૨૦૦૯-૧૦માં મેલ્બર્નનાં બનાવો ભારતીય મીડિયામાં ચગ્યા પછી ઓસ્ટ્રેલિયાનું નામ લો એટલે દરેક કાકા ‘ને માસી સીધા ચાલતી ગાડીએ ચડીને રેસીઝમ-રેસીઝમ કરવા લાગે. માસીને પાછી પોતાનાં દીકરા માટે તો સુંદર, સુશીલ, ટકાઉ, ‘ગોરી’ કન્યા જોઈતી હોય. ત્યારે આપણે પૂછીએ તો કે, માસી તમે રેસીસ્ટ ખરાં કે નહીં? એની વે. આ રેસિઝમ એટલે કે, શબ્દકોશની ભાષામાં રંગ-ભેદ એટલે કે, ગોરાઓ કાળા અને ભારતીય લોકો પર કરે છે તે (પાછું કાળા જો ગોરા પર કરે તો એ રેસીઝમ ન કહેવાય!). રેસીઝમને હું તેની વ્યાખ્યા ઉપરાંત બહોળા અર્થમાં જોઉં છું. મારાં માટે રેસીઝમ એટલે પોતાનાં રંગ અને સંસ્કૃતિ સિવાયનાં દરેક તરફ નાકનું ટીચકું ચડાવીને જોવું તે. પાંચ વર્ષ અહીં રહેતાં આ રેસિઝમનાં કેટલાંક રૂપો મેં હાલતાં-ચાલતાં જોયા છે. તો, રેસીઝમનો અવાજ કેવો હોય છે? માણો પ્રિમાનાં અવાજમાં રાગ – રેસિઝમ. (તાલ – ડોબાં. લય – પ્રેક્ટિકલ)
મારી સર્બિયન ફ્રેન્ડ ઓસ્ટ્રેલિયન્સ વિશે:
“પ્રિમા, આપણે ઓસ્ટ્રેલિયન નથી. <કોઈ એક બાબત અહીં મૂકો>માં આપણે તેમનાં જેવાં અનકલ્ચર્ડ નથી. આપણે ત્યાં કલ્ચર છે … “
બેટા, રીલેકસ્ડ લાઈફ-સ્ટાઈલ અને આઉટડોર સ્પોર્ટ્સ વગેરે આ જગ્યાનું કલ્ચર છે. જેમાં નાચવા-ગાવાનું, કળા અને ફોર્માલિટી હોય ફક્ત તેને જ કલ્ચર ન કહેવાય!
મારાં ભારતીય – કાઠિયાવાડી હાઉઝ મેટ્સ ઓસ્ટ્રેલિયન્સ વિશે:
“આ લોકોમાં આમ કંઈ હોય નહીં. આ બધાં સાવ આંટા જેવાં હોય”
?!
મારી મલેશિયન હાઉઝમેટ્સ ઓસ્ટ્રેલિયન્સ વિશે:
“આ લોકો તો કેટલાં આળસુ હોય છે. બધાંને ખબર છે કે, ભારતીયો, ચાઇનીઝ અને એશિયન્સ ઇન જનરલ – આપણે તેમનાં કરતાં ઘણાં વધુ મહેનતુ છીએ.”
આ તમે કયા સ્ટેટીસ્ટિકસમાંથી માહિતી શોધી લાવ્યાં, બહેન?
મારો એક ભારતીય – કાઠિયાવાડી હાઉઝ મેટ આરબો વિશે:
“એ ખુદા-બક્ષાવ ભેગું આપણને ન ફાવે.”
વાહ! એટલે તમને કોઈ ‘પાકી’ કહે તો વાંધો. તમે બાકી બધાંને જોઈએ તેવાં નામ આપો.
એક ભારતીય મિત્ર અન્ય મિત્રની પહેલાં શ્રીલંકન, પછી મૌરિશિયન ગર્લફ્રેન્ડ બાબતે:
“તેને પાકો કલર જ ગમે છે. પહેલાં કોઈ શ્રીલંકન હતી અને હવે આ મૌરિશિયન પણ એવી જ કાળી છે.”
હા, છોકરીઓને સફેદ સિવાયની કોઈ ચામડી સાથે જન્મવાનો કોઈ અધિકાર જ નથી.
