તે દિવસે માર્ડી ગ્રાની મજા માણ્યા પછી આગળ શું કરવું, એ અમને સૂઝતું નહોતું. રાત્રે અમે પછીની સવારનો માટે પ્લાન બનાવતા હતા તો સૅમ કહે, “ચાલો કાલે કાર રેન્ટ કરીએ અને કોઈ સ્વૉમ્પની ટૂઅર પર જઈએ.” હું ચમકી “સ્વૉમ્પ એટલે કીચડવાળું સ્વૉમ્પ?” તો એ કહે “હા”. “ત્યાં જઈને શું કરવાનું?” “ત્યાં મસ્ત મોટાં મગર હશે.” કપાળ પર હાથ મૂકીને મેં કહ્યું “તમે લોકો જતા આવો. હું અહીં શહેરમાં ફરીશ.” તો જવાબ આવ્યો ચાલ ને, મજા આવશે, કૈં નહીં થાય, આમ, તેમ … મેં કહ્યું “કૈં નહીં થાય એ ખબર છે. પણ, મજા તો નહીં જ આવે. ઍટ લીસ્ટ મને તો નહીં જ આવે. તમે લોકો જતા આવો.” થોડી વાર શોધખોળ કરીને સૅમને એક ઍરબીએનબી એક્સપીરિયન્સ મળ્યો – ન્યુ ઓર્લીન્સની સ્ટ્રીટ-આર્ટ ટૂઅર. મને એ ન સમજાયું કે, એ અમે જાતે કેમ નથી જોઈ લેતા અને એ માટે ટૂઅર કેમ લઈએ છીએ પણ, મેં હા પાડી દીધી કારણ કે, મને સ્વૉમ્પ સિવાયનું કૈં પણ મંજૂર હતું. પાર્થ તો બિચારો કૈં પણ પૂછીએ તો હા જ પાડતો હતો એટલે આર્ટ વૉક ફાઈનલ થઇ ગયું.
રોજની જેમ એ દિવસે પણ પહેલા અમે બ્રેકફસ્ટ માટે જવાનાં હતા અને એ દિવસે પણ જગ્યા સૅમે જ શોધી હતી એટલે તેની પાછળ અમે ચાલવા લાગ્યા. લગભગ પંદર મિનિટ ચાલવાનું હતું અને પાંચેક મિનિટમાં તો અમે જાણે કોઈ નવાં જ શહેરમાં પહોંચી ગયા! અમે ચાલતા હતા એ રસ્તાની હાલત આપણાં ગામડાંનાં રસ્તાઓની હાલત કરતા પણ કથળેલી હતી. ખાડાં અને ખાબોચિયાંનાં પાર નહીં અને ફૂટપાથ વાંકી ચૂંકી થઇ ગઈ હતી એટલે ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડતું. ઘરોની હાલત એવી રેઢિયાળ કે, રંગ તો ઝાંખાં પડી જ ગયાં હતાં અને ઘણી જગ્યાએથી રંગની પોપડી પણ ઊખડી ગયેલી હતી. ‘જૂનાં’ અને ‘ઐતિહાસિક’ વચ્ચેનો ભેદ બરાબર દેખાઈ આવતો હતો. ફ્રેન્ચ કવાર્ટરનાં મકાનો ઐતિહાસિક હતાં, આ નવી જગ્યાનાં જૂનાં (અને ખખડી ગયેલાં) હતાં. આગલાં દિવસે પરેડમાં અમે જે ગરીબી લોકોનાં વસ્ત્રો અને રીતભાતમાં અલપ-ઝલપ જોઈ હતી તે, આ આખાં વિસ્તારનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેલાઈ ગઈ હતી. એ ઉપરાંત આખાં રસ્તે, દર બીજાં ચોક પર પુલિસ કૅમેરા લગાવેલાં હતાં! મેં પહેલા ક્યારેય અમૅરિકાનાં કોઈ જ બીજાં શહેરમાં આટલું સર્વેલન્સ જોયું નહોતું! મારે તેનાં ફોટોઝ લેવાં હતાં પણ, બધા ભૂખ્યા હતા અને સૅમને આર્ટ ટૂઅરમાં મોડું થવાનો ડર હતો એટલે હું ફોટોઝ લેવા રોકાઈ નહીં અને અમે ચાલતા રહ્યા.
