હાકોને – 2

જાપાન, હાકોને

લેક આશીની ક્રૂઝ પતાવીને અમને ભૂખ લાગી અને પાર્કિંગ પાસે એક-બે રેસ્ટ્રોં પણ હતાં. પણ, ત્યાં ટેબલ ખાલી થાય એ માટે ખૂબ રાહ જોવી પડે તેમ હતી એટલે અમે થોડે દૂર જઈને કઈંક ખાવાનું નક્કી કર્યું જ્યાં ભીડ ન હોય. એક રેસ્ટ્રોં મળ્યું – ‘મોરી મેશી’ – જેનાં રિવ્યૂ ખૂબ સારાં હતાં અને એ અમારાં પછીનાં મુકામથી એ ખૂબ નજીક પણ હતું.

રેસ્ટ્રોં સુધીનો રસ્તો ટેકરીઓમાંથી પસાર થતો હતો અને પાનખરનાં રંગમાં રંગાયેલાં વૃક્ષો!

વીસેક મિનિટ ડ્રાઈવ કરીને અમે ત્યાં પહોંચ્યા અને નસીબજોગે સાંકડી ગલીમાં અમને પાર્કિંગ મળી ગયું. પણ, રેસ્ટ્રોંમાં અંદર જઈને જોયું તો જગ્યા ખૂબ નાની હતી અને અને ત્યાં પણ ટેબલ ખાલી થવા માટે રાહ જોવી પડે તેમ હતી. હું રાહ જોવા તૈયાર હતી પણ, સાથીઓ થાકેલા અને ભૂખ્યા હતા એટલે ગૂગલ અને રીવ્યુ પડતાં મૂકીને ત્યાં આસપાસ ચાલીને કોઈ જગ્યા મળે તો ત્યાં જ ખાઈ લેવાનું નક્કી કર્યું. આગળ બે-ત્રણ મિનિટ ચાલ્યા ત્યાં એક ઠીકઠાક કૅફે નજરે પડ્યું અને તેમની પાસે વેજિટેરિયન ઑપશન્સ પણ હતાં એટલે અમે ફરિયાદ કર્યા વિના જે મળે તે જમી લેવાનાં ભાવથી ત્યાં જ બેસી ગયા. ત્યાં જમવાનું ભલે યાદગાર નહોતું પણ, મોટાં ભાગની વસ્તુઓ અમારા ધાર્યા કરતાં સારી નીકળી! હા, પાસ્તા/સ્પૅગેટી ફક્ત ટમાટો કેચપ ભેળવીને આપી દેવાઈ હતી પણ, એ મારા મતે રેસ્ટ્રોંની ભૂલ નથી, ઓર્ડર કરનારની ભૂલ છે. જાપાનનાં એક નાનકડાં ખૂણામાં જઈને, જ્યાં આખા સ્ટાફને માંડ માંડ ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી આવડતું હોય તેવી જગ્યાએ તમે પાસ્તા માંગો તો બીજું શું થાય?

બને તેટલું જલ્દી જમવાનું પતાવીને દસેક મિનિટ ડ્રાઈવ કરીને અમે પહોંચ્યા હાકોને રોપવેનાં ‘સોઉઝાન’ સ્ટૉપ પર. સોઉનઝાનથી ઓવાકુદાની સુધીની રાઈડ નાનકડી પણ સુંદર હતી.

‘ઓવાકુદાની’ શબ્દનો અર્થ છે ‘વિશાળ ઉકળતી ખીણ’. ઓવાકુદાનીમાં વિશાળ માત્રામાં સલ્ફરનાં ડિપોઝિટ્સ છે જેને કારણે તેને આ નામ આપવામાં આવ્યું છે. ઓવાકુદાની પહોંચીને રોપવેમાંથી બહાર નીકળતા જ બરાબર સામે સલ્ફરનું ખાણકામ થતું જોવા મળ્યું. એ ખીણમાં વિવિધ છૂટાં છવાયાં સ્થળોએ જમીનમાંથી વરાળ નીકળતી હતી. અમને સમજતાં વાર ન લાગી કે, એ વરાળ સલ્ફરનાં બાષ્પીભવનની હતી અને યાદ આવ્યું કે, આ જ કારણે સલ્ફરને અસ્થિર/વોલૅટાઇલ કહેવામાં આવે છે. એ સાથે જ પિરિયોડિક ટેબલ અને હાઈસ્કૂલ પણ યાદ આવી ગયાં!