મારો મલેશિયન ડ્રાઈવિંગ ઇન્સ્ટ્રકટર ઓસ્ટ્રેલિયન્સ વિશે:
“આ લોકો તો ફક્ત પૈસા પડાવવાનું જાણે છે. એ લોકો ચાહીને તમારી પસેથી વધુ લેસન્સ લેવડાવવનાં પેંતરા કરશે એટલે તેમને વધુ પૈસા મળે.”
.. અને બીજી ઘણી બધી બુરાઈઓ. ૫૦ મિનિટનાં લેસનમાં ઓછામાં ઓછી ૧૫ મિનિટ તો કાકા આ બકવાસ કરીને મારું માથું ખાઈ જતાં.
એક સગા ચાઇનીઝ વિશે:
“એ લોકો ગોબરા બહુ હોય હો”
ભાઈ પોતે હિન્દુસ્તાનની બહાર મિડલ-ઈસ્ટ સિવાય ક્યાંયે નથી ગયા કે, નથી ક્યારેય કોઈ ચાઇનીઝને મળ્યાં.
જૂદી-જૂદી નેશનાલિટીનાં અમુક ઠરકીઓ મને સંબોધીને: (વારંવાર જૂદા-જૂદા સમયે જૂદી જૂદી વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી એક જ વાત):
“ભારતીય સ્ત્રીઓ દુનિયાની બધી જ સ્ત્રીઓમાં સૌથી સુંદર છે! અને ભારતીય પુરુષો … “
એક તો તમે એક રેસ – જેમાં હું જન્મી છું, તેની અડધી ઉપરાંત વ્યક્તિઓનું અપમાન કરો છો અને દુનિયાની પોણાં ભાગની સ્ત્રીઓને ઉતરતી કહો છો અને તમેં એને કોમ્પલીમેન્ટ ગણીને હું ખુશ થઈશ એવું ધારો છો?!!?!!! વર્સ્ટ પિક-અપ લાઈન એવર!
એક સો-કોલ્ડ હિતેચ્છુ સગાં મારે કોને પરણવું એ વિશે:
“બીજી કોઈ જ્ઞાતિમાં પરણે તો વાંધો નહીં. પણ, બને તો સિંધી, પંજાબી એવામાં ન પડવું.”
અન્ય એક બંગાળી મિત્ર: “તું લગ્ન તો કોઈ ગુજરાતી સાથે જ કરજે.”
સૌથી પહેલાં તો મા-બાપને નથી હોતી એટલી પંચાત આ નવરાઓને હોય કોઈકનાં લગનની અને એ બહેન-ભાઈ જેવાં પાછાં રેસિઝમ રેસિઝમનો ગોકીરો કરવામાં સૌથી પહેલાં હોય. આપણે કરીએ એ લીલા, બાકી બધાં ભવાડા!
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક ઓસ્ટ્રેલિયન વર્ક-કલીગ વિવિધિ એશિયન (ચાઇનીઝ, તાઈવાનીઝ વગેરે) શોપ-આસિસ્ટંટ્સ અને ઓસ્ટ્રેલીયા બહાર ફરવા ન જવા વિશે:
“હું ઇંગ્લેન્ડ સિવાય બીજે ક્યાંય વિદેશમાં એટલા માટે જવાનું પસંદ નથી કરતી કે, હું જે બોલું છું એ કોઈને ન સમજાય તો મને બહુ ગુસ્સો આવે. અહીં પણ કેટલાંક એશિયન શોપ-અસીસ્ટંટ શું બોલે છે એ સમજાય નહીં અને મારે વારંવાર પૂછવું પડે ત્યારે મને બહુ ગુસ્સો આવે. મને ખબર છે કે, એમ કરવું બરાબર નથી એટલે હું કોઈ અન્ય દેશમાં ક્યારેય ફરવા નહીં જાઉં.”
બોર્ડરલાઈન. પૂરેપૂરું રેસિસ્ટ નથી કારણ કે, એમણે ભાન છે કે, આ એટીટ્યુડ બરાબર નથી.
