મુર્શિદાબાદ – ૩

પ્રવાસ, બંગાળ, ભારત

બ્રેકફસ્ટ પતાવીને હોટેલનાં મેઇન ગેટ સુધી પહોંચ્યા તો જાણ્યું કે અમારા માટે બે રિક્ષાઓ રાહ જોઈ રહી છે. મને ફક્ત એટલી ખબર હતી કે, અમારી હોટેલ ઝીયાગંજમાં છે અને ત્યાંથી અમારે અઝીમગંજ જવાનું છે. પ્લાન અમારા સહપ્રવાસી ઓ એ સમજી લીધેલો હતો એટલે મેં ફક્ત મુસાફરી માણવાનું કામ કર્યું. અમે જે રિક્ષામાં બેઠા હતા તેને ત્યાંનાં લોકો ‘ટોટો’ તરીકે ઓળખે છે. ગુજરાતમાં જોવા મળતી રિક્ષાઓથી લગભગ અડધી પહોળાઈની એ રિક્ષામાં એક તરફ બે અને બીજી તરફ બે એમ ગણીને ચાર મધ્યમ કદનાં લોકો બેસી શકે અને તેમાં બેસીને જે ગલીઓમાંથી અમે એ દિવસે પસાર થયા, ત્યાંથી ફક્ત આ રિક્ષાઓ જ પસાર થઈ શકે! એક બે ગલીઓમાં તો એમ થયું કે, બસ હમણાં દીવાલને અડી જશે. લગભગ દસ મિનિટ પછી અમે નદીનાં કિનારે એક મોટાં તરાપા પાસે પહોંચ્યા અને અમને ઉતરીને તરાપા પર જવાનું સૂચન કરવામાં આવ્યું.

એ તરાપા પર માણસો, સ્કૂટર, પશુ, રિક્ષા, નાની કાર બધાં જ એકસાથે ઊભા રહીને રોજ નદી પાર કરે છે! 😁

સામેનાં કાંઠે ઉતરીને અમે ફરી એ જ ટોટોમાં બેસીને આગળ વધ્યા. વેલકમ ટુ અઝીમગંજ! થોડી વારમાં ટોટો ડ્રાઈવરે કહ્યું – આ જુઓ અરિજીત સિંઘનું ઘર. મને બિલકુલ ખબર નહોતી અરિજીત સિંઘ અઝીમગંજ નામનાં આ નાના ગામનો છે. પણ, આ ગામનું કદ અને ત્યાંનાં સાદા માણસો જુઓ અને સામે અરિજીત સિંઘનો હાલનો મુકામ જુઓ તો જાણે પ્રગતિ શબ્દનો અર્થ સમજાય. આપણાં ગોંડલ કરતાં પણ કદાચ થોડું નાનું, પ્રમાણમાં કંગાળ અને અંતરિયાળ આ ગામનાં એ યુવાનની સફર કેટલી લાંબી અને અઘરી રહી હશે! એક વિચાર એ પણ આવ્યો, જે જમીન સાથે સદીઓથી બાઉલ સંગીતની આટલી મોટી પરંપરા જોડાયેલી છે ત્યાંથી દેશને એક સારો સંગીતકાર મળે તેમાં નવાઈ શું? :) એ ઘર કોઈ પ્રકારનાં તામજામ વિનાનું, એક મધ્યમ વર્ગીય પરિવારનું હોય તેવું એકદમ સામાન્ય ઘર છે. ડ્રાઈવરે કહ્યું તેમનો પરિવાર હજુ પણ ત્યાં રહે છે અને તેઓ અઝીમગંજ અને આસપાસનાં ગામડાંનાં બાળકો માટે એક ફ્રી એજ્યુકેશન સેન્ટર પણ ચલાવે છે. આવાં લોકોની આવી કહાનીઓ પર જ દેશ અને દુનિયા માટેની મારી આશા ટકેલી છે.

રિક્ષા અને વિચારોમાં બ્રેક લાગી અને ખબર પડી અમે આવી પહોંચ્યા છીએ અમારાં પહેલા ડેસ્ટિનેશન, કાઠગોલા પેલેસ. એન્ટ્રી ગેટ પાસે જ અમને એક ગાઈડ મળી ગયા – અંબિકાપ્રસાદ. તેમનાં હિન્દીમાં બંગાળી ભાષાની એક્સંટ એટલી ગાઢ હતી કે, તેમની વાત હું થોડી જ સમજી શકી. જગત શેઠ પરિવારનો હાથ પકડીને ઘણાં ઓસવાલ જૈન વ્યાપારીઓ મુર્શિદાબાદ આવ્યા, તેમાંનાં એક – દુગ્ગળ પરિવારનાં વડવાઓએ અઢારમી સદીનામાં આ હવેલીનું નિર્માણ કરાવ્યું અને કહેવાય છે કે પ્લાસી યુદ્ધનાં ૩ દિવસ પછી અંગ્રેજો મીર જાફરને મળવા માટે અહીં આવ્યા હતા. હવેલીનો મોટો ભાગ હવે મ્યુઝિયમમાં તબદીલ થઇ ગયો છે પણ, હવેલી પાછળ બનાવાયેલાં આદિનાથ દેરાસરની મુલાકાત લેવા આવતાં દુગ્ગળ પરિવારનાં સભ્યો માટે આજે પણ ત્યાં રહેવાની પૂરતી વ્યવસ્થા છે. એ હવેલીનાં પરિસરમાં એક બંગાળી આર્ટિસ્ટે બનાવેલી એક વિશાળ યુરોપીયન શૈલીની મૂર્તિ છે. વિચારો કોની હશે? માઈકલ એન્જેલોની! ત્યાં આવતાં લોકો માટે આ મૂર્તિ બહુ મોટી જોવા જેવી વસ્તુ છે પણ, મને એ બહુ રેન્ડમ અને પોઇન્ટલેસ લાગી. ઇન ફેકટ, મને અહીંનું આર્કિટેક્ચર અને હવેલીઓની સજાવટ એ વાતની ચાળી ખાતું હોય તેવું લાગ્યું કે, જાણે અહીં સમૃદ્ધિ બહુ થોડા સમય માટે અચાનક આવી અને જલ્દી જતી પણ રહી. દુનિયામાં જેટલાં શકિતશાળી સામ્રાજ્યોનાં બાંધકામ આજે હયાત છે એ દરેકમાં એક થીમ, એક વિઝન દેખાય છે. એક એક વસ્તુ, નાનામાં નાની ડિટેલ એટલી વિચારપૂર્વક રીતે બનાવાયેલી હોય છે કે, તેમની ઈમારતોનો એક પણ ભાગ બહુ જ અલગ કે, થીમ થી સાવ હટી જતો હોય એવું ન લાગે. મુર્શિદાબાદમાં મને ઘણી વખત એવું લાગ્યું કે, આ હવેલીઓ ભવ્ય તો છે પણ, આર્ટિસ્ટ કે આર્કિટેક્ટનું વિઝન ક્યાં?

ત્યાર પછી અમે આગળ વધ્યા હઝારદ્વારી પેલેસ તરફ. એ મહેલ જતા રસ્તામાં પણ ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ આવી પણ, કમનસીબે અમારી પાસે સમય ખૂબ ઓછો હોવાનાં કારણે અમે બહુ બધે રોકાઈ ન શક્યા. મને બહુ કંઈ ગુમાવ્યાનો અફસોસ તો નથી પણ, હા મીર જાફરની હવેલી (‘નમકહરામ દેઓડી’) બહારથી મને બહુ ઇન્ટ્રેસ્ટિંગ લાગી હતી. ટોટોમાંથી લીધેલો એ હવેલીનો એક રફ શોટ

આગળ અઝિમુન્નીસા બેગમનો મકબરો આવ્યો જ્યાં રોકવાનો કોઈ પ્લાન નહોતો પણ તોયે અમે પાંચ મિનિટ માટે રોકાયા કારણ કે, બહારથી એ પણ બહુ સુંદર લાગતી હતો. અમે બે જણ દોડીને ફટાફટ એ જગ્યા જોઈ આવ્યા. બહુ પ્રખ્યાત ન હોય તેવાં ભીડ-ભાડ વિનાનાં ઐતિહાસિક સ્મારકો એકલા, શાંતિથી માણવાની મજા જ અલગ છે! ફક્ત પાંચ મિનિટ માટે પણ એ માહોલમાં મને જાણે ટાઇમ ટ્રાવેલ કરવાનો મોકો મળી જાય છે. સાથે સાથે જીવન, મૃત્યુ, યુદ્ધ, રાજકારણ, અમરત્વ, સુંદરતા જેવાં કેટલાંયે વિષયો પર કેટલાં બધાં વિચારો મનમાં દોડવા લાગે છે…

