મેલ્બર્ન

ઓસ્ટ્રેલિયા, મેલ્બર્ન, Uncategorized

મેલ્બર્નમાં અમારાં પહેલા દિવસની શરૂઆત કોફી અને બ્રેકફસ્ટથી થઈ. હું ખાસ કંઈ ખાઈ ન શકી કારણ કે, સળંગ બે રાતનાં ઉજાગરાએ મારાં પાચન પર અસર કરી હતી અને હું બિમાર પડી રહી હોઉં તેવું લાગતું હતું. જો કે, બહુ તકલીફ નહોતી. સુઝાનાની એક મિત્ર અમને ફ્લિન્ડર્સ સ્ટ્રીટ ટ્રેન સ્ટેશન પર મળવાની હતી જે અમારી હોટેલથી લગભગ ૧૫-૨૦ મિનિટનાં વોકિંગ ડિસ્ટન્સ પર હતું.  અમે ત્યાં પહોંચ્યા અને સ્ટેશનની બરાબર સામે ટ્રાફિક સિગ્નલ પર રાહ જોવા લાગ્યા. લગભગ પાંચેક મિનિટ પછી એ આવી. ખુલ્લા પગે. પગમાં કંઈ પણ પહેર્યા વિના. એ જોઇને મારું પહેલું રિએક્શન – “Ok then! I see how it is “. આ વાંચવામાં જજમેન્ટલ લાગે છે મને ખબર છે. ઊઘાડા પગે ફરવામાં કંઈ ખોટું નથી અને પોત-પોતાની પસંદગીની વાત છે એ હું પણ માનું છું. પણ, આ છોકરીની એ કરવાની રીત અને તેનો અન્ડરટોન બહુ દંભી હતો અને તેમાં સહજતા બિલકુલ નહોતી. થોડી એવી પરિસ્થિતિ હતી કે, તમે જે કરો છો તેનાંથી તમે પોતે પૂરેપૂરા સહમત નથી અને ઓકવર્ડ છો અને એટલે એ ઓકવર્ડનેસ તમારી સામેવાળા પણ રિફ્લેક્ટ કરે છે.

એ આખો દિવસ અમે સાથે વિતાવ્યો પણ એ દિવસે મેં બેમાંથી કોઈ સાથે શું વાત કરી હતી એ મને યાદ નથી. અમે સૌથી પહેલાં એક સાંકડી કાફે સ્ટ્રીટમાં ગયાં, તે બંનેએ ચા મંગાવી અને સિગરેટ સળગાવી. હું આમ પણ એ બંનેની વાતમાં કોઈ રસ નહોતી લઇ શકતી કારણ કે, અડધો વખત તો એ લોકો શું વાત કરતાં હતાં એ જ મને ખબર નહોતી. એવામાં તેમની સિગરેટ મારી વહારે આવી અને મને ત્યાંથી ખસવાનું બહાનું મળી ગયું. સિગરેટનાં ધુમાડાથી ખાંસી કોને ન થાય! :P તેમને ત્યાં લાંબો સમય બેસવું હતું અને વાત કરવી હતી. જ્યારે, મારે બને તેટલાં આંટા મારવા હતાં. નાની-મોટી આસપાસની જગ્યાઓ જોવી હતી. અને અફકોર્સ મારે શું કરવું હતું તેમાં ન તો તેમને બહુ રસ હતો કે ન તો તેનાંથી તેમને કોઈ ફર્ક પડતો હતો. એટલે હું મોકો શોધીને મારી રીતે ત્યાં આસપાસ ફરવા લાગી. કેમેરાને પણ ઘણાં સમયથી હાથ નહોતો લગાડ્યો અને મને થોડાં સેટિંગ્સ પણ ભૂલાઈ ગયાં હતાં. એટલે ફરી હાથ બેસાડવાનો એ સારો મોકો હતો. વળી, ત્યાં બેસીને એકલતા અનુભવવા કરતાં તો એ વધુ ઇન્ટરેસ્ટિંગ હતું જ. હું ૧૫-૨૦ મિનિટ મારી રીતે ફરીને પાછી આવી અને અમે અમારાં ત્યાર પછીનાં મુકામ તરફ જવા તૈયાર હતાં. ક્વીન વિક્ટોરિયા માર્કેટ, મેલ્બર્ન સેન્ટ્રલ અને કોલિન્સ સ્ટ્રીટ વગેરે મુખ્ય બજારનાં વિસ્તારોમાં અમે ફર્યા.

