આ ટ્રિપને એક વર્ષ પૂરું થઇ ગયું છે અને આ ટ્રિપની ઘણી બધી યાદો તથ્યને બદલે ઈમોશન્સનાં લેન્સમાંથી દેખાવા લાગી છે એટલે જોઈએ આગળ શું અને કેવું લખી શકાય છે…
———————————————–
કૉરેકલ રાઈડ પરથી પાછા આવીને અમે દોડીને રેસ્ટ્રોં ગયા કારણ કે , બ્રેકફસ્ટનો સમય સમાપ્ત થઇ જવાનો ડર હતો. અમે ત્યાં જઈને સૌથી પહેલા ‘ઘોષ’ને શોધ્યા. તેઓ વ્યસ્ત હતા એટલે તેમણે અમને બેસવા માટે કહ્યું અને કહ્યું એ દસ મિનિટમાં આવે છે. ત્યાં એક મોટું બફે ટેબલ પાથરેલું હતું. મને શેરડીનાં રસ સિવાયની કોઈ વસ્તુમાં રસ (pun intended) ન પડ્યો. તેઓ આવ્યા એટલે અમે પૂછ્યું તમે ગરમ શું બનાવી આપી શકશો. તેમણે ડોસાની ઘણી વેરાઈટી લિસ્ટ કરી અને અમે મૂંઝાયા. અમે તેમને જ પૂછ્યું કે, અમને તો બધું જ સારું અને ટ્રાય કરવા જેવું લાગે છે. તમે શું રેકમેન્ડ કરશો? તેમણે કહ્યું એક કામ કરું , થોડું થોડું બધું જ લઇ આવું. ડોસા અને ઉત્તપમની ઘણી બધી વેરાયટી અને બધી જ સરસ! તેમાં મારા ફેવરિટ રહ્યા ‘કલ ડોસા’ અને ‘નીર ડોસા’. તેની સાથે આવેલી સબ્ઝી પણ એટલી જ સરસ હતી.
અમે નાસ્તો પતાવ્યો ત્યાં ડ્રાઇવરનો ટેકસ્ટ મેસેજ આવી ગયો કે, મેડમ ગાડી ઠીક થઇ ગઈ છે સાથે કારનો ફોટો પણ હતો. જોઈને મને ડ્રાઇવર માટે થોડું સારું લાગ્યું કે, ચાલો એટ લીસ્ટ તેની એ એક ચિંતા ઓછી થઇ. નક્કી થયું કે એ દિવસે કોઈ પ્લાન નહીં બનાવીએ અને ક્યાંયે નહીં જઈએ કારણ કે, લગભગ બધાને ક્રિકેટ વર્લ્ડ કપ જોવો હતો. અગિયાર વાગ્યા આસપાસ ડ્રાઇવરનો ફોન આવ્યો કેટલા વાગ્યે બહાર નીકળશું એ પૂછવા માટે અને મેં તેમને કહ્યું આજે ક્યાંયે નથી જવું.
ક્રિકેટ મૅચ તો બપોરે શરુ થવાનો હતો એટલે ત્યાં સુધી અમારી પાસે સમય હતો ઇચ્છીએ તે કરી શકવાનો. મને વિચાર આવ્યો રાત્રે જે તળાવનાં કિનારે અમે અનાયાસે જ પહોંચી ગયા હતા તે દિવસનાં સમયે કેવું દેખાય છે તે જોઈએ અને સાથીઓને પણ દેખાડીએ એટલે અમે પ્રસ્તાવ મૂક્યો ચાલીને રિઝોર્ટ એક્સપ્લોર કરવાનો. રાત્રે અમે જે રસ્તેથી ગયા હતા, તેનાં પર જ ફરીથી ચાલ્યા પણ દિવસે એ રસ્તો અમને એકદમ ટૂંકો લાગ્યો. જાણે રાત કરતા અડધા જ સમયમાં પહોંચી ગયા! રાત્રે જે પંખીઓ અને જીવ – જંતુઓનાં અવાજ અમને સંભળાયાં હતાં એ બધું પણ અચાનક ગાયબ થઇ ગયું હતું – પરીકથાની જેમ! પાંચેક મિનિટ તો અમે પાછલી રાત્રે જોયેલો સીન ડીકોડ કરતા રહ્યા. રાત્રે અમે એક મશાલ બળતી જોઈ હતી એ જગ્યા રાત્રે બહુ દૂર લાગી હતી અને એ શું હતું એ પણ ખબર નહોતી. દિવસે સમજાતું હતું કે , એ જગ્યા બહુ દૂર નહોતી ત્યાં એક અગાશી જેવું સ્ટ્રક્ચર હતું અને ત્યાં સુધી જવા માટે ત્યાંથી એક નાનો રસ્તો પણ હતો જે અમે રાત્રે નોટિસ નહોતો કર્યો. આજે એ અનુભવ યાદ કરું છું અને તેનાં વિષે લખું છું ત્યારે વિચાર આવે છે કે, કુદરતમાં ફક્ત બાર કલાકનાં સમયમાં પણ આખો તખ્તપલટો થઈ જતો હોય છે! આ હકીકત ફક્ત એક ફૅક્ટ તરીકે જાણવી એ ન જાણ્યા બરાબર છે. તેને આંખથી જોવું, કાનથી સાંભળવું અને અનુભવવું એ જ ખરું જાણવું છે.