અહીં બહુ નાના વિરામ પછી અમે સીધા હઝારદ્વારી પેલેસ પહોંચ્યા. આ મહેલ કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું ટૂરિસ્ટ અટ્રેક્શન છે એટલે સ્વાભાવિક રીતે જ દુનિયાભરની ભીડ અહીં હોવાની. મહેલની અંદર ફોટોઝ કે વીડિયોઝ લેવાની મનાઈ છે એટલે અંદરનાં કોઈ જ ફોટો મેં નથી લીધા અને બહાર મને ફોટો લેવા જેવું ખાસ કંઈ લાગ્યું નહોતું. મારા માટે આ મહેલમાં બે ઈન્ટરેસ્ટિંગ બાબતો હતી. એક તો એ કે, આ મહેલ સિરાજ ઉદ-દૌલાનો નથી! ઇન ફેકટ, સિરાજ ઉદ દૌલાનો કોઈ મહેલ હયાત જ નથી. તેનો મહેલ સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યો હતો. આ મહેલ બંગાળનાં નવાબ નઝીમ હુમાયુ જાહ માટે એક બ્રિટિશ આર્કિટેક્ટે બનાવ્યો હતો. કહેવાની જરૂર ખરી કે, સિરાજની હાર પછી આ નવાબને અંગ્રેજોએ ‘ઇન્સ્ટોલ’ કર્યો હતો? એટલે જ આ નવાબ કે, તેમનાં કોઈ પણ વંશજોના નામ માત્ર પણ આપણાં ઇતિહાસમાં કોઈ ખાસ મહત્ત્વ નથી ધરાવતાં. આ મહેલ પણ મને અંગત રીતે બહુ ખાસ ન લાગ્યો સિવાય એક કલેક્શન. મારાં માટે આ મહેલની બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી તેમનું હથિયારોનું કલેક્શન. મહેલનાં ગ્રાઉન્ડ ફ્લોર (મેઇન પેલેસની નીચે લગભગ ભોંયતળિયામાં) પર હથિયારોનું બહુ સુંદર અને વિશાળ કલેક્શન છે જે મને બહુ જ ગમ્યું. હથિયાર ગમ્યાં એવું બોલવું કે સાંભળવું થોડું વિચિત્ર લાગે પણ, મને એવું લાગે છે કે, સારાં હથિયારોનું પણ એક એસ્થેટિક હોય છે. તેમાં વપરાયેલાં મટીરિયલ, તેનાં આકાર, તેનાં પર થતી નકશીઓ, આ બધું મને બહુ જ ચાર્મિંગ લાગે છે. અત્યાર સુધી મેં જેટલી થોડી દુનિયા જોઈ છે તેનાં પરથી મને એવું પણ સમજાયું છે કે, દુનિયાનો કોઈ પણ વિષય હોય, તેની શ્રેષ્ઠતમ વસ્તુ કે, વ્યક્તિનાં કામમાં એક inherent beauty અને aesthetic હોય છે. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે પણ મેં ઘણી વાર જોયું છે. એ aesthic અને wit મને આ હથિયારોમાં પણ દેખાયાં.

મહેલનાં મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે આ નવાબે એક વિશાળ ઈમામબારાનું નિર્માણ કરાવેલું છે જે કદાચ દુનિયામાં સૌથી મોટો છે! હા, લખનઉનાં પ્રસિદ્ધ ‘બડા ઈમામબારા’ કરતા તો મોટો ખરો જ. તે વર્ષમાં ફક્ત મોહરમનાં દસ દિવસ માટે ખૂલે છે. એ સિવાય કોઈ જ તેની મુલાકાત નથી લઈ શકતું. દૂરથી એ પણ બહુ સુંદર દેખાતો હતો.

મહેલ જોઈને બહાર નીકળતા અમને લગભગ દોઢેક કલાક લાગી. ત્યાર પછી બધાંને મન હતું તાંતીપાડા (ત્યાંનો વણકરવાસ) જવાનું અને ત્યાં હેન્ડલૂમ જોવા/લેવાનું પણ, અમને બે જણને બહુ ઈચ્છા હતી જગત સેઠની હવેલી જોવાની એટલે ફક્ત અમારા માટે જગત સેઠની હવેલી પર એક સ્ટોપ કરવામાં આવ્યો. બે દિવસથી રોજ દિવસમાં ઓછામાં ઓછી બે વખત જેનું નામ સાંભળતા હતા તેનાં વિશે જાણવાની ઈચ્છા કોને ન થાય! અમારી જેમ તમને પણ કદાચ વિચાર આવ્યો હશો કે, તેમની સમૃદ્ધિનાં ચર્ચા ધ્યાનમાં રાખતા તેમની હવેલી તો કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું અટ્રેક્શન હોવી જોઈએ ને?! પણ, એવું એટલા માટે નથી કે, તેમની ઓરીજીનલ હવેલી અને તેમનો ઘણો ખરો સામાન એક વખત કોઈ પૂરમાં તણાઈ ગયાં હતાં. ઉપરાંત, તેમનાં પરિવારમાં ખાસ કોઈ વંશજો પણ બચ્યા નહોતા એટલે કદાચ તેમની નવી હવેલી એટલી સારી રીતે જળવાઈ નથી શકી જેટલી દુગ્ગળ કે દુધોરિયાની રહી છે. છતાં અમને તો જગત સેઠની હવેલી જોવાની મજા જ આવી. આ આખાં વિસ્તારને જેણે નામના અપાવી અને દુનિયામાં નામ કર્યું એ લોકોની લેગસી ન જોઈ હોત તો મુર્શિદાબાદની સફર કદાચ અધૂરી જ રહી જાત.

ત્યાંથી આગળ અમે પ્લાન પ્રમાણે તાંતીપાડા ગયા તો ખરા પણ, કમનસીબે અમને ત્યાં કંઈ જ ન ગમ્યું. અમે એટલા થાકી પણ ગયા હતા અને ભૂખ પણ એટલી લાગી હતી કે, પછી આગળ દુકાનો શોધવાની મહેનત કરવાને બદલે અમે સીધા હોટેલ જ પાછા ફર્યા.

જમીને થોડી વાર અમે એક ‘પોટરી એકસ્પીરિયન્સ’ નો આનંદ માણ્યો અને એક કુંભારનાં ચાકડા પર માટીનાં વાસણો ઘડવાનો પ્રયત્ન કર્યો. વાસણ કદાચ સારાં બને પણ ખરા તોયે તેનું કંઈ થવાનું નહોતું. નજર સામે એ ફરીથી માટીનાં લોંદામાં જ પાછા જવાનાં હતાં એટલે વધુ મહેનત કરવાનું કોઈ મોટીવેશન મને હતું નહીં. બાળકોને માટીમાં રમવાની મજા આવે એવી મજા જ કરી મેં. મારાં સાથીઓ જ્યારે ચાકડા પર હતાં ત્યારે હું ત્યાં ફરીને દુધોરિયા પરિવારનાં જુના ફોટોઝ જોઈ રહી હતી અને મારું ધ્યાન ગયું એક સ્ટિકર પર

મગનલાલ હરજીવનદાસ ભાવનગરી ફોટોગ્રાફર! કઈ પેઢી હશે આ? અને આ પરિવાર તેમનાં સુધી કઈ રીતે પહોંચ્યો હશે?! એ લોકો ટ્રાવેલિંગ ફોટોગ્રાફર હશે અને તેમને જે લોકો કમિશન કરે તેમની હવેલીઓ અને મહેલોમાં ફોટોગ્રફી કરવા માટે આટલે દૂર સુધી પ્રવાસ કરતા હશે?! how fascinating! ઉત્તર બંગાળનાં આ મારવાડી વિસ્તારનું ગુજરાત કનેક્શન તો બહુ સોલિડ લાગતું હતું પણ, અમુક કહાનીઓ કદાચ અમારે ત્યાં છોડીને જ આગળ વધવાનું હતું.

એ સાંજે પણ કલ્ચરલ પ્રોગ્રામ – એક બીજા ગ્રૂપનો બાઉલ શો જોઈને અમે સાંજનું જમવાનું પતાવ્યું અને કોઠીનાં બહુ જ સુંદર ગિફ્ટ સ્ટોરમાં આંટો મારીને નાની મોટી ખરીદી કરીને પછીનાં દિવસે ચેક-આઉટ કરવાની તૈયારી કરી.

