પાંચ વાગ્યા આસપાસ અમે એક સુંદર ટેકરીઓવાળા વિસ્તારમાંથી પસાર થતાં હતાં. ત્યાં ધુમ્મસની શરૂઆત થઇ ગઈ હતી અને સૂર્ય આથમતો હતો. અડધી પોણી કલાક સૂર્ય આથમ્યો ત્યાં સુધી બસ ત્યાંથી પસાર થતી રહી. એ નજારો એટલો અદ્ભુત હતો કે, ન પૂછો વાત! એ જગ્યા કઈ હતી એ રાયને અમને કહ્યું હતું. પણ, મને હવે યાદ નથી. એ દરમિયાન તેણે કોમેડીનો એક પોડકાસ્ટ વગાડયો હતો. એ મને અને જેક (ફર્ગ્યુસન)ને બહુ ગમ્યો અને અમે બંને વિચારતાં રહ્યાં એ કમીડીયન કોણ હશે. સૂર્યાસ્ત થયો પછી તરત જ અમારો મૂકામ હતો એક ગ્રોસરી સ્ટોર. ત્યાં રાયને બધાંને દસ ડોલર આપ્યાં અને પ્લાન સમજાવ્યો. યોસેમિટીમાં બધાં રૂમમાં બેનાં બદલે ત્રણ લોકો રહેવાનાં હતાં. અમારાં રૂમ સ્પેશિયલ હતાં. અમે ત્યાં રૂમ નહીં પણ શેલે (chalet)માં રહેવાનાં હતાં અને દરેકનાં શેલેમાં ફ્રિજ અને રસોડાંની સુવિધા હતી. તેનો સારામાં સારો લાભ ઊઠાવવા માટે દરેક ઘરનાં લોકો ભેગાં મળીને પોતાને ગમે તે બ્રેક-ફસ્ટ બનાવી શકે અને બધાં સાથે શેર કરી શકે. અને કંઈ અઘરું બનાવવું પણ જરૂરી નહીં. ફ્રૂટ્સ, ફ્રોઝન યોગર્ટ, બ્રેડ-બટર વગેરે લો તો પણ ચાલે. મારો કંઈ જ બનાવવાનો વિચાર નહોતો એટલે મેં ફ્રૂટ્સ અને ફ્રોઝન યોગર્ટ ખરીદ્યાં. કેલીએ બ્રેડ અને એગ્ઝ ખરીદ્યાં. અમે બહાર આવ્યાં અને બસમાં બેઠાં પછી અમને અમારાં નવાં રૂમ-મેટ વિશે જણાવવામાં આવ્યું. હું અને કેલી યથાવત્ રહ્યાં હતાં અને અમારી સાથે એઇમિને ઉમેરવામાં આવી હતી. તેની સાથે અમારું જામતું હતું એટલે અમે ખુશ હતાં.
ત્યાંથી નીકળ્યાં ત્યારે રાત થઇ ચૂકી હતી. સામાન્ય રીતે કન્ટીકીની કોઈ પણ ટૂરમાં રાતની મુસાફરી બિલકુલ નથી થતી હોતી. એ અમારી પહેલી અને છેલ્લી રાતની મુસાફરી હતી. પછીનો મુકામ એક સાલડ-બાર હતો. ત્યાં ડિનર માટે ઓલ-યુ કેન-ઈટ બફેની વ્યવસ્થા હતી અને કેટલાં દિવસો પછી ઘણાં બધાં તાજાં લીલાં શાકભાજી જોઇને બધાં બહુ ખુશ થયાં. એ દિવસે બસમાં જેક સાથે મારી ઘણી વાત થઇ. અમે અમારી ઓસ્ટ્રેલિયાનાં જીવન, પરિવાર વગેરે વિશે વાત કરી. ડીનર પછી બસમાં રાયને અમને તેની ટૂર મેનેજર તરીકેની ખરાબમાં ખરાબ સફરની વાત કહી. નસીબજોગે એ પણ તેની સાથે આ વેગસ થી યોસેમિટીવાળા રસ્તા પર જ બન્યું હતું. It was a perfect example of ‘everything that could go wrong, did go wrong.’ અમે યોસેમિટી પહોંચ્યા ત્યારે સાડા નવ થઇ ચૂક્યા હતાં અને લગભગ બધાં પોતપોતાનાં શાલેમાં જઈને સીધાં ઊંઘી ગયાં. એ દિવસે મેં કેલી અને એઈમીને સૌથી છેલ્લે મને ઊઠાડવાનું કહ્યું હતું. હું ખૂબ થાકેલી હતી અને આરામથી ઊંઘવા માગતી હતી. એ લોકોએ ખરેખર એમ કર્યું. સવારે આઠ વાગ્યે અમારે નીકળવાનું હતું અને મારી પાસે માંડ ૨૫ મિનિટનો સમય હતો તૈયાર થવા માટે. ભૂખ ખૂબ લાગી હતી પણ બ્રેક-ફસ્ટ માટે સમય નહોતો અને આગલા દિવસે મેં ફ્રૂટ અને ફ્રોઝન યોગર્ટ લીધાં હતાં એ હું સાવ ભૂલી ગઈ હતી. એ બંને વસ્તુ હું બસમાં આરામથી ખાઈ શકી હોત.
