કર્ણાટક – 7

કર્ણાટક, પ્રવાસ, ભારત

કૉટેજ પર જઈને જોયું તો અમારો પલંગ થોડો વિચિત્ર હતો અને રેસ્ટરુમમાં પણ અમુક ઇશ્યુઝ હતાં એટલે અમે તરત રિસેપ્શન પર કૉલ કર્યો. આટલો તગડો ટૅરીફ ચાર્જ કરતી હોટેલ આટલી બેઝિક વસ્તુ પર ધ્યાન ન આપે એ અમને અયોગ્ય લાગ્યું. અમે અમારા એક્સપીરિયન્સ હોસ્ટને એ બાબતે મૅસેજ કર્યો પણ ઘણી રાહ જોયા પછીયે તેમનો કોઈ રિસ્પૉન્સ ન આવ્યો એટલે અમે રિસેપ્શન પર કૉલ કર્યો અને હાઉઝકીપિંગ ડિપાર્ટમેન્ટમાં કોઈ સાથે વાત કરી. થોડી વારમાં સ્ટાફે અમારો દરવાજો ખખડાવ્યો. અમે તેમને બંને પ્રૉબ્લેમ્સ દેખાડ્યાં. એ યુવાન બહુ આનંદી અને નમ્ર હતો. દસ મિનિટમાં એ કોઈ સલ્યુશન શોધી આપશે એમ કહીને એ બહાર ગયો. ધાર્યા કરતા ઓછા સમયમાં એ પાછો આવ્યો અને કહ્યું તમને અમે બીજા કૉટેજમાં મૂવ કરી દઈએ. અમે તેમને પૂછ્યું કે, સામાન મૂવ કરતા પહેલા એક વખત એ કૉટેજ જોઈ શકીએ કે કેમ. અમે જ્યાં હતા ત્યાંથી લગભગ બે ત્રણ મિનિટમાં જ ચાલીને અમે ત્યાં પહોંચ્યા. એ કૉટેજ અમને બરાબર લાગ્યો એટલે અમે તેમને સામાન મૂવ કરવાની હા પાડી.

અમે સામાનની રાહ જોતા એ યુવાન સાથે ત્યાં ઊભા હતા અને તેની સાથે થોડી વાત થઈ ત્યારે ખબર પડી કે, દિવાળીનાં રશનાં કારણે હોટેલ એકદમ બુક્ડ હતી એટલે બધા જ રુમ ઓક્યુપાઈડ હતાં. એ માણસ હાઉઝકીપિંગ મૅનેજર હતો અને તેણે પોતાનો રુમ અમને આપી દીધો હતો. અમે તેને પૂછ્યું પણ ખરું કે, આમ કરવાથી તેને કૈં પ્રૉબ્લેમ તો નહીં થાય ને? તેણે બહુ નમ્રતાથી હસીને કહ્યું કે, “હાઉઝકીપિંગ મૅનેજર તરીકે રિઝોર્ટ ગેસ્ટ્સનાં કમ્ફર્ટનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે.” એ સિવાય પણ અમારી થોડી વાત થઈ. એ ત્યાં સાત-આઠ વર્ષથી કામ કરતો હતો અને પોતાનાં કામથી બહુ ખુશ લાગતો હતો. અમે તેનું નામ પૂછ્યું તો તેણે કહ્યું દેવી પ્રસાદ. એ ખુશમિજાજ પણ હતો એટલે અમે રમૂજમાં ‘હેરા ફેરી’ ફિલ્મનો એક ડાયલોગ બોલ્યા પણ કમનસીબે તેને સમજાયું નહીં એટલે અમે તેને પૂછ્યું તેણે એ ફિલ્મ જોઈ છે કે કેમ. અમે સરપ્રાઇઝ્ડ હતા કે અત્યાર સુધી કોઈ ગેસ્ટે તેને આ મૂવીનો રેફરન્સ નહીં આપ્યો હોય?! આવું એટલા માટે હશે કે, ગેસ્ટ્સ અને સ્ટાફ વચ્ચે ક્યારેય બહુ વાત નહીં થતી હોય કે અહીં ઉત્તર ભારતનાં વિઝિટર્સ બહુ નહીં આવતા હોય? હું વિચારતી રહી. અમારો સામાન આવી ગયો ત્યાં સુધી તે અમારી સાથે જ રહ્યો અને જતા સમયે પોતાનો નંબર શેર કરીને કહેતો ગયો કે, તમારા સ્ટેમાં તમને ક્યારે પણ મદદની જરૂર હોય તો તમે મને કૉલ અથવા મેસેજ કરી શકો છો. હું તમને મારાથી બનતી મદદ કરીશ.

બધું સેટલ થયા પછી હું થોડી વાર કૉટેજનાં બૅકયાર્ડમાં ગઈ. ત્યાં એક નાનો પુલ હતો જેમાં સુંદર વૉટર લિલીઝ (કમળની એક જાત) તરતાં હતાં. એ કૉટેજ, આસપાસની હરિયાળી, ફૂલો, અને નેચર સાઉન્ડ્સ વચ્ચે પણ મને શાંતિ નહોતી લાગતી. હું ટ્રેડમિલ પર ચાલતી હોઉં તેવું લાગતું હતું. એક પછી એક પ્લાન બનાવવા અને એક્ઝિક્યૂટ કરવામાં જ બધી એનર્જી જતી હતી અને ક્યાંયે શ્વાસ લેવાનો અવકાશ નહોતો દેખાઈ રહ્યો. વૅકેશન મને ડિપ્રેસિંગ લાગવા માંડ્યું હતું. સાથીઓ સારા હતા પણ કોઈ સાથે કંઈ કનેક્શન નહોતું અને છતાં લગભગ બધી ઍક્ટિવિટીઝ સાથે કરવી મને ઑફિસનાં કામ જેવી લાગી રહી હતી. એ રાત્રે મને ખાસ ઊંઘ પણ ન આવી અને સવાર પડી ગયું. સવારે નવ વાગ્યે અમે એક કોરેકલ (એક પ્રકારનું ગોળાકાર હોડકું) રાઇડ એક્સપીરિયન્સ માટે જવાનાં હતા અને પછીનો રફ પ્લાન હતો ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ મૅચ જોવાનો.

સવારે બને તેટલા જલ્દી તૈયાર થઈને અમે બહાર નીકળી ગયા. દિવસે એ જગ્યા બિલકુલ અલગ જ દેખાતી હતી. કૉફીનાં પ્લાન્ટ્સ પાસે મરીનાં વેલાં હતાં. અમે એક લૂમ તોડીને એક-બે દાણાં ચાખ્યા. અદભુત્ સ્વાદ હતો! બીજી પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત પર મારું ધ્યાન ગયું. અમુક અમુક ઝાડ/છોડ પર પ્રખ્યાત લોકોનાં નામનું પાટિયું લગાવેલું હતું. પાસે જઈને જોયું તો ઉપર ઝીણાં અક્ષરે લખેલું હતું ‘પ્લાન્ટેડ બાય’. આખાં રિઝોર્ટમાં ઠેક-ઠેકાણે ફિલ્મ સુપર-સ્ટાર્સ, પ્રખાત બિઝનેસ ટાયકૂન્સ અને નેતાઓએ વૃક્ષો વાવેલાં હતાં અને તેમણે એ ક્યારે વાવેલાં હતાં એ તારીખ પણ લખેલી હતી. ત્યાંનાં પ્રખ્યાત વિઝિટર્સનાં નામ અને વાવેલાં વૃક્ષો પરની તારીખો વાંચીને ખબર પડતી હતી કે, આ પ્રોપર્ટી અને તેમનાં માલિક – રામાપુરમ્સ ઓછામાં ઓછા આઝાદીનાં સમયથી સમૃદ્ધ, અને વેલ-કનેક્ટેડ રહ્યા હોવા જોઈએ કારણ કે, દેશનો ‘એલીટ’ વર્ગ દશકોથી અહીંની મુલાકાત લેતો આવ્યો છે. જે લાઇફસ્ટાઇલમાં મારું બાળપણ વીત્યું છે ત્યાં રહીને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, દુનિયાની આવી જગ્યાઓ ક્યારેક મારા જેવી સાવ સામાન્ય વ્યક્તિ માટે પણ ઍક્સેસિબલ હશે. એવો ક્યારેય ગોલ પણ નહોત પણ, નસીબજોગે અમુક ઘટનાઓ ઘટી ગઈ અને એ દિવસે હું ત્યાં હતી!

ઠેક-ઠેકાણે ઝાડમાંથી પ્રકાશનાં સુંદર શેરડાં પડતાં હતાં અને રિઝોર્ટનાં કર્મચારીઓ ખરેલાં પાન, ડાળીઓ, રસ્તા અને ફુટપાથ સાફ કરી રહ્યા હતા. લગભગ કોઈ ગેસ્ટ નહોતા દેખાતા એટલે શાંતિ હતી. ફરતા ફરતા મારું બીજા એક પ્રકારનાં બોર્ડ્સ પર પણ મારું ધ્યાન ગયું. ઠેક-ઠેકાણે ‘સુવિચારો’ લગાવેલાં હતાં! અચાનક સુંદર રિઝોર્ટમાંથી હું સુંદર સ્કૂલમાં પહોંચી ગઈ હોઉં તેવું લાગ્યું. જે લોકોએ રિઝોર્ટ સ્ટાફ (સફાઈ કર્મચારીઓ સહિત) લગભગ બધાંનાં કપડાં પણ સુંદર એકસરખાં ખાખી રંગનાં રાખ્યાં હતાં અને આર્કિટેક્ચરની સુંદરતા પર પણ સારું એવું ધ્યાન આપ્યું હતું તે લોકોને ઠેક ઠેકાણે ‘સુવિચારો’નાં પાટિયાં લગાવવાં વિચિત્ર કઈ રીતે નહીં લાગ્યા હોય?! આટલાં સુંદર અને ઊંડાં પ્રાકૃતિક એક્સપીરિયન્સમાં લોકોને મોરલ-સાયન્સનાં લેક્ચર દેવાની જરૂરિયાત કેમ લાગતી હશે? એક જગ્યાએ લખ્યું હતું ‘with god nothing is hopeless, without god there is no hope’. મારું માથું ફરી ગયું. વેકેશન પર આવેલી વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવે છે, તેમનું બૅકગ્રાઉન્ડ શું છે, તમને કંઈ જ ખબર નથી. તમે એક ઇન્ટરનૅશનલ લક્ઝરી એક્સપીરિયન્સ બ્રાન્ડ બનવા માંગો છો. પૂરતાં સમૃદ્ધ છો કે દુનિયાની લગભગ તમામ લક્ઝરીયસ જગ્યાઓ તમે જોઈ અને માણી હોય, અને છતાં ધાર્મિક મૉરલ સાયન્સ લેક્ચર્સની ઉપર નથી ઊઠી શક્યાં?! કૅથલિક કૉન્વેન્ટ સ્કૂલનાં તમામ લક્ષણ મને અહીં દેખાતાં હતાં. (હું એટલા માટે જાણું છું કારણ કે, હું બાર વર્ષ તેમાં ભણી છું) મને દૂરથી તેની ગંધ આવવા માંડી હતી અને નો સરપ્રાઈઝ – રામાપુરમ્સ મલયાલી ક્રિશ્ચન્સ છે.

અમારા જે સાથીનો કૉલર-બોન તૂટ્યો હતો તેમને કોરેકલ રાઇડ નહોતી કરવી પણ, બાકીનાં બધા તૈયાર હતા અને અમારે હોટેલ રિસેપ્શન પર મળવાનું હતું એટલે હું એ તરફ ચાલી. મારું ધ્યાન મરી જેવાં જ દેખાતાં એક ફ્રૂટ પર પડ્યું. મરી જેવાં નાના દાણાદાર એ ફ્રૂટનો રંગ લાલ હતો અને મરીની જેમ તેનાં પણ ઝૂમખાં હતાં. પહેલા તો મને થયું કે આ પણ મરીની જ કોઈ વેરાયટી હોવી જોઈએ અને તેને ચાખી લઉં પણ, પછી થયું કદાચ ન પણ હોય અને જો ઝેરી હોય તો તો મર્યા! ત્યાં ખાખી કપડાંમાં એક માણસ મને પાસેથી નીકળતો દેખાયો. મેં ‘એક્સક્યુઝ મી’ કહીને તેને રોક્યો અને પૂછ્યું આ ફ્રૂટનું નામ શું છે? આ મરીની જ કોઈ જાત છે કે બીજું કૈં? તેણે હસીને જવાબ આપ્યો આ એક પ્રકારની ‘બેરી’ છે અને મને હાથમાં લઈને મસળવા કહ્યું. ટામેટાંનાં રસ જેવો એકદમ લાલ રંગ મારાં હાથ પર લાગી ગયો. મેં તેને પૂછ્યું આ ખાઈ શકાય છે? તેનું નામ શું છે? તેણે કહ્યું આ ઝેરી હોય છે એટલે ન ખાવી હિતાવહ છે. તેનું નામ ગેસ કરો! હું હજુ વિચારતી જ હતી કે કદાચ લોહી સાથે સંગત કોઈ નામ હોવું જોઈએ ત્યાં તેણે કહ્યું ‘બ્લડ બેરી’! તેણે ઝેરી કહ્યું હતું એટલે મેં રમૂજમાં તેને પૂછ્યું, હાથમાં મસળી છે તો મરી નહીં જાઉં ને? તો તેણે હસીને કહ્યું એટલી પણ ઝેરી નથી. ત્યાં મને સાથીઓનો અવાજ સંભળાયો એટલે તેને થૅન્ક્સ કહીને હું રિશેપ્શન પર ગઈ અને સૌથી પહેલા હાથ ધોયાં. હોટેલ સ્ટાફે અમને પાંચ મિનિટ બેસીને રાહ જોવા કહ્યું. ત્યાં સામે પણ મરી ઊગેલાં હતાં એટલે મેં સાથીઓને તેમાંથી તોડીને મરી ચખાડ્યાં અને તે પણ ખુશ થઇ ગયા!

