આપણે ત્યાં આ આખો રિલેશનશિપ અને તેનાં સ્વીકાર વિશેનો મત શિક્ષિત પ્રેક્ટિકલ મિડલક્લાસમાં જાણે એકાએક ફક્ત એક પેઢીમાં જ ફરી ગયો છે! એક સમય હતો જ્યારે પ્રેમ અને પ્રેમ-લગ્ન આખી બાબત જ એટલી મોટી ગણાતી કે, પ્રેમ-સંબંધો બંધાતા તોયે એક જ વાર બંધાતા અને લગ્નની ગાંઠ બંધાય ત્યાં સુધી બહારનાં તત્ત્વો સાથેની જંગ જ એટલી મોટી રહેતી કે, સંબંધની આંતરિક તકલીફો તો ‘રિલેશનશિપ’વાળા ગાળામાં દેખાતી પણ નહીં. અંતે લોકો ભાગીને પ્રેમીને પરણી જતાં, અથવા માતા-પિતા રાજી-ખુશી પરણાવી દેતાં અને એ બંને ન થતું ત્યારે બંને છૂટાં પાડીને અરેન્જડ મેરેજમાં કોઈ સાથે ગોઠવાઈ જતાં. હા, આમાં પછી થોડાં ઘણાં ફેરફાર આવતાં. પણ, વાતનો જનરલ ટોન તો બ્લેક ઓર વ્હાઈટ જ રહેતો. કોમ્પ્લીકેશન કે કન્ફયુઝનનાં ગ્રે તો જાણે અસ્તિત્ત્વ જ ન ધરાવતાં હોય એવી જ કહાનીઓ સાંભળવા મળતી.
અને છેલ્લા ૫-૭ વર્ષમાં આ બધું જ બદલાઈ ગયું. પ્રેમ મેઈનસ્ટ્રીમ થઇ ગયો અને ખાટલે મોટી ખોડ એ કે, આવો કોમ્પ્લીકેટેડ પ્રેમ કરનારી અમારી જનરેશનનાં મોટાં ભાગનાં પેરેન્ટ્સની તો સ્ટ્રેઈટ-ફોરવર્ડ લવ-સ્ટોરી પણ નથી! તો રિલેશનશિપ એડવાઈઝ તો ભૂલી જ જાઓ. આ આખી પરિસ્થિતિ આ એક જેનરેશન માટે બહુ રસપ્રદ છે. એક તરફ પ્રેમ અને પ્રેમીઓને વધુ ને વધુ સ્વીકૃતિ મળતી ચાલી છે એમ સંબંધોનું પ્રમાણ વધ્યું છે અને બીજી તરફ બુદ્ધિજીવી વર્ગનો કરિયર ઓરિયેન્ટેડ અપ્રોચ વધતો ચાલ્યો છે એમ સંબંધોનાં નવા સમીકરણોનો એક ફલક ખુલવા લાગ્યો છે. ટીન્સ અને યુવાનો ભણવા કે કામ કરવા માટે વધુ ને વધુ ગામ/રાજ્ય/દેશની બહાર લાંબા કે ટૂંકા સમયગાળા માટે જવા લાગ્યા છે. સ્કૂલ-કોલેજની રિલેશનશિપ્સમાં છેલ્લાં કેટલાંયે સમયથી એક મૂંગી સ્વિકૃતિ આવી ગઈ છે એકથી વધુ રિલેશનશિપ્સ અને બ્રેક-અપ્સ વિશે. બાકીની વિશાળ દુનિયા સાથે લાઈવલી કનેક્ટેડ અર્બન યુથનાં રિલેશનશિપ્સ વિશેનાં અભિગમ પણ વધુ-ઓછાં પણ ગ્લોબલ બનતાં ગયા છે.
