કર્ણાટક – 3

કર્ણાટક, પ્રવાસ, ભારત

ટીપુ સુલતાન નો મહેલ જોયા પછી શ્રીરંગપટ્ટનામાં અમારો કોઈ ખાસ પ્લાન નહોતો અને અમારે ત્યાંથી સીધું સોમનાથપુરા જવું હતું પણ, ડ્રાઇવરે રેકમેન્ડ કર્યું નિમિષંબા મંદિર જોવાનું. આ મંદિરનો રસ્તો ચિંધાડતું એક સાઇનબોર્ડ મેં શ્રીરંગસ્વામી મંદિર જતી વખતે પણ જોયું હતું અને ત્યારે મને એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. બાકી અમારો કોઈ ખાસ એજન્ડા હતો નહીં અને સમય પૂરતો હતો એટલે બધાએ સહમતિ આપી.

રસ્તામાં અમે નિમિષનો અર્થ ડિસ્કસ કરતા ચાલ્યા. નિમિષનો અર્થ છે ક્ષણભર – આંખ મીંચીને ખોલો તેટલો સમય. ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં કોઈ વડિયાર રાજાની ઇચ્છા આ દેવીએ ક્ષણભરમાં પૂર્ણ કરી હોવાની માન્યતા હતી અને તેમણે જ આ મંદિર બનાવડાવ્યું હોવાનું મનાય છે. મંદિર એકદમ સાદું હતું, અંદર ખૂબ ભીડ દેખાઈ અને તેનું આર્કિટેક્ચર કંઈ ખાસ હતું નહીં એટલે મેં શૂઝ કાઢવા-પહેરવાની મહેનત કરવાનું માંડી વાળ્યું. સામે નદીનો કિનારો મને બોલાવી રહ્યો હતો એટલે દોડીને હું સીધી ત્યાં ગઈ.

કાવેરી નદીની એ પહેલી ઝલક હતી. જો અમે સોમનાથપુરા ન જવાનાં હોત તો કદાચ હું જ્યાં સુધી પરાણે અટકવું ન પડે ત્યાં સુધી હું નદીનાં કિનારે જ ચાલતી રહેત. ત્યાં નાની રેકડીઓ પણ સરસ હતી. એક રેકડીમાં કોઈ બહેન કંઇક ભજીયા જેવું બનાવી રહ્યા હતા, એક સોડા-શરબતની લારી હતી અને એવું બીજું ઘણું બધું. લોકો દર્શન કરીને આવ્યા એટલે તરત અમે પાર્કિંગ તરફ પાછા ફર્યા કારણ કે, અમને સોમનાથપુરામાં પૂરતો સમય જોઈતો હતો. બહાર નીકળતા મારું ધ્યાન બે બહેનો પર ગયું, જે મંદિરનાં પ્રવેશ પાસે એક નાની ટોપલીમાં જાત જાતનાં ફુલ વેંચી રહ્યા હતા. કેસરી રંગનાં ચંપાનાં બહુ સુંદર ફુલ હતાં અને તેમની પાસે છેલ્લા થોડાં જ વધ્યા હતાં. ત્રીસ રૂપિયાનું એક ફુલ સાંભળીને પહેલા તો મારી આંખ ચમકી અને મારું પહેલું રીએકશન ભાવ-તાલ કરાવવાનું હતું પણ, નસીબજોગે હું કોને, શું કહેવા જઈ રહી છું તેનાં પર મારું ધ્યાન હતું એટલે હું અટકી. મેં ત્રણ ફુલ માંગ્યા અને તેમણે સો રૂપિયા કહ્યા એ તરત તેમને આપ્યાં. તેમણે વધેલા આઠ-દસ ફુલમાંથી તાજામાં તાજાં ત્રણ શોધીને મને એક પ્લાસ્ટિકની થેલીમાં નાંખી આપ્યાં, જે મેં કારનાં ડેશબોર્ડ પર સજાવ્યાં. પાંચ મિનિટ હું બાકીનાં લોકોની રાહ જોતી, કાર પાસે બહાર ઊભી અને બધા આવ્યા પછી અંદર ગઈ તો સુગંધ જ સુગંધ!

સો રૂપિયાની આજનાં સમયમાં શું કિંમત રહી છે? એમનાં ગામડાંમાં પણ કદાચ સો રૂપિયામાં કદાચ બે વ્યકિતનાં એક ટંકનાં કરિયાણા સિવાય કંઈ નહીં આવતું હોય અને આ વાત તાર્કિક રીતે બરાબર સમજાતી હોવા છતાં મારું અને ઘણાં સમૃદ્ધ, ગોરાં પ્રવાસીઓનું પણ પહેલું રીએકશન ભાવ કરાવવાનું કેમ હોય છે?! કદાચ એટલા માટે કે, આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે કે, વ્યાપારીઓથી ‘છેતરાવું’ નહીં અને કોઈ પણ વસ્તુ ઓછાંમાં ઓછી કિંમતે મળે તેવો પૂરો પ્રયત્ન કરવો? કે પછી એટલા માટે કે, આ ઓછામાં ઓછી કિંમતે કોઈ વસ્તુ ખરીદી લેવી એ આપણા માટે એક ગેઇમ બની ગઈ છે જે દરેક વખતે જીતવી જરુરી છે? અથવા આપણે માનીએ છીએ કે, પ્રવાસી તરીકે જો એ જ જગ્યાએ એ જ વસ્તુ માટે મારે એક લોકલ વ્યક્તિ કરતા વધારે પૈસા આપવા પડે તો એ અન્યાય છે, ભલે આપણી ખરીદશક્તિ લોકલ લોકો કરતા ઘણી વધારે હોય તો પણ?!

સામે બીજું સત્ય એ પણ છે કે, ફુલવાળા બહેન સાથે ભાવ કરવા બાબતે મને જેટલું અજુગતું લાગ્યું હતું તેટલી તકલીફ મને શ્રીરંગસ્વામી મંદિર સામે સ્ટ્રીટ માર્કેટમાં ખરીદી કરતી વખતે નહોતી થઈ. ત્યાં મને શણનું એક સુંદર પર્સ ગમ્યું હતું. એ વેપારીએ પહેલો ભાવ સાડા નવસો કહ્યો હતો અને અંતે અમે ત્યાંથી સાડા નવસોનાં બે પર્સ અમે લઈ ગયા હતા. હું વિચારતી રહી આવું કેમ? કદાચ એટલા માટે કે, ફુલની કિંમત નજીવી હતી અને પર્સની નહોતી? એવી કઈ રકમ છે જેનાંથી નીચેની કિંમતની વસ્તુ માટે લપ ન કરવી પણ તેની ઉપરની કિંમત પર સારામાં સારો ભાવ મેળવવાનો પ્રયત્ન કરવો વ્યાજબી કહી શકાય? આ સવાલોનાં કદાચ કોઈ જવાબ નથી.