કૅફેવાળાં ચોકથી એરિયા ફરી થોડો સુધર્યો હતો અને કૅફેનું ડેકોર ક્યૂટ હતું એટલે અમે અંદર કાઉન્ટર પર ફટાફટ ઑર્ડર દઈને બહાર ખૂલ્લામાં બેઠાં. ઑર્ડર તૈયાર થાય તેની રાહ જોવાની જ હતી એટલે તેટલાં સમયમાં ફોટોઝ લેવા માટે હું દોડી ગઈ. બધાં તો ન ખેંચી શકી પણ, એક-બેનો મેળ પડી ગયો.


ફ્રેન્ચ કવાર્ટરની સીમા અને આ જગ્યા વચ્ચે ફક્ત એક મોટો રોડ ઓળંગવા જેટલું જ અંતર હતું છતાં સાવ અલગ દુનિયામાં પહોંચી ગયાની લાગણી થતી હતી. એ વિષે અમે વાત કરવાની શરુ જ કરી હતી કે, જમવાનું આવી ગયું એટલે ફટાફટ ખાઈને અમે સીધા જ આર્ટ ટૂઅર તરફ દોડી ગયા. અમારે એક માર્કેટની બહાર એકઠા થવાનું હતું. ચાર લોકોનું એક ગ્રૂપ નહોતું આવ્યું. અમે દસેક મિનિટ રાહ જોઈ તોયે તેમનો કોઈ પતો નહોતો. છેલ્લે બિચારો અમારો ટૂઅર ગાઇડ પણ કંટાળ્યો અને અમને કહ્યું કે, પછીની પાંચ મિનિટમાં જો એ લોકો ન આવે તો એ ટૂઅર શરુ કરી દેશે. અમે ત્યાંથી નીકળતા જ હતા ત્યાં બરાબર તે લોકો આવ્યા. મૅકડોનાલ્ડ્સથી ખાવા-પીવાનું લેવાનાં ચક્કરમાં એ પંદર મિનિટ મોડા હતા! બધાએ હસીન તેમનાં મોડા હોવા પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો અને ટૂઅરની શરુઆત થઇ.

આ મ્યુરલથી અમે અમારી ટુઅરની શરૂઆત કરી હતી અને અમારા ગાઈડ – ટાઇલરે અમને તે વિષે બહુ મસ્ત માહિતી આપી. આ જુલ્સ મક (શેરીનું નામ ‘મકરોક’) નામની એક કલાકારે બનાવેલું છે. આ ટ્રંપેટનાં હોર્નનું કદ મારાં મોં કરતાં પણ મોટું હશે તેવડું મોટું આ આખું મ્યુરલ છે! મક મૂળ લૉસ એન્જેલસની છે પણ, મ્યુરલ્સ બનાવવા માટે તેને દુનિયામાં જ્યાં કમિશન મળે, ત્યાં જાય છે. ન્યુ ઓર્લીન્સમાં તેણે ઘણાં મ્યુરલ્સ દોર્યાં છે અને ત્યાંનાં વિવાદાસ્પદ કલાકારોમાં તેનું નામ આવે છે. તેણે અમુક એવાં મ્યુરલ એવી રીતે બનાવ્યાં છે, જેનું સમર્થન ન જ કરી શકાય. જેમ કે, બે-ત્રણ વર્ષ પહેલા તેણે અમેરિકાનાં એક કુખ્યાત ક્રિમીનલ અને કલ્ટ લીડર – ચાર્લ્સ મેન્સનનું એક મ્યુરલ બનાવ્યું હતું. જેમણે આ મ્યુરલ જોયું હતું તેમણે આ ક્રિમીનલને પોતાનાં મ્યુરલ દ્વારા હીરો તરીકે પ્રસ્થાપિત કરવા બાબતે મકની ટીકા કરી હતી પણ, તેનું કહેવું એમ હતું કે, આ મ્યુરલ બનાવવા પાછળ તેનો આશય ચાર્લ્સની ટીકા કરવાનો હતો!
