ગુજરાતી નથી જાણતાં? હાઉ અનકૂલ!

નિબંધ

ગુજરાતી મારી માતૃ-પિતૃ-ભ્રાત્રુ-ભગીનેય ભાષા છે. ગુજરાતી મારાં મોટાં ભાગનાં ગુરુઓની ભાષા છે અને મારી પ્રથમ ભાષા પણ છે. આ ભાષા પર મજબૂત પક્કડ હોવા પર મને ગર્વ છે. ફક્ત એટલાં માટે જ નહીં કે, એ મારી અને મારાં ચહીતાઓની ભાષા છે. પણ એટલાં માટે પણ કે, …

આ ભાષા મારાં દાદા-દાદીઓની ભાષા છે

કહે છે કે, યુવાનો પાસે તરવરાટ હોય છે અને ઘરડાં પાસે ડહાપણ. આ ડહાપણની લગામ વિના તરવરાટનો ઘોડો નકામો છે. જો કે, બધાં ઘરડાં ડાહ્યા પણ નથી હોતાં. પણ, જે હોય છે એમની સાથે વાત કરવાની ગજબ મજા છે! મારાં ઉછેર અને ઓળખની સૌથી નજીક આપણા ગુજરાતી ઘરડાઓ છે. દુનિયામાં ઇંગ્લિશ જાણતાં બીજાં ઘરડાં પણ છે જેમની સાથે હું વાત કરી શકું. પણ, ગુજરાતી ઘરડાં પાસે મારાં સવાલોને અનુરૂપ કલ્ચરલ કોન્ટેક્સ્ટ (સંદર્ભ / પૂર્વાપર) છે જે આઈરિશ કે ઓસ્ટ્રેલિયન દાદા પાસેથી મને ન મળે. આપણે ત્યાં હાલની દાદા-દાદીઓની જનરેશનમાં ભાગ્યે જ અમુક ઇંગ્લિશ જાણે છે. જો મારું ગુજરાતી સારું ન હોય તો એ સુપર-કૂલ દાદા-દાદીઓની વાતો પૂરી રીતે સમજી શકવામાં ભાષા મારી અડચણ બને.

૨૦મી સદીનાં સૌથી પ્રભાવશાળી બે નેતાઓમાંનાં એકે આ ભાષામાં પોતાની આત્મકથા લખી છે

કોઈ પણ લખાણ વાંચવાની જે મજા તેની મૂળ ભાષામાં છે, તેટલી અનુવાદમાં નથી. કહેવતો, ક્વોટેશન વગેરેને નિબંધોમાં આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે? કારણ કે, એ થોડામાં ઘણું કહી જાય છે. તેમનો પ્રયોગ ફક્ત પ્રયોગીનાં ભાષા-જ્ઞાન અને શબ્દભંડોળ જ નહીં પણ, તેમનાં સ્થાનિક સંસ્કૃતિનાં જ્ઞાનનો પણ સૂચક છે કારણ કે, કહેવતો પાછળ સાંસ્કૃતિક સંદર્ભો હોય છે. આ કહેવતો અનુવાદમાં ખોવાઈ જાય. જો સંપૂર્ણ ભાવ પકડો તો તેની ફોનેટીક ઈફેક્ટ (દા.ત. પ્રાસ, છંદ વગેરે) ખોવાય અને ફોનેટીક ઈફેક્ટ પકડો તો તેનો સંપૂર્ણ ભાવ  ખોવાય એવું પણ બને.

ગાંધીની એ આત્મકથા અને તે સિવાયનું પણ તેમનું લખેલું સાહિત્ય મને તેનાં લખાણની મૂળ ભાષામાં વાંચવા મળે છે કારણ કે, મને ગુજરાતી આવડે છે!