અમારી કોરેકલ રાઈડનાં નાવિક આવ્યા અને અમને તેની પાછળ ચાલવાનું કહ્યું. રિઝોર્ટનાં મુખ્ય દરવાજાની બહાર નીકળીને એકાદ મિનિટમાં જ અમે એક કેડી પર ચાલલ્યા અને લગભગ દસેક મિનિટમાં કોરેકલ રાઈડનાં લોકેશન પર પહોંચ્યા. એ રસ્તો પણ અદ્ભૂત હતો ગ્રીન હતો. પાંચેક મિનિટ તો બન્ને બાજુ એકસરખી ઊંચાં વૃક્ષોની હરોળ હતી અને તેની વચ્ચેથી અમે પસાર થઇ રહ્યા હતા અને ત્યાં પણ અમારા સાથીઓની વાતો સતત ચાલુ હતી. શાંત જગ્યાએ થોડો અવાજ પણ મને કર્ણભેદી લાગતો હતો. નદીનો કિનારો પણ એકદમ શાંત અને સ્વચ્છ હતો. એક પછી એક અમે કોરેકલમાં બેઠા. અમે ધાર્યું હતું કે, એ કોરેકલ ટ્રેડિશનલ સૂકાં લાકડાં અને પાનનું બનેલું હશે પણ એ તો મૉડર્ન દેખાતું હતું અને ચામડાંનું બનેલું હતું એટલે નાવિકને સૌથી પહેલો પ્રશ્ન અમે એ જ પૂછ્યો. તેમણે કહ્યું આ કોરેકલ એ ટ્રેડિશનલ કોરેકલ કરતા વધારે સેફ છે એટલે અમે વર્ષોથી આ કોરેકલ જ વાપરીએ છીએ. કાવેરી નદીનું પાણી એકદમ શાંત અને ગહન હતું. આસપાસની હરિયાળી અને નદીની અંદરની હરિયાળીનાં કારણે તેનો રંગ થોડો લીલાશ પડતો દેખાતો હતો પણ, અમારા એક સાથી બોલ્યા “નદીમાં બહુ ગંદકી લાગે છે નહીં? પાણી બહુ સાફ નથી દેખાતું.” અને અમે કંઈ કહીએ તે પહેલા નાવિકનો જવાબ આવી ગયો કે, આ નદીનાં પાણીને સ્થાનિક લોકો કોઈ ક્યારેય ગંદું નથી થવા દેતા. એ જવાબ સાથે તેમની ચીડ પણ મને દેખાઈ. સ્વાભાવિક છે કે, તમે કોઈની માતૃભૂમિ વિષે વિચાર્યા વિના કંઈ પણ બોલો તો એ લોકોને ન જ ગમે. એ જવાબનો એક અનપેક્ષિત લાભ એ થયો કે, કોરેકલમાં ફાઈનલી શાંતિ છવાઈ ગઈ. થોડી વાર અમે એ શાંતિમાં પાણીનાં ખળખળ વહેણ સાથે જ સમય વિતાવ્યો. ખળખળાટ પણ ફક્ત કોરેકલની હલચલનો જ હતો. બાકીનાં પાણીમાં એક નાનું તરંગ પણ નહોતું. થોડો સમય તો મેં પાણીમાં હાથ ડુબાડી રાખ્યો અને બહાર જોતી રહી. એ અનુભવને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી.

કિનારા પાસે પાછા ફરતા મેં તેમને પૂછ્યું આ પાણી શું હંમેશા આટલું જ શાંત રહે છે? તેમણે કહ્યું ચોમાસાંમાં ઘણી વખત કાંઠો પણ ડૂબી જાય તેટલું પાણી હોય છે નદીમાં અને એ સમયે આસપાસનાં ગામમાં રહેતા લોકો ગામ ખાલી કરી દેતા હોય છે કારણ કે, નદીમાં પૂર પણ આવતા હોય છે. એક ઝાડ તરફ ઈશારો કરીને તેમણે કહ્યું અહીં ઘણી વખત હાથીઓ પણ આવે છે પાણી પીવા માટે. અમે પૂછ્યું તમે અહીં કેટલા સમયથી કામ કરો છો – તેમનો જવાબ આવ્યો પચીસ વર્ષ! અમારા જેવા કેટલા લોકોને તેમણે આ રાઇડ કરાવી હશે! તેમને કેટલી બધી કહાનીઓ ખબર હશે! કોરેકલ રાઈડ પત્યાનાં અડધી કલાકમાં જ બ્રેકફસ્ટનો સમય સમાપ્ત થતો હતો એટલે બધા રેસ્ટ્રોં તરફ દોડી ગયા. પાછા જતી વખતે એ રસ્તો વધુ જાદુઈ બની ગયો હતો – જયારે પણ હવા થોડી જોરથી ચાલતી ત્યારે પેલાં એકસરખા વૃક્ષોની હરોળમાંથી પાંદડાં ખરતાં અને એક બે મિનિટ સુધી સતત ખર્યા કરતા. જાણે દરેક પગલે કોઈ ઉપરથી ફૂલોની વર્ષા કરી રહ્યું હોય! મારા સાથીઓનું ધ્યાન નહોતું તેઓ ફરી વાતોમાં જ મશગુલ થઇ ગયા હતા અને હું ફરી ત્યાં ઊભી રહી ગઈ અને તેમને આગળ વધવા માટે કહ્યું.

હું અને બાકી બધા એક જ જગ્યાએ બે અલગ અલગ વેકેશન્સ પર હતા અને કદાચ એ જ આ જગ્યાની ખાસિયત હતી.

કર્ણાટક – 6

કર્ણાટક, ભારત

અમે કારમાંથી તરત બહાર આવ્યા અને જોયું કે એક પણ બૅગ પડી નહોતી. કૅરિયરનો એક નાનો ભાગ કારની છતમાંથી ઊખડીને બહાર આવી ગયો હતો અને છતને નુકસાન થયું હતું એ તો ચોખ્ખું દેખાઈ આવ્યું પણ, આખી પરિસ્થિતિ તો બૅગ્સ ઉતરે પછી જ સમજાય. રિઝોર્ટ સ્ટાફ મેમ્બર્સ દરવાજા પર બધાને વેલકમ કરવા માટે ઊભા હતા. સહપ્રવાસીઓમાંનાં ચાર લોકો ત્યાં પાંચ-દસ મિનિટ ઊભા રહ્યા પછી તેમની ધીરજ ખૂટી પણ, મને અને એક સાથીને ત્યાં ડ્રાઇવરને એકલો મૂકીને અંદર જતું રહેવું થોડું અજુગતું લાગ્યું. એ ડ્રાઇવર બહુ સારો માણસ હતો અને તેની કાર એકદમ નવી હતી એટલે અમને તેની થોડી ચિંતા થઇ. અમે બધો સામાન ઊતર્યો પછી જોયું કે, છત રિપેર કરીને તેનાં પર કૅરિયર ફરીથી લગાવવું પડે તેટલું ડૅમેજ હતું. અમે હોટેલ સ્ટાફને તાકીદ કરી કે, ડ્રાઇવરની કાર રિપેર કરવામાં તેમનાંથી બને તેટલી મદદ કરે. ડ્રાઇવરને પણ કહ્યું કે, જરુર પડે તો અમને કૉલ કરે અને કંઈ ચિંતા ન કરે.

એ દિવસે અમને ત્યાંનાં ટૂર-એક્સપીરિયન્સમાં સાઇન-અપ કરવા માટે બહુ મોડું થઇ ગયું હતું કારણ કે, રિઝોર્ટ બહુ બિઝી હતો અને અમે એડવાન્સમાં કોઈ એક્સ્પીરિયન્સિસ બુક નહોતાં કર્યાં. પણ, એ રાત્રે જે કલ્ચરલ એક્સપીરિયન્સ થવાનો હતો તેનાં માટે કોઈ સાઈન-અપની જરુર નહોતી એટલે એ શરુ થાય ત્યાં સુધી થોડો આરામ કરવાનું જ નક્કી કર્યું. અમે ચેક-ઇન ફોર્માલિટીઝ પતાવીને રુમ તરફ જવા તૈયાર થયા ત્યાં અમારા હોસ્ટ અમને ગૉલ્ફ કાર્ટ્સ તરફ લઇ ગયા અને ત્યારે પહેલી વખત એ રિઝોર્ટનો સ્કેલ મારા મગજમાં ઊતર્યો! તેમણે રિસેપ્શનથી અમારાં રુમ સુધી જતા સૌથી પહેલા અમને રિઝોર્ટની બધી ફેસિલિટીઝ દેખાડી અને જરૂરી માહિતિ આપી. મારું ધ્યાન તો જો કે, બહાર જ હતું… પુરુરવાને ઉર્વશીની સોબતમાં દુનિયા જેવી લાગે છે, એ વર્ણવતી દિનકરની પંક્તિ યાદ આવી ગઈ – “कौन है यह वन सघन हरियालियों का, झूमते फूलों, लचकती डालियों का!”

ત્યાં ‘મૅજિકલ ફોરેસ્ટ’ જેવી ફીલિંગ આવતી હતી અને મને તેમની બીજી કોઈ જ વાતમાં રસ નહોતો. ફેસિલિટીઝ દેખાડ્યા પછી અંતે અમને અમારાં રુમ પર લઇ જવામાં આવ્યા અને ત્યાં એક પછી એક સાથીઓનો સામાન ઊતારવા લાગ્યો. રુમમાં આંટો મારીને થોડાં સેટલ થઈને તરત ત્યાંનાં એક રેસ્ટ્રોંમાં ગયા ‘હાય ટી’ માટે. એ વિશાળકાય રેસ્ટ્રોં આખું ભરચક હતું. શનિવાર હતો અને એ પણ દિવાળી પછીનો સૌથી પહેલો શનિવાર એટલે આટલી ભીડ તો અપેક્ષિત હતી પણ, એ ભીડનો મોટો ભાગ ગુજરાતી હતો એ સરપ્રાઈઝિંગ હતું! મને બહુ કંઈ ખાવાની ઈચ્છા નહોતી અને કોઈ સાથે કંઈ વાત કરવાની તો સાવ જ ઈચ્છા નહોતી એટલે હું ત્યાં પાસે આવેલાં એક્સપીરિયન્સ સેન્ટર તરફ ચાલી કારણ કે, અંધારું થઈ ગયું હતું, કલ્ચરલ શો ત્યાં થવાનો હતો અને તે શરુ થવાને લગભગ વીસેક મિનિટની જ વાર હતી. એક્સ્પીરિયન્સ સેન્ટર પાસે જ તેમની એક સુવેનિયર શોપ હતી ત્યાં મેં થોડી વાર ટાઇમપાસ કર્યો.

શોનો સમય થયો ત્યાં હાઇ-ટીવાળું આખું ક્રાઉડ એક્સપીરિયન્સ સેન્ટરની સામે આવીને બેસી ગયું. ફોરેસ્ટ રેન્જર જેવાં યુનિફોર્મમાં એક માણસ માઈક લઈને આવ્યો. એ સાંજનો અમારો હોસ્ટ હતો. તેણે અમને કૂર્ગ અને ત્યાંનાં સ્થાનિક ‘કોડવા’ લોકો તથા તેમની સંસ્કૃતિ વિષે અમને થોડી સંક્ષિપ્ત માહિતી આપી. ત્યાં એકસરખાં મરુન રંગની સાડીઓ પહેરીને એક ગ્રૂપમાં અમુક સ્ત્રીઓ ઊભી હતી. હોસ્ટે એક પછી એક બધાનાં નામ જણાવ્યા અને જણાવ્યું કે, આ સ્ત્રીઓ બહુ દૂરથી અલગ અલગ નાના ગામમાંથી ખાસ આ પ્રેઝન્ટેશન માટે આવે છે. તેઓ કોઈ પ્રોફેશનલ પરફોર્મર્સ નથી અને સામાન્ય રીતે તેઓ પોતાનાં તહેવારો અને સારાં પ્રસંગોએ જ આ ડાન્સ કરતા હોય છે પણ, આ રિઝોર્ટ સાથે લોકલ કમ્યુનિટીને દશકોથી સારો સંબંધ છે એટલે અહીં પરફોર્મ કરવામાં તેઓ કમ્ફર્ટેબલ ફીલ કરે છે. પછી તેમનો કાર્યક્રમ શરુ થયો અને બધા ગુજરાતીઓને ગરબા યાદ આવી ગયા. તેમનો ડાન્સ ગરબા સાથે એકદમ મળતો આવતો હતો પણ તેમની બોડી-લૅન્ગવેજ થોડી અલગ હતી. તેમનાં કાર્યક્રમને અંતે જયારે હોસ્ટે સ્ત્રીઓને તેમની સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું ત્યારે ઘણી સ્ત્રીઓ તેમની સાથે જોડાઈને ગરબા કરવા લાગી.

