મેલ્બર્નમાં અમારાં પહેલા દિવસની શરૂઆત કોફી અને બ્રેકફસ્ટથી થઈ. હું ખાસ કંઈ ખાઈ ન શકી કારણ કે, સળંગ બે રાતનાં ઉજાગરાએ મારાં પાચન પર અસર કરી હતી અને હું બિમાર પડી રહી હોઉં તેવું લાગતું હતું. જો કે, બહુ તકલીફ નહોતી. સુઝાનાની એક મિત્ર અમને ફ્લિન્ડર્સ સ્ટ્રીટ ટ્રેન સ્ટેશન પર મળવાની હતી જે અમારી હોટેલથી લગભગ ૧૫-૨૦ મિનિટનાં વોકિંગ ડિસ્ટન્સ પર હતું. અમે ત્યાં પહોંચ્યા અને સ્ટેશનની બરાબર સામે ટ્રાફિક સિગ્નલ પર રાહ જોવા લાગ્યા. લગભગ પાંચેક મિનિટ પછી એ આવી. ખુલ્લા પગે. પગમાં કંઈ પણ પહેર્યા વિના. એ જોઇને મારું પહેલું રિએક્શન – “Ok then! I see how it is “. આ વાંચવામાં જજમેન્ટલ લાગે છે મને ખબર છે. ઊઘાડા પગે ફરવામાં કંઈ ખોટું નથી અને પોત-પોતાની પસંદગીની વાત છે એ હું પણ માનું છું. પણ, આ છોકરીની એ કરવાની રીત અને તેનો અન્ડરટોન બહુ દંભી હતો અને તેમાં સહજતા બિલકુલ નહોતી. થોડી એવી પરિસ્થિતિ હતી કે, તમે જે કરો છો તેનાંથી તમે પોતે પૂરેપૂરા સહમત નથી અને ઓકવર્ડ છો અને એટલે એ ઓકવર્ડનેસ તમારી સામેવાળા પણ રિફ્લેક્ટ કરે છે.
એ આખો દિવસ અમે સાથે વિતાવ્યો પણ એ દિવસે મેં બેમાંથી કોઈ સાથે શું વાત કરી હતી એ મને યાદ નથી. અમે સૌથી પહેલાં એક સાંકડી કાફે સ્ટ્રીટમાં ગયાં, તે બંનેએ ચા મંગાવી અને સિગરેટ સળગાવી. હું આમ પણ એ બંનેની વાતમાં કોઈ રસ નહોતી લઇ શકતી કારણ કે, અડધો વખત તો એ લોકો શું વાત કરતાં હતાં એ જ મને ખબર નહોતી. એવામાં તેમની સિગરેટ મારી વહારે આવી અને મને ત્યાંથી ખસવાનું બહાનું મળી ગયું. સિગરેટનાં ધુમાડાથી ખાંસી કોને ન થાય! :P તેમને ત્યાં લાંબો સમય બેસવું હતું અને વાત કરવી હતી. જ્યારે, મારે બને તેટલાં આંટા મારવા હતાં. નાની-મોટી આસપાસની જગ્યાઓ જોવી હતી. અને અફકોર્સ મારે શું કરવું હતું તેમાં ન તો તેમને બહુ રસ હતો કે ન તો તેનાંથી તેમને કોઈ ફર્ક પડતો હતો. એટલે હું મોકો શોધીને મારી રીતે ત્યાં આસપાસ ફરવા લાગી. કેમેરાને પણ ઘણાં સમયથી હાથ નહોતો લગાડ્યો અને મને થોડાં સેટિંગ્સ પણ ભૂલાઈ ગયાં હતાં. એટલે ફરી હાથ બેસાડવાનો એ સારો મોકો હતો. વળી, ત્યાં બેસીને એકલતા અનુભવવા કરતાં તો એ વધુ ઇન્ટરેસ્ટિંગ હતું જ. હું ૧૫-૨૦ મિનિટ મારી રીતે ફરીને પાછી આવી અને અમે અમારાં ત્યાર પછીનાં મુકામ તરફ જવા તૈયાર હતાં. ક્વીન વિક્ટોરિયા માર્કેટ, મેલ્બર્ન સેન્ટ્રલ અને કોલિન્સ સ્ટ્રીટ વગેરે મુખ્ય બજારનાં વિસ્તારોમાં અમે ફર્યા.
હું નાતબહાર કરવામાં આવી હોઉં અનુભવી રહી હતી. એ લાગણી લગભગ આખો દિવસ ગઈ નહીં અને મારે એ લાગણીને મારાં પર હાવી નહોતી થવા દેવી. તેનો કોઈ મતલબ નહોતો. એટલે, મને રસ પડે તેવું કંઈ ને કંઈ હું કરતી રહેતી અને કંટાળવાનો પ્રશ્ન નહોતો. ઉલ્ટું આવામાં જો હું કદાચ તેમની સાથે ને સાથે ફરતી હોત તો કદાચ વધુ કંટાળત એટલે એ રીતે સારું હતું કે, તેઓ ઓછામાં ઓછું એટલું સમજતા હતાં કે, મારે જૂદી પ્રવૃત્તિ કરવી હોય તો હું જઉં અને અમે બધાં અહીં એડલ્ટ છીએ એટલે આવામાં ખોટું ન લગાડવાનું હોય (ટ્રસ્ટ મી. ઘણી છોકરીઓને તેમાં પણ તકલીફ થતી હોય છે. આ એટલા તો સમજુ હતાં!). અમે મોડી બપોરે મેલ્બર્ન સેન્ટ્રલની સામે સ્ટેટ-લાઈબ્રેરીની બહાર ઘાસવાળા વિસ્તારમાં બેઠાં. ત્યાં પણ લગભગ એ જ પરિસ્થિતિ હતી. હું કોઈ પણ વાતચીતનો સક્રિય હિસ્સો નહોતી અને એટલે અડધી કલાક જેવા સમયમાં ખૂબ કંટાળી. તેમને ત્યાં જ બેસવું હતું અને મારે આજુબાજુની શેરીઓમાં ફરવું અને જોવું હતું એટલે મેં ફરી એકલા જવાનું નક્કી કર્યું અને અમે ફરી એકાદ કલાક પછી મળ્યાં.
