ક્યોતો – 5

ક્યોતો, જાપાન

વાતોડિયા ટૅક્સી ડ્રાઈવર કાકા અમને અરાશિયામાથી લઈને કિંકાકુ-જી મંદિરનાં દરવાજા સુધી મૂકી ગયા. એ મંદિર આગલા દિવસે જોયેલાં ગિંકાકુ-જી મંદિરનું જોડિયા મંદિર ગણાય છે. કિંકાકુ-જીએ મને એકદમ અમૃતસર સુવર્ણમંદિરની યાદ અપાવી દીધી!

એ મંદિર પણ વિશાળ પરિસરમાં પથરાયેલું હતું અને મુખ્ય મંદિર આસપાસ કુદરતે છુટ્ટા હાથે સુંદરતા વેરી હતી! અમે મંદિર જોઈને એક કેડી પર ચાલતા આંટો માર્યો ત્યાં થોડી થોડી વાછટ શરુ થઇ ગઈ હતી. આકાશ સમગ્રપણે વરસાદી વાદળોથી ઘેરાયેલું લાગતું હતું અને અમને ભીંજાઈ જવાનો ડર લાગ્યો એટલે ઝાઝું ફરી ન શકાયું.

અમે બહાર મુખ્ય માર્ગ પર આવ્યા ત્યાં તો વાછટ બંધ થઇ ગઈ એટલે સૅમને ત્યાં પાસે જ આવેલું બીજું ર્યોઆન-જી (Ryoan-ji) મંદિર જોવાની લાલચ થઈ આવી. ત્યારે પોણાં પાંચ જેવું તો થઇ ગયું હતું અને અમારે બને તેટલું જલ્દી, અમારાં રિયોકાનથી બૅગ્સ લઈને સાડા છ પહેલા ગિયોન-કૉર્નર પહોંચવાનું હતું કારણ કે, અમે ગીયોન કૉર્નરથી જ સીધા ક્યોતો સ્ટેશન પહોંચવાનાં હતા.

મારે નકામી છેલ્લી ઘડીએ ભાગદોડ નહોતી કરવી એટલે મેં કિંકાકુ-જીથી જ પાછું ફરવાનું કહ્યું પણ, માને એ બીજા! અંતે અમે ર્યોઆન-જી જવા માટે ટૅક્સી પકડી. પણ, ટૅક્સીમાંથી ઊતરતા જ સારો એવો વરસાદ શરુ થઇ ગયો. વળી, એ મંદિર લગભગ શહેરની હદની બહાર હતું એટલે ત્યાં તો રસ્તામાં કોઈ ટૅક્સી પણ જોવા ન મળે! દસેક મિનિટ માટે એક છાંયડો શોધીને અમે ઊભા રહ્યા. સૅમનો ફોન બંધ થવામાં હતો અને મારું ઇન્ટરનેટ ધીમું ચાલતું હતું એટલે માંડ માંડ પાછા ફરવાનો રસ્તો શોધ્યો. પાંચ જ મિનિટમાં ટ્રેન-સ્ટેશન જતી એક બસ આવવાની હતી અને એ ટ્રેન-સ્ટેશનથી ફટાફટ ક્યોતો સ્ટેશન પહોંચી શકાય તેમ હતું. નસીબજોગે અમારી નજીકથી કોઈ લોકલ વટેમાર્ગુ પસાર થયા, તેમને રસ્તો પૂછીને અમે બસ સ્ટૉપ પહોંચ્યા અને નિર્ધારિત બસ પકડી.

સૅમનાં પ્રતાપે ફરી ‘રેસ-અગેન્સ્ટ-ટાઈમ’ શરુ થઇ ગઈ હતી. મારું સતત ફોન પર ધ્યાન હતું કે, ટ્રેન સ્ટેશન પાસે પહોંચીએ કે, ઊતરી જઈએ. નસીબજોગે સાચા સ્ટૉપ પર ઊતર્યા, સ્ટેશન સુધીનો રસ્તો જોઈને દોડ્યા અને એ રસ્તો પણ ક્યાંયે ખોટો ન પડ્યો એટલે નકામો સમય ન વેડફાયો! અમે ક્યોતો સ્ટેશન પહોંચ્યા લગભગ છ આસપાસ. મેં વિચાર્યું કે, ગિયોન-કૉર્નર જતા પહેલા બૅગ્સ લેવાને બદલે શો પત્યા પછી બૅગ્સ ઉપાડી લઈશું અને બસથી સીધા ગિયોન-કૉર્નર પહોંચી જઈશું. પણ, સૅમને ત્યાં પણ time optimise કરવો હતો એટલે એ રસ્તામાં અમારાં રિયોકાન પાસેનાં બસ-સ્ટૉપ પર ઊતરીને રિયોકાન જઈને અમારી બૅગ્સ લેવા ગયો અને હું ગિયોન-કૉર્નર પહોંચીને અમારી ટિકિટ્સ લેવા લાગી. સાડા છ કરતા થોડું મોડું થયું હતું પણ, પેલા ટૂઅર ગાઈડે આગલાં દિવસે ચેતવ્યા હતા એટલી ભીડ નહોતી એટલે ટિકિટ મળી ગઈ અને હું લાઈનમાં ઊભી રહી. લોકોનો અંદર પ્રવેશ શરુ થઇ ગયો હતો અને સૅમનો હજુ પણ પતો નહોતો એટલે મને ચિંતા થવા લાગી. ટૂઅર ગાઈડે કહ્યું હતું કે, ટિકિટ મળી જાય તો પણ જો અંદર થિયેટર ભરાય જાય એટલે એ લોકો અંદર ન પ્રવેશવા દે, સાથે બેસવાવાળા બધાને સાથે જ પ્રવેશવા દે અને જો અંતે ન મેળ પડે તો તમારે પછીનો શો જોવો પડે. મારી ટિકિટ ચેક થવાને બે મિનિટની વાર હશે ત્યાં ‘કભી ખુશી કભી ગમ’નાં શાહરુખની જેમ દોડતો દોડતો એ આવ્યો અને અમે અંદર બેસવા પામ્યા. એ થિયેટર હાઈ-એન્ડ હોવાનાં કારણે મારી ધારણા મુજબ ત્યાં કોટ-રૂમ/ક્લોક-રૂમ હતો જ્યાં અમે અમારી બૅગ્સ આપી દીધી એટલે અમે શાંતિથી બૅગ્સ વિના આરામથી બેસીને શો જોઈ શકીએ.

