મુર્શિદાબાદ – ૪

પ્રવાસ, બંગાળ, ભારત

સવારે ફરીથી એ જ હુગલી નદી કિનારે અમારા માટે બ્રેફસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગલી સાંજે કલ્ચરલ શો પહેલા મીતા નામની એક સ્ટાફ મેમ્બર સાથે થોડી વાતચીત અને દોસ્તી થઈ ગઈ હતી. બે દિવસમાં પહેલી વખત મેં મીતાને નેકલેસ પહેરીને તૈયાર થયેલી જોઈ. આટલા દિવસમાં પહેલી મીલ એવી હતી જ્યાં અમને સર્વિસ થોડી ધીમી લાગી. થોડી વાર રહીને આ બંને વાતોનું કનેક્શન સમજાયું. એક લાંબી, સુંદર બોટ તરતી આવી અને હવેલીનાં કિનારે આવીને ઊભી રહી. તેમાંથી લગભગ પંદર-વીસ ગોરા પેસેન્જર ઉતર્યા અને હવેલી તરફ ગયા. અમને પછી ખબર પડી કે, એ લોકો કલકત્તાથી હુગલી નદીની ક્રૂઝ પર નીકળ્યા હતા.

નેચરલી, મને પહેલો વિચાર એ આવ્યો કે, આ બધો તામજામ એ લોકો ગોરા હતા એટલે હતો? પછી થયું કદાચ એ લોકોની પ્રોપર્ટીનું ટાર્ગેટ ઓડિયન્સ કદાચ એ લોકો જ હશે કારણ કે, મોટા ભાગનાં ભારતીયો કદાચ બંગાળનાં આવા રિમોટ લોકેશન પર વેકેશન માટે નહીં આવતા હોય એટલે એ લોકો તેમને સારામાં સારો એક્સપીરિયન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હશે.

એ દિવસે અમારે કલકત્તા તરફ કદાચ વહેલું નીકળી જવું જોઈતું હતું પણ, મને ત્યાંનાં ઐતિહાસિક જૈન મંદિરો જોવાનું બહુ મન હતું. ખાસ એટલા માટે પણ કે, એક દેરાસર મને અમારાં રુમમાં આવતા-જતા સતત દેખાઈ રહ્યું હતું. એ દેરાસરોમાં રાખવામાં આવેલી કસોટી પથ્થરની પ્રતિમાઓ વિશે પણ મેં બહુ વાંચ્યું હતું જેનાં વિશે મને બહુ જિજ્ઞાસા હતી.

રિસેપ્શન સ્ટાફ અમારા માટે ટોટોની વ્યવસ્થા કરે તેટલી વારમાં એ લોકોએ અમને હવેલીની ટૂર કરાવી. અમને સૌથી પહેલા લઈ જવામાં આવ્યા રોજ જ્યાં કલ્ચરલ શો જ્યાં થતો હતો તેની પાછળનાં ભાગમાં અને તેમણે કહ્યું – “એ સમયે આ હવેલીનું મેઇન એન્ટ્રન્સ આ હતું”. જે ધર્મગુરુએ આ હવેલી રિસ્ટોર કરવાની પ્રેરણા આપી હતી તેમણે જ બીજી પણ એક આજ્ઞા આપી હતી કે, આ હવેલીમાં વાસ્તુ દોષ છે કારણ કે, મુખ્ય દરવાજો સાઉથ ફેસિંગ છે. મેં મનમાં એટલું જોરથી કપાળ કુટ્યું કે, વાત જવા દો! હવેલીનો આખો પ્લાન એ દરવાજા સાથે સંગત હતો! એ દરવાજો જે રસ્તા પર પડતો હતો એ રસ્તો એકદમ વ્યવસ્થિત, પહોળો, એ હવેલીને શોભે તેવો સરસ હતો. અમે પેલા દિવસે જે પાતળી ગલીમાંથી મહા-મહેનતે ત્યાં પહોંચ્યા હતા તેનાં કરતા તો ઓછામાં ઓછો ત્રણ ગણો પહોળો! અંદર પહોંચતા સાથે જ સૌથી પહેલા સામે પહોળો સુંદર ચોક, તેની ઉપર ઝરૂખો, લિવિંગ રૂમ વગેરે અને તેની પાછળ બધાં બેડરુમ! આખી પ્રોપર્ટીનો લે આઉટ મને અંતે બે દિવસ પછી સેન્સિબલ લાગ્યો! તેમણે જે પાછળનાં દરવાજાને હાલ મુખ્ય દરવાજો બનાવેલો છે, તેનાંથી આખો લે-આઉટ એકદમ અજીબ લાગે છે અને એ વાત જ્યાં સુધી અમે ઓરીજીનલ દરવાજો જોયો નહોતો ત્યાં મને સુધી મહેસૂસ થઈ રહી હતી પણ સમજાતી નહોતી. કોઈએ એક પ્લાન મગજમાં રાખીને એક ઘર બનાવ્યું હોય, એક દિવસ ઊઠીને તેનો દરવાજો બદલી નાંખે તો શું થાય? એ જ અહીં થયું હતું.

હવેલીનો એક ભાગ જે મને બહુ ગજબ લાગ્યો એ હતો તેમનો તિજોરી રુમ. તેની પાંચ દીવાલો મજબુત લોખંડની બનેલી હતી, ફક્ત જમીન પર બાકીનાં ઘરની જેમ આરસ લગાવેલો હતો અને એ જ એમની કમજોરી સાબિત થયો. ડાકુઓ ત્યાંથી ગાબડું બનાવીને અંદર આવ્યા હતા અને ઘણી અમૂલ્ય વસ્તુઓ ચોરી ગયા હતા. મેં અંગત રીતે ક્યારેય આવી લોખંડની, એક આખા રુમનાં કદની તિજોરી પહેલા ક્યારેય નથી જોઈ એટલે એ મારા માટે મોટી અજાયબી હતી.

ટોટો આવી પહોંચી એટલે તરત અમે અમારા એજન્ડા પ્રમાણે દેરાસરો તરફ પ્રયાણ કર્યું. ત્યાં મુખ્ય દેરાસર એક ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર હતું પણ, તેય આવાં વાસ્તુનાં કારણોસર એ રેનોવેટ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંની પ્રતિમાઓ તેટલો સમય એક નેમિનાથ દેરાસરોમાં રાખવામાં આવી હતી. ઐતિહાસિક ઇમારતો ‘રેનોવેટ’ કરવાનો વિચાર લોકોને વ્યાજબી કઈ રીતે લાગતો હશે એ મને કદાચ ક્યારેય નહીં સમજાય. એની વે, એ નેમિનાથ દેરાસર પણ અદ્ભુત હતું! ત્યાં સુધી પહોંચવાની એક સાંકડી ગલી પણ મને બહુ ક્યૂટ લાગી.

