ લિમિટેડ ઇન્ફર્મેશન મળી શકે. એટલું વળી સારું છે કે, ત્યાંનાં ટ્રેન સ્ટેશન અને જોવાલાયક સ્થળો ઇંગ્લિશમાં નોંધાયેલાં છે એટલે એ ગૂગલ મેપ્સ પર અને ટ્રાવેલ બ્લોગ્સ પર શોધવામાં મુશ્કેલી ન થાય. બાકીની તમામ માહિતી – ખાસ જમવા બાબતની માહિતી મેળવવી એ લોઢાનાં ચણા ચાવવા બરાબર છે. જાપાન સી-ફૂડનો ચાહક દેશ છે. સુશીથી માંડીને ત્યાંનાં સ્ટ્રીટફૂડ સહિતની તમામ લોકલ વાનગીઓમાં બધે જ માછલી, ઑકટોપસ, સ્ક્વિડ વગેરેનું ખૂબ જોર. ત્યાં, જ્યાં લોકોને પૂરું ઇંગ્લિશ ન આવડતું હોય, ‘વેજિટેરિયન’ શબ્દ પણ ખબર ન હોય એવામાં વેજિટેરિયન જમવાનું રાખવાવાળા રેસ્ટ્રોં કેટલાં હશે એ તમે પોતે જ વિચારી લો.

ગૂગલ પર મેં જોયું કે, ઓસાકા સ્ટેશન પાસે થોડાં રેસ્ટ્રોંઝ દેખાતાં હતાં એટલે નાહીને એ તરફ જવાનું મેં નક્કી કર્યું. હોટેલથી ચાલતાં જઈએ તો એ સ્ટેશન પહોંચતાં લગભગ પંદર મિનિટ થાય. હૉટેલની શટલ લઈને પાંચ-દસ મિનિટમાં પહોંચી જવાય. પણ આપણને તો એ શહેર અને શહેરનાં લોકો જોવામાં રસ હતો એટલે ચાલીને જવા પર જ પસંદગી ઊતારવામાં આવી. પેલું તળાવ અને બગીચો મારાં મનમાંથી હજુ નીકળ્યાં નહોતાં. એટલે, મેઈન એન્ટ્રેન્સને બદલે મેં પાછળથી જવાનું નક્કી કર્યું. એ દિવસે થોડું ધાબડછાયું વાતાવરણ હતું અને આગલી રાત્રે જ વરસાદ પડ્યો હોય તેમ લાગતું હતું. બગીચામાં બધે જ માટીની સુગંધ આવતી હતી અને તળાવમાં માછલીઓ ખુશ લાગતી હતી. બગીચામાં હરિયાળી ખૂબ હતી પણ ફૂલો નહોતાં. એ સારાં એવા વિસ્તારમાં ફેલાયેલો હતો, વિશાળકાય નહોતો, છતાંયે અલગ તરી આવતો હતો કારણ કે, ત્યાં આસપાસ ફક્ત ઊંચાં ઊંચાં કોન્ક્રીટનાં બિલ્ડિંગ હતાં. મીલો પથરાયેલી નિર્જીવતા વચ્ચે નાનકડાં જીવ જેવું ધબકતું હતું. મારી હોટેલનાં બગીચામાંથી ચાલીને બહાર નીકળતાં તરત જ હું કોઈ ઓફિસનાં બેઝમેન્ટમાં ઘુસી ગઈ હતી. ત્યાં એક બે કાફૅ દેખાયાં પણ એ કઈં ઇન્ટરેસ્ટિંગ નહોતાં લાગતાં એટલે મેં કઈં ખાસ ધ્યાન ન આપ્યું. થોડે આગળ પહોંચીને એક સુંદર મોટું બધું ક્રિસમસ ટ્રી દેખાયું અને ત્યાં એક જૂની ગાડી રાખેલી હતી. ત્યાંથી જમણી બાજુ નજર કરતાં મને નાની નાની જૂની ગલીઓ જેવું કઈં દેખાયું અને તેમાં ખૂબ બધાં રેસ્ટ્રોં અને દુકાનો દેખાતી હતી જે બંધ હતી. એ દુકાનોનો બહારનો ભાગ જાણે વર્ષો જૂની કોઈ દુનિયામાં પહોંચી ગયાં હોય તેવો દેખાતો હતો. દૂકાનોની આસપાસ લોબીમાં પણ જૂનાં જાપાનનો એક સેટ ઊભો કરવામાં આવ્યો હતો. ચારે તરફ રેટ્રો પોસ્ટર લગાવેલા હતાં.