નિમિષંબા મંદિરથી મૈસુર તરફ જતો રસ્તો નાનાં સુંદર ગામડાંઓમાંથી પસાર થતો હતો. રસ્તામાં અમે બહુ ક્યૂટ રંગબેરંગી ઘર જોયાં, તેમનાં આંગણામાં જાત-જાતનાં શાક અને ફળનાં ઝાડ જોયાં અને મને ત્યાં જ વસી જવાનું મન થઇ ગયું. અમુક ઘર જોઈને તો મને એકદમ ‘માલગુડી ડેઝ’ ટીવી શો યાદ આવી ગયો! થોડી વારમાં અમે ફરીથી મૈસુર શહેરની હદમાં એન્ટર થયા અને તેનાં આઉટસ્કર્ટમાંથી જ સોમનાથપુરાનો રસ્તો પકડ્યો. સોમનાથપુરા પણ એક ગામડું જ છે અને એ પણ શ્રીરંગપટના પાસેનાં ગામડાં જેટલું જ ક્યૂટ છે. ત્યાંનું ચેન્નકેશવા મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

અમે ગયા ત્યારે ત્યાં બહુ ભીડ નહોતી અને માહોલ એકદમ શાંત હતો. સહપ્રવાસીઓ વાતોમાં મશગુલ હતા એટલે તેમને આગળ જવા દઈને હું પાછળ ધીમે ચાલતી આવી. મંદિર સામે એક નાનું ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને તેનું મેઇન્ટેનન્સ પણ સરસ થતું હોય તેવું લાગતું હતું. અંદર દાખલ થતા મારું જ ધ્યાન ગયું, નાના છોડ નીચે એક કૂતરું શાંતિથી ઊંઘતું હતું.

બગીચાનાં અંતે બરાબર સામે પત્થરનો વિશાળ દરવાજો હતો. તેમાંથી પસાર થતા જ હું જાણે એક અલગ દુનિયામાં પહોંચી ગઈ! ત્યાંથી પગથિયાં ઊતરીને એક નાનું પ્રાંગણ અને ફરી થોડાં પગથિયાં ચડીને બરાબર સામે મંદિરનું ગર્ભગૃહ. પ્રાંગણની ડાબી અને જમણી બાજુ હરોળબંધ એકસરખાં નાનાં નાનાં રુમ અને દરવાજા હતાં. પહેલી નજરે લાગ્યું કે, અહીં પ્રવાસીઓ માટે ધર્મશાળા બની હોવી જોઈએ.

ત્યાં પગથિયાં પાસે જ અમને એક ગાઈડ પણ મળી ગયા. ફક્ત એક તકલીફ હતી કે, એ બહેનને ફક્ત કન્નડ અથવા ઇંગ્લિશ જ આવડતું હતું અને અમારા અમુક સાથીઓની ઇંગ્લિશ પર બહુ પકડ નહોતી એટલે તેમનાં માટે અમે હિન્દીભાષી ગાઇડ શોધવાનો પ્રયત્ન કર્યો. તેમણે મંદિર તરફ ઈશારો કરીને કહ્યું કે, અહીં હું અને પેલા ભાઈ બે જ ગાઈડ છીએ અને તેમને પણ હિન્દી નથી આવડતું. અંતે અમે તેમની જ સર્વિસ હાયર કરી અને તેમણે મંદિરનાં નામ અને ગામનાં નામથી અમને માહિતી આપવાનું શરુ કર્યું.

હોયસાલા વંશનાં રાજા નરસિંહ ત્રીજાનાં દંડનાયક સોમનાથે આ મંદિર બનાવડાવ્યું હતું અને સન ૧૨૫૮માં તેનું બાંધકામ પૂરું થયું હતું. આ દંડનાયકનાં નામ પરથી જ આ ગામનું નામ સોમનાથપુરા પડ્યું. બીજી એક આશ્ચર્યની વાત એ હતી કે, સોમનાથ નામની વ્યક્તિએ એક વૈષ્ણવ મંદિર બનાવડાવ્યું! એ પણ આટલું સુંદર અને ભવ્ય! જેઓ દક્ષિણ ભારતની વિવિધ પરંપરાઓ સાથે પરિચિત છે તેમને ખ્યાલ હશે કે, દક્ષિણમાં શૈવ અને વૈષ્ણવ પરંપરાઓ વચ્ચે સારું એવું અંતર છે – એટલું અંતર કે રૂઢિચુસ્ત શૈવ કે વૈષ્ણવ બ્રાહ્મણો એકબીજાનાં પક્ષ સાથે જોડાયેલાં નામ પણ નથી રાખતા હોતા, તો એકબીજાનાં ભગવાનોનાં મંદિર બનાવવા તો બહુ દૂરની વાત છે. આ કારણે ઘણાં લોકો ગામનું નામ સાંભળીને પણ આ મંદિર શૈવ હોવાની ધારણા બાંધી લેતા હોય છે પણ, આ મંદિર સંપૂર્ણપણે વૈષ્ણવ છે.

અંદર એક નહીં, ત્રણ ગર્ભ ગૃહ છે અને ત્રણેમાં વિષ્ણુનાં અલગ અલગ અવતારોની મૂર્તિઓ રાખવામાં આવી છે. બરાબર વચ્ચે કેશવ – જેનાં નામથી મંદિરનું નામ પડ્યું ચેન્નાકેશવા (ચેન્ના એટલે સુંદર), ડાબી બાજુ જનાર્દન અને જમણી બાજુ વેણુગોપાલ. ત્રણે મૂર્તિઓ ખંડિત છે અને આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ તેનાં ઘણાં ખરાં ભાગ જોડીને તેને રિસ્ટોર કરી છે, છતાં એ અદ્ભુત સુંદર છે! વેણુગોપાલની મૂર્તિમાં સૌથી ઓછું ડેમેજ છે અને તેમાં ફક્ત વાંસળીનો એક નાનો ભાગ અને એક પગનો અંગુઠો જ તૂટેલાં છે અને તેમાં મગજ કામ ન કરે તેટલું ઝીણું ડીટેઇલિંગ છે. ફોર ધેટ મેટર, આખાં મંદિરમાં અંદર અને બહાર ઝીણું ઝીણું એટલું સુંદર કોતરણી કામ છે કે, બધી ડીટેઈલ ધ્યાનથી જુઓ તો મહિનાઓ લાગી જાય!