ક્યોતો જાઓ અને તમારી પાસે સમય હોય તો આ શો છોડવા જેવો નથી! ત્યાં અમને જાપાનનાં સાત પારંપારિક ‘પર્ફોર્મિંગ આર્ટ્સ’ જોવા મળશે. અમને ત્યાં ઓરિગામી, ટી-સેરિમની, કોતો, ગાગકુ દરબારી સંગીત, કયોગેન કૉમેડી થિયેટર, બનરાકુ પપેટ-શો અને ગેઇશાઓનું પારંપારિક કયો-માઈ નૃત્ય જોવા મળ્યાં.

શરૂઆત ઓરિગામી અને સંગીતથી થઇ હતી અને ત્યાર પછી ટી-સેરિમની વખતે તેમણે બે વોલન્ટિયર્સને બોલાવ્યા. અમારો વારો આવે તેવી અમને આશા નહોતી છતાં અમે ચાન્સ લેવા માટે અમે હાથ ઊંચો કર્યો અને અમારા આશ્ચર્ય વચ્ચે ત્યાંની યજમાને અમને આગળ બોલાવ્યા. તેમનાં મહેમાન થઈને અમને ટી-સેરિમનીનાં ભાગરૂપે તેનો લ્હાવો માણવા મળ્યો જે બાકીનાં લોકોએ ફક્ત જોઈ!

જાપાનમાં દરેક વસ્તુ નિયમાનુસાર થતી હોય છે એ અમને ખબર હતી એટલે અમને શરૂઆતમાં થોડો સંકોચ થયો હતો. પણ, અમને સેરિમની માટે જ્યાં બેસાડવામાં આવ્યા હતાં ત્યાં ટી-સેરિમનીમાં શું શું થશે અને હોસ્ટ શું કરે પછી અમારે શું કરવાનું એ બધું જ લખીને અમારી સામે ટેબલ પર રાખેલું હતું એટલે એ અનુભવ અમારા માટે નવો હોવા છતાં પણ ઘણો સરળ અને આનંદદાયક રહ્યો. ત્યારે અમારા માનવામાં નહોતું આવતું કે એ બધું ખરેખર થઇ રહ્યું હતું! અમે હાથ ઊંચો કર્યો ત્યારે અમને લાગ્યું હતું કે, ઘણા બધા હાથ ઉપર કરશે અને અમારો વારો તો ન જ આવે. પણ, હકીકતમાં અમારા બે સિવાય કોઈએ હાથ ઉપર નહોતો કર્યો એટલે પ્રવાસમાં અને જીવનમાં આવી તક મળે ત્યારે YOLO (you only live once)નાં ભાવે એક વખત ચાન્સ જરૂર લઇ લેવો!

ત્યાર પછી અમે જોયું તેમનું કૉમેડી થીયેટર. એ અમને સામાન્ય લાગ્યું.

પણ, ત્યાર પછી દેખાડવામાં આવેલો પપેટ-શો અને કયો-માઈ નૃત્ય અદ્ભૂત હતાં! પપેટ-શોની વાર્તા અને એ દર્શાવવાની રીત બંને સુંદર હતાં.