હવે હું તમને કહું બીજી એક રસપ્રદ વાત. મારાં ફેવરિટ ડિરેક્ટર્સમાંનાં એક – કવિંટિન ટેરેંટીનોની એક ફિલ્મ ગયા વર્ષે આવેલી, જેનું નામ છે ‘વન્સ અપોન અ ટાઇમ ઇન હોલીવૂડ’. આ ફિલ્મ પણ મેન્સનનાં કલ્ટ – ‘ફેમિલી ઓફ મેન્સન’એ કરેલાં એક ખૂન પર આધારિત છે. ૨૦૧૭માં મેન્સનનું મૃત્યુ થયું તે ઘટનાનું ન્યૂઝ મીડિયામાં એટલું કવરેજ થયું હતું કે, વર્ષોથી ભૂલાઈ ગયેલો મેન્સ ન અચાનક જનમાનસમાં પાછો આવી ગયો અને અનેક કલાકારોને પોતપોતાની કળામાં અલગ અલગ રીતે મેન્સનને સ્થાન આપ્યું કદાચ. મકનું શું હશે એ તો એ જ જાણે. પણ, મને એટલી ખબર છે કે આ ફોટો વાળું મયુરલ તો મસ્ત છે!
ત્યાંથી અમે ફરી પાછા માર્કેટ પાસે ગયા. ટૂઅર શરુ થયા પહેલા કાફૅથી માર્કેટ સુધી અમે ચાલીને જતા હતા ત્યારે એક વિશાળકાય મ્યુરલ પર મારું ધ્યાન ગયું હતું તેનાં વિષે અમારા ગાઇડે અમને માહિતી આપી અને તેની બરાબર પાસે બીજું એક એક મ્યુરલ હતું, જેનાં પર બિલકુલ ધ્યાન નહોતું ગયું, તે બતાવ્યું.

બે લાંબી, ઊંચી દીવાલોને ઘેરતું આ મ્યુરલ ચાર કલાકારોએ સાથે મળીને બનાવ્યું છે – મુખ્ય સૂત્રધાર હતા હેન્રી લિપકિસ અને પાછળથી અન્ય ત્રણ કલાકારો આ કામમાં જોડાયા હતા. તેમાં ન્યુ ઓર્લીન્સનાં પ્રૉમિનન્ટ આફ્રિકન અમૅરિકન સંગીતકાર, કલાકાર, સમાજ-સેવકો, ક્લબ્સ અને સામાન્ય લોકોનાં પોર્ટ્રેઇટ ઉમેરવામાં આવ્યાં છે.
ગાઇડે અમને જણાવ્યું હતું કે,આ મ્યુરલ એ દીવાલનાં માલિક અને/અથવા શહેરની પરવાનગી લઈને બનાવવામાં નહોતું આવ્યું અને એ દીવાલોને પાડી નાંખવાની વાત ચાલતી હતી એટલે તે આજે પણ ત્યાં હશે કે નહીં એ ખબર નથી. તે બનાવવામાં 6 મહિનાનું રિસર્ચ અને પોણા ચારસો લિટર પેઇન્ટ લાગ્યાં હતાં!! તેની બરાબર પાસે એક વૅરહાઉઝની દીવાલ પર આ પૅલિકનવાળું મ્યુરલ આવેલું છે, તે પણ હવે હોય કે નહીં એ ખબર નથી.

પછી અમે પહોંચ્યા પાછળની એક નાની ગલીમાં અને ટાઇલરે આ કૂલ ઢાંકણાંઓ તરફ અમારું ધ્યાન દોર્યું! લ’લૂના (leluna) નામનો એક કલાકાર આખા શહેરમાં ઠેર-ઠેર ઢાંકણાં પેઇન્ટ કરીને તેનાં પર આવાં મોટિવેશનલ ક્વોટ્સ લખે છે બોલો! છે ને મસ્ત? અમારા ટૂઅર ગાઈડે અમને દેખાડ્યું ન હોત તો અમે કદાચ તેનાં પર બહુ ધ્યાન પણ દેત. :)
Give me flowers while I can smell them અને તેની બાજુનું મ્યુરલ – ઝૂલૂ પેઈન્ટરનું ‘Sprinkle’ the spread love diety એટલાં મોટાં છે કે, રસ્તાની પેલે પારથી લીધો છે એટલે જ તેનો આખો ફોટો ખેંચી શકાયો છે. બાકી તેની બીજી લીલી પાંદડી સુધી પણ હું ન પહોંચી શકું તેટલી તેની હાઈટ છે!