એ દિવસે અમે આખો દિવસ ચાલીને રખડ્યા હતાં. એટલે એ રાત્રે હું બે દિવસનાં ઉજાગરા પછી સારી રીતે ઊંઘી શકીશ એ વિચારીને ખુશ હતી. રાત્રે લગભગ નવેક વાગ્યે અમે અમારી હોટેલમાં હતાં અને વહેલાં ઊંઘી જવા સિવાય મારી કોઈ આકાંક્ષાઓ નહોતી. બરાબર ત્યારે જ સુઝાનાએ ટીવી ચાલુ કર્યું અને મને પૂછ્યું કે, હું અત્યારે ટીવી ચાલુ કરું તો તને કંઈ વાંધો નથી ને? મેં કહ્યું તારે ઊંઘવું નહોતું? તેણે એક મોટી સ્માઇલ સાથે જવાબ આપ્યો કે, “It’s my thing. I just find a boring TV show and put it on and I fall asleep. Didn’t I tell you yesterday?” મારી પાસે સહમત થવા સિવાય કોઈ રસ્તો નહોતો અને મને લાગ્યું કે, એ થોડી વારમાં આપોઆપ ટીવી બંધ કરી દેશે. સ્વાભાવિક છે કે, તેને ખબર જ હોય કે મોટાં ભાગનાં લોકોની ઊંઘમાં અવાજ અને/અથવા પ્રકાશથી ખલેલ પડતી હોય. જો કે, એ રાત્રે આગલી બે રાતનાં થાકને કારણે મને આમ પણ ઊંઘ આવી જવાની હતી તેની મને ખાતરી હતી. અને એવું થયું પણ. હું ઝોંકુ ખાઈ ગઈ અને મારી બુક મારાં હાથમાંથી પડી ગઈ. એ બાજુનાં ટેબલ પર મૂકીને હું ઊંઘવા લાગી. બરાબર ત્યારે જ સુઝાનાને તેનાં બોયફ્રેન્ડ-ઇશ્યુઝ વિશે વાત કરવાનું સૂઝ્યું (જે ટોપિક પર અમે ઓલરેડી એક લાખ પચાસ હજાર વાર વાત કરી ચૂક્યા હતાં) અને મારે નાછૂટકે રસ દાખવવો પડ્યો. એટલું જ નહીં, તેણે મારી ઊંઘ પણ બરાબર ઉડાડી દીધી. એ રાત્રે હું બિલકુલ ઊંઘી ન શકી અને સવારે સાડા છ-સાત વાગ્યે ઊંઘી. એ દિવસે બપોર સુધી હું હોટેલની બહાર ન નીકળી. સૂતી રહી. જો એવું ન કર્યું હોત તો મેં એ દિવસે સોએ સો ટકા ઉલ્ટી કરી હોત અને તબિયત બગાડી હોત અને ટ્રિપનાં પાંચે દિવસ બગાડવા કરતાં તો એક સવાર બગાડવી અને ઊંઘી રહેવું જ બહેતર હતું.
બપોરે જયારે બહાર નીકળી ત્યારે સુઝાના સ્ટેટ-લાઈબ્રેરીની બહાર એ જ ઘાસમાં તેની મિત્ર સાથે બેઠી હતી. મારે થોડી ખરીદી કરવાની બાકી હતી પણ એ દિવસે બપોરે તેને બહુ ઠીક નહોતું અને એ લંચ પછી હોટેલ પર ગઈ. એ આખો દિવસ પણ હું લગભગ એકલી જ ફરી અને ટ્રિપ-એડવાઈઝરની મદદથી એકમી (ઓસ્ટ્રેલિયન સેન્ટર ઓફ મુવિંગ ઈમેજીસ) વિશે જાણીને ત્યાં ગઈ. ઓસ્ટ્રેલિયાનું એ ફિલ્મ-ટીવી મ્યુઝીયમ ખરેખર બહુ રસપ્રદ અને માહિતીપ્રદ છે. હું બહુ ખુશ છું કે, હું ત્યાં ગઈ. જો કે, એ જગ્યા હું પૂરી જોઈ ન શકી. કારણ કે, મારી એક મિત્ર સિટીમાં આવી પહોંચી હતી અને મારે તેને મળવાનું હતું. પછી તો તેનો હસબન્ડ અને તેમનાં બે મિત્રો સાથે હું ભળી અને થોડી વાર પછી સુઝાના પણ અમારી સાથે થઇ. એ દિવસ એકંદરે સારો રહ્યો અને ત્રણ રાતનાં ઉજાગરાથી થાકેલી હું એ રાત્રે બરાબર ઊંઘવા પામી. સુઝાનાનાં ટીવીનાં ઘોંઘાટ છતાં. એ દિવસે ઊંઘ કરવી મારાં માટે ખૂબ જરૂરી પણ હતી. કારણ કે, પછીનાં દિવસે અમારી ગ્રેટ ઓશિયન રોડ ટૂર હતી અને તેનાં માટે અમને ટૂર-બસ સવારે સાડા સાત વાગ્યામાં હોટેલ પર લેવા આવવાની હતી.