આસપાસ બીજું એકાદ દેરાસર કદાચ અમે જોઈ શક્યા હોત પણ, મારે લોકોનો વધુ સમય નહોતો લેવો અને ત્યાંથી નીકળતા પહેલા અમારાં એજન્ડા માં એક ‘ટેરાકોટા ટેમ્પલ’ ઉમેરાયું હતું. અહીંથી અમે સીધા ત્યાં પહોંચ્યા અને અંદર પ્રવેશતા જ હું એકદમ અભિભૂત થઈ ગઈ! ટેરકોટા ઈંટો પર આટલી અદ્ભુત ઝીણી કોતરણી મેં પહેલા ક્યારેય નથી જોઈ.

અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાણી ભબાની નામની એક જમીનદારે આ મંદિર બનાવડાવ્યું હતું. કહેવાય છે કે, તેઓ આ વિસ્તારને બીજું કાશી બનાવવા ઇચ્છતા હતા અને એટલે તેમણે અહીં ટેરકોટાનાં ૧૦૮ શિવ મંદિરો બનાવડાવ્યા હતાં. કમનસીબે અહીં ગંગાનાં સતત બદલાતા પ્રવાહમાં મોટા ભાગનાં મંદિરોનો નાશ થઈ ગયો અને બહુ થોડાં જ બચ્યા છે જેમાંનું એક આ ‘ચાર બંગલા’ છે. અહીં સામે-સામે એકસરખા કદ અને આકારનાં ચાર મંદિરો બનાવવામાં આવ્યાં છે, જેમાં દરેકમાં આસપાસ બે નાના અને વચ્ચે એક મુખ્ય એવાં ત્રણ (ચારે મંદિરનાં મળીને કુલ બાર) શિવલિંગ છે અને દરેક શિવલિંગનું મોં ઉત્તર દિશામાં રાખવામાં આવ્યું છે, કૈલાશ તરફ. એક રીતે વિચારો તો એમ પણ કહી શકાય કે, મંદિરમાં અંદર ગયા વિના તમે વચ્ચે ચોકમાં ઊભા રહીને જ ચારે બાજુ નજર કરો તો શિવલિંગની ચારે બાજુ જોઈ શકો! એ સિવાય મંદિરની એક ખાસીયત એ છે કે, ચારે મંદિરનાં આકાર અને નકશી હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ ચારે ધર્મોથી ઇન્સ્પાયાર્ડ છે.

સામાન્ય રીતે મને સુંદર સ્થળોએ પોતાનો ફોટો લઈને જગ્યાની સુંદરતા બગાડવાનું મન નથી થતું હોતું પણ, એ જગ્યાએ મને શિવની એક બહુ જ સુંદર પ્રતિમા સાથે નટરાજનાં પોઝમાં ફોટો લેવાનું મન થઇ ગયું. હજુ પોઝ બને ત્યાં સુધીમાં તો ત્યાં એક સિક્યોરિટી ગાર્ડે અમને ખિજાવાનું શરુ કર્યું કે, અહીં રીલ બનાવવાની પરમિશન નથી. અમે કહ્યું ફોટો લઈએ છીએ તો કહ્યું ડાન્સ કરતા ફોટો લેવાની પણ છૂટ નથી. અમારી સાથે હોટેલથી એક સાથી આવ્યા હતા તેમણે બંગાળીમાં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, હું કંઈ અભદ્ર નથી કરી રહી પણ, તેમને કશું ગળે ઉતરે તેમ નહોતું. અંતે હું જ ત્યાંથી દૂર ચાલી ગઈ. પછી ત્યાં જે થોડો સમય અમે ત્યાં રહ્યા, ત્યાંનાં બે ગાર્ડ અમને જ જોતા રહ્યા.

આ મંદિરની મુલાકાત સાથે જ અમારી મુર્શિદાબાદ મુલાકાતનો અંત આવ્યો. સામાન ગાડીમાં લોડ થઈ ગયો હતો અને અમે સારાં રસ્તાની આશામાં, આવ્યા હતા તેનાં કરતા અલગ હાઇવે પકડીને કલકત્તા તરફ રવાના થયા. રસ્તો તો સારો ન જ મળ્યો પણ, રસ્તામાં બંગાળનાં ગામડાં અને ખેતરોનો જે નજારો મેં માણ્યો એ હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું.

મુર્શિદાબાદ – ૩

પ્રવાસ, બંગાળ, ભારત

બ્રેકફસ્ટ પતાવીને હોટેલનાં મેઇન ગેટ સુધી પહોંચ્યા તો જાણ્યું કે અમારા માટે બે રિક્ષાઓ રાહ જોઈ રહી છે. મને ફક્ત એટલી ખબર હતી કે, અમારી હોટેલ ઝીયાગંજમાં છે અને ત્યાંથી અમારે અઝીમગંજ જવાનું છે. પ્લાન અમારા સહપ્રવાસી ઓ એ સમજી લીધેલો હતો એટલે મેં ફક્ત મુસાફરી માણવાનું કામ કર્યું. અમે જે રિક્ષામાં બેઠા હતા તેને ત્યાંનાં લોકો ‘ટોટો’ તરીકે ઓળખે છે. ગુજરાતમાં જોવા મળતી રિક્ષાઓથી લગભગ અડધી પહોળાઈની એ રિક્ષામાં એક તરફ બે અને બીજી તરફ બે એમ ગણીને ચાર મધ્યમ કદનાં લોકો બેસી શકે અને તેમાં બેસીને જે ગલીઓમાંથી અમે એ દિવસે પસાર થયા, ત્યાંથી ફક્ત આ રિક્ષાઓ જ પસાર થઈ શકે! એક બે ગલીઓમાં તો એમ થયું કે, બસ હમણાં દીવાલને અડી જશે. લગભગ દસ મિનિટ પછી અમે નદીનાં કિનારે એક મોટાં તરાપા પાસે પહોંચ્યા અને અમને ઉતરીને તરાપા પર જવાનું સૂચન કરવામાં આવ્યું.

