કાવાગુચિકો

કાવાગુચિકો, જાપાન

શનિવારે સવારે અમે અમારાં નિર્ધારિત સમય કરતા ઘણા મોડા ઊઠ્યા. એટલા મોડા કે, ઊઠીને દોડાદોડી થઇ પડી. સૅમ નાહીને તરત કાર પિક-અપ કરવા ગયો અને ટ્રેનમાં વધુ પડતો સમાન લઈને મુસાફરી ન કરવી પડે એ માટે મને પોતાની બૅગ સોંપી. હાકોને ટ્રિપ વખતે લાગ્યો હતો એટલો સમય શહેરમાં જ ન લાગી જાય એ માટે અભિ અને આશુએ કાર પિક-અપ સ્પૉટ નજીક કોઈ કાફૅ શોધીને કૉફીની વ્યવસ્થા કરી રાખી હતી અને થોડો ઘણો નાસ્તો પણ સાથે લઈ લીધો હતો. એ બધું પતાવીને એ લોકો મને હોટેલથી લેવા માટે આવ્યા હતા અને લગભગ સાડા અગિયાર આસપાસ તો અમે ટોક્યોની બહાર નીકળી પણ ગયા હતા!

ટોક્યોથી કાવાગુચિકોનો રસ્તો પાનખરનાં રંગોમાં અદ્ભુત લાગતો હતો અને એ જોઈને જાણી શકાતું હતું કે, એ બાકીની ઋતુઓમાં પણ આટલો જ સુંદર દેખાતો હોવો જોઈએ. એ રસ્તો ટેકરીઓ વચ્ચે ખીણમાંથી પસાર થતો હતો અને એ લેન્ડસ્કે્પ લગભગ દર પાંચ મિનિટે બદલાતું રહેતું હતું. અમારી કાર ખૂબ લાંબો સમય તેનાં પર ચાલી અને અમે ઓછામાં ઓછું એકાદ કલાક સુધી તે નજારો માણ્યો હતો. છેલ્લી બે પોસ્ટ્સ પછી કદાચ તમે સમજી જ ગયા હશો કે, લાંબી સફર પછી છેલ્લાં દિવસોમાં અમે ફોટોઝ પાડવાથી એટલા કંટાળી ગયા હતા કે, ઘણી બધી જગ્યાઓ ખૂબ સુંદર હોવા છતાં તેનાં ફોટોઝ જ નથી પાડ્યાં. આનું બીજું કારણ એ પણ હતું કે, જાપાન દેશ જ એવો છે કે દર બીજી મિનિટે ફોટો પાડવાનું મન થાય એટલે એ રીતે પણ આગલાં દસ દિવસમાં અતિરેક થઇ ગયો હતો.

એ દિવસે હું માની નહોતી શકતી કે, જાપાનમાં હવે હું ફક્ત દોઢ દિવસ માટે જ હતી. જાપાન બધી રીતે મારાં ત્યાર સુધીનાં પ્રવાસનાં અનુભવો કરતાં અલગ અને અમુક અર્થમાં વિચિત્ર હોવા છતાં મારા ચાર ટ્રાવેલ-પાર્ટનર્સ સાથે ફરતા ફરતા મને એ ભૂમિ સાથે એક પ્રકારની આત્મીયતાની લાગણી થવા માંડી હતી. એવું જ લાગતું રહેતું કે, જાણે હું ત્યાં જ રહેતી હોઉં!

એ દિવસનો અમારો પહેલો મુકામ હતો કાવાગુચિકો લેક. હાકોને ની જેમ આ પણ માઉન્ટ ફૂજી પાસે આવેલું એક મોટું તળાવ છે. બંને વચ્ચે ફક્ત એટલો ફર્ક છે કે, કાવાગુચિકોથી માઉન્ટ ફૂજીનો નજારો હાકોને કરતાં થોડો વધુ સારો જોવા મળે છે. એ દિવસે ત્યાં બહુ ભીડ નહોતી. એ તળાવમાં અમે સ્પીડ બોટમાં ફર્યા.