મને તેટલાં વધુ પુસ્તકો વાંચવા મળે છે

જેટલી વધુ ભાષાઓ આવડે તેટલાં વધુ પુસ્તકો તેની મૂળ ભાષામાં વાંચવા મળે – એઝ સિમ્પલ એઝ ધેટ. વળી, જૂદી-જૂદી ભાષાઓમાં વાંચતાં એ લખાણનાં કન્ટેન્ટ ઉપરાંત પણ ઘણું સમજવા મળે. જેમ કે, એક પુસ્તક અને તેનો અનુવાદ બંને વાંચતાં સમજાય કે, અનુવાદમાં કઈ કઈ રીતે કચાશ રહી જતી હોય છે, લેખક/અનુવાદકનાં પૂર્વગ્રહો લખાણમાં કઈ રીતે ભાગ ભજવતાં હોય છે વગેરે. વળી, ભરપૂર ચોઈસ મળે એ તો નફામાં. આજે ઇંગ્લિશમાં વાંચવાનું મન થાય ‘ને કાલે ગુજરાતીમાં વાંચવાની ઈચ્છા થાય. ઘર યાદ આવતું હોય ત્યારે ગુજરાતીમાં વાંચી શકાય અને ટેકનિકલ માહિતી જોઈતી હોય તો ઇંગ્લીશમાં કોઈ રિસર્ચ પેપર વંચાઈ જાય. મુનશીનાં પૌરાણિક પુસ્તકોથી માંડીને હફિંગટન પોસ્ટનાં લેટેસ્ટ પોપ્યુલર આર્ટિકલ અને ગુલઝારની ત્રિવેણીઓ સહિત બધું જ જોઈએ ત્યારે હાજર!

દુનિયાની પ્રાચીનતમ ભાષાઓમાંની એક સમજવા માટેનો આ પાયો છે

ગુજરાતી શબ્દભંડોળ અને વ્યાકરણ જેટલાં મજબૂત એટલી વધુ સહેલાઈ સંસ્કૃત સમજવામાં પડે. ગુજરાતી શબ્દો/શબ્દ-પ્રયોગોની પેટર્ન આસાનીથી ઓળખાતી હોવાનાં કારણે મને સંસ્કૃત વાંચવામાં અને ધીમી ગતિએ સ્પષ્ટ ઉચ્ચારે બોલાયેલું સાંભળવામાં ઘણી સરળતા પડે  છે. કદાચ એકાદ શબ્દ કે અક્ષર આમ-તેમ જોવા પડે પણ બહુ તકલીફ નથી પડતી. સંસ્કૃત દુનિયાની પ્રાચીનતમ ભાષાઓમાંની એક છે. તેનાં સમૃદ્ધ સાહિત્યનો ભંડાર ખોલવાની મારી ચાવી ગુજરાતી બની છે. જુઓ એક ઉદાહરણ આપું. ધારો કે, ઈમ્મોર્ટલ ઓફ મલૂહા વગેરે વાંચીને શિવને સમજવામાં રસ પડ્યો તો એ સમજ આગળ વધારવા માટે શિવ-મહાપુરાણ સૌથી પહેલું મગજમાં આવે. બજારમાં આ મહાપુરાણની શ્લોક સહિત અનુવાદવાળી પ્રતો મળે છે. તેનાં શ્લોકો સંસ્કૃતમાં સમજાતાં હોય તો જ્યાં અનુવાદ કરવામાં અનુવાદકનો પૂર્વગ્રહ તરત પકડાઈ જાય. કોઈ પણ પુસ્તકનો ભક્તિની દૃષ્ટિએ અને જ્ઞાનની દૃષ્ટિએ એમ બંને રીતે અનુવાદ કરો તો અંતિમ પરિણામ બિલકુલ જૂદા મળે. એટલે, સંસ્કૃત સમજવામાં મારે અનુવાદક પર પૂરો આધાર ન રાખવો પડે એ ફાયદો જ છે.