એ તરાપા પર માણસો, સ્કૂટર, પશુ, રિક્ષા, નાની કાર બધાં જ એકસાથે ઊભા રહીને રોજ નદી પાર કરે છે! 😁

સામેનાં કાંઠે ઉતરીને અમે ફરી એ જ ટોટોમાં બેસીને આગળ વધ્યા. વેલકમ ટુ અઝીમગંજ! થોડી વારમાં ટોટો ડ્રાઈવરે કહ્યું – આ જુઓ અરિજીત સિંઘનું ઘર. મને બિલકુલ ખબર નહોતી અરિજીત સિંઘ અઝીમગંજ નામનાં આ નાના ગામનો છે. પણ, આ ગામનું કદ અને ત્યાંનાં સાદા માણસો જુઓ અને સામે અરિજીત સિંઘનો હાલનો મુકામ જુઓ તો જાણે પ્રગતિ શબ્દનો અર્થ સમજાય. આપણાં ગોંડલ કરતાં પણ કદાચ થોડું નાનું, પ્રમાણમાં કંગાળ અને અંતરિયાળ આ ગામનાં એ યુવાનની સફર કેટલી લાંબી અને અઘરી રહી હશે! એક વિચાર એ પણ આવ્યો, જે જમીન સાથે સદીઓથી બાઉલ સંગીતની આટલી મોટી પરંપરા જોડાયેલી છે ત્યાંથી દેશને એક સારો સંગીતકાર મળે તેમાં નવાઈ શું? :) એ ઘર કોઈ પ્રકારનાં તામજામ વિનાનું, એક મધ્યમ વર્ગીય પરિવારનું હોય તેવું એકદમ સામાન્ય ઘર છે. ડ્રાઈવરે કહ્યું તેમનો પરિવાર હજુ પણ ત્યાં રહે છે અને તેઓ અઝીમગંજ અને આસપાસનાં ગામડાંનાં બાળકો માટે એક ફ્રી એજ્યુકેશન સેન્ટર પણ ચલાવે છે. આવાં લોકોની આવી કહાનીઓ પર જ દેશ અને દુનિયા માટેની મારી આશા ટકેલી છે.

રિક્ષા અને વિચારોમાં બ્રેક લાગી અને ખબર પડી અમે આવી પહોંચ્યા છીએ અમારાં પહેલા ડેસ્ટિનેશન, કાઠગોલા પેલેસ. એન્ટ્રી ગેટ પાસે જ અમને એક ગાઈડ મળી ગયા – અંબિકાપ્રસાદ. તેમનાં હિન્દીમાં બંગાળી ભાષાની એક્સંટ એટલી ગાઢ હતી કે, તેમની વાત હું થોડી જ સમજી શકી. જગત શેઠ પરિવારનો હાથ પકડીને ઘણાં ઓસવાલ જૈન વ્યાપારીઓ મુર્શિદાબાદ આવ્યા, તેમાંનાં એક – દુગ્ગળ પરિવારનાં વડવાઓએ અઢારમી સદીનામાં આ હવેલીનું નિર્માણ કરાવ્યું અને કહેવાય છે કે પ્લાસી યુદ્ધનાં ૩ દિવસ પછી અંગ્રેજો મીર જાફરને મળવા માટે અહીં આવ્યા હતા. હવેલીનો મોટો ભાગ હવે મ્યુઝિયમમાં તબદીલ થઇ ગયો છે પણ, હવેલી પાછળ બનાવાયેલાં આદિનાથ દેરાસરની મુલાકાત લેવા આવતાં દુગ્ગળ પરિવારનાં સભ્યો માટે આજે પણ ત્યાં રહેવાની પૂરતી વ્યવસ્થા છે. એ હવેલીનાં પરિસરમાં એક બંગાળી આર્ટિસ્ટે બનાવેલી એક વિશાળ યુરોપીયન શૈલીની મૂર્તિ છે. વિચારો કોની હશે? માઈકલ એન્જેલોની! ત્યાં આવતાં લોકો માટે આ મૂર્તિ બહુ મોટી જોવા જેવી વસ્તુ છે પણ, મને એ બહુ રેન્ડમ અને પોઇન્ટલેસ લાગી. ઇન ફેકટ, મને અહીંનું આર્કિટેક્ચર અને હવેલીઓની સજાવટ એ વાતની ચાળી ખાતું હોય તેવું લાગ્યું કે, જાણે અહીં સમૃદ્ધિ બહુ થોડા સમય માટે અચાનક આવી અને જલ્દી જતી પણ રહી. દુનિયામાં જેટલાં શકિતશાળી સામ્રાજ્યોનાં બાંધકામ આજે હયાત છે એ દરેકમાં એક થીમ, એક વિઝન દેખાય છે. એક એક વસ્તુ, નાનામાં નાની ડિટેલ એટલી વિચારપૂર્વક રીતે બનાવાયેલી હોય છે કે, તેમની ઈમારતોનો એક પણ ભાગ બહુ જ અલગ કે, થીમ થી સાવ હટી જતો હોય એવું ન લાગે. મુર્શિદાબાદમાં મને ઘણી વખત એવું લાગ્યું કે, આ હવેલીઓ ભવ્ય તો છે પણ, આર્ટિસ્ટ કે આર્કિટેક્ટનું વિઝન ક્યાં?

ત્યાર પછી અમે આગળ વધ્યા હઝારદ્વારી પેલેસ તરફ. એ મહેલ જતા રસ્તામાં પણ ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ આવી પણ, કમનસીબે અમારી પાસે સમય ખૂબ ઓછો હોવાનાં કારણે અમે બહુ બધે રોકાઈ ન શક્યા. મને બહુ કંઈ ગુમાવ્યાનો અફસોસ તો નથી પણ, હા મીર જાફરની હવેલી (‘નમકહરામ દેઓડી’) બહારથી મને બહુ ઇન્ટ્રેસ્ટિંગ લાગી હતી. ટોટોમાંથી લીધેલો એ હવેલીનો એક રફ શોટ

આગળ અઝિમુન્નીસા બેગમનો મકબરો આવ્યો જ્યાં રોકવાનો કોઈ પ્લાન નહોતો પણ તોયે અમે પાંચ મિનિટ માટે રોકાયા કારણ કે, બહારથી એ પણ બહુ સુંદર લાગતી હતો. અમે બે જણ દોડીને ફટાફટ એ જગ્યા જોઈ આવ્યા. બહુ પ્રખ્યાત ન હોય તેવાં ભીડ-ભાડ વિનાનાં ઐતિહાસિક સ્મારકો એકલા, શાંતિથી માણવાની મજા જ અલગ છે! ફક્ત પાંચ મિનિટ માટે પણ એ માહોલમાં મને જાણે ટાઇમ ટ્રાવેલ કરવાનો મોકો મળી જાય છે. સાથે સાથે જીવન, મૃત્યુ, યુદ્ધ, રાજકારણ, અમરત્વ, સુંદરતા જેવાં કેટલાંયે વિષયો પર કેટલાં બધાં વિચારો મનમાં દોડવા લાગે છે…