એ કાર્યક્રમ પત્યા પછી લગભગ અડધી કલાકમાં ડિનર શરુ થવાનું હતું. પણ, સાંજે નાશ્તો કર્યો હોવાને કારણે અમારાં સહપ્રવાસીઓને બહુ ભૂખ નહોતી લાગી એટલે અમે ફરી ત્યાં શોપમાં થોડો સમય વિતાવ્યો અને પછી ધીમે ધીમે ડિનરનાં લોકેશન તરફ ચાલ્યા. એ રાત્રે તેમનું કોઈ સ્પેશિયલ આઉટડોર ડિનર અરેન્જમેન્ટ હતું. સાંજે જ્યાં નાશ્તો કર્યો હતો એ રેસ્ટ્રોં પાસે એક સાંકડી, અંધારી ગલીમાં થઈને ડિનર વેન્યુ સુધી જવાતું હતું. થોડું ચાલ્યા કે, તરત અમને નાનાં-મોટાં હજારો દીવા ઝળહળતા દેખાયા. રાત્રે ઘેરાં અંધકારમાં એ દીવાનો પ્રકાશ બહુ સુંદર દેખાતો હતો અને એ દીવા ઢાળ પર રાખવામાં આવ્યાં હોય તેવું લાગતું હતું કારણ કે, અલગ અલગ લેવલ પરથી પ્રકાશ આવતો હોય તેવું લાગતું હતું. એ મેદાન સુધી પહોંચવાની કેડીની બંને બાજુ પણ દીવા રાખવામાં આવ્યા હતા. આ સમયે પણ મારા સહપ્રવાસીઓની બિલકુલ કુસંગત વાતો સતત ચાલુ જ હતી અને મને તેનાંથી બહુ અકળામણ થવા લાગી હતી. હું ફોટોઝ અને વીડિયોઝ લેવાનાં બહાને ત્યાં એન્ટ્રી પર જ થોડી વાર ઊભી રહી ગઈ અને તેમને આગળ વધવા કહ્યું. તેમનો અવાજ સંભળાવો બંધ થયો પછી મેં ચાલવાનું શરુ કર્યું.

અંદર ફક્ત જરૂર પુરતી હલ્કી રોશની હતી અને લાઈવ મ્યુઝિક ચાલુ હતું. સામે એક લાંબું બફે લગાવેલું હતું. અમે જમવાનું લેવા માટે ગયા તો ક્યાંયે પ્લેટ્સ ન મળે. સૌથી પહેલા કાઉન્ટર પર અમને કહેવામાં આવ્યું કે, તમે અહીં અમને તમારો ઓર્ડર જણાવી દો પછી જમવાનું તમારા ટેબલ સુધી પહોંચી જશે. ત્યાં ઓછામાં ઓછાં ચાર-પાંચ કાઉન્ટર લાગેલાં હતાં એટલે અમે એક પછી એક અમારો ઓર્ડર કહેતા ગયા. વળી એક બે કાઉન્ટર એવાં આવ્યાં કે, ત્યાં ઓર્ડર કરેલું જમવાનું અમારે સેલ્ફ-સર્વ કરીને લઈ જવાનું હતું. બન્યું એવું કે, અમે એ બધું કરીને ટેબલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું બધું જમવાનું ટેબલ પર મુકાઈ ગયું હતું અને ઠંડું પણ થઈ ગયું હતું. આખી પ્રોસેસ અતિશય કન્ફ્યુઝિંગ હતી. વળી, અમારા એક સાથી, જેનાં સ્પેશિયલ ડાયટ પ્રેફરન્સ હતાં તેમની વ્યવસ્થા કઈ રીતે થશે તેની જાણકારી આપનાર ત્યાં કોઈ જ નહોતું. થોડી વારમાં એક સજ્જન અમારી પાસે આવ્યા પૂછવા માટે કે, બધું બરાબર છે કે કેમ? મેં તેમને જણાવ્યું કે, મેન્યુ અને પ્રેપરેશન તો ખૂબ સરસ છે પણ, અમારા એક સાથીને મેન્યુ સિલેક્શનમાં મદદની જરૂર છે અને આ આખો અનુભવ અમારા માટે બહુ જ કન્ફ્યુઝિંગ રહ્યો છે. તેમણે એ ફિડબેક પર તરત એક્શન લઈને અમને ખૂબ મદદ કરી અને અમારો બાકીનો ડિનર એક્સપીરિયન્સ બને તેટલો કંફર્ટેબલ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેમનાં બૅજ પર લખેલું હતું ‘ઘોષ’. જમીને અમારાં અમુક સાથીઓ બંગાળથી આવ્યા હતા તેમણે તેમની સાથે બંગાળીમાં થોડી વાત કરી. તેમણે અમને જણાવ્યું કે તેઓ ત્યાંનાં ત્રણ રેસ્ટ્રોમાંનાં એકનાં મૅનેજર છે અને કહ્યું કાલે સવારે બ્રેકફસ્ટ માટે તમે ત્યાં જ આવજો એટલે હું તમને મદદ કરી શકીશ.

ભારતમાં લક્ઝરી ટ્રાવેલનો આ અમારો સૌથી પહેલો એક્સપીરિયન્સ હતો એટલે એકદમ અનાયાસે અમે કૈંક નોટિસ કરતા અને અમને આશ્ચર્ય થતું! અમારાં ટેબલ પાસે એક ફૅમિલી બેઠું હતું – પતિ, પત્ની, બે બાળકો અને તેમની સાથે ક્લિયરલી સોસાયટીનાં અલગ તબકામાંથી આવેલી બે સ્ત્રીઓ. એ લોકો બે બાળકો માટે બે અલગ-અલગ કેરટેકરને સાથે લઈને આવ્યા હતા! બે કેરટેકરને લક્ઝરી રિઝોર્ટમાં હૉલિડે પર લઇ આવી શકે તેટલાં પૈસા હોય છે લોકો પાસે! આ જોઈને મને ત્યાંનો ડેમોગ્રાફિક સર્વે કરવાની ઈચ્છા થઇ આવી અને મેં ત્યાં એક ચક્કર માર્યું. એક ગ્રૂપમાં બધા જ તેમનાં બાળકો માટે કેરટેકર્સ/નૅનીઝ લઈને આવ્યા હતા અને તેમનાં ડિનર ટેબલ પાસે અલગથી બાળકો અને નૅનીઝનું ટેબલ લગાવેલું હતું. સોલો ટ્રાવેલર્સ તો ત્યાં લગભગ હતા જ નહીં. કદાચ સોલો ટ્રાવેલર્સ મોટાં ભાગે નોન-રશ સીઝનમાં ટ્રાવેલ કરતા હશે? કે પછી એ જગ્યા સોલો ટ્રાવેલર્સ માટે બહુ મોંઘી હોતી હશે?! જેટલા સોલો ટ્રાવેલર્સને હું ઓળખું છું તે કોઈ મની-માઇન્ડેડ નથી અને મોટા ભાગે બજેટ-ફ્રેન્ડલી ટ્રાવેલ કરતા હોય છે એટલે અહીં કદાચ બહુ સોલો ટ્રાવેલર્સ આવતા જ નહીં હોય?! ત્યાં દેખાયા એ કોઈ એક્સ્પ્લોરર નહોતા લાગતા એટલે ઇન્ટરેસ્ટિંગ પણ નહોતા લાગતા. કદાચ એટલે પણ હું ત્યાં થોડું આઉટ-ઑફ-પ્લેસ ફીલ કરી રહી હતી.

ચાલીને હું એકદમ આગળ પહોંચી ત્યાં મ્યુઝિશિયન્સ પોતાનું મ્યુઝિક વગાડી રહ્યા હતા. રિઝોર્ટ સ્ટાફે બુદ્ધિ વાપરીને મ્યુઝિશિયન્સની બરાબર સામે સૌથી આગળ નાના બે-ત્રણ સીટનાં ટેબલ ગોઠવ્યાં હતાં અને પાછળ, અમે જ્યાં બેઠા હતા ત્યાં, મોટા ગ્રૂપ અને ફૅમિલીઝનાં ટેબલ હતા કારણ કે, મોટા ગ્રૂપને તો પોતાની વાતો સિવાય બીજે ક્યાંયે રસ હોવાનો નહોતો! અમે જ્યાં બેઠા હતા ત્યાં તો ઘોંઘાટનાં કારણે મ્યુઝિક પર ધ્યાન દેવું લગભગ અશક્ય હતું. મને ફરી એ સેટિંગમાં ફક્ત એ મ્યુઝિક માણવા માટે બીજી વખત એ રિઝોર્ટમાં એકલા જવાની ઈચ્છા થઇ આવી.

એ દિવસ અમારા માટે બહુ લાંબો રહ્યો હતો એટલે જમીને તરત રુમ પર જઈને આરામ કરવાનું નક્કી કર્યું. હું અને એક સાથી બધાને બાય કહીને પોતાનાં રુમ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અમારું ધ્યાન ત્યાંનાં નેચર-સાઉન્ડ્સ પર પડ્યું. જાણે આખું જંગલ એ રાત્રે જીવંત હતું! જંગલનું લાઈવ ઑર્કેસ્ટ્રા ચાલી રહ્યું હતું! અમે બધો થાક ભૂલી ગયા અને પાકા રસ્તા પર અમારાં રુમ્સની વિરુદ્ધ દિશામાં જ્યાં સુધી ચાલીને જઈ શકાય ત્યાં સુધી જવાનું નક્કી કર્યું. દસેક મિનિટમાં અમે એક તળાવનાં કિનારે આવી પહોંચ્યા અને ત્યાં પણ એ સાઉન્ડ્સ ચાલુ જ હતાં! મને ખબર પણ નથી એ રાત્રે અમે કોનાં કોનાં અવાજ સાંભળ્યા હશે. એ પણ ખબર નથી એ બધા જંતુઓનાં જ અવાજ હતાં કે પક્ષીઓ અને પશુઓ પણ હતાં પણ જે હતાં એ ઇનક્રેડિબલ હતાં! તળાવ પાસે બહુ આછી રોશની હતી અને ગજબ માહોલ હતો. મને ત્યાં જ બેસી રહેવાનું મન થયું. પણ, એકાદ મિનિટમાં જ મારા સાથીએ કોઈ ગીત ગણગણવાનું શરુ કર્યું. માણસને બોલવાની અને પોતાનો અવાજ સાંભળવાની આટલી અદમ્ય ઈચ્છા કેમ થતી હશે એ મને કોઈ દિવસ નહીં સમજાય. નસીબજોગે એ ગણગણાટ બહુ લાઉડ નહોતો.

પાંચ મિનિટ ત્યાં ઊભા રહીને અમે અમારા રુમ પર પહોંચ્યા…

કર્ણાટક – 5

કર્ણાટક, ભારત

સવારે ફરી ઝીણો ઝીણો મ્યુઝિકનો અવાજ – એ દિવસે કોઈ નીચે સાક્સોફોન વગાડી રહ્યું હતું. એ સેટિંગમાં વૃક્ષો નીચે, ખુલ્લા મોટાં કૉર્ટયાર્ડમાં તેમને સંગીત વગાડવાની પણ કેટલી મજા આવતી હશે! અમે હોટેલથી ચેક આઉટ કરવા માટે લગભગ તૈયાર થઇ ગયા હતા ત્યાં ખબર પડી કે, અમારા એક સાથીને છાતીની પાંસળી પાર સવારમાં મૂઢ માર વાગ્યો છે. થયું એવું કે, એ હેરિટેજ પ્રોપર્ટીનાં બાથરુમ પણ ઐતિહાસિક હતાં. બાથ ટબ પર શાવર લગાવેલાં હતાં અને ટબ એટલાં ઊંડાં હતાં કે, ટબમાં જવા માટે પહેલા લાકડાંનાં એક પાટા પર ચડવું પડે. આ પાટો પ્રમાણમાં હલકો હતો અને આસાનીથી ખાસતો હતો એટલે ટબમાં જતા કે તેમાંથી બહાર નીકળતા સમયે જરા પણ બેદરકાર થઈએ તો પાટો ખસી જાય અને ઉપર ઊભેલી વ્યક્તિ પડે. અહીં એવું જ બન્યું હતું. નસીબજોગે તેમનું માથું બચી ગયું પણ તેમનો જમણો ખભો ટબ સાથે બહુ જોરથી અથડાયો હતો. અમે ભલામણ કરી કે આપણે તરત ડૉક્ટર પાસે જઈએ પણ, તેમની ઈચ્છા હતી કે, થોડો સમય રાહ જોઈએ પછી નક્કી કરીએ ડૉક્ટર પાસે જવાની જરુર છે કે નથી.

અમારે જેની મુલાકાત લેવી હતી તે કૅફે ‘નાવીલ્યુના (Naviluna)’ હૉટેલથી બહુ દૂર નહોતું એટલે અમને ત્યાં સુધી ચાલીને જવાની ઈચ્છા થઇ. અમારા ઈજાગ્રસ્ત સાથીને પણ ચાલવામાં કોઈ મુશ્કેલી નહોતી એટલે ડ્રાઇવર ગાડી પર અમારો સામાન બાંધે તેટલાં સમયમાં અમે ચાલીને ત્યાં સુધી પહોંચવાનું નક્કી કર્યું. ડ્રાઇવરને લોકેશન મોકલીને અમે લોકો ચાલવા લાગ્યા. પહોળાં રસ્તા પર જૂના વિશાળ વૃક્ષો, રસ્તામાં કોઈ મોટી સ્કૂલ પણ આવી ત્યાં સ્ટુડન્ટ્સની ચહેલ-પહેલ અને ત્યાંની ધીમી ગતિ અમને બહુ મોહક લાગી. લગભગ પંદર મિનિટમાં અમે ત્યાં પહોંચી ગયા. એ બિલ્ડિંગ પણ જૂની શૈલીનું, બહુ સુંદર હતું. અંગ્રેજોનાં સમયનું બાંધકામ લાગતું હતું – નાનું પણ ક્યૂટ. ત્યાં નીચે તેમની ચૉકલેટ ફૅક્ટરી હતી અને ઉપર કૅફે. કૅફેનું એસ્થેટિક બહુ મસ્ત! અમે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જ નહોતું. સ્ટાફ પણ દેખાતો નહોતો. મ્યુઝિક બહુ લાઉડ હતું અને એ જગ્યાનાં વાઇબ સાથે મેળ નહોતું ખાતું. અમે એક બે મિનિટ રાહ જોઈ કે કોઈ આવે તો તેમને કહીએ પણ કોઈ દેખાયું નહીં એટલે અમારા એક સાથીએ કહ્યું ચાલો આપણે જ મ્યુઝિક બંધ કરી દઈએ. એ મને થોડું અજુગતું લાગ્યું એટલે મેં થોડી ટકોર કરી પણ તેની કોઈ અસર ન થઇ. કોઈ કમર્શિયલ સ્પેસમાં પણ આપણે કોઈની વસ્તુ શું કામ અડવી જોઈએ?! એની વે, મ્યુઝિક બંધ થતા જ અંદરનાં એક રુમમાંથી એક બરિસ્ટા બહાર આવ્યો અને અમને સમજાયું કે, કૅફે કાઉન્ટર ત્યાં અંદર છે.