તળાવ પાસે અન્ય કંઇ ખાસ પ્રવૃત્તિ નહોતી એટલે ત્યાં બોટમાં ચક્કર લગાવ્યા પછી શ્રી અને આશુ અમને એક નવી જગ્યાએ દોરી ગયા. લેઇકથી ડ્રાઈવ કરીને અમે પહોંચ્યા ‘ઇયાશિનોસાતો એંશીયન્ટ વિલેજ ‘. જાપાનનો મારો સૌથી છેલ્લો યુનીક એક્સપીરિયન્સ આ હતો. આ નાનકડું ગામડું જૂના જાપાનની પ્રતિકૃતિ છે. ત્યાં અમે પહેલા નાની દુકાનોમાં અંદર ગયા.

જૂની દુકાનોમાં અંદર જતા મને વિચાર આવ્યો કે, અહીં વિન્ટેજ વસ્તુઓ મળતી હોવી જોઈએ. પણ, ત્યાં અંદર જઈને આપણાં જમાનાનાં ઝેર – ઇન્ડસ્ટ્રી-પ્રોસેસ્ડ વસ્તુઓનાં પ્લાસ્ટિકનાં પેકેટ્સ જોઈને મને બહુ મજા ન આવી. મુંબઈ ચોપાટી પર આનંદ માણતા પગમાં પ્લાસ્ટિક ની થેલી ભરાય ત્યારે થઇ આવે તેવી લાગણી મેં અનુભવી.

વિલેજની દરેક ઝૂંપડીમાં નાનું મ્યુઝીયમ અથવા સ્ટોર હતાં. એક મ્યુઝિયમ જાપાનની જૂની જીવનશૈલીનું મ્યુઝીયમ હતું જેમાં જૂની ઘર-વપરાશની વસ્તુઓ રાખેલી હતી. ત્યાં શ્રીએ અમને એક ‘કોતાત્સુ ટેબલ’ દેખાડ્યું અને તેનો અમે પાંચેએ લાભ લીધો. કોતાત્સુ ટેબલ એટલે એવું ટેબલ જેમાં નીચે હીટિંગની સુવિધા હોય અને ટેબલ પર બ્લૅન્કેટ રાખેલું હોય. બ્લૅન્કેટ નીચે પગ રાખીને બેસવાથી શિયાળામાં ખૂબ હૂંફ મળે. અમે ત્યાં ‘માચા’નો પણ લાભ લીધો.

કોતાત્સુ ટેબલ (ક્વોરા પરથી લીધેલો ફોટો )

ત્યાં ફરીને નવરા થયા ત્યાં સાંજ પડી ગઈ હતી અને સૂર્ય ડૂબી રહ્યો હતો. માઉન્ટ ફૂજી સાથે રંગબેરંગી આકાશવાળો એ સૂર્યાસ્ત અમે ખૂબ માણ્યો! આપણે ત્યાં ચાની ટપરી હોય તેવી એક દુકાન પર અમે ચા, કૉફીનો પીધી અને કાવાગુચિકો પાછા ફર્યા.

અમે રાત્રે રહેવાનાં હતા એ હોટેલમાં ચેક-ઇન કરીને, સામાન ગોઠવીને તરત જમવા માટે બહાર નીકળ્યા. ત્યાં અમને નસીબજોગે એક ઇટાલિયન રેસ્ટ્રોં મળ્યું હતું જેનું નામ હતું પિઝઝેરિયા ઓન્ડા. ત્યાંનું જમવાનું સામાન્ય હતું પણ, ઘણાં દિવસો પછી અમે જાપાનીઝ અને ભારતીય સિવાયનું કૈંક ખાઈ રહ્યા હતા તેનો અમને ખૂબ આનંદ હતો. જમવાનું પતાવીને અમે નજીકનાં શૉપિંગ એરિયા તરફ ગયા. પણ, રાત પડી ગઈ હતી એટલે ધાર્યા પ્રમાણે બધું જ બંધ હતું.