અહીં બહુ નાના વિરામ પછી અમે સીધા હઝારદ્વારી પેલેસ પહોંચ્યા. આ મહેલ કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું ટૂરિસ્ટ અટ્રેક્શન છે એટલે સ્વાભાવિક રીતે જ દુનિયાભરની ભીડ અહીં હોવાની. મહેલની અંદર ફોટોઝ કે વીડિયોઝ લેવાની મનાઈ છે એટલે અંદરનાં કોઈ જ ફોટો મેં નથી લીધા અને બહાર મને ફોટો લેવા જેવું ખાસ કંઈ લાગ્યું નહોતું. મારા માટે આ મહેલમાં બે ઈન્ટરેસ્ટિંગ બાબતો હતી. એક તો એ કે, આ મહેલ સિરાજ ઉદ-દૌલાનો નથી! ઇન ફેકટ, સિરાજ ઉદ દૌલાનો કોઈ મહેલ હયાત જ નથી. તેનો મહેલ સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યો હતો. આ મહેલ બંગાળનાં નવાબ નઝીમ હુમાયુ જાહ માટે એક બ્રિટિશ આર્કિટેક્ટે બનાવ્યો હતો. કહેવાની જરૂર ખરી કે, સિરાજની હાર પછી આ નવાબને અંગ્રેજોએ ‘ઇન્સ્ટોલ’ કર્યો હતો? એટલે જ આ નવાબ કે, તેમનાં કોઈ પણ વંશજોના નામ માત્ર પણ આપણાં ઇતિહાસમાં કોઈ ખાસ મહત્ત્વ નથી ધરાવતાં. આ મહેલ પણ મને અંગત રીતે બહુ ખાસ ન લાગ્યો સિવાય એક કલેક્શન. મારાં માટે આ મહેલની બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી તેમનું હથિયારોનું કલેક્શન. મહેલનાં ગ્રાઉન્ડ ફ્લોર (મેઇન પેલેસની નીચે લગભગ ભોંયતળિયામાં) પર હથિયારોનું બહુ સુંદર અને વિશાળ કલેક્શન છે જે મને બહુ જ ગમ્યું. હથિયાર ગમ્યાં એવું બોલવું કે સાંભળવું થોડું વિચિત્ર લાગે પણ, મને એવું લાગે છે કે, સારાં હથિયારોનું પણ એક એસ્થેટિક હોય છે. તેમાં વપરાયેલાં મટીરિયલ, તેનાં આકાર, તેનાં પર થતી નકશીઓ, આ બધું મને બહુ જ ચાર્મિંગ લાગે છે. અત્યાર સુધી મેં જેટલી થોડી દુનિયા જોઈ છે તેનાં પરથી મને એવું પણ સમજાયું છે કે, દુનિયાનો કોઈ પણ વિષય હોય, તેની શ્રેષ્ઠતમ વસ્તુ કે, વ્યક્તિનાં કામમાં એક inherent beauty અને aesthetic હોય છે. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે પણ મેં ઘણી વાર જોયું છે. એ aesthic અને wit મને આ હથિયારોમાં પણ દેખાયાં.

મહેલનાં મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે આ નવાબે એક વિશાળ ઈમામબારાનું નિર્માણ કરાવેલું છે જે કદાચ દુનિયામાં સૌથી મોટો છે! હા, લખનઉનાં પ્રસિદ્ધ ‘બડા ઈમામબારા’ કરતા તો મોટો ખરો જ. તે વર્ષમાં ફક્ત મોહરમનાં દસ દિવસ માટે ખૂલે છે. એ સિવાય કોઈ જ તેની મુલાકાત નથી લઈ શકતું. દૂરથી એ પણ બહુ સુંદર દેખાતો હતો.

મહેલ જોઈને બહાર નીકળતા અમને લગભગ દોઢેક કલાક લાગી. ત્યાર પછી બધાંને મન હતું તાંતીપાડા (ત્યાંનો વણકરવાસ) જવાનું અને ત્યાં હેન્ડલૂમ જોવા/લેવાનું પણ, અમને બે જણને બહુ ઈચ્છા હતી જગત સેઠની હવેલી જોવાની એટલે ફક્ત અમારા માટે જગત સેઠની હવેલી પર એક સ્ટોપ કરવામાં આવ્યો. બે દિવસથી રોજ દિવસમાં ઓછામાં ઓછી બે વખત જેનું નામ સાંભળતા હતા તેનાં વિશે જાણવાની ઈચ્છા કોને ન થાય! અમારી જેમ તમને પણ કદાચ વિચાર આવ્યો હશો કે, તેમની સમૃદ્ધિનાં ચર્ચા ધ્યાનમાં રાખતા તેમની હવેલી તો કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું અટ્રેક્શન હોવી જોઈએ ને?! પણ, એવું એટલા માટે નથી કે, તેમની ઓરીજીનલ હવેલી અને તેમનો ઘણો ખરો સામાન એક વખત કોઈ પૂરમાં તણાઈ ગયાં હતાં. ઉપરાંત, તેમનાં પરિવારમાં ખાસ કોઈ વંશજો પણ બચ્યા નહોતા એટલે કદાચ તેમની નવી હવેલી એટલી સારી રીતે જળવાઈ નથી શકી જેટલી દુગ્ગળ કે દુધોરિયાની રહી છે. છતાં અમને તો જગત સેઠની હવેલી જોવાની મજા જ આવી. આ આખાં વિસ્તારને જેણે નામના અપાવી અને દુનિયામાં નામ કર્યું એ લોકોની લેગસી ન જોઈ હોત તો મુર્શિદાબાદની સફર કદાચ અધૂરી જ રહી જાત.

ત્યાંથી આગળ અમે પ્લાન પ્રમાણે તાંતીપાડા ગયા તો ખરા પણ, કમનસીબે અમને ત્યાં કંઈ જ ન ગમ્યું. અમે એટલા થાકી પણ ગયા હતા અને ભૂખ પણ એટલી લાગી હતી કે, પછી આગળ દુકાનો શોધવાની મહેનત કરવાને બદલે અમે સીધા હોટેલ જ પાછા ફર્યા.