બસ લેકથી યોસેમિટી તરફ અમે આઠ વાગ્યા આસપાસ પ્રયાણ કર્યું. સૌથી પહેલો મુકામ એક સીનિક જગ્યા હતી જ્યાં અમે બધાએ ગ્રૂપ-ફોટો પડાવ્યો. અમારા બધાં જ ગ્રૂપ ફોટોઝમાંથી એ મારો ફેવરિટ છે. ઘણાંને એ સ્થળ એટલું સુંદર લાગ્યું હતું કે, એ ફોટોમાં “The background looks so fake!” એ ongoing joke બની ગયો હતો. યોસેમિટીમાં અંદર પહોંચ્યાં પછી અમને એક સ્ટોર પાસે ઊતારવામાં આવ્યાં હતાં. ત્યાં પંદર મિનિટનો બ્રેક હતો અને પછી અમારી પાસે બે વિકલ્પ હતાં. રાયન સાથે હાઈકિંગ માટે જવું અથવા પોતાની રીતે યોસેમિટી એક્સ્પ્લોર કરવું. મારે એ જગ્યા આરામથી જોવી હતી અને મન પડે ત્યાં વધુ સમય રોકાવું હતું એટલે હું હાઈકિંગ માટે ન ગઈ. નવાં લોકોમાંથી એક કનેડીયન કેલી (મારી રૂમ-મેટ નહીં) અને એલીની પણ હાઈક પર નહોતાં જવા ઈચ્છતા. આમ, અમે ત્રણેએ યોસેમિટીની શટલ બસમાં ચડીને એક પછી એક રસપ્રદ લાગે તેવાં સ્ટોપ્સ પર ઊતરીને એ જગ્યા જોવાનું વિચાર્યું. રાયને અમને અઢી વાગ્યા સુધીમાં જ્યાં ઊતરવામાં આવ્યાં હતાં તે જ સ્થળે પાછા ફરવાનું કહ્યું હતું. અમારી પાસે ચાર કલાક જેવો સમય હતો એ સ્થળ જોવાનો અને તેનો અમે પૂરેપૂરો ફાયદો ઊઠાવ્યો. યોસેમિટી એટલું સુંદર છે કે, ન પૂછો વાત! પાનખરનાં આટલાં સુંદર રંગો મેં એ પહેલાં ક્યાંયે નહોતાં જોયાં.જાણે કોઈ ક્લાસિક અમેરિકન ફિલ્મનાં પાનખરનાં દ્રશ્યો સજીવન થઇ ગયાં હોય! ત્યાંની નદીનું પાણી એકદમ સ્થિર હતું અને લગભગ બે=બે કિલોમીટરનાં અંતરે બ્રિજ હતાં. તેનાં પર ઊભા રહીને પાણીમાં જોઈએ તો ટેકરીઓ અને ઊંચાં વૃક્ષોનું અદ્ભુત પ્રતિબિંબ પડતું હતું. યોસેમિટી તેનાં ઝરણાંઓ માટે પ્રખ્યાત છે. પણ, ત્યારે બધાં જ ઝરણાં સૂકાયેલાં હતાં કારણ કે, કેલીફોર્નિયાનો દૂકાળ. ઝરણાં વિના પણ એ જગ્યા એટલી સુંદર હતી તો જયારે જળ-પ્રવાહ ફરી શરુ થશે ત્યારે એ કેવી લાગશે..