અમે અંદર ગયા અને જોયું કે, બરિસ્ટાએ પહેલું કામ તેની મ્યુઝિક સિસ્ટમ ચેક કરવાનું કર્યું અને અમને કહ્યું પણ ખરું કે, કૅફેનાં માલિકે થોડું કોમ્પ્લિકેટેડ સેટ-અપ કર્યું છે એટલે તેમને થોડું ધ્યાન રાખવું પડે છે. મેં સૂચક નજરે એ સાથી તરફ જોયું પણ એ વિષે વધુ કંઈ બોલીને પથ્થર સાથે માથું ફોડવાની જરુર ન લાગી. કાઉન્ટર પાસે તેમની બનાવેલી ચૉકલેટ્સનું નાનું પણ સરસ કલેક્શન હતું અને મેન્યુમાં કૉફીનું પણ સારું એવું સિલેક્શન હતું. બરિસ્ટા હસમુખ અને ભલો હતો એટલે તેની સાથે અમે ચૉકલેટ વિષે, કૉફી વિષે અને તેમની કંપની વિષે બહુ નિરાંતે વાત કરી. અમે વિચાર્યું હતું ત્યાં બધો સ્ટાફ લોકલ હશે પણ, એ યુવાન બંગાળી હતો. એ બંગાળથી અહીં ખાસ આ કામ કરવા માટે આવ્યો હતો! હું ફરી અહીંની ડાયવર્સ અને સ્ટ્રોંગ ઈકોનોમીનાં વિચારમાં ખોવાઈ ગઈ. આ શહેરમાં લોકલ સ્મોલ-ટાઉન વાઇબ અને રિલેક્સ્ડ લાઇફસ્ટાઇલ સાથે ઇન્ટરનેશનલ ટેસ્ટ અને એસ્થેટિકનું કેટલું અદ્ભુત મિશ્રણ હતું!

ત્યાં ફક્ત એક બરિસ્ટા બધું સાંભળી રહ્યો હતો એટલે તેમની સર્વિસ થોડી ધીમી હતી એ કારણે ત્યાં ધાર્યા કરતા વધુ સમય લાગ્યો અને ત્યાંથી નીકળતા લંચનો જ સમય થઇ ગયો. એ દિવસે લંચ માટે પણ અમારી પાસે બહુ કોઈ આઈડિયા નહોતા પણ, આગલા દિવસે જ્યાં કૉફી પીવા ગયા હતા એ વિસ્તારની કોઈ જગ્યા એક્સપ્લોર કરવાનું મન થયું એટલે અમે એ દિશામાં જ જવા લાગ્યા. મને વિચાર આવ્યો એ કૅફે પાસે ડાબી બાજુ જે બેકરી/કૅફે/શોપમાં અમે ગયા હતા ત્યાં જ કંઈક ખાઈએ. રસ્તામાં અમે એક ઑર્થોપેડિક ડૉક્ટરનું સાઈનબોર્ડ જોયું અને અમારાં સાથીને પૂછ્યું જો તેમને ડૉક્ટર પાસે જવાની જરુર લાગતી હોય તો અહીં જઈને જોઈએ પણ, તેમણે ફરી ના પાડી.

અમે જ્યાં લંચ કરવા ઇચ્છતા હતા એ જગ્યા ગૂગલ મૅપ્સ પર લિસ્ટેડ નહોતી અને અમને તેનું નામ પણ નહોતું યાદ એટલે ત્યાં પહોંચીને જ ખબર પડી કે એ બંધ હતી. ત્યાં પાસે અમને મૅપ્સ પર ‘ચટોરી સ્ટ્રીટ’ નામની એક જગ્યા દેખાઈ જેનું રેટિંગ સારું હતું એટલે અમે ત્યાં જવા લાગ્યા. રસ્તામાં લગભગ દરેક ઘર પર ‘યોગા સેન્ટર’નું પાટિયું માર્યું હોય તેવું લાગ્યું અને સમજાયું આ શહેર ‘યોગા કેપિટલ’ તરીકે કેમ ઓળખાય છે. ચટોરી સ્ટ્રીટનાં મેન્યુમાં સાઉથ ઇન્ડિયન કંઈ હતું જ નહીં! ત્યાં ફક્ત ચાટ અને નૉર્થ ઇન્ડિયન વસ્તુઓ જ મળતી હતી અને રેસ્ટ્રોં સ્ટાફ પણ નોર્થ ઇન્ડિયનન હોતો એટલે અમને ત્યાં પણ કંઈ ખાસ મજા આવે તેવું લાગતું નહોતું પણ છતાંયે અમે તેમને પૂછ્યું જો એ લોકો અમને કંઈ પણ સાઉથ ઇન્ડિયન બનાવી દઈ શકતા હોય તો! મૅનેજર ભાલો માણસ હતો અને તેમને તરત સમજાઈ ગયું કે અમે પ્રવાસીઓ છીએ અને લોકલ ફૂડ માણવા ઇચ્છીએ છીએ એટલે તેમણે અમને ‘એસપીઆર (SPR)’ નામની એક જગ્યાએ જવાની ભલામણ કરી. અમને ભૂખ એટલી લાગી હતી કે, અમે લાંબું ડ્રાઈવ કરીને ક્યાંયે જવા નહોતા ઇચ્છતા એટલે અમે તેમને પૂછ્યું આસાપાસ ચાલીને જઈ શકીએ તેવી કોઈ જગ્યા હોય તો. પણ, તેમણે અમને ધરપત આપી કે, ડ્રાઈવ કરીને જતા પાંચ મિનિટમાં જ પહોંચી જશો. તેમની વાત સાચી હતી કારણ કે, એ વિસ્તાર દેખીતી રીતે રેસિડેન્શિયલ હતો અને ત્યાં બહુ રેસ્ટ્રોંઝ હોવાની સંભાવના ઓછી હતી.

એસપીઆર (SPR) અમારા માટે એક પ્લેઝન્ટ સરપ્રાઈઝ હતું. મેં એ જ દિવસે સાઉથ ઇન્ડિયન સપ્પડ (થાળી) ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અનેએ જગ્યાએ લંચમાં ફક્ત થાળી જ મળતી હતી. એ રેસ્ટ્રોં ઓપન-એર હતું અને ત્યાં ચારે તરફ હરિયાળી જ હરિયાળી હતી. વરસાદથી બચવા માટે ઉપર પાક્કી છત હતી અને દીવાલોને બદલે ફક્ત પ્લાસ્ટિકનાં પારદર્શક સેપરેટર એટલે હરિયાળી સતત દેખાતી રહે! એ લોકો બધાંને કેળાંનાં પાન પર પિરસી રહ્યા હતા એટલે અમને એ જોઈને જ મજા આવી ગઈ. અમે ડ્રાઇવરને પણ ત્યાં જ જમવાની ભલામણ કરી તો એ પણ ખુશ થઇ ગયા. તેમનું જમવાનું પણ એકદમ સ્વાદિષ્ટ હતું! આ જગ્યાનું ગૂગલ મૅપ્સ પર રેટિંગ છે 3.9!!! અમે ફક્ત મૅપ્સનાં આધારે જગ્યા નક્કી કરી હોત તો ક્યારેય અહીં ન પહોંચ્યા હોત.

જમીને અમારા સાથીએ કહ્યું તેમને હવે ડૉક્ટર પાસે જવાની જરુર લાગે છે. મેં જમી લીધું હતું, બાકીનાં ચાર લોકો હજુ જમી રહ્યા હતા અને અમે ઑલરેડી અમારા ધારેલા સ્કેડ્યુલ કરતા એકાદ કલાક મોડા હતા એટલે તેમની રાહ જોવાને બદલે અમે એવું નક્કી કર્યું કે અમે બે લોકો ડૉક્ટર પાસે પહોંચીએ અને બાકીનાં લોકો પાછળથી ત્યાં આવે. અમને એ દવાખાનાનું નામ નહોતું ખબર પણ ત્યાં જવાનો રસ્તો યાદ હતો એટલે હું ડ્રાઈવરને કહેતી ગઈ એ પ્રમાણે તે આગળ ચાલ્યા. રસ્તા અને ડિરેક્શનની બાબતે મારી લગભગ ફૉટોગ્રાફિક મેમરી છે. બિલકુલ અજાણ્યા શહેરમાં પણ એક વખત કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા હોઈએ તો પણ મને એ રસ્તો યાદ રહી જતો હોય છે. સામાન્ય જીવનમાં આ બહુ યુઝલેસ સ્કિલ છે પણ, ટ્રાવેલિંગમાં આ એક સુપર-પાવર છે.

અમે ડૉક્ટરનાં ક્લિનિક પર પહોંચ્યા તો ક્લિનિક ખુલ્લું હતું પણ અંદર કોઈ નહોતું. પહેલા તો મેં તેમનું બૉર્ડ વાંચ્યું – ‘ગોકુલમ્ ઑર્થોપીડિક સેન્ટર’. ડૉક્ટરનાં નામ નીચે ‘એમ.બી.બી.એસ’ અને ‘એમ.ડી ઓર્થો.’ વાંચીને થોડી નિરાંત થઇ કે, ચાલો સાવ ખોટી જગ્યાએ તો નથી આવ્યા. ક્લિનિકને અડીને આવેલાં ઘર પર પણ એ જ ડૉક્ટરનું નામ હતું અને ત્યાં લખેલું હતું ડૉકટરને બોલાવવા માટે આ નંબર પર ફોન કરો. અમે ફોન કર્યો તો કોઈ સ્ત્રી બહાર આવી અને અમને કહ્યું પાંચ-દસ મિનિટ બેસો ત્યાં ડૉક્ટર જમીને આવે. થોડી વાર અમે બેઠા ત્યાં ડૉક્ટર આવ્યા. તેમની ઉંમર સિત્તેર-એંશી વચ્ચે હોવી જોઈએ. તેમણે આખી વાત જાણી અને તેમની પાસે ત્યાં જ એક્સ-રે મશીન પણ હતું એટલે તેમણે તરત પોતાનાં આસિસ્ટન્ટને કહીને એક્સ-રેની તૈયારી શરુ કરાવી. તેમને ખબર તો પડી જ ગઈ હતી કે અમે પ્રવાસી છીએ પણ એક્સ-રે થાય એ સમયમાં કેઝ્યુઅલી એ હું શું કામ કરું છું, ક્યાં કામ કરું છું એ પણ પૂછવા લાગ્યા. મને પહેલા તો ડર લાગ્યો કે આ ભાઈ યુ.એસ.એ સાંભળીને કદાચ લાંબું બિલ ફાડશે તો?! પણ, ત્યાં આમ પણ અમારી પાસે બીજા કોઈ ઓપ્શન નહોતા એટલે મેં ‘જો હોગા દેખા જાયેગા’નાં હિસાબે વાત ચાલુ રાખી. તેમણે પોતાની યુ.એસ.એ ટ્રિપની વાત શરુ કરી. “હું સાન ફ્રાન્સિસ્કો ગયો છું. મારો ભાઈ યુ.એસ.એ રહે છે. હું યુવાન હતો ત્યારે ત્યાં લાસ વેગસ એક મોટી મેડિકલ કોન્ફરન્સ માટે આવ્યો હતો. ત્યારે મારો ભાઈ અને હું ડ્રાઇવ કરીને લગભગ આખું યુ.એસ.એ. ફર્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પણ ગયા હતા.” મને તેમની વાતમાં રસ પડવાનો શરુ થયો ત્યાં એક્સ-રે પતી ગયો.

તેમણે રિપોર્ટ જોઈને અમને સમજાવવાનું શરુ કર્યું. “પાંસળીમાં ફ્રેક્ચર છે. તેનાં બે ઈલાજ છે – કંઈ ન કરીએ અને ફ્રેક્ચર આપોઆપ ઠીક થઇ જાય તેની રાહ જોઈએ અથવા સર્જરી કરીએ. આ કેસમાં સર્જરીનાં ફાયદા કરતા નુકસાન વધારે છે એટલે હું સર્જરી રેકમેન્ડ ન કરું. તેને આપોઆપ હીલ થવા દઈએ એ જ સારામાં સારો ઓપ્શ્ન છે. તેમણે અમારા સાથીને પૂછ્યું તમે કેટલા દિવસ પછી ઘરે પાછા ફરશો? અમે કહ્યું ચાર દિવસ પછી તો તેમણે કહ્યું ok. પાછા જઈને તમારા શહેરમાં કોઈ ઑર્થોપેડિક ડૉક્ટરને એક વખત બતાવી દેજો એટલે એ તમને કહી શકશે તમારી રિકવરી કેવી છે. હું માનું છું ત્યાં સુધી બે ત્રણ મહિનામાં બિલકુલ સારું થઇ જવું જોઈએ. એની કવેશ્ચન્સ?” અમે તેમને સૌથી પહેલા તો એ પૂછ્યું કે, એ બીજા ઑર્થોપેડિક ડૉક્ટર સર્જરી માટે જવાની સલાહ આપે તો? તેમણે કહ્યું “આખી દુનિયામાં આ પ્રકારનાં ફ્રૅક્ચરની આ એક જ સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. તમે દુનિયાનાં સારામાં સારા ડૉક્ટરને પૂછશો તો એ પણ આ જ સલાહ આપશે. એટલે કોઈ તમને સર્જરી કરવાનું કહે તો પણ તમે કૉન્ફિડન્સ સાથે તેમને ના પાડી દેજો.” આ પછી અમે તેમને લગભગ દસેક મિનિટ સુધી અલગ અલગ સવાલ પૂછ્યા હશે અને એ દરેક સવાલનાં તેમણે અમને સંતોષ થાય ત્યાં સુધી જવાબ આપ્યા. એ ડૉક્ટરની વર્ક-એથિક અને સરળતા – શું કહેવું! હલન-ચલનથી દુઃખાવો ન થાય એ માટે તેમણે અમારા સાથીને એક કાસ્ટ બાંધી આપ્યો અને કૅલ્શિયમ સપ્લિમેન્ટ્સ અને પેઈન-કિલર આપીને અમને રવાના કર્યા! છેલ્લે અમે બિલ સેટલ કરવા માટે ગયા તો ડૉક્ટરની વિઝિટિંગ ફી, એક્સ-રે, કાસ્ટ, અને બે મહિનાની દવાઓ આ બધું મળીને ટોટલ બિલ હતું ફક્ત ચારેક હજાર રૂપિયા!