ઓવાકુદાનીમાં સલ્ફરનું ખાણકામ તો થાય જ છે પણ, ભેજાંઓએ તેને લાગતું ટૂરિઝમનું તૂત પણ બનાવી કાઢ્યું છે જેનું નામ છે ‘બ્લૅક એગ્સ’! એ ખીણમાં સલ્ફરનાં ઉકળતાં ઝરા આવેલાં છે. સામાન્ય ઈંડાંને એ ઝરાનાં પાણીમાં ઉકાળવામાં આવે ત્યારે ઇંડાંની છાલ, જે સામાન્ય રીતે ગુલાબી-બદામી રંગ જેવી હોય છે, તેનો રંગ બદલાઈને કાળો પડી જાય છે. આવી રીતે પકાવેલાં ઈંડાં એકસાથે પાંચનાં જથ્થામાં ત્યાંનાં એકમાત્ર સુવેનીયર સ્ટોરમાં વેંચાય છે અને ટૂરિસ્ટ લોકો નજરે ચડતી દરેક નવી વસ્તુની જેમ આ વસ્તુ પણ થોકબંધ ખરીદે છે. મારી જેમ તમારે પણ ત્યાં જઈને આ પ્રયોગ ન કરવો હોય તો જાણી લો કે, છાલ કાઢ્યા પછીનો ઈંડાંનો અંદરનો ખાવાલાયક ભાગ તો સામાન્ય ઈંડાં જેવો સફેદ અને પીળો જ હોય છે.

ઈંડાં અને સલ્ફરનાં સંબંધનું નું હજુ એક ફેન ફૅક્ટ છે! ‘વેગન સ્ક્રેમ્બલ્ડ એગ્સ’ (I know right! Sounds like oxymoron. But, trust me it exists) માં ટોફૂને ઈંડાં જેવો સ્વાદ અને ગંધ આપવા માટે તેમાં સંચર વપરાય છે કારણ કે, સંચરમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. સલ્ફરની ગંધ ઈંડાં જેવી હોય છે અને એ ભળવાથી ટોફુમાં ઈંડાં જેવો સ્વાદ લાવી શકાય છે! બોલો! કાળાં ઈંડાં એટલે ઈંડાંને ઈંડાંનાં સ્વાદમાં ઉમેરીને બનતી વસ્તુ?! દુનિયા ગોળ છે અને માણસોને ગોળ-ગોળ ફરવું ગમે છે.

ઓવાકુદાનીથી નીચે આવ્યાં ત્યાં સુધીમાં સૂર્ય ક્ષિતિજ પર પહોંચી ગયો હતો. પણ, અમારા ટૂર ગાઇડ્સ અંધારું થાય એ પહેલા અમને લેઈક આશીનાં કિનારે આવેલાં એક તોરી ગેઇટ પર જમીનમાર્ગે લઇ જવા પ્રતિબદ્ધ હતા. આ એ જ નારંગી રંગનો તોરી ગેઇટ છે જે હાકોને-1માં લેઈકનાં એક ફોટોમાં દેખાય છે.

અમે ગૂગલ મૅપ્સમાં પિન કરેલાં લોકેશન પર પહોંચી તો ગયા પણ, ત્યાં સુધીમાં સૂર્ય ઢળી ચૂક્યો હતો અને સંપૂર્ણપણે અંધકાર પ્રસરે એ પહેલા અમારે પેલાં ગેઇટ સુધી પહોંચવાનું હતું. આશુએ અમને અંદાજો આપ્યો હતો દસેક મિનિટનાં રસ્તાનો પણ, અમને પાંચ મિનિટ ચાલ્યા પછી પણ અંત નજીક ન દેખાયો. આશુનાં પગની ઇજા હજુ રૂઝાઈ નહોતી એટલે તેણે ત્યાંથી પાછા વળવાનું નક્કી કર્યું અને અમે ચાર આગળ ચાલ્યા. મને આશુ માટે થોડો ડર લાગતો હતો કારણ કે, કાર જ્યાં પાર્ક કરેલી હતી એ જગ્યા થોડી સૂમસામ હતી. એક મુખ્ય માર્ગ હતો જે રસ્તેથી અમે આવ્યા હતા. રસ્તાની જમણી તરફ વૃક્ષાચ્છાદિત ટેકરી હતી અને ડાબી તરફ વૃક્ષોથી લદાયેલાં જંગલ જેવો આભાસ થતો હતો અને વૃક્ષો નીચે ઓફ-રોડ પાર્કિંગ હતું. ત્યાં અમારી કાર સિવાય ભાગ્યે એક બીજી કાર હશે. પણ, આશુને કોઈ ડર નહોતો. એ આરામથી પાછો ચાલ્યો ગયો.