જે મેક્કે નામનાં કલાકારે ‘નોલા મ્યુરલ પ્રોજેક્ટ’ની મદદથી બનાવેલું પેલાં સૂર્યમુખીવાળું મ્યુરલ એક બહુ જ અગત્યની સોશીયલ કૉમેન્ટરી છે. અમેરિકામાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં આફ્રિકન અમેરિકન (કાળા) યુવાનો અને બાળકો ગન વાયલન્સમાં માર્યા જાય છે તે પરિસ્થિતિની વાત આ આર્ટવર્ક માં છે. ફૂલોનો ગુલદસ્તો લઇને ઊભેલો છોકરો કોઈની કબર પર ફૂલ અર્પણ કરતો હોય તે ભાવ પણ અહીં દ્રશ્યમાન છે.
આ હિંસા પાછળ ઘણાં કારણો છે. તેમાં નું મુખ્ય કારણ એ છે કે, અમેરિકાની કુખ્યાત ગન લોબીઝ કોઈ વ્યવસ્થિત ગન-કંટ્રોલનો કાયદો પસાર થવા દેતી નથી અને વોલમાર્ટ જેવાં પ્રોવિઝન સ્ટોર પર કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાનું આઇડી દેખાડીને બંદૂકો ખરીદી શકે તેટલી ખરાબ હાલત છે. બંદૂકો સહેલાઈથી પ્રાપ્ય હોવાનાં કારણે હાલતા ‘ને ચાલતા ત્યાંની સ્કૂલોમાં માસ શૂટિંગ થાય છે જેનો ભોગ નિર્દોષ બાળકો બને છે. આ ઉપરાંત ત્યાંનાં જનમાનસમાં વણભૂસાયેલી રંગભેદની નીતિનાં કારણે પુલીસ વાયલન્સમાં કાળાં લોકો સૌથી વધુ પ્રમાણમાં માર્યા જાય છે.
તાજેતરમાં બહુચર્ચિત પેલું જ્યોર્જ ફ્લોયડ અને બ્રિઓના ટેલરનું પુલિસ હિંસાને કારણે થયેલું મૃત્યુ પણ આ જ પ્રોબ્લેમનો ભાગ છે, જેની વાત જે મેક્કેનાં આ મ્યુરલમાં થઈ રહી છે. આ ભેદભાવ વિરુદ્ધ મોટાં પાયાનાં દેખાવ તો તાજેતરમાં થયાં છે જ્યારે, જે જેવા કલાકારો પોતાની કળા દ્વારા વર્ષોથી આ પરિસ્થિત વિશે લોકોને સભાન કરતા આવ્યા છે.
જે જેવાં અસંખ્ય કલાકારોનું આ આર્ટીસ્ટિક એક્સપ્રેશન સ્ટ્રીટ આર્ટનાં ખરા પાવરનું પણ પ્રતીક છે. જાહેરમાં, દરેકને, વિનામૂલ્યે ઉપલબ્ધ થતું આવું આર્ટ બીજું કંઈ નહીં તો આવાં અગત્યનાં મુદ્દાઓ પર એક વાતચીત તો શરૂ કરે જ છે. આ પાવર આર્ટ ગેલેરીઓમાં નથી. હું માનું છું કે, આવાં ભારે વિષયો પર ભાષણો કરતાં આવાં આર્ટની અસર પણ લોકો પર ઊંડી અને ઘેરી રહે છે.
એક પોસ્ટમાં, એક મ્યુરલનાં સંદર્ભમાં આખો સિનારિયો સમજાવી ન શકાય, આ એટલો મોટો વિષય છે. તેનાં વિશે વધુ જાણવા માંગતા લોકોએ Moonlight, Last Black Man in San Francisco, Get Out જેવી ફિલ્મો જરૂર જોવી.
ફેટ્સ ડોમીનો – અમેરિકાનો એક પ્રખ્યાત પિયાનિસ્ટ, સિંગર અને સૉન્ગ-રાઇટર હતો અને તેમની યાદમાં જૉન બુકાટીએ નીચેનું મ્યુરલ બનાવેલું.