કયો-માઈ નૃત્યનું તો કહેવું જ શું! અમે ખરેખર તો ખાસ એ નૃત્ય જોવા માટે જ ત્યાં ગયા હતા. એ નૃત્યનું પ્રદર્શન ત્યાંની માઈકો (શિખાઉ ગેઇશા) દ્વારા અને/અથવા ક્યારેક ક્યારેક ગેઇશાઓ દ્વારા કરવામાં આવે છે. તેમનું આ પરફોર્મન્સ તમને યા તો તેમની ખૂબ મોંઘી પ્રોફેશનલ સર્વિસ લઈને જોવા મળે, અથવા ગિયોન-કૉર્નરમાં. વિદેશી, મિડલ-ક્લાસ ટૂરિસ્ટ તરીકે ગિયોન-કૉર્નર અમારો બેસ્ટ ચાન્સ હતો, જે અમે ભરપૂર માણ્યો!

શો કલાકમાં પત્યો ત્યાં ફરી વરસાદ શરુ થઇ ગયો હતો એટલે ત્યાંથી તરત જ ટૅક્સી પકડીને અમે ટ્રેન સ્ટેશન પહોંચ્યા અને શિન્કાનસેન દ્વારા પિસ્તાલીસ મિનિટમાં ઓસાકા! ફરીથી ઓસાકા સ્ટેશનની ભૂલ-ભૂલામણીમાં અટવાયા અને અંતે અમારી હૉટેલથી બરાબર પાંચ મિનિટનાં અંતરે આવેલી ટ્રેન-સ્ટેશનની એક એક્ઝિટ પર પહોંચ્યા. વરસાદે જોર પકડ્યું હતું અને અમને સ્ટેશનથી હોટેલ સુધી પહોંચવાનો અંડર-ગ્રાઉન્ડ રસ્તો ન મળ્યો એટલે અમે પાંચ મિનિટ ભીંજાઈને હોટેલ લૉબીમાં પહોંચ્યા. રૂમમાં બૅગ્સ મૂકતા જ જાણે બે દિવસનો બધો થાક એકસાથે લાગી ગયો. અમે બે રાત રોકાયા હતા એ રિયોકાન સુંદર તો હતું પણ, તેનાં જમીન પર બિછાવેલાં પાતળાં ગાદલાં પર ઊંઘવું કેટલું બિન-આરામદાયક હતું એ અમને હિલ્ટનનાં જાડાં, પોંચા, આરામદાયક ગાદલાં પર પગ લંબાવીને સમજાયું. અમને તરત ભૂખ નહોતી લાગી અને વરસાદ રહી ગયો હતો એટલે કદાચ ઓસાકાનાં પ્રખ્યાત સ્ટ્રીટ-ફૂડમાં કદાચ કઈંક શાકાહારી મળે એ આશાએ અમે દોતોનબોરી પહોંચ્યા.

આગળ તમે વાંચ્યું હશે તેમ મેં તો ઓસાકા શરૂઆતમાં જ જોઈ લીધું હતું પણ, સૅમે નહોતું જોયું એટલે ઓસાકામાં શોધેલી બધી જ ખાવા પીવાની જગ્યાઓ અને દોતોનબોરી માર્કેટ સૅમને દેખાડવા માટે હું ઉત્સુક હતી! પણ, અમે પહોંચ્યા ત્યાં લગભગ બધું જ ધીમે ધીમે બંધ થઇ રહ્યું હતું અને સ્ટ્રીટ-ફૂડમાં પણ અમને કૈં વેજીટેરીયન ન મળ્યું. ત્યાં બરાબર નદી કિનારે એક ભારતીય રેસ્ટ્રોંનું બોર્ડ મેં પહેલા જોયું હતું એટલે અમે ત્યાં ગયા પણ, અમે પહોંચ્યા ત્યારે એ પણ બંધ થઇ ગયું હતું.

એટલી રાત્રે જમવાનું શોધતા ફરવા કરતા અમને પાછા હોટેલ ફરીને રૂમ સર્વિસ જ મંગાવવાનું વધુ યોગ્ય લાગ્યું. કેટલાં દિવસો પછી એ દિવસે અમે જાપાનીઝ અને ભારતીય સિવાયનું કઈંક ખાવા પામ્યા!

ઓસાકામાં સૅમને મેં જોયેલાં મંદિરો દેખાડવાનો તો કોઈ અર્થ જ નહોતો કારણ કે, ક્યોતો સામે તો એ ઝાંખાં જ પડવાનાં હતાં. એટલે પછીનાં દિવસે મેં તેને સરખી રીતે દોતોનબોરી માર્કેટ ફરવાનું સૂચન કર્યું. પણ, સૅમને માર્કેટ જોવામાં બહુ રસ નહોતો. તેને જવું હતું હિરોશીમા – વિશ્વયુદ્ધનું મ્યુઝીયમ જોવા. હિરોશીમા સુધીનો ટ્રેનનો એક તરફનો રસ્તો હતો બે કલાકનો. મારે આરામથી મોડે સુધી ઊંઘવું હતું એટલે આપણે તો ચોખ્ખી ના પાડીને કહી દીધું કે, તારે જવું હોય તો તું જઈ આવ, હું તો નહીં જ આવું.

અંતે શું થયું? સૅમ અને હું હિરોશીમા ગયા કે નહીં? જાણવા માટે વાંચતા રહો ‘રખડતા ભટકતા’! ;)