જમીને થોડી વાર અમે એક ‘પોટરી એકસ્પીરિયન્સ’ નો આનંદ માણ્યો અને એક કુંભારનાં ચાકડા પર માટીનાં વાસણો ઘડવાનો પ્રયત્ન કર્યો. વાસણ કદાચ સારાં બને પણ ખરા તોયે તેનું કંઈ થવાનું નહોતું. નજર સામે એ ફરીથી માટીનાં લોંદામાં જ પાછા જવાનાં હતાં એટલે વધુ મહેનત કરવાનું કોઈ મોટીવેશન મને હતું નહીં. બાળકોને માટીમાં રમવાની મજા આવે એવી મજા જ કરી મેં. મારાં સાથીઓ જ્યારે ચાકડા પર હતાં ત્યારે હું ત્યાં ફરીને દુધોરિયા પરિવારનાં જુના ફોટોઝ જોઈ રહી હતી અને મારું ધ્યાન ગયું એક સ્ટિકર પર

મગનલાલ હરજીવનદાસ ભાવનગરી ફોટોગ્રાફર! કઈ પેઢી હશે આ? અને આ પરિવાર તેમનાં સુધી કઈ રીતે પહોંચ્યો હશે?! એ લોકો ટ્રાવેલિંગ ફોટોગ્રાફર હશે અને તેમને જે લોકો કમિશન કરે તેમની હવેલીઓ અને મહેલોમાં ફોટોગ્રફી કરવા માટે આટલે દૂર સુધી પ્રવાસ કરતા હશે?! how fascinating! ઉત્તર બંગાળનાં આ મારવાડી વિસ્તારનું ગુજરાત કનેક્શન તો બહુ સોલિડ લાગતું હતું પણ, અમુક કહાનીઓ કદાચ અમારે ત્યાં છોડીને જ આગળ વધવાનું હતું.

એ સાંજે પણ કલ્ચરલ પ્રોગ્રામ – એક બીજા ગ્રૂપનો બાઉલ શો જોઈને અમે સાંજનું જમવાનું પતાવ્યું અને કોઠીનાં બહુ જ સુંદર ગિફ્ટ સ્ટોરમાં આંટો મારીને નાની મોટી ખરીદી કરીને પછીનાં દિવસે ચેક-આઉટ કરવાની તૈયારી કરી.

મુર્શિદાબાદ – ૨

પ્રવાસ, બંગાળ, ભારત

અમારી પહેલી મીલ ધાર્યા કરતાં વધુ સ્વાદિષ્ટ અને યુનીક રહી. સેહેરવાલી રેસિપીઝમાં મારવાડી અને બંગાળી સ્વાદનું મિશ્રણ ખરેખર ચાખી શકાય છે! મારા માટે સૌથી મોટી હાઇલાઇટ રહ્યું ચણિયા બોરનું અથાણું. તેનો સ્વાદ હજુ પણ મારાં મોંમાં તાજો છે. કમનસીબી એ છે કે, જોવા/માણવાની જગ્યાઓ નું લિસ્ટ બહુ લાંબું છે અને જીવન બહુ ટૂંકું એટલે પ્રવાસની જગ્યાઓ રિપીટ નથી થઈ શકતી અને ખબર નથી એ અથાણું ફરીથી ક્યારેય ખાવા મળશે કે કેમ.

અમને પછીથી ખબર પડી કે, હોટેલનું તમામ જમવાનું ત્યાંનો લોકલ સ્ટાફે જ બનાવે છે. તેમણે બહારથી કોઈ શેફ હાયર કરેલા નથી! ઇન ફેક્ટ, અભિરૂપ સિવાય તેમનો કોઈ જ સ્ટાફ હોટેલ મેનેજમેન્ટ કે હોસ્પિટાલિટી ભણેલો પણ નથી. એ લોકો ત્યાં આસપાસનાં ગામોમાં જ રહે છે અને ત્યાંથી રોજ કામ કરવા માટે આવે છે. અભિરૂપ અને તેમનાં સાથીઓએ તેમને અમુક હદ સુધી ટ્રેનીંગ આપેલી છે પણ, અભિરૂપ તેમને કોઈને સર્વર કે સર્વન્ટ તરીકે ક્યારેય નથી ઓળખાવતા. તેઓ બધાંને હેલ્પર તરીકે ઓળખાવે છે અને પ્રોપર્ટીનાં મહેમાનોને કહે પણ છે કે, આ બધો સ્ટાફ મહેમાનોને મદદ કરવા માટે હંમેશા હાજર છે પણ એ મહેમાનોનાં નોકર નથી. તેમનો સ્ટાફ પ્રત્યેનો આ અપ્રોચ અને એટિટ્યુડ અમને ગમ્યો.

જમીને આખા દિવસની મુસાફરીનો થાક અચાનક એકસાથે લાગ્યો એટલે આરામ કરવા સિવાય કોઈ ઉપાય રહ્યો નહીં. લગભગ એકાદ કલાક થઈ હશે ત્યાં અમને સંગીત સંભળાયું અને ચમકારો થયો – કલ્ચરલ પ્રોગ્રામ! અમે ફટાફટ અવાજની દિશામાં ભાગ્યા અને એક મોટી ઓસરીમાં પહોંચ્યા. એક ગાયક અને બે સંગીતકાર – એક ઢોલક પર અને એક બાઉલ ડ્રમ પર બરાબર માહોલ જમાવી રહ્યા હતાં. અમને તાળીઓનો અવાજ પણ સંભળાયો પણ, કોઈ દેખાયું નહીં. ઉપર જોયું તો ખબર પડી કે, મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા ખરેખર તો ઝરૂખામાં છે પણ, અમે નીચે પહોંચી ગયા હતાં અને સંગીતકાર પણ નીચે જ હતાં એટલે ઉપર જવાનું મન ન થયું અને અમે ત્યાં ઓટલા પર જ બેસી રહ્યા. હોટેલ સ્ટાફને અમારી ચિંતા થઈ ગઈ એટલે એ લોકો ખુરશીઓ, શેતરંજી અને તેવું ઘણું બધું લાવવા માંડ્યા અને અમને ઓફર કરવા માંડ્યા પણ થોડો સમય પછી એ પણ સમજી ગયા કે, અમે બેસવાનાં તો ઓટલા પર જ. એ સંગીતકારો અદ્ભુત હતાં – ખાસ તેમનાં ગાયક! એ લોકો પારંપારિક બાઉલ ગીતો ગાઈ રહ્યા હતાં. બાઉલ સંગીત વિશે આખી એક બ્લૉગ પોસ્ટ લખી શકાય તેટલી સમૃદ્ધ બંગાળની આ પરંપરા છે. બાઉલને આપણે ત્યાંની સંતવાણી પણ કહી શકીએ. કબીર પરંપરા અને સૂફી ભક્તિ જેવી જ આ પરંપરા છે- નિર્ગુણ ભક્તિ, હિન્દુ અને મુસ્લિમ ધારાઓ નો સમન્વય અને ધર્માંધતાનો અસ્વિકાર. તેમનાં સંગીત વિશે વધુ કહી શકવા જેટલી પાત્રતા હું નથી ધરાવતી, તમે પોતે જ જોઈ લો.