અમે ત્યાંથી ફ્રી થયા તેટલી વારમાં ડ્રાઈવર અમારા સાથીઓને લઈને આવી ગયા એટલે અમે તરત કૂર્ગ તરફ જવા લાગ્યા. અમે વિચાર્યું હતું ત્રણેક વાગ્યા સુધીમાં કૂર્ગ પહોંચી જઈશું પણ અઢી તો ત્યાં જ વાગી ગયા હતા. અમારા સાથીને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળી ગઈ એ બાબતે અમે ખુશ હતા. કૂર્ગ નાની અને અંતરિયાળ જગ્યા છે. ત્યાં અમને કોઈ સારા ડૉક્ટર મળે કે કેમ એ પણ મોટો સવાલ હતો એટલે મૈસુરમાં આટલી સરળતાથી અને જલ્દી તેમની સારવાર થઇ ગઈ તેની અમને બધાને ખુશી હતી.

કૂર્ગ જતા રસ્તામાં ફરી કર્ણાટકનું લૅન્ડસ્કેપ માણવામાં અમે મશગુલ થઇ ગયા. એક પછી એક ખેતર આવતા રહ્યા અને અમને ત્યાં શું ઊગે છે એ જાણવામાં રસ હતો એટલે અમે એ વિષે ડ્રાઈવરને પૂછવા લાગ્યા. તેમણે અમને સોપારીનાં ઝાડ દેખાડ્યા અને બીજા ત્યાંનાં અમુક લોકલ પાક વિષે પણ જણાવ્યું પણ તેનાં નામ અમારા માટે એકદમ નવા હતા એટલે એ હું યાદ ન રાખી શકી. અમે અમારાં રિઝોર્ટ પાસે પહોંચતા ગયા તેમ તેમ કૉફીનાં છોડ દેખાતા ગયા. અમને એક સાઈનબોર્ડ બતાવીને ડ્રાઈવરે કહ્યું – આ જુઓ ટાટાનું કૉફી પ્લાન્ટેશન. અહીંની મોટા ભાગની જમીન ટાટાની માલિકી હેઠળ છે. એ બોલ્યા ત્યારથી લગભગ દસેક મિનિટ સુધી અમે ટાટાની જમીનની ધારે જ ડ્રાઈવ કરી રહ્યા હતા અને એટલી તો તેમની ફક્ત એક તરફની બાઉન્ડરી હતી! આખો વિસ્તાર કેવડો હશે! કૉફીની સાથે સાથે ત્યાં અમને નાનાં લીલાં મોતીની લૂમ જેવું પણ કંઈ દેખાઈ રહ્યું હતું તેનાં વિષે અમે ડ્રાઈવરને પૂછ્યું. ડ્રાઈવરે કહ્યું “એ મરી છે”. અમને સમજાયું કૉફી અને મરી વચ્ચે કોઈ સહજીવી (symbiotic) સંબંધ હોવો જોઈએ. થોડી વારમાં અમને અમારા રિઝોર્ટનું બોર્ડ દેખાયું. અમારા એક સહપ્રવાસી ઉવાચ્ “આ તો કોઈ હિલ સ્ટેશન પણ નથી લાગતું. આપણે તો એટલા ઉપર પણ નથી ગયા. તો પણ કૂર્ગ આટલું મોંઘું કેમ છે?! મને નથી સમજાતું.” તેમને કહેવાનું મન થયું, “સાચી વાત છે. ચાલો પાછા જતા રહીએ.”

અમારાં રિઝોર્ટનાં સાઇન બોર્ડ દેખાતાં ગયા તે દિશામાં અમે આગળ વધતા ગયા. પાક્કા રસ્તા પરથી કાચા રસ્તા પર આવ્યા. દસેક મિનિટ ડ્રાઇવ કર્યું ત્યાં એક દરવાન દેખાયો. બોલ્યો – “વેલકમ ટુ ધ રિઝોર્ટ” અને ડ્રાઈવરને આગળ જવા માટે હાથ લાંબો કર્યો. ફરી પાકો રસ્તો આવ્યો એટલે ગાડી પાણીની જેમ વહેવા લાગી એટલે ડ્રાઇવર એ પ્રમાણે સ્પીડમાં આગળ વધ્યા. રિઝોર્ટનાં મુખ્ય દરવાજાથી અમે બસ બે સેકન્ડ દૂર હતાં ત્યાં જોરથી કંઇક પડવાનો અવાજ આવ્યો અને કાર અટકી. ડ્રાઇવર બહાર નીકળ્યા અને અમે પાછળ જોયું. કંઈ પડેલું ન દેખાયું. એ અવાજ પડવાનો નહીં પણ અથડાવાનો હતો. રિઝોર્ટનાં મુખ્ય દરવાજા સામે તેમણે એક નાની મઢુલી જેવું સ્ટ્રકચર બનાવ્યું હતું તેનું કલિયરન્સ બહુ નીચું હતું એટલે અમારી બૅગ્સ તેની સાથે અથડાઈ હતી અને ડ્રાઇવરનું કેરિયર તૂટી ગયું હતું …

કર્ણાટક – 4

કર્ણાટક, પ્રવાસ, ભારત

સોમનાથપુરાનાં હોયસાલા મંદિર પરિસરની બરાબર સામે આવેલી નાનકડી ટપરી જોઈને બધાને શેરડીનો રસ અને ચા પીવાની ઈચ્છા થઇ એટલે અમે બહાર નીકળીને પહેલા ત્યાં રોકાયા. એ શેરડીનો રસ વેંચનાર મધ્ય-વયનાં એક પતિ-પત્ની હતા, એ સેટિંગમાં એક વખત તો કવિ કલાપીની ‘ગ્રામ્યમાતા’ યાદ આવી ગઈ. બાકી ‘ગામડાંનાં તાજા શાક અને ફળોનાં રોમૅન્સ’ નામનાં ગુલાબી ચશ્મા તો લગભગ દરેક મિડલ કલાસ ભારતીયની જેમ મેં પણ પહેરેલાં છે. એ ચશ્મા પહેરીને મને કોઈ શેરડીનાં રસનાં નામે ઝેર પણ પીવડાવે તોયે એ મને દુનિયાનો તાજામાં તાજો અને સૌથી મીઠો રસ લાગે એટલે તેનાં વિષે વધુ કંઈ કહેવાની જરૂર મને લાગતી નથી પણ, એ ટપરી પાસે આવેલી હેન્ડીક્રાફ્ટની એક નાનકડી દુકાનની વાત મજાની છે.

ચા બનવામાં સમય લાગ્યો એટલે જેમને ચા પીવી હતી એ બધા ફ્રી થાય તેની રાહ જોતા બેસવાને બદલે મેં બાજુની એક હેન્ડીક્રાફ્ટની દુકાનમાં નજર નાંખવાનું પસંદ કર્યું. કંઈ લેવાની ઈચ્છા નહોતી એટલે હું દુકાનની બહારથી જ તેમનાં ડિસ્પ્લે પર રાખેલી વસ્તુઓ જોઈ રહી હતી ત્યાં દુકાનદારનું ધ્યાન મારા પર પડ્યું. તેમણે મને અંદર આવવાનું આમંત્રણ આપ્યું અને મેં યંત્રવત્ જવાબ આપ્યો – “મને તમારી વસ્તુઓ સુંદર લાગી એટલે ફક્ત જોઈ રહી છું.” એ ભાઇનો જવાબ આવ્યો “અરે મૅડમ અંદર આવીને જુઓ ને! હું તો બધાંને કહેતો હોઉં છું કે, ભારતનાં દરેક ખૂણામાં હેન્ડીક્રાફ્ટનું કેટલું વૈવિધ્ય છે એ દરેકે જોવું જ જોઈએ. ભલે મારે કંઈ લેવું ન હોય તોયે હું તો જ્યાં ફરવા જાઉં ત્યાંની દુકાનોની મુલાકાત તો જરૂર લઉં.” એ ભાઈ મને મારી ટાઇપનાં લાગ્યા એટલે હું હિંમત કરીને અંદર ગઈ કે, આ ભાઈ શાંતિથી જોવા દેશે અને ચોંટેલી કૅસેટની જેમ બેક્ગ્રાઉન્ડમાં પોતાની સેલ્સ-પિચ નહીં ચલાવ્યા કરે. એ માણસ મારાં પ્રવાસમાં મળેલા સૌથી રસપ્રદ લોકોમાંનો એક. તેની પાસે પિત્તળની મૂર્તિઓ તો હતી જ – જે લગભગ દરેક હેન્ડીક્રાફ્ટ સ્ટોરમાં જોવા મળતી હોય છે પણ, તેનું સૌથી ઇમ્પ્રેસિવ કલેક્શન હતું બૌદ્ધ સિન્ગિન્ગ બોવ્લ્સનું (bowls). મારાં મનમાં આ પ્રકારનાં બોવ્લ, તેની સાથે જોડાયેલાં ‘સાઉન્ડ હીલિંગ’ અને તેને ખરીદનાર લોકોની એક છાપ હતી જે આ ભાઈએ સદંતર બદલી નાંખી!

કૅલિફૉર્નિયામાં 1970 આસપાસ – વિયેતનામ વૉરનાં સમયે અમૅરિકાની ‘હિપ્પી મૂવમેન્ટ’ શરુ થઇ હતી. આ મૂવમેન્ટનું સ્લોગન હતું ‘મેક લવ, નૉટ વૉર’. આ સમયે અહીંનાં ઘણાં લોકો પૂર્વની ફિલોસૉફી, ધર્મ અને કળા તરફ વળ્યાં – હિન્દુ વિચારધારા, બૌદ્ધ ફિલોસૉફી, યોગ, શાસ્ત્રીય સંગીત, રંગબેરંગી કપડાં વગેરેનું અહીં (ખાસ સાન ફ્રાન્સિસ્કો અને આસપાસનાં વિસ્તારોમાં) એક માર્કેટ બનવા લાગ્યું જે હજુ પણ અહીં પુરજોશમાં ચાલી રહ્યું છે. આ જ માર્કેટનો એક ભાગ છે ‘તિબેટન સાઉન્ડ હીલિંગ’. અહીં અમુક હિપ્પી કૅફેઝમાં અને યોગ સ્ટુડિયોઝમાં છાશવારે મેં ‘સાઉન્ડ હીલિંગ’ની ઈવેન્ટ્સ થતી જોઈ છે અને એકાદ વખત નાછુટકે અટેન્ડ પણ કરી છે. ઘણી વખત દુકાનોમાં સિંગિંગ બોવ્લ – જે સાઉન્ડ હીલિંગનો અભિન્ન ભાગ છે – વગાડવાનો પણ પ્રયત્ન કર્યો, એવી આશાએ કે, કંઈક એવું સંભળાય જે જીવન બદલી નાંખે તેવું ન હોય તોયે ઍટ લીસ્ટ યુનીક તો હોય! પણ, નહીં. હંમેશા એ જ તારણ પર પહોંચી કે, આ આખો કૉન્સેપ્ટ જ બનાવટી છે અને તેને માનનારા લોકો નાસમજ છે.

આ દુકાનમાં પણ મેં સાઉન્ડ હીલિંગ બોવ્લ પર નજર નાંખી અને વિચાર્યું – અહીં પણ ગોરા લોકોને વેંચવા માટે આ શરુ થઇ ગયું! ત્યાં પેલા ભાઈ આવ્યા અને પૂછવા લાગ્યા – આ શું છે તમને ખબર છે? મેં કહ્યું – હા, સિન્ગિન્ગ બોવ્લ. અમે રહીએ છીએ ત્યાં ખૂબ મળે છે. ભાઈએ કહ્યું આ એક અદ્ભુત વસ્તુ છે. જુઓ હું તમને દેખાડું. ઉત્સાહમાં ભાઈની આંખો ચમકી અને મને ડર લાગ્યો કે, નકામી દલીલથી બચવા માટે ફરીથી કોઈની અંગત ધારણા સાથે સહમત થવું પડશે જેને એ સત્ય માની બેઠા છે. ભાઈએ ખાંડણીનાં દસ્તા જેવાં દેખાતાં એક લાકડાનાં ઓજારને એ બોવ્લ પર ફેરવવાનું શરુ કર્યું. એક સુંદર નાદ સંભળાયો તેમાંથી! મને મારી પહેલી ભૂલ સમજાઈ – આ બોવ્લ પર લાકડાનાં દસ્તાથી ટકોરા નથી કરવાનાં હોતા, દસ્તાને બોવ્લની ધાર પાર ફેરવવાનો હોય છે. પછી તેમણે એક બીજું મોટાં કદનું બોવ્લ હાથમાં લીધું અને તેનો અવાજ સંભળાવ્યો – એ પહેલાનાં સાઉન્ડ કરતા પણ ઊંડો અને મેડિટેટિવ હતો, જાણે કોઈ સુંદર ધૃપદ ગાઈ રહ્યું હોય!

