સાન ફ્રાન્સિસ્કો

અમેરિકા, સાન ફ્રાન્સિસ્કો

કળા અને ટેકનોલોજીનું સારામાં સારું મિશ્રણ. પ્રખ્યાત અને સુંદર ગેરુઓ લાલ ગોલ્ડન ગેઇટ બ્રિજ. બીજો ઓછો પ્રખ્યાત બે બ્રિજ. ઘણી બધી ટેકરીઓ. અઘરાં ઢાળ. મોંઘી પ્રોપર્ટી. યુનિયન સ્ક્વેર. કેબલ કાર્સ. શહેરમાં ક્યાંય પણ જવા માટે ત્રણ પ્રકારનાં ટ્રાન્સપોર્ટનાં ઓપ્શન – બાર્ટ (ઉર્ફે સબવે ઉર્ફે મેટ્રો ટ્રેઈન), મ્યુની – બસ અને મેટ્રો – લાઈટ રેઇલ. ડાઉનટાઉનમાં ઘણાં બધાં ટૂરિસ્ટ. ટેન્ડરલોઈન, ફાઈનાન્શિયલ ડીસ્ટ્રીક્ટ અને પાવલ સ્ટ્રીટની શરૂઆતમાં ઘણાં બધાં બેકાર, બેઘર લોકો અને પેશાબની વાસ. ઘણું બધું રેન્ટ. ઘણું બધું આર્ટ. મિશનનાં મ્યુરલ્સ. ડાઉનટાઉનથી દસ જ મિનિટ દૂર પૂર્વમાં જતાં જાણે આખું નવું જ શહેર. ઘણાં બધાં વૃક્ષો અને સુંદર વ્યૂ. જૂનાં ક્યૂટ વિક્ટોરિયન ઘર. વિશાળકાય સુંદર ગોલ્ડન ગેઇટ પાર્ક. ડી યન્ગ આર્ટ મ્યુઝીયમ અને લીજ્યન ઓફ હોનર આર્ટ મ્યુઝીયમ્સ જ્યાંનું આખું કલેક્શન નિરાંતે જોતાં આઠ કલાકનાં બે દિવસ પણ ઓછાં પડે. ડી યન્ગ મ્યુઝિયમનો બોટીચેલી ટુ બ્રાક  (Botticelli to Braque) નો ક્લાસિક અનુભવ. કેલીફોર્નિયા અકેડેમી ઓફ સાયન્સની પ્રખ્યાત ‘નાઈટલાઈફ’ – nerd heaven. એકસ્પ્લોરેટોરીયમ – આખી જગ્યા જોવા માટે એક રાત ઓછી પડે અને ત્યાં અંદર દાખલ થતાં જ તમારામાંનું બાળક જીવી ઊઠે – કેલ અકેડેમી કરતાં પણ મોટું nerd heaven.

ફ્રેન્ડલી લોકો. મારાં લાંબા, કર્લી વાળ પર સાવ અજાણ્યા લોકો પાસેથી મને આ શહેરમાં જેટલાં કોમ્પ્લીમેન્ટ મળ્યાં છે તેટલાં ક્યાંયે બીજે નથી મળ્યાં. પર્થનાં પ્રમાણમાં નવાં લોકો સાથે ગાઢ દોસ્તી બનાવતાં લાગેલો સમય – લગભગ અડધો (પર્થમાં છ મહિને પણ ખાસ મેળ નહોતો પડ્યો. અહીં ત્રણ મહિનામાં જ રેડી!) અતિશય સરસ વર્કપ્લેસ (ટચવૂડ). ફ્રેન્ડલી કલીગ્સ. એક પણ દિવસ લગભગ એકલું લન્ચ નથી કરવાનું આવ્યું. એકસાઈટિંગ, અઘરાં પ્રોજેક્ટ્સ અને ફ્લેક્સીબલ કલાકો. Working from home on Fridays (or any other two or more weekdays) is the norm, not an exception (I know right! :D). પર્થની સરખામણીમાં વર્કફોર્સની ઉમર પ્રમાણમાં ઘણી ઓછી. ઓફિસનું કલ્ચર એકદમ કેઝ્યુઅલ. પર્થમાં શુક્રવાર કેઝ્યુઅલ કપડાંનો દિવસ હતો. અહીં રોજ કેઝ્યુઅલ કપડાંનો દિવસ હોય છે. બોસ (અને બીજાં ઘણાં બધાં લોકો) કામ પર હંમેશા શોર્ટ્સ અને ટી-શર્ટ જ પહેરીને આવે છે. કંપનીનાં ફાઉન્ડરને પણ મેં ક્યારેય સૂટમાં નથી જોયો. પર્થમાં કામ પર પહેરતી એ લગભગ બધાં જ ફોર્મલ કપડાં જવા દેવામાં આવ્યા છે. રોજની હેર-સ્ટાઈલ બનનાં બદલે કર્લી ખુલ્લા વાળની થઇ ગઈ છે. ભારતથી બહાર આવ્યા પછી છ વર્ષે પહેલી વખત અહીં સાંભળ્યું – કોઈ નવરાએ રસ્તા વચ્ચે તેની વેન ઊભી રાખીને રાડ પાડી ‘hey!” મેં પાછળ ફરીને જોયું તો કહે “Are you available for a little ‘friendship’?” બોલો લ્યો. આ ‘ફ્રાંડશિપ’ વાળાં બધાં આપડે ત્યાં અહીંથી જ શીખીને આવ્યાં હશે વીસ વર્ષ પહેલાં.