મને સારામાં સારાં મ્યુઝિક સાથે જોડતી આ કડી છે

હિન્દુસ્તાની ક્લાસિકલ, સૂફી અને ફિલ્મી સંગીતનાં લિરિક્સ સમજવા માટેની ચાવી છે હિન્દી અને ઊર્દૂ. ગુજરાતી મને આ બંને ભાષાઓની નજીક લઇ આવી છે અને સંસ્કૃતની જેમ જ આ ભાષાઓ સુધી પણ હું ગુજરાતીનાં પાયા પર ચડીને પહોંચી છું. ગુજરાતી પર પક્કડ હોવાને કારણે મને મિર્ઝા ગાલિબ અને જાવેદ અખ્તરનાં ઊર્દૂ તથા અમીર ખુસરો જેવાનાં હિન્દવીમાં લખાયેલાં કાવ્યો સમજાય છે જેમનો સારાં સંગીતમાં  ભરપૂર ઉપયોગ થાય છે.

હું કોણ છું અને ક્યાંથી આવી છું બંનેનાં મોટાં ભાગનાં જવાબ મને આ ભાષામાં મળે છે

હું જ્યાંથી આવી છું તેની આસપાસની કહાનીઓ મારાં માટે ગુજરાતીમાં જ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, ગુજરાતનો નાથ, જય સોમનાથ જેવાં પુસ્તકો મારી ઐતિહાસિક અને ભૌગોલિક સમાજમાં કોઈ ને કોઈ રીતે ઉમેરો કરે છે. જે લોકોની વાત તેમાં છે એ લોકોની ચોથી-પાંચમી જનરેશન હું છું અને એ લોકો, એ રહેણીકરણી અને એ ઘટનાઓમાંથી કોઈ ને કોઈ રીતે આપણી આજની સામાજિક વ્યવસ્થા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, રાજકારણ વગેરેની નાની-મોટી સમજ આપતી કેડીઓ નીકળે છે.

મને આ લખવાનો મોકો મળે છે

આપણે ત્યાં જે લોકો ઇંગ્લિશ સમજે છે તેમનાં માટે તો ઈંગ્લિશમાં વાંચવા માટે ભરપૂર સાહિત્ય અને સ્ત્રોતો ઉપ્લબ્ધ છે. એ લોકો નસીબદાર છે. એટલા માટે, કે આજે ઇંગ્લિશ આજે ઘણાં બધાં સારી રીતે સમજી શકે છે એટલે કોઈ એક લેખક જ્યાં ગફલત કરી જાય ત્યાં તેને સુધારવા માટે કોઈ ને કોઈ હંમેશા હાજર હોય. આમ, ઓપિનિયન અને કાઉન્ટર-ઓપિનિયન, માહિતી અને અભિપ્રાયોની ગુણવત્તા સુધારે છે. અને એથી વાચકને ફાયદો થાય છે. તો એવું ગુજરાતીમાં પણ કેમ નહીં? મારાં-તમારાં જેવાં ભરપૂર લોકો લખે અને વાંચે તો ઓપિનિયન અને કાઉન્ટર-ઓપિનિયનનો સ્કોપ વધે. એમ કરતાં ગુજરાતી સાહિત્યની ક્વોલીટી સુધરે. ગુજરાતી લખાણોમાં એ રીતે હું ઉમેરો કરી શકું છું અને મારો અવાજ / મારો પર્સપેક્ટીવ હું આપણાં સમાજ સુધી પહોંચાડી શકું છું. અને એ રીતે મારો ઓપિનિયન ડીબેટ માટે ખુલી જાય છે. એ રીતે કાં તો મારાં જ્ઞાનમાં વધારો થાય છે કે પછી મારું લખેલું વાંચનારનાં જ્ઞાનમાં.

So, why exactly do I say it’s uncool not to know one’s mother-tongue?