ત્યાં આંટો મારીને મને એ નાની દુકાનોમાં બેસીને કઈંક ખાવા પીવાનું પણ મન થયું પણ, ત્યાં કઈં જ ખુલ્લું નહોતું. બધાં હજુ તો રેસ્ટ્રોં સેટઅપ કરી રહ્યા હતાં. ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતાં હું એક માળ ઉપર આવી. ત્યાં વળી એક અલગ જ દુનિયા હતી. ત્યાં જર્મની થીમ્ડ ક્રિસમસ માર્કેટ લાગેલી હતી. મારી હૉટેલ સહિત તમામ સ્થળોએ ક્રિસ્મસ ડેકોરેશન લાગી ગયાં હતાં. જાપાનમાં જર્મન ક્રિસ્મસ માર્કેટ જોઈને સ્વાભાવિક રીતે જ મને સૌથી પહેલો વિચાર એ જ આવ્યો જે સ્કૂલમાં થોડું ઘણું પણ ઇતિહાસ ભણેલી કોઈ પણ વ્યક્તિને આવે. શું ત્યારની એ રાજકારણી મૈત્રીની આ દેશમાં આટલાં વર્ષો પછી પણ અસર હશે? One can only wonder! ત્યાંથી ચાલીને હું ઓસાકા સ્ટેશન નજીક પહોંચી. ત્યાં ઘણાં બધાં લોકો સાઇકલ પર ફરતાં જોવા મળ્યાં. સાઇકલ પર આગળ ક્યૂટ બાસ્કેટ લગાવેલા હતાં, એ જોઈને મને સ્કૂલ યાદ આવી ગઈ. અમે બાસ્કેટમાં પાણીની બોટલ અને લંચ બૉક્સ લઈને જતાં. ફર્ક ફક્ત એટલો હતો કે, અમારી સાઇકલનાં રંગ તરણેતરનાં મેળા જેવા હતાં અને આ લોકોની સાઇકલ પેસ્ટલ કલરની હતી. અમારી સાઇકલ પર જયાં કેરિયર સ્પ્રિંગ રહેતી – જયાં અમે અમારી સ્કુલ બેગ ભરાવતાં, તેને બદલે અહીં ઘણી બધી સાઇકલોમાં પાછળ બાસ્કેટ લગાવેલા હતાં. એ બાસ્કેટમાં એક નાનું બાળક સમાઈ જતું અને એવી રીતે ઘણાં લોકોને મેં સાઇકલ પર પોતાનાં બાળક સાથે મુસાફરી કરતાં જોયાં. ત્યાં એક પછી એક કાફૅ આવવાં લાગ્યાં પણ ત્યાં બધે સ્ટાન્ડર્ડ અમેરિકન આઇટમ્સ જ દેખાતી હતી અને આપણો જાપાનમાં પહેલો દિવસ હતો એટલે આપણને તો કઈંક જાપાનીઝ ખાવું હતું. થોડું ચાલીને આગળ ગઈ ત્યાં તો દુકાનો ચાલુ થઈ ગઈ અને પછી એક ટનલ. દુકાન આપણાં જેવી જ પણ બધું જાપાનીઝ અક્ષરોમાં લખેલું!

ત્યાં સામે મને એક મૉલનો દરવાજો દેખાયો જેમાં રેસ્ટ્રોં હોવાની શક્યતા હતી એટલે હું ત્યાં પહોંચી. રેસ્ટ્રોંનું લિસ્ટ લાંબુ હતું. પણ, એક પણ ખુલ્લા નહોતાં. નીચે ફક્ત એક બે કાફે ખુલ્લાં હતાં.

ઉપરનાં રેસ્ટ્રોં અગિયાર વાગ્યે ખુલતાં હતાં. ત્યારે સાડા દસ જેવું થયું હતું અને મને કકડીને ભૂખ લાગી હતી. છતાંયે કઈંક યુનીક ખાવાનો મોહ છૂટતો નહોતો. મેં રેસ્ટ્રોંઝવાળો માળ ખુલવાની રાહ જોઈ અને ત્યાં સુધી એક રૅન્ડમ જગ્યાએ હોટ ચૉકલેટ પીધી. અગિયાર વાગ્યે રેસ્ટ્રોં ફ્લોર ખૂલ્યો અને હું ઉપર ગઈ ત્યારે પણ કઈં મળ્યું તો નહીં જ. નીચે એક હિન્દુસ્તાની જગ્યા જેવું કંઇક દેખાયું પણ એ ફક્ત મૃગજળ સાબિત થયું. તેમનાં મેન્યુ માં ખાસ કંઇ વેજીટરિયન હતું નહીં.

એ નહોતું મળવાનું એ મારે પહેલાં જ સમજી જવાની જરૂર હતી. પણ, અમારાં બા કહેતાં એ નિયમ પ્રમાણે ‘વાર્યા ન વળે એ હાર્યા વળે’. અમે પણ હાર્યાં અને અંતે પહેલા જોયેલાં ત્રણ અમેરિકન કાફૅમાંનાં એકમાં જઈને કઈંક ખાવાનું પામ્યાં. એ શહેરનો મેજર મૉલ હતો અને લગભગ આખો ખાલી હતો! અને આવડો મોટો મૉલ અગિયાર વાગ્યા સુધી ખુલે નહીં?! આવું તે કેવું?

થોડું ખાવાનું પેટમાં ગયું પછી બ્રહ્મજ્ઞાન લાધ્યું કે, એવું તે એવું. આ બિલકુલ નવી જગ્યા છે. તેની પોતાની એક રીત છે અને પોતાનાં નિયમો છે અને ટ્રાવેલિંગ આપણને એ જ યાદ અપાવવા માટે બન્યું છે કે, નિયમો બધે સરખાં નથી હોતાં. સવારે સાત વાગ્યે રાજકોટમાં બજરંગનો ઝારો પડે અને દુકાનો દસ પહેલાં ન ખુલે, સવારે છ-સાડા છ વાગ્યેઑસ્ટ્રેલિયામાં કાફેઝ ખુલે અને દુકાનો રાત્રે નવ વાગ્યે બંધ થઇ જાય, સાન ફ્રાન્સિસ્કોનાં મેજર બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં વ્યવસ્થિત બે રેસ્ટ્રોં પણ ન હોય તેવું પણ બને, તો એક દુનિયા આવી પણ હોઈ જ શકે ને, જ્યાં સવારે અગિયાર પહેલાં દુકાનો ન ખુલતી હોય!

One thought on “ઓસાકા – 2

  1. હા. સા. ફ્રા.ના બહુ અનુભવો થયા, પણ તેની મઝા અલગ છે. ખાવાનું દરરોજ જ્યારે ટેબલ પર મળતું હોય ત્યારે કોઇક દિવસ શોધવાની પણ મઝા છે :)

ટિપ્પણીઓ બંધ છે.