ટોક્યો – 5

જાપાન, ટોક્યો

ટોક્યો અંડરગ્રાઉન્ડની રોમાંચક મુલાકાત પછી અમને આશુ અને શ્રી ઇમ્પીરિયલ પૅલેસ ગાર્ડન્સ તરફ લઇ ગયા. આશુનાં પગમાં થોડાં જ સમય પહેલા ખૂબ ખરાબ રીતે વાગ્યું હતું અને એ ઘા પૂરો રૂઝાયો નહોતો એટલે એ લાંબો સમય ચાલી ન શકતો. એ લોકો અમારી સાથે પૅલેસ ગાર્ડનનાં દરવાજા સુધી ચાલ્યા પણ, અંદર ન આવ્યા અને કોઈ સ્થળ શોધીને બેસી ગયા. અંદર મેં અને સૅમે એકલા આંટો માર્યો.

પૅલેસ તરફ ચાલતા હતા ત્યારે સૅમે શ્રીને સવાલ પૂછ્યો હતો કે, જાપાનમાં રાજાનું સ્થાન શું છે? દેશનાં વહીવટમાં રાજાનો ફાળો ખરો કે, ઇંગ્લૅન્ડની રાણીની જેમ માત્ર નામનાં વડા છે? તેનાં જવાબમાં મને સરસ નવી જાણકારી મળી. જાપાનમાં આજે પણ રાજાનું સાંસ્કૃતિક મહત્ત્વ છે. જાપાનનાં વહીવટી વડા તો ત્યાંનાં મુખ્યમંત્રી જ છે. પણ, ત્યાંનાં રાજાને તેમની સમકક્ષ ત્યાંનાં આધ્યાત્મિક વડાનો દરજ્જો આપવામાં આવે છે. આપણાં રાજ-વંશજો અને ઇંગ્લૅન્ડની રાણીની જેમ જાપાનનાં રાજા પણ પોતાનાં મહેલમાં રહે છે. તેમનાં મહેલનો બગીચો સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો છે પણ, એ બગીચાનાં ઘણાં બધાં ભાગ અને મહેલ ખાનગી મિલકત ગણાય છે.

અમે જેટલો જોયો તેટલો બગીચો વિશાળ, શાંત, સુંદર હતો અને ત્યાં ઘાસ પર લાંબા પડીને ઊંઘી શકાય તેવો હતો. પણ, અમને આશુ અને શ્રી વિના થોડી ઓછી મજા આવતી હતી એટલે અમે ફટાફટ પાછા ફર્યા. એ બગીચામાં અમને આછાં પાતળાં પાનખરનાં રંગો જોવા મળ્યા પણ, મહેલથી થોડે દૂર જ્યાં એ બંને અમારી રાહ જોતા બેઠા હતા એ વૃક્ષો પર તો અદ્ભુત ઘેરાં રંગ જોવા મળ્યાં.

હું અને સૅમ એ જોઈને એટલા અભિભૂત થઇ ગયા હતા કે વખાણ કરતા થાકતા નહોતા. ત્યારે આશુએ અમને કહ્યું કે, તમને જો આ સુંદર લાગ્યું હોય તો તમે ક્યોતો જઈને ગાંડા થઇ જશો. મારા મગજમાં ક્યોતો વિષે કોઈ વિચાર કે ક્યોતોનું કોઈ મનઃચિત્ર નહોતું. એટલે આશુની વાતમાં મેં હાએ હા કરી પણ, મને મારી નજર સામે જે દેખાતું હતું એ જ માણવામાં મશગુલ રહી. ત્યાં થોડાં આંટા મારીને અમને અમારા વ્હાલા ટૂર ગાઇડ્સ લઇ ગયા હારાજુકુ.

હારાજુકુ સુંદર, વિચિત્ર, રંગીન વિસ્તાર છે. અહીં તમને અસાધારણ વસ્તુઓનો ભંડાર જોવા મળે! ટીનએજર્સનાં ઇન્ટરેસ્ટિંગ કપડાં, પંદર-વીસ અલગ અલગ સ્ટાઇલનાં ફોટો બૂથથી ભરેલી દૂકાનો, ઇન્ટરેસ્ટિંગ કૅન્ડી શૉપ્સ, અલગ અલગ કયૂટ પ્રિન્ટ્સવાળાં મોજાંની દુકાન, હાસ્યસ્પદ પ્રિન્ટ્સવાળા ટી-શર્ટ્સ, ઠેર ઠેર આઈસક્રીમ, વૉફલ અને પૅનકેઇકની દુકાનો વગેરેથી ખીચોખીચ ભરેલી નીયોન લાઇટ્સનાં સ્ટોર બૅનર્સવાળી શેરી – હારાજુકુ!