અમે જ્યાં તળાવનાં કિનારે ઊભા રહ્યા ત્યાં એવું લાગતું હતું કે , જાણે અમે જંગલમાં ઊભા છીએ. બધું જ પિક્ચર પરફેક્ટ હતું – ઇન્સ્ટા-ફ્રેન્ડ્લી હતું. પાસે ઘટાદાર વૃક્ષો નીચે એક ક્યૂટ બેન્ચ હતી જેનાં પર બેસીને તમે કલાકો સુધી તળાવનો નજારો જોઈ શકો. ત્યાં પણ સાથીઓનો અવિરત વાણી-પ્રવાહ ચાલુ હતો. ત્યારે મને બહુ જ ઈરિટેટિંગ લાગ્યું હતું પણ આજે વિચાર આવ્યો, શું એવું હોતું હશે કે, અમુક લોકો જ્યાં સુધી જે આંખેથી જુએ છે તેનાં વિષે બોલી ન લે ત્યાં સુધી એ અનુભવ તેમનાં મનમાં રજિસ્ટર જ નહીં થતો હોય? અને એક વાત બોલે એટલે બીજી પચાસ વાતો યાદ આવતી હશે જેનાં વિષે પણ બોલવું તેમને જરુરી લાગતું હશે? કોને ખબર!
તળાવ સુધીનો રસ્તો તો અમને એકદમ ટૂંકો લાગ્યો હતો એટલે ત્યાંથી આગળ બીજી દિશામાં ચાલીને થોડું વધુ એક્સ્પ્લોર કરવાનું મન થયું. એક સાથી વધુ ચાલી શકે તેમ નહોતા એટલે તેઓ ત્યાંથી જ પોતાનાં રુમ તરફ રવાના થયા. બાકી બધા તળાવની બીજી તરફ ચાલવા લાગ્યા. તળાવનાં બીજાં છોરથી રસ્તો વાળ્યો એટલે અમે પણ રસ્તા સાથે સાથે આગળ ચાલવા લાગ્યા. થોડાં થોડાં અંતરે એક પછી એક ફરીથી મહેમાનો માટેનાં કૉટેજ દેખાવા લાગ્યા. બહારથી જ સમજાઈ જતું હતું કે, એ બધા તેમનાં હેરિટેજ કૉટેજ હતાં. પાંચેક મિનિટ પછી રસ્તો ફરી જંગલ જેવી જગ્યામાંથી પસાર થવા લાગ્યો. એક જગ્યાએ અમે સૂકાં ઘાસનું બનેલું ‘વૉચ-ટાવર’ જેવું એક સ્ટ્રક્ચર જોયું . એક ઊંચી સાંકડી સીડી ચડીને એક ઝૂંપડી સુધી પહોંચાતું હતું અને ઝૂંપડી ચારે તરફથી ખુલ્લી હતી. સ્વાભાવિક રીતે, કુતુહલનું આજ્ઞા માનવી જરુરી હતી એટલે અમે ઝડપથી સીડી ચડીને ઉપર પહોંચ્યા. ત્યારે ત્યાં કોઈ નહોતું પણ, જે રીતે સમાન પડ્યો હતો એ જોઈને લાગતું હતું કે, અહીં કોઈ રહે છે – સ્થાયી કે અસ્થાયી ખબર નહીં. એક ક્ષણ લાગ્યું જાણે ચોરી કરતા હોઈએ પણ, પછી થયું જો અહીં આવવાની મનાઈ હોત તો ક્યાંક તો લખેલું હોત. ત્યાંથી વ્યુ તો સરસ હતો જ પણ , એ ઝૂંપડીની પોતાની ક્યુટનેસ તેનાં કરતા પણ ચડે તેવી હતી. અમે સાથીઓને પણ ઉપર બોલાવ્યા. ત્યાં પાંચ – દસ મિનિટ વિતાવીને આગળ વધ્યા. સામે તેમનું બીજું રેસ્ટ્રોં દેખાવા લાગ્યું હતું . આ જ રેસ્ટ્રોં પાસેથી અમે રાત્રે ડિનર માટે એક ખુલ્લાં મેદાનમાં આવ્યા હતા. મને સમજાયું કે, કદાચ અમે એ મેદાન પાસેથી જ ચાલી રહ્યા હતા અને રાતની જેમ જ રેસ્ટ્રોંની પાછળથી એક સાંકડી કેડીમાંથી પસાર થઈને અમે એ રેસ્ટ્રોંનાં એન્ટ્રન્સ પાસે – પરિચિત વિસ્તારમાં પહોંચ્યાં. ત્યાંથી અમારાં રૂમ્સ કઈ તરફ હતાં એ બધાને બરાબર ખબર હતી.