પણ, આ કોમ્પ્લેકસીટીને હેન્ડલ કરી શકવા માટેની સપોર્ટ સિસ્ટમ? ન બરાબર છે. રિલેશનશિપ્સવાળો સબ્જેક્ટ તો આજે પણ એક સામાન્ય ઘરમાં પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. હા, વાત લગ્ન સુધી પહોંચે ત્યારની વાત અલગ છે. કેઝ્યુઅલ રિલેશનશિપ (સાવ ટાઈમપાસ નહીં) નામનો કન્સેપ્ટ પ્રેક્ટિકલી આવી ગયો હોવાં છતાંયે અસ્તિત્ત્વ નથી ધરાવતો. પૂછો કોઈ પણ એવરેજ મિડલ-ક્લાસ/હાયર મિડલ-ક્લાસ સ્કૂલ-કોલેજનાં છોકરા/છોકરીઓને. ‘ઇટ્સ કોમ્પ્લીકેટેડ’ પર એક આખો નિબંધ લખી આપી શકશે. બીજી તરફ આ સમયનાં યુવાનોનાં પેરેન્ટ્સવાળી જેનેરેશનમાં અમુક સીમિત વ્યાખ્યાઓ જ અસ્તિત્ત્વ ધરાવે છે. કાં તો તમે સિરિયસ હો અને લગ્ન કરો અને બાકીનું બધું કાં તો તને ‘નાના અને અણસમજુ છો’ અથવા તો ‘ટાઈમપાસ કરો છો’વાળી કેટેગરીમાં મુકાઈ જાય છે. રિલેશનશિપનાં ગ્રે શેડ્સ વિશે ન કોઈ વિચારે છે કે ન તો વાત કરે છે. પેરેન્ટ્સ કદાચ વાત કરે તો પણ તેની ગંભીરતા તેમનાં મગજમાં એટલી બધી વધુ હોય કે, પરિસ્થિતિ હોય તેનાં કરતાં તેમને વધુ dramatic જ દેખાય. વળી, સિરિયસ રિલેશનશિપવાળાઓએ પણ મોટા ભાગે તો ઘરમાં આ વિશે કંઈ કહ્યું ન હોય અને કહ્યું હોય પણ ખરું તોયે એ one-off ઓકવર્ડ ડિસ્કશન હોય જેમાં એ સમયે અને એ ઉમરે બિલકુલ રિલેવંટ ન હોય એવાં સવાલ-જવાબ થાય અથવા તો હમણાં ભણવામાં ધ્યાન આપો એવું કહીને વાતને આટોપી લેવામાં આવતી હોય. ૨૦ વર્ષથી નીચેનાં લોકોની રિલેશનશિપ્સ તો બાઈ-ડીફોલ્ટ સિરિયસલી ન જ લેવામાં આવે એ શું વળી? કઈ દુનિયાનાં કયા કાયદામાં એવું લખી દેવામાં આવ્યું છે કે, ૨૦ વર્ષથી નીચેનાં જે કરતાં હોય એ સિરિયસ ન જ હોય?! બની શકે છે કે, ત્યારે જ એ લોકો પોતાનાં સોલ-મેટને મળે! પણ, ઈચ્છવા છતાંયે અમુક પરિસ્થિતિ કઈ રીતે સાચવવી એ તેઓ ન સમજી શકતાં હોય અને તેમાં ખરેખર તેમને ખરેખર તકલીફ ક્યાં છે એ જ ખબર ન હોય. ત્યારે તેની ગાંઠો ખોલવામાં એ બંને સિવાયનાં ત્રીજા તેમાં ઇન્વોલ્વડ હોય એ પણ કોણ? તેમનાં જેટલો જ સીમિત લાઈફ-એક્સપીરિયંસ ધરાવતાં તેમનાં મિત્રો. તેઓ એક ત્રીજી વ્યક્તિ તરીકે તેમની તકલીફોને જોઈ/સમજીને એક હદ સુધી સલાહ આપી શકે પણ એથી આગળ સમજી કે સમજાવી શકવાનું તો તેમનુંએ ગજું ન હોય.
જે માતા-પિતાઓ ભવિષ્ય અને કરિયર વિશે ફોરવર્ડમાં ફોરવર્ડ ચર્ચાઓ કરી શકતાં હોય એ જ વર્ગ આ ટોપિક પર સાવ ચુપ. ફ્યુચર અને યુવાનીનો એક મોટો ભાગ કરિયર છે તેટલો જ મોટો બીજો ભાગ રિલેશનશિપ્સ અને પાર્ટનર્સની આ એડવેન્ચરસ સફર પણ છે. વળી, પર્સનલ અને ફેમિલી લાઈફની સ્થિરતા વિના આમ પણ કરિયરમાં સ્થિરતા આવવી લોઢાનાં ચણા ચાવવા જેટલું અઘરું છે એ વસ્તુ આપણા કરિયર/ફોકસ ઓરિયેન્ટેડ કહેવાતાં બુદ્ધિજીવી માં-બાપો અને શિક્ષકો કઈ રીતે ભૂલી જાય છે? આઈ મીન કમોન! આપણને બધાંને શું અત્યાર સુધીમાં સમજાઈ નથી ગયું કે, એક સાચાં અર્થમાં વેલ-રાઉન્ડેડ લાઈફ જીવવા માટે કરિયર અને સંબંધોનું બેલેન્સ બહુ જરૂરી છે. તો આ વાત ટીન્સને પ્રેક્ટિકલ રીતે શીખવવી અને સમજાવવી ક્યારે શરુ થશે એ હું વિચારું છું! વળી, કરિયર અને લાઈફમાં શું કરવું તેનાં ઓપ્શન્સ વગેરે વગેરેની માહિતી તો આમ પણ આજ-કાલ બધાં માટે ઈન્ટરનેટ પર ભરપૂર છે. કરિયર એવી થિયરી છે જે સમાચારપત્રો, મેગેઝીન, બ્લોગ્સ અને એવાં હજારો માધ્યમોમાંથી બહુ સહેલાઈથી મળી શકે છે. પણ, સંબંધો અને તેને ટકાવવાની માહિતી ક્યાંથી મળશે? ફિલ્મો, નાટકો અને વાર્તાઓ તો છે. પણ, તેમાંયે હીરો અને વિલનનાં કન્સેપ્ટ સમજી શકાય ગ્રે-શેડનાં નહીં. ખરેખરી જિંદગી અને ખરેખારા સંબંધો તો આખી વાત જ ગ્રે-શેડની હોય છે. તો હવે ડગલે ને પગલે તાર્કિક અને નાણાંકીય સમજદારી ઇન્સીસ્ટ કરતાં આપણે, એક સમાજ તરીકે લાગણી અને સંબંધોની સમજદારી સાથે બેલેન્સ નામની એક જીવનજરૂરી વાત શીખવવાનું શરુ ક્યારે કરીશું?