આ બાજુ અમે આશુનાં ગયા પછી પણ લગભગ પંદરેક મિનિટ ચાલતા રહ્યા ત્યારે છેક અમને એ મંદિરનો મુખ્ય પ્રવેશમાર્ગ દેખાયો અને ત્યાંથી પણ બીજી દસેક મિનિટે પેલો તોરી ગેઇટ આવ્યો! પણ, રસ્તામાં અમે અદ્ભૂત નજારા માણ્યા. લેઈક અને તેની આસપાસની રોશનીનો આ નજારો જોઈને મને ગંગા ઘાટનાં ફોટોઝ યાદ આવી ગયાં. સંધ્યા આરતીનાં સમયે ગંગાનાં પાણી પર પ્રકાશનું પ્રતિબિંબ આવું જ દેખાતું હોય છે.

ત્યાં પહોંચીને પહેલો વિચાર તો એ જ આવ્યો કે, સારું થયું આશુ મગજ વાપરીને પાછો ચાલ્યો ગયો. આટલું નીચે અને તેટલું જ ફરી ઉપર સુધી ચાલતા એ હેરાન થઇ જાત. સાથે સાથે એ વાતનો આનંદ થયો કે અમે ત્યાં ગયા કારણ કે, નજારો ખૂબ સુંદર હતો! જો સંધ્યા સમયે આ ગેઇટ આટલો સુંદર દેખાતો હોય તો દિવસે પૂરતાં પ્રકાશમાં તો એ કેવો દેખાતો હશે!

દરેક પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટની જેમ ત્યાં પણ ફોટો લેવા માટે લોકોની ભીડ હતી. પણ, ઉપરનો મંદિરનો વિસ્તાર લગભગ ભાગે ખાલી હતો. અમે તોરી ગેઇટમાંથી પસાર થઈને નીચે પાણી સુધી ન ગયા, ટોળું શરુ થાય તેટલે નજીક જઈને લગભગ તરત જ પાછા ફરી ગયા અને બાકીનું મંદિર જોયું અને માણ્યું જે વૃક્ષો વચ્ચે એ કુદરતી સેટિંગમાં ખૂબ સુંદર લાગતું હતું.

ઉપર કાર સુધી જતી વખતે અમને પગથિયાં મળી ગયાં. એ માર્ગે ઉપર પહોંચતા અમને ખરેખર દસેક મિનિટ જ થઇ! ત્યારે અમને સમજાયું કે, નીચે જતી વખતે અમે ખોટો રસ્તો લઇ લીધો હતો એટલે આટલી વાર લાગી! ઉપર પહોંચતા સુધીમાં સંપૂર્ણપણે અંધકાર પ્રસરી ગયો હતો છતાં આશુ સ્થિતપ્રજ્ઞ બેઠો હતો. તોરી ગેઇટ એડવેન્ચર પછી એ દિવસની અમારી આખરી અને સૌથી એકસાઇટિંગ મુલાકાત હતી ‘તેન્ઝાન ઓન્સેન’. આ પણ જાપાનનાં અમારાં 80% અનુભવોની જેમ, એક નવો અનુભવ હતો.

‘ઓન્સેન’ એટલે કુદરતી ગરમ પાણીનાં ઝરા, જે પબ્લિક બાથ-હાઉઝ તરીકે જાપાનમાં પ્રખ્યાત છે. તેમાં ગરમ પાણીનાં ઝરાવાળો ભાગ તો સ્વાભાવિક રીતે નવો નથી જ, નવી એ ઝરાની આસપાસ વણાયેલી ત્યાંની સંસ્કૃતિ છે. બાકી ગરમ પાણીનાં ઝરા તો આ રહ્યાં આપણાં તુલસીશ્યામમાં પણ છે!

સૌથી પહેલા તો જાપાનમાં દરેક પારંપરિક વસ્તુની જેમ ઓન્સેન માણવાનાં પણ અમુક નિયમ છે. ઓન્સેન્સમાં સામાન્ય રીતે એક પણ વસ્ત્ર પહેરવાની છૂટ નથી હોતી. સંપૂર્ણપણે નગ્ન થઈને જ નહાવાનું હોય છે અને સ્ત્રીઓ / પુરુષો માટેનાં એકદમ અલગ અલગ વિસ્તાર હોય છે. ઓન્સેનમાં ટેટૂ કરાવેલાં લોકોને જવા દેવામાં નથી આવતાં કારણ કે, ટેટૂની શાહી પાણીમાં ભળીને તેને ખરાબ કરે એવો તેમને ડર છે. ઓન્સેન્સનો ઉપયોગ કરવાની પદ્ધતિ અને નિયમો બતાવતું આ પોસ્ટર જુઓ.