કોઈ પણ ફીલ્ડમાં કામ કરતાં હો પણ જો એ તમારો શોખ પણ હોય તો તેમાં થતાં નાના-મોટાં કામ વિશે જાણવા માટે અને ઇન્ડસ્ટ્રિનાં બીજાં લોકોને મળવા માટેનાં ઢગલાબંધ વિકલ્પો દા.ત. meetup.com પર ઓર્ગનાઈઝ થતી ઈવેન્ટ્સ જેમાં કોઈ પણ જોડાઈ શકે છે. વિચિત્રમાં વિચિત્ર રસ માટે પણ meetupનાં વિકલ્પો જેમ કે, ક્લાસિકલ મ્યુઝિક. તમને બાખ, બેથોવન, સ્ત્રાવિન્સકી વગેરેમાં રસ હોય તો ચિંતા નહીં. તમારાં જેવાં બીજાં પણ અમુક યુવાનો/યુવતીઓ છે જેમને પણ તેમાં રસ છે અને તેની ઈવેન્ટ્સમાં તમે જોડાઈ શકો છો. પર્થમાં એ અશક્ય હતું. લગભગ બધાં જ યુવાન લોકો કાં તો મેટલ સાંભળતાં અથવા તો પોપ મ્યુઝિક. ત્યાં હું અગ્લી ડકલિંગ હતી. અહીં બધાં જ પોતપોતાની રીતે અગ્લી ડકલિંગ છે અને દરેકને માટે કોઈ ને કોઈ ગ્રૂપ છે. શહેરનાં શોપિંગ અને જમવાનાં કલાકો મોડાં છે. મારાં ઘરથી બધી જ પ્રકારની દુકાનો એકદમ નજીક છે – બધે જ ચાલીને જઈ શકાય તેટલી નજીક.

શહેરમાં બે જોબ્સવાળા કપલ્સ સિવાય લગભગ કોઈ પાસે કાર નથી. પાર્કિંગ ફીઝ અને ટ્રાફિક બંને પાડી દે તેવાં. શહેરનાં યુવાનો બધાં જ લગભગ ‘ઉબર’ અને ‘લિફ્ટ’ પર જીવે છે અને એ બંનેની સર્વિસ ઘણી સસ્તી પણ છે. શહેરથી દૂર બહાર જવા માટે ‘ઝિપકાર’, ‘ગેટઅરાઉન્ડ’ વેગેરે પરથી આરામથી કાર હાયર થઇ શકે. સાઉથ બે એટલે કે, સાન્ટા ક્લારા, સનીવેલ, માઉન્ટન વ્યૂ વગેરે ખૂબ દૂર છે. કારમાં ટ્રાફિક ન હોય તો સવા કલાક જેટલું અંતર થાય અને ટ્રાફિક હોય તો દોઢ કલાક ઓછાંમાં ઓછી. ટ્રેનમાં બે કલાક ઓછામાં ઓછી. પરિવારવાળાં લગભગ બધાં જ ભારતીયો સાઉથ બે અને ફ્રીમોન્ટ તરફ રહે છે. મારાં કથક ક્લાસ હવે શહેરથી એક કલાક દૂર ફ્રીમોન્ટમાં છે એટલે મંગળવારે રાત્રે નવ પહેલાં ઘરની શકલ જોવામાં આવતી નથી. અહીં શિફ્ટ થયાં પછી છેક ચાર મહિને પહેલી વાર ઘરમાં કરિયાણાનો પહેલો રાઉન્ડ આવ્યો. બહાર હેલ્ધી ફૂડનાં ઢગલાબંધ વિકલ્પો મળી રહે છે. ૬૦નાં દશકામાં અહીંની હિપ્પી મૂવમેન્ટનાં પ્રતાપે વેજીટેરીયન/વેગનની બોલબાલા ખૂબ છે એટલે શાકાહારીઓ માટે તો આ ચોક્કસપણે સ્વર્ગ જ છે. દુનિયાનાં લગભગ દરેક પ્રકારનાં જમણ માટે અહીં ઓછામાં ઓછું એક વેગન રેસ્ટોરાં તો મળી જ રહેશે.