મુર્શિદાબાદ – ૨

પ્રવાસ, બંગાળ, ભારત

અમારી પહેલી મીલ ધાર્યા કરતાં વધુ સ્વાદિષ્ટ અને યુનીક રહી. સેહેરવાલી રેસિપીઝમાં મારવાડી અને બંગાળી સ્વાદનું મિશ્રણ ખરેખર ચાખી શકાય છે! મારા માટે સૌથી મોટી હાઇલાઇટ રહ્યું ચણિયા બોરનું અથાણું. તેનો સ્વાદ હજુ પણ મારાં મોંમાં તાજો છે. કમનસીબી એ છે કે, જોવા/માણવાની જગ્યાઓ નું લિસ્ટ બહુ લાંબું છે અને જીવન બહુ ટૂંકું એટલે પ્રવાસની જગ્યાઓ રિપીટ નથી થઈ શકતી અને ખબર નથી એ અથાણું ફરીથી ક્યારેય ખાવા મળશે કે કેમ.

અમને પછીથી ખબર પડી કે, હોટેલનું તમામ જમવાનું ત્યાંનો લોકલ સ્ટાફે જ બનાવે છે. તેમણે બહારથી કોઈ શેફ હાયર કરેલા નથી! ઇન ફેક્ટ, અભિરૂપ સિવાય તેમનો કોઈ જ સ્ટાફ હોટેલ મેનેજમેન્ટ કે હોસ્પિટાલિટી ભણેલો પણ નથી. એ લોકો ત્યાં આસપાસનાં ગામોમાં જ રહે છે અને ત્યાંથી રોજ કામ કરવા માટે આવે છે. અભિરૂપ અને તેમનાં સાથીઓએ તેમને અમુક હદ સુધી ટ્રેનીંગ આપેલી છે પણ, અભિરૂપ તેમને કોઈને સર્વર કે સર્વન્ટ તરીકે ક્યારેય નથી ઓળખાવતા. તેઓ બધાંને હેલ્પર તરીકે ઓળખાવે છે અને પ્રોપર્ટીનાં મહેમાનોને કહે પણ છે કે, આ બધો સ્ટાફ મહેમાનોને મદદ કરવા માટે હંમેશા હાજર છે પણ એ મહેમાનોનાં નોકર નથી. તેમનો સ્ટાફ પ્રત્યેનો આ અપ્રોચ અને એટિટ્યુડ અમને ગમ્યો.

જમીને આખા દિવસની મુસાફરીનો થાક અચાનક એકસાથે લાગ્યો એટલે આરામ કરવા સિવાય કોઈ ઉપાય રહ્યો નહીં. લગભગ એકાદ કલાક થઈ હશે ત્યાં અમને સંગીત સંભળાયું અને ચમકારો થયો – કલ્ચરલ પ્રોગ્રામ! અમે ફટાફટ અવાજની દિશામાં ભાગ્યા અને એક મોટી ઓસરીમાં પહોંચ્યા. એક ગાયક અને બે સંગીતકાર – એક ઢોલક પર અને એક બાઉલ ડ્રમ પર બરાબર માહોલ જમાવી રહ્યા હતાં. અમને તાળીઓનો અવાજ પણ સંભળાયો પણ, કોઈ દેખાયું નહીં. ઉપર જોયું તો ખબર પડી કે, મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા ખરેખર તો ઝરૂખામાં છે પણ, અમે નીચે પહોંચી ગયા હતાં અને સંગીતકાર પણ નીચે જ હતાં એટલે ઉપર જવાનું મન ન થયું અને અમે ત્યાં ઓટલા પર જ બેસી રહ્યા. હોટેલ સ્ટાફને અમારી ચિંતા થઈ ગઈ એટલે એ લોકો ખુરશીઓ, શેતરંજી અને તેવું ઘણું બધું લાવવા માંડ્યા અને અમને ઓફર કરવા માંડ્યા પણ થોડો સમય પછી એ પણ સમજી ગયા કે, અમે બેસવાનાં તો ઓટલા પર જ. એ સંગીતકારો અદ્ભુત હતાં – ખાસ તેમનાં ગાયક! એ લોકો પારંપારિક બાઉલ ગીતો ગાઈ રહ્યા હતાં. બાઉલ સંગીત વિશે આખી એક બ્લૉગ પોસ્ટ લખી શકાય તેટલી સમૃદ્ધ બંગાળની આ પરંપરા છે. બાઉલને આપણે ત્યાંની સંતવાણી પણ કહી શકીએ. કબીર પરંપરા અને સૂફી ભક્તિ જેવી જ આ પરંપરા છે- નિર્ગુણ ભક્તિ, હિન્દુ અને મુસ્લિમ ધારાઓ નો સમન્વય અને ધર્માંધતાનો અસ્વિકાર. તેમનાં સંગીત વિશે વધુ કહી શકવા જેટલી પાત્રતા હું નથી ધરાવતી, તમે પોતે જ જોઈ લો.

આ શો લગભગ એક કલાકનો હતો પણ, આખી સાંજ અમે તેની અસરમાં રહ્યાં. શો પત્યા પછી અમે પ્રોપર્ટીનાં કોમન એરિયા એક્સપ્લોર કર્યાં અને તેમનો પુસ્તકોનો કબાટ ફેન્દયો અને અમને ફરીથી એક સરપ્રાઇઝ મળ્યું – ઘણું બધું જૈન ધાર્મિક સાહિત્ય લગભગ બધું જ ગુજરાતીમાં! જામનગરનાં નાના પબ્લિશરથી માંડીને મુંબઈનાં મોટાં પબ્લિશર સુધીનું ઘણું બધું! એક મિત્રને આ પુસ્તકોનાં ફોટોઝ મોકલ્યાં ત્યારે તેની પાસેથી જાણવા મળ્યું કે, મારવાડી જૈન વડીલોને ગુજરાતી લિપિ લખતાં વાંચતાં આવડવી એ બહુ સામાન્ય વાત છે! મનમાં થયું આપણી ભાષા પાસે પોતાની લિપિ હોવી એ કદાચ બહુ મોટાં સૌભાગ્યની વાત છે!

અહીં અડધી પોણી કલાક બેઠાં ત્યાં તો ફરીથી જમવાનું તૈયાર! આટલું જલ્દી આટલું ભારે જમવાની તાકાત કોઈમાં નહોતી પણ નવી વાનગીઓ ચાખવાની આતુરતા અતિશય એટલે થોડો સમય ઠેલીને અમે ફરીથી જમવા બેઠાં. આ વખતે પણ એટલું જ સરસ અને યુનીક! ત્યાંનો સ્ટાફ ફક્ત અમારાં માટે રોકાયેલો હતો. અમે જમ્યા પછી એ લોકો પોતપોતાનાં ઘરે ગયા અને અમે બીજા દિવસની તૈયારી કરતા અમારાં રુમ પર.

સવારે ઊઠીને પણ મને પેટ એટલું ભરેલું અને ભારે લાગતું હતું કે, બ્રેફસ્ટ કરવા જેટલી હિંમત તો મારામાં બિલકુલ નહોતી એટલે મેં થોડી એક્સ્ટ્રા ઊંઘ કરી. હું તૈયાર થઈ ત્યાં સુધી કોઈનો ફોન કે મેસેજ નહીં એટલે હું રિસેપ્શન પર પુછીને બ્રેકફસ્ટની જગ્યાએ પહોંચી. નદી કિનારે બ્રેફસ્ટ માટે બહુ જ સુંદર સેટિંગ હતું. હુગલી નદીનું એ સ્વરુપ જોઈને ખ્યાલ આવતો હતો કે, કલકત્તામાં ઇન્ડસ્ટ્રીઝનાં ગંદા પાણી ઠલવાતા પહેલા આ નદીનો કેવો ઠાઠ રહ્યો હશે!

મને ત્યારે ખબર નહોતી કે, અમારો નેક્સ્ટ પ્લાન નદી પાર કરીને સામેનાં કાંઠે જવાનો જ છે!