મંદિરમાં અંદર જતા જ છત પર નવ (કે દસ) ચોકઠાં બનેલાં છે અને દરેકમાં કમળની કળીથી માંડીને પૂરાં ખીલેલાં કમળ સુધીનાં અલગ અલગ સ્ટેજ દર્શાવતી સુપર્બ કોતરણી કરવામાં આવી છે. બધી ડીટેઇલ્સ વર્ણવવી તો અશક્ય છે અને ત્યાં ઊભા રહીને ફક્ત એ અનુભવ પર ધ્યાન આપવાની મારી ઈચ્છા એટલી સ્ટ્રોંગ હતી કે, મેં ત્યાં બહુ ફોટોઝ પણ નથી પાડ્યાં. આ આખી ટ્રિપમાં લગભગ બધે એવું જ રહ્યું. વર્ષનાં બસો દિવસ સ્ક્રીન પર નાછૂટકે સતત સમય વિતાવ્યાનું આ પરિણામ હતું કદાચ.

આ મંદિરનો મારો ફેવરિટ ભાગ જો કે, અંદર નહીં, બહાર હતો. મંદિરમાં ત્રણ ગર્ભ-ગૃહો હોવાનાં કારણે સ્વાભાવિક રીતે જ ત્રણ શિખર પણ છે. ત્રણે પરફેક્ટ ત્રિકોણમાં ગોઠવાયેલાં છે અને મંદિરનું પ્લૅટફૉર્મ અને બધી જ દીવાલો એકદમ સિમેટ્રીકલ સ્ટાર શેઇપમાં બનાવવામાં આવી છે. હવે આ સ્ટાર શેઇપ પણ એવો છે કે, ત્રણે શિખરોને પોતપોતાનાં અલગ સ્ટાર મળે. તળિયેથી શિખર સુધી આ શેઇપ મેઇન્ટેન કરવો તો અઘરો છે જ પણ, આખાં સ્ટ્રકચર પર તળિયેથી છત સુધી નાનામાં નાના ભાગમાં પણ મગજ કામ ન કરે તેટલી સુંદર કોતરણી પણ છે! નીચે ફોટોઝ જોઈને કદાચ વધુ સમજાશે.

મંદિરનો ફ્લોર પ્લાન

આ મંદિર પર થયેલી કોતરણી એટલી ઝીણી છે અને હજુ પણ એટલી ક્લીયરલી જોઈ શકાય છે કે, સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે, પત્થર પર આટલું ઝીણું કામ કરતાં તો કેટલાં વર્ષો લાગે અને આ આખું મંદિર તો ફક્ત એક વ્યકિતનાં જીવનકાળમાં જ બની ગયું હતું તો આ બન્યું કઈ રીતે હશે? અમારા ગાઈડે પૂછ્યા પહેલા જ તેનો જવાબ આપી દીધો – સેન્ડસ્ટોન! સેન્ડ સ્ટોન એક એવો પત્થર છે જે પાણીમાં પલળેલો રહે ત્યાં સુધી એકદમ નરમ રહે એટલે આસાનીથી તેનાં પર કોતરણી થઈ શકે પણ, જેવો હવાનાં સંપર્કમાં આવે તેમ આ પત્થર સખત થતો જાય! કુદરત પણ કમાલ છે ને?! બાય ધ વે, તેમણે અમને જણાવ્યું આ પ્રોજક્ટનાં આર્કિટેક્ટ્સનું નામ પણ ત્યાં અમુક મૂર્તિઓ નીચે જૂની કન્નડ લિપિમાં કોતરવામાં આવ્યું છે!

ગાઇડને અમે પૂછ્યું કે, મંદિરની બંને બાજુ જે લાઈનસર બંધ દરવાજા છે એ બધાં રુમ પહેલા ધર્મશાળા તરીકે વપરાતા કે કેમ? અમે જાણ્યું અમારી એક ધારણા ખોટી હતી. એ ધર્મશાળાનાં રુમ નહીં પણ નાના-નાના મંદિરો હતાં. એ દરેકમાં એક મૂર્તિ રાખવામાં આવી હતી અને એ બધી મૂર્તિઓ પણ મંદિર (અને ગામ) પર આક્રમણ થયું ત્યારે તોડી નાંખવામાં આવી હતી કે પછી ચોરી લેવાઈ હતી. બન્યા પછી આ મંદિર સાઠ વર્ષથી પણ ઓછો સમય એક્ટિવ રહી શક્યું હતું કારણ કે, તેરમી સદી નાં અંતમાં જ તેનાં પર આક્રમણ થઈને બધી મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી અને હિન્દુ ધર્મનાં નિયમ પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા ન થઈ શકે. આ મંદિરની લગભગ બધી જ મૂર્તિઓ પૂજા ન થઈ શકે એ માટે તોડવામાં આવી હતી અને તેમને કદરૂપી બનાવવા માટે તેમનાં નાક તોડવામાં આવ્યાં હતાં.

મારાં એક સાથીએ કૉમેન્ટ કરી કે, ઘણાં વામપંથી (લેફ્ટિસ્ટ) ઇતિહાસકારો એવો દાવો કરતા આવ્યા છે કે, મંદિરો પર આક્રમણ ફક્ત તેની સમૃદ્ધિ લુંટવા માટે થયાં હતાં અને તેને ઇસ્લામિક ધર્મ-ઝનૂન સાથે કોઈ જ લેવા-દેવા નહોતા પણ, આ મંદિરોની તોડવામાં આવેલી મૂર્તિઓ તો કોઈ અલગ જ વાત કહે છે. વામપંથીઓ સાથે લોકોને આ જ તકલીફ છે. જે સત્ય સામે ચોખ્ખું દેખાઈ રહ્યું છે તેનાં વિશે ખોટું બોલીને પરાણે મુસ્લિમ-અપીઝમેન્ટ કરવાનો શું મતલબ છે? આ મંદિરોની કહાનીઓ જે સાંભળશે તેમને દક્ષિણપંથીઓ(રાઈટ વિંગ)નો ઇસ્લામ પ્રત્યેનો ધિક્કાર કદાચ યોગ્ય જ લાગશે.