હોટેલ પાછા ફરીને અમે બધા ઓછામાં ઓછા બે કલાક જેવું બેઠા અને સાકે પીતા અમારી ટ્રિપ વિષે, ટ્રિપ પહેલા અને પછીનાં જીવન વિષે ખૂબ વાતો કરી. અમે ફરીથી સાથે મુસાફરી કરવાનાં, સાથે બાલિ જવાનાં પ્લાન બનાવ્યાં જે હજુ સુધી પૂરાં નથી થયાં. પણ, હજુ ઘણી બધી જીંદગી અને ઘણી બધી મુસાફરીઓ બાકી છે એટલે ‘આશા અમર છે’નાં નાતે એ પ્લાન બિલકુલ પડતા પણ નથી મૂક્યાં. મારા અને શ્રી સિવાયનાં ત્રણેએ પછીની સવારે સાત વાગ્યામાં ઊઠીને હોટેલનાં ઑનસેનનો લાભ લેવાનું નક્કી કરી લીધું હતું. શ્રી અને મને ઑનસેન કરતા સવારની એક કલાકની એક્સટ્રા ઊંઘ વધુ વ્હાલી હતી એટલે થોડો ઘણો ફોમો (Fear Of Missing Out) હોવા છતાં અમે તેવાં કોઈ જ પ્લાન ન બનાવ્યાં.

રાતની પાર્ટી લાંબી ચાલી હોત પણ, મારા કારણે તેનાં પર થોડું પાણી ફરી ગયું હતું. હું એ સાંજે એટલી થાકી ગઈ હતી કે, થોડો સમય પછી મેં પાસેનાં ગાદલા પર લંબાવ્યું અને ઊંઘી ગઈ. મારી સીધી સવાર પડી અને ત્યારે જાણ્યું કે, મને ઊંઘ આવ્યા પછી બધા છૂટા પડી ગયા હતા.

સવારે રૂમની બારી ખોલી ત્યારે સામેનો વ્યૂ જોઈને મારું મોં પહોળું થઇ ગયું!

એ સાંજે ચાર વાગ્યે મારી ફલાઇટ હતી અને સમયસર કાર પરત સોંપવાની હતી એટલે અમે દસ વાગ્યા આસપાસ કાવાગુચિકોથી રવાના થઈ ગયા. મારો બધો જ સામાન આશુ-શ્રીનાં ઘરે હતો એટલે ત્યાં પહોંચીને સૌથી પહેલા તો ક્યોતો જવા વખતે મારી બૅગ હળવી કરવા માટે કાઢીને આશુ-શ્રીનાં ઘરે રાખેલો બધો જ સામાન ફરી એકઠો કરીને મારી બૅગમાં નાંખવાનો હતો. એ બધું પતાવતા મને કલાક લાગી અને ઍરપોર્ટ જવામાં મને થોડું મોડું થઇ રહ્યું હતું. આશુ-શ્રીએ ફટાફટ ‘ખાના પીના’માંથી મારા માટે જમવાનું મંગાવ્યું. મારાથી ખાવાયું તેટલું મેં ખાધું અને બાકીનું મેં મારી સાથે લઇ લીધું જે, પાછળથી ખૂબ સારો નિર્ણય સાબિત થયો. આશુ, શ્રી અને સૅમ મને આકિહાબારા સ્ટેશન સુધી મૂકવા આવ્યા. ત્યાં પાંચેક મિનિટ તેમની સાથે વાત કરીને હું ટ્રેન સ્ટેશનમાં ટિકિટ-ચેક તરફ જઈ રહી હતી ત્યારે એ ત્રણેએ ટિપિકલ જાપાનીઝ ઢબે એકસાથે ત્રણ વખત ઝૂકીને મને આવજો કહ્યું.

ટ્રેનમાં બેસતા જ મને ભયંકર એકલતા સાલવા માંડી. દુઃખ કદાચ એ નહોતું કે, વૅકેશન પૂરું થઇ ગયું હતું પણ, તેનું હતું કે, અમે પાંચે અનિર્ધારિત સમય સુધી ફરી મળી શકવાનાં નહોતા.

આ ટ્રિપ પછી હું ઇચ્છુ છું કે, વસંત ઋતુમાં ચેરી-બ્લૉસમ સીઝનમાં ફરી એક વખત જાપાનની મુલાકાત લઉં. હવે જોઈએ એ ઈચ્છા ક્યારે પૂરી થશે. થશે પણ છે કે નહીં. :)