તેન્ઝાન ઓન્સેનનાં પરિસરમાં પગ મૂકતાં જ તેની સુંદર લાઇટિંગ અને રિલેક્સિંગ આમ્બિયાન્સ આંખે ઊડીને વળગ્યાં. હું અને સૅમ ટાવલ લઈને નહોતા ગયા એટલે ચેક-ઈન કાઉન્ટર પર અમે ટાવલ ખરીદ્યાં. એ કાઉન્ટરથી જ મારો અને શ્રીનો (મહિલાઓનો) રસ્તો આશુ, અભિ, સૅમથી અલગ પડી જતો હતો અને અંદર ફોન લઇ જવાની છૂટ પણ નથી અને મતલબ પણ નથી એટલે ઓન્સેન માણીને અંદાજે એક કલાકે અમે કાઉન્ટર પાસે મળવાનું નક્કી કર્યું.

સ્ત્રીઓનાં વિભાગમાં અંદર પ્રવેશતા જ સૌથી પહેલા તો શૂ-રૂમ હતો જ્યાં શૂઝ કાઢીને અંદરનાં લોકર રૂમમાં પ્રવેશ થતો હતો. લોકર્સમાં કપડાં અને ફોન રાખીને બકેટ-બાથ માટેનાં રૂમમાં જવાનું હતું. આ બકેટ બાથની ફેસિલિટીએ એકદમ આપણાં ડોલ અને ડાબલાં વડે પાટલા પર બેસીને નહાવાની પદ્ધતિ જેવી જ છે. ફર્ક ફક્ત એટલો કે તેમની બાકેટ્સ અને પાટલાં ખૂબસૂરત લાકડાંનાં બનેલાં હતાં! ત્યાંથી બહાર નીકળતા જ એક ખુલ્લું મોટું પરિસર હતું જ્યાં અલગ અલગ તાપમાનવાળાં વિવિધ કદ અને આકારનાં ઝરા આવેલા હતાં. મોટાં ભાગનાં ઓન્સેનમાં ફક્ત એક નહીં, અલગ-અલગ તાપમાનવાળાં પાણીનાં વિવિધ કુંડ હોય છે અને લોકો દરેક તાપમાનવાળાં કુંડમાં થોડો થોડો સમય પસાર કરતા હોય છે.

પાણીમાં જતા પહેલા શ્રીએ મને સમજાવ્યું કે, આ ગરમ-ઠંડાં પાણીનો પણ એક ક્રમ છે જે અનુસરવો જરૂરી છે જેથી ચક્કર ન આવે. સૌથી પહેલો નિયમ એ કે, ઓન્સેનમાં જતા પહેલા પાણી પીવું અને દારુ કે કેફીનવાળી વસ્તુઓ ખાઈને કે પીને ન જવું કારણ કે, ગરમ પાણીમાં શરીર આમ પણ ડીહાઇડ્રેટ થતું હોય છે અને દારુ અને કૅફીન ડીહાઇડ્રેશન વધારે છે જેથી માથું દુઃખે છે. સૌથી પહેલા ઓછાં તાપમાનવાળાં કુંડમાં જવું પછી થોડું વધુ ગરમ, થોડું વધુ ગરમ એ રીતે આગળ વધવું. પાણીમાં જવાની શરૂઆત હંમેશા પગ બોળવાથી કરવી જેથી શરીર નવાં તાપમાન સાથે અનુકૂળ થઇ શકે. એકસાથે સ્વિમિંગ પૂલની જેમ ઝંપલાવો તો શરીરને અચાનક તાપમાન બદલાવાથી શોક લાગે અને માથું દુઃખાવાનાં કે ચક્કર આવવાનાં ચાન્સ રહે. બહાર નીકળતા પહેલા પણ ઠંડાં પાણીનાં કુંડમાં થોડી વાર બેસવું જેથી શરીર ફરી સામાન્ય તાપમાન સાથે મેળમાં આવી શકે. વધુ માહિતી માટે આ ગાઈડ જુઓ