આ શો લગભગ એક કલાકનો હતો પણ, આખી સાંજ અમે તેની અસરમાં રહ્યાં. શો પત્યા પછી અમે પ્રોપર્ટીનાં કોમન એરિયા એક્સપ્લોર કર્યાં અને તેમનો પુસ્તકોનો કબાટ ફેન્દયો અને અમને ફરીથી એક સરપ્રાઇઝ મળ્યું – ઘણું બધું જૈન ધાર્મિક સાહિત્ય લગભગ બધું જ ગુજરાતીમાં! જામનગરનાં નાના પબ્લિશરથી માંડીને મુંબઈનાં મોટાં પબ્લિશર સુધીનું ઘણું બધું! એક મિત્રને આ પુસ્તકોનાં ફોટોઝ મોકલ્યાં ત્યારે તેની પાસેથી જાણવા મળ્યું કે, મારવાડી જૈન વડીલોને ગુજરાતી લિપિ લખતાં વાંચતાં આવડવી એ બહુ સામાન્ય વાત છે! મનમાં થયું આપણી ભાષા પાસે પોતાની લિપિ હોવી એ કદાચ બહુ મોટાં સૌભાગ્યની વાત છે!

અહીં અડધી પોણી કલાક બેઠાં ત્યાં તો ફરીથી જમવાનું તૈયાર! આટલું જલ્દી આટલું ભારે જમવાની તાકાત કોઈમાં નહોતી પણ નવી વાનગીઓ ચાખવાની આતુરતા અતિશય એટલે થોડો સમય ઠેલીને અમે ફરીથી જમવા બેઠાં. આ વખતે પણ એટલું જ સરસ અને યુનીક! ત્યાંનો સ્ટાફ ફક્ત અમારાં માટે રોકાયેલો હતો. અમે જમ્યા પછી એ લોકો પોતપોતાનાં ઘરે ગયા અને અમે બીજા દિવસની તૈયારી કરતા અમારાં રુમ પર.

સવારે ઊઠીને પણ મને પેટ એટલું ભરેલું અને ભારે લાગતું હતું કે, બ્રેફસ્ટ કરવા જેટલી હિંમત તો મારામાં બિલકુલ નહોતી એટલે મેં થોડી એક્સ્ટ્રા ઊંઘ કરી. હું તૈયાર થઈ ત્યાં સુધી કોઈનો ફોન કે મેસેજ નહીં એટલે હું રિસેપ્શન પર પુછીને બ્રેકફસ્ટની જગ્યાએ પહોંચી. નદી કિનારે બ્રેફસ્ટ માટે બહુ જ સુંદર સેટિંગ હતું. હુગલી નદીનું એ સ્વરુપ જોઈને ખ્યાલ આવતો હતો કે, કલકત્તામાં ઇન્ડસ્ટ્રીઝનાં ગંદા પાણી ઠલવાતા પહેલા આ નદીનો કેવો ઠાઠ રહ્યો હશે!

મને ત્યારે ખબર નહોતી કે, અમારો નેક્સ્ટ પ્લાન નદી પાર કરીને સામેનાં કાંઠે જવાનો જ છે!

મુર્શિદાબાદ

પ્રવાસ, બંગાળ

લગભગ પાંચ વર્ષનાં અતિ લાંબા અંતરાલ પછી મને એક બિલકુલ નવી જગ્યાએ, વ્યવસ્થિત ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો અને તેમાંયે પ્રસ્તાવ આવ્યો ‘બડી કોઠી’ નામની એક યુનીક જગ્યાનો એટલે આપણે તો તરત રાજી! આ જગ્યા ઉત્તર બંગાળમાં, કલકત્તાથી લગભગ ૨૨૦ કિલોમીટરનાં અંતરે આવેલી છે એટલે અમે નક્કી કર્યું કલકત્તાથી રોડ ટ્રિપ કરીએ. છ લોકો, બે કાર અને એક પ્રોફેશનલ ડ્રાઈવર.

તમે ૬૦ કિલોમીટરની એવરેજ પર ચાલો અને રસ્તામાં અડધી કલાક જેવો બ્રેક લો તો પણ વધુમાં વધુ સાડા ચારથી પાંચ કલાક લાગવા જોઈએ, બરાબર? મુર્શિદાબાદ માટે ખોટું. અમને લગભગ સાત કલાક લાગ્યાં! સમજો આખા રસ્તામાં લગભગ ક્યાંય વ્યવસ્થિત હાઈ વે છે જ નહીં. નેશનલ હાઈ વે પણ ગામડાંમાંથી પસાર થાય છે અને મોટાં ભાગનો રસ્તો એટલો ખરાબ, કે ખાડાં અને આડા અવળાં સ્પીડ બ્રેકરનો પાર નહીં! અમે આવતાં અને જતાં બે અલગ અલગ હાઈ વે ટ્રાય કર્યાં. જતી વખતે અમે NH12 પકડ્યો અને આવતી વખતે AH1. પણ, બંને લગભગ સરખા જ ખરાબ નીકળ્યાં. જો કે, મારા માટે તો ખરાબ રસ્તાની અગવડો હોવા છતાં રોડ ટ્રિપની મજા અલગ હતી. કલકત્તા સિવાયનું પશ્ચિમ બંગાળ અને ત્યાંનાં લોકો કેવા દેખાય છે, કઈ રીતે રહે છે તેની જિજ્ઞાસા સંતોષવાનો આ એક જ રસ્તો હતો.