Because I believe the only really cool thing that there is, is to be genuinely curious. And the more you know the more curious you will be. Being multi-lingual helps one know more. It gives you access to more stories and lets you pick and choose. You have more context over a topic than a person who only knows a language at any given time which will also provide you with an opportunity to present a kick-ass argument on various topics in a large group which can help establish your coolness over the others (or you may lose friends). Knowing more will also make you understand different perspectives and it will probably make you more accepting of difference of opinions ultimately making you more flexible and adapting to people and situations. This will make you the guy/girl who knows there’s never really one absolute true answer. This will probably make you lesser stuck in your ways – some call this ‘being open minded’ others call it ‘being cool’. Not to forget the bragging rights of being bi/tri-lingual. Now, just imagine how unfortunate it would be if you can’t access literature and tap into all that knowledge exclusive in the language that’s practically at your disposal if you’ve grown up in a Gujarat or in a Gujarati household.

8 thoughts on “ગુજરાતી નથી જાણતાં? હાઉ અનકૂલ!

  1. Darshit, too generous with your compliments mate! Same here. I’ve always been a lover of all these different languages and cultures. It’s very interesting how many words and expressions we share in common with other Indian languages too! Thanks to my vocabulary in Guajrati I find it really easy to understand Marathi and Punjabi.

    It makes me sad to see all these really intelligent people around me who have this certain sense of pride attached to English being their first language or just plain indifference towards the fact that there are read-worthy, extremely well written pieces in their mother-tongue they never bothered knowing about. Of course I can’t speak for other languages that I don’t know enough about but definitely can talk about Gujarati so I did.

    P.S. going through your piece now.

  2. ડેફીનેટલી ઋતુલ. પ્રયત્ન તો એ જ છે. બાકી ભાષા ખતરામાં તો છે જ. એટલે નહીં કે ભાષા મારી જશે. પણ, એટલે કે, ભાષા વ્યવસ્થિત લેખકો/વાચકોનાં અભાવે કંગાળ બની જશે. ‘ને આજે ફૂટબોલ માટે કહીએ છીએ એમ કાલે કોઈક સાહિત્ય માટે કહેશે કે, પાંચ કરોડની વસ્તી થોડાં વ્યવસ્થિત લેખકો પણ ઊભાં ન કરી શકી.

  3. મજા તો આવે જ ને, આખરે મારી માતૃભાષાની વાત છે! ભલે આપના જેવી સુંદર અભિવ્યક્તિની કળા નથી તેમ છતાંયે મેં મારા ગુજરાતી પ્રેમ વિશે આવડે એવી ભાષામાં ઘણાં સમય પહેલા બે-ચાર શબ્દો લખ્યા’તા – http://marobagicho.com/2011/03/14/

    જો કે મને બીજી ભાષા પ્રત્યે કયારેય વેર નથી રહ્યા, ઉલ્ટાનું તેને જાણવાનું કુતુહલ રહ્યું છે. પણ ગુજરાતી ભાષા પ્રત્યેની ખાસ ભાવના હું લખીને સમજાવી શકું એમ નથી.

  4. ભાઇગ ખુલી ગ્યા મારાં. કોકે કીધું ગઈમું!
    હવે ઈયે કઈ દ્યો ખાલી ગઈમું જ કે મજ્જા જ આઈવે રાઈખી?

  5. સરસ. ગુજરાતી ભાષાને ‘ખતરે મેં હૈ’ તેવી કાળવાણીની જરૂર નથી અને ગુજરાતી ભાષામાં ખોટેખોટા અંગ્રેજી શબ્દો ઘૂસાડીને તેને ‘આધુનિક’ બનાવવાની જરૂર પણ નથી. જરૂર છે, ગુજરાતી ભાષામાં વધુને વધુ લખવા અને વાંચવાની. ગુજરાતીને આધુનિક બનાવવી હોય તો નવી પેઢીને સ્પર્શે તેવા વિચારો અને અનુભવો ગુજરાતીમાં લખો. તમે આ બધું મજબૂત રીતે કરી રહ્યા છો. સરસ. :)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s