પબ્લિક બાથ-હાઉઝમાં સંપૂર્ણપણે નગ્ન થઈને જવાનાં નિયમ વિષે જયારે પહેલી વાર સાંભળ્યું ત્યારે મને એ વિચાર વિચિત્ર લાગ્યો હતો. પણ, ત્યાં જઈને મેં જે અનુભવ્યું એ સાવ જ અલગ હતું! મને સમજાયું કે, ત્યાંની સંસ્કૃતિમાં આ પ્રક્રિયા એટલી સહજ રીતે વણાયેલી છે કે, બકેટ-બાથવાળાં વિસ્તારમાં પગ મૂક્યા પછી અડધી સૅકન્ડ માટે પણ મને કઈં અજૂગતું નથી લાગ્યું. ત્યાં બધી જ ઉંમરનાં લોકો હતાં અને એવું વાતાવરણ હતું કે, દરેકની પોતાની એક સેન્સ ઓફ સ્પેસ હતી જેને અન્ય લોકો માન આપતાં હતાં. આટલાં લોકો એક સાથે હોવા છતાં પણ વાતાવરણ એટલું શાંત કે, કંસારી જેવાં જીવોનાં અને વૃક્ષોનાં પાન હલવાનો અવાજ સંભળાય. દરેક પાણીનો આનંદ માણવામાં, પોતાનાં વિચારોમાં અને મિત્રો સાથે આવ્યા હોય એ મિત્રો સાથે એકદમ ધીમા સ્વરે વાત કરવામાં મશગુલ હતા. એ સામુહિક અનુભવ હોવા છતાં પણ, વ્યક્તિગત હતો!

આ ઉપરાંત ત્યાંનું દ્રશ્ય પણ એટલું સુંદર! ખાસ તો એ લૅન્ડસ્કેપિંગ અને પરફેક્ટ લાઇટિંગ! સૌથી પહેલાં તો ત્યાં માનવ-નિર્મિત તમામ ચીજો ઘેરાં રંગનાં લાકડાંની હતી – દીવાલો પણ. દીવાલ પાસે અંદર અને બહાર, દરેક પાણીનાં કુંડ પાસે નાના-મોટા ઘટ્ટ વૃક્ષોની હરોળ હતી અને દરેક કુંડની પાળી કાળાં/રાખોડી રંગનાં પથ્થરની બનેલી હતી. આ તમામ ખૂબસૂરતી રાતનાં અંધારાંમાં જોઈ અને માણી શકાય એ માટે આખા વિસ્તારમાં હળવી ગોલ્ડન યેલો લાઇટિંગ હતી જેમાં બ્રાઉન લાકડાં અને કાળાં/ રાખોડી પથ્થરો પાસે ઘટ્ટ લીલાં વૃક્ષોનો કોન્ટ્રાસ્ટ અદ્ભૂત લાગતો હતો! પાણીનાં કુંડ જ્યાં આવેલાં હતાં એ ભાગ એવી રીતે બનાવેલો હતો કે, તમને એમ જ લાગે કે, તમે જંગલમાં જ છો. દરેક કુંડમાં પ્રવેશ કરતાં પહેલાં તમે પથ્થરની પાળ પર બેસીને પાણીમાં પગ બોળી શકો અને દરેક કુંડનું લેવલિંગ પણ, એકદમ સમતલ નહીં પણ થોડું ઉપર-નીચે હતું તથા દરેકનાં કદ અને આકાર પણ અલગ હતાં. એક કુંડમાં અંદર ગુફા જેવી જગ્યા પણ હતી જ્યાં પાણીનું ઊંડાણ વધતું હતું. કુદરતી અને માનવનિર્મિતનો એવો સમન્વય કે, તમને ખબર જ ન પડે કે, ક્યાં કયું શરુ થાય છે અને ક્યાં પૂરું થાય છે! એ બેકગ્રાઉન્ડમાં આરામથી નહાતાં માણસો પણ જાણે એ પેઇન્ટિંગનો એક ભાગ હતાં. થોડી વાર તો માની ન શકાય કે, આ એ જ પૃથ્વી પર આવેલું છે જેનાં પર આપણે રોજ રહીએ છીએ…