મુર્શિદાબાદ

પ્રવાસ, બંગાળ

લગભગ પાંચ વર્ષનાં અતિ લાંબા અંતરાલ પછી મને એક બિલકુલ નવી જગ્યાએ, વ્યવસ્થિત ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો અને તેમાંયે પ્રસ્તાવ આવ્યો ‘બડી કોઠી’ નામની એક યુનીક જગ્યાનો એટલે આપણે તો તરત રાજી! આ જગ્યા ઉત્તર બંગાળમાં, કલકત્તાથી લગભગ ૨૨૦ કિલોમીટરનાં અંતરે આવેલી છે એટલે અમે નક્કી કર્યું કલકત્તાથી રોડ ટ્રિપ કરીએ. છ લોકો, બે કાર અને એક પ્રોફેશનલ ડ્રાઈવર.

તમે ૬૦ કિલોમીટરની એવરેજ પર ચાલો અને રસ્તામાં અડધી કલાક જેવો બ્રેક લો તો પણ વધુમાં વધુ સાડા ચારથી પાંચ કલાક લાગવા જોઈએ, બરાબર? મુર્શિદાબાદ માટે ખોટું. અમને લગભગ સાત કલાક લાગ્યાં! સમજો આખા રસ્તામાં લગભગ ક્યાંય વ્યવસ્થિત હાઈ વે છે જ નહીં. નેશનલ હાઈ વે પણ ગામડાંમાંથી પસાર થાય છે અને મોટાં ભાગનો રસ્તો એટલો ખરાબ, કે ખાડાં અને આડા અવળાં સ્પીડ બ્રેકરનો પાર નહીં! અમે આવતાં અને જતાં બે અલગ અલગ હાઈ વે ટ્રાય કર્યાં. જતી વખતે અમે NH12 પકડ્યો અને આવતી વખતે AH1. પણ, બંને લગભગ સરખા જ ખરાબ નીકળ્યાં. જો કે, મારા માટે તો ખરાબ રસ્તાની અગવડો હોવા છતાં રોડ ટ્રિપની મજા અલગ હતી. કલકત્તા સિવાયનું પશ્ચિમ બંગાળ અને ત્યાંનાં લોકો કેવા દેખાય છે, કઈ રીતે રહે છે તેની જિજ્ઞાસા સંતોષવાનો આ એક જ રસ્તો હતો.

અમે સવારે સાડા નવે ડ્રાઇવ કરવાનું શરુ કર્યું અને લગભગ સાડા ચારે બડી કોઠી પહોંચ્યાં. પશ્ચિમ બંગાળનાં હાઇ વે કે ગામડાંમાં મારા-તમારા જેવાં શહેરી લોકો માટે ખાસ સુવિધાઓ નથી પણ, માયાપુર પાસે અમને સારાં, વેજીટેરિયન-ફ્રેન્ડલી ઓપ્શન આરામથી મળી ગયાં. મને અહીં પહોંચીને ખબર પડી કે, માયાપુરમાં ઇસ્કોનનું હેડ ક્વાર્ટર છે એટલે સ્વાભાવિક રીતે તેની આસપાસ સારાં રેસ્ત્રોં હોવાનાં જ. અમે સ્ટોપ કર્યો હતો ‘હોટેલ સોનાર બાંગ્લા માયાપુર’. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો થોડો ટ્રિકી છે પણ જગ્યા સારી છે. સરસ માહોલ, સારી ચા, પકોડા અને સાફ રેસ્ટરૂમ. આનાંથી વધુ શું જોઈએ! ત્યાં લગભગ ૪૫ મિનિટ સ્ટોપ કરીને અમે આગળ વધ્યાં. રસ્તામાં મેં બંગાળનાં ગામડાંનું જે સ્વરૂપ જોયું તેનું વર્ણન કરવું તો અશક્ય છે પણ એ હતું બહુ સુંદર અને અલગ. માનો તમે નવા દેશમાં પહોંચી ગયાં!

ભારતનાં સૌથી ફળદ્રુપ વિસ્તારોમાં જેનો સમાવેશ થાય છે એ બંગાળની ભૂમિ પર ખેતરોની કમી નથી. જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી! ચોખા અને રાઈનાં ખેતર મેં ત્યાં સૌથી વધુ જોયા. ત્યાંનાં ગામડાંમાં ગરીબી દેખાય છે. નાના કાચા-પાકા ઘર, અને લગભગ દરેક ઘર પાસે એક નાનું તળાવ. બાળપણમાં પુસ્તકોમાં વાંચ્યું હતું કે, બંગાળનાં લોકો પોતાનાં આંગણામાં એક નાનું તળાવ રાખતા હોય છે જેને પૂકૂર તરીકે ઓળખાય છે. આ પૂકુર મેં પહેલી વખત નજરે જોયાં. ગામડાંની ઘણી બધી સ્ત્રીઓ અને છોકરીઓ એક હાથમાં છત્રી પકડીને બીજા હાથથી સાઇકલ ચલાવતી જોવા મળી. હાઈ વે પર એક પશુપાલકનો જુગાડ જોવાની પણ મજા આવી. ભાઈએ પોતાની બકરી ડિવાઈડર પર બાંધી હતી અને બકરી આરામથી ડિવાઈડર પર ઉગાડેલાં છોડનાં પાન ખાતી હતી. બકરી ચરતી ચરતી રસ્તા પર ઉતરી જાય ત્યારે આ ભાઈ દોડીને તેને ડિવાઈડર પર મૂકી આવે!

થોડાં સમય પછી મારું ધ્યાન ગયું એક ગામનાં નામ પર. લખ્યું હતું ‘Plassey’. હું ચમકી અને મેં મારા સહપ્રવાસીઓને પૂછ્યું આ પેલું પ્લાસિનાં યુદ્ધ વાળું પ્લાસિ છે? એ લોકોએ કહ્યું હા બની શકે. બસ પાંચ જ મિનિટનાં સસ્પેન્સ પછી કન્ફર્મેશન મળી ગયું. મેં એક મોટો દરવાજો જોયો જેનાં પર લખેલું હતું ‘Plassey war memorial’ – પ્લાસિ યુદ્ધ સ્મારક! મને બિલકુલ ખ્યાલ નહોતો હું ઇતિહાસનાં કયા ભાગમાં જઈ રહી છું અને જ્યાં જઈ રહી છું તે લોકોનો ઈતિહાસ પણ આ યુદ્ધ સાથે કેટલો વણાયેલો છે. આ બધું જોઈને મને મુસાફરીની અગવડતા બાબતે કોઈ જ ફરિયાદ ન રહી. કલકત્તાથી અમે ટ્રેનમાં ગયાં હોત તો એ મુસાફરી પ્રમાણમાં ટૂંકી અને સરળ રહેત પણ તેમાં અમને કદાચ આ બધું જોવા ન જ મળત!

અથાણાંનાં ડબ્બામાં ભરેલાં લીંબુની જેમ હાલતા-ડોલતા અમે બડી કોઠી પહોંચ્યાં. પહોંચતા સાથે જ જોયું કે, આઠ દસ લોકો અમારું સ્વાગત કરવા માટે ઊભા હતાં. આટલી લાંબી, ખખડધજ મુસાફરી કર્યા પછી અજીબ વેશમાં બેથી વધારે લોકો મારી તરફ જુએ એ પણ મને વિચિત્ર લાગતું હોય છે તો આટલું બધું ધ્યાન આપે ત્યારે તો એમ જ થાય કે હેરિ પોટરનો ‘ઇન્વિઝિબિલિટી ક્લોક’ કોઈ મને આપી દે તો અત્યારે જ પહેરી લઉં. પ્રોપર્ટીમાં ખાનદાની, સમૃદ્ધ હવેલીને શોભે તેવું સરસ ફર્નિચર અને ડેકોર જોઈએ જ મારું મન ખુશ થઈ ગયું. અમે પહેલા અમારાં રુમ પર ગયાં અને તરત અમને અમારાં વેરી લેઇટ લંચ માટે લઈ જવામાં આવ્યાં.

અમને લંચ પીરસાયું એક વિશાળ ડાઇનિંગ રુમમાં! જાત જાતની કળા કારીગરી અને દેશ-વિદેશનાં મટીરિયલથી એ આખો રુમ સુશોભિત હતો! છત તો આપણાં આજનાં બે માળ બની જાય તેટલી ઊંચી એટલે અંદર પ્રવેશતાની સાથે જ તમને ભવ્યતા અનુભવાય. ત્યાં અમારી સાથે બેઠાં એ પ્રોપર્ટી નાં મેનેજર – અભિરૂપ. તેમણે અમને પીરસાયેલી વાનગીઓ, આ હવેલી અને આખાં વિસ્તારનાં ઈતિહાસ વિશે ખૂબ સરસ માહિતિ આપી.