પાનખરનાં રંગો, ગુલાબી ઠંડી અને નિરવ શાંતિ આ ત્રણેનાં સંગમે મને ‘ડેડ પોએટ્સ સોસાયટી’નાં અમુક દ્રશ્યો યાદ કરાવી દીધાં હતાં. કેલી બોલી ઊઠી હતી કે, આમ તો મને સિંગલ હોવાનું ક્યારેય અજૂગતું નથી લાગ્યું. પણ, આ જગ્યાએ એમ થાય છે કે, કાશ હું અહીં મારા કોઇ પાર્ટનર સાથે હોત. હું તેની સાથે સહમત હતી. એ જગ્યાએ એ સમયે ઠાંસી-ઠાંસીને રોમાન્સ ભર્યો હતો. બે વાગ્યે અમે પાછાં જવા માટે નીકળ્યા ત્યારે અમે શટલ બસનાં લગભગ પોણાં ભાગનાં સ્ટોપ્સ પર જ ઊતરી શક્યા હતાં. બાકીની જગ્યા કેવી હશે તેનું ફક્ત અમારે અનુમાન જ કરવાનું હતું. Sadly enough, યોસેમિટીમાં એ અમારો પહેલો અને છેલ્લો દિવસ હતો. પછીનાં દિવસે અમે સાન ફ્રાન્સિસ્કો તરફ પ્રયાણ કરવાનાં હતાં. સવા બે આસપાસ અમે નિર્ધારિત સ્થળે પહોંચી ચૂક્યા હતાં. અમુક લોકો એ હાઈક પર અડધેથી જ પાછાં ફર્યાં હતાં એ લોજમાં લન્ચ કરતાં હતાં અને અમે તેમની સાથે કંપની માટે જોડાયા. અઢી ને દસ થઇ છતાં કોઈ જ દેખાતું નહોતું. અંતે ત્રણ વાગ્યે અમુક લોકો પાછાં ફર્યાં અને સમાચાર આપ્યાં કે, અમારાં મિત્ર લીઅમને ઘૂંટી પાસે એટલું ખરાબ રીતે વાગ્યું છે કે, એ સાંધા પાસે તેનું એક હાડકું દેખાય છે. ગ્રૂપમાં સોપો પડી ગયો. પર્થ બોય્ઝ મજબૂત હતાં અને તેમણે લીઅમને ઊંચકીને નીચે લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ એ સતત ના પાડી રહ્યો હતો કારણ કે, તેને બહુ જ દુખતું હતું. જો કે, તેને નીચે સુધી તો લાવવો જ પડે તેમ હતો. તેનાં સિવાય તેની ઇન્શ્યોરન્સ કંપની કંઈ જ કરી શકે તેમ નહોતી. ઈમરજન્સી હેલીકોપ્ટર બોલાવી શકાય તેમ હતું પણ તે બહુ વધુ પડતું મોંઘુ પડે.
અંતે ચાર વાગ્યા આસપાસ તેને ઊંચકીને બધાં નીચે સુધી લાવ્યાં અને તેને સીધો જ પાર્કનાં મેડિકલ ક્લિનિક પર લઇ જવામાં આવ્યો હતો. અંતે સવા ચાર આસપાસ અમે ત્યાંથી નીકળ્યાં અને ફરી બાસ લેક તરફ પ્રયાણ કર્યું. નસીબજોગે એ દિવસે અમારાં સ્કેડ્યુલમાં બીજું કંઈ જ નહોતું એટલે અમે ફરી ક્યાંય જવા માટે મોડાં નહોતાં પડ્યાં. સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ અમે અમારાં શેલે પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત શરુ થઇ ચૂક્યો હતો અને અમે બસમાંથી ઊતરીને સીધાં લેક તરફ ગયાં. ત્યાંથી સૂર્યાસ્તનો બહુ જ સુંદર નજારો માણી શકાતો હતો. યોસેમિટીમાં અમારી એ છેલ્લી સાંજ હતી એટલે સાન ફ્રાન્સિસ્કોનાં મારાં મિત્રો સાથે તેમને મળવા અને સાથે ફરવા માટે કો-ઓર્ડીનેટ કરવાની શરૂઆત થઇ ચૂકી હતી. હું લેકની બહુ નજીક જવાને બદલે જ્યાં સુધી વાઈ-ફાઈ કનેક્શન મળતું હતું ત્યાં સુધી જ ગઈ. કદાચ ગ્રાન્ડ કેન્યનનાં સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયાં પછી બાસ લેકનો મોહ નહોતો રહ્યો. ઉપરાંત હું ફરી ‘મારાં’ મિત્રોને મળવા માટે ખૂબ આતુર હતી. ઘરે જવાને હજુ સાત દિવસની વાર હતી. પણ, છતાંયે મારાં જાણીતાં લોકો વચ્ચે જઈ રહી હતી એટલે ઘરે જવા જેટલો જ આનંદ અનુભવી રહી હતી. સાન ફ્રાન્સિસ્કોમાં એટલે જ મેં મારી ટ્રિપનો સૌથી વધુ સમય ફાળવ્યો હતો કે, હું આરામથી બધે ફરી શકું અને બધાં જ મિત્રોને મળી શકું.