હું નાતબહાર કરવામાં આવી હોઉં અનુભવી રહી હતી. એ લાગણી લગભગ આખો દિવસ ગઈ નહીં અને મારે એ લાગણીને મારાં પર હાવી નહોતી થવા દેવી. તેનો કોઈ મતલબ નહોતો. એટલે, મને રસ પડે તેવું કંઈ ને કંઈ હું કરતી રહેતી અને કંટાળવાનો પ્રશ્ન નહોતો. ઉલ્ટું આવામાં જો હું કદાચ તેમની સાથે ને સાથે ફરતી હોત તો કદાચ વધુ કંટાળત એટલે એ રીતે સારું હતું કે, તેઓ ઓછામાં ઓછું એટલું સમજતા હતાં કે, મારે જૂદી પ્રવૃત્તિ કરવી હોય તો હું જઉં અને અમે બધાં અહીં એડલ્ટ છીએ એટલે આવામાં ખોટું ન લગાડવાનું હોય (ટ્રસ્ટ મી. ઘણી છોકરીઓને તેમાં પણ તકલીફ થતી હોય છે. આ એટલા તો સમજુ હતાં!). અમે મોડી બપોરે મેલ્બર્ન સેન્ટ્રલની સામે સ્ટેટ-લાઈબ્રેરીની બહાર ઘાસવાળા વિસ્તારમાં બેઠાં. ત્યાં પણ લગભગ એ જ પરિસ્થિતિ હતી. હું કોઈ પણ વાતચીતનો  સક્રિય હિસ્સો નહોતી અને એટલે અડધી કલાક જેવા સમયમાં ખૂબ કંટાળી. તેમને ત્યાં જ બેસવું હતું અને મારે આજુબાજુની શેરીઓમાં ફરવું અને જોવું હતું એટલે મેં ફરી એકલા જવાનું નક્કી કર્યું અને અમે ફરી એકાદ કલાક પછી મળ્યાં.

એ દિવસે અમે આખો દિવસ ચાલીને રખડ્યા હતાં. એટલે એ રાત્રે હું બે દિવસનાં ઉજાગરા પછી સારી રીતે ઊંઘી શકીશ એ વિચારીને ખુશ હતી. રાત્રે લગભગ નવેક વાગ્યે અમે અમારી હોટેલમાં હતાં અને વહેલાં ઊંઘી જવા સિવાય મારી કોઈ આકાંક્ષાઓ નહોતી. બરાબર ત્યારે જ સુઝાનાએ ટીવી ચાલુ કર્યું અને મને પૂછ્યું કે, હું અત્યારે ટીવી ચાલુ કરું તો તને કંઈ વાંધો નથી ને? મેં કહ્યું તારે ઊંઘવું નહોતું? તેણે એક મોટી સ્માઇલ સાથે જવાબ આપ્યો કે, “It’s my thing. I just find a boring TV show and put it on and I fall asleep. Didn’t I tell you yesterday?” મારી પાસે સહમત થવા સિવાય કોઈ રસ્તો નહોતો અને મને લાગ્યું કે, એ થોડી વારમાં આપોઆપ ટીવી બંધ કરી દેશે. સ્વાભાવિક છે કે, તેને ખબર જ હોય કે મોટાં ભાગનાં લોકોની ઊંઘમાં અવાજ અને/અથવા પ્રકાશથી ખલેલ પડતી હોય. જો કે, એ રાત્રે આગલી બે રાતનાં થાકને કારણે મને આમ પણ ઊંઘ આવી જવાની હતી તેની મને ખાતરી હતી. અને એવું થયું પણ. હું ઝોંકુ ખાઈ ગઈ અને મારી બુક મારાં હાથમાંથી પડી ગઈ. એ બાજુનાં ટેબલ પર મૂકીને હું ઊંઘવા લાગી. બરાબર ત્યારે જ સુઝાનાને તેનાં બોયફ્રેન્ડ-ઇશ્યુઝ વિશે વાત કરવાનું સૂઝ્યું (જે ટોપિક પર અમે ઓલરેડી એક લાખ પચાસ હજાર વાર વાત કરી ચૂક્યા હતાં) અને મારે નાછૂટકે રસ દાખવવો પડ્યો. એટલું જ નહીં, તેણે મારી ઊંઘ પણ બરાબર ઉડાડી દીધી. એ રાત્રે હું બિલકુલ ઊંઘી ન શકી અને સવારે સાડા છ-સાત વાગ્યે ઊંઘી. એ દિવસે બપોર સુધી હું હોટેલની બહાર ન નીકળી. સૂતી રહી. જો એવું ન કર્યું હોત તો મેં એ દિવસે સોએ સો ટકા ઉલ્ટી કરી હોત અને તબિયત બગાડી હોત અને ટ્રિપનાં પાંચે દિવસ બગાડવા કરતાં તો એક સવાર બગાડવી અને ઊંઘી રહેવું જ બહેતર હતું.