લાગણીઓની વાત આવે ત્યારે મજબૂત બનવાની જે સલાહો આપવામાં આવે છે તેનો ખરેખરો સુર તો લાગણીઓને સુન્ન કરી નાંખો અને પછી સ્ટ્રોંગ હોવાનો ઢોંગ કરો એવો હોય છે આપણે ત્યાં. ઈમોશનલ ઈન્ટેલીજન્સ નામનો જીવનનો એક ખૂબ અગત્યનો ભાગ આપણે ત્યાં જૂગારની રમત બનીને રહી ગયો છે. એ શીખવાની વ્યવસ્થિત લાઈન ઓફ કમ્યુનિકેશન નથી એટલે ટ્રાયલ એન્ડ એરર એ એક જ મેથડ બચી છે. એ મેથડ આ રસ્તા પર એટલી કઠણ છે કે, જે એમાંથી પસાર થાય છે એ કશું સમજી ન શકવાને લીધે શરૂઆતમાં જ ફાટી પડે-કોઈ ને કોઈ રીતે તેમાંથી ભાગી છૂટે અને જિંદગી આખી મજબૂત હોવાનાં ભ્રમમાં જીવતાં રહે, જે ટકી રહે એ અંતે સાવ ભાંગી પડે અને બાકીનાં ગણ્યાગાંઠ્યા નસીબદારો આ આખો ભેદ પામે અને સ્વસ્થતાથી આગળ વધતાં રહે. સમય બદલ્યો છે અને તેની સાથે અમને પજવતાં પ્રશ્નો પણ. હાલ બાકીની દુનિયામાં ટીન્સ અને યુવાનોનાં પેરેન્ટ્સ કે પછી એ ઉમરનાં તેમનાંથી નજીક તેમનાં બધાં વયસ્કોમાંનાં કોઈ ને કોઈ આ રિલેશનશિપ એડવાઈઝરનો રોલ લેતાં રહેતાં હોય છે અને એ પણ ફક્ત ત્યારે નહીં જ્યારે વાત લગ્ન પર આવી પહોંચી હોય. એ લગ્ન સુધી પહોંચે ત્યાં સુધીની સફરમાં પણ.