બડી કોઠીનાં માલિક છે દુધોરિયા પરિવાર – મૂળ રાજસ્થાનનાં ઓસવાલ જૈન, આ પરિવારનાં વડવાઓ લગભગ ત્રણસો વર્ષ પહેલાં મુર્શિદાબાદ વ્યાપાર કરવા માટે આવ્યાં હતાં અને પછી અહીં જ રહી ગયાં. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાય બહાદુર બુધ સિંઘ દુધોરિયાએ પોતાનાં મુખ્ય નિવાસ તરીકે આ હવેલીનું નિર્માણ કરાવ્યું. દુધોરિયા જેવાં અનેક રાજસ્થાની ઓસવાલ જૈન પરિવારોને અહીં લાવવાવાળાં ‘જગત સેઠ’. જે સમયે જગત સેઠનો પરિવાર બંગાળનાં નવાબનો મુનીમ હતો તે સમયે મુર્શિદાબાદ દુનિયાની પાંચ ટકા GDP કન્ટ્રોલ કરતું હતું. હા, લખવામાં ભૂલ નથી થતી. દેશની પાંચ ટકા નહીં, દુનિયાની પાંચ ટકા. પછી તો આ વિસ્તારનાં સૌથી મોટાં શેઠને ‘જગત સેઠ’ કહેવા જ પડે! એ સમયે આ વિસ્તાર દેશની આર્થિક રાજધાની હોવાનાં કારણે અહીં રહેતાં લોકો સેહેરવાલી એટલે કે, શહેરવાળાં કહેવાયાં. પોતાની પારંપારિક ઓસવાલ વાનગીઓમાં તેમણે બંગાળની લોકલ ફ્લેવર્સ ઉમેરીને જે જમણ બનાવ્યું તે સેહેરવાલી જમણ તરીકે ઓળખાયું. મૂળ જૈન એટલે શાકાહારી તો હતાં જ પણ, તેમની મોટાં ભાગની વાનગીઓમાં કંદમૂળનો ઉપયોગ પણ ભાગ્યે જ જોવા મળે છે. બધાં રહેતાં પણ એકસાથે, પાસે પાસે એટલે એ વિસ્તાર આજે પણ ‘જૈન પટ્ટી’ તરીકે ઓળખાય છે.

એ સમયે આ શેઠો એટલાં શકિતશાળી હતાં કે, આખાં સામ્રાજ્ય હલાવી શકે. તેઓ ઉત્તર ભારતનાં રાજાઓનાં યુદ્ધ અને બીજું ઘણું બધું ફાઇનાન્સ કરતાં હતાં! બંગાળનાં છેલ્લાં નવાબ સિરાજ ઉદ્ દૌલા પ્લાસિનું યુદ્ધ હાર્યો તેનાં ઘણાં કારણોમાંનું અગત્યનું એક કારણ છે જગત સેઠનો અસહકાર! પ્લાસિ યુદ્ધમાં સિરાજનાં આર્મી જનરલ અને જગત સેઠ બંનેએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો. સિરાજની હાર પછી અંગ્રેજોને આર્મી જનરલને પણ મારી નાંખ્યો અને બંગાળ પર કબ્જો કર્યો, સમગ્ર હિન્દુસ્તાન પડ્યું અને અંગ્રેજોનાં હાથમાં ગયું. આ યુદ્ધ વખતે જગત સેઠ અને સેહેરવાલીઓને સ્વાભાવિક રીતે ખબર નહોતી કે, સિરાજનાં અંત સાથે તેમની સહ્યાબીનો અને દેશનો પણ સુર્યાસ્ત જોડાયેલો છે.

સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગી અને આ વિસ્તારમાં લૂંટફાટ થવા લાગી પછી વ્યાપારી પરિવારો નવાં પાટનગર કલકત્તા શિફ્ટ થવા લાગ્યાં અને ધીમે ધીમે મુર્શિદાબાદ ભૂલાતું ગયું. બડી કોઠી પચાસ વર્ષથી પણ વધુ સમય બિલકુલ ખાલી રહી પછી ૨૦૦૮માં ભાઈ-બહેન દર્શન અને લિપિકાએ એક પ્રખ્યાત ધર્મગુરુની પ્રેરણાથી આ પ્રોપર્ટીને રિસ્ટોર અને રેનોવેટ કરવાનો બેડો ઉપાડ્યો. લગભગ દસ વર્ષની મહેનત પછી આ જગ્યા હેરિટેજ હોટેલ તરીકે ફરી શરુ થઇ અને અભિરૂપ તેમની સાથે લગભગ શરુઆતથી જોડાયેલાં છે.

ન્યુ ઓર્લીન્સ – છેલ્લું પ્રકરણ

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

ઇન્ટરનૅશનલ હાઉઝ હોટેલથી નીકળીને સૅમે અને મેં ઓછામાં ઓછી કલાક સુધી બૅન્કઝીની જ વાતો કર્યા કરી. ત્યાર પછી અમારે ન્યુ ઓર્લીન્સનાં પ્રખ્યાત કબ્રસ્તાનોની ટૂઅર કરવી હતી. પણ, તેનાં માટે મોડું થઇ ગયું હતું. એ હોટેલ શહેરનાં બાર, રેસ્ટ્રોં અને આર્ટ ગૅલેરીઝવાળાં વિસ્તારથી ખૂબ નજીક હતી એટલે ત્યાંથી ફરી અમે ચાલીને આગળ જવા લાગ્યા અને પગપાળા ફ્રેન્ચ ક્વૉર્ટર્સ એક્સપ્લોર કરવા લાગ્યા. અમે લૅન્ડ થયા ત્યારે તો અમે મોડી રાત્રે ફ્રેન્ચ કવૉર્ટર્સ ફર્યા હતા એટલે ખાસ કૈં જોઈ નહોતા શક્યા અને આર્ટ માર્કેટ સિવાયની મોટા ભાગની ગૅલેરીઝ તો બંધ થઇ ચુકી હતી. પણ, ઈચ્છા હતી કે, દિવસનાં સમયે ત્યાં ફરવું અને એ સાંજ ન્યુ ઓર્લીન્સમાં અમારી છેલ્લી સાંજ હતી એટલે ફ્રેન્ચ કવૉર્ટર્સમાં રખડવા માટેનો એ છેલ્લો મોકો હતો.

તેની નાની નાની શેરીઓ એક પછી એક અમે ઓળંગતા ગયા અને શહેરનાં એ સૌથી હેપનિંગ ભાગમાં સંગીત, આર્ટ અને આર્કિટેક્ચર એક્સપ્લોર કરતા ગયા. શહેરનાં બરાબર મધ્યમાં અમુક શેરીઓ સાંજ પડતા જ તમામ વાહનો માટે બંધ થઇ જાય છે અને લોકો રસ્તા પર જ પાર્ટી કરતા જોવા મળે છે.

આગળ ઉલ્લેખ કર્યો તેમ આ શહેર અમૅરિકાનાં બહુ ઓછાં શહેરોમાંનું એક છે જ્યાં જાહેર સ્થળો પર પણ શરાબ પીવાની અનુમતિ છે. હૅન્ડ ગ્રેનેડ જેવાં દેખાતાં એક મોટાં ફ્લાસ્કમાં ત્યાં કૉકટેઈલ્સ મળતાં હતાં જે અમારી આસપાસ ઘણાં લોકો પી રહ્યા હતા. એ જોઈને સૅમને પણ એક ગ્રેનેડ કૉકટેઇલ પીવાનું મન થયું. અમે એક નાનકડી કૉકટેઈલ્સની દુકાન જોઈ, જ્યાંથી રીતસર સ્ટ્રીટ-ફૂડની જેમ લોકો કૉકટેઇલ્સ ખરીદી શકતા હતા! સૅમે ત્યાંથી એક ગ્રેનેડ કૉકટેઇલ ખરીદ્યું અને મને આશ્ચર્ય એ વાતનું છે કે, તેણે એ પૂરું પણ કર્યું! અને એ કૉમેન્ટ તેની ક્વોન્ટિટી વિષે નહીં, સ્વાદ વિષે છે. ;)

રસ્તામાં અમને નાના બાળકોથી માંડીને દરેક ઉંમરનાં સ્ટ્રીટ મ્યુઝિશિયન જોવા મળ્યા! ઘણી બધી શેરીઓનાં ખૂણે ખાંચરે અમને કોઈને કોઈ મ્યુઝિક વગાડતું દેખાઈ જતું. તેમનાં વીડિયોઝ હું લઈ શકી હોત. પણ, એ સમયે ફોનનાં કૅમેરામાંથી એ બધું જોવા-સાંભળવા કરતા મને એ ઘડીમાં ત્યાં હાજર રહીને તેમનું સંગીત માણવાનું વધુ યોગ્ય લાગ્યું એટલે વીડિયોઝને મારી ગોળી અને યાદ માટે અને આ બ્લૉગ પર શેર કરવા માટે તેમનાં થોડાં સ્ટિલ ફોટોગ્રાફ્સ લઈને સંતોષ માન્યો.