એક કલાક સમાપ્ત થઇ એ ત્યારે યાદ આવ્યું જ્યારે એ વાતાવરણનો ભેજ શ્વાસમાં અનુભવાવવા લાગ્યો અને જ્યારે શ્રીએ બહાર જવા વિષે પૂછ્યું. અમે તૈયાર થઈને ફરી કાઉન્ટર પાસે ગયા પણ અમારા સાથીઓ હજુ આવ્યા નહોતા. બે-ત્રણ મિનિટ રાહ જોઈને શ્રી ત્યાંની જમવાની વ્યવસ્થા જોવા માટે ગઈ. ત્યાં એક રેસ્ટ્રોં પણ હતું જ્યાંથી શ્રી અમને મેન્યુનાં ફોટોઝ મોકલવા લાગી. પાંચેક મિનિટ રહીને બધા આવ્યા પછી સર્વસહમતિથી અમે ત્યાં જ જમવાનું નક્કી કર્યું. અમારું ડિનર પણ ત્યાંની એક નવી પારંપારિક વિશેષતા હતી જેનું નામ છે ‘શાબુ-શાબુ’ .

શ્રીએ મોકલેલો મેન્યુનો ફોટો

શાબુ શાબુ માટે દરેક ગ્રુપને એક સ્ટવ આપવામાં આવે જેની ફરતે જમીન પર બેસવાની વ્યવસ્થા હોય, સાથે જ તમે ઓર્ડર કરેલી વસ્તુઓનું કોમ્બિનેશન (અમારા કેસમાં અમુક શાક-ભાજી, ટોફૂ, ભાત અને વર્મીસેલી નૂડલ્સ) અને પાણીનો એક મોટો જગ પણ આપવામાં આવે. સ્ટવ પરનાં વાસણમાં પાણી ઉકાળીને તેમાં તમને મન ગમતી વસ્તુઓ નાંખીને તેને પકાવીને સૂપ જેવું મિશ્રણ તૈયાર કરીને સ્ટવ પરથી જ ધીરે ધીરે તમારાં ભાતનાં કપમાં રેડતાં જવાનું અને જોઈએ એ પ્રમાણે મીઠું-મરી નાંખીને ખાતા જવાનું. આ વર્ણનમાં સામાન્ય (કે વિચિત્ર) લાગતી આ વાનગીનો સ્વાદ અને તેની સાથે જોડાયેલો અનુભવ વાસ્તવિક રીતે ખરેખર મજા પડે તેવો હતો!

અમારાં વાસ્તવિક ટેબલનો ફોટો

અમારા માટે ઓન્સેન અને શાબુ-શાબુનો અનુભવ અમારી આખી જાપાન ટ્રિપનાં સૌથી યાદગાર અનુભવોમાંનો એક હતો! એ દિવસે ઘરે જવાનું જ મન નહોતું થતું અને એ વિચાર પણ થોડો દુઃખી કરતો હતો કે, એ પછીનાં અમુક દિવસોમાં હું અને સૅમ બાકીનાં ત્રણ જણ વિના એકલા ટ્રાવેલ કરવાનાં હતા. છતાં હાકોનેથી ટોક્યો સુધીની ડ્રાઈવ અમે ભરપૂર માણી. આ વખતે હું સૌથી પાછળની રોમાં ગઈ. કારમાં મ્યુઝિક શરુ કરવામાં આવ્યું. અમારા બધાનાં ટેસ્ટ અલગ અલગ હતાં. પણ, ભારતીય યુવાનોનાં ગ્રુપમાં આ કોયડાનો એક સરળમાં સરળ ઉકેલ છે જેનું નામ છે ‘એ. આર. રહેમાન’. પોપ્યુલર બૉલીવુડ અપબીટ ગીતોનાં શોખીનો માટે, ઊંડાણવાળાં અર્થસભર ગીતો માટે, અને સંગીતની કોમ્પ્લેક્સિટી માણતા શાસ્ત્રીય સંગીતનાં શોખીનો માટે – દરેક ભારતીય માટે એ.આર.રેહમાન માટે કૈંક ને કૈંક છે જ. આ ડી.જે.-ઇંગ અમે પાછલી રોમાં લંબાવીને કર્યું અને દાદ મેળવી.

ટોક્યો પહોંચીને બધાને આરામ જ કરવો હતો એટલે આશુ-શ્રીને તેમનાં ઘરે મૂકીને અમે તરત અમારી હોટેલ ગયા. રાત્રે કાર પાછી આપી શકાય તેમ નહોતી એટલે એ રાત્રે હોટેલમાં જ પાર્ક કરીને પછીની સવારે ચેક-આઉટ કરીને ક્યોતો જતા પહેલા ડ્રોપ કરતા જવાનો પ્લાન કર્યો.