બાર – એક વાગ્યા આસપાસ અમે એક કૉફી એક્સપીરિયન્સ માટે જવાનાં હતાં જેનાં માટે અમે બહુ એકસાઇટેડ હતા કારણ કે, આ વિસ્તાર તેનાં કૉફી પ્લાન્ટેશન માટે જ તો જાણીતો હતો. અમારો રિઝોર્ટ પણ કૉફી પ્લાન્ટેશન પર જ હતો. એ એક્સપીરિયન્સ એ જ લોકેશન પાસે હતો જ્યાં રાત્રે અમે તેમનો કલ્ચરલ ડાન્સ અને મ્યુઝિક એક્સપીરિયન્સ માણ્યો હતો. ત્યાં બહુ ભીડ નહોતી. એક મોટાં ટેબલ ફરતે અમે બધા બેઠા. અમારા ગાઇડનું નામ હતું મૂર્તિ. અંગત રીતે એ દિવસ સુધી કૉફી સાથેનો મારો સંબંધ ફક્ત માણવાનો રહ્યો હતો, જાણવાનો નહીં એટલે મારા માટે તો તેમની બધી જ વાતો નવી હતી. તેણે શરુ કર્યું ‘બાબા બુદાન’ની વાતથી. કહેવાય છે કે, વર્ષો સુધી કૉફી વિષે ફક્ત મધ્ય પૂર્વી દેશોનાં લોકો જ જાણતા હતા અને તેઓ કૉફીનું માર્કેટ કન્ટ્રોલ કરી શકે એ માટે ફક્ત રોસ્ટેડ કૉફી બીન્સ જ વેંચતા. તેઓ જેમને કૉફી વેંચતા એ દેશોનાં લોકોને કૉફી ક્યાં અને કઈ રીતે ઊગે છે એ ખબર જ નહોતી! વર્ષો સુધી આમ ચાલ્યું . કોઈ સમયે બાબા બુદાન નામનો એક સૂફી સંત પોતાની દાઢીમાં છુપાવીને કૉફીનાં સાત કાચાં દાણાં યમનનાં ‘મૉકા’ નામનાં બંદરથી ભારત લઈ આવ્યો. તેણે આ બીજ ચિક્કમગલૂર ગામમાં એક ટેકરી પર વાવ્યાં અને આમ ભારતમાં કૉફી ઊગવાની શરૂઆત થઇ.