તેની વાત બિલકુલ સાચી હતી પણ, મને અધૂરી લાગી. એવું પણ હોઈ શકે ને કે, વામપંથી ઇતિહાસકારો કદાચ એટલા માટે અર્ધ-સત્ય કહેવાનું પસંદ કરે છે કે, તેમને ડર છે કે પોતે પૂર્ણ સત્ય કહેશે તો કદાચ ઝનૂની નોન-મુસ્લિમ લોકો ઐતિહાસિક અન્યાયનાં નામે મુસ્લિમો પર હિંસા કરવા માટે પોરસાશે, પછી એ હિંસાને ઐતિહાસિક કારણ તરીકે વાપરીને સામેનો પક્ષ હિંસક થશે અને આમ હિંસાનું એક ચક્ર સતત ચાલતું જ રહેશે? ઉપરાંત, આવાં કેટલાંયે મંદિરો અને બીજાં કેટલાંયે બિલ્ડિંગ કુદરતનાં કોપથી પણ ધરાશાયી થયાં છે. આપણને બધાને ખબર છે કે, જેની શરુઆત છે તે દરેકે દરેક વસ્તુનો અંત છે – એ મનુષ્ય કરે કે કુદરત! તો પછી અમુક ધર્મ-ઝનૂની લોકોએ ધર્મનાં નામે પાંચસો વર્ષ પહેલાં કરેલાં વિનાશ બાબતે લોકોને હજુ પણ એક આખી કોમ પર આટલો ગુસ્સો કેમ છે? એટલા માટે કે, કુદરત વિનાશ કરે ત્યારે આપણે લડી નથી શકતા? કે, એટલા માટે કે, આપણાં જીવનમાં એટલાં બધાં અભાવો છે જેનાં માટે આપણે કોઈ પર ગુસ્સો નથી કરી શકતા એટલે આપણે ક્રોધ અને ધિક્કારને જ્યાં પણ જસ્ટિફાય કરી શકીયે ત્યાં કરી લઈએ છીએ? કે પછી આપણને અમુક લોકોને ધિક્કરવાનું શીખવવામાં આવ્યું છે અને આપણે ફક્ત આંખ બંધ કરીને એક સ્ક્રિપ્ટ ફોલો કરી રહ્યા છીએ?

મંદિરની બહાર નીકળતા મારું ધ્યાન એક બીજા ઈતિહાસ પર ગયું જેની વાત કરવાવાળું ત્યાં કોઈ જ નહોતું. વિશાળ વૃક્ષો! ત્યાં બગીચામાં બે – ત્રણ વૃક્ષો એટલાં ઘટાદાર હતાં કે, લગભગ પાંચસોથી હજાર લોકો તેની નીચે છાયો લઈ શકે! આ વૃક્ષોની ઘટા અને તેમનાં થડની જાડાઈ જોઈને લાગતું હતું કે આ વૃક્ષો પણ સદીઓ જૂનાં હશે. તેમનો ઈતિહાસ જણાવવાવાળું પણ ત્યાં કોઈ હોત તો કેટલી મજા આવત! આ વૃક્ષો પોતે માનવ-ભાષા બોલી શકતાં હોત તો તો તેનાંથીયે વધુ મજા આવત કારણ કે તેમણે કદાચ આ મંદિરનું સર્જન અને વિનાશ બંને જોયાં હશે! કલ્પવૃક્ષ કદાચ આવું જ દેખાતું હશે! કદાચ આ કારણે જ જ્યોર્જ આર આર માર્ટિને ગેમ ઑફ થ્રોન્સનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય – ત્રણે જોઈ શકતા કેરેક્ટરને નામ આપ્યું ‘ગ્રીન સીયર’, જે ઝાડનો અને જંગલનો એક ભાગ છે :)

કર્ણાટક – 1

કર્ણાટક, પ્રવાસ, ભારત

મુર્શિદાબાદ ટ્રિપનાં થોડાં સમય પછી અમે નીકળ્યા કર્ણાટક તરફ. મારી સાન ફ્રાન્સિસ્કોની રિટર્ન ફલાઇટ બેંગલોરથી હતી એટલે નક્કી કર્યું બેંગલોરની આસપાસની જગ્યાઓ એક્સપ્લોર કરવાનું. બેંગલોર એરપોર્ટ લેન્ડ થતાં જ અમારો સૌથી પહેલો મુકામ હતો મૈસુર અને પછી ફૂર્ગ.

બેંગલોર એરપોર્ટ પર અમને અમારી રેન્ટલ કારનાં ડ્રાઈવર લેવા આવી ગયા. અહીં પણ અમે છ લોકો સાથે ટ્રાવેલ કરી રહ્યા હતા પણ, ઘણાં વિચાર વિમર્શ પછી બે કારને બદલે આ વખતે અમે એક સેવન સીટર કારની વ્યવસ્થા કરી હતી. કાર પર એક કેરીયર લગાવવામાં આવ્યું હતું જેનાં પર અમારો સામાન ગોઠવાઈ જશે તેની ધરપત અમને આપવામાં આવી હતી. છ લોકો વચ્ચે અમારી પાસે ટોટલ દસ બેગ હતી – છ ફુલ સાઈઝની ચેક-ઇન સૂટકેસ અને ચાર કેબિન બેગ તથા એક લેપટોપ બેગ. આમાંથી મોટા ભાગનો સામાન કેરિયર પર ચડાવીને દોરીથી બાંધતા ડ્રાઈવર ભાઈને લગભગ ચાલીસ મિનિટ લાગી હશે. સવારે આઠ વાગ્યાની ફ્લાઇટ લઈને અમે નીકળ્યા હતા એટલે એરપોર્ટથી નીકળતાની સાથે જ બધાંને સૌથી પહેલા કંઇક ખાવાની ઇચ્છા હતી. અમને આસપાસ કોઈ જગ્યા ખબર નહોતી પણ, ડ્રાઈવરે કોન્ફિડન્સ સાથે અડ્યાર આનંદ ભવન (એ ટુ બી) નામની એક ચેઇન પર કાર ઊભી રાખી. આ ‘એ ટુ બી’ની એક બ્રાન્ચનો લાભ અમે એક વખત લઈ ચૂક્યા હતા અને મને આમ પણ ચેઇન રેસ્ટોરાં પર ભરોસો ઓછો હોય છે એટલે મારી અપેક્ષા એકદમ તળિયે હતી પણ, ભૂખ એટલી લાગી હતી કે, વિચાર્યું અહીં એવરેજ ફૂડ હશે તો પણ ચાલશે. નસીબજોગે જમવાનું અને કૉફી બંને મારી અપેક્ષા કરતા ઘણાં સારા નીકળ્યાં!