કોઈ ખાસ એજન્ડા તો હતો નહીં એટલે ઈચ્છા પડે તે દિશામાં ફરતા રહ્યા. આટલું કરતા ભૂખ લાગી એટલે એક નાનકડાં ક્યૂટ કૅફેમાં જઈને અમે ન્યુ ઓર્લીન્સની પ્રખ્યાત બેકરી આઇટમ – ‘બૅન્યે’ (Beignet) ની મજા માણી અને લાઇવ મ્યુઝિક તો ત્યાં પણ ચાલુ જ હતું. ત્યારે થયું કે, ‘મિડનાઇટ ઈન પૅરિસ’ની જેમ ‘મિડનાઇટ ઇન ન્યુ ઓર્લીન્સ’ પણ બનવું જોઈએ, આ શહેર તેટલું ચાર્મિંગ છે!

એ સિવાય અમે એક-બે નાની આર્ટ ગૅલેરીઝમાં પણ લટાર મારી. અમારાં એરબીએનબીમાં સુંદર લખાણવાળું એક પેપર પડ્યું હતું. એ જ અમને ત્યાંની એક આર્ટ ગૅલેરીમાં પણ જોવા મળ્યું ત્યારે ફેવરિટ સ્કુલ ટીચર અચાનક મેળામાં દેખાઈ જાય તેવું કુતુહલ અમને થયું હતું અને અંદર જઈને ખબર પડી કે, આ નોટ જેણે લખેલી છે તે ક્રિસ રૉબર્ટ્સ – એન્ટીઓની જ એ આર્ટ ગૅલેરી હતી, જ્યાં અમે ઊભા હતા!

એ સિવાય આસપાસની સુંદરતાનો પણ પાર નહોતો.

એ રાત્રે ડિનર માટે અમને એક મસ્ત આફ્રિકન રેસ્ટ્રોં મળ્યું હતું. ન્યુ ઓર્લીન્સમાં બ્લૅક લોકોની વસ્તી વધારે હોવાનાં કારણે તેમની સંસ્કૃતિ ફક્ત ફ્રેન્ચ કે સ્પૅનિશ કોલોનીથી પ્રભાવિત નથી પણ, આફ્રિકન સંસ્કૃતિનાં અમુક તત્ત્વો પણ તેમાં ભળી ગયાં છે. એટલે આફ્રિકન ફૂડ ટ્રાય કરવા માટે હું તત્પર હતી!

ગામ્બિયા અને કેમરુનની અમુક ટ્રેડિશનલ રેસિપીઝ અમને આ રેસ્ટ્રોંમાં માણવા મળી. તેમનું ડેકોર પણ મસ્ત રંગબેરંગી હતું!

ડિનર પછી જાણે આખા દિવસની રખડપટ્ટીનો થાક અમને અચાનક એકસાથે લાગી ગયો. જો કે, અમે નસીબદાર હતા કે, અમારું એરબીએનબી ત્યાંથી પાંચેક મિનિટની દૂરી પર જ હતું.

પછીનાં દિવસે મોડી બપોરે અમારી ફ્લાઇટ હતી અને મારે અને સૅમને બંનેને એ દિવસે કામ ચાલુ હતું. રાત્રે બધો સામાન પૅક કરીને સવારે નાહીને તરત ચેક-આઉટ કરવાનું રહે તેવો અમારો પ્લાન હતો. કામ કરવા માટે અમારે વાઇ-ફાઇવાળું કોઈ કૅફે શોધવાનું હતું. મારે કશેક આસપાસ જ રહેવું હતું જેથી આવવા-જવામાં સમય ઓછો વેડફાય. પણ, સૅમનો પ્લાન કૈંક બીજો હતો. તેણે તો ઊબર ઓર્ડર કરી! પહેલા તો મને થયું આ કેમ આવા કામ કરે છે?! પણ, કૅફે પહોંચ્યા ત્યારે સમજાયું કે, તેનો ગ્રાન્ડ પ્લાન એ હતો કે, આગલા દિવસે આર્ટ-વૉક દરમિયાન મારાં ધ્યાનમાં એક આઉટડોર સીટિંગવાળું એક કૅફે આવ્યું હતું જેની દીવાલો પર મ્યુરલ્સ જ મ્યુરલ્સ બનેલા હતાં! પણ, તે અમારી ટૂઅરનાં એજન્ડામાં એ નહોતું એટલે અમે ત્યાં રોકાઈ નહોતા શક્યા. સૅમ અને હું ફરી ત્યાં આવી પહોંચ્યા હતા! ત્યાં બેસીને કામ કરવાનાં વિચારે જ મને ખુશ કરી દીધી.

પણ, ખુશી લાંબી ટકી નહીં. આઉટડોર કૅફે હોવાનો એક મતલબ એ પણ થાય કે, ત્યાં સિગરેટ સ્મોક કરી શકાય! અમે બેઠા તેની દસેક મિનિટમાં જ એક ભાઈ ત્યાં આવીને ફૂંકવા લાગ્યા અને અમારે ઊઠી જવું પડ્યું. પછી થોડી વાર અમે એ કૅફેમાં અંદર બેઠા.

અંદરની જગ્યા થોડી નાની હતી એટલે અમે થોડી વારમાં જ કંટાળી ગયા અને ફ્રેન્ચ કવૉર્ટર્સ પાછા ફર્યા. સામે જ બરાબર સેઇન્ટ લુઈસ કથીડ્રલ હતું, જે અમારે પરેડવાળાં દિવસે અંદરથી જોવાનું બાકી રહી ગયું હતું. લંચ ટાઇમ લગભગ થઇ જ ગયો હતો અને અમે થોડી વાર રખડી શકીએ તેમ હતા એટલે અમે કથીડ્રલમાં અંદર ગયા. હજુ અમે જોતા જ હતા કે, ત્યાં એક પાદરી આવીને અમારી સાથે વાતો કરવા લાગ્યો અને તેમનું ચર્ચ કેટલું સારું છે એ વિષે અમને કહેવા લાગ્યો. અમે પૂછ્યું, હરિકેન કૅટરીના વખતે પણ ચર્ચે લોકોની મદદ કરી હતી કે? પછી તેણે ગોળ ગોળ જવાબ આપ્યા અને સમજી ગયો કે, અહીં બહુ લપ કરવા જેવી નથી. ધાર્મિક સ્થળોમાં અમારો રસ તેમનાં આર્કિટેક્ચર પૂરતો સીમિત છે અને તે દૃષ્ટિએ આ ચર્ચ ખરેખર સુંદર હતું.

ત્યાર પછી સૅમને ફરી ગમ્બો ખાવાની ઈચ્છા થઇ એટલે અમે એક રેસ્ટ્રોં શોધ્યું જે વેજિટેરિયન ગમ્બો વેંચતું હતું. જો કે, એ ગમ્બોનો સ્વાદ અને ત્યાર પછીનું બધું જ મારી મેમરીમાં એકદમ ધૂંધળું છે. અમારો ગમ્બો હજુ આવ્યો પણ નહોતો કે, કામ ઉપરથી મને એક ઇમર્જન્સી મૅસેજ આવ્યો. એ કટોકટીનો ઉકેલ લાવવામાં મારી બાકીની બે-ત્રણ કલાક નીકળી ગઈ અને સૅમે રખડવાનું ચાલુ રાખ્યું. મોડી બપોરે અમારાં એરબીએનબીની લૉબીમાંથી અમે અમારો સામાન ઉઠાવ્યો અને ઍરપોર્ટ માટે રવાના થયા.


જે નોકરીનાં ચક્કરમાં મેં ન્યુ ઓર્લીન્સમાં રખડવાનાં અમુક કલાકો ગુમાવ્યાં હતાં, તે નોકરી તો ત્યાર પછી બે મહિના માંડ રહી જયારે, કદાચ રખડવાની મજા જીવનભર રહી હોત. પણ, પછી એમ થાય છે કે, કામચોરી કર્યા જેવી લાગણી પણ ન જ ગમી હોત એટલે સારું થયું કે, કરી લીધું. ખેર, કર્મ કરવું, ફળની ઈચ્છા ન કરવી વગેરે વગેરે …

ન્યુ ઓર્લીન્સ – બે વધુ બૅન્કઝી મ્યુરલ્સ!