આ પતંગિયાંવાળું મ્યુરલ શેનું હશે? તમને શું લાગે છે? આ મ્યુરલ પાસે પહોંચીને અમારા ગાઇડ ટાઇલરે અમને આવો સવાલ પૂછ્યો હતો અને કહ્યું હતું કે, જો કોઈ સાચો જવાબ આપી શકશે તો તેને એ ટ્રીટ આપશે. બે ત્રણ જણે કૈંક જવાબો આપ્યા પણ, એ સાચા જવાબથી ખાસ્સાં દૂર હતાં. મારાં મગજમાં એક વિચાર આવ્યો હતો પણ, એ વિષે હું બહુ કૉન્ફિડન્ટ નહોતી છતાં મેં હિંમત કરીને તેને કહ્યું, “આ જોઈને મને પેલું હૅનિબલ કૅનિબલવાળું ફિલ્મ યાદ આવે છે. ‘સાઇલન્સ ઑફ ધ લૅમ્બ્સ’ જેવી કૈંક ફીલિંગ આવે છે.” અને મારો જવાબ સાચાં જવાબની ખૂબ નજીક હતો! આ મ્યુરલનું નામ છે ‘મિરાન્ડા ગ્રે’. 1963માં ‘ધ કલેક્ટર’ નામની એક નવલકથા આવેલી. તે એક ‘ક્રાઇમ થ્રિલર’ હતી. આ નવલકથાએ વાચકો પર એટલી ગાઢ અસર કરી છે કે, ઇંગ્લિશ ભાષા બોલતાં દેશોમાં ઘણાં બધાં સીરીયલ કિલર્સ, કીડનેપર્સ અને મર્ડરર્સે આ નવલકથાને પોતાની ઇન્સ્પિરેશન તરીકે ગણાવી છે! આ નવલકથા પરથી પ્રેરણા લઈને ઘણાં બધાં લેખકો અને કલાકારોએ પણ ઘણું સર્જન કર્યું છે અને ‘સાઇલન્સ ઑફ ધ લૅમ્બ્સ’ પણ તેમાંનું એક છે! હું સાઇલન્સ ઑફ ધ લૅમ્બ્સ પણ વચ્ચે બે-ત્રણ વખત આંખ બંધ કર્યા વગર જોઈ નહોતી શકી તો, આ નવલકથા તો કેવીયે હશે – મને વિચાર આવી ગયો. ll great art inspires art (and even crime in this case).

I’ve got a bad case of wanderlust – સારા એરનથાલે આ મ્યુરલ મારા માટે જ બનાવ્યું છે :D .સારા હાલ ન્યુ યૉર્ક રહે છે અને પોતાનાં મ્યુરલ્સ સાથે આખી દુનિયામાં ફરે છે. પોતાનાં મ્યુરલ્સ નીચે એ દેવનાગરીમાં પોતાનું નામ સાઈન કરે છે! તેની આ આગવી શૈલી છે. ઠેક-ઠેકાણે તે આ જ સ્ટાઇલની આવી જ દેખાતી ઢીંગલી દોરે છે અને તેનાં નીચે કોઈ મૅસેજ લખે છે. નીચેનાં ફોટોને ધ્યાનથી જોશો તો દેખાશે કે, સારાએ કોઈક બીજાનાં મ્યુરલને ઊખાડીને ત્યાં પોતાનું મ્યુરલ લગાવ્યું છે. હા, ‘લગાવ્યું’ છે, ‘દોર્યું’ નથી. ઉપરનાં સારાનાં મ્યુરલ સિવાયનાં તમામ સ્પ્રે પેઇન્ટથી દીવાલ પર દોરવામાં આવ્યાં છે જ્યારે, સારાએ પોતાનાં મ્યુરલનું સ્ટેન્સિલ બનાવીને તેને દીવાલ પર ચોંટાડ્યું છે અને સફેદ રંગની પ્રકૃતિ પારદર્શક હોવાને કારણે નીચેનાં જૂનાં મ્યુરલની લાલ છાપ હજુ પણ દેખાય છે. :)
આ મ્યુરલ જોઈને ટૂઅરમાં આગળ વધતા પહેલા અમે એક નાનકડો બ્રેક લીધો હતો અને મને લાગે છે કે, આપણે પણ અહીં બ્રેક લેવો જોઈએ. આવતી પોસ્ટ માટે હજુ તો આવાં કેટલાંયે મ્યુરલ્સ અને તેમની સાથે જોડાયેલાં કિસ્સા-કહાનીઓ બાકી છે અને પેલી સ્પ્રે-પેઇન્ટ/સ્ટેન્સિલ જેવી બીજી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ડિટેઇલ્સ પણ!