મારી આંખોં ચમકી એટલે એ ભાઈને ઉત્સાહ પણ વધ્યો. તેમણે મને કહ્યું આ બોવ્લ તમારાં હાથમાં પકડો. મેં હાથ સીધો કરીને હથેળી પર મૂક્યું એટલે તેઓ તેની ધાર પર આસાનીથી દસ્તો ફેરવી શકે. એ બીજી ભૂલ. તેમણે કહ્યું હથેળી પર નહીં, હાથનો ફૂલ જેવો આકાર બનાવીને આંગળીઓની ટોચ પર બોવ્લ પકડો. મેં એ રીતે પકડ્યું અને તેમણે ફરીથી દસ્તો ફેરવવો શરુ કર્યો. આ વખતે સાઉન્ડ સાથે હાથમાં એક સેન્સેશન પણ ફીલ થયું! ત્યાં સુધીમાં મારા સહપ્રવાસીઓ પણ ત્યાં આવી ચૂક્યા હતા અને ધ્યાનથી એ ભાઈનો ડેમો જોવામાં મશગુલ થઇ ગયા હતા. ઑડિયન્સનું એન્ગેજમેન્ટ વધ્યું એ સાથે ભાઈ ઓર પોરસાયા અને તેમણે તેમનું સૌથી સુંદર બોવ્લ દેખાડ્યું. તેનો સાઉન્ડ તો અત્યાર સુધીનો સૌથી સુંદર હતો જ, પણ તેની એક બીજી પણ વિશેષતા હતી. તેમણે બોવ્લમાં લગભગ ઉપર સુધી પાણી ભર્યું અને ફરીથી તેમનો દસ્તો ફેરવ્યો – જાણે તળાવમાં વરસાદનાં નાનાં ટીપાં પડતા હોય એ રીતે પાણીમાં ઝીણાં ઝીણાં અસંખ્ય ઊંચાં તરંગો ઊઠ્યાં અને તેમાંથી ખળખળ વહેતી સરવાણી જેવો અવાજ આવવા લાગ્યો! તેમણે દસ્તો ફેરવવો બંધ કર્યો તો ધીમે ધીમે પાણી સ્થિર થઇ ગયું.

હવે મારો પણ રસ જાગ્યો અને મન થયું એ નાદ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવાનું એટલે મેં પૂછ્યું હું ટ્રાય કરી શકું કે કેમ. એમણે ખુશી ખુશી મને દસ્તો આપ્યો. મેં પણ પેલાં પાણી ભરેલાં બોવ્લ પર ફેરવવો શરુ કર્યો અને મારાથી છીછરાં તરંગ પણ ન ઊઠી શક્યાં. ભાઈ બોલ્યા આ નાદ ઉત્પન્ન કરવો અને તેને લાંબા સમય સુધી ટકાવી રાખવો ખૂબ અઘરો છે. બૌદ્ધ સાધુઓ વર્ષોનાં વર્ષો આ સાધન વડે સાધના કરતા હોય છે. મેં પૂછ્યું પેલાં નાનાં બોવ્લમાં પાણી ભરીને આ રીતે તરંગો ઉઠાવી શકીએ? તો તેમણે કહ્યું ના, દરેક બોવ્લ દરેક વસ્તુ ન કરી શકે. દરેકની પોતાની ખામી-ખૂબીઓ છે! મારી જેમ તમને પણ લાગશે કે, વાટકાની ધાર પાર લાકડાંનો દસ્તો ફેરવવામાં શું અઘરું છે? સાચી વાત છે. એ દસ્તો ફેરવવો અઘરો નથી પણ, તેમાંથી નાદ ઉત્પન્ન કરાવવો અઘરો છે અને લાંબા સમય સુધી એ નાદ ટકાવી રાખવો તો એથી પણ અઘરો!

એ દુકાનનું નામ હતું ‘ઇન્ડિયન ક્લાસિકલ ઍન્ડ ટ્રાયબલ આર્ટ્સ’. ત્યાં ગઈ ત્યાં સુધી લાગતું હતું કે, સાઉન્ડ હીલિંગનો આખો કૉન્સેપ્ટ જ બનાવટી છે અને લોકો કંઈ પણ સત્ય માનીને તેનાં પર પૈસા બરબાદ કરવા માટે રાજી થઇ જાય છે. એ દિવસે લાગ્યું કે, સાઉન્ડ હીલિંગ નામે ચારી ખાનારાં અને પૂરું સમજ્યા વિના કંઈ પણ માનીને મનાવનારા લોકો બનાવટી હોઈ શકે પણ કૉન્સેપ્ટ તો સાચો છે. ઉપરાંત, જ્યાં સતત ઊંચા અવાજે કાન પર પ્રહાર થતો રહેતો હોય ત્યાં આવા સૂક્ષ્મ અવાજથી માણસને શાંતિ મળે તેમાં શું નવાઈ! એ સાઉન્ડ, એ ફીલિંગ હું તો શું, દુનિયાનાં સારામાં સારા લેખક પણ શબ્દોમાં ન વર્ણવી શકે. ફક્ત એટલી આશા રાખું કે, વાંચનારા રખડવા અને દુનિયા અનુભવવા માટે મોટિવેટ થાય.

મૈસુર પાછા ફરતા રસ્તામાં પણ થોડી વાર તો અમે એ સિંગિંગ બોવ્લ્સ પર જ અટકેલા હતા. દરેક બોવ્લ કઈ કઈ રીતે અલગ હોતાં હશે તેની વાત કરવા લાગ્યા. દરેકનાં કદ અને આકાર તો દેખીતી રીતે અલગ હતાં જ. સાથે સાથે દરેકનાં કૅમિકલ કૉમ્પોઝિશન પણ અલગ અલગ હોતાં હશે – કોઈમાં વધુ કૉપર, કોઈમાં ઓછું, દરેકમાં કૉપર સાથે મિક્સ કરેલી ધાતુ પણ અલગ અલગ હોતી હશે એટલે દરેક બોવ્લની વેવલેન્થ અલગ અલગ હોતી હશે. માણસે શું નથી બનાવ્યું! એક વખત તો એમ પણ વિચાર આવ્યો – માણસે આટલું બધું બનાવ્યું હશે અંતે તો સમય કાઢવા માટે જ ને? ‘ज़िंदगी एक फ़न है लम्हों को अपने अंदाज़ से गँवाने का’

પાછા ફરતા સાંજે લગભગ સાડા છ જેવું થયું હતું અને બે ગ્રુપ બની ગયા હતા. ચાર જણને મૈસુર પેલેસનો લાઈટ-ઍન્ડ-સાઉન્ડ શો જોવો હતો અને અમને બે જણને તેમાં રસ નહોતો. શો સાંજે સાતથી આઠની વચ્ચે થવાનો હતો અને સાડા આઠે અમે જ્યાં ડિનર કરવા ઇચ્છતા હતા એ રેસ્ટ્રોં – ‘સાપા’ બંધ થતું હતું. મૈસૂરમાં એ અમારી છેલ્લી સાંજ હતી અને સવારે અમારે બીજાં એક-બે કૅફેઝ એક્સપ્લોર કરવા હતાં એટલે અમે બે લોકો જે ફ્રી હતા, અમે નક્કી કર્યું કે, આપણે સાપા જઈને એક વખત જોઈ લઈએ કે, બાકી બધાએ ભાગી-દોડીને ડિનર માટે ત્યાં પહોંચવું વર્થ પણ છે કે નહીં. એ રેસ્ટ્રોંનું સેટિંગ ખૂબ સરસ હતું પણ, ત્યાં વેજિટેરિયન ઑપ્શન્સ બહુ ઓછા હતાં અને તેમાંયે અમારા એક સહપ્રવાસી માટે ડુંગળી-લસણ અને મશરૂમ કાઢી નાંખો તો મેન્યુમાં લગભગ કોઈ જ ઑપ્શન ન વધે. અમે આટલું સમજ્યા ત્યાં જ મારી ધારણા પ્રમાણે અમારા સાથીઓનો ફોન આવ્યો કે, આ લાઇટ શોમાં જોવા જેવું કંઈ ખાસ નથી એટલે અમે અહીંથી નીકળવા માટે તૈયાર છીએ.

એ સાંજ ડિનર માટે ‘સાપા’ સિવાય અમારા પાસે કોઈ રેકમેન્ડેશન નહોતું અને આખો દિવસ ફરીને સખત ભૂખ લાગી હતી. સાપા જતા રસ્તામાં મેં બીજાં એક-બે રેસ્ટ્રોં જોયાં હતાં એટલે મેં ફરી એ જ દિશામાં જવાનું રેકમેન્ડ કર્યું. રસ્તામાં ‘ટીકેએસ ઐયંગર્સ’ નામની એક જગ્યા આવી હતી જેનાં ગૂગલ પર રીવ્યુ પણ સારા હતાં અને સાપાની બરાબર સામે ‘નલપાક’ નામનું એક રેસ્ટ્રોં હતું એ પણ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું. ત્યાં મને થોડી ભીડ પણ દેખાઈ હતી એટલે મેં બધાંને એ બંને જગ્યાઓ જોવાનું કહ્યું. ઐયંગર્સ બહુ નાની જગ્યામાં હતું અને ત્યાં બેસવાની ખાસ વ્યવસ્થા નહોતી દેખાતી એટલે અમે નલપાક પર પસંદગી ઊતારી. અમે પહોંચ્યા ત્યારે રેસ્ટ્રોં લગભગ ખાલી થવા લાગ્યું હતું. પહેલા જે વેઈટર ઑર્ડર લેવા આવ્યા તેમની સાથે વાત થઇ શકે તેમ નહોતું કારણ કે, અમે એકબીજાની ભાષા નહોતા જાણતા. રેસ્ટ્રોં મૅનેજર એકદમ ચબરાક હતો એટલે તેનું તરત ધ્યાન પડ્યું અને એ પોતે અમને મદદ કરવા આવી ગયો. મૅનેજરનાં જ રેકમેન્ડેશનને આધારે અમે અમુક વસ્તુઓ ઑર્ડર કરી અને લગભગ બધું જ બધાને ભાવ્યું. રેસ્ટ્રોં મૅનેજર સાથે વચ્ચે વચ્ચે અમારી થોડી વાત પણ થતી રહી. અમે બિલ સેટલ કરવા માટે તૈયાર થયા ત્યાં જોયું કે, એ મૅનેજર એક બહુ લાંબો પેપર ડોસા લઈને અમારા ટેબલ તરફ આવી રહ્યો હતો. બધા કન્ફ્યુઝડ હતા કે, આ તો આપણે ઑર્ડર નથી કર્યો. પણ, અમે કંઈ બોલીએ એ પહેલા તો મૅનેજર બોલ્યો, “આ મારા તરફથી!” અમને ભૂખ પણ નહોતી તોયે મૅનેજરની કર્ટસીની ખુશીમાં અમે એ પણ ખાઈ ગયા.

મૈસુરની લોકલ જગ્યાઓનો અમારો એક્સપીરિયન્સ અત્યાર સુધી સારો રહ્યો હતો એટલે અમને ફરી ડિઝર્ટ ટ્રાય કરવા માટે કોઈ લોકલ શોપ એક્સપ્લોર કરવાનું મન થયું. અમે એક મિત્રનાં રેકમેન્ડેશન પર ‘જીગરઠંડા’ શોધવાનો પ્રયત્ન કર્યો પણ ગૂગલ મૅપ્સ પર આ વસ્તુ વેંચતી એક જ દુકાન અમને મળી અને એ પણ બંધ હતી એટલે અમે ત્યાં જવાનું માંડી વળ્યું પણ, નલપાક પાસે મૅપ્સ પર અમને એક ઇન્ટરેસ્ટિંગ આઇસક્રીમ શોપ દેખાઈ જેનાં રીવ્યુઝ પણ સરસ હતા એટલે ત્યાં જવાનું નક્કી કર્યું. દસ મિનિટમાં ચાલતા પહોંચી શકાય તેટલી જ દૂર હતી એટલે અમે ડ્રાયવરને એ જગ્યાની પિન મોકલી અને અમે ચાલતા ગયા. એ શૉપનું નામ હતું ‘ફ્રૂટ બે’ (fruitbae). એમનું મેન્યુ જોઈને જ અમે રાજીનાં રેડ થઇ ગયાં કારણ કે, તેમની પાસે ફ્રૂટ-બેઝડ આઇસક્રીમ, મિલ્ક શેક, સ્મૂધી વગેરે ઘણું બધું હતું અને ઘણાં ઇન્ટરેસ્ટિંગ બ્લેન્ડ હતાં. ત્યાં મેં ઘણી બધી સ્ત્રીઓને હિજાબમાં જોઈ અને સમજાયું કે આ વિસ્તારમાં મુસ્લિમ કમ્યુનિટી પણ છે! આપણે કેટલાં બધાં વિસ્તારોની દિવસો સુધી મુલાકાત લઈએ તોયે કેટલાંયે સબ-કલ્ચર જોવા-જાણવાનાં બાકી રહી જતા હોય છે! ઈન ફૅક્ટ, આપણે જે શહેરમાં રહેતા હોઈએ છીએ તેનાં પણ દરેક ભાગ અને લોકો સાથે પરિચિત નથી હોતા!

બીજી વાત જે મને તરત ધ્યાનમાં આવી તે એ કે, આ બિઝનેસ કોઈ લોકલ નાની શૉપ નહોતી. અમે એક ફ્રેન્ચાઈઝ આઉટલેટમાં બેઠા હતા જેમની બ્રાન્ડની દસથી પણ વધુ બ્રાન્ચ છે – મુખ્યત્ત્વે કેરલાનાં શહેરોમાં, થોડી તામિલનાડુમાં અને દુબઈમાં પણ! વિચાર આવ્યો કે, ગુજરાત અને કેરલા જેવાં રાજ્યોમાં આજ-કાલ ખાન-પાનની ફ્રેન્ચાઈઝ તેમનાં પોતાનાં રાજ્યનાં શહેરો કવર કરી લે પછી ભારતનાં અન્ય વિસ્તારોમાં એક્સપાન્ડ કરવાને બદલે સીધી ઇન્ટરનૅશનલ એક્સપાન્શન તરફ વળી જતી હોય છે. કદાચ એટલા માટે કે, ભારતમાં એટલું વૈવિધ્ય છે કે, એવું પણ બની શકે કે એક રાજ્યનાં લોકોને ભાવતી અમુક વાનગીઓ અન્ય રાજ્યોમાં લોકોને ન પણ ભાવે?! એ રિસ્ક લેવા કરતા પોતાનાં જ રાજ્યનાં લોકોનું ભારતની બહાર જ્યાં સૌથી વધુ કૉન્સન્ટ્રેશન હોય સીધું ત્યાં જ જવું વધુ સહેલું પડે કદાચ કારણ કે, કૅપિટલ એટલું છે કે, હવે કોઈ દેશ આપણાં માટે મોંઘો તો રહ્યો જ નથી?! જો આ થિયરી સાચી હોય તો આપણા દેશનાં લોકોનો ઇકોનોમિક ગ્રોથ જોઈને ખરેખર આનંદ થાય :) સૌથી મહત્ત્વની વાત – તેમની પ્રોડક્ટ ખરેખર સરસ હતી! અમે જે કંઈ મંગાવ્યું એ બધું જ લગભગ અપેક્ષાથી થોડું વધારે જ સારું નીકળ્યું. આશા કરીએ કે, આવાં બિઝનેસિસને ઓર બરકત અને ખ્યાતિ મળે.

મૈસુરનો અમારો છેલ્લો દિવસ ધાર્યા કરતા પણ વધુ મજાનો વિત્યો! હૉટેલ પાછા ફરીને અમે પછીનાં દિવસનો પ્લાન બનાવ્યો જેમાં સૌથી મોખરે હતું એક ચૉકલેટ શૉપ કૅફે જેનું નામ છે ‘નૅવીલ્યુના’ (Naviluna) અને ત્યાંથી આગળ લન્ચ કરીને વહેલામાં વહેલી તકે કૂર્ગ તરફ રવાના થવું.


બાય ધ વે, સમર ઑફ લવ મૂવમેન્ટનાં એક મહત્ત્વનાં ફિગર હતાં ‘ધ બીટલ્સ’, જેમનાં ગીતો આ મૂવમેન્ટમાં દૂધમાં સાકરની જેમ ભળેલાં હતાં. એ સમયે બીટલ્સનાં એક પ્રખ્યાત મેમ્બર – જ્યૉર્જ હૅરિસનની નજર ભારતીય સંગીત પરંપરા અને પંડિત રવિ શંકર પર હતી. સ્વાભાવિક રીતે જ, પોતાનાં હીરોઝ જેને હીરો માનતા હોય તેમને જનતા ‘સર આંખોં પર’ લેવાની. આ રીતે યુરોપ અને અમૅરિકામાં લોકો પંડિત રવિ શંકરને ઓળખવા લાગ્યા. તેમની ખ્યાતિ સાથે જ તેમનાં ગુરુ-ભાઈ ઉસ્તાદ અલી અકબર ખાન અને તેમનાં તબલા-નવાઝ ઉસ્તાદ અલ્લા રખ્ખાની પણ નામના થઈ અને આગળ જઈને તેમનાં દીકરા ઉસ્તાદ ઝાકિર હુસેનને પણ દુનિયાએ બહોળે હાથે વધાવ્યા! એક રીતે એમ પણ કહી શકીએ કે, આ કલાકારો અને તેમનાં પગલે આવેલાં બીજા ઘણાં ઉસ્તાદોને આ આ મૂવમેન્ટે દુનિયામાં ખ્યાતિ અપાવી! અફ કોર્સ, તેઓ પોતાનાં કામનાં ઉસ્તાદ તો હતા જ નહીંતર તો એક મુલાકાત પછી લોકો તેમને ભૂલી ગયા હોત! પણ, તેમનાં સમયમાં તેમનાં જેવા કે, તેમનાંથી પણ વધુ ટેલેન્ટેડ કેટલા કલાકારો હશે જેમને આપણે ફક્ત આ પ્રકારનાં સપોર્ટ અને પ્રમોશનનાં અભાવે નહીં જાણતા હોઈએ?…

કર્ણાટક – 3

કર્ણાટક, પ્રવાસ, ભારત

ટીપુ સુલતાન નો મહેલ જોયા પછી શ્રીરંગપટ્ટનામાં અમારો કોઈ ખાસ પ્લાન નહોતો અને અમારે ત્યાંથી સીધું સોમનાથપુરા જવું હતું પણ, ડ્રાઇવરે રેકમેન્ડ કર્યું નિમિષંબા મંદિર જોવાનું. આ મંદિરનો રસ્તો ચિંધાડતું એક સાઇનબોર્ડ મેં શ્રીરંગસ્વામી મંદિર જતી વખતે પણ જોયું હતું અને ત્યારે મને એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. બાકી અમારો કોઈ ખાસ એજન્ડા હતો નહીં અને સમય પૂરતો હતો એટલે બધાએ સહમતિ આપી.

રસ્તામાં અમે નિમિષનો અર્થ ડિસ્કસ કરતા ચાલ્યા. નિમિષનો અર્થ છે ક્ષણભર – આંખ મીંચીને ખોલો તેટલો સમય. ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં કોઈ વડિયાર રાજાની ઇચ્છા આ દેવીએ ક્ષણભરમાં પૂર્ણ કરી હોવાની માન્યતા હતી અને તેમણે જ આ મંદિર બનાવડાવ્યું હોવાનું મનાય છે. મંદિર એકદમ સાદું હતું, અંદર ખૂબ ભીડ દેખાઈ અને તેનું આર્કિટેક્ચર કંઈ ખાસ હતું નહીં એટલે મેં શૂઝ કાઢવા-પહેરવાની મહેનત કરવાનું માંડી વાળ્યું. સામે નદીનો કિનારો મને બોલાવી રહ્યો હતો એટલે દોડીને હું સીધી ત્યાં ગઈ.

કાવેરી નદીની એ પહેલી ઝલક હતી. જો અમે સોમનાથપુરા ન જવાનાં હોત તો કદાચ હું જ્યાં સુધી પરાણે અટકવું ન પડે ત્યાં સુધી હું નદીનાં કિનારે જ ચાલતી રહેત. ત્યાં નાની રેકડીઓ પણ સરસ હતી. એક રેકડીમાં કોઈ બહેન કંઇક ભજીયા જેવું બનાવી રહ્યા હતા, એક સોડા-શરબતની લારી હતી અને એવું બીજું ઘણું બધું. લોકો દર્શન કરીને આવ્યા એટલે તરત અમે પાર્કિંગ તરફ પાછા ફર્યા કારણ કે, અમને સોમનાથપુરામાં પૂરતો સમય જોઈતો હતો. બહાર નીકળતા મારું ધ્યાન બે બહેનો પર ગયું, જે મંદિરનાં પ્રવેશ પાસે એક નાની ટોપલીમાં જાત જાતનાં ફુલ વેંચી રહ્યા હતા. કેસરી રંગનાં ચંપાનાં બહુ સુંદર ફુલ હતાં અને તેમની પાસે છેલ્લા થોડાં જ વધ્યા હતાં. ત્રીસ રૂપિયાનું એક ફુલ સાંભળીને પહેલા તો મારી આંખ ચમકી અને મારું પહેલું રીએકશન ભાવ-તાલ કરાવવાનું હતું પણ, નસીબજોગે હું કોને, શું કહેવા જઈ રહી છું તેનાં પર મારું ધ્યાન હતું એટલે હું અટકી. મેં ત્રણ ફુલ માંગ્યા અને તેમણે સો રૂપિયા કહ્યા એ તરત તેમને આપ્યાં. તેમણે વધેલા આઠ-દસ ફુલમાંથી તાજામાં તાજાં ત્રણ શોધીને મને એક પ્લાસ્ટિકની થેલીમાં નાંખી આપ્યાં, જે મેં કારનાં ડેશબોર્ડ પર સજાવ્યાં. પાંચ મિનિટ હું બાકીનાં લોકોની રાહ જોતી, કાર પાસે બહાર ઊભી અને બધા આવ્યા પછી અંદર ગઈ તો સુગંધ જ સુગંધ!

સો રૂપિયાની આજનાં સમયમાં શું કિંમત રહી છે? એમનાં ગામડાંમાં પણ કદાચ સો રૂપિયામાં કદાચ બે વ્યકિતનાં એક ટંકનાં કરિયાણા સિવાય કંઈ નહીં આવતું હોય અને આ વાત તાર્કિક રીતે બરાબર સમજાતી હોવા છતાં મારું અને ઘણાં સમૃદ્ધ, ગોરાં પ્રવાસીઓનું પણ પહેલું રીએકશન ભાવ કરાવવાનું કેમ હોય છે?! કદાચ એટલા માટે કે, આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે કે, વ્યાપારીઓથી ‘છેતરાવું’ નહીં અને કોઈ પણ વસ્તુ ઓછાંમાં ઓછી કિંમતે મળે તેવો પૂરો પ્રયત્ન કરવો? કે પછી એટલા માટે કે, આ ઓછામાં ઓછી કિંમતે કોઈ વસ્તુ ખરીદી લેવી એ આપણા માટે એક ગેઇમ બની ગઈ છે જે દરેક વખતે જીતવી જરુરી છે? અથવા આપણે માનીએ છીએ કે, પ્રવાસી તરીકે જો એ જ જગ્યાએ એ જ વસ્તુ માટે મારે એક લોકલ વ્યક્તિ કરતા વધારે પૈસા આપવા પડે તો એ અન્યાય છે, ભલે આપણી ખરીદશક્તિ લોકલ લોકો કરતા ઘણી વધારે હોય તો પણ?!

સામે બીજું સત્ય એ પણ છે કે, ફુલવાળા બહેન સાથે ભાવ કરવા બાબતે મને જેટલું અજુગતું લાગ્યું હતું તેટલી તકલીફ મને શ્રીરંગસ્વામી મંદિર સામે સ્ટ્રીટ માર્કેટમાં ખરીદી કરતી વખતે નહોતી થઈ. ત્યાં મને શણનું એક સુંદર પર્સ ગમ્યું હતું. એ વેપારીએ પહેલો ભાવ સાડા નવસો કહ્યો હતો અને અંતે અમે ત્યાંથી સાડા નવસોનાં બે પર્સ અમે લઈ ગયા હતા. હું વિચારતી રહી આવું કેમ? કદાચ એટલા માટે કે, ફુલની કિંમત નજીવી હતી અને પર્સની નહોતી? એવી કઈ રકમ છે જેનાંથી નીચેની કિંમતની વસ્તુ માટે લપ ન કરવી પણ તેની ઉપરની કિંમત પર સારામાં સારો ભાવ મેળવવાનો પ્રયત્ન કરવો વ્યાજબી કહી શકાય? આ સવાલોનાં કદાચ કોઈ જવાબ નથી.

નિમિષંબા મંદિરથી મૈસુર તરફ જતો રસ્તો નાનાં સુંદર ગામડાંઓમાંથી પસાર થતો હતો. રસ્તામાં અમે બહુ ક્યૂટ રંગબેરંગી ઘર જોયાં, તેમનાં આંગણામાં જાત-જાતનાં શાક અને ફળનાં ઝાડ જોયાં અને મને ત્યાં જ વસી જવાનું મન થઇ ગયું. અમુક ઘર જોઈને તો મને એકદમ ‘માલગુડી ડેઝ’ ટીવી શો યાદ આવી ગયો! થોડી વારમાં અમે ફરીથી મૈસુર શહેરની હદમાં એન્ટર થયા અને તેનાં આઉટસ્કર્ટમાંથી જ સોમનાથપુરાનો રસ્તો પકડ્યો. સોમનાથપુરા પણ એક ગામડું જ છે અને એ પણ શ્રીરંગપટના પાસેનાં ગામડાં જેટલું જ ક્યૂટ છે. ત્યાંનું ચેન્નકેશવા મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

અમે ગયા ત્યારે ત્યાં બહુ ભીડ નહોતી અને માહોલ એકદમ શાંત હતો. સહપ્રવાસીઓ વાતોમાં મશગુલ હતા એટલે તેમને આગળ જવા દઈને હું પાછળ ધીમે ચાલતી આવી. મંદિર સામે એક નાનું ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને તેનું મેઇન્ટેનન્સ પણ સરસ થતું હોય તેવું લાગતું હતું. અંદર દાખલ થતા મારું જ ધ્યાન ગયું, નાના છોડ નીચે એક કૂતરું શાંતિથી ઊંઘતું હતું.

બગીચાનાં અંતે બરાબર સામે પત્થરનો વિશાળ દરવાજો હતો. તેમાંથી પસાર થતા જ હું જાણે એક અલગ દુનિયામાં પહોંચી ગઈ! ત્યાંથી પગથિયાં ઊતરીને એક નાનું પ્રાંગણ અને ફરી થોડાં પગથિયાં ચડીને બરાબર સામે મંદિરનું ગર્ભગૃહ. પ્રાંગણની ડાબી અને જમણી બાજુ હરોળબંધ એકસરખાં નાનાં નાનાં રુમ અને દરવાજા હતાં. પહેલી નજરે લાગ્યું કે, અહીં પ્રવાસીઓ માટે ધર્મશાળા બની હોવી જોઈએ.

ત્યાં પગથિયાં પાસે જ અમને એક ગાઈડ પણ મળી ગયા. ફક્ત એક તકલીફ હતી કે, એ બહેનને ફક્ત કન્નડ અથવા ઇંગ્લિશ જ આવડતું હતું અને અમારા અમુક સાથીઓની ઇંગ્લિશ પર બહુ પકડ નહોતી એટલે તેમનાં માટે અમે હિન્દીભાષી ગાઇડ શોધવાનો પ્રયત્ન કર્યો. તેમણે મંદિર તરફ ઈશારો કરીને કહ્યું કે, અહીં હું અને પેલા ભાઈ બે જ ગાઈડ છીએ અને તેમને પણ હિન્દી નથી આવડતું. અંતે અમે તેમની જ સર્વિસ હાયર કરી અને તેમણે મંદિરનાં નામ અને ગામનાં નામથી અમને માહિતી આપવાનું શરુ કર્યું.

હોયસાલા વંશનાં રાજા નરસિંહ ત્રીજાનાં દંડનાયક સોમનાથે આ મંદિર બનાવડાવ્યું હતું અને સન ૧૨૫૮માં તેનું બાંધકામ પૂરું થયું હતું. આ દંડનાયકનાં નામ પરથી જ આ ગામનું નામ સોમનાથપુરા પડ્યું. બીજી એક આશ્ચર્યની વાત એ હતી કે, સોમનાથ નામની વ્યક્તિએ એક વૈષ્ણવ મંદિર બનાવડાવ્યું! એ પણ આટલું સુંદર અને ભવ્ય! જેઓ દક્ષિણ ભારતની વિવિધ પરંપરાઓ સાથે પરિચિત છે તેમને ખ્યાલ હશે કે, દક્ષિણમાં શૈવ અને વૈષ્ણવ પરંપરાઓ વચ્ચે સારું એવું અંતર છે – એટલું અંતર કે રૂઢિચુસ્ત શૈવ કે વૈષ્ણવ બ્રાહ્મણો એકબીજાનાં પક્ષ સાથે જોડાયેલાં નામ પણ નથી રાખતા હોતા, તો એકબીજાનાં ભગવાનોનાં મંદિર બનાવવા તો બહુ દૂરની વાત છે. આ કારણે ઘણાં લોકો ગામનું નામ સાંભળીને પણ આ મંદિર શૈવ હોવાની ધારણા બાંધી લેતા હોય છે પણ, આ મંદિર સંપૂર્ણપણે વૈષ્ણવ છે.

અંદર એક નહીં, ત્રણ ગર્ભ ગૃહ છે અને ત્રણેમાં વિષ્ણુનાં અલગ અલગ અવતારોની મૂર્તિઓ રાખવામાં આવી છે. બરાબર વચ્ચે કેશવ – જેનાં નામથી મંદિરનું નામ પડ્યું ચેન્નાકેશવા (ચેન્ના એટલે સુંદર), ડાબી બાજુ જનાર્દન અને જમણી બાજુ વેણુગોપાલ. ત્રણે મૂર્તિઓ ખંડિત છે અને આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ તેનાં ઘણાં ખરાં ભાગ જોડીને તેને રિસ્ટોર કરી છે, છતાં એ અદ્ભુત સુંદર છે! વેણુગોપાલની મૂર્તિમાં સૌથી ઓછું ડેમેજ છે અને તેમાં ફક્ત વાંસળીનો એક નાનો ભાગ અને એક પગનો અંગુઠો જ તૂટેલાં છે અને તેમાં મગજ કામ ન કરે તેટલું ઝીણું ડીટેઇલિંગ છે. ફોર ધેટ મેટર, આખાં મંદિરમાં અંદર અને બહાર ઝીણું ઝીણું એટલું સુંદર કોતરણી કામ છે કે, બધી ડીટેઈલ ધ્યાનથી જુઓ તો મહિનાઓ લાગી જાય!

મંદિરમાં અંદર જતા જ છત પર નવ (કે દસ) ચોકઠાં બનેલાં છે અને દરેકમાં કમળની કળીથી માંડીને પૂરાં ખીલેલાં કમળ સુધીનાં અલગ અલગ સ્ટેજ દર્શાવતી સુપર્બ કોતરણી કરવામાં આવી છે. બધી ડીટેઇલ્સ વર્ણવવી તો અશક્ય છે અને ત્યાં ઊભા રહીને ફક્ત એ અનુભવ પર ધ્યાન આપવાની મારી ઈચ્છા એટલી સ્ટ્રોંગ હતી કે, મેં ત્યાં બહુ ફોટોઝ પણ નથી પાડ્યાં. આ આખી ટ્રિપમાં લગભગ બધે એવું જ રહ્યું. વર્ષનાં બસો દિવસ સ્ક્રીન પર નાછૂટકે સતત સમય વિતાવ્યાનું આ પરિણામ હતું કદાચ.

આ મંદિરનો મારો ફેવરિટ ભાગ જો કે, અંદર નહીં, બહાર હતો. મંદિરમાં ત્રણ ગર્ભ-ગૃહો હોવાનાં કારણે સ્વાભાવિક રીતે જ ત્રણ શિખર પણ છે. ત્રણે પરફેક્ટ ત્રિકોણમાં ગોઠવાયેલાં છે અને મંદિરનું પ્લૅટફૉર્મ અને બધી જ દીવાલો એકદમ સિમેટ્રીકલ સ્ટાર શેઇપમાં બનાવવામાં આવી છે. હવે આ સ્ટાર શેઇપ પણ એવો છે કે, ત્રણે શિખરોને પોતપોતાનાં અલગ સ્ટાર મળે. તળિયેથી શિખર સુધી આ શેઇપ મેઇન્ટેન કરવો તો અઘરો છે જ પણ, આખાં સ્ટ્રકચર પર તળિયેથી છત સુધી નાનામાં નાના ભાગમાં પણ મગજ કામ ન કરે તેટલી સુંદર કોતરણી પણ છે! નીચે ફોટોઝ જોઈને કદાચ વધુ સમજાશે.

મંદિરનો ફ્લોર પ્લાન

આ મંદિર પર થયેલી કોતરણી એટલી ઝીણી છે અને હજુ પણ એટલી ક્લીયરલી જોઈ શકાય છે કે, સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે, પત્થર પર આટલું ઝીણું કામ કરતાં તો કેટલાં વર્ષો લાગે અને આ આખું મંદિર તો ફક્ત એક વ્યકિતનાં જીવનકાળમાં જ બની ગયું હતું તો આ બન્યું કઈ રીતે હશે? અમારા ગાઈડે પૂછ્યા પહેલા જ તેનો જવાબ આપી દીધો – સેન્ડસ્ટોન! સેન્ડ સ્ટોન એક એવો પત્થર છે જે પાણીમાં પલળેલો રહે ત્યાં સુધી એકદમ નરમ રહે એટલે આસાનીથી તેનાં પર કોતરણી થઈ શકે પણ, જેવો હવાનાં સંપર્કમાં આવે તેમ આ પત્થર સખત થતો જાય! કુદરત પણ કમાલ છે ને?! બાય ધ વે, તેમણે અમને જણાવ્યું આ પ્રોજક્ટનાં આર્કિટેક્ટ્સનું નામ પણ ત્યાં અમુક મૂર્તિઓ નીચે જૂની કન્નડ લિપિમાં કોતરવામાં આવ્યું છે!

ગાઇડને અમે પૂછ્યું કે, મંદિરની બંને બાજુ જે લાઈનસર બંધ દરવાજા છે એ બધાં રુમ પહેલા ધર્મશાળા તરીકે વપરાતા કે કેમ? અમે જાણ્યું અમારી એક ધારણા ખોટી હતી. એ ધર્મશાળાનાં રુમ નહીં પણ નાના-નાના મંદિરો હતાં. એ દરેકમાં એક મૂર્તિ રાખવામાં આવી હતી અને એ બધી મૂર્તિઓ પણ મંદિર (અને ગામ) પર આક્રમણ થયું ત્યારે તોડી નાંખવામાં આવી હતી કે પછી ચોરી લેવાઈ હતી. બન્યા પછી આ મંદિર સાઠ વર્ષથી પણ ઓછો સમય એક્ટિવ રહી શક્યું હતું કારણ કે, તેરમી સદી નાં અંતમાં જ તેનાં પર આક્રમણ થઈને બધી મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી અને હિન્દુ ધર્મનાં નિયમ પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા ન થઈ શકે. આ મંદિરની લગભગ બધી જ મૂર્તિઓ પૂજા ન થઈ શકે એ માટે તોડવામાં આવી હતી અને તેમને કદરૂપી બનાવવા માટે તેમનાં નાક તોડવામાં આવ્યાં હતાં.

મારાં એક સાથીએ કૉમેન્ટ કરી કે, ઘણાં વામપંથી (લેફ્ટિસ્ટ) ઇતિહાસકારો એવો દાવો કરતા આવ્યા છે કે, મંદિરો પર આક્રમણ ફક્ત તેની સમૃદ્ધિ લુંટવા માટે થયાં હતાં અને તેને ઇસ્લામિક ધર્મ-ઝનૂન સાથે કોઈ જ લેવા-દેવા નહોતા પણ, આ મંદિરોની તોડવામાં આવેલી મૂર્તિઓ તો કોઈ અલગ જ વાત કહે છે. વામપંથીઓ સાથે લોકોને આ જ તકલીફ છે. જે સત્ય સામે ચોખ્ખું દેખાઈ રહ્યું છે તેનાં વિશે ખોટું બોલીને પરાણે મુસ્લિમ-અપીઝમેન્ટ કરવાનો શું મતલબ છે? આ મંદિરોની કહાનીઓ જે સાંભળશે તેમને દક્ષિણપંથીઓ(રાઈટ વિંગ)નો ઇસ્લામ પ્રત્યેનો ધિક્કાર કદાચ યોગ્ય જ લાગશે.

તેની વાત બિલકુલ સાચી હતી પણ, મને અધૂરી લાગી. એવું પણ હોઈ શકે ને કે, વામપંથી ઇતિહાસકારો કદાચ એટલા માટે અર્ધ-સત્ય કહેવાનું પસંદ કરે છે કે, તેમને ડર છે કે પોતે પૂર્ણ સત્ય કહેશે તો કદાચ ઝનૂની નોન-મુસ્લિમ લોકો ઐતિહાસિક અન્યાયનાં નામે મુસ્લિમો પર હિંસા કરવા માટે પોરસાશે, પછી એ હિંસાને ઐતિહાસિક કારણ તરીકે વાપરીને સામેનો પક્ષ હિંસક થશે અને આમ હિંસાનું એક ચક્ર સતત ચાલતું જ રહેશે? ઉપરાંત, આવાં કેટલાંયે મંદિરો અને બીજાં કેટલાંયે બિલ્ડિંગ કુદરતનાં કોપથી પણ ધરાશાયી થયાં છે. આપણને બધાને ખબર છે કે, જેની શરુઆત છે તે દરેકે દરેક વસ્તુનો અંત છે – એ મનુષ્ય કરે કે કુદરત! તો પછી અમુક ધર્મ-ઝનૂની લોકોએ ધર્મનાં નામે પાંચસો વર્ષ પહેલાં કરેલાં વિનાશ બાબતે લોકોને હજુ પણ એક આખી કોમ પર આટલો ગુસ્સો કેમ છે? એટલા માટે કે, કુદરત વિનાશ કરે ત્યારે આપણે લડી નથી શકતા? કે, એટલા માટે કે, આપણાં જીવનમાં એટલાં બધાં અભાવો છે જેનાં માટે આપણે કોઈ પર ગુસ્સો નથી કરી શકતા એટલે આપણે ક્રોધ અને ધિક્કારને જ્યાં પણ જસ્ટિફાય કરી શકીયે ત્યાં કરી લઈએ છીએ? કે પછી આપણને અમુક લોકોને ધિક્કરવાનું શીખવવામાં આવ્યું છે અને આપણે ફક્ત આંખ બંધ કરીને એક સ્ક્રિપ્ટ ફોલો કરી રહ્યા છીએ?

મંદિરની બહાર નીકળતા મારું ધ્યાન એક બીજા ઈતિહાસ પર ગયું જેની વાત કરવાવાળું ત્યાં કોઈ જ નહોતું. વિશાળ વૃક્ષો! ત્યાં બગીચામાં બે – ત્રણ વૃક્ષો એટલાં ઘટાદાર હતાં કે, લગભગ પાંચસોથી હજાર લોકો તેની નીચે છાયો લઈ શકે! આ વૃક્ષોની ઘટા અને તેમનાં થડની જાડાઈ જોઈને લાગતું હતું કે આ વૃક્ષો પણ સદીઓ જૂનાં હશે. તેમનો ઈતિહાસ જણાવવાવાળું પણ ત્યાં કોઈ હોત તો કેટલી મજા આવત! આ વૃક્ષો પોતે માનવ-ભાષા બોલી શકતાં હોત તો તો તેનાંથીયે વધુ મજા આવત કારણ કે તેમણે કદાચ આ મંદિરનું સર્જન અને વિનાશ બંને જોયાં હશે! કલ્પવૃક્ષ કદાચ આવું જ દેખાતું હશે! કદાચ આ કારણે જ જ્યોર્જ આર આર માર્ટિને ગેમ ઑફ થ્રોન્સનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય – ત્રણે જોઈ શકતા કેરેક્ટરને નામ આપ્યું ‘ગ્રીન સીયર’, જે ઝાડનો અને જંગલનો એક ભાગ છે :)