આવા સમયે તેમને એ સમીકરણમાં કયા ક્યા અને કેવાં પરિબળો ભાગ ભજવે છે એ દેખાડવામાં આવે તો? તમે ગમે તે કરો અંતે એ નિર્ણયની જવાબદારી તમારી પોતાની જ રહે એ સમજાવવામાં આવે તો? રિલેશનશિપમાં ફક્ત પ્રેમ અને બ્રેક-અપ બે જ એક્સ્ટ્રીમ ન હોઈ શકે એ સમજાવવામાં આવે તો? સંબંધોમાં અમુક પરિસ્થિતિઓ ગૂંચવાડા ઊભી કરતી હોય છે અને એ ગૂંચવાડા સાથે બેસીને વાત કરીને ખોલવાના હોય છે એ સમજાવવામાં આવે તો? રિલેશનશિપ્સમાં દરેક વખતે પોતાને શું જોઈએ છે એ ખબર ન હોય અને એવું હોવું જરૂરી પણ નથી એ સમજાવવામાં આવે તો? દરેક રિલેશનશિપને દુનિયાનાં અંત તરીકે દેખાડવા કરતાં જસ્ટ-અનધર-ડેસ્ટીનેશન તરીકે જોતાં શીખવાડવામાં આવે તો? આવો અભિગમ કેળવ્યા પછી તેને ગમે તેની લાગણીઓ સાથે રમવાનું સાધન ન બનાવતાં શીખવાડવામાં આવે તો? એક ફલર્ટ હોવું અને ખરેખર ઇચ્છવા છતાં રિલેશનશિપ્સ ટકાવી ન શકવી એ બંનેમાં ફર્ક છે એ શીખવાડવામાં આવે તો? પાર્ટનર અને પોતાની જાત સાથે લાગણીઓમાં પ્રમાણિકતા કોને કહેવાય અને એ કેટલી જરૂરી છે એ શીખવાડવામાં આવે તો? ક્યારેક તેમનાં કોઈ મિત્ર અને તેમનામાં ખરેખર કેમિસ્ટ્રી દેખાય ત્યારે તેમને એ જણાવવામાં આવે તો? ક્યારેક કોઈ બહુ લાગણીશીલ છોકરા/છોકરી સાથે તેમને ફલર્ટ કરતાં અટકાવવામાં આવે તો? રિલેશનશિપમાં તેઓ સ્વકેન્દ્રી બની રહ્યા હોય ત્યારે તેમને ટપારવામાં આવે તો? બ્રેક-અપ પછી રીબાઉંન્ડ શું હોય અને તેમાં વ્યક્તિની માનસિક પરિસ્થિતિ શું હોય એ સમજાવવામાં આવે તો? પ્રેમની કલાત્મક આવૃત્તિ અને રોજબરોજની પ્રેક્ટિકલ આવૃત્તિ વિશેનો ફર્ક સમજાવવામાં આવે તો? એક એપિસોડનાં પ્રેમ અને જીવનભરની લવ સ્ટોરીમાં પાયાનો ફર્ક સમજાવવામાં આવે તો? અને બંનેમાં કંઈ ખોટું નથી એ અહેસાસ કરાવવામાં આવે તો? શું આ સમાજનાં મોટાઓ પોતાનાં જ બાળકોને આટલું પણ શીખવવાનું નથી વિચારતાં? કે પછી લાગણીઓ અને સમજદારીનો દાવો કરતાં પોતે જ ખરેખર તો આ બાબતે અભણ રહી ગયા છે? સેક્સ એજ્યુકેશન પહેલાં અને તેનાંથી કદાચ ક્યાંય વધુ જરૂરિયાત આપણે ત્યાં રિલેશનશિપ અને ઈમોશનલ એજ્યુકેશનની છે.
આ વિચારનાં ખૂબ નજીકનાં બે વિષયો પરની બે રસપ્રદ ટેડ-ટોક્સ:
૨૦૦ વર્ષ!
આ ચર્ચા ફેમીલીમાં શક્ય બને તે માટે ભારતીય સમાજને હજુ લગભગ ૨૦-૨૫ વર્ષનો સમય લાગશે. કેમ કે આ સમયગાળામાં માતાપિતા તરીકે એવા લોકો આગળ આવી ગયા હશે જેઓ રિલેશનશીપનો અનુભવ (સારો/ખરાબ/મિશ્ર) પ્રત્યક્ષ કરી ચુક્યા હશે અને તેમની પાસે આ બધા મુદ્દે નવી જનરેશનના પ્રશ્નો સમજવાનું અને તેમને આગળ વધવા કે ટકી રહેવા માટે ગાઇડન્સ આપવા જેટલું ભાથુ પણ હશે.
સાઇડટ્રેક: સંયુક્ત ગુજરાતી કુંટુંબમાં આ મુદ્દાને ચર્ચામાં આવતા હજુ ૧૦૦ વર્ષ પણ લાગી શકે છે!
Cheers mate!
Yea I know and that’s exactly why as a society we need to grow up! :)
ખરેખર. આપણે ત્યાં આ ફૂટબોલનું વિરુદ્ધાર્થી છે. ફૂટબોલની વાતો બધાં કરે છે પણ રમતું કોઈ નથી અને રિલેશનશિપ્સમાં હોય છે બધા પણ કોઈ વાત નથી કરતુ.
Very nice post, could not agree more.
really, hard to digest for parents but true reality.
ખુબ સુંદર વિષય છેડાયો . .
કદાચિત જે વડીલો પાસેથી આપણે અપેક્ષા રાખીને બેઠા હોઈએ તેઓ આ વાત’ને મુદ્દો સુધ્ધા ન ગણતા હોય ત્યારે ખરેખર’નું આશ્ચર્ય નીવડે છે !
. . . આ એક એવો ટોપિક બની રહે કે જેને જો મહતમ ભારતીય કુટુંબો’માં ચર્ચવામાં આવે તો નાસભાગ થઇ શકે અને એકબીજા એકબીજાની અડફેટે આવી જાય ;)