જમીને અમે મૈસુર તરફ આગળ વધ્યા. રસ્તામાં ડ્રાઈવરે પેટ્રોલ પંપ પર ગાડી રોકી. ફ્યુલ ભરાવીને પેમેન્ટ કરવાની વાત આવી ત્યારે તેમણે અમારી પાસેથી પૈસા માંગ્યા. અમે ત્યારે તો પેમેન્ટ કરી દીધું પણ, આ ઘટના મારા માટે થોડી નવી હતી. ડ્રાઇવર સાથે કરેલાં કાર રેન્ટલમાં ક્યારેય ડ્રાઈવરે ફ્યુલનાં પૈસા અમારી પાસે માંગ્યાનું મને યાદ નથી એટલે અમારા જે સાથીએ કાર રેન્ટલ એજન્સી સાથે ડીલ કરી હતી તેમને અમે આ બાબતનું કન્ફર્મેશન લેવા માટે કહ્યું. બેંગલોર-મૈસુર એક્સપ્રેસવે જેટલો સરસ રસ્તો મેં ભારતમાં તો આજ સુધી કદાચ જોયો જ નથી! એટલો સપાટ અને સરળ રસ્તો કે, કારમાં જરા પણ થાક ન લાગે. રસ્તામાં એક ભાગ એવો આવ્યો જ્યાં ઘણાં બધાં મોટાં પત્થરોની ટેકરીઓ અને ખીણ હતી. ડ્રાઈવરે અમને જણાવ્યું એ વિસ્તાર હતો રામનગર – જ્યાં શોલે ફિલ્મ શૂટ થઈ હતી! અમારા અમુક સાથીઓને આ વાત ખબર હતી પણ, મારા માટે આ જાણકારી એકદમ નવી અને થોડી સરપ્રાઇઝિંગ હતી કારણ કે, મારાં મનમાં એવી ધારણા હતી કે, શોલે મધ્યપ્રદેશમાં ક્યાંક શૂટ થઈ છે.

રસ્તામાં અમારું સૌથી પહેલું ડેસ્ટીનેશન હતું ચેન્નપટના નામનું એક નાનકડું ગામ. આ ગામ પ્રખ્યાત છે ત્યાંનાં રમકડાંનાં ઉદ્યોગ માટે. અમને અહીં નાની-મોટી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જોવા માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી. અમે ફક્ત એક દુકાનમાં ગયા અને બહુ બધી સુંદર રંગબેરંગી લાકડાંની ઝીણી – મોટી વસ્તુઓ લઈને બહાર નીકળ્યા. ભમરડા, રશિયન બાબુષ્કા ડોલ્સ (મોટી ઢીંગલીની અંદર નાની ઢીંગલી એમ પાંચનો સેટ) અને ઘણું બધું! ત્યાંથી અમને લાકડાંનું પણ બહુ સુંદર કામ દેખાવાનું શરુ થયું અને ‘હું અહીં રહેતી હોત તો કેટલી મજા આવત’ એવું પણ ફીલ થવું શરુ થયું. અહીંથી ફટાફટ અમે મૈસુર તરફ ભાગ્યા કારણ કે, મૈસુર પેલેસ સાડા પાંચ વાગ્યે બંધ થતો હતો અને લોકોને પેલેસ એ જ દિવસે જોઈ લેવાની લાલચ હતી.

અમે લગભગ પોણા પાંચ આસપાસ પેલેસનાં પાર્કિંગ લોટ પહોંચ્યા અને મને સામાનનો થોડો ડર હતો અને એ પણ ડર હતો કે આટલા ઓછા સમયમાં પેલેસ કદાચ જોઈ તો લેશું પણ કંઈ ફીલ નહીં કરી શકીએ. પ્રવેશ પાસે જ અમને એક ગાઇડ મળી ગયા જેમની સર્વિસ અમે હાયર કરી. ત્યાર સુધી મેં મૈસુર ફક્ત ટીપુ સુલતાન સાથે જ સંકળાયેલું જાણ્યું હતું. ત્યાંની વાડિયાર ડાઇનેસ્ટી વિશે હું લગભગ અજાણ હતી જેમણે આ મહેલ બનાવેલો છે. મને સ્વાભાવિક રીતે જ સવાલ થયો કે, રાજાઓ ભારત સ્વતંત્ર બન્યું ત્યાં સુધી મૈસુરનાં રાજા રહ્યા તો આપણાં પુસ્તકોમાં ટીપુ સુલતાન મૈસુરનો કેમ કહેવાયો?! તેનો જવાબ ગાઇડ પાસેથી અમને શરૂઆતમાં જ મળી ગયો કે, અઢારમી સદીમાં વાડિયાર રાજાઓનું શાસન નામમાત્ર રહ્યું હતું અને મૈસુર લગભગ તમામપણે તેમનાં સેનાપતિ હૈદર અલી તથા તેમનાં દીકરા ટીપુ સુલતાનનાં હાથમાં હતું. ઉપરાંત, વાડિયાર પરિવારે અંગ્રેજો સાથે બહુ આરામથી સંધિ કરી લીધી હતી જ્યારે ટીપુ સુલતાને તેમને લાંબી અને અઘરી લડત આપી હતી જે કારણે તેમને બ્રિટિશરોનાં લખેલા ભારતનાં ઇતિહાસમાં પણ વધારે તવજ્જો મળી હોવી જોઈએ અને એ જ વાત આપણાં પુસ્તકો સુધી પણ આવી. ફક્ત આ મહેલ નહીં, તેનાં પછી પણ ઘણી બધી જગ્યાઓ જોઈને મને સતત એમ જ લાગતું રહ્યું કે, દક્ષિણ ભારત વિશે અમને કંઈ ભણાવવામાં જ નથી આવ્યું! જે કંઈ થોડું ઘણું જાણ્યું છે એ ફક્ત શ્યામ બેનેગલનું ‘ભારત એક ખોજ’ જોઈને જાણ્યું છે. સાથે સાથે દેવદત્ત પટ્ટનાયકની એક કૉમેન્ટ પણ યાદ આવી – ‘ઉત્તર ભારતીયો દક્ષિણ ભારતનો ઇતહાસ જાણતા જ નથી’. આ વાત મને પોતાનાં માટે તો બિલકુલ સાચી લાગી.