અમે સવારે સાડા નવે ડ્રાઇવ કરવાનું શરુ કર્યું અને લગભગ સાડા ચારે બડી કોઠી પહોંચ્યાં. પશ્ચિમ બંગાળનાં હાઇ વે કે ગામડાંમાં મારા-તમારા જેવાં શહેરી લોકો માટે ખાસ સુવિધાઓ નથી પણ, માયાપુર પાસે અમને સારાં, વેજીટેરિયન-ફ્રેન્ડલી ઓપ્શન આરામથી મળી ગયાં. મને અહીં પહોંચીને ખબર પડી કે, માયાપુરમાં ઇસ્કોનનું હેડ ક્વાર્ટર છે એટલે સ્વાભાવિક રીતે તેની આસપાસ સારાં રેસ્ત્રોં હોવાનાં જ. અમે સ્ટોપ કર્યો હતો ‘હોટેલ સોનાર બાંગ્લા માયાપુર’. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો થોડો ટ્રિકી છે પણ જગ્યા સારી છે. સરસ માહોલ, સારી ચા, પકોડા અને સાફ રેસ્ટરૂમ. આનાંથી વધુ શું જોઈએ! ત્યાં લગભગ ૪૫ મિનિટ સ્ટોપ કરીને અમે આગળ વધ્યાં. રસ્તામાં મેં બંગાળનાં ગામડાંનું જે સ્વરૂપ જોયું તેનું વર્ણન કરવું તો અશક્ય છે પણ એ હતું બહુ સુંદર અને અલગ. માનો તમે નવા દેશમાં પહોંચી ગયાં!

ભારતનાં સૌથી ફળદ્રુપ વિસ્તારોમાં જેનો સમાવેશ થાય છે એ બંગાળની ભૂમિ પર ખેતરોની કમી નથી. જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી! ચોખા અને રાઈનાં ખેતર મેં ત્યાં સૌથી વધુ જોયા. ત્યાંનાં ગામડાંમાં ગરીબી દેખાય છે. નાના કાચા-પાકા ઘર, અને લગભગ દરેક ઘર પાસે એક નાનું તળાવ. બાળપણમાં પુસ્તકોમાં વાંચ્યું હતું કે, બંગાળનાં લોકો પોતાનાં આંગણામાં એક નાનું તળાવ રાખતા હોય છે જેને પૂકૂર તરીકે ઓળખાય છે. આ પૂકુર મેં પહેલી વખત નજરે જોયાં. ગામડાંની ઘણી બધી સ્ત્રીઓ અને છોકરીઓ એક હાથમાં છત્રી પકડીને બીજા હાથથી સાઇકલ ચલાવતી જોવા મળી. હાઈ વે પર એક પશુપાલકનો જુગાડ જોવાની પણ મજા આવી. ભાઈએ પોતાની બકરી ડિવાઈડર પર બાંધી હતી અને બકરી આરામથી ડિવાઈડર પર ઉગાડેલાં છોડનાં પાન ખાતી હતી. બકરી ચરતી ચરતી રસ્તા પર ઉતરી જાય ત્યારે આ ભાઈ દોડીને તેને ડિવાઈડર પર મૂકી આવે!

થોડાં સમય પછી મારું ધ્યાન ગયું એક ગામનાં નામ પર. લખ્યું હતું ‘Plassey’. હું ચમકી અને મેં મારા સહપ્રવાસીઓને પૂછ્યું આ પેલું પ્લાસિનાં યુદ્ધ વાળું પ્લાસિ છે? એ લોકોએ કહ્યું હા બની શકે. બસ પાંચ જ મિનિટનાં સસ્પેન્સ પછી કન્ફર્મેશન મળી ગયું. મેં એક મોટો દરવાજો જોયો જેનાં પર લખેલું હતું ‘Plassey war memorial’ – પ્લાસિ યુદ્ધ સ્મારક! મને બિલકુલ ખ્યાલ નહોતો હું ઇતિહાસનાં કયા ભાગમાં જઈ રહી છું અને જ્યાં જઈ રહી છું તે લોકોનો ઈતિહાસ પણ આ યુદ્ધ સાથે કેટલો વણાયેલો છે. આ બધું જોઈને મને મુસાફરીની અગવડતા બાબતે કોઈ જ ફરિયાદ ન રહી. કલકત્તાથી અમે ટ્રેનમાં ગયાં હોત તો એ મુસાફરી પ્રમાણમાં ટૂંકી અને સરળ રહેત પણ તેમાં અમને કદાચ આ બધું જોવા ન જ મળત!

અથાણાંનાં ડબ્બામાં ભરેલાં લીંબુની જેમ હાલતા-ડોલતા અમે બડી કોઠી પહોંચ્યાં. પહોંચતા સાથે જ જોયું કે, આઠ દસ લોકો અમારું સ્વાગત કરવા માટે ઊભા હતાં. આટલી લાંબી, ખખડધજ મુસાફરી કર્યા પછી અજીબ વેશમાં બેથી વધારે લોકો મારી તરફ જુએ એ પણ મને વિચિત્ર લાગતું હોય છે તો આટલું બધું ધ્યાન આપે ત્યારે તો એમ જ થાય કે હેરિ પોટરનો ‘ઇન્વિઝિબિલિટી ક્લોક’ કોઈ મને આપી દે તો અત્યારે જ પહેરી લઉં. પ્રોપર્ટીમાં ખાનદાની, સમૃદ્ધ હવેલીને શોભે તેવું સરસ ફર્નિચર અને ડેકોર જોઈએ જ મારું મન ખુશ થઈ ગયું. અમે પહેલા અમારાં રુમ પર ગયાં અને તરત અમને અમારાં વેરી લેઇટ લંચ માટે લઈ જવામાં આવ્યાં.

અમને લંચ પીરસાયું એક વિશાળ ડાઇનિંગ રુમમાં! જાત જાતની કળા કારીગરી અને દેશ-વિદેશનાં મટીરિયલથી એ આખો રુમ સુશોભિત હતો! છત તો આપણાં આજનાં બે માળ બની જાય તેટલી ઊંચી એટલે અંદર પ્રવેશતાની સાથે જ તમને ભવ્યતા અનુભવાય. ત્યાં અમારી સાથે બેઠાં એ પ્રોપર્ટી નાં મેનેજર – અભિરૂપ. તેમણે અમને પીરસાયેલી વાનગીઓ, આ હવેલી અને આખાં વિસ્તારનાં ઈતિહાસ વિશે ખૂબ સરસ માહિતિ આપી.

