શિંજુકુની રાત પછી અમારા માટે સવારે વહેલું ઊઠવું મુશ્કેલ હતું. નાહીને સૅમ અને અભિને સારી કૉફીની જરૂર હતી.એ માટે અભિએ આશુ પાસેથી કોઈ જગ્યા વિષે જાણ્યું હતું જે અમારી હોટેલથી ખૂબ નજીક હતી એટલે અમે ચાલીને ત્યાં પહોંચ્યા.

રસ્તામાં અભિ એ કૉફી વિષે અને ખાસ એ જગ્યા વિષે ખૂબ ઉત્સાહિત હતો. અભિ એટલો જાપાનપ્રેમી છે કે, તેને એક પાણકો દેખાડો અને કહો કે, આ જાપાનનો પથ્થર છે તો એ તેની ન હોય એવી ખૂબીઓ તમને જણાવે અને તેનાં વખાણ કરે. મને લાગ્યું કે, આ કૅફે વિશેનો ઉત્સાહ પણ કદાચ જાપાનની નાનામાં નાની વસ્તુ પ્રત્યેનાં તેનાં ઉત્સાહનો જ એક ભાગ હશે અને એ જગ્યા તો કદાચ અબવ ઍવરેજથી વધુ કૈં નહીં હોય.
પણ, ત્યાં પહોંચીને તો મારી આંખ પણ પહોળી થઇ ગઈ. અમારી હોટેલવાળો આખો વિસ્તાર એકદમ કોર્પોરેટ વિસ્તાર હતો. બહુમાળી મોડર્ન બિલ્ડિંગ્સ, ચળકતી કાચની બારીઓનું એક ગગનચુંબી જંગલ હતું. તેની વચ્ચે અચાનક અમે વીતેલી દુનિયાની યાદ જેવી એક સુંદર હવેલી પર આવી પહોંચ્યા.

એ બિલ્ડિંગનું નામ છે કિતાશીરાકાવા પૅલેસ (Kitashirakawa Palace). 1930માં બંધાયેલો આ નાનો મહેલ કોરિયાનાં એ સમયનાં રાજકુમારનું ઘર હતો. બીજા વિશ્વયુદ્ધ પછી પાયમાલ થયેલા રાજકુમારે નાણાંભીડને કારણે એ ઘર એક હોટેલ ચેઇન કંપનીને વેંચી નાખ્યું હતું. એ મહેલ અને તેની બાજુમાં બંધાયેલી એક બહુમાળી ઇમારત સાથે મળીને ‘આકાસાકા પ્રિન્સ હોટેલ’/’ધ ગ્રાન્ડ પ્રિન્સ હોટેલ’ તરીકે 2011 સુધી ચાલ્યાં. પછી હોટેલ બંધ થઇ ગઈ અને તેની બહુમાળી ઇમારત બંધ કરી દેવામાં આવી. 2016માં હવેલી ફરીથી ખુલી. ત્યારથી એ ‘આકાસાકા પ્રિન્સ ક્લાસિક હાઉઝ’ તરીકે ઓળખાય છે અને પ્રસંગો માટે બેન્કવેટ હૉલ તરીકે વપરાય છે.
પહેલી નજરે તો માની ન શકાય કે, આ જગ્યામાં એક કૅફે પણ છે અને અમે ત્યાં કૉફી પીવાના છીએ. અંદર ખરેખર એક કૅફે હતું અને કૅફે ખાલી પણ હતું. ઑર્ડર આપ્યા પછીની પહેલી પંદર મિનિટ તો મેં ફક્ત ત્યાં ડાફોળિયા મારવામાં અને ફોટોઝ લેવામાં કાઢી. જો આશુ અમને જલ્દી નીકળવા માટે મૅસેજિસ ન કરતો હોત તો કદાચ હું કલાક ત્યાં જ કાઢી નાંખત.



ત્યાંથી ટ્રેન પકડીને હું અને સૅમ ટોક્યો સ્ટેશન પર આશુ અને શ્રીને મળવાનાં હતાં અને અભિ તેનાં કામ માટે નીકળવાનો હતો. ટ્રેન સ્ટેશન સુધી તો અમે ત્રણે સાથે ચાલવા લાગ્યા. મને ખાતરી હતી કે, આકાસાકા સ્ટેશન સુધીનો સહેલો રસ્તો મને ખબર છે એટલે એ લોકો મારી સાથે ચાલવા લાગ્યા. દસ મિનિટ થાયે પણ સ્ટેશન ન આવ્યું અને એક ખોટો રસ્તો પણ પકડાઈ ગયો. અંતે અમે એક સ્ટેશન પર પહોંચ્યા પણ એ આકાસાકા નહીં પણ, નાગાતાચો સ્ટેશન હતું. અમારે જે ટ્રેન પકડવાની હતી એ નાગાતાચો પરથી જ મળતી હતી. એ સ્ટેશન પર આકાસાકાની દિશા દર્શાવતાં તીરની સાઈન મારેલી હતી. અમને લાગ્યું એકાદ બે મિનિટમાં તો આકાસાકા પહોંચી જશું. લગભગ દસ મિનિટે પહોંચી રહ્યા.
ટોક્યો સેન્ટ્રલ સ્ટેશન પહોંચતા સુધીમાં તો કકડીને ભૂખ લાગી ગઈ ‘તી. આશુ અને શ્રીએ અમને એક રેસ્ટ્રોં પર મળવાનું કહ્યું હતું – ‘ટીઝ ટાનટાન (T’s TanTan)’. આશુએ જયારે અમને જગ્યાનું નામ કહ્યું ત્યારે કહ્યું હતું કે, સ્ટેશન પર ઊતરીને મને કૉલ કરજો. પણ, ગૂગલ મૅપ્સનાં ભોમિયાઓને કૉલની શું જરૂર, બરાબર ને? ટ્રેન સ્ટેશનથી ઊતરીને અમે રેસ્ટ્રોં તરફ ચાલવા લાગ્યા. મૅપ્સ પ્રમાણે પાંચ મિનિટ ચાલવાનું હતું. રેસ્ટ્રોંની પિન બે ગલીઓનાં વચ્ચેનાં ફાંટામાં હતી. અમને જે મોટી વ્યસ્ત શેરી દેખાઈ એ જ શેરીમાંથી રેસ્ટ્રોં સુધી પહોંચાતું હશે તેવું ધારીને અમે એ તરફ ચાલવા લાગ્યા. રેસ્ટ્રોં નહોતું. બીજી શેરી તરફ ચાલ્યા ત્યાં પણ નહોતું. અંતે હારીને સૅમે આશુને કૉલ કર્યો. મને ખાતરી છે કે, એ પહેલા તો બે-ત્રણ મિનિટ હસ્યો હશે અમારા પર. અંતે અમને સમજાયું કે, મારી સાથે જે ઓસાકામાં થયું હતું તેવું ફરીથી અહીં થયું હતું. રેસ્ટ્રોં રસ્તાનાં લેવલથી એક લેવલ નીચે હતું. ઓસાકામાં અંડરગ્રાઉન્ડ સ્ટેશન જવાનો દરવાજો બરાબર નજર સામે હતો એટલે એ વિચાર તરત આવી ગયો કે, કદાચ રેસ્ટ્રોં ત્યાં નીચે હશે. પણ, અહીં તો સ્ટેશનનો દરવાજો દેખાય એ માટે પણ ફરીને પાંચેક મિનિટ ચાલવું પડ્યું એટલે અમે તરત અંડરગ્રાઉન્ડવાળું અનુમાન ન લગાવી શક્યા.
ગલીમાંથી ફરીને ટોક્યો ટ્રેન સ્ટેશનનાં મુખ્ય દરવાજા તરફ ચાલતા જ્યાં ગલી પૂરી થઇ અને મુખ્ય માર્ગ આવ્યો ત્યાં સામે એક ભવ્ય લાલ અને સફેદ રંગની ઇમારત દેખાઈ. એ સ્ટેશન મેં જોયેલા દુનિયાનાં સૌથી સુંદર ટ્રેન સ્ટેશન્સમાંનું એક છે. અફસોસ ત્યારે અમે એટલા થાકેલા અને ભૂખ્યા હતા કે, અમે એ ઈમારતનો એક પણ ફોટો ન લઇ શક્યા. જો કે, કદાચ લેવાનો પ્રયત્ન કર્યો પણ હોત તોયે તેની ખૂબસૂરતી કૅમેરામાં કેદ કરી શક્યા હોત કે કેમ એ મોટો સવાલ છે. ત્યાંથી અમને આશુએ નીચે સુધી પહોંચવાનો રસ્તો સમજાવી દીધો. એ સ્ટેશનનાં ટ્રેનનાં લેવલથી એક લેવલ નીચે ખાવા પીવા માટે એક આખો વિસ્તાર છે અને જેમ જમીન પર ગલીઓનાં નેટવર્ક હોય તેમ ત્યાં ગલીઓનું આખું નેટવર્ક છે. જાણે જમીન નીચે એક આખી નાની દુનિયા!
ભૂખ અને ઊતાવળનાં માર્યા અમે ટીઝ ટાનટાનનાં પણ ફોટો ન લીધાં. ત્યાંનાં રામન નૂડલ્સ ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હતાં અને આખું રેસ્ટ્રોં વેગન હતું એટલે અમારી પાસે પસંદગીનો મોટો અવકાશ હતો. ત્યાંથી આગળ ક્યાં જવાનું એ અમારે વિચારવાનું નહોતું. ફક્ત આશુની પાછળ ચાલ્યા કરવાનું હતું. થોડા સમય પછી મારા આશ્ચર્યનો પર ન રહ્યો કારણ કે, અમે ટાનટાનનાં લેવલ કરતા પણ એક લેવલ નીચે ગયા અને એ લેવલ પણ એટલું જ વિશાળ હતું! અને આ લેવલ પણ એક અલગ જ દુનિયા હતી!

અહીં એક મોટી ‘કૅરેક્ટર સ્ટ્રીટ’ આવેલી છે. કૅરેક્ટર એટલે વળી કયા? એનિમે કૅરેક્ટર! ત્યાં પોકેમોન, ડોરેમોન, ઘીબિલી એનિમેશન સ્ટુડિઓઝની ફિલ્મો, લેગો, હેલો કિટી વગેરે બ્રાન્ડ્સનાં અને એ ઉપરાંત પણ જાપાનીઝ પૉપ ક્લચરનાં લગભગ ત્રીસથી પણ વધુ અલગ અલગ સ્ટોર આવેલા છે જ્યાં ઘર સજાવટથી માંડીને, સ્ટેશનરી, ચશ્માનાં બોક્સ વગેરે નાની-મોટી લાખો વસ્તુઓ મળે છે અને એ બધી તમારી પસંદીદા એનિમે કેરેક્ટર્સનાં બ્રાન્ડિંગ સાથે અને એકદમ કયૂટ!



એ સ્ટોર્સ તરફ લઇ જતાં રસ્તાઓ પર પણ સુંદર નાની નાની લાઇટ્સ લગાવીને છત સજાવેલી છે. બાળકોને તો અહીં મજા આવે જ. પણ, મોટાંઓને તો ઘણી બધી લાગણીઓ અનુભવાય – કૂતુહલ, આનંદ, વિચિત્રતા વગેરે વગેરે.

અહીં અમે એક ગાચપોન મશીનની પણ મજા માણી. ગાચપોન એટલે નાની નાની ઢીંગલીઓ અને ઢીંગલીઓની ઍક્સેસરીઝથી ભરેલાં ઘણાં બધાં પ્લાસ્ટિકનાં દડા/કૅપ્સ્યૂલ. આવાં દડાથી ભરેલાં અલગ અલગ બ્રાન્ડનાં અલગ અલગ કોઇન મશીન હોય. જેમ કે, લેગોની ચીજોથી ભરેલાં દડાનું એક મશીન, બીજું હેલો કિટીનું, ત્રીજું પોકેમોનનું વગેરે વગેરે. તેમાં તમે સાતસો-આઠસો યેનનાં સિક્કા નાંખો એટલે તેમાંથી પ્લાસ્ટિકનો એક દડો પડે. દરેક દડામાં અલગ અલગ વસ્તુઓ હોય. કોઈ દડામાંથી નાના નાના પાર્ટ નીકળે જે જોડીને એક આખી ઢીંગલી બની જાય અને ઘણી વખત ફક્ત ઢીંગલીની કોઈ બૅગ કે ઢીંગલીનાં શૂઝ કે એવી કોઈ રૅન્ડમ વસ્તુ નીકળે. જેવાં જેનાં નસીબ! રસ્તા ભૂલી ભૂલીને લાંબુ ચાલી ચાલીને મારાં અને સૅમનાં નસીબ એ દિવસે ઘસાઈને ચળકી ઊઠ્યાં હતાં એટલે અમને બંનેને ગાચપોનમાંથી આખી ઢીંગલીઓ મળી. અમે એક ગાચાપોનથી જ સંતોષ માણ્યો પણ એ વસ્તુ એટલી મજેદાર અને જુગાર જેવી જુગુપ્સાપ્રેરક છે કે, લોકો ઓછામાં ઓછું બે-ત્રણ વખત તો તેની મજા લે જ.
એ ઉપરાંત મેં ત્યાં એક શોપમાંથી પારંપારિક પોષાકમાં સજ્જ જાપાનીઝ સ્ત્રીની પ્રિન્ટવાળું એક લંબચોરસ ફૅબ્રિક લીધું જે પાતળાં નાના પડદા તરીકે કે ટેબલ ક્લૉથ કે લાંબા નૅપકિન તરીકે અથવા મઢાવીને સજાવટની ફ્રેમ તરીકે ઉપયોગમાં આવી શકે અને હેલો કિટી સ્ટોરમાંથી વાળું ચશ્મા રાખવાનું એક બોક્સ.

આ દિવસે અમે આશુ અને શ્રી સાથે એટલી બધી રસપ્રદ જગ્યાઓ ફર્યા કે, એક પોસ્ટમાં એ આખો દિવસ સમાઈ શકે તેમ નથી એટલે અનુસંધાન આવતી પોસ્ટમાં. અમારી પોસ્ટ્સ વાંચવા માટે અને આવતી પોસ્ટ્સની રાહ જોવા માટે આરિગાતો ગોઝાયમાસ (જાપાનીઝમાં થૅન્ક યુ)!