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

ન્યુ ઓર્લીન્સમાં આ દિવસ અમારો છેલ્લો આખો દિવસ હતો. એ સવારે છ પાર્થની ફલાઇટ ટેક ઑફ કરવાની હતી પણ, ઘેરાં વાદળ અને વરસાદનાં કારણે મોડી પડી હતી અને તેનો નવો સમય બદલાઈને આઠ વાગ્યાનો થયો હતો. સૅમ પાર્થને એરપોર્ટ ડ્રૉપ કરીને થોડો સમય ઊંઘ્યો પણ, ભાઈની ફલાઇટ ડીલે થયેલી ફ્લાઇટનું શું થયું એ જાણવા માટે તે વચ્ચે વચ્ચે ઊઠતો રહ્યો હતો. સવારે આઠ વાગ્યે મારી આંખ ખુલી ત્યારે એ જાગતો હતો અને થોડો ચિંતિત પણ લાગતો હતો. પાર્થની ફલાઇટ બે વખત મોડી થયાની વાત તેણે મને કરી. આઠ વાગ્યે પણ તેની ફલાઇટ ઉડી નહોતી અને ક્યારે એ ન્યુ ઓર્લીન્સથી ન્યુ યૉર્ક પહોંચશે તેની કોઈને ખબર નહોતી. ન્યુ યૉર્કથી મુંબઈની તેની કનેક્ટિંગ ફલાઇટ 3 કલાકમાં નીકળતી હતી. તેમાંથી બે કલાક તો વહી ચૂકી હતી અને પછીની એક કલાકમાં પણ કોઈ પણ ફલાઇટનાં ન્યુ ઓર્લીન્સથી નીકળવાનાં કોઈ જ અણસાર લાગતા નહોતા. મુંબઈ લૅન્ડ થઈને ત્યાં તેને ઘણાં બધાં કામ પણ હતાં અને બધું જ ડખે ચડી ગયું હતું. લગભગ દસેક વાગ્યા સુધી સૅમ તેની સાથે વાત કરતો જાગતો રહ્યો અને મેં થોડી વધુ ઊંઘ ખેંચવાનો પ્રયત્ન કર્યો. સાડા દસ આસપાસ આકાશ સ્વચ્છ થઇ ગયું હતું અને ફલાઇટ્સ ઉડવા લાગી હતી. પાર્થની નવી ફ્લાઇટ બપોરે એક વાગ્યે ઉડવાની હતી. ત્રણ કલાકમાં હવામાનમાં અચાનક ફેરફાર થાય તેવું તો અમને લાગતું નહોતું એટલે બધાને પેલી એક વાગ્યાની ફલાઇટ ઉડશે તેવી ખાતરી હતી. તેની બાકી કનેક્ટિંગ ફલાઇટ પણ તેની ઑફિસનાં ટ્રાવેલ એજન્ટ્સે ગોઠવી આપી હતી.

બધું ઠેકાણે પડ્યા પછી સૅમને ઊંઘી જવું હતું. પણ, તેણે કાર પાર્કિંગનાં કૈંક લોચા કર્યા હતા અને કૈંક અમુક જ કલાકોની છૂટવાળી જગ્યામાં પાર્કિંગ કર્યું હતું એટલે તેને એક વાગ્યે ઊઠી જવું પડ્યું. કાર પાછી રેન્ટલ ઑફિસે પાછી પણ પહોંચાડવાની હતી એટલે, એક વાગ્યે ઊઠીને અમે તૈયાર થઈને જ બહાર નીકળ્યા. સૌથી પહેલા તો પેટ્રોલ સ્ટેશન શોધવાની બબાલ થઈ. ગૂગલ મૅપ્સ પર એક લોકેશન માર્ક કરેલું હતું પણ, ત્યાં કશું જ નહોતું. એટલે ત્યાંથી નજીકનું બીજું કોઈ સ્ટેશન અમે શોધ્યું જે કૅશ-ઓન્લી હતું અને એકદમ વિચિત્ર નાની દુકાન જેવું લાગતું હતું. પેટ્રોલ ભરાવીને સૅમે કાર રેન્ટલ ઑફિસનું લોકેશન મને કહ્યું. તેમાં પણ ફરી ગૂગલ મૅપ્સનાં લોચા થયા. મૅપ્સ અમને એવી જગ્યાએ વળવાનું કહી રહ્યો હતો જ્યાં કોઈ રસ્તો જ નહોતો. અંતે એકાદ બે ચક્કર મારીને અમે કાર રેન્ટલ ઑફિસ પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો સમજાયું કે, ત્યાં તેમનું પોતાનું પેટ્રોલ પમ્પ છે!!! સાન ફ્રાન્સિસ્કો કે સિઍટલ કે ન્યુ યોર્ક નહોતું આ કે, ખોબલા જેવડી કાર રેન્ટલ ઑફિસ ને ખોબલા જેવડું પાર્કિંગ હોય. અહીં તો ભાઈ રેન્ટલ ઑફિસ પોતાનો એક નાનો પેટ્રોલ પમ્પ રાખી શકે તેટલી જગ્યા હતી તેમની પાસે, એ પણ શહેરનાં મધ્યમાં!

બધી ફોર્માલિટી પતાવીને જીવનનાં એ જ સળગતા પ્રશ્ન પર અમે ફરી આવી પહોંચ્યા. શું ખાશું અને પછી શું કરશું? મારી પાસે જવાબ તૈયાર હતો. આગલી રાત્રે અમે એક વેગન રેસ્ટ્રોં શોધ્યું હતું જ્યાં અમે જઈ નહોતા શક્યા, ત્યાં જઈને જમવું અને પછી આગલાં દિવસે ટાયલરે બૅન્કઝીનાં મ્યુરલ્સનાં બીજાં બે લોકેશન આપ્યાં હતાં ત્યાં જવાનું. ત્યાર પછી કેવો અને કેટલો સમય છે તેનાં આધારે આગળનો પ્લાન બનાવવાનો. સૅમને પ્લાન ગમ્યો એટલે કાર રેન્ટલ ઑફિસથી જ અમે ‘સીડ’ નામનાં એક કૅફેની વાટ પકડી.

એ કૅફેમાં અંદર જઈને સમજાયું કે, તેનું રેટિંગ આટલું હાઈ કેમ હતું!

સીડનું ડેકોર તો અફલાતૂન હતું જ, જમવાનું પણ એટલું જ સારું હતું. સર્વિસ થોડી ધીમી હતી પણ, ભીડ ઓછી હતી એટલે શેફ પોતે અમારી બધી જ ડિશિઝ લઈને બહાર આવતો હતો. અમે ત્યાં ન્યુ ઓર્લીન્સની બે ક્રેઓલ સ્પેશ્યલ્ટી – ગમ્બો અને પૉબોય મંગાવ્યાં હતાં. ત્યાં મંગાવવાનું એક કારણ એ પણ હતું કે, આ બંને વાનગીઓ સી-ફૂડની વાનગીઓ છે અને ન્યુ ઓર્લીન્સમાં તેનું વેજિટેરિયન વર્ઝન મળવું અમને થોડું મુશ્કેલ લાગ્યું એટલે દેખાયું તેવું તરત અમે મંગાવી જ લીધું! ગમ્બો મસ્ત હતું, પોબોય ઠીક ઠીક હતું. પોબોય સેન્ડવિચ જેવું હતું પણ, તેમની બ્રેડ થોડી ચવળ હતી એટલે તેમાં બહુ મજા ન આવી. આ વેગનનાં ચક્કરમાં અમને યાદ ન રહ્યું કે, લાટે કે કૅપ્યુચીનોમાં એ લોકો દૂધ નહીં નાંખે! એ દિવસે સૅમને લાટે પીવાનું બહુ મન હતું એટલે તેણે હરખ-હરખમાં મંગાવી તો ખરી પણ, ત્યાં સામો સવાલ આવ્યો – કૉફીમાં સોય મિલ્ક, આલ્મન્ડ મિલ્ક કે ઓટ મિલ્ક? આ સવાલ પર સૅમનું મોં જોવા જેવું થઈ ગયું હતું. સર્વરે કહ્યું કે, દૂધની નજીકમાં નજીક આલ્મન્ડ મિલ્ક આવશે એટલે તેણે તેનો ઓર્ડર આપ્યો. અધૂરામાં પૂરું સર્વિંગમાં પણ ગોટાળો થયો હતો. એ લોકો અમારો કૉફનો ઓર્ડર ભૂલી ગયા હતા એટલે એ આવી પણ જમવાનું પતી ગયા પછી. આવી એટલે પીવાઈ ગઈ, બાકી બહુ મજા ન આવી. જો કે, પોતાની ગડબડ બદલ એ લોકોએ બિલમાંથી કૉફી હટાવી દીધી હતી.