બડી કોઠીનાં માલિક છે દુધોરિયા પરિવાર – મૂળ રાજસ્થાનનાં ઓસવાલ જૈન, આ પરિવારનાં વડવાઓ લગભગ ત્રણસો વર્ષ પહેલાં મુર્શિદાબાદ વ્યાપાર કરવા માટે આવ્યાં હતાં અને પછી અહીં જ રહી ગયાં. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાય બહાદુર બુધ સિંઘ દુધોરિયાએ પોતાનાં મુખ્ય નિવાસ તરીકે આ હવેલીનું નિર્માણ કરાવ્યું. દુધોરિયા જેવાં અનેક રાજસ્થાની ઓસવાલ જૈન પરિવારોને અહીં લાવવાવાળાં ‘જગત સેઠ’. જે સમયે જગત સેઠનો પરિવાર બંગાળનાં નવાબનો મુનીમ હતો તે સમયે મુર્શિદાબાદ દુનિયાની પાંચ ટકા GDP કન્ટ્રોલ કરતું હતું. હા, લખવામાં ભૂલ નથી થતી. દેશની પાંચ ટકા નહીં, દુનિયાની પાંચ ટકા. પછી તો આ વિસ્તારનાં સૌથી મોટાં શેઠને ‘જગત સેઠ’ કહેવા જ પડે! એ સમયે આ વિસ્તાર દેશની આર્થિક રાજધાની હોવાનાં કારણે અહીં રહેતાં લોકો સેહેરવાલી એટલે કે, શહેરવાળાં કહેવાયાં. પોતાની પારંપારિક ઓસવાલ વાનગીઓમાં તેમણે બંગાળની લોકલ ફ્લેવર્સ ઉમેરીને જે જમણ બનાવ્યું તે સેહેરવાલી જમણ તરીકે ઓળખાયું. મૂળ જૈન એટલે શાકાહારી તો હતાં જ પણ, તેમની મોટાં ભાગની વાનગીઓમાં કંદમૂળનો ઉપયોગ પણ ભાગ્યે જ જોવા મળે છે. બધાં રહેતાં પણ એકસાથે, પાસે પાસે એટલે એ વિસ્તાર આજે પણ ‘જૈન પટ્ટી’ તરીકે ઓળખાય છે.

એ સમયે આ શેઠો એટલાં શકિતશાળી હતાં કે, આખાં સામ્રાજ્ય હલાવી શકે. તેઓ ઉત્તર ભારતનાં રાજાઓનાં યુદ્ધ અને બીજું ઘણું બધું ફાઇનાન્સ કરતાં હતાં! બંગાળનાં છેલ્લાં નવાબ સિરાજ ઉદ્ દૌલા પ્લાસિનું યુદ્ધ હાર્યો તેનાં ઘણાં કારણોમાંનું અગત્યનું એક કારણ છે જગત સેઠનો અસહકાર! પ્લાસિ યુદ્ધમાં સિરાજનાં આર્મી જનરલ અને જગત સેઠ બંનેએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો. સિરાજની હાર પછી અંગ્રેજોને આર્મી જનરલને પણ મારી નાંખ્યો અને બંગાળ પર કબ્જો કર્યો, સમગ્ર હિન્દુસ્તાન પડ્યું અને અંગ્રેજોનાં હાથમાં ગયું. આ યુદ્ધ વખતે જગત સેઠ અને સેહેરવાલીઓને સ્વાભાવિક રીતે ખબર નહોતી કે, સિરાજનાં અંત સાથે તેમની સહ્યાબીનો અને દેશનો પણ સુર્યાસ્ત જોડાયેલો છે.

સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગી અને આ વિસ્તારમાં લૂંટફાટ થવા લાગી પછી વ્યાપારી પરિવારો નવાં પાટનગર કલકત્તા શિફ્ટ થવા લાગ્યાં અને ધીમે ધીમે મુર્શિદાબાદ ભૂલાતું ગયું. બડી કોઠી પચાસ વર્ષથી પણ વધુ સમય બિલકુલ ખાલી રહી પછી ૨૦૦૮માં ભાઈ-બહેન દર્શન અને લિપિકાએ એક પ્રખ્યાત ધર્મગુરુની પ્રેરણાથી આ પ્રોપર્ટીને રિસ્ટોર અને રેનોવેટ કરવાનો બેડો ઉપાડ્યો. લગભગ દસ વર્ષની મહેનત પછી આ જગ્યા હેરિટેજ હોટેલ તરીકે ફરી શરુ થઇ અને અભિરૂપ તેમની સાથે લગભગ શરુઆતથી જોડાયેલાં છે.

काव्य कोडियां ‘मरीज़’ – खले है

अनुवाद, मरीज़

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.

ઊર્મિ પૃથક્ પૃથક્ છે, કલા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.

લાખો સિતમ ભલે હો, હજારો જુલમ ભલે,
રહેવાય છે ક્યાં આપને દિલબર કહ્યા વિના.

કેવી જગતની દાદ મેં માગી પ્રકાશની,
હીરાને જે રહે નહીં પથ્થર કહ્યા વિના.

દુનિયાનાં બંધનોની હકીકત છે આટલી,
હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના.

જોયા કરો છો કેમ તમે મારા મૌનને,
શું મેં કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના.

સાંભળ, જરાક ધ્યાન દઈ દેહનો અવાજ,
ધસ્તા નથી અહીં એ કદી ઘર કહ્યા વિના.

એ વાત અગર મૌન બને તો જુલ્મ બને,
ચાલે નહીં જે વાત ઘરેઘર કહ્યા વિના.

દુનિયામાં એને શોધ ઇતિહાસમાં ન જો,
ફરતા રહે છે કઈંક પયગમ્બર કહ્યા વિના.

તૌબાની શી જરૂર કે મસ્તીમાં ઓ ‘મરીઝ’,
છૂટી પડે છે હાથથી સાગર કહ્યા વિના.


~ મરીઝ ~



खले है दिल को कैसे एक लफ़्ज़ कहे बिना,
रह जाती है जो बात वक़्त पर कहे बिना।

उर्मि पृथक् पृथक् है, कलाएँ अलग अलग,
सब कह रहा हूँ बाकायदा कहे बिना।

लाखों सितम भले हों, हज़ारों ज़ुल्म भले,
रहा कहाँ जाता है आपको दिलबर कहे बिना।

कैसी दुनिया से दाद मैंने मांगी प्रकाश की,
हीरे को जो रहे नहीं पत्थर कहे बिना।

दुनिया के बंधनों की हक़ीक़त है इतनी,
मैं देख रहा हूँ रूप को सुंदर कहे बिना।

देखते रहते हो क्यों तुम मेरी ख़ामोशी,
क्या मैंने कुछ कहा है सचमुच कहे बिना।

सुन, ज़रा ध्यान से देह की आवाज़,
आ गिरते नहीं यहाँ कभी ये घर कहे बिना।

वो बात अगर मौन बने तो ज़ुल्म बने ,
चले नहीं जो बात हर घर कहे बिना।

दुनिया में उसे ढूंढ इतिहास में मत देख,
फिरते रहते हैं कई पैग़म्बर कहे बिना।

तौबा की क्या ज़रुरत कि मस्ती में ओ ‘मरीज़’,
बिखरती है हाथ से सागर कहे बिना।

~ मरीज़ ~