બ્રિટિશ ભારત આવ્યા ત્યારે તેમને ખબર નહોતી કે, ભારતમાં કૉફી પણ ઊગે છે! તેઓ આવ્યા ત્યારે કૂર્ગમાં કૉફીની કોઈ સિસ્ટમૅટિક ખેતી નહોતી થતી. કૉફી લગભગ જંગલી છોડની જેમ ઊગતી હતી. આટલી મોટી બિઝનેસ ઓપર્ચ્યુનિટી તેઓ જવા દે તેવા તો હતા નહીં એટલે તેમણે ત્યાં કૉફીનું સિસ્ટમૅટિક ઉત્પાદન શરુ કરાવ્યું અને તેમની સાથે જોડાઈને કામ કરનારા ખેડૂતો અને જમીનદારો આજે પણ કૉફીનાં એક્સપોર્ટથી ખૂબ નફો કમાય છે, જેમાંનો એક પરિવાર છે આ રિઝોર્ટનો માલિક પરિવાર . અફકોર્સ, આ એ ઇતિહાસનું આ બહુ ઓવર – સિમ્પલીફાઇડ વર્ઝન છે – ફેક્ટ્સ અને ફિગર્સ વિકિપીડિયા પરથી કે કોઈ કૉફી બ્લૉગ પરથી મળી જશે. મારા માટે એ જાણકારી પણ સરપ્રાઈઝિંગ હતી કે , ભારતનું સિત્તેર ટકા કૉફી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે અને તેનું લગભગ અડધો અડધ ફક્ત કૂર્ગ વિસ્તારમાંથી આવે છે! મને ત્યારે અચાનક આગલાં દિવસે જોયેલું ટાટાનું કૉફી પ્લાન્ટેશન યાદ આવ્યું અને સમજાયું, અફકોર્સ ટાટા પોતાનો કૉફી પ્લાન્ટ અહીં જ નાખવાનાં! ટાટા માસ-મૅન્યુફૅક્ચરર છે એટલે તેઓ તો જ્યાં મોટામાં મોટા પાયે ઉત્પાદન થઇ શકે ત્યાં જ પોતાનું કૉફી પ્લાન્ટેશન સ્થાપવાનાં. કૉફીનાં બે પ્રકાર – આરાબિકા અને રોબસ્ટાની ખાસિયતો વિષે પણ મેં પહેલી વખત જાણ્યું. સાથે એ પણ જાણ્યું કે, ભારતની કૉફી દુનિયામાં એટલા માટે વખણાય છે કે, ભારતમાં કોફીનાં છોડ ઝાડનાં છાંયામાં ઉગાડવામાં આવે છે. સાથે તેમણે અમને કૉફી બ્રૂઇંગ ટેકનીક્સ પણ દેખાડી અને ઘણી અલગ અલગ વેરાયટી ટેસ્ટ પણ કરાવી. મૂર્તિ સાથે ત્યાં તેનાં ઇન્ટર્ન જેવો દેખાતો એક યુવાન પણ હતો – શિવા. મૂર્તિ વાત કરે ત્યારે શિવા અમારા માટે કૉફીનાં સૅમ્પલ બ્રૂ કરતો હતો.
મૂર્તિ બહુ જ ઍનિમેટેડ અને એન્ગેજીંગ વાર્તાકાર હતો એટલે અમારા જે સાથીને તેની ઘણી બધી વાતો ખબર હતી તેને પણ આ સેશનમાં બહુ મજા આવી અને તેનેય બધી તો ખબર નહોતી જ એટલે તેને પણ થોડી તો નવી જાણકારી મળી જ. મૂર્તિ બહુ રમતિયાળ અને ખુશમિજાજ હતો. પાંચ મિનિટથી વધુ સમય માટે સ્માઇલ ન કરવી તેનાં માટે કદાચ અશક્ય હતું. એક સાથીનાં શબ્દોમાં કહું તો એ બધી જ વાત આંખો મટકાવીને કરતો હતો. તેની ઍક્સન્ટ પણ બહુ મસ્ત હતી. લગભગ દર દસ મિનિટે એ બોલતો ‘યેસ્સ.પ્રો.સો’ (એસ્પ્રેસો) – જેની મિમિક્રી અમે એ પ્રવાસ પછી જયારે પણ મૂર્તિની વાત નીકળી ત્યારે દરેક વખતે કરી હશે. એ સેશનમાં લગભગ દર બે ત્રણ મિનિટે તે કોઈ જોક અને તેનાં બધાં જ જોક્સ લૅન્ડ પણ થતાં! મૂર્તિ જો કોઈ ઓર્ગનાઈઝેશન હોય તો અમે તેની લાઇફટાઇમ મેમ્બરશિપ લેવા તૈયાર હતા. અમે એ એક્સપીરિયન્સ પત્યા પછી તેની સાથે થોડી વાત પણ કરી અને જાણ્યું કે, પરમ દિવસે સાંજે અમે બર્ડ-વૉચિંગ માટે જવાનું વિચારતા હતા ત્યાં એ જ અમારો ગાઈડ હોવાનો. એ બર્ડ-વૉચિંગ એક્સપીરિયન્સ સવારે સાત વાગ્યામાં શરુ થતો હતો અને એટલા વહેલા ઊઠવાનો મને બહુ જ કંટાળો આવતો હતો પણ, ત્યાં મૂર્તિ હોવાનો એ જ વાતે મારી બધી આળસ ભગાડી દીધી. એ જાણ્યા પછી હું સવારે છ વાગ્યે પણ ઊઠવા માટે તૈયાર હતી!