બાય ધ વે, મારી પાસે ફૂડ ફોટોઝ તો લગભગ ક્યારેય હોતાં જ નથી કારણ કે, હું ટ્રાવેલિંગ વખતે ગમે તે રેસ્ટ્રોંમાં જાઉં, ખૂબ ભૂખી તરસી જ જતી હોઉં છું એટલે જમવાનું આવે ત્યારે તરત તેનાં પર તૂટી પાડવાનું જ મન થતું હોય છે અને ફોટો લેવાનો વિચાર પણ આવતો નથી હોતો. એટલે વખાણ કરું ત્યારે નછૂટકે,મારા પર ભરોસો રાખીને તમારે માની જ લેવું પડશે કે, ખાવા/પીવાનું ખૂબ સરસ હતું.

બૅન્કઝીનું બીજું ઈન્સ્ટોલેશન સીડ રેસ્ટ્રોંથી ચાલતા દસેક મિનિટની દૂરી પર જ હતું અને અમે સીડથી સીધા ત્યાં જ જવાનાં હતા. પણ, સીડની બરાબર સામે સૅમને એક ઑર્ગેનિક જ્યૂસ અને સ્મૂધીની દુકાન દેખાઈ, જેનું નામ હતું ‘ધ ગ્રીન ફૉર્ક’.

તે બહારથી બહુ ક્યૂટ દેખાતી હતી એટલે અમે ત્યાં પણ એક સ્ટૉપ કર્યું. એ દુકાન પણ દેખાવમાં જેટલી સુંદર હતી તેટલાં જ સરસ ત્યાંનાં જ્યૂસ અને સ્મૂધી પણ હતાં! જો કે, બહુ સાંકડી જગ્યામાં હતી એટલે ત્યાંથી બહાર નીકળીને અમારાં નેક્સ્ટ બૅન્કઝી ઈન્સ્ટોલેશન તરફ ચાલતા અમે સ્મૂધી પીતા રહ્યા. વરસાદનાં છાંટા શરુ થઈ ગયા હતા અને મને પલળવાની થોડી બીક લાગી પણ, નસીબજોગે વરસાદ ન આવ્યો.

જેની શોધમાં નીકળ્યા હતા તે બૅન્કઝી ઇન્સ્ટોલેશન અમને એક અવાવરુ, નાની શેરીમાં એક દુકાનની દીવાલ પર મળ્યું. ત્યાં અમારા સિવાય બીજું કોઈ એ જોવા આવેલું નહોતું. આ ઇન્સ્ટોલેશનમાં દર્શાવાયેલો માણસ ગ્રાફિટી/મ્યુરલ પર પેઇન્ટ કરીને તેને હટાવી રહ્યો છે. આ મ્યુરલ અને ગ્રફીટી હટાવવાનું કામ ખરેખર બહુ થતું હોય છે કારણ કે, અન્ય લોકોની માલિકીની કે, સરકારી માલિકીની દીવાલો પર સ્ટ્રીટ આર્ટ બનાવવું દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં ગેરકાનૂની છે. સાત સારું હોય તોયે આવી દીવાલો પર થયેલું કામ લોકલ ગવર્મેન્ટ હાલતા ને ચાલતા હટાવડાવી દેતી હોય છે. બૅન્કઝીનું મ્યુરલ આ વાસ્તવિકતા પર તેની સૅટાયરિકલ(કટાક્ષપૂર્ણ) કૉમેન્ટેરી છે.

આગળ જણાવ્યું તેમ, શેરી નાનકડી અને અવાવરુ હતી એટલે સૅમને થોડો ડર લાગ્યો અને અમે પાંચ જ મિનિટમાં ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછીનું ત્રીજું અને બૅન્કઝીએ 2008માં ન્યુ ઓર્લીન્સમાં બનાવેલાં 11 મ્યુરલ્સમાંનું છેલ્લું, કોઈ ‘ઇન્ટરનેશનલ હાઉઝ હોટેલ’ નામની હોટેલની લૉબીમાં હતું. ત્યાં સુધી ચાલીને જઈ શકાય તેમ નહોતું એટલે ત્યાં પહોંચવા માટે અમે ઉબર ઓર્ડર કરી. ત્યાં ટ્રાફિક ખૂબ હોવાને કારણે અમારી વીસેક મિનિટ ઊબરની રાહ જોવામાં વેડફાઈ. પણ, અંતે બંદી પહોંચી ખરી અને અમને હોટેલ પહોંચાડ્યા પણ ખરા!

ખૂબ ઊંચી છતવાળી, ક્લાસિક આર્કિટેક્ચરવાળી, વિશાળ લૉબીનાં પાછલા ખૂણાંમાં દસ બાય દસ ફુટનો સવા સાતસો કિલોનો દીવાલનો એક મોટો ટુકડો (ટુકડો શું, દીવાલ જ ગણી લો) ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યો છે! કોઈ મ્યુઝિયમમાં રાખેલાં આર્ટવર્કની જેમ અહીં પણ તેને વ્યવસ્થિત લાઇટિંગ આપવામાં આવ્યું છે અને દીવાલથી અમુક અંતરે દૂર ઊભા રહીને જ એ મ્યુરલ જોવાની છૂટ છે. બૅન્કઝીનાં અમ્બ્રેલા ગર્લ વાળાં મ્યુરલની જેમ આ મ્યુરલમાં પણ હરિકેન કૅટરીનાની જ વાત છે. અહીં કટાક્ષ છે અમૅરિકન આર્મી પર જે, આવી હતી તો હરિકેન પછી ન્યુ ઓર્લીન્સનાં લોકોની મદદ કરવા માટે પણ, સાથે સાથે સ્થાનિક લોકોની અમુક મૂલ્યવાન વસ્તુઓ પણ લૂંટી ગઈ. :( એટલે જ આ મ્યુરલનું નામ પણ છે ‘ધ લૂટર્સ’. (બાય ધ વે, ‘લૂટ’ શબ્દ અંગ્રેજોએ આપણાં દેશમાં જ લૂંટફાટ કરતી વખતે શીખ્યો છે.)

મ્યુરલની બરાબર પાસે એક નાનકડો રુમ છે જેમાં બૅન્કઝીએ લખેલું અને બૅન્કઝી વિષે લખાયેલું ઘણું બધું રાખવામાં આવ્યું છે. એ રુમ અને તેની અંદરની ચીજ વસ્તુઓની વાત હું એક સ્પેશિયલ પોસ્ટ માટે બચાવી રાખવા માંગુ છું, સિવાય એક ફોટો. નીચેનો ફોટોમાં તમે જોઈ શકશો આ મ્યુરલને મિટાવવા માટે તેનાં પર કરવામાં આવેલાં આડાં-અવળાં સ્પ્રે પેઇન્ટ (જેની વાત બૅન્કઝીનું ઉપરનું મ્યુરલ જ કરે છે!), તેને હટાવીને મ્યુરલનું રિસ્ટોરેશન, એ જે દીવાલ પર હતું તે વેરહાઉઝ જયારે પાડી નાંખવામાં આવ્યું હતું ત્યારે આ મ્યુરલવાળાં 10×10નાં કટકાની કોતરણી અને હોટેલ સુધી તેને પહોંચાડવાની જહેમત! આ બધું કામ સ્વખર્ચે શૉન કમિન્ગ્સ નામનાં એક માણસે કરેલું છે. શૉન પોતે જ ઇન્ટરનૅશનલ હાઉઝ હોટેલનો માલિક પણ છે. :)

સામાન્ય આર્ટનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન પણ બહુ અઘરું છે, સ્ટ્રીટ આર્ટનું તો લોઢાનાં ચાણા ચાવવા જેવું છે. પણ, મારા-તમારા જેવા સામાન્ય પ્રેક્ષકો નસીબદાર છે કે, શૉન જેવા માણસો રસ લઈને, સ્વપ્રયત્ને, સ્વખર્ચે પણ આવું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનનું કામ કરે છે ત્યારે આપણને આવું આર્ટ વિના ખર્ચે જોવા અને માણવા મળે છે!