વાડિયાર રાજાઓ કદાચ યુદ્ધક્ષેત્રે બહુ શક્તિશાળી નહીં રહ્યા હોય પણ, સંસ્કૃતિ અને ડિપ્લોમસી ક્ષેત્રે તેમનું કામ બહુ ઉત્તમ રહ્યું છે, ખાસ કૃષ્ણરાજ વાડિયારનું. ગાઈડે જણાવ્યું કે, ભારતમાં હાલનાં ફોર્મેટમાં ચાલતું ગણતંત્ર લાવવવાળા સૌથી પહેલા તેઓ હતા. અહીંનાં રાજ્યનાં તમામ મંત્રીઓની ચુંટણી લોકશાહી પદ્ધતિથી થતી હતી અને એ જ કારણે મતદાન કર્યાં પછી આપણી આંગળી પર લગાવાતી શાહી આજે પણ મૈસુરમાં બને છે! મને ખબર નથી પેલી ચુંટણીવાળી વાત કેટલી સાચી છે પણ, છતાં હું માની શકું છું એ સાચી હોઈ શકે કારણ કે, કૃષ્ણરાજ ચોથાનાં સામાજિક પ્રદાનનું વિકીપીડિયા પર બહુ લાંબું, પ્રશંસનીય લિસ્ટ છે.

મહેલની ઘણી બધી નાની-મોટી ડીટેલ અમને ગાઇડે બહુ સરસ રીતે બતાવી પણ, સમયનો અભાવ અમને નડ્યો જ. અમે લગભગ મધ્ય ભાગ સુધી પહોંચ્યા હોઈશું ત્યાં એક પછી એક સિક્યોરિટી ગાર્ડ્સ મહેલનાં દરવાજા બંધ કરીને લોકોને આગળ મોકલી રહ્યા હતા. મહેલની ફેમસ રંગીન કમાનો (arches) પાસે પહોંચ્યા ત્યારે તો એટલું અંધારું થઈ ગયું હતું કે, તેનાં રંગ તો લગભગ જોઈ જ ન શકાયાં. વિચાર્યું કે, આવતાં બે દિવસમાં અહીં ફરી આવીશું અને ત્યાંથી સીધા હોટેલ જવા નીકળ્યા. મહેલથી હોટેલનો રસ્તો એક બજારમાંથી પસાર થતો હતો, જે કદાચ ત્યાંની મુખ્ય બજાર હોય તેવું લાગ્યું. પહોળાં રસ્તા અને રસ્તાની બંને બાજુ લગભગ બધી જ દુકાનોનાં કદ અને આકાર એકસરખાં અને બે માળથી ઊંચી કોઈ ઈમારત નહીં. બસ, અહીંથી જ પ્રેમ થવો શરુ થયો હતો જે પછીનાં બે દિવસ સતત થોડો થોડો વધતો જ રહ્યો.

લાંબી મુસાફરી પછી એક વખત હોટેલ પહોંચો પછી બહાર નીકળવાનું તો બને જ નહીં એટલે ડિનર ત્યાંનાં રેસ્ટ્રોમાં જ કરવાનું રાખ્યું. હોટેલ રુમમાં મારા માટે સૌથી મોટી હાઇલાઇટ હતાં – રોજનું છાપું અને ત્રણ મેગેઝિન! મને યાદ નથી મેં કોઈ પણ હોટેલ રુમમાં ક્યારેય આ વસ્તુ જોઈ હોય. હોટેલનું સેટિંગ અને રુમ્સ જેટલાં સુંદર અને ચાર્મિંગ હતાં, એટલું જ અમને ત્યાંનું ફૂડ નિરાશાજનક લાગ્યું. સ્વાદ બદલવા માટે અમે એક મિત્રએ રેકમેન્ડ કરેલી મીઠાઈની દુકાન જવાનું નક્કી કર્યું. રાતનાં સાડા નવ વાગ્યા હતા અને ચાલતા લગભગ પંદર મિનિટનાં અંતરે જ એ દુકાન હતી એટલે અમે પાંચ લોકોએ નક્કી કર્યું કે, ચાલીને જઈએ અને ત્યાંથી પાછા ફરતા જેને ચાલવું ન હોય તે રિક્ષા પકડી લેશે.

રાતનાં અંધકારમાં શહેર એકદમ શાંત લાગ્યું. એક અજાણ્યા શહેરની એક સુમસામ ગલીમાં પહેલી વખત ચાલતા લાગે તેવો સામાન્ય ડર લાગ્યો, પણ મજા આવી. અંતે અમે એક મોટા ચબૂતરા જેવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં ઘણાં બધાં શાકભાજી અને ફળ-ફૂલ વેંચવાવાળા પોતાનો સામાન સંકેલી રહ્યા હતા અને કોઈ કોઈ દુકાનોમાં સફાઈ કે પછીનાં દિવસની તૈયારી ચાલી રહી હતી. ગૂગલ મેપ્સ ની મદદથી જોઈતી દુકાન શોધી અને ત્યાંથી લીધો મૈસૂરનો ફેમસ મૈસુરપાક! મેં ધાર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મેં ‘મેસુબ’નાં નામથી પ્રચલિત એક મિઠાઈ જે મેં નાનપણમાં ચાખી છે તે જ કદાચ મૈસુરપાક હોવી જોઈએ પણ, સદ્નસીબે એ ધારણા ખોટી નીકળી! મૈસુરપાક મને એટલો ભાવ્યો કે, કર્ણાટકમાં મને જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થયું ત્યારે મેં મૈસુરપાક જ ખાધો.

મિઠાઈ લઈને અમે ત્રણ જણ ચાલીને અને બે જણ રિક્ષાથી ફરી હોટેલ પહોંચ્યા અને પછીનાં દિવસનું થોડું પ્લાનિંગ કર્યું.

હાકોને – 1

જાપાન, હાકોને

રવિવારની સવારે વહેલા ઉઠવાનો પ્લાન હતો પણ, રાબેતા મુજબ એ તો ન જ થયું. ઊઠીને નાહીને અમે સીધા રેન્ટલ કાર પિકઅપ કરવા પહોંચ્યા. બુકિંગ એકદમ છેલ્લી ઘડીએ કર્યું હોવાને કારણે અમને એક વિચિત્ર વૅગન મળી. અમારા બધામાં ફક્ત સૅમ જ કાર ચલાવી શકે તેમ હતો કારણ કે, મારું અને અભિનું ઇન્ટરનેશનલ ડ્રાઈવર્સ લાઇસન્સ નહોતું અને આશુ-શ્રી પાસે તો લાઇસન્સ જ નહોતું. મેં હાલ સુધીમાં જેટલા દેશમાં કાર ભાડે લીધી છે ત્યાં બધે જ ‘ઇન્ટરનેશનલ લાઇસન્સ’ની જરૂરિયાત ફક્ત કહેવા પૂરતી રહી છે અને બધાં આરામથી પોતાનાં દેશનું લોકલ લાઇસન્સ દેખાડીને ડ્રાઈવ કરી શકતા હોય છે. જાપાનમાં મેં પહેલી વખત જોયું કે, ત્યાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ વિના ગાડી ભાડા પર નથી જ આપતા.