મૂર્તિનાં જાદૂમાં જ અમે અમારાં રુમ સુધી પહોંચ્યા અને ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થયો. હું થોડી વાર સાથીઓ સાથે બેઠી પણ, પછી મને કંટાળો આવ્યો એટલે બહાર લીલી પુલમાં પગ બોળીને બેઠી. ફાઈનલી કોઈ જ પ્લાન વિના, લોકોનાં અવાજ વિના આરામથી બેસવાનો સમય મળ્યો એ મને ગમ્યું. લગભગ બે વાગ્યા આસપાસ ભારતનું અતિ ખરાબ પર્ફોર્મન્સ જોઈને લોકો નિરાશ થવા લાગ્યા અને બધાએ નક્કી કર્યું આ મૅચ પર સમય બગાડવા કરતા આપણે ‘મડિકેરી’ જોઈ આવીએ. મને આમ પણ મેચમાં રસ નહોતો એટલે હું તો રાજી જ હતી. મેં ડ્રાયવરને ફોન કર્યો પણ તેમનો ફોન રિસીવ ન થયો. લોકોએ ત્યાર પછીયે લગભગ અડધી કલાક જેવું મેચ જોવાનું ચાલુ રાખ્યું પણ પછી તો સાવ કંટાળ્યા. જે સાથીએ ડ્રાયવરની વ્યવસ્થા કરી હતી તેમને અમે કહ્યું કે તમે ડ્રાયવરને કૉન્ટૅક્ટ કરો અને તેમને કહો કે, અમારે મડિકેરી જવું છે. તેમણે કૉન્ટૅક્ટ કર્યો અને નક્કી થયું કે ડ્રાયવર અડધી કલાકમાં જમીને આવે છે. એટલી વારમાં અમે આગળનો પ્લાન ફિગર આઉટ કર્યો. એ દિવસ તો પૂરો થઇ ગયો હતો અને પછી અમારી પાસે વધી વધીને દોઢ દિવસ બચ્યો હતો એ જગ્યાએ. ત્યાં નજીકમાં દુબ્બારે નામનો એક એલિફ્ન્ટ કૅમ્પ હતો. તેમનાં એક્સપીરિયન્સ સ્પેશિયલિસ્ટનાં મતે ત્યાં વહેલી સવારે જવું બેસ્ટ હતું – ત્યારે સામાન્ય રીતે ત્યાં હાથીઓ જોવા મળતાં જ હતાં. મોડી સવારે કે બપોરે હાથીઓ જંગલનાં અંતરિયાળ વિસ્તારમાં જતા રહેતા હતા. સાંજે પ્લાન્ટેશન ટુઅર અવેલેબલ હતી એટલે અમે નક્કી કર્યું સવારે એલિફ્ન્ટ કૅમ્પ જવું, સાંજે તેમની જીપમાં પ્લાન્ટેશન ટૂઅર કરવી અને પછીનાં દિવસે સવારે બાર્ડ વૉચિંગ કરીને, નાસ્તો કરીને ચેક આઉટ કરવું.
પાંચ મિનિટમાં અમે ‘ધ સીટ ઑફ ધ કિંગ’ નામનાં એક વ્યૂ પૉઈન્ટ પર પહોંચ્યા. એ જગ્યા બહુ ટૂરિસ્ટી દેખાતી હતી. બહાર નાનાં-મોટાં ઘણાં વાહનો દેખાતાં હતાં અને અંદર પણ સારી એવી ભીડ હતી. મારું ધ્યાન જો કે , વ્યૂમાં બિલકુલ નહોતું અને ત્યાંથી જેમ બને તેમ જલ્દી મારે પાછું રિઝોર્ટ પહોંચવું હતું પણ, બધા સાથીઓને ખબર નહોતી પડી શું ચાલી રહ્યું છે અને તેમને કહીને કંઈ ફાયદો હોય તેવું પણ અમને ન