ઓકલેન્ડનું મારું વર્ક લોકેશન સુપર્બ. વર્કથી એકદમ નજીક લેઈક મેરિટ અને તેની આસપાસ સુંદર પાર્ક જ્યાં ઘણી વખત શુક્રવારે અમે પિકનિક લન્ચ કરતાં હોઈએ છીએ. ઓકલેન્ડ કદાચ સાન ફ્રાન્સિસ્કો કરતાં પણ વધુ આર્ટિસ્ટિક છે. સાન ફ્રાન્સિસ્કો મોંઘુ થવાનાં કારણે અહીંનાં કલાકારો બધાં જ ઓકલેન્ડ વિસ્થાપિત થવા લાગ્યાં છે. દર મહિનાનાં પહેલાં શુક્રવારે થતો ‘ફર્સ્ટ ફ્રાઈડે’ સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલ અદ્ભુત છે, આવતી બારમી તારીખે ઓકલેન્ડમાં ક્રૂસીબલ નામની એક આર્ટ ફેક્ટરીમાં લાઈવ ગ્લાસબ્લોઇંગ અને અન્ય આર્ટ ડેમોઝ સાથે પાર્ટી અટેન્ડ કરવામાં આવશે. શહેરનાં યુવાનોનું ડ્રગ્સ પ્રત્યેનું વલણ રસપ્રદ છે. ગાંજો અને ગાંજાની ખાઈ શકાય તેવી ઘણી બધી વેરાઈટી ડલોરસ પાર્કમાં આરામથી મળી રહે. ગાંજાનો રીક્રીયેશનલ ઉપયોગ નિયમ છે, અપવાદ નહીં. એ સિવાયનાં સિન્થેટિક રીક્રિયેશનલ ડ્રગ્સ પણ ઘણાં બધાં યુવાનો કરતાં હોય છે અને એ લોકોનાં જીવન અને રહેણીકરણી બિલકુલ સામાન્ય છે. ડ્રગ્સનું આપણી ફિલ્મોમાં બતાવવામાં આવતું વર્ઝન વધુ પડતું જ નાટકીય છે અને દારૂની જેમ જ જેમણે ડ્રગ્સ ટ્રાય કર્યા હોય કે રીક્રીએશનલી યુઝ કરતાં હોય એ બધાં જ બંધાણી નથી હોતાં. પર્થમાં આ બાબતે લોકો ભારતની જેમ જ ટ્રેડીશનલ છે. જ્યારે. અહીં વધુ લિબરલ છે.

મને ખાતરી છે કે, આ લખ્યું તેનાં ઉપરાંત પર સાન ફ્રાન્સિસ્કોનું ‘સિગ્નેચર’ કહેવાય એવું ઘણું બધું લખવાનું હું ભૂલતી જ હોઈશ. આ શહેર એટલું વિશાળ અને એટલું વૈવિધ્યસભર છે કે, મેં જોયેલી દરેક જૂદી જૂદી જગ્યાઓ અને વિસ્તારો વિશે સ્વતંત્ર બ્લોગ-પોસ્ટ્સ બની શકે. એટલે હવે પછીની ઘણી બધી પોસ્ટ્સ અહીંનાં રસપ્રદ સ્થળો અને તેનાં ફોટોગ્રાફ્સનું મોટું બધું કલેક્શન હશે. બાઈ ધ વે, હવેની નવાં સ્થળોની ટ્રાવેલિંગ ફ્રિકવન્સી એટલી વધી ગઈ છે કે, મારાં માટે અપ-ટુ-ડેટ રહેવાનું અઘરું પડવાનું છે. કાલે સાંજે લોન્ગ વીકેન્ડ માટે ઓસ્ટીન – ટેક્સસ તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે. ;)

5 thoughts on “સાન ફ્રાન્સિસ્કો

  1. અરે હા. એ તો લખવાનું ભુલાઈ જ ગયું કે, બધાં કેટલાં ફિટ છે અને લગભગ બધાં જ દોડતાં અથવા તો સાઈકલિંગ કરતાં જોવા મળે છે.

ટિપ્પણીઓ બંધ છે.