વૅગન હતી એટલે કારમાં ત્રણ રો હતી. સૌથી પાછળની રો થોડી સાંકડી હતી પણ તોયે બિચારી નાનકડી શ્રી ત્યાં ગોઠવાઈ ગઈ. અમે સૌથી પહેલા કંઈક ખાવાનું અને કૉફી લેવા માટે રોકાયા. કોઈ ખૂબ સારી જગ્યા શોધવામાં સમય વેડફવા કરતા કોઈ નજીકની સાધારણ જગ્યાએ જવાનું નક્કી કર્યું જ્યાં લાઈન ન હોય અને ફટાફટ કામ પતે. ગૂગલ પર સૌથી પહેલું નજરે પડ્યું સ્ટારબક્સ. આવા સમયે સમજાય કે, સ્ટારબક્સની કૉફી સારામાં સારી ન હોવા છતાં એ આટલું પ્રખ્યાત કેમ છે? સામાન્ય કૉફી + કન્વીનિયન્સ = જબરું પ્રોડક્ટ-માર્કેટ-ફિટ!

સ્ટારબક્સ પહોંચી તો ગયાં પણ, દરેક મહાનગરની જેમ ટોક્યોમાં પણ પાર્કિંગ શોધવું એ લોઢાનાં ચણા ચાવવા જેવું હતું. અંતે થાકીને સ્ટારબક્સની બરાબર સામે રસ્તો બ્લૉક ન થાય તેવો એક ખાંચો શોધીને ત્યાં અમે ટેમ્પરરી પાર્કિંગ કર્યું. હું અને શ્રી કૉફી નહોતા પીતા એટલે કૉફી લેવાવાળા કૉફી લે ત્યાં સુધીમાં બાજુનાં સેવેન-ઇલેવનમાંથી અમે રસ્તા માટે પાણીની બોટ્લ્સ અને નાશ્તા ખરીદ્યાં. નાશ્તામાં મેં પહેલા ક્યારેય ન જોયેલી ત્રણ વસ્તુઓ શ્રીએ લીધી. બંને જગ્યાઓનું કામ પત્યા પછી ત્યાં નજીકમાં અમને ફૂડ ટ્રક જેવી એક નાનકડી મિડલ ઇસ્ટર્ન દુકાન પણ દેખાઈ. એ જોઈને અમારા બધાનાં મગજમાં એક જ વિચાર આવ્યો કે, અહીં જમી લઈએ જેથી હાકોને પહોંચતા સુધી રસ્તામાં ફરીથી ક્યાંયે રોકાવું ન પડે અને હાકોને પહોંચીને પણ લાંબો સમય ભૂખ ન લાગે. જો કે, જમવાનું એટલું સ્વાદિષ્ટ નહોતું પણ, કામ ચાલી ગયું.

એ આખો કાર્યક્રમ પતતા અડધો પોણો કલાક લાગ્યો. એ દિવસે અમારા નસીબ એવાં હતાં કે, મોડું એટલે બધી જ વસ્તુમાં મોડું. મર્ફીનો નિયમ પૂર જોશમાં હતો. અમે જ્યાં જમ્યા ત્યાંથી ફ્રીવે બેથી ત્રણ જ મિનિટ દૂર હતો પણ, અમને ફ્રીવે પર ચડતા ઓછામાં ઓછી દસથી પંદર મિનિટ અને ત્રણ ચક્કર લાગ્યાં. ટોક્યોમાં ગૂગલ મૅપ્સથી રસ્તો જાણવો અઘરો છે કારણ કે, ગૂગલ મૅપ્સ અપ-ટુ-ડેઈટ નથી અને મૅપ્સમાં દેખાડેલા રસ્તા કરતા અમુક રસ્તા બદલાઈ ચૂક્યાં છે. એક વખત ફ્રીવે પર ચડી ગયા પછી તો જો કે, સીધો જ રસ્તો હતો. રસ્તો દોઢ કલાકનો હતો અને અમારા માટે બધું નવું નવું હતું એટલે રસ્તામાં સામે દેખાતી નવી નવી વસ્તુઓ વિષે અમારી વાતો ચાલતી રહી. કારમાં જ્યાં પહોંચતા દોઢ – પોણા બે કલાક લાગે ત્યાં ટ્રેનમાં તો કેટલો સમય લાગતો હશે! આશુ-શ્રી પાસે લાઇસન્સ નહોતું છતાં એ લોકો ઘણી વખત હાકોને જઈ આવ્યા હતા એ અમારા માટે અચરજની વાત હતી. એ વિષે સૅમે આશુને પૂછ્યું ત્યારે તેણે અમને જણાવ્યું કે, ટ્રેનથી પણ ત્યાં પહોંચતા બે – સવા બે કલાકથી વધુ નથી થતું. ત્યારે અમને સાચા અર્થમાં સમજાયું કે, જાપાનનાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને દુનિયા આટલી કેમ વખાણે છે! એ લોકોએ ફક્ત મોટાં શહેરોને જ નહીં, ખૂણા ખાચરાનાં નાના નાના જોવાલાયક સ્થળોને પણ તેમનાં પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક દ્વારા જોડ્યા છે અને એ એવી રીતે જોડ્યા છે કે, લોકો સહેલાઈથી અને બને તેટલાં ઓછાં સમયમાં ત્યાં પહોંચી શકે. એ વસ્તુ અમેરિકામાં અસ્તિત્ત્વ જ નથી ધરાવતી. શહેરોનાં સબર્બ, જ્યાં ઘણાં બધાં લોકો રહેતા હોય છે, તેને પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા વ્યવસ્થિત રીતે જોડવાનું કામ અહીં નથી થયું (ન્યૂયૉર્કનાં અપવાદ સિવાય).