એક ભારતીય મિત્ર અને સગાં ઓસ્ટ્રેલિયન્સ વિશે:
“આમ તો એ કાળા-પાણીવાળાં કેદીઓ અને ગુનેગારોનો જ દેશ ને!”
કોઈ તમને હજુ અંગ્રેજીનાં ગુલામ અને દેશને ગુલામોનો દેશ કહે તો? આપણે કહેશું કે, ગુલામીકાળને તો વર્ષો થઇ ગયાં. તો, બસ તેમ જ ગુનેગારો અને અહીં મોકલવામાં આવતાં અંગ્રેજ કેદીઓવાળી વાત તો તેનાથીયે જૂની છે. તેને તો આપણે આઝાદ થયાં એથીયે વધુ સમય વીતી ચૂક્યો છે.
કટિંગ ધ લોન્ગ સ્ટોરી શોર્ટ – રેસિઝમ કે રંગભેદ કોઈ એક દેશ કે સંસ્કૃતિની જાગીર નથી. દુનિયા આખીનાં દરેક દેશમાં રેસિસ્ટ-રાજાઓનો પાર નથી. દરેક રેસની અન્ય રેસ વિશે કોઈ ને કોઈ સ્ટીરીઓટિપીકલ માન્યતાઓ છે અને એ કોઈ ને કોઈ ભંગાર સ્ટેટમેન્ટ સ્વરૂપે બહાર ઓકાતી જ રહેતી હોય છે. જો તમે તેવામાંનાં હો કે, તમારે ૨-૩થી વધુ અન્ય કોઈ દેશ કે સંસ્કૃતિનાં મિત્રો જ ન હોય તો રેસિઝમ રેસિઝમ ચિલ્લાવતાં પહેલાં જરા બે મિનિટ અટકીને વિચારવું કે, આપણે ફક્ત એક અનુભવે આખી કમ્યુનિટીને જનરલાઈઝ કરી રહ્યાં છીએ કે,શું.
ઓસ્ટ્રેલિયા વિશે કહું તો, આ એક માઈગ્રન્ટ દેશ છે. આ દેશનાં પોતાનાં લોકો આમ જોઈએ એબોરીજીનલ્સ સિવાય કોઈ છે જ નહીં (કે, જેને ઊતારી પાડવામાં તો પાછાં તમે કોઈ કસર નથી છોડતાં). કોઈનાં દાદા-પરદાદા અહીં માઈગ્રેટ થયાં હતાં તો કોઈનાં માતા-પિતા તો કોઈ પોતે.
જો કે, વાત કઈ સિચુએશનમાં અને કયા સુરમાં બોલાયેલી છે તેનાં પર ખાસ ધ્યાન આપવું. મિક્સ્ડ મિત્ર-વર્તુળમાં રેસિસ્ટ વ્યંગ બહુ સામાન્ય છે અને એક હદ સુધી તેમાં કંઈ ખોટું પણ નથી. એટલે, પ્રો-ટિપ: અ લિટલ સેન્સ ઓફ હ્યુમર ગોઝ અ લોન્ગ વે!
બાકી તો શું કહું. તેજીને ટકોરો ‘ને ગધેડાને ડફણાં.
ઊંટ કહે આ સમામાં વાંકાં અંગવાળાં ભૂંડા
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી
કૂતરાની પૂછડીનો વાંકો વિસ્તાર છે
વારણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા
ભેંસને તો શિર વાંકાં શિંગડાનો ભાર છે
સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે
– દલપતરામ
હવે તો મેરેજ કોઇ “ઓસિ” જોડે જ કરજે ;)
Hehe thanks :)
કોઈ રેસીસ્ટ’ને રેસિઝ થઇ જાય તેવી મખમલી પોસ્ટ ;) ” + 10 ”
ખરેખર એક એકને પકડી પકડીને માર્યા છે ! [ તમે મહતમ પોસ્ટ દેશી ગુજરાતી’માં આપી છે એટલે મને પણ દેશી કમેન્ટ કરવાનો ‘બાય’ચાન્સ મળી ગયો ;) ]
હું આવા લોકોને આંટા’લાલ કહું છું [ Red Turns ] કે જેઓની પપૂડી વિના ફૂંકે પણ વાગતી જ રહે છે ! – Blowless Pipers :D