બપોરે જયારે બહાર નીકળી ત્યારે સુઝાના સ્ટેટ-લાઈબ્રેરીની બહાર એ જ ઘાસમાં તેની મિત્ર સાથે બેઠી હતી. મારે થોડી ખરીદી કરવાની બાકી હતી પણ એ દિવસે બપોરે તેને બહુ ઠીક નહોતું અને એ લંચ પછી હોટેલ પર ગઈ. એ આખો દિવસ પણ હું લગભગ એકલી જ ફરી અને ટ્રિપ-એડવાઈઝરની મદદથી એકમી (ઓસ્ટ્રેલિયન સેન્ટર ઓફ મુવિંગ ઈમેજીસ) વિશે જાણીને ત્યાં ગઈ. ઓસ્ટ્રેલિયાનું એ ફિલ્મ-ટીવી મ્યુઝીયમ ખરેખર બહુ રસપ્રદ અને માહિતીપ્રદ છે. હું બહુ ખુશ છું કે, હું ત્યાં ગઈ. જો કે, એ જગ્યા હું પૂરી જોઈ ન શકી. કારણ કે, મારી એક મિત્ર સિટીમાં આવી પહોંચી હતી અને મારે તેને મળવાનું હતું. પછી તો તેનો હસબન્ડ અને તેમનાં બે મિત્રો સાથે હું ભળી અને થોડી વાર પછી સુઝાના પણ અમારી સાથે થઇ. એ દિવસ એકંદરે સારો રહ્યો અને ત્રણ રાતનાં ઉજાગરાથી થાકેલી હું  એ રાત્રે બરાબર ઊંઘવા પામી. સુઝાનાનાં ટીવીનાં ઘોંઘાટ છતાં. એ દિવસે ઊંઘ કરવી મારાં માટે ખૂબ જરૂરી પણ હતી. કારણ કે, પછીનાં દિવસે અમારી ગ્રેટ ઓશિયન રોડ ટૂર હતી અને તેનાં માટે અમને ટૂર-બસ સવારે સાડા સાત વાગ્યામાં હોટેલ પર લેવા આવવાની હતી.

7 thoughts on “મેલ્બર્ન

  1. વોટ કાર્તિક વોન્ટ્સ? માત્ર કાર્તિક ને જ ખબર છે. એટલે, જ્યારે હું લોંગ રનિંગ માટે જાઉં છું, ત્યારે મને સૌથી વધારે મજા આવે છે :) (ઓફ ટોપિક, સોરી પ્રીમા!)

  2. હું તમારી વાત સાથે કનેક્ટ થઇ શક્યો કારણ કે મેં મારી જાતને પણ રીલેટ કરી ! મારી સાથે પણ ઘણી વાર આવું બન્યું છે – અને કદાચ એટલે જ મને હંમેશાથી એકલા ફરવું – રહેવું વધારે પસંદ છે , કારણ કે હું મારી ખુદની કંપનીમાં ક્યારેય બોર નથી થતો , મને શું જોઈએ છે , શું ગમે છે એ મારાથી વિશેષ કોણ જાણી શકે ? પોતાની જાતને પણ તનતોડ ચાહવી …. ફાયદામાં છે

  3. Oh absolutely! And besides, that’s what traveling is suppose to be all about! Experiencing and exploring people and places. :) it was fantastic in a really weird way :D and also helped me master the dark arts of not giving a fuck about small little things that aren’t in my control anyway and rather focus energies on the ones that are. :)

  4. અને એવાં ભાઈ-બહેન હોવાં એ સદ્ભાગ્યની વાત છે. મારાં સગા ભાઈ-બહેન તો કોઈ નથી પણ, કાકાનાં દીકરા સાથે અને ઘણાખરાં મિત્રો સાથે મારું પણ એવું જ કનેક્શન છે. :)

  5. હા. આવતી પોસ્ટમાં અત્યાર સુધીનાં ફોટોઝ મુકું અને પછી આગળ લખું તો ચાલશે?

    અને આ કેસમાં મારા બોર થવા અને તેનાં ન જોઈ શકવા જેટલી જ વાત નહોતી. વાત તેનાંથી એક લેવલ વધુ ઊંડી હતી.અને આ તેની એ બાજુ છે, જે મેં પર્થમાં તેની સાથે ૩ વર્ષની દોસ્તીમાં ક્યારેય જોઈ જ નથી. તે અહીં પોતાનાં માતા-પિતા અને બે ભાઈઓ સાથે રહે છે અને તેનાં માતા-પિતા ખૂબ ખાનદાન લોકો છે અને મહેમાનનવાઝી આપણા જેટલી જ. ભલે કોઈ પરિસ્થિતિમાં એ એકદમ બિનજરૂરી અને અવ્યવહારુ હોય તો પણ! લગભગ દરેક વ્યવહાર પાછળનું પ્રેરકબળ ‘સેન્સ ઓફ ડ્યુટી’. ‘સેન્સ ઓફ લવ’ નહીં. તેનાં માટે આ ટ્રિપ એટલે ફાઈનલી બધાંથી દૂર જવા મળતું હતું અને પોતાનાં માટે સમય કાઢવા મળતો હતો. એટલે, એ એટલી self-consumed હતી કે, વાત જવા દો. અને આ પરિસ્થિતિમાં પેલું સ્ટેટ-લાઈબ્રેરી બહાર બેઠું રહેવું એ પરિસ્થિતિને વણસાવી રહ્યું હતું. એ બંને પાસે કોઈ ક્રિએટિવ કે કન્સ્ટ્રક્ટિવ વાત કરવાનાં વિષયો જ નહોતાં. ઘણુંખરું ઓટલા પંચાત જેવું :P અને તમે તેમાં હો ત્યાં સુધી પોતાની જાત પર દયા જ કર્યા કરો અને પોતાની તકલીફોને ફરી-ફરીને યાદ કર્યા કરો.

    શરૂઆતમાં મને લાગ્યું કે, કોઈ માણસ આટલું બદલી કેમ શકે? એ પણ ૨ જ દિવસમાં! પછી શાંતિથી વિચાર કર્યો ત્યારે સમજાયું કે, આ બદલાવ નથી. આ તેનું પેલી ડ્યુટીઓનાં આવરણ વિનાનું ઊઘાડું માનસ છે. એટલે જ, કહેતાં હશે કે કોઈને તમારે નખશીખ ઓળખવા હોય તો તેમની સાથે ટ્રાવેલ કરો. :)

  6. અરે તે તો માત્ર એક સૂચન જ હતું . . . તમતમારે લગે રહો , નિજ આનંદ’માં અને મસ્તીમાં . . .

    સાચી વાત છે , પ્રિમા . . . એક વ્યક્તિ’ને નીરખવો , સમજવો , જાણવો , કળવો એ ખરેખર એક અનુભવ છે . . . એક પ્રકારે આ સાપેક્ષ દર્શન જ થયું . . . Theory of relativity & relation :)

  7. આપણી આસપાસ ઘણા એવા લોકો / મિત્રો હોય છે કે જેઓ એટલા બાઘા જેવા હોય છે કે સામેવાળાની આંખો નથી વાંચી શકતા ( કે તેઓ તમારાથી બોર થઇ રહ્યા છે અથવા તો તે તમારી સાથે કમ્ફર્ટેબલ નથી અનુભવી રહ્યા ! ) . . . અમે ભાઈ – બહેન એકબીજા સાથે એટલી ત્વરાથી આંખો આંખોમાં ઈશારા’રૂપી વાતચીત કરી લઈએ છીએ કે ઘણી વાર મજા પડી જાય છે . . . :) please insert pictures in midst ( if possible , else ok :) instead of separate picture post )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s