રસ્તામાં એક સાઈનબોર્ડ જોઈને હું થોડી વિચારે ચડી ગઈ. હું એ સ્થળ વિષે બે-ત્રણ વર્ષ લગભગ રોજ સાંભળતી, મારા સહકર્મચારીઓમાંથી કોઈ ને કોઈ વારે તહેવારે ત્યાં જતું, હું ક્યારેય નહોતી ગઈ પણ તેની એક કાલ્પનિક આકૃતિ સતત મનમાં રહેતી. પછી અચાનક મારું જીવન બદલાઈ ગયું અને ચાર-પાંચ વર્ષ એ સ્થળ વિશેની વાતચીતની કોઈ સ્મૃતિ મારા મનમાં નહોતી રહી અને અચાનક એ દિવસે મેં રસ્તામાં તેનું સાઈનબોર્ડ જોયું – યોકોહામા. એ દિવસે પણ અમે ત્યાં ગયા તો નહોતા પણ હવે મને આછી પાતળી ખબર હતી – જાપાન કેવું દેખાય છે, યોકોહામા ક્યાં આવેલું છે વગેરે અને એ વિષે હું મનમાં જ ખુશ થઇ રહી. ઇચ્છું તો એ કૂતુહલ મારાં સહપ્રવાસીઓ સાથે બાંટી શકી હોત. પણ, આ નવાં દેશમાં ડગલે ને પગલે જેટલી મોટી નવીનતાઓ અને અજાયબીઓ જોવા મળતી ત્યાં મારા વીતેલાં જીવનની એક નાનકડી યાદની કહાની પર કોણ ધ્યાન આપવાનું હતું. મેં મનમાં જ ટાઇમ-ટ્રાવેલ કરી લીધું.

થોડાં સમય પછી ભૂખ લાગી એટલે સેવેન-ઈલેવેનવાળી નાશ્તાની બૅગ ખોલવામાં આવી અને તેમાંથી શ્રીએ અમારા માટે તેણે લીધેલી પેલી નવી અજાયબી કાઢવામાં આવી. એ હતી ‘ઓનીગીરી (onigiri)’ – ભાતની બનેલી જાપાનની એક પારંપારિક વાનગી જે તમને લગભગ કોઈ પણ ગ્રોસરી સ્ટોર કે કન્વીનિયન્સ સ્ટોરમાં આરામથી મળી જાય. આમ તો ત્યાંની દરેક પારંપારિક વાનગીઓની જેમ ઓનીગીરીમાં પણ સૌથી પ્રખ્યાત તો સીફુડવાળી વેરાઈટીઝ જ છે. પણ, સાથે સાથે અમુક વેજિટેરિયન વેરાયટીઝ પણ પ્રખ્યાત છે, જેમાંની ત્રણ અમે માણી. વેજિટેરિયન ઓનીગીરીમાં સૌથી પ્રખ્યાત અને વિશિષ્ટ છે ‘ઉમેબોશી’ – ‘ઉમે’ એટલે એક પ્રકારનાં જાપાનીઝ પ્લમ, ‘ઉમેબોશી’ એટલે સૂકવેલા પ્લમ જે સ્વાદમાં ખાટાં અને ખારાં લાગે છે. ઉમેબોશીને એશિયાનાં પ્રખ્યાત ‘સ્ટીકી રાઈસ’માં ભેળવીને કેક જેવાં આકારમાં પૅક કરીને બજારમાં વેચવામાં આવે છે જે લોકો હરતા ફરતા હાથ બગાડ્યા વિના પ્લાસ્ટિકનાં રૅપરમાંથી આરામથી ખાઈ શકે. બીજી એક વેરાઈટી જે અમે ટ્રાય કરી તેમાં સ્ટિકી રાઈસ સાથે ઉમેબોશીને બદલે રાજમા ભેળવેલાં હતાં. તેનો સ્વાદ એકદમ ઓછાં મસાલાવાળાં રાજમા-ચાવલ જેવો હતો અને ત્રીજી વેરાયટીમાં રાઈનાં પત્તા (મસ્ટર્ડ ગ્રીન્સ) ભેળવેલાં હતાં. અમને ત્રણે વેરાયટી ખૂબ ભાવી.

જોતજોતામાં અમે હાકોને પહોંચી ગયા અને સીધા જ પહોંચ્યા ત્યાંનાં પ્રખ્યાત લેઈક પર – ‘લેઈક આશી’.

ત્યાં બેથી ત્રણ ટૂર બસ અને ઘણાં બધાં ખાનગી વાહનો પાર્ક કરેલાં હતાં એટલે ત્યાં પણ પાર્કિંગ શોધવું થોડું અઘરું થઇ પડ્યું. પણ, પાર્કિંગ મળ્યું એટલે તરત અમે લેઈકની બોટ રાઈડ માટેનાં પાસ લીધાં.

લાઈન લાંબી હતી પણ, બોટ મોટી હતી એટલે અમારો વારો આવતા વાર ન લાગી. બોટમાં અપર અને લોઅર એમ બે ડેક હતાં અને એ પાંચેક અલગ અલગ સ્થળોએ રોકાતી હતી અને તેમાંનાં એક સ્થળે અમે સાંજે જવાનાં હતાં. કહેવાની જરૂર નથી કે, લેઈકનો નજારો માણવાની મજા તો અપર ડેક પર જ હતી. ચળકતાં નીલમ જેવું સાફ બ્લૂ પાણી, ચોતરફ હરિયાળી અને તેનાં પર બરફથી ઢંકાયેલી ‘માઉન્ટ ફૂજી’ની ટોચ!

સોએક લોકોની બોટ પર ગણીને ડઝન ભારતીય લોકો પણ નહીં હોય અને તેમાં મને ગુજરાતી સંભળાયું એટલે મારાં કાન ચમક્યાં. એક વયસ્ક કપલ એ બોટ પર અમારી સાથે હતું અને એ બંને ગુજરાતી હતાં – સુરતથી. તેમની સાથે થોડી વાત થઇ. પણ, અપર ડેક પર લાંબો સમય રોકાઈ શકાય તેમ નહોતું કારણ કે, સખત અને સતત વહેતો ઠંડો પવન! બોટ જ્યારે મૂળ સ્થાને પાછી ફરવા લાગી ત્યારે અમે બધા નીચે ચાલ્યા ગયા. બેસવાની જગ્યા મળવી મુશ્કેલ હતી પણ, ટેકો દઈને ઊભા રહી શકીએ એવી એક બારી ચોક્કસ મળી.

આજે અહીં વિરામ લઈએ અને હાકોનેની વાત આગળ ચલાવીએ આવતી પોસ્ટમાં.