ત્યાંની મુખ્ય શેરી – ‘તાકેશીતા સ્ટ્રીટ’માં અંદર જતા જ આશુ અને શ્રી અમને ફોટો બૂથ્સવાળા એક સ્ટોર પર લઇ ગયા. અહીં ફોટો બૂથ્સનાં સ્ટોર એટલે સમજો કે, ઇન્સ્ટન્ટ પાસપોર્ટ ફોટો બૂથ અને સ્નૅપચૅટ ફિલ્ટરનો સમન્વય. તમે એકલા કે મિત્રો સાથે તમારી પસંદગીની સ્ટાઇલવાળાં બૂથમાં જઈને તમારી પસંદગીનાં ફોટોઝ પાડી શકો, તેમાંથી મનપસંદ ચાર ફોટોઝ સિલેક્ટ કરીને તેનાં પર તમારી પસંદગીનાં ફિલ્ટર, સ્ટૅમ્પ, સ્ટિકર વગેરે લગાવીને ત્યારે ને ત્યારે તમારાં ફોટોઝની પ્રિન્ટ લઇ શકો, તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકો વગેરે વગેરે. કોન્સેપ્ટ સાંભળીને તમને લાગશે કે આમાં શું? આ તો બહુ સાધારણ વસ્તુ લાગે છે. પણ, તમે એ દરેક બૂથ પર ટીનએજર્સની લાંબી લાંબી લાઈન જુઓ અને એ બૂથની મગજ વિનાની – મેઇનસ્ટ્રીમ બૉલિવુડ પિક્ચર જેવી મજા માણો ત્યારે એ વિષે તમારો મત બદલાઈ જાય. સાથે સાથે તમને એ પણ સમજાય કે, જાપાનનાં ટીનએજર્સ અને યુવાનો ક્યૂટ દેખાવા માટે કેટલો અને કેવો ખર્ચો કરી શકે છે!

શ્રીએ અમને જણાવ્યું કે, અહીં ‘કવાઇ’ (kawaii) વસ્તુઓ, દેખાવ વગેરેનું ખૂબ મહત્ત્વ છે. કવાઈ એટલે ક્યૂટ (cute) . ત્યાં cutenessનું આખું એક કલ્ચર છે અને એ એટલું મોટું અને એટલું જાણીતું છે કે, તેનાં પર એક આખો વિકિપીડિયાનો લેખ છે. કવાઈ કલ્ચરમાં વસ્તુઓ, વ્યક્તિઓ (ખાસ સ્ત્રીઓ અને છોકરીઓ)નો દેખાવ, સંગીત, ઍનિમેશન વગેરે બધું જ આવી જાય. બાળકોનું, બાળકો જેવું, અબોધ, નિર્દોષ દેખાતું /સંભળાતું/વંચાતું બધું જ આ કૅટેગરીમાં આવી જાય. ભૂતકાળમાં તમારા પરિચયમાં આવેલા જાપાન-મુલાકાતીઓ કે જાપાન-મુલાકાતીઓનાં જીગરીઓ વિષે એક વખત વિચારી જુઓ. ઇલેક્ટ્રોનિક સાધનો સિવાયની જાપાનથી લઇ જવામાં આવતી કે મંગાવવામાં આવતી તમામ વસ્તુઓમાં તમને કોઈ થીમ જોવા મળે છે? ક્યૂટ વસ્તુઓ, કયૂટ પૅકેજિંગમાં મળતી વસ્તુઓ અને/અથવા મેકઅપ.

એ શેરીમાં અમને ઢીંગલી જેવાં વસ્ત્રોમાં સજ્જ ઘણી છોકરીઓ દેખાઈ. શ્રીએ જણાવ્યું ત્યાં ઘણી છોકરીઓ ઢીંગલીની જેમ જ જીવે છે. એ લોકો ઢીંગલી જેવાં કપડાં પહેરે, ઘણાં તો પોતાનાં રૂમને પણ રમકડાંનાં ઘરની જેમ સજાવે અને તેમનાં પરિવારોએ તેમની આ જીવનશૈલી સ્વીકારી પણ લીધેલી છે! ત્યાં કૅન્ડી સ્ટોર અને આઈસક્રીમ શોપ્સનાં સ્ટાફમાં પણ અમે રંગબેરંગી ક્યૂટ કોસ્ચ્યૂમ જેવાં કપડાંમાં ઘણી છોકરીઓ ફરતી દેખાઈ. એ શેરીમાંથી અમે ક્યૂટ પ્રાણીઓની પ્રિન્ટવાળાં મોજા અને એક રમૂજી ટી-શર્ટ લીધું. અડધી પોણી કલાકમાં તો ત્યાંનાં કલર-કલર અને લાઇટ્સથી મગજ અને આંખો થાકી ગયા અને અમે આગળ ચાલ્યા.

એ દિવસે અભિ તેને કામ ન હોય ત્યારે અમારી સાથે વચ્ચે વચ્ચે જોડાતો રહ્યો. હારાજુકુ ફરીને અમને ખૂબ ભૂખ લાગી હતી અને તેણે પણ ડિનર નહોતું કર્યું એટલે એ ડિનર માટે અમારી સાથે જોડાઈ ગયો. એ દિવસનું ડિનર ઇન્ટરેસ્ટિંગ હતું. ઑસ્ટ્રેલિયામાં ‘ગઝમન વાય ગૉમેઝ’ નામની એક મૅક્સિકન ફાસ્ટ ફૂડ ચેઇન છે. કોણે વિચાર્યું હોય કે, જાપાનમાં તમને ઑસ્ટ્રેલિયાની મૅક્સિકન ફાસ્ટ ફૂડ ચેઇન જોવા મળશે? અમૅરિકન બ્રાન્ડ્સ હજી સમજી શકાય. પણ, ઑસ્ટ્રેલિયન?! એ પણ આ?! હશે ભઈ. તુંડે તુંડે ભિન્ન મતિ!

એ દિવસ દેખીતી રીતે જ કૂતુહલથી ભરેલો હતો! મારાં મગજનાં ભુક્કા બોલી જશે તેવું લાગતું ‘તું પણ એ ભુક્કા બોલાવનારો ઝટકો તો હજુ બાકી હતો. અમે મહિનાઓ પહેલા અભિ સાથે ટોક્યો વિષે વાત કરતા હતા ત્યારથી ટોક્યોની અમુક વિચિત્ર, ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ વિષે સાંભળતા આવ્યા હતા જેમાંની એક અતિ વિચિત્ર હતી – ‘મેઇડ કાફૅ’. હવે આટલી વિચિત્રતા જોયા પછી પછી અમને થયું, why not? આ પણ જોઈ જ લઈએ. અમે હરાજુકુથી પહોંચ્યા સીધા આકિહાબારા. અહીં તમને જોઈએ તેવાં અને જોઈએ તેટલાં મેઇડ કાફૅ મળી રહે. મેઇડ કાફૅ એટલે શું? એવાં કાફૅ જ્યાં વેઈટ્રેસિસ ફ્રેન્ચ મેઇડ, પ્રખ્યાત ઍનિમેનાં ક્યૂટ કોસ્ચ્યૂમ વગેરે કોઈ ને કોઈ થીમવાળાં કપડાં પહેરીને ફરતી જોવા મળે. આગળ વર્ણવેલી બાબતો ધ્યાનમાં રાખતાં આ વર્ણન એટલું બધું પણ વિચિત્ર નથી લાગતું ને? અમને પણ નહોતું લાગ્યું. પણ, ત્યાં જઈને અમે જે જોયું અને અનુભવ્યું …

આવી જગ્યાઓ વિષે જાણકારી અને રેકમેન્ડેશન આશુ-શ્રી પાસે તો ન જ હોય! શ્રી માટે પણ એ મેઇડ કાફૅનો પહેલો અનુભવ હતો અને આશુ પણ એ પહેલા ફક્ત એક જ વાર ગયો હતો, એ પણ અભિ સાથે જ અને એ જગ્યા એ બંનેને કૈં ખાસ નહોતી લાગી. એ દિવસે અમારે ઇન્ટરનેટ પર શોધીને એક જગ્યા નક્કી કરવાની હતી અને તેમાંયે આગળ કહ્યું એ પ્રમાણે જાપાનનું 75% ઇન્ટરનેટ અંગ્રેજીમાં નથી એટલે ત્યાં હરતા ફરતા સામે ભલે 10 કૅફે દેખાતાં હોય પણ અમારી પાસે માહિતી તો ફક્ત તેમાંથી 2-3ની જ હોય અને એ 2-3માંથી કૈંક સારું શોધવાનું હોય. અરેન્જ્ડ મૅરેજમાં એક પાત્રને જોવા માટે આખો પરિવાર જતો હોય અને બધાની હા આવે તો જ વાત નક્કી થવાની હોય તેવો માહોલ હતો. રેટિંગ સારું હોય અને બેને ગમે તો ત્રણને ફોટોઝ વ્યવસ્થિત ન લાગે, કોઈ કહે ચાર સ્ટાર નીચે તો જુઓ જ નહીં, તો કોઈનો પ્રત્યુત્તર આવે કે, ચાર સ્ટારથી ઉપરવાળાં બે જ છે, ને એ બંનેમાં પચાસથી પણ ઓછાં રિવ્યૂ છે એટલે વળી સિલેક્શન ક્રાયટેરિયા બદલાય. આમ, એક વ્યવસ્થિત રેઈટિંગવાળું અને સાવ વિચિત્ર ન હોય એવું કાફૅ, જેમાં સર્વસહમતિ મળી, તેનાં પર પસંદગીનો કળશ ઢોળાયો. મને, શ્રી અને સૅમને ખૂબ જિજ્ઞાસા હતી કે, અંદર એવું તે શું છે! અંદર પગ મૂકતા જ જાણે એક અલગ તારામંડળમાં પહોંચી ગયા. આવતો ફકરો આશ્ચર્યચિહ્નથી ભરેલો છે.

વેઇટ્રેસિસનાં કોસ્ચ્યૂમ તો ધાર્યા પ્રમાણે હતો પણ, જે નહોતું ધાર્યું એ તેનાં સિવાયનું બધું! વેઈટ્રેસિસનું કામ બધા માટે ખાવા પીવાનું લાવવાનું તો હતું જ. પણ, સાથે તેમનો રોલ અભિનેત્રી અને મનોરંજકનો પણ હતો. અંદર બેઠેલા દરેક લોકો સાથે એ નાનાં બાળકોની જેમ, નાનાં બાળકો જેવાં અવાજમાં, કાલીઘેલી ઢબે વાત કરતી હતી અને ઘણાં બધા લોકો એમને એ જ રીતે પ્રત્યુત્તર પણ દેતા હતા! એ લોકો થોડી થોડી વારે દરેક ટેબલ પર જાય અને ત્યાં બેઠેલા લોકો સાથે કોઈ મગજ વિનાની વાત કરે, હાથનાં અંગૂઠાં અને આંગળીઓ જોડીને દિલ બનાવે, તમારી પાસે પણ બનાવડાવે અને પછી રોતાં બાળકને છાનું રાખવા માટે આપણે જેટલી ઉત્તેજના અને ખુશીથી વાત કરતા હોઈએ એટલી ઉત્તેજનાથી બોલે અને બોલાવડાવે ‘મોએ મોએ ક્યૂન્ન્ન’! અમે બધા એકબીજા સામે જોયા કરીએ અને હાસ્યા કરીએ. બીજું અમે બધાએ એ નોંધ્યું કે, ત્યાં બેઠેલા લોકો કોઈ ટીનેજર કે ટવેન્ટીઝમાં નહોતા લાગતા. લગભગ બધા જ 35થી તો ઉપર જ હશે! શ્રી અને આશુએ એ વિષે જે કહ્યું એ જ અનુમાન મારું પોતાનું પણ હતું. જાપાનીઝ સંસ્કૃતિમાં તમે કામ પર હો કે ઘરે, લાગણીઓને દબાવી રાખીને હંમેશા નિયમો પ્રમાણે જ વર્તવાની જે વૃત્તિ છે તેની આ આડ અસરો છે. લોકોને થોડું નિયમ વિનાનું જીવવા માટે, જીવનમાં બાળપણને જીવતું રાખવા માટે આવી જગ્યાઓની જરૂર પડે છે. આપણે બધાએ જોયેલી અને અનુભવેલી આ વાત છે – એક અંતિમ હોય ત્યાં તેને બૅલેન્સ કરવા માટે તેની આસપાસ સહઅસ્તિત્ત્વ ધરાવતો બીજો અંતિમ હશે હશે અને હશે જ! એવાં એક અંતિમ પર અમે ત્યારે બેઠા હતા.

કાફૅનાં મેન્યુમાં ખાવા પીવાનું ઓર્ડર કરવા માટે અલગ અલગ પેકૅજ હતાં. એ પૅકેજમાં તમને શું ખવડાવવા કે પીવડાવવામાં આવશે એ સિવાય એ લોકો તમારો ઓર્ડર કઈ રીતે લાવશે, તમારી સાથે કે તમારા માટે કઈ કઈ આનંદી પ્રવૃત્તિઓ કરશે એ બધું જ આવી જાય! એક ચોક્કસ પૅકેજ ખરીદ્યા સિવાય તમે એ લોકોનાં કે કાફૅની અંદરની કોઈ પણ વસ્તુનાં ફોટો ન લઇ શકો. અમારી આસપાસનાં ટેબલ પર બેઠેલા લોકોમાંથી કોઈએ લીધેલાં એક પૅકેજને કારણે એ સમયે ત્યાં બેઠેલા અમને બધાને વેટ્રેસિસનો એક ડાન્સ પણ જોવા મળ્યો. એ ડાન્સ એટલો બધો એનર્જીવાળો કે જેની કોઈ હદ જ નથી અને છતાંયે તેમાં તમને કોઈ વધુ કળાનો ઉપયોગ થયો હોય તેવું ન લાગે, યંત્રવત લાગે. એટલું જ નહીં, ત્યાં બેઠેલા લોકોમાં વારંવાર આવનારા કોઈ જણને પેલી છોકરીનાં ડાન્સની આખી કોરિયોગ્રાફી યાદ હતી. એ સ્ટેજ પર જે કરી રહી હતી એ દરેક ડાન્સ મૂવ આ ભાઈ જમીન પર કરી રહ્યા હતા. અમે લોકો હસીને હસીને ગાંડા થઇ ગયા. થોડી વારે અમારું ખાવા-પીવાનું આવ્યું. ખાવા-પીવામાં ત્યાં નાશ્તા, મિલ્કશેક્સ વગેરે જંક ફૂડ સિવાય ખાસ કૈં હતું નહીં અને એ પણ કૈં એટલું સારું નહીં. અમે સૅમને ચીડવવા માટે તેમને જણાવ્યું કે, અઠવાડિયા પહેલા તેનો બર્થ ડે હતો. એટલે અમારી ઑલરેડી અતિ ઉત્સાહિત વેઇટ્રેસ ઓર જોમમાં આવી ગઈ અને તેનાં માટે એક થાળીમાં ચૉકલેટ સૉસથી હૅપી બર્થ ડે લખીને તેનાં પર મિણબત્તી અને ફુલઝર મૂકીને લાવી.

અમે ત્યાંથી બહાર નીકળ્યા પછી પણ પાંચ-દસ મિનિટ શોકમાં હતા કે, આ ક્યાં જઈ આવ્યા! અમારા માટે આ અનુભવ હતો ન ભૂતો ન ભવિષ્યતિ! ત્યાંથી આગળ કોઈ નવી જગ્યાએ જવાની ન તો કોઈને ઈચ્છા હતી, ન હતો સમય. પછીનાં દિવસ માટે અમારે થોડી તૈયારી કરવાની હતી અને સવારે વહેલા નીકળવાનું હતું. આશુ અને શ્રી અમારી સાથે અમારી હૉટેલ આવ્યા અને રસ્તામાં વાતનો એક જ વિષય હતો – મેઈડ કૅફેની સંસ્કૃતિ અને સિસ્ટમ. સૌથી પહેલા તો અમે બધાં એ તારણ પર આવ્યા કે, મેઇડ કાફૅ ભલે દેખીતી રીતે સેક્શુઅલ નથી. પણ, ત્યાં તમને તેનો એક અન્ડરટોન જરૂર લાગે. મેઇડ કાફૅ એ પાતળી લાઈન પર છે, જ્યાં બૉલીવુડનાં આઈટમ સૉન્ગ્સ આવેલાં છે.

આશુએ એ વાત પર પોતાની સહમતિ સાથે આગળ અમને વધુ માહિતી આપી. ઘણાં બધાં મેઇડ કાફૅનાં માલિક યાકુઝા (જાપાનનાં ગૅન્ગસ્ટર) હોય છે અને કદાચ ઘણાં બધાં મેઇડ કાફૅ અંદરખાને દેહવ્યાપાર સાથે સંકળાયેલા પણ હશે. સીધી રીતે સંકળાયેલા ન પણ હોય તોયે ત્યાં કામ કરતી ઘણી છોકરીઓ થોડાં સમય પછી દેહવ્યાપારમાં જતી હોવાનું સાંભળવા મળ્યું છે. સામાન્ય રીતે એ લોકો કાફેમાં ક્યારેય પોતાનું સાચું નામ નથી વાપરતી જેથી અમુક સમય પછી તેમને સામાન્ય સમાજમાં ભળીને સામાન્ય જીવન ગાળવું હોય તો એ ગાળી શકે. એ લોકો ઘરથી કાફૅ કે કાફૅથી ઘર ક્યારેય એકલી ન જાય. તેમને ત્યાંનાં બાઉન્સર કે સિક્યોરિટી ગાર્ડ એક ગુપ્ત રસ્તેથી લઇ આવે અને લઇ જાય અને એ પણ કાળાં કાચવાળી ગાડીમાં જેથી, કોઈ વિચિત્ર માણસો એમનો પીછો ન કરે અને એમને હેરાન ન કરે.

એ બધું જાણ્યા પછી હું અને સૅમ થોડો સમય અમારી એ મુલાકાત, એ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ઈકોનોમીમાં અમારો ફાળો અને એ સાથે જોડાયેલી નૈતિકતા વિષે વિચારતા રહ્યા. એક વાત તો પાક્કી હતી કે, અમે કોઈ ત્યાં ફરીથી તો ક્યારેય જવાનાં નહોતાં જ. એ લોકોએ અમને તેમનાં ગ્રુપ ફોટોવાળું એક ફોલ્ડર કે તેવું કૈંક પણ આપેલું જે અમે ડસ્ટ બિનમાં પધરાવી દીધું હતું.

હોટેલ પહોંચ્યા પછી અમે થોડાં નોર્મલ થયાં અને પછીનાં દિવસનાં પ્લાનિંગ પર આવ્યા. સૌથી પહેલા તો અમે થોડું હૉટ ચૉકલેટ, ચા વગેરે મંગાવ્યું. અમારા ઑર્ડર વિષે કંઈક પૂછવા માટે રિસેપ્શ્ન પરથી ફોન આવ્યો એ શ્રીએ ઊપડ્યો. ફોન મૂકીને તરત તેણે પોતાની આગવી શૈલીમાં પેલીની મિમિક્રી કરી અને હસી હસીને અમારી આંખમાં પાણી આવી ગયાં. રિસેપ્શ્નવાળી બહેનને અંગ્રેજી નહોતું આવડું તોયે બિચારી અંગ્રેજીમાં વાત કરવાનો પ્રયત્ન કરતી હતી એટલે ધીરે ધીરે એક-એક શબ્દ વિચારીને તેણે એક વાક્ય બનાવ્યું. શ્રીને જાપાનીઝ આવડતું હતું એટલે તેણે પેલીનાં પહેલા વાક્ય પછી બુદ્ધિ વાપરીને તેની સાથે જાપાનીઝમાં ફટાફટ વાત કરી અને પછી કરી પેલીનાં ભાંગેલા અંગ્રેજીની મિમિક્રી! અમારો ઓર્ડર આવ્યો ત્યારે પણ જોવા જેવી થઇ. અમને હતું કે, ચા ને હૉટ ચૉકલેટ ને એ બધું એક સામાન્ય કપમાં આવશે. પણ, ના, એ બધું આવ્યું સુંદર સફેદ કાપડ બિછાવેલી એક મોટી રોલિંગ ટેબલ ટ્રે પર, 2-3 મોટાં જગમાં! વેઈટર ચાલ્યો ગયો પછી એ પ્રેઝન્ટેશન અને એક એક વસ્તુની ક્વૉન્ટિટી જોઈને પણ અમે એટલું હસ્યા કે, ન પૂછો વાત! હોટ ચૉકલેટનાં એક ઓર્ડરમાં અમે ચારે ધરાઈ જઈએ તેટલી ફક્ત હૉટ ચૉક્લેટ હતી અને બીજું બધું તો અલગ!

ગપાટાં મારતાં અમે પછીનાં દિવસ માટે એક ગાડી બુક કરી અને મારી અને સૅમની ક્યોતોમાં રહેવાની જગ્યા પણ. એ શનિવારની રાત હતી, રવિવારે અમે કાર લઈને ટોક્યોની નજીકનાં ગામ ‘હાકોને’ જવાનાં હતાં અને સોમવારે સવારે ક્યોતો જવા નીકળી જવાનાં હતાં. જોત જોતામાં ટોક્યોમાં મારા દિવસો પૂરાં થવા આવ્યાં હતાં અને